(ડિસેમ્બર ૧૮, ૧૮૯૫)
જ્ઞાન મેળવવાની આકાંક્ષા રાખનાર માટેનાં સાધનોમાં પ્રથમ શમ અને દમ આવે. આ બંનેને સાથે લઈ શકાય. શમ અને દમનો અર્થ છે ઇન્દ્રિયોને બહાર ભટકવા દીધા સિવાય તેમને તેમના કેન્દ્રમાં જ રાખવી. આ ‘ઇન્દ્રિય’ શબ્દનો અર્થ શું છે એ હું તમને પહેલાં સમજાવીશ. આંખોનો દાખલો લઈએ. આંખો એ દૃષ્ટિની ઇન્દ્રિયો નથી પણ માત્ર સાધનો જ છે. ઇન્દ્રિયો પણ હાજર ન હોય તો મારે આંખો હોવા છતાં હું જોઈ શકું નહિ. પરંતુ ઇન્દ્રિયો અને સાધનો બંને ભલે હોય, પણ જો મન એ બંનેની સાથે સંયુક્ત ન હોય, તો પણ કંઈ દેખાતું નથી. એટલે સંવેદનની દરેક ક્રિયામાં ત્રણ વસ્તુઓ જરૂરી છેઃ એક તો બાહ્ય સાધનો, બીજું આંતરિક ઇન્દ્રિયો અને ત્રીજું મન. જો એમાંથી એક પણ ગેરહાજર હોય તો વસ્તુનો અનુભવ થતો નથી. આ રીતે મન બે સાધનો દ્વારા કાર્ય કરે છેઃ એક બાહ્ય અને બીજું આંતર. હું જ્યારે વસ્તુઓને જોઉં છું, ત્યારે મારું મન બહાર જાય છે, બહિર્મુખ બને છે; પણ ધારો કે હું મારી આંખો બંધ કરું અને વિચારવા માંડું, તો મન બહાર જતું નથી, એ આંતરિક રીતે ક્રિયાશીલ હોય છે. પણ બંને કિસ્સામાં, ઇન્દ્રિયોની ક્રિયાશીલતા તો હોય જ છે. જ્યારે હું તમારા તરફ જોઉં અને તમારી સાથે બોલું, ત્યારે ઇન્દ્રિયો અને સાધનો બંને ક્રિયાશીલ હોય છે. જ્યારે હું મારી આંખો બંધ કરું અને વિચાર કરવા માંડું, ત્યારે ઇન્દ્રિયો ક્રિયાશીલ હોય છે, પણ સાધનો નહિ. આ ઇન્દ્રિયોની ક્રિયાશીલતા વિના વિચાર હોઈ જ ન શકે. તમને જણાશે કે તમારામાંથી કોઈ પણ કંઈક પણ પ્રતીક સિવાય વિચાર કરી નહિ શકો. અંધ માનવીના કિસ્સામાં તેણે પણ અમુક આકૃતિનો ખ્યાલ રાખીને વિચારવું પડે છે. દૃષ્ટિ અને શ્રવણની ઇન્દ્રિયો સામાન્ય રીતે અતિ ચપળ હોય છે. તમારે ખ્યાલમાં રાખવું કે ‘ઇન્દ્રિયો’ શબ્દથી મગજમાં રહેલું ‘જ્ઞાનતંતુનું કેન્દ્ર’ એવો અર્થ થાય છે. બહારની આંખો અને કાન તો માત્ર જોવાનાં અને સાંભળવાનાં સાધનો જ છે; ઇન્દ્રિયો તો અંદર છે. જો કોઈ રીતે આ ઇન્દ્રિયો નાશ પામે તો આંખો અને કાન હોવા છતાં, આપણે જોઈ અગર સાંભળી શકીશું નહિ. તેથી મનને નિયમનમાં રાખવા માટે આપણે આ ઇન્દ્રિયોને પ્રથમ નિગ્રહમાં રાખવી પડશે. મનને બહાર કે અંદર ભટકતું અટકાવવું અને ઇન્દ્રિયોને તેમના પોતપોતાના કેન્દ્રમાં રાખવી એવો અર્થ શમ અને દમ એ બે શબ્દો દ્વારા અભિપ્રેત થાય છે. મનને બહિર્મુખ થવા ન દેવું એનું નામ શમ અને બાહ્ય સાધનોને કાબૂમાં રાખવાં એનું નામ દમ.
હવે આવે છે ઉપરતિ. ઉપરતિ એટલે ઇન્દ્રિયોના વિષયોનો વિચાર ન કરવો તે. આપણો ઘણોખરો સમય ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુઓના વિચારમાં, એટલે કે જે વસ્તુઓ આપણે જોઈ છે કે સાંભળી છે, જે આપણે જોઈશું સાંભળીશું, જે વસ્તુઓ આપણે ખાધી છે કે ખાઈએ છીએ કે ખાઈશું, જે સ્થળે આપણે રહ્યા છીએ કે રહીશું, વગેરે બાબતોના વિચારમાં જાય છે. ઘણોખરો સમય આપણે તેમના વિશે વિચાર કે વાત કરીએ છીએ. જેને વેદાંતી થવાની ઇચ્છા હોય તેણે આ ટેવ છોડી દેવી જોઈએ.
ત્યાર પછી કરવાનું જે સાધન આવે છે (જ્ઞાની થવાનું ઘણું મુશ્કેલ છે!) તે છે તિતિક્ષા. એ સાધના સહુથી મુશ્કેલ છે. એ આદર્શ સહિષ્ણુતાની – ‘અશુભનો પ્રતિરોધ ન કરો’ – ની સ્થિતિ છે. આ સમજવા માટે થોડા સ્પષ્ટીકરણની જરૂર છે. આપણે અશુભનો ભલે પ્રતિરોધ ન કરીએ, પણ તે છતાં ઘણા દુઃખી તો થઈએ. એક માણસ મને અનેક કટુ વચનો સંભળાવે; એ માટે બહારથી હું તેને ધિક્કારું નહિ, હું તેનો પ્રત્યુત્તર પણ વાળું નહિ અને બહારથી ક્રોધિત થતાં હું મારી જાતને રોકું; પણ ક્રોધ અને ધિક્કાર કદાચ મારા મનમાં ભરાઈ રહ્યા હોય અને મને એ માણસ પ્રત્યે ઘણી જ ખરાબ લાગણી પેદા થાય. આ અપ્રતિરોધ નથી; ધિક્કાર કે ક્રોધની કોઈ પણ લાગણી, પ્રતિરોધનો કોઈ પણ વિચાર મારા મનમાં રહેવો ન જોઈએ; જાણે કાંઈ જ બન્યું નથી તેવું સ્વસ્થ મારું મન રહેવું જોઈએ. હું એ સ્થિતિએ જ્યારે પહોંચું ત્યારે જ હું અપ્રતિરોધની સ્થિતિએ પહોંચ્યો કહેવાઉં, ત્યાર પહેલાં નહિ. પ્રતિરોધ કરવાનો કે હાંકી કાઢવાનો વિચાર પણ કર્યા સિવાય, મનમાં કોઈ પણ પ્રકારની દુઃખની લાગણી કે પશ્ચાત્તાપ સિવાય સર્વ દુઃખો સહેવાં; આનું નામ તિતિક્ષા છે. ધારો કે હું પ્રતિરોધ કરતો નથી અને એને પરિણામે કોઈ મહાન અનિષ્ટ ઊતરે છે; જો મારામાં તિતિક્ષા હોય તો પ્રતિરોધ ન કર્યા બદલ મારા મનમાં જરાય પશ્ચાત્તાપ થવો ન જોઈએ. જ્યારે મન એવી સ્થિતિએ પહોંચ્યું હોય, ત્યારે એ તિતિક્ષામાં પ્રતિષ્ઠિત થયું કહેવાય. આ તિતિક્ષાની સાધના સારુ હિંદના લોકો અદ્ભુત ક્રિયાઓ કરે છે. બેપરવા રહીને તેઓ સખત ગરમી અને ઠંડી સહન કરે છે; બરફની પણ તેઓ પરવા કરતા નથી, કેમ કે શરીર વિષે તેઓ વિચાર જ કરતા નથી. શરીરને તો તેઓ પડ્યું જ રહેવા દે છે, જાણે એ કોઈ પોતાથી અલગ ચીજ ન હોય!
ત્યાર પછીનું જરૂરનું સાધન છે શ્રદ્ધા. આપણને ધર્મમાં અને ઈશ્વરમાં અપાર શ્રદ્ધા હોવી જોઈએ. જ્યાં સુધી એ ન હોય, ત્યાં સુધી જ્ઞાની થવાની કોઈથી આશા રાખી શકાય નહિ. એક સંતે મને એક વખત કહ્યું હતું કે આ જગતમાં બે કરોડે ભાગ્યે જ એકાદ માનવી પરમાત્મામાં શ્રદ્ધા રાખતો હશે. આમ શા માટે બનતું હશે એમ મેં પ્રશ્ન કર્યો ત્યારે એમણે મને ઉત્તર આપ્યોઃ ‘ધારો કે આ ખંડમાં એક ચોર છે; એ ચોરને ખબર પડી જાય છે કે બાજુના ખંડમાં સોનાનો મોટો જથ્થો છે અને આ બંને ખંડની વચ્ચે એક ઘણી જ પાતળી દીવાલ માત્ર છે. તો એ વેળા ચોરના મનની શી સ્થિતિ હશે?’ મેં ઉત્તર આપ્યોઃ ‘એ જરાયે ઊંઘી શકશે નહિ. એનું મગજ પેલું સોનું હાથ કરવાનો કોઈ પણ એક ઉપાય શોધવામાં રોકાયું હશે; એ બીજા કશાનો વિચાર કરશે નહિ.’ એટલે એમણે કહ્યુંઃ ‘ત્યારે હવે કોઈ માણસ પરમાત્મામાં અનન્ય શ્રદ્ધા રાખવા છતાં તેને પ્રાપ્ત કરવા માટે ગાંડો ન થાય એવું તમારા માન્યામાં આવે છે ખરું? જો તે વ્યક્તિ સાચા અંતરથી માનતી હોય કે સુખની અમાપ અનંત ખાણ પડી છે અને એને પ્રાપ્ત કરી શકાય એમ છે, તો તે મેળવવાની મથામણમાં એ વ્યક્તિ પાગલ ન થઈ જાય?’ ઈશ્વરમાં દૃઢ માન્યતા અને એમાંથી પરિણમતી તેને મેળવવાની આતુરતા એનું નામ શ્રદ્ધા.
ત્યાર પછી આવે છે સમાધાન, એટલે કે મનને ઈશ્વરમાં સ્થિર કરવા માટેનો સતત અભ્યાસ. એક દિવસમાં કશું સાધ્ય થઈ શકતું નથી. ધર્મ એક ગોળીરૂપે ગળી શકાતો નથી. એ સખત અને સતત અભ્યાસ માગે છે. મનને ધીમા અને સતત અભ્યાસ વડે જ જીતી શકાય છે.
ત્યાર પછી આવે છે મુમુક્ષુત્વ, એટલે કે મુક્ત થવાની તીવ્ર ઇચ્છા. તમારામાંના જેમણે એડવિન આર્નોલ્ડનું ‘લાઇટ ઓફ એશિયા’ પુસ્તક વાંચ્યું હશે તેમને બુદ્ધના પ્રથમ પ્રવચનનું આર્નોલ્ડનું ભાષાંતર યાદ હશે. આ પ્રવચનમાં બુદ્ધ કહે છેઃ
‘તમારી જાતે જ તમે દુઃખ ભોગવો છો; અન્ય કોઈ તમને તેમ કરવાની ફરજ પાડતું નથી. કોઈ તમને પકડીને કહેતું નથી કે તમે જીવો અને મરી જાઓ, (જીવન- મરણના) ચકડોળે ચડો અને દુઃખના એના આરાઓને, આંસુઓના એના પાટા(વાટ)ઓને, શૂન્યની એની નાભિને વળગો અને ચૂમો.’
આપણું જે કાંઈ દુઃખ છે તે સર્વ આપણે પોતે જ ઊભું કરેલ છે; આપણી પ્રકૃતિ જ એવી છે. એક ચીનાને સાઠ વરસ સુધી કેદમાં રાખેલો. નવા શહેનશાહના રાજ્યારોહણ પ્રસંગે એને છોડવામાં આવ્યો. કેદમાંથી એ બહાર નીકળ્યો ત્યારે એ બોલી ઊઠ્યોઃ ‘મારાથી નહિ જીવી શકાય; ઉંદરોવાળા પેલા ત્રાસજનક કેદખાનામાં જ મારે પાછા જવું છે; હું પ્રકાશ જીરવી શકતો નથી.’ અને આમ એણે કાં તો પોતાને મારી નાખવાની અને નહિ તો કેદખાનામાં પાછા મોકલવાની માગણી કરી. પરિણામે એને કેદખાનામાં પાછો મોકલવામાં આવ્યો. બરાબર આવી જ સ્થિતિ બધા માનવોની છે. આપણે તમામ પ્રકારનાં દુઃખો પાછળ દોટ દઈ રહ્યા છીએ, તથા એમાંથી મુક્ત થવાને ખુશ હોતા જ નથી. દરરોજ આપણે મોજશોખ પાછળ દોડીએ છીએ; પણ આપણે તેને પકડીએ તે પહેલાં તો આપણને જણાઈ જાય છે કે એ મજા ચાલી જ ગઈ હોય છે, તે પહેલાં આપણી આંગળીઓમાંથી તે સરકી જ ગઈ હોય છે. છતાં આપણે આપણી આ ઘેલછાભરી દોડાદોડમાંથી અટકતા નથી, પણ આગળ અને આગળ ધસ્યે જ જઈએ છીએ. આપણે એવા આંધળા અને મૂર્ખ છીએ!
હિંદમાં કેટલીક તેલની ઘાણીઓમાં બળદોનો ઉપયોગ કરવામાં આવે છે; આ બળદો તેલીબિયાંને પીલવા માટે ગોળ ગોળ ફર્યા જ કરતા હોય છે. બળદની કાંધ ઉપર ધૂંસરી નાખવામાં આવેલી હોય છે. ધૂંસરીમાંથી લાકડાનો એક ટુકડો બહાર નીકળી આવેલો હોય છે અને એના છેડા પર ઘાસનો એક પૂળો બાંધેલો હોય છે. બળદની આંખે ઘોડાગાડીના ઘોડાની આંખ સામે બાંધેલ હોય છે તેવા ડાબલા બાંધેલા હોય છે; એમાંથી બળદ માત્ર આગળ જ જોઈ શકે છે, તેથી પેલા ઘાસને ખાવા તે આગળ વધે છે; પણ એમ કરવા જતાં એ લાકડાનો ટુકડોય જરા આગળ જાય છે એટલે બળદ ઘાસને આંબી શકતો નથી. વળી એને ખાવા તે આગળ વધે છે. આમ ઉપરાઉપરી પ્રયાસ કરવા છતાં પરિણામ તે જ આવે છે. બળદ એ ઘાસને કદી પહોંચી શકતો નથી, પણ તેને મેળવવાની આશામાં તે આગળ ચાલે છે ને ગોળ અને ગોળ ફર્યા કરે છે અને એમ ચક્કર ફરતો ફરતો એ તેલીબિયાંને પીસે છે. એવી જ રીતે તમે અને હું કે જેઓ પ્રકૃતિના, પૈસાના, દ્રવ્યના, પત્નીના અને બાળકના જન્મજાત ગુલામ છીએ, તેઓ હંમેશાં ભ્રાંતિરૂપ આ સૂકા તૃણના પૂળાની પાછળ પડીએ છીએ અને જે મેળવવા ઇચ્છીએ છીએ તે મેળવ્યા વગર અસંખ્ય જિંદગીઓની ઘટમાળમાં ફર્યા કરીએ છીએ અને મોટામાં મોટું સ્વપ્ન એ પ્રેમ છે. આપણે સહુ પ્રેમ કરવા અને પ્રેમ મેળવવા જઈએ છીએ, આપણે સહુ સુખી થવા અને કદી દુઃખ ન ભોગવવા દોડીએ છીએ, પણ જેમ જેમ સુખ પ્રતિ આપણે વિશેષ ને વિશેષ આગળ જઈએ છીએ, તેમ તેમ એ આપણાથી દૂર ને દૂર ભાગતું જાય છે. આમ જગત ચાલ્યા કરે છે, સમાજ વહ્યે જાય છે અને આંધળા ગુલામો જેવા આપણે કશું જાણ્યા વગર તેને માટે ભોગ આપી રહ્યા છીએ. તમારા પોતાના જ જીવનનો અભ્યાસ કરો અને એમાં કેટલું ઓછું સુખ છે તથા આ જગત પાછળની આંધળી દોટ દરમિયાન વાસ્તવિક રીતે કેટલું ઓછું સુખ તમને પ્રાપ્ત થયું છે, તે જુઓ.
તમને સોલન અને રાજા ક્રોસસની વાર્તા યાદ છે કે? રાજાએ એ મહાન મુનિને કહ્યું કે એશિયા માઈનોર બહુ સુખી દેશ છે. મુનિએ પૂછ્યુંઃ ‘કોણ સુખીમાં સુખી માણસ છે? મેં તો કોઈને ઘણો સુખી જોયો નથી.’ ક્રોસસે કહ્યુંઃ ‘કેવી અર્થ વગરની વાત કરો છો? હું જગતમાં સુખીમાં સુખી માનવ છું.’ મુનિએ કહ્યુંઃ ‘રાજા! ઉતાવળા ન થાઓ; જીવનના અંત સુધી રાહ જુઓ.’ આવો જવાબ આપીને મુનિ ચાલ્યા ગયા. કાળક્રમે રાજા ક્રોસસને ઇરાનીઓએ હરાવ્યો તથા તેને જીવતો બાળી મૂકવાનો હુકમ આપ્યો. ચિતા તૈયાર કરવામાં આવી. જ્યારે બિચારા ક્રોસસે તે જોઈ ત્યારે એ ચિત્કાર કરી બોલી ઊઠ્યોઃ ‘ઓ સોલન, સોલન!’ એ કોને બોલાવતો હતો એમ એને પૂછવામાં આવતાં, રાજાએ પોતાની સઘળી વાત કહી સંભળાવી. એ વાત સાંભળીને ઇરાનના શહેનશાહને દયા આવી અને ક્રોસસને તેણે જીવતો રહેવા દીધો.
આપણા દરેકની જીવનકથા આવી જ છે; પ્રકૃતિની આપણા સહુ ઉપર આવી જ જબ્બર પકડ છે. તે આપણને વારંવાર લાતો મારે છે, છતાં આપણે વધુ ને વધુ ઉત્તેજનાપૂર્વક તેની પાછળ પાછળ દોડીએ છીએ. આપણે હંમેશાં નિરર્થક આશા રાખી રહ્યા હોઈએ છીએ. આ આશા, આ ભ્રાંતિ આપણને ઘેલા બનાવે છે; આપણે હંમેશાં સુખને માટે આશા રાખ્યા જ કરીએ છીએ.
પ્રાચીન હિંદમાં એક મહાન રાજા થઈ ગયો. એક વાર તેને ચાર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમાંનો એક પ્રશ્ન આવો હતોઃ ‘જગતમાં સહુથી અજબ ચીજ કઈ છે?’ ઉત્તર મળ્યોઃ ‘આશા.’ આશા એ બહુ અજબ વસ્તુ છે. દિવસ અને રાત આપણે આપણી આસપાસ અનેક લોકોને મરતા જોઈએ છીએ, છતાં આપણે પોતે નહિ મરીએ એવું માનીએ છીએ. આપણે પણ મરી જઈશું કે દુઃખી થઈશું એવો આપણે કદી વિચાર જ કરતા નથી. નિરર્થક આશાવાદી બનીને દરેક માણસ માને છે કે અનેક મુશ્કેલીઓની વિરુદ્ધ જઈને, તમામ બુદ્ધિગમ્ય ગણતરીની ઉપરવટ થઈનેય સફળતા પોતાને જ મળશે. ખરેખરું સુખી આ જગતમાં કોઈ નથી. જો માણસ ધનિક હોય અને એની પાસે પુષ્કળ ખાવાનું હોય તો એની પાચનક્રિયા બરાબર નથી હોતી અને એ ખાઈ શકતો નથી; માણસની પાચનશક્તિ જો ભસ્મક રોગ જેવી હોય, તો તેની પાસે મોંમાં મૂકવા માટે કશું હોતું નથી. જો એ પૈસાદાર હોય, તો કાં તો તેને બાળક જ હોતું નથી. જો માણસ ભૂખે મરતો ગરીબ હોય, તો એને ઘેર બાળકોની મોટી ફોજ હોય છે તથા એમને શું ખવરાવવું તે એને સમજાતું નથી હોતું. આમ શા માટે છે? કારણ કે સુખ અને દુઃખ એ એક જ સિક્કાની ઊલટી અને સૂલટી બાજુઓ છે. જે સુખને સ્વીકારે તેણે દુઃખને પણ સ્વીકારવું જ જોઈએ. દુઃખ વગરનું સુખ આપણે મેળવી શકીએ એવો મૂર્ખાઈભર્યો ગાંડો વિચાર આપણા સહુમાં ઘર કરી રહેલો છે; આ વિચારે આપણને એટલા બધા ભરખી લીધા છે કે ઇન્દ્રિયો પર આપણો કાબૂ રહેતો જ નથી.
હું બોસ્ટનમાં હતો ત્યારે એક જુવાન મારી પાસે આવ્યો. એણે મને એક કાગળનો ટુકડો આપ્યો. એ ટુકડા ઉપર તેણે પોતાનું નામ તથા સરનામું લખ્યું હતું; એ ઉપરાંત નીચેના શબ્દો પણ લખ્યા હતાઃ ‘જગતની સર્વ સંપત્તિ અને સુખ તમે પ્રાપ્ત કરી શકો, જો એ કેમ મેળવવાં એ તમને આવડે તો. જો તમે મારી પાસે આવશો તો એ કેમ મેળવવાં તે હું તમને શીખવીશ. ફી ડોલર પાંચ.’ એ કાગળ મને આપ્યા પછી એણે કહ્યુંઃ ‘તમે આ વિશે શું ધારો છો?’ મેં કહ્યુંઃ ‘અલ્યા જુવાન! આ છપાવવા માટેના પૈસા તું કેમ નથી મેળવી શકતો? આ ચબરખીને છપાવવા જેટલાય પૈસા તારી પાસે છે નહિ!’ આ વાત તે સમજ્યો નહિ. કશી પણ મુશ્કેલી વગર અપાર સંપત્તિ અને સુખ પોતે મેળવી શકે તેમ છે, એ વિચારથી એ ઘેલો થઈ ગયો હતો. માનવી બે આત્યંતિકતાઓ ભણી દોડી રહ્યો છે. એક છે અત્યંત આશાવાદની કે જેમાં સર્વ કંઈ ગુલાબી, મીઠું અને સારું છે; બીજી છે નિરાશાવાદની કે જેમાં બધું જ પોતાની વિરુદ્ધમાં હોય એમ લાગે છે. મોટા ભાગના માનવીઓનાં ભેજાં ઓછેવત્તે અંશે અવિકસિત હોય છે. દશ લાખમાં ભાગ્યે જ એકાદું મગજ સુવિકસિત જોવામાં આવે છે; બાકીનાઓ કાં તો વિલક્ષણ ધૂનવાળા હોય છે કે કાં તો એક જ વાતને વળગી રહેનારા પાગલ જેવા હોય છે.
સ્વાભાવિક રીતે જ આપણે આત્યંતિકતા ભણી દોડી જઈએ છીએ. જ્યારે આપણે જુવાન અને તંદુરસ્ત હોઈએ છીએ ત્યારે જગતની સઘળી સંપત્તિ આપણી થઈ જશે એમ માનીએ છીએ; અને પછી જ્યારે આપણે ફૂટબોલની જેમ સમાજની અનેક લાતો ખાઈએ છીએ અને ઠરેલ બનીએ છીએ, ત્યારે એક ખૂણામાં જઈને બેસીએ છીએ, બબડીએ છીએ અને બીજાના ઉત્સાહ ઉપર ઠંડું પાણી રેડીએ છીએ. બહુ ઓછા માણસો જાણે છે કે સુખની સાથે દુઃખ અને દુઃખની સાથે સુખ જોડાયેલ જ હોય છે; અને જેમ દુઃખ કંટાળાજનક છે તેમ સુખ પણ કંટાળાજનક છે, કેમ કે સુખ એ દુઃખનો જ જોડિયો ભાઈ છે. દુઃખની પાછળ પડવું એ માનવના ગૌરવને હલકું પાડવા સમાન છે; તેમ જ એ સુખની પાછળ પડે તે પણ તેટલું જ અધઃપતન કરનારું છે. જેમની બુદ્ધિ સમતોલ છે એવા માનવોએ આ બંનેને બાજુ ઉપર મૂકી દેવાં જોઈએ. પોતે રમકડું બનવામાંથી માણસે મુક્તિ શા માટે ન શોધવી? એક ક્ષણે આપણા પર ચાબખો પડે છે અને જ્યારે આપણે રોવા બેસીએ છીએ, ત્યારે પ્રકૃતિ આપણા તરફ રૂપિયો ફેંકીને લલચાવે છે; ફરી પાછો આપણા પર ચાબખો પડે છે અને જ્યારે આપણે રોવા માંડીએ છીએ ત્યારે પ્રકૃતિ આપણા તરફ મીઠાઈનો ટુકડો ફેંકે છે અને ફરી પાછા આપણે ગેલમાં આવી જઈએ છીએ.
જે સાધક હોય, તે તો મુક્તિ માગે છે. તેને લાગે છે કે ઇન્દ્રિયગ્રાહ્ય વસ્તુઓ વ્યર્થ છે, તેમ જ સુખો અને દુઃખોનો કોઈ અંત નથી. જગતમાંના કેટલા બધા ધનિકો કાયમ નવા નવા મોજશોખો માણવા માગે છે! બધા મોજશોખો જૂના થઈ ગયા છે; તેમને હંમેશાં નવા નવા જોઈતા હોય છે. તમે જોતા નથી કે જ્ઞાનતંતુઓને ક્ષણભર ગલગલિયાં કરે એવી કેટલી બધી મૂર્ખાઈભરી વસ્તુઓની શોધો કરવામાં આવે છે? પણ ગલગલિયાં થઈ રહ્યાં એટલે પછી તેની કેવી પ્રતિક્રિયા આવે છે? લોકોનો મોટો ભાગ ઘેટાંના ટોળા જેવો છે. જો આગલું ઘેટું ખાડામાં પડે તો બાકીનાં બધાં પણ પાછળ જઈને ખાડામાં જ પડે અને માથાં ભાંગે! એ જ રીતે સમાજનો એકાદ અગ્રગણ્ય સભ્ય જેમ કરે તે પ્રમાણે બીજા બધા પોતે શું કરી રહ્યા છે તેનો વિચાર કર્યા વગર કરવાના. માણસને જ્યારે જગતની વસ્તુઓની નિરર્થકતા દેખાવા લાગે, ત્યારે તેને સમજાય કે પ્રકૃતિ પોતાને આમ બનાવી જાય અથવા પોતે પ્રકૃતિની પાછળ પાછળ ઘસડાયો જાય, એ ઠીક નહિ. એ તો ગુલામી છે. માનવીને થોડાક માયાળુ શબ્દો કહેવામાં આવે તો તેનો ચહેરો હસી ઊઠે છે અને થોડાક આકરા શબ્દો કહેવામાં આવે છે તો એ રડવા માંડે છે. માણસ રોટલાના ટુકડાનો ગુલામ છે, એ હવાનો (શ્વાસનો) ગુલામ છે; એ પોશાકનો ગુલામ છે; એ રાષ્ટ્રપ્રેમનો અને રાષ્ટ્રનો ગુલામ છે, નામનો અને કીર્તિનો ગુલામ છે. આમ એ ચોમેર ગુલામીથી વીંટળાયેલો છે અને અંદરનો સાચો માનવ પોતાના બંધન દ્વારા એ ગુલામીમાં દટાઈ ગયો છે. તમે જેને માનવ કહો છો તે તો ગુલામ છે. જ્યારે માણસને આ સર્વે ગુલામીનું ભાન થવા લાગે છે, ત્યારે તેમાંથી મુક્ત થવાની ઇચ્છા, અતિશય તીવ્ર આકાંક્ષા તેનામાં જાગે છે. માણસના માથા પર જો એક બળતા કોલસાનો અંગારો મૂકવામાં આવે તો જોજો કે એને ફેંકી દેવા એ કેટલી બધી ઝપટ, કેટલી મથામણ કરે છે. એમ જે માણસ ખરેખર સમજે છે કે પોતે પ્રકૃતિનો ગુલામ છે, તેની સ્વતંત્ર થવાની મથામણ પણ આવી જ હોવાની.
મુમુક્ષુત્વ એટલે કે મુક્ત થવાની ઇચ્છા, એ શું છે તે આપણે જોયું. ત્યાર પછીનું સાધન કે અભ્યાસ પણ ઘણો કઠણ છે. એ છે નિત્ય-અનિત્ય-વિવેક, એટલે કે સત્ય અને અસત્ય વચ્ચેનો, શાશ્વત અને ક્ષણિક વચ્ચેનો ભેદ સમજવો તે. પરમાત્મા એક જ શાશ્વત છે, નિત્ય છે, બાકીનું સર્વ ક્ષણિક અને અનિત્ય છે. સર્વ કંઈ મરે છે; દેવતાઓ મરે છે, મનુષ્યો મરે છે, પશુઓ મરે છે, પૃથ્વીઓ નાશ પામે છે, સૂર્ય, ચંદ્ર તથા તારાઓનો પણ નાશ થાય છે; સર્વ કંઈ સતત પરિવર્તન પામ્યા કરે છે. આજના પર્વતો ગઈ કાલના મહાસાગરો હતા અને આવતી કાલે વળી પાછા મહાસાગરો બની જશે. સર્વ કાંઈ પ્રવાહની સ્થિતિમાં છે. સમગ્ર વિશ્વ પરિવર્તનનો એક સમૂહ છે. પણ ‘એક’ એવો છે કે જે કદી પરિવર્તન પામતો નથી; અને તે છે ‘ઈશ્વર!’ આપણે જેમ જેમ તેની નજીક જતા જઈએ તેમ તેમ આપણે માટે પરિવર્તનો ઓછાં ને ઓછાં થતાં જશે, પ્રકૃતિ આપણા પર ઓછી ને ઓછી અસર કરી શકશે; અને જ્યારે આપણે ઈશ્વરને પામીને તેની સાથે ઊભા રહીએ છીએ ત્યારે આપણે પ્રકૃતિ ઉપર વિજય મેળવ્યો હશે, પ્રકૃતિની આ ઘટનાઓના આપણે સ્વામી બન્યા હોઈશું અને તેમની આપણા ઉપર કશી અસર થશે નહિ.
ત્યારે તમે જુઓ છો કે જો આપણે ઉપલી સાધનામાંથી ખરેખર પસાર થયા હોઈશું, તો આપણને આ જગતમાં અન્ય કશાની જરૂર રહેશે નહિ. સમગ્ર જ્ઞાન આપણી અંદર જ છે. સમગ્ર પૂર્ણત્વ આત્મામાં રહેલું જ છે. પણ આ પૂર્ણત્વ પર પ્રકૃતિનું આચ્છાદન આવી ગયેલું છે; આત્માની આ પવિત્રતા ઉપર પ્રકૃતિનાં પડ ઉપર પડ બાઝતાં જાય છે. ત્યારે આપણે કરવાનું છે શું? ખરું જોતાં તો આપણે આપણા આત્માનો વિકાસ સાધતા જ નથી. પૂર્ણનો વિકાસ વળી કોણ કરી શકે? આપણે માત્ર પડદો જ હટાવી લઈએ છીએ, એટલે આત્મા તેની અસલ પવિત્રતા, તેનું આંતરિક સ્વાભાવિક, સ્વાતંત્ર્ય પ્રકટ કરે છે.
હવે જિજ્ઞાસા શરૂ થાય છેઃ આ સાધના આટલી બધી આવશ્યક શા માટે છે? આ સાધના આવશ્યક એટલા માટે છે કે ધર્મ કાન દ્વારા, આંખો દ્વારા કે મગજ દ્વારા મેળવાતો નથી. કોઈ પણ ધર્મશાસ્ત્રો આપણને ધાર્મિક બનાવી શકતાં નથી. આપણે જગતમાંના સર્વ ગ્રંથોનો અભ્યાસ ભલે કરી નાખીએ, છતાં ધર્મનો કે પરમાત્માનો એક શબ્દ સરખોય આપણે સમજીએ નહિ. જીવનભર આપણે ઈશ્વરની અને ધર્મની વાતો કર્યા કરીએ અને છતાંય એથી આપણામાં કશો જ સુધારો થાય નહિ; આપણે જગતના મેધાવીઓમાં શ્રેષ્ઠ મેધાવી હોઈએ અને છતાં પરમાત્માની નજીક જરાય ન પહોંચીએ. તમે જોયું નથી કે બીજી બાજુ ઊંચામાં ઊંચું બૌદ્ધિક શિક્ષણ મેળવેલાઓ પૈકી પણ કેવા અધાર્મિક લોકો પાકે છે? તમારી પાશ્ચાત્ય સંસ્કૃતિનું એ એક અનિષ્ટ છે કે તમે કેવળ બૌદ્ધિક કેળવણીની પાછળ જ પડ્યા રહો છો અને હૃદયની કેળવણીની જરાય પરવા કરતા નથી. એ કેળવણી માણસોને દશગણા વધારે સ્વાર્થી જ બનાવે છે અને એ તમારો વિનાશ નોતરશે. જ્યારે મગજ અને હૃદય વચ્ચે સંઘર્ષણ હોય, ત્યારે હૃદયને અનુસરજો, કેમ કે બુદ્ધિની અવસ્થા એક જ છે – દલીલની અને એમાં રહીને જ બુદ્ધિ ક્રિયા કરે છે; એનાથી પર જઈ શકતી નથી. હૃદય જ માણસને સર્વોચ્ચ ભૂમિકાએ લઈ જાય છે; અને ત્યાં બુદ્ધિ કદી પહોંચી શકવાની નથી. હૃદય બુદ્ધિથી પર જાય છે અને જેને પ્રેરણા કહેવામાં આવે છે તે સ્થિતિએ તે પહોંચે છે. બુદ્ધિ કદી દિવ્ય પ્રેરણા પામી શકતી નથી; માત્ર હૃદય જ જ્યારે તે પ્રકાશિત થાય છે ત્યારે, પ્રેરિત થઈ શકે છે. બુદ્ધિશાળી પણ હૃદયહીન માનવ કદી પ્રેરણા-પ્રાપ્ત માનવ થઈ શકતો નથી. પ્રેમાળ માનવમાં જે બોલે છે તે સદા હૃદય જ છે; બુદ્ધિ શોધી શકે તેના કરતાં વધારે સારું સાધન – પ્રેરણારૂપી સાધન હૃદય શોધી આપે છે. જેવી રીતે બુદ્ધિ જ્ઞાનનું સાધન છે તેવી રીતે હૃદય પ્રેરણાનું સાધન છે. નીચલી કોટિએ હૃદય એ બુદ્ધિ કરતાં ઘણી નબળી કોટિનું સાધન છે. અજ્ઞાની માણસ કશું જાણતો નથી, પણ સ્વભાવે એ સહેજ ઊર્મિલ હોય છે. આ અજ્ઞાની માનવને એક મોટા પ્રાધ્યાપક સાથે સરખાવો; પ્રાધ્યાપકમાં કેટલી અદ્ભુત શક્તિ હોય છે! પરંતુ પ્રાધ્યાપક પોતાની બુદ્ધિથી બદ્ધ છે; એ એકીસાથે શેતાન અને બુદ્ધિશાળી માનવ હોઈ શકે છે, પણ હૃદયવાળો માનવ કદી શેતાન હોઈ શકતો નથી; ઊર્મિશીલ કોઈ માનવ કદી શેતાન પાકતો નથી. યોગ્ય રીતે તાલીમ આપવાથી, હૃદયને પરિવર્તિત કરી શકાય છે અને એ રીતે બુદ્ધિથી તે પર જઈ શકે છે; અને પ્રેરણામાં પરિવર્તિત કરી શકાય છે. અંતે તો માનવે બુદ્ધિથી પર જવું જ પડશે. માનવનું જ્ઞાન, તેની સંવેદનની, તર્કની, બુદ્ધિની અને હૃદયની શક્તિ આ સંસાર રૂપી ગોરસનું મંથન કરવામાં પડ્યાં છે. લાંબો વખત મંથન કર્યા પછી માખણ નીકળે છે અને આ માખણ તે ઈશ્વર છે. હૃદયવાળા માણસોને આ ‘માખણ’ મળે છે અને બુદ્ધિશાળીઓ માટે ‘છાશ’ બાકી રહે છે.
આ સઘળી હૃદય માટેની, હૃદયમાં રહેલી પેલી તીવ્ર સહાનુભૂતિ માટેની તૈયારીઓ છે. ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે બહુ શિક્ષિત કે વિદ્વાન થવું જરાય આવશ્યક નથી. એક સંતે એક વાર મને કહેલુંઃ ‘અન્યને મારવા માટે તલવાર અને ઢાલ જેવાં સાધનોથી સજ્જ થવાની જરૂર પડે છે, પણ આપઘાત કરવા માટે એક સોય બસ છે. તેમ અન્યને ઉપદેશ આપવા માટે ઘણી બુદ્ધિ અને વિદ્વત્તા આવશ્યક છે, પણ તમારા પોતાના આત્મજ્ઞાન માટે એ બધાંની જરૂર નથી.’ સવાલ એ છે કે, તમે પવિત્ર છો? તમે જો પવિત્ર હશો તો ઈશ્વરને પ્રાપ્ત કરશો. ‘હૃદયની પવિત્રતાવાળા ધન્ય છે, કેમ કે તેઓ ઈશ્વરનાં દર્શન કરી શકશે.’ તમે ભલે જગતની સર્વ વિદ્યાઓ જાણતા હો, તો પણ જો પવિત્ર ન હો તો તે તમને જરાય સહાયક નહિ થાય; તમે ભલે વાંચેલાં પુસ્તકોના ઢગલામાં ઢંકાઈ જાઓ, પણ તે તમને બહુ કામિયાબ નહિ નીવડે. જે લક્ષ્યે પહોંચે છે એ તો હૃદય છે. માટે હૃદયને અનુસરો, શુદ્ધ હૃદય બુદ્ધિની પેલી પાર જોઈ શકે છે; એ પ્રેરિત થાય છે, બુદ્ધિ કદી ન જાણી શકે તેવી વસ્તુઓ હૃદય જાણે છે અને જ્યારે જ્યારે શુદ્ધ હૃદય અને બુદ્ધિ વચ્ચે સંઘર્ષ હોય ત્યારે ત્યારે, જો કે તમને એમ લાગે કે તમારું હૃદય જે કરે છે તે તર્કયુક્ત નથી, તો પણ હંમેશાં પવિત્ર હૃદયના પક્ષમાં રહેજો. જ્યારે તમારું હૃદય અન્યનું ભલું કરવાની ઇચ્છા ધરાવતું હોય, ત્યારે તમારું મગજ તમને કહે કે એમ કરવું એ યુક્તિસંગત નથી તો પણ તમારા હૃદયને અનુસરજો; અને તમને જણાશે કે બુદ્ધિને અનુસરવા કરતાં હૃદયને અનુસરવાથી તમે ઓછી ભૂલો કરો છો. શુદ્ધ હૃદય એ સત્યનું પ્રતિબિંબ પાડવાનું સારામાં સારું દર્પણ છે. એટલે આ સર્વ સાધનાઓ હૃદયને પવિત્ર કરવા માટેની છે. હૃદય જેવું શુદ્ધ થાય કે તુરત જ એક ક્ષણમાં સર્વ સત્ય તેના પર પ્રકાશવા માંડે છે; જો તમે પૂરતી રીતે પવિત્ર હશો તો વિશ્વનું સર્વ સત્ય તમારા હૃદયમાં અભિવ્યક્ત થશે.
અણુ વિશેનાં, સૂક્ષ્મતર તત્ત્વો અંગેનાં અને માનવોનાં સૂક્ષ્મ સંવેદનો વિશેનાં મહાન સત્યો યુગો પહેલાં એવા માનવોએ શોધી કાઢ્યાં કે જેમણે કદીયે નહોતું જોયું દૂરદર્શક યંત્ર, નહોતું જોયું સૂક્ષ્મદર્શક યંત્ર કે નહોતી જોઈ પ્રયોગશાળા. ત્યારે આ બધી બાબતો તેમણે જાણી કેવી રીતે? હૃદયની મારફત જ જાણી; તેમણે હૃદયને શુદ્ધ બનાવ્યું. તેમ કરવું આપણે માટે આજે પણ ખુલ્લું છે. બુદ્ધિના સંસ્કારથી નહિ, પરંતુ ખરી રીતે હૃદયના સંસ્કારથી જગતનું દુઃખ ઓછું થશે.
બુદ્ધિને સંસ્કારી બનાવવામાં આવી છે પરિણામે વિજ્ઞાનની સેંકડો શોધખોળો થઈ છે; આટલું જ સારું તેમાંથી પ્રાપ્ત થયું છે અને તેની અસર એ થઈ છે કે ગણ્યાગાંઠ્યા માણસોએ ઘણાને ગુલામ બનાવ્યા છે. કૃત્રિમ જરૂરિયાતો ઊભી થઈ છે; અને પાસે પૈસા હોય કે નહિ, તો પણ દરેક ગરીબ માણસ એ જરૂરિયાતો સંતોષવા ઇચ્છે છે; અને જ્યારે એ તેમ કરી શકતો નથી ત્યારે તે તેની મથામણમાં પડે છે અને તેમાં જ તે મૃત્યુ પામે છે. પરિણામ આ આવ્યું છે. દુઃખના પ્રશ્નનું નિરાકરણ બુદ્ધિથી થઈ શકે એમ નથી, પણ હૃદયથી થઈ શકે એમ છે. જો આ વિશાળ પ્રમાણના તમામ પ્રયાસો માનવને વધુ પવિત્ર, વધુ મૃદુ અને વધારે ક્ષમાશીલ બનાવવા માટે કરવામાં આવ્યા હોત તો આ જગતમાં આજે છે તેના કરતાં હજારગણું વધારે સુખ હોત. માટે હંમેશાં હૃદયને ઉન્નત બનાવો; હૃદય દ્વારા ઈશ્વર બોલે છે, જ્યારે બુદ્ધિ દ્વારા તમે પોતે બોલો છો.
તમને યાદ હશે કે બાઇબલના જૂના કરારમાં મોઝીઝને કહેવામાં આવ્યું હતું કે ‘તારા પગમાંથી જોડા ઉતારી નાખ, કેમ કે જે જમીન ઉપર તું ઊભો છે તે જમીન પવિત્ર છે.’ હંમેશાં આવી માનભરી વૃત્તિથી જ આપણે ધર્મનો અભ્યાસ કરવો જોઈએ. જે શુદ્ધ હૃદય અને માનભરી વૃત્તિથી આવશે તેનું હૃદય ઊઘડશે, એને માટે દ્વાર ખૂલશે અને તે સત્યને જોશે.
જો તમે માત્ર બુદ્ધિ જ લઈને આવો તો તમને થોડીક બૌદ્ધિક કસરતો, થોડાક બૌદ્ધિક સિદ્ધાંતો મળશે પણ સત્ય નહિ મળે. સત્યનું દર્શન જ એવું છે કે જે કોઈ તે જુએ છે તેને તેની ખાતરી થઈ જ જાય છે. સૂર્યને દેખાડવા માટે મશાલની જરૂર પડતી નથી; સૂર્ય સ્વયં પ્રકાશિત છે. જો સત્યને પુરાવાની જરૂર હોય તો એ પુરાવાને વળી કયો પુરાવો પુરવાર કરશે? સત્યને માટે કોઈ સાક્ષીની જરૂર હોય તો, એ સાક્ષી માટેનો સાક્ષી ક્યાં છે? ધર્મ પ્રત્યે આપણે સન્માન અને પ્રેમથી જોવું જોઈએ; એમ થતાં આપણું હૃદય જ જાગ્રત થઈને કહેશે કે આ સત્ય છે અને આ અસત્ય છે.
ધર્મનું ક્ષેત્ર આપણી ઇન્દ્રિયોથી પર છે, આપણી બુદ્ધિથી પણ પર છે. આપણે ઈશ્વરને ઇન્દ્રિયોથી પામી શકીએ નહિ. કોઈએ ઈશ્વરને આંખો વડે જોયો નથી અને જોશે પણ નહિ. કોઈને ઈશ્વર બુદ્ધિમાં પ્રાપ્ત થયેલ જ નથી. મને ઈશ્વરનું ભાન નથી કે તમને પણ નથી કે કોઈને પણ નથી. ઈશ્વર ક્યાં છે? ધર્મનું ક્ષેત્ર ક્યાં છે? એ ઇન્દ્રિયાતીત છે, એ બુદ્ધિથી પર છે. જે અનેક ભૂમિકાએ આપણે કાર્ય કરીએ છીએ તેમાંની એક ભૂમિકા બુદ્ધિની છે; તમારે બુદ્ધિના ક્ષેત્રથી પર જવું પડશે, ઇન્દ્રિયોથી પર જવું પડશે, તમારા પોતાના મધ્ય કેન્દ્રની નજીક અને નજીક આવવું પડશે; અને એમ કરશો એટલે તમે ઈશ્વરની નજીક પહોંચશો. ઈશ્વરની સાબિતી શું? પ્રત્યક્ષ દર્શન, પ્રત્યક્ષ અનુભૂતિ. આ દીવાલની સાબિતી એ છે કે હું તે જોઉં છું. એવી રીતે ઈશ્વરને હજારોએ અગાઉ પણ જોયો છે અને જેઓ જોવા ઇચ્છે છે તેવા બીજા અનેકો પણ એને જોશે. પણ આ અનુભૂતિ કોઈ રીતે ઇન્દ્રિયોની અનુભૂતિ નથી; એ ઇન્દ્રિયોથી પર છે, બુદ્ધિથી પણ પર છે અને આપણને ઇન્દ્રિયોથી પર લઈ જવા માટે આ સર્વ તાલીમની જરૂર છે. સર્વ પ્રકારના ભૂતકાળનાં કાર્યોથી અને બંધનોથી આપણે નીચે ઘસડાયા જઈએ છીએ. આ તૈયારીઓ આપણને પવિત્ર અને હળવા બનાવશે. બંધનો એમની મેળે સરી જશે અને તેની સાથે આપણે બંધાઈ રહેલા છીએ તે ઇન્દ્રિયગ્રાહ્ય ભૂમિકાથી પર આપણે હળવા ફૂલ જેવા થઈને ચડી શકીશું અને પછી જે ત્રણ સામાન્ય સ્થિતિઓ (જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ)માં મનુષ્યો જે અનુભતા નથી, જોતા નથી કે સાંભળતા નથી, તે આપણે જોઈશું, સાંભળીશું અને અનુભવીશું. ત્યાર પછી આપણે જાણે કે એક વિચિત્ર જ ભાષા બોલીશું; પણ ત્યારે જગત આપણને સમજશે નહિ, કેમ કે જગત ઇન્દ્રિયગ્રાહ્ય વિષયો સિવાય અન્ય કશું સમજતું જ નથી. સાચો ધર્મ સંપૂર્ણ રીતે ઇન્દ્રિયાતીત છે. ઇન્દ્રિયાતીત થવાની શક્યતા આ વિશ્વમાંના દરેક પ્રાણીમાં રહેલી છે, એક ક્ષુદ્ર કીટ પણ એક દિવસ ઇન્દ્રિયાતીત થશે અને ઈશ્વરને પામશે. કોઈ પણ જીવન નિષ્ફળ નહિ જાય; વિશ્વમાં નિષ્ફળતા જેવું કશું જ નથી. સેંકડો વાર માનવ પોતાને નુકસાન કરશે, હજારો વાર એ ગોથાં ખાશે, પણ અંતે તેને સાક્ષાત્કાર થશે જ કે પોતે પરમાત્મા છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ પ્રગતિ સીધી લીટીમાં હોતી નથી. દરેક આત્મા જાણે કે એક વર્તુળમાં ગતિ કરે છે અને એ વર્તુળ તેણે પૂરું કરવું જ પડશે. કોઈ પણ આત્મા ઊંચે ન જઈ શકે એટલો બધો નીચો જઈ શકે જ નહિ; એક સમય એવો આવશે કે જ્યારે એને ઊંચે જવું જ પડશે. સર્વનાશ કોઈનો થશે નહિ. આપણે સહુ ઈશ્વરરૂપી એક સામાન્ય કેન્દ્રમાંથી બહાર આવેલા છીએ. ઈશ્વરમાંથી નીકળેલો ઊંચામાં ઊંચો કે નીચામાં નીચો જીવ ‘સર્વ જીવનના પિતા’ પાસે પાછો આવશે જ. ‘જેમાંથી આ સર્વ જીવો નીકળે છે, જેમાં સર્વ રહે છે અને જેમાં અંતે સહુ પાછા મળી જાય છે; તે છે ઈશ્વર.’ (2.41)

