(જાન્યુઆરી ૮, ૧૮૯૬)
સાંખ્યદર્શનકારો પ્રકૃતિને અચેતન કહે છે અને તેમાં રહેલાં તત્ત્વોની પૂર્ણ સમતુલા એવી તેની વ્યાખ્યા આપે છે. તેથી સહેજે એમ સિદ્ધ થાય છે કે પૂર્ણ સમતુલામાં કોઈ ગતિ હોઈ શકે નહીં. મૂળ સ્થિતિમાં, કોઈ પણ પ્રકારના આવિર્ભાવ પહેલાં જ્યારે કોઈ ગતિ ન હતી —માત્ર પૂર્ણ સમતુલાની સ્થિતિ હતી— ત્યારે આ પ્રકૃતિ અવિનાશી હતી, કારણ કે વિશ્લેષણ કે નાશ, અસ્થિરતા કે પરિણામથી આવે છે. વળી સાંખ્ય મત પ્રમાણે પરમાણુઓ મૂળ અવસ્થા નથી. આ વિશ્વ પરમાણુમાંથી ઉત્પન્ન થયું નથી; તેઓ બીજી કે ત્રીજી કક્ષાએ હોઈ શકે. મૂળતત્ત્વો પરમાણુઓનું રૂપ લે અને વધુ સ્થૂળ અને મોટી વસ્તુઓ બને. આધુનિક સંશોધન પણ તે જ નિર્ણયનું સૂચન કરે છે. દાખલા તરીકે આધુનિક સિદ્ધાંત પ્રમાણે ઈથર પરમાણુ સ્વરૂપ છે. એમ તમે કહો તો તેથી કશો ખુલાસો થતો નથી. તેને વધુ સ્પષ્ટ બનાવવા માટે કહો કે વાયુ પરમાણુઓનો બનેલો છે અને આપણે જાણીએ છીએ કે ઈથર સર્વ સ્થળે, સર્વ વસ્તુમાં ઓતપ્રોત અને સર્વવ્યાપી છે અને આ વાયુના પરમાણુઓ જાણે કે ઈથરમાં તરે છે. ઈથર પરમાણુઓનું બનેલું હોય તો ઈથરના બે પરમાણુઓ વચ્ચે અવકાશ રહેશે. આ અવકાશ શેનાથી ભરાય? જો તમે એમ માનો કે આ અવકાશને ભરી દેનાર એક વધારે સૂક્ષ્મ ઈથર છે તો તે સૂક્ષ્મ ઈથરના બે પરમાણુઓ વચ્ચે પણ અવકાશ રહેશે, જેને પણ ભરી દેવો પડશે. એટલે આ એક અનવસ્થાદોષ થશે કે જેને સાંખ્યવાદીઓ ‘શૂન્યમાં પરિણમતું કારણ’ કહે છે. તેથી પરમાણુનો સિદ્ધાંત અંતિમ ન હોઈ શકે. સાંખ્ય મત પ્રમાણે પ્રકૃતિ સર્વવ્યાપક છે, એક સર્વવ્યાપક સમૂહ છે, જેમાં અસ્તિત્વ ધરાવતી સર્વ વસ્તુઓનાં કારણોનો સમાવેશ થાય. આ કારણ એટલે શું? કારણ એટલે અભિવ્યક્ત અવસ્થાની સૂક્ષ્મ અવસ્થા, એટલે કે વ્યક્ત સ્વરૂપની અવ્યક્ત અવસ્થા. વિનાશ એટલે શું? વિનાશ એટલે કારણ સ્વરૂપમાં પાછા જવું. જો તમારી પાસે કોઈ માટીનું વાસણ હોય અને તમે તેના પર ઘા મારો તો તેનો નાશ થશે. તેનો અર્થ એ થાય છે કે કાર્ય પોતાની પ્રકૃતિમાં પાછું જાય છે, જે તત્ત્વોમાંથી માટીનું વાસણ બન્યું હતું તે તત્ત્વો તેની મૂળ સ્થિતિમાં પાછાં જાય છે. વિનાશના આવા વિચારથી જુદો, સંપૂર્ણ લોપનો કોઈ પણ ખ્યાલ દેખીતી રીતે જ અસંભવિત છે. આધુનિક ભૌતિક વિજ્ઞાન પ્રમાણે આટલું સાબિત કરી શકાય કે સર્વ પ્રકારના વિનાશનો અર્થ, યુગો પહેલાં કપિલે કહ્યું હતું તેમ, ફક્ત કારણમાં પાછા જવું એ જ છે. વિનાશનો અર્થ સૂક્ષ્મ રૂપમાં પાછા જવું એ થાય. પદાર્થ અવિનાશી છે. પ્રયોગશાળામાં તે કેવી રીતે બતાવાય છે તે તમે જાણો છો. આપણા જ્ઞાનની અત્યારની કક્ષાએ જો કોઈ માણસ ઊભો થઈને એમ કહે કે પદાર્થ કે આ આત્માનો સંપૂર્ણ વિનાશ થાય છે તો તે ફક્ત પોતાને હાસ્યાસ્પદ બનાવે છે; માત્ર મૂર્ખ અભણ માણસો જ આવું વિધાન રજૂ કરી શકે. એ પણ વિચિત્ર છે કે પ્રાચીન તત્ત્વવેત્તાઓએ જે શીખવ્યું હતું તે આધુનિક વિજ્ઞાન સાથે મળતું આવે છે. તેમ જ હોવું જોઈએ; સત્યની આ સાબિતી છે. મનને આધાર બનાવીને તેઓએ પોતાની શોધ આગળ ચલાવી. તેઓએ આ વિશ્વના માનસ વિભાગનું પૃથક્કરણ કર્યું અને અમુક નિર્ણયો પર આવ્યા; ભૌતિક વિભાગનું પૃથક્કરણ કરીને આપણે પણ તે જ નિર્ણયે પહોંચવાનું રહ્યું, કારણ કે તે બંને એક જ કેન્દ્ર તરફ દોરી જાય છે.
તમારે યાદ રાખવું જોઈએ કે આ જગતમાં, સાંખ્યો જેને ‘મહત્’ કહે છે તે પ્રકૃતિની પહેલી અભિવ્યક્તિ છે, આપણે તેને બુદ્ધિ કહીએ. ‘મહત્’નો અર્થ મહાન તત્ત્વ થાય છે. પ્રકૃતિનું પહેલું પરિવર્તન આ બુદ્ધિ છે. હું તેનો અનુવાદ આત્મચેતના એમ નહીં કરું કારણ કે તે ખોટો છે. ચેતના તો આ બુદ્ધિનો ભાગ માત્ર છે. મહત્ વિશ્વવ્યાપી છે. તે અવચેતન, ચેતન અને અતિચેતન, એ સર્વ ભૂમિકાઓને આવરી લે છે. આમ ચેતનાની કોઈ એક અવસ્થા દ્વારા આ મહત્ને સમજાવવામાં આવે તો તે પૂરતું નથી. દાખલા તરીકે પ્રકૃતિમાં તમારી નજર આગળ થતા કેટલાક ફેરફારો તમે જુઓ છો અને સમજી શકો છો, પણ તેમાં કેટલાક એવા વધારે સૂક્ષ્મ ફેરફારો થાય છે કે જેને માનવ દૃષ્ટિ જોઈ શકતી નથી. તેઓ એક જ કારણમાંથી ઉત્પન્ન થાય છે; એ જ ‘મહત્’ આ બધા ફેરફારો કરે છે. આ મહત્માંથી સમષ્ટિ અહંભાવ આવે છે. આ બધા પદાર્થો છે. જડ પદાર્થ અને મન, એમાં માત્રા સિવાય કોઈ તફાવત નથી. સૂક્ષ્મ કે સ્થૂળરૂપે પદાર્થ એક જ છે. એક બીજામાં પરિણામ પામે છે અને આધુનિક ભૌતિક સંશોધનના નિર્ણયો સાથે આ બરાબર સુસંગત છે. મન મગજથી અલગ નથી તે સિદ્ધાંત માનવાથી તમે ઘણા ઘર્ષણ અને ગડમથલમાંથી બચી જશો. વળી અહંકાર બે પ્રકારમાં પરિણમે છે. એક પ્રકારમાં તે ઇન્દ્રિયોમાં પરિણમે છે. ઇન્દ્રિયો બે પ્રકારની છે, જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો. તે આંખ અને કાન નથી પણ તેની પાછળનાં, જેને તમે બુદ્ધિ અને જ્ઞાનતંતુઓનાં કેન્દ્રો કહો છો, તે છે. આ અહંકાર —આ દ્રવ્ય કે પદાર્થ— પરિણામ પામે છે અને તેમાંથી આ કેન્દ્રો ઉત્પન્ન થાય છે. તે જ પદાર્થમાંથી બીજો પ્રકાર પણ ઉત્પન્ન થાય છે, એટલે કે તન્માત્રાઓ યાને પદાર્થના સૂક્ષ્મ પરમાણુઓ કે જે આપણી જ્ઞાનેન્દ્રિય સાથે અથડાય છે અને સંવેદન ઉત્પન્ન કરે છે. તમે તેમને જોઈ ન શકો. પણ માત્ર તેઓ છે એમ સમજી શકો. તન્માત્રાઓમાંથી સ્થૂળ પદાર્થો ઉત્પન્ન થાય છે, જેવાં કે પૃથ્વી, પાણી અને આપણે જોઈએ અને અનુભવીએ છીએ તે બધી વસ્તુઓ. આ વાત તમને હું ખાસ ભાર દઈને કહેવા માગું છું. તેને સમજવી બહુ મુશ્કેલ છે, કારણ પશ્ચિમના દેશોમાં મન અને પદાર્થ વિશેના ખ્યાલો બહુ વિચિત્ર છે. આપણા મગજમાંથી આ અસર દૂર કરવી ઘણી મુશ્કેલ છે. મેં કિશોરાવસ્થામાં પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હોવાથી મને પોતાને અત્યંત મુશ્કેલી પડેલી. આ બધાં વિરાટ તત્ત્વો છે. કલ્પના કરો કે આ એક અવિભક્ત અખંડ પદાર્થનો સર્વવ્યાપક સમૂહ છે. તે સર્વ વસ્તુની આદિ અવસ્થા છે અને જેમ દૂધનું દહીં થાય છે તેમ તે પરિણામ પામવા માંડે છે. તેનું પ્રથમ પરિણામ મહત્ છે. મહત્ પરિણામ પામીને વધારે સ્થૂળ પદાર્થ બને છે. તેને અહંકાર કહેવામાં આવે છે. ત્રીજું પરિણામ સમષ્ટિ ઇન્દ્રિયો રૂપે અને સમષ્ટિ પરમાણુઓ રૂપે પ્રકટ થાય છે; અને આ બધા એકત્રિત થઈને જેને આપણે આપણી આંખથી જોઈએ છીએ, નાકથી સૂંઘીએ છીએ કે કાનથી સાંભળીએ છીએ તે સ્થૂળ જગત બને છે. સાંખ્યોના મત પ્રમાણે સમષ્ટિની આ યોજના છે અને જે સમષ્ટિમાં છે તે વ્યષ્ટિમાં પણ હોવું જોઈએ. કોઈ એક માનવ વ્યક્તિ લો. તેનામાં અવ્યક્ત પ્રકૃતિનો એક અંશ છે; તેનામાં ઉપાદાનરૂપે રહેલી એ પ્રકૃતિ મહત્ રૂપે પરિણામ પામે છે, જે સમષ્ટિ મહત્નો એક નાનો અંશ છે; તે અંશ પરિવર્તન પામીને અહંકાર બને છે અને પછી તેમાંથી ઇન્દ્રિયો અને પદાર્થના સૂક્ષ્મ પરમાણુઓ ઉત્પન્ન થાય છે; અને તે બધાં એકત્રિત થઈને શરીર રચે છે. આ વસ્તુને હું સ્પષ્ટ કરવા માગું છું, કારણ કે સાંખ્યદર્શન સમજવા માટે આ પહેલું પગથિયું છે. તે બરાબર સમજવું તમારે માટે ઘણું જ જરૂરનું છે, કારણ કે આખા જગતમાં તત્ત્વજ્ઞાનનો પાયો તે છે. જગતમાં એવું કોઈ પણ તત્ત્વદર્શન નથી કે જે કપિલનું ઋણી ન હોય. પાયથાગોરસે ભારતમાં આવીને આ તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો; અને તેમાંથી ગ્રીક તત્ત્વજ્ઞાનનો આરંભ થયો. પાછળથી તેમાંથી અલેકઝાંડ્રિયાની વિચારધારા નીકળી અને એથીયે પાછળ થયા જ્ઞાનવાદીઓ. સાંખ્યદર્શનના બે વિભાગો થયા; એક વિભાગ યુરોપ અને અલેકઝાંડ્રિયા તરફ ગયો અને બીજો ભારતમાં રહ્યો. આમાંથી વ્યાસનું દર્શન વિકાસ પામ્યું. કપિલનું સાંખ્યદર્શન જગતમાં સૌથી પહેલું તર્કશુદ્ધ દર્શન છે. દુનિયાના પ્રત્યેક દર્શનશાસ્ત્રીએ તેને વંદન કરવાં જોઈએ. હું તમારા મન ઉપર એ ઠસાવવા માગું છું કે કપિલને તત્ત્વદર્શનના મહાન જનક તરીકે આપણે ગણવા જોઈએ. વેદમાં પણ આ અદ્ભુત માનવીનો – પ્રાચીનમાં પ્રાચીન તત્ત્વચિંતકનો – ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ‘હે ઈશ્વર! સૃષ્ટિના આરંભમાં તેં ઋષિ કપિલને જન્મ આપ્યો.’ તેમની સંવેદનશક્તિ, તેમનું નિરીક્ષણ કેવું અદ્ભુત હતું? અને જો યોગીઓની અસાધારણ નિર્ણયશક્તિનો કોઈ પુરાવો જોઈતો હોય તો આવા માણસો છે. તેઓ પાસે સૂક્ષ્મદર્શકયંત્રો કે દૂરબીનો ન હતાં, છતાં તેમનું નિરીક્ષણ કેવું સૂક્ષ્મ હતું! વસ્તુઓનું પૃથક્કરણ કેવું પૂર્ણ અને આશ્ચર્યકારક હતું!
શોપનહોરની ફિલસૂફી અને ભારતીય તત્ત્વજ્ઞાનમાં શો તફાવત છે તે અહીં હું તમને બતાવીશ. શોપનહોર એમ કહે છે કે ઇચ્છા અગર ઇચ્છાશક્તિ બધી વસ્તુનું કારણ છે, જીવવાની ઇચ્છા આપણને પ્રકટ કરે છે. પણ અમે તેનો અસ્વીકાર કરીએ છીએ. ઇચ્છાશક્તિ ક્રિયાત્મક જ્ઞાનતંતુઓ જેવી જ છે. હું જ્યારે કોઈ પદાર્થ જોઉં છું ત્યારે તેમાં કોઈ ઇચ્છાશક્તિ નથી. જ્યારે તેનાં સંવેદનો મગજ સુધી પહોંચે છે ત્યારે પ્રતિક્રિયા આવે છે અને કહે છેઃ ‘આમ કરો.’ કે ‘આમ ન કરો.’ અહંકારથી આ અવસ્થાને ઇચ્છાશક્તિ કહેવામાં આવે છે. ઇચ્છાશક્તિનો એક પણ અંશ એવો નથી કે જે પ્રતિક્રિયારૂપ ન હોય. ઇચ્છાશક્તિની પહેલાં ઘણી બાબતો આવે છે. તે અહંકારમાંથી ઉત્પન્ન થયેલું માત્ર એક તત્ત્વ છે અને આ અહંકાર પોતે પણ કોઈ તેથીય વિશેષ ઉચ્ચ તત્ત્વમાંથી એટલે કે ચેતનામાંથી ઉત્પન્ન થયેલો છે અને તે ચેતના પણ અચેતન પ્રકૃતિનું પરિણામ છે. આપણે જે કંઈ જોઈએ છીએ તે ઇચ્છાશક્તિ જ છે, એવો બૌદ્ધોનો મત હતો. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી તે તદ્દન ખોટો છે, કારણ કે ઇચ્છાશક્તિને માત્ર ક્રિયાશીલ જ્ઞાનતંતુઓ સાથે સરખાવી શકાય. જો તમે આ જ્ઞાનતંતુઓ કાઢી લો તો માણસમાં ઇચ્છાશક્તિ રહે જ નહીં. કદાચ તમે સારી રીતે જાણતા હશો કે આ હકીકત નીચી કોટિનાં પ્રાણીઓ ઉપર લાંબો સમય અખતરા કરીને શોધી કઢાઈ છે.
આપણે આ પ્રશ્ન હાથ ધરીએ. મનુષ્યમાં રહેલા આ મહત્નો, બુદ્ધિરૂપી મહાન તત્ત્વનો પ્રશ્ન સમજવો ખૂબ જ આવશ્યક છે. ચેતના પોતે જ જેને આપણે અહંકાર કહીએ છીએ તેમાં પરિણામ પામી છે અને શરીરની બધી શક્તિઓનું કારણ છે. તે અવચેતન, ચેતન અને અતિચેતન, સર્વ અવસ્થાઓને આવરી લે છે. આ ત્રણ અવસ્થાઓ શું છે? અવચેતન અવસ્થા આપણે પ્રાણીઓમાં જોઈએ છીએ અને તેને પ્રેરણા – સહજજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. તે ભાગ્યે જ કંઈ ભૂલ કરે છે, પણ તેનું ક્ષેત્ર ઘણું મર્યાદિત હોય છે. સહજજ્ઞાન ભાગ્યે જ ખોટું પડે છે. ઝેરી અને ખાદ્ય વનસ્પતિ વચ્ચેનો તફાવત પશુ સહજ રીતે પારખી શકે છે, પણ તેની તે શક્તિ ઘણી મર્યાદિત છે. જેવું કોઈ નવું તત્ત્વ આવે કે તે અંધ બની જાય છે; તે યંત્રની માફક કામ કરે છે. ત્યાર પછી જ્ઞાનની ઉચ્ચ ભૂમિકા આવે છે. તેમાં ભૂલ થવાનો અવકાશ છે અને ઘણીય વેળા તે ભૂલ કરે પણ છે. તે ભલે ધીમી છે છતાંય તેનું ક્ષેત્ર વિશાળ છે; આને તમે બુદ્ધિ કહો છો. તે સહજજ્ઞાન કરતાં ઘણી વધારે વ્યાપક છે, પણ સહજજ્ઞાન બુદ્ધિ કરતાં વધારે ચોક્કસ છે. બુદ્ધિમાં સહજ જ્ઞાન કરતાં ભૂલ થવાનો વધારે અવકાશ છે. મનની ભૂમિકા આથીયે વધારે ઊંચી છે, તેને અતિચેતન અવસ્થા કહેવામાં આવે છે. તે માત્ર યોગીઓમાં હોય છે અને તેમણે તે અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલી હોય છે. આ અભ્રાંત છે અને તર્ક-બુદ્ધિ કરતાં ઘણા વધારે વિશાળ પ્રદેશને પહોંચી વળે છે. આ સર્વોચ્ચ સ્થિતિ છે. તેથી આપણે એટલું યાદ રાખવું જોઈએ કે અહીં જે કંઈ છે તેનું ખરું કારણ આ મહત્ છે. મહત્ જ પોતાને વિવિધ રૂપે પ્રગટ કરે છે અને જેમાં જ્ઞાન રહે છે તે અવચેતન, ચેતન અને અતિચેતન અવસ્થાઓના સમગ્ર ક્ષેત્રને આ મહત્ જ આવરી લે છે.
હવે હંમેશાં પુછાય એવો એક નાજુક પ્રશ્ન આવે છે. જો પૂર્ણ ઈશ્વરે આ સૃષ્ટિનું સર્જન કર્યું તો તેમાં અપૂર્ણતા શા માટે છે? જે આપણે જોઈએ છીએ તેને આપણે વિશ્વ કહીએ છીએ, પણ તે માત્ર ચેતન અને બુદ્ધિનું નાનું ક્ષેત્ર છે; તેનાથી પર આપણે કંઈ જોઈ શકતા નથી. હવે આ પ્રશ્ન જ્યારે શક્ય છે. જો હું કોઈ એક સમૂહમાંથી માત્ર એક થોડોક ભાગ લઈને જોઉં તો તે અધૂરો લાગે છે; અને તે સ્વાભાવિક છે. આ વિશ્વ અધૂરું છે, કારણ કે આપણે તેને તેવું બનાવ્યું છે. કેવી રીતે? એનું કારણ શું?
જ્ઞાન શું છે? વસ્તુઓ વચ્ચેના સંબંધને શોધી કાઢવો તેનું નામ જ્ઞાન. તમે રસ્તા ઉપર જાઓ છો, એક માણસને જુઓ છો અને કહો છોઃ હું જાણું છું કે આ માણસ છે, કારણ કે તમને તમારા મન પર પડેલા સંસ્કારો યાદ છે, ચિત્ત ઉપર પડેલી નિશાનીઓ યાદ છે. તમે ઘણા માણસો જોયા છે અને દરેક વ્યક્તિએ તમારા મન ઉપર એક છાપ પાડી છે. જેવા તમે આ માણસને જુઓ છો કે તરત જ તમે તમારા તે સંસ્કારના ભંડાર સાથે સરખાવો છો અને ત્યાં તેવાં ઘણાં ચિત્રો જુઓ છો. જ્યારે તમે તે જુઓ ત્યારે તમને સંતોષ થાય છે અને આ નવા ચિત્રને અગાઉનાં ચિત્રોની સાથે તમે મૂકો છો. જ્યારે કોઈ નવી છાપ પડે છે અને તમારા મન સાથે તેને સંબંધ હોય છે ત્યારે તમને સંતોષ થાય છે. સંબંધની આ સ્થિતિને જ્ઞાન કહેવાય છે. તેથી જ્ઞાન એટલે તમારામાં અગાઉથી રહેલા અનુભવોના ભંડોળમાં નવા અનુભવને ગોઠવવો તે. જો તમારી પાસે આવો ભંડોળ ન હોય તો તમને કદી જ્ઞાન ન થાય, તે હકીકતની આ એક મહાન સાબિતી છે. જેમ પાશ્ચાત્ય વિદ્વાનો કહે છે તેમ જો તમે અનુભવ વિનાના હો અને તમારું મન આરંભમાં સાવ કોરું હોય Tabula Rasa તો તમને કોઈ પણ જ્ઞાન ન મળે; કારણ કે જ્ઞાનનો મૂળ પાયો તો એ છે કે મનમાં અગાઉથી રહેલા પૂર્વ સંબંધોની સહાયથી નવીન અનુભવોને જાણવા. નવા સંસ્કારોનો સંબંધ શોધવા તમારી પાસે કોઈ પૂર્વભંડોળ હોવું જોઈએ. ધારો કે આવા ભંડોળ વિના એક બાળક આ વિશ્વમાં જન્મે છે તો તેને માટે કંઈ પણ જ્ઞાન મેળવવું અશક્ય બનશે. આનો અર્થ એ કે તે બાળક અગાઉથી એવી સ્થિતિમાં હોવું જોઈએ કે તે તેની પાસે ભંડોળ હોય. આથી જ્ઞાન સર્વદા વૃદ્ધિ પામતું જાય છે. આ દલીલ સામે બચાવનો મને કોઈ માર્ગ બતાવો. આ એક ગણિતશાસ્ત્રની હકીકત છે. કેટલીક પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન પ્રણાલિકાઓ પણ એમ માને છે કે ભૂતકાળના જ્ઞાનના ભંડોળ વિના કોઈ પણ નવું જ્ઞાન થઈ ન શકે. તેઓ એવા સિદ્ધાંત પર આવ્યા છે કે બાળક જ્ઞાન સાથે જ જન્મે છે. આ પાશ્ચાત્ય તત્ત્વવેત્તાઓ કહે છે કે જે સંસ્કારો લઈને બાળક જગતમાં અવતરે છે તે તેના પોતાના પૂર્વ જીવનના નથી પણ તેના પૂર્વજોના અનુભવના છે; તે માત્ર વારસાગત ઊતરી આવેલ છે. તેમને થોડા વખતમાં ભાન થશે કે આ વિચાર સાવ ખોટો છે. કેટલાક જર્મન તત્ત્વવેત્તાઓ આ વારસા વિશેના ખ્યાલો ઉપર અત્યારે સખત પ્રહારો કરે છે. વારસાનો વિચાર ઠીક છે. પણ તે અપૂર્ણ છે. તે માત્ર ભૌતિક બાજુનો ખુલાસો કરે છે. આપણી આજુબાજુનું વાતાવરણ આપણી ઉપર અસર કરે છે તેનો ઉકેલ તમે કેમ આપી શકો? ઘણાં કારણો એક અસર પેદા કરે છે. ફેરફાર કરનારાં કારણો માંહેનું એક કારણ વાતાવરણ છે. આપણે આપણું વાતાવરણ સર્જીએ છીએ; જેવો આપણો ભૂતકાળ હોય તે પ્રમાણે આપણું વર્તમાન વાતાવરણ બને. પીધેલો માણસ સ્વાભાવિક રીતે જ શહેરનાં ગંદાં સ્થાનો તરફ આકર્ષાય છે.
જ્ઞાનનો અર્થ શો છે તે તમે હવે સમજ્યા? જ્ઞાન એટલે નવી છાપને જૂના સંસ્કારો સાથે ખાનામાં ગોઠવવી, તેને ઓળખવી. ઓળખવાનો અર્થ શો? પોતાની પાસે જે સંસ્કારો હોય તેની સાથે નવા સંસ્કારોનો સંબંધ શોધવો. જ્ઞાનનો અર્થ આથી વધારે કંઈ નથી. જો તેમ હોય, જો જ્ઞાનનો અર્થ સંબંધ શોધવો એવો હોય, તો પછી કોઈ પણ વસ્તુનું જ્ઞાન મેળવવા માટે તેવી વસ્તુના આખાય ક્રમને જાણવો જોઈએ. ખરું કે નહીં? તમે એક કાંકરો લો. તેનો સંબંધ શોધવા માટે તમારે તે પ્રકારના કાંકરાઓની હારમાળા જોવી પડશે. પણ સમગ્ર વિશ્વની આપણી અનુભૂતિની બાબતમાં આપણે તેમ કરી શકતા નથી કારણ કે આપણા મનના ખાનામાં તે અનુભવની માત્ર એક જ નોંધ છે; તે પ્રકાર કે વર્ગનો આપણને બીજો કોઈ અનુભવ નથી, એટલે આપણે તેને બીજા સાથે સરખાવી શકતા નથી, આપણે તેને તેના પૂર્વસંબંધો સાથે સરખાવી શકતા નથી. આપણી ચેતના દ્વારા અલગ કરાયેલો વિશ્વનો આ ટુકડો એક નવી વસ્તુ છે કે જે આપણને ચમકાવી મૂકે છે, કારણ કે આપણે પૂર્વાનુભવ સાથેનો તેનો સંબંધ મેળવી શકતા નથી. માટે આપણે તેની સાથે સંઘર્ષમાં આવીએ છીએ અને તેને ભયંકર, ખરાબ અને દુષ્ટ કહીએ છીએ; ક્વચિત્ તેને આપણે સારો માનીએ તો પણ હંમેશાં આપણને લાગે છે કે તે અપૂર્ણ છે, જ્યારે માત્ર પૂર્વ અનુભવ સાથેનો તેનો સંબંધ જાણીએ ત્યારે જ આ વિશ્વને જાણી શકીએ. જ્યારે આપણે આ વિશ્વ અને આ ચેતનાથી પર જઈશું ત્યારે જ આપણને તેની ઓળખ થશે અને ત્યારે જ વિશ્વ સમજાશે. જ્યાં સુધી આપણે તેમ ન કરી શકીએ ત્યાં સુધી દીવાલ સાથે માથાં પછાડવાથી વિશ્વનો ખુલાસો કદી મળશે નહીં, કારણ કે જ્ઞાન એટલે સમાનધર્મીઓને શોધી કાઢવા અને આ ચેતનની ભૂમિકાએ આપણને એનો માત્ર એક જ અનુભવ આપ્યો છે. ઈશ્વર વિશેના આપણા વિચારનું પણ આવું જ છે. જેમ આપણે વિશ્વના એક ભાગને જ જોઈએ છીએ અને બાકી બધું માનવ જ્ઞાનથી પર છે, તેવું જ આપણને ઈશ્વરના માત્ર એક ભાગનું જ્ઞાન છે. ‘વિશ્વાત્મા એવો હું એટલો વિરાટ છું કે આ વિશ્વ પણ મારો એક ભાગ માત્ર છે.’ તેથી જ આપણે ઈશ્વરને અપૂર્ણ જોઈએ છીએ અને તેને સમજતા નથી. તેને તથા વિશ્વને સમજવાનો એક માત્ર માર્ગ બુદ્ધિ અને ચેતનાથી પર જવાનો છે.’ જ્યારે તું શ્રુત અને શ્રવણથી પર જશે, વિચાર અને મનનથી પર જશે ત્યારે જ તને સત્ય સાંપડશે.’ ‘તું શાસ્ત્રોથી પર જા, કારણ શાસ્ત્રો માત્ર પ્રકૃતિ વિશે, માત્ર ત્રણ ગુણ વિશે જ જ્ઞાન આપે છે.’ જ્યારે આપણે તેથી પર જઈએ ત્યારે જ આપણને પૂર્ણત્વ મળે છે, તે પહેલાં નહીં.
વ્યષ્ટિ અને સમષ્ટિ એક જ યોજના ઉપર રચાયાં છે અને વ્યષ્ટિમાં આપણે એક જ ભાગને, મધ્ય ભાગને (ચેતન) જાણીએ છીએ; તે પહેલાંના અવચેતન અગર તે પછીના અતિચેતન ભાગને ઓળખતા નથી. આપણે માત્ર ચેતનને જ ઓળખીએ છીએ. જો કોઈ માણસ ઊભો થઈને એમ જાહેર કરે કે ‘હું પાપી છું.’ તો તે ખોટું કહે છે, કારણ તે પોતાને જાણતો નથી. તે અત્યંત અજ્ઞાની માનવી છે; પોતાના માત્ર એક ભાગને જ તે જાણે છે, કારણ કે તેનું જ્ઞાન જે ભૂમિકા ઉપર પોતે છે, માત્ર તે ભાગને જ લગતું છે. વિશ્વની બાબતમાં પણ એવું જ છે. બુદ્ધિથી આ વિશ્વનો માત્ર એક જ ભાગ જાણી શકાય છે, આખુંય વિશ્વ નહીં; કારણ કે અવચેતન, ચેતન અને અતિચેતન વ્યષ્ટિ મહત્ અને સમષ્ટિ મહત્ અને તેની પછીનાં બધાં પરિણામો મળીને વિશ્વ થાય છે.
પ્રકૃતિ શાથી પરિણામ પામે છે? આપણે અત્યાર સુધી જોયું કે સમગ્ર પ્રકૃતિ જડ છે, અચેતન છે; તે આખી સંઘાતરૂપ અને અચેતન છે. જ્યાં જ્યાં કોઈ નિયમ છે ત્યાં ત્યાં સાબિત થાય છે કે તેનું કાર્યક્ષેત્ર અચેતન છે. મન, બુદ્ધિ, ઇચ્છાશક્તિ અને બીજું બધું જડ છે. પરંતુ તે બધાંય સાંખ્યવાદીઓ જેને પુરુષ કહે છે અને જે આ બધાથી પર છે એવા કોઈક તત્ત્વના ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે. પુરુષ અભાનપણે વિશ્વનાં આ બધાં પરિણામો લાવે છે. એટલે કે વિશ્વ સંબંધી દૃષ્ટિએ આ પુરુષ વિશ્વનો ઈશ્વર છે. એમ કહેવાય છે કે ઈશ્વરની ઇચ્છાથી આ સૃષ્ટિનું સર્જન થયું. એક સામાન્ય કથન તરીકે તે ઠીક છે, પણ તે સત્ય હોઈ શકે નહીં. આપણે જોઈએ છીએ કે આ ઇચ્છા કેવી રીતે કારણ હોઈ શકે? પ્રકૃતિની અભિવ્યક્તિમાં ઇચ્છા ત્રીજું કે ચોથું સ્થાન ધરાવે છે; તેની પહેલાં ઘણી વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે. એ બધીનું સર્જન કોણે કર્યું? ઇચ્છા એક સંઘાત છે અને જે કંઈ સંઘાત હોય તે પ્રકૃતિનું કાર્ય હોય છે. આથી ઇચ્છા જગતનું સર્જન કરી શકે નહીં. તેથી ઈશ્વરની ઇચ્છાથી સૃષ્ટિનું સર્જન થયું એમ કહેવું એ નિરર્થક છે. આપણી ઇચ્છા આપણી ચેતન અવસ્થાના એક થોડા ભાગને આવરે છે અને આપણા માર્ગને ગતિ આપે છે. તમારા શરીરને કે આ વિશ્વને ચલાવનાર એ ઇચ્છા નથી. જે શક્તિથી આ શરીર ચાલે છે, ઇચ્છા તે શક્તિની અભિવ્યક્તિનો એક ભાગ માત્ર છે. તે જ પ્રમાણે વિશ્વમાં ઇચ્છા છે પણ તે વિશ્વનો એક ભાગ માત્ર છે. આખું ય વિશ્વ ઇચ્છાશક્તિથી ચાલતું નથી. માટે જ આ ઇચ્છાશક્તિના સિદ્ધાંતથી આપણે તેનો ખુલાસો કરી શકીએ નહીં. ધારો કે હું માની લઉં કે ઇચ્છાશક્તિ શરીરને ચલાવે છે; તો પછી જ્યારે હું તેને મારી ઇચ્છા મુજબ ચલાવી શકતો નથી ત્યારે હું ખીજાઉં છું અને ગુસ્સે થાઉં છું. ઇચ્છાશક્તિના સિદ્ધાંતને માની લેવાનો મને કોઈ અધિકાર ન હતો. તે જ પ્રમાણે હું વિશ્વની બાબતમાં માનું કે ઇચ્છાશક્તિ વિશ્વનું સંચાલન કરે છે અને એવી ઘટનાઓ જોઉં કે જેનો મેળ ખાતો નથી, તો તે મારો દોષ છે. આથી પુરુષ ઇચ્છાશક્તિ નથી; તેમ જ તે બુદ્ધિ પણ હોઈ શકે નહીં, કારણ કે બુદ્ધિ પણ એક મિશ્ર વસ્તુ છે. મગજને મળતા આવતા કોઈક પદાર્થ સિવાય બુદ્ધિ હોઈ શકે નહીં. જ્યાં બુદ્ધિ હોય ત્યાં એવો કોઈ પદાર્થ હોવો જોઈએ કે જેને આપણે મગજ કહીએ છીએ અને જે એકત્રિત થઈને એક ચોક્કસ આકાર લે છે અને મગજનું કામ સારે છે. જ્યાં જ્યાં બુદ્ધિ છે,ત્યાં ત્યાં આ પદાર્થ કોઈને કોઈ રૂપમાં હોવો જ જોઈએ. પણ બુદ્ધિ પોતે જ એક મિશ્ર વસ્તુ છે. તો પછી આ પુરુષ શું છે? તે નથી બુદ્ધિ કે નથી ઇચ્છાશક્તિ; પણ તે આ બધાનું કારણ છે. તેની હાજરી આ બધાને ક્રિયાશીલ અને મિશ્રિત કરે છે. પુરુષ પ્રકૃતિ સાથે ભળતો નથી. તે બુદ્ધિ નથી કે મહત્ નથી, પણ શુદ્ધ આત્મા છે. ‘હું સાક્ષી છું અને મારા સાક્ષીપણાથી પ્રકૃતિ જડ કે ચેતન સર્વને ઉત્પન્ન કરે છે.’
પ્રકૃતિમાં આ ચૈતન્ય શું છે? આપણે જોઈએ છીએ કે આ ચેતના તે બુદ્ધિ છે, જેને ચિત્ત કહેવામાં આવે છે. ચેતનાનો આધાર પુરુષમાં રહેલો છે. પુરુષનું તે સ્વરૂપ છે. તે એવી વસ્તુ છે કે જેને સમજાવી શકાય નહીં. પણ જેને આપણે જ્ઞાન કહીએ છીએ તે સર્વનું તે કારણ છે. પુરુષ એ ચેતન અવસ્થા નથી કારણ ચેતન અવસ્થા એક મિશ્રણ છે; પણ ચેતનમાં જે કાંઈ પ્રકાશરૂપ અને સારું છે તે પુરુષનું છે. પુરુષ ચેતન નથી પણ બુદ્ધિમાં જે પ્રકાશ છે તે પુરુષનો છે. તે જાણતો નથી. આપણે આપણી આજુબાજુ જે કંઈ જોઈએ છીએ તે પુરુષમાંનું ચિત્ત વત્તા પ્રકૃતિ છે. જગતમાં જ્યાં જ્યાં કાંઈ સુખ કે આનંદ કે પ્રકાશ દેખાય છે તે પુરુષનું છે. પણ એ મિશ્રિત વસ્તુ છે, કારણ કે પુરુષ વત્તા પ્રકૃતિ છે. ‘જ્યાં જ્યાં કંઈ સુખ છે, આનંદ છે તે ઈશ્વરરૂપી અમૃતત્વની એક ચિનગારી છે.’ ‘પુરુષ વિશ્વનું એકમાત્ર મહાન આકર્ષણ છે. વિશ્વથી અલિપ્ત અને અસંબદ્ધ રહેતો હોવા છતાં તે આખા વિશ્વને આકર્ષે છે.’ તમે એક માણસને સુવર્ણ પાછળ ભમતો દેખો છો, કારણ કે તેની પાછળ કચરાથી મિશ્રિત થયેલા હોવા છતાંય પુરુષનો એક સ્ફુલિંગ છે. જ્યાં મનુષ્ય પોતાનાં સંતાનોને ચાહે છે કે પત્ની પોતાના પતિને ચાહે છે, ત્યાં આકર્ષણ શક્તિ શી છે? તેમની પાછળ પેલી પુરુષની ચિનગારી રહેલી છે. તે ત્યાં જ છે, માત્ર પેલા કચરા સાથે ભળેલી છે. બીજું કંઈ આકર્ષણ કરી શકે નહીં. ‘આ અચેતન જગતમાં પુરુષ એક જ ચેતન છે.’ આ સાંખ્યનો પુરુષ છે. આથી એમ જરૂર સિદ્ધ થાય છે કે પુરુષ સર્વવ્યાપક હોવો જોઈએ. જે કોઈ સર્વવ્યાપક ન હોય તે મર્યાદિત હોય. બધી મર્યાદિત વસ્તુઓ કાર્ય છે અને જે કાર્ય છે તેને આદિ તથા અંત હોવો જોઈએ. જો પુરુષ મર્યાદિત હોય તો તેનો નાશ થવો જોઈએ, તે મુક્ત ન હોય, અંતિમ તત્ત્વ પણ ન હોય, પણ તેનું કંઈ કારણ હોવું જ જોઈએ. તેથી પુરુષ સર્વવ્યાપક છે. કપિલના મત પ્રમાણે પુરુષો એક નહીં પણ અસંખ્ય છે. તમારામાં અને મારામાં દરેકમાં એકએક સ્વતંત્ર પુરુષ છે અને એ રીતે દરેકે દરેકમાં છે; દરેક અનંત સુધી પહોંચે એવાં અસંખ્ય વર્તુળો, આ જગતમાં પથરાયેલાં છે. પુરુષ મન પણ નથી તેમજ પદાર્થ પણ નથી; એના બધા પ્રક્ષેપો જ આપણે જોવા પામીએ છીએ. આપણી ખાતરી છે કે જો તે સર્વવ્યાપી છે તો તેને મૃત્યુ પણ નથી તેમ જ જન્મ પણ નથી. પ્રકૃતિ એના પર જન્મ અને મૃત્યુના ઓળા પાડે છે, પરંતુ એનો સ્વભાવ તો શુદ્ધ છે. આમ આપણે જોયું કે સાંખ્યદર્શન એ અદ્ભુત વસ્તુ છે.
હવે આપણે એની વિરુદ્ધ પુરાવા લઈએ. અત્યાર સુધી આપણે જોયું કે આ પૃથક્કરણ પૂર્ણ છે, એનું માનસશાસ્ત્ર વાદવિવાદથી પર છે. ઇન્દ્રિયોના કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય એવા બે ભાગ પાડતાં આપણે જોયું કે તે સરલ નહીં પરંતુ અમિશ્ર છે. અહંકારને પણ ઇન્દ્રિયો અને પદાર્થોમાં વિભક્ત કરી નાખવાથી આપણે જોયું કે એ પણ ભૌતિક છે, તેમ જ મહત્ પણ એક ભૌતિક સ્થિતિ છે અને આખરે આપણે પુરુષને શોધ્યો છે. અહીં સુધી કંઈ વાંધો લેવા જેવું નથી. પરંતુ આપણે સાંખ્યવાદને પૂછી શકીએઃ ‘આ પ્રકૃતિને કોણે બનાવી?’ તો સાંખ્યો કહેશે કે પુરુષ અને પ્રકૃતિ અજન્મા અને સર્વવ્યાપક છે અને આ પુરુષની સંખ્યા અનંત છે. આપણે આ સિદ્ધાંતોનું ખંડન કરીને વધારે સારો નિર્ણય શોધવો પડશે અને તેમ કરવાથી આપણે અદ્વૈતવાદમાં પહોંચીશું. આપણો પ્રથમ વાંધો એ છે કે બે અનન્તો કેમ હોઈ શકે? ત્યાર પછીની આપણી દલીલ એવી હશે કે સાંખ્યવાદ એ પૂર્ણ સામાન્યીકરણ નથી અને તેમાં આપણને દોષરહિત ઉકેલ મળતો નથી. એ પછી આપણે જોઈશું કે વેદાંતીઓ આ બધી મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર આવે છે અને શી રીતે દોષરહિત સિદ્ધાંતે પહોંચે છે. છતાં પણ આ બધો યશ ખરું જોતાં સાંખ્યોને ફાળે જ જાય છે. કોઈ પણ ઇમારત પૂરી ચણાઈ ગયા પછી તેને છેવટનો ઓપ આપવો તે તો સહેલું કામ છે. (2.97)

