(ડિસેમ્બર ૧૧, ૧૮૯૫)
યોગની આ તર્કશુદ્ધ તથા દાર્શનિક બાજુ છે અને ઘણી કઠિન પણ છે. પરંતુ હું તમને ધીમે ધીમે તેનાથી પરિચિત કરીશ.
યોગ એટલે માણસ અને ઈશ્વરને જોડવાની પદ્ધતિ. જ્યારે તમે આ સમજો ત્યારે તમે માણસની અને ઈશ્વરની તમારી પોતાની વ્યાખ્યા કરીને પણ આગળ વધી શકશો; તમને જણાશે કે ‘યોગ’ શબ્દ પ્રત્યેક વ્યાખ્યા સાથે બંધબેસતો થઈ શકે છે. હંમેશાં યાદ રાખો કે જુદાં જુદાં મન માટે જુદા જુદા યોગો છે અને જો એક તમને અનુકૂળ ન આવે તો બીજો આવી શકશે. બધા ધર્મોના બે વિભાગ હોય છે; સિદ્ધાંત અને સાધના. પાશ્ચાત્ય મન માત્ર સિદ્ધાંતોમાં જ મશગૂલ છે અને સત્કાર્યોને જ ધર્મના વ્યાવહારિક આચરણ તરીકે તે જોઈ શકે છે. યોગ ધર્મનો વ્યવહારુ ભાગ છે અને ધર્મ એ સત્કાર્યોથી અલગ એવી એક મહાન વ્યાવહારિક શક્તિ છે એમ તે બતાવે છે.
ઓગણીસમી સદીની શરૂઆતમાં માણસે ઈશ્વરને તર્ક દ્વારા શોધવાનો પ્રયત્ન કર્યો, પરિણામે એકેશ્વરવાદ આવ્યો. આ વિચાર પદ્ધતિમાંથી ઈશ્વરનો જે થોડોક અંશ પણ બાકી બચ્યો હતો તેનો ડાર્વિન અને મીલના સિદ્ધાંતોએ નાશ કર્યો. ત્યાર પછી લોકો ઐતિહાસિક દૃષ્ટિએ અને તુલનાત્મક દૃષ્ટિએ ધર્મનો અભ્યાસ કરવા તરફ વળ્યા. તેમણે ધાર્યું કે ધર્મની ઉત્પત્તિ પ્રાકૃતિક તત્ત્વોની ઉપાસનામાંથી (જુઓ સૂર્ય વિષેની દંતકથા, – મેકસમૂલર) થઈ છે; બીજા એમ માનતા કે ધર્મની ઉત્પત્તિ પિતૃપૂજામાંથી (જુઓ હર્બર્ટ સ્પેન્સરનો મત) થઈ છે; પરંતુ સમગ્રપણે જોતાં આ પદ્ધતિઓ નિષ્ફળ ગઈ છે. મનુષ્ય બાહ્ય પદ્ધતિઓ દ્વારા સત્યને પહોંચી શકે નહિ.
‘જો મને માટીના એક ઢેફાનું જ્ઞાન થાય તો સમગ્ર માટીનું જ્ઞાન થઈ જાય’, એ જ યોજના પર સમગ્ર વિશ્વની રચના થઈ છે. માટીના ઢેફાની પેઠે વ્યક્તિ તો માત્ર એક અંશ છે. જો આપણે માનવ આત્માને જાણીએ – જે સમગ્રના એક અણુ સમાન છે – તેનો આદિ અને તેનો સામાન્ય ઇતિહાસ જાણીએ તો આપણે સમસ્ત પ્રકૃતિને જાણીએ. જન્મ, વૃદ્ધિ, પરિણામ, અપક્ષય અને નાશઃ સમગ્ર પ્રકૃતિમાં આ ક્રમ લાગુ છે અને વનસ્પતિ તેમજ માનવને પણ તે જ લાગુ પડે છે. તફાવત ફક્ત સમયનો જ હોય છે. એક કિસ્સામાં આ ચક્ર એક જ દિવસમાં પૂરું થાય, તો બીજામાં સિત્તેર વર્ષમાં; પરંતુ પદ્ધતિઓ તો એક જ છે. વિશ્વના સાચા પૃથક્કરણે પહોંચવાનો એક માત્ર રસ્તો આપણા પોતાના મનના પૃથક્કરણ દ્વારા જ છે. ધર્મની યથાર્થ સમજણ માટે યોગ્ય મનોવિજ્ઞાન આવશ્યક છે. કેવળ તર્કથી જ સત્યને પહોંચવું અશક્ય છે, કારણ કે અપૂર્ણ એવો તર્ક પોતાના જ મૂળભૂત પાયાનો અભ્યાસ કરી ન શકે. તેથી મનનો અભ્યાસ કરવાનો એક જ માર્ગ છે કે હકીકતો મેળવવી; પછી બુદ્ધિ તેમને ગોઠવશે અને તેમાંથી સિદ્ધાંતો તારવશે. બુદ્ધિને એક ઘર બાંધવાનું છે પણ ઇંટો વિના તે બાંધી ન શકે, તેમ ‘તે’ પોતે ઇંટો બનાવી ન શકે. હકીકતોને મેળવવાનો નિશ્ચિતમાં નિશ્ચિત માર્ગ જ્ઞાનયોગ છે.
પહેલાં મનની રચના લઈએ. આપણને ઇન્દ્રિયો છે; આ ઇન્દ્રિયોના બે વિભાગ છેઃ કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો. ઇન્દ્રિયોનો અર્થ હું ઇન્દ્રિયોનાં બાહ્ય સાધનો (જેવાં કે કાન, આંખ વગેરે) નથી કરતો. મગજમાં રહેલું દૃષ્ટિનું કેન્દ્ર, એ જ દર્શનની ઇન્દ્રિય છે, એકલી બાહ્ય આંખ નહિ. તેવી જ રીતે બધી ઇન્દ્રિયોમાં કાર્ય તો આંતરિક હોય છે; માત્ર મન જ્યારે પ્રતિક્રિયા કરે છે ત્યારે જ પદાર્થ સાચી રીતે અનુભવાય છે. સંવેદનાના જ્ઞાન માટે અંતઃસંચારી (જ્ઞાનેન્દ્રિય) અને બહિઃસંચારી (કર્મેન્દ્રિયો) જ્ઞાનતંતુઓ આવશ્યક છે.
પછી આવે છે મન પોતે. તે એક સ્થિર – શાંત સરોવર જેવું છે; અંદર એકાદ કાંકરો પડતાં તેમાં તરંગો ઊઠે છે. તરંગો સઘળા એકઠા મળીને કાંકરા પર પ્રતિક્રિયા કરે છે અને આખા સરોવરમાં તેઓ ફેલાય છે અને અનુભવી શકાય છે. મન આવા સરોવર જેવું છે. તેમાં કાયમ તરંગો ઉત્પન્ન થયા જ કરે છે; આ તરંગો મન પર એક છાપ પાડે છે અને ‘હું’ પણાની ભાવના કે વ્યક્તિત્વ કે ‘અહમ્’, એ આ સંસ્કારોનું પરિણામ છે. તેથી ‘અહમ્’ તો માત્ર શક્તિનો અતિ ઝડપી સંચાર જ માત્ર છે, તે પોતે અલગ અસ્તિત્વ ધરાવતું નથી.
ચિત્ત એ પ્રાણશક્તિને ગ્રહણ કરવા માટે વપરાતું નાજુક અતિસૂક્ષ્મ જડદ્રવ્યનું બનેલું સાધન છે. માણસ જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે શરીર નાશ પામે છે. પરંતુ બીજું બધું નષ્ટ થઈ ગયા પછીયે મનનો એક અંશ, બીજરૂપે રહી જાય છે; અને સેન્ટ પોલ જેને ‘ચિન્મય દેહ’ (આધ્યાત્મિક દેહ) કહે છે તે નવા શરીરનું બીજ આ ચિત્ત છે. મન પણ જડદ્રવ્ય છે એવો આ સિદ્ધાંત આધુનિક સર્વ સિદ્ધાંતો સાથે સુસંગત છે. મૂર્ખમાં બુદ્ધિ નથી હોતી તે કારણે તેના ચિત્તને ઈજા પહોંચેલી હોય છે. બુદ્ધિ જડદ્રવ્યમાં હોતી નથી તેમ જ તે જડદ્રવ્યના કોઈ પણ જાતનાં સંયોજનોથી ઉત્પન્ન કરી શકાતી નથી. તો બુદ્ધિ હોય છે ક્યાં? તે જડદ્રવ્યની પાછળ રહેલી છે; તે જ જીવ છે, તે જ સાચો આત્મા છે; જડદ્રવ્યરૂપી સાધન દ્વારા તે પ્રવૃત્તિ કરતો હોય છે. જડ પદાર્થ વિના શક્તિનો સંચાર શક્ય નથી; અને જીવ એકલો ગમન કરી ન શકે તેથી બીજું બધું જ્યારે મૃત્યુથી નષ્ટ થઈ જાય ત્યારે પણ સંચારના સાધન તરીકે મનનો થોડોક અંશ બાકી રહી જાય છે.
ઇન્દ્રિયોના અનુભવો કેવી રીતે થાય છે? સામેની દીવાલ મારા પર તેની છાપ મોકલે છે, પરંતુ મારું મન પ્રતિક્રિયા ન કરે ત્યાં સુધી હું તેને જોઈ શકતો નથી; એટલે કે માત્ર દૃષ્ટિ વડે જ મનને દીવાલનું જ્ઞાન થઈ શકતું નથી. જે પ્રતિક્રિયા મનને દીવાલનું જ્ઞાન મેળવવાને શક્તિમાન કરે છે તે બૌદ્ધિક પ્રક્રિયા છે. આ રીતે મન (અથવા જ્ઞાનશક્તિ) સહિતની આંખો દ્વારા આખું જગત દેખાય છે. આપણી અંગત વૃત્તિઓ વડે તે અવશ્ય રંગાયેલું હોય છે. ‘સાચી’ દીવાલ કે ‘સાચું’ વિશ્વ તો મનની બહાર છે અને તે અજ્ઞાત અને અજ્ઞેય છે. આ વિશ્વને ‘क्ष’ નામ આપો તો આપણું વિધાન એમ થાય કે ઇન્દ્રિયગ્રાહ્ય વિશ્વ એટલે ‘क्ष’ વત્તા મન.
બાહ્ય જગતની બાબતમાં જે સાચું છે તે આંતર જગતને પણ લાગુ પડવું જોઈએ. મન પોતાને પણ જાણવા ઇચ્છે છે. પણ આ આત્મા મનના માધ્યમ દ્વારા જ જાણી શકાય અને દીવાલની પેઠે તે અજ્ઞાત છે. આત્માને આપણે ‘य’ કહીએ તો એમ કહી શકાય કે ‘य’ વત્તા મન એ અંતરાત્મા. મનનું આ પૃથક્કરણ કરનાર કાન્ટ પહેલો ગણાયો હતો; પરંતુ બહુ પ્રાચીન કાળ પૂર્વે વેદોમાં તે વર્ણવાયેલું છે. આમ જાણે કે મન ‘क्ष’ અને ‘य’ ની વચ્ચે ઊભું છે અને બંને પર પ્રતિક્રિયા કરે છે.
જો ‘क्ष’ અજ્ઞાત હોય તો તેને આપણે જે લક્ષણો આપીએ તે આપણા પોતાના મનમાંથી મેળવેલાં હોય છે. દેશ, કાળ અને નિમિત્ત એ ત્રણ પરિસ્થિતિઓ દ્વારા મન અનુભવ કરે છે. વિચારના સંચાર માટે કાળ જરૂરી છે અને વધુ સ્થૂળ દ્રવ્યનાં આંદોલનો માટે દેશ આવશ્યક છે. જે ક્રમમાં આંદોલનો આવે છે તે ક્રમને નિમિત્ત કહે છે. આ ત્રણ દ્વારા જ મનને જ્ઞાન થઈ શકે. તેથી જે વસ્તુ મનથી પર હોય તે દેશ, કાળ અને નિમિત્તથી પણ પર હોવી જોઈએ.
આંધળા માણસને જગતનું જ્ઞાન સ્પર્શ અને અવાજ દ્વારા થાય છે. પંચેન્દ્રિયોવાળા આપણે માટે એ બીજી જ દુનિયા છે. આપણામાંથી કોઈને જો વિદ્યુત-ઇન્દ્રિય અને વિદ્યુતનાં મોજાં જોવાની શક્તિ આવે, તો દુનિયા જુદી જ દેખાય. છતાં પણ આ બધાને, ઉપર કહેલ ‘क्ष’ ની જેમ દુનિયા એક જ છે. જેવું પ્રત્યેકનું મન તેવી દરેકને પોતાની દુનિયા દેખાય છે. ‘क्ष’ વત્તા એક ઇન્દ્રિય છે, ‘क्ष’ વત્તા બે ઇન્દ્રિય છે અને આપણે જાણીએ છીએ તેમ માનવજાત આમ ‘क्ष’ વત્તા પાંચ ઇન્દ્રિયો છે. પરિણામ હંમેશાં જુદું જુદું આવે છે, છતાં ‘क्ष’ તો સતત ફેરફાર થયા વિનાનો રહે છે. ‘य’ પણ હંમેશાં આપણા મન અને દેશ, કાળ, નિમિત્તથી પર હોય છે.
પણ કદાચ તમે પૂછશો કે ‘દેશ’, કાળ અને નિમિત્તથી પર બે વસ્તુઓ (‘क्ष’ અને ‘य’) છે એમ આપણે કેમ કરીને જાણીએ?’ તદ્દન સાચી વાત. કાળ ભેદ બનાવે છે, તેથી આ બંને કાળથી ખરેખર પર હોવાથી તેઓ ખરેખર એક જ હોવાં જોઈએ. જ્યારે મન આ ‘એક’ને જુએ છે ત્યારે તેને નામ વિવિધ આપે છેઃ જ્યારે તે બાહ્ય જગત હોય ત્યારે તેને ‘क्ष’ કહે છે અને આંતર જગતને ‘य’ કહે છે. આ એકમનું અસ્તિત્વ છે અને તેને મનના કાચ દ્વારા જોવામાં આવે છે.
પૂર્ણ સ્વભાવનું સત્ કે જે આપણને વિશ્વ સમગ્રમાં દેખાય છે તે ઈશ્વર છે, નિરપેક્ષ સત્તા છે. ભિન્નત્વરહિત એ પૂર્ણ અવસ્થા છે. બીજી બધી ઊતરતા પ્રકારની અને અસ્થાયી હોવી જોઈએ.
તો પછી મન કે જે ભિન્નત્વ રહિત છે, તેને ભિન્નત્વ સહિતનું કોણ બતાવે છે? એ પ્રશ્ન આના જેવો છેઃ કે અનિષ્ટ અને સ્વતંત્ર ઇચ્છાશક્તિનું મૂળ શું છે? એ પ્રશ્ન પોતે જ વિરોધાભાસી અને અસંભવિત છે, કેમ કે આ પ્રશ્ન કાર્ય અને કારણને ગૃહીત ધારીને ચાલે છે. ભિન્નત્વરહિતમાં કાર્ય કરણ હોતું જ નથી; આ પ્રશ્ન એમ જ માની બેસે છે કે ભેદરહિત એ ભેદસહિતની જ અવસ્થામાં છે. ‘શા માટે’ અને ‘કોના માટે’ એ બધું મનમાં જ છે. આત્મા કાર્યકારણથી પર છે અને તે એકલો જ મુક્ત છે. મનની પ્રત્યેક વૃત્તિઓ સોંસરો દેખાય છે તે તેનો પ્રકાશ છે. પ્રત્યેક કાર્ય દ્વારા હું ભારપૂર્વક કહું છું કે ‘હું મુક્ત છું’ અને છતાં પ્રત્યેક કાર્ય સાબિત કરે છે કે હું બદ્ધ છું. સાચો આત્મા મુક્ત છે, પરંતુ મન અને શરીર સાથે જોડાવાથી તે મુક્ત નથી. ઇચ્છાશક્તિ એ સાચા આત્માની પ્રથમ અભિવ્યક્તિ છે, તેથી સાચા આત્માની પહેલી ઉપાધિ આ ઇચ્છાશક્તિ છે. ઇચ્છાશક્તિ એ આત્મા અને મનનું મિશ્રણ છે. હવે કોઈ પણ મિશ્રણ સ્થાયી ન જ હોઈ શકે. તેથી જ્યારે આપણે જીવવાની ઇચ્છા કરીએ, ત્યારે મરવું પણ પડે જ. ‘અમર જીવન’ એ શબ્દો એકબીજાના વિરોધી છે, કેમ કે જીવન એ મિશ્રણ હોવાથી અમર હોઈ ન શકે. સાચું અસ્તિત્વ, સાચી સત્તા તો ભિન્નત્વરહિત અને ‘સનાતન’ છે. તો પછી ઇચ્છા, મન, વિચાર, આદિ સર્વ અપૂર્ણ વસ્તુઓ સાથે આ પૂર્ણ સત્તા કઈ રીતે ભળી જાય છે? તે કદી ભળી જ નથી. તમે સાચા તો ‘તમે’ (આપણે અગાઉ જણાવેલ) જ છો; તમે કદી ઇચ્છાશક્તિ હતા જ નહિ, તમે કદી પરિવર્તન પામ્યા જ નથી, વ્યક્તિ તરીકે કદી તમારું અસ્તિત્વ છે જ નહિ; એ તો ભ્રાંતિ છે. તમે પૂછશો કે તો પછી આ ભ્રાંતિમય દૃશ્યોનો આધાર શો છે? એ પ્રશ્ન જ અયોગ્ય છે. ભ્રમ કદી સત્ય પર આધારિત હોતો નથી, માત્ર ભ્રમ પર જ તે આધારિત હોય છે. આ ભ્રાંતિની પૂર્વે જે હતું તે તરફ જવા, એટલે કે હકીકતમાં મુક્ત થવા દરેક પ્રયત્ન કરે છે. તો પછી જીવનની કિંમત શી? તે આપણને અનુભવ આપવા માટે છે. શું આ મત ઉત્ક્રાંતિવાદને ઉડાવી દે છે? નહિ; ઊલટાનું તે તેનો ખુલાસો આપે છે. વાસ્તવિક રીતે ઉત્ક્રાંતિ એટલે જડદ્રવ્યની શુદ્ધિની પ્રક્રિયા; તેનાથી સાચા આત્માને પોતાને સ્વરૂપે પ્રગટ થવાની તક મળે છે. આપણા અને બીજા કોઈ પદાર્થ વચ્ચે જાણે કે એક પડદો કે બુરખો હોય તેવું તે છે. ક્રમે ક્રમે જેમ જેમ પડદો હઠતો જાય તેમ તેમ પદાર્થ વધારે સ્પષ્ટ થતો જાય. પ્રશ્ન છે ફક્ત વધારે ઉચ્ચ આત્માની અભિવ્યક્તિનો જ. (2.83)

