(જાન્યુઆરી ૨૬, ૧૮૯૬)

માનવીનું મન સાહજિક રીતે જ બહાર જવા – ઇન્દ્રિયો દ્વારા શરીરની બહાર જાણે કે ડોકિયું કરવા ઇચ્છે છે. બાહ્ય જગતને આંખોએ નીરખવું પડે, કાને સાંભળવું પડે, ઇન્દ્રિયોએ તેને ઓળખવું પડે, એટલે સાહજિક રીતે જ પ્રકૃતિની સુંદરતાઓ અને ભવ્યતાઓ માનવીનું ધ્યાન સહુથી પ્રથમ ખેંચે છે. માનવીના આત્મામાં જે પ્રશ્નો પ્રથમ ઊઠ્યા તે બાહ્ય જગત અંગેના હતા. એ રહસ્યનો ઉકેલ આકાશને, નક્ષત્રોને, અંતરિક્ષના ગ્રહો-ઉપગ્રહોને, પૃથ્વીને, સરિતાઓને, પર્વતોને અને મહાસાગરોને પૂછવામાં આવ્યો હતો; એ રહસ્યના ઉકેલ માટે ફાંફાં મારતું માનવ-મન પ્રથમ કેવી રીતે દરેક બાહ્ય વસ્તુને પકડવા દોડ્યું તેનાં પ્રથમ પગલાં આપણે દરેક પ્રાચીન ધર્મોમાં જોઈએ છીએ. આમ નદીના દેવતા, આકાશના દેવતા, મેઘના દેવતા, વર્ષાના દેવતા વગેરે કલ્પાયા હતા; બાહ્ય જગતનું બધું, જેને આપણે અત્યારે પ્રકૃતિની શક્તિઓ કહીએ છીએ તે સર્વ, પરિવર્તન પામીને ઇચ્છાઓમાં, દેવતાઓમાં અને સ્વર્ગીય સંદેશવાહકોમાં ફેરવાઈ ગયું. પ્રશ્ન જેમ જેમ ગહન અને વધુ ગહન બનતો ગયો તેમ તેમ આ બાહ્ય અભિવ્યક્તિઓ માનવ-મનને સંતોષ આપી ન શકી; છેવટે ચિંતનશક્તિ અંતર્મુખ બની અને માનવના પોતાના આત્મા વિષે જ પ્રશ્ન પૂછવામાં આવ્યો. સમષ્ટિમાંથી પ્રશ્ન પાછો વ્યષ્ટિ તરફ વાળવામાં આવ્યો; બાહ્ય જગતમાંથી પ્રશ્ન પાછો આંતર જગત તરફ દોરાયો. બાહ્ય પ્રકૃતિના પૃથક્કરણમાંથી માનવ આંતર-પ્રકૃતિના પૃથક્કરણ તરફ પ્રેરાયો. આંતર-માનવ વિષેની આ પૃચ્છા સંસ્કૃતિની વધુ ઉચ્ચ કક્ષા સાથે, પ્રકૃતિ અંગેની વધુ ઊંડી આંતરદૃષ્ટિ સાથે, વિકાસની વધુ ઉચ્ચ અવસ્થા સાથે જાગ્રત થાય છે.

આપણી આજ બપોર પછીની ચર્ચાનો વિષય છે આ આંતરમાનવ. આ આંતરમાનવના પ્રશ્ન જેટલો બીજો કોઈ પ્રશ્ન મનુષ્યના હૃદયને વધુ નજીક કે વધુ વહાલો નથી. કેટલા લાખો વાર અને કેટલા દેશોમાં આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે! ઋષિઓ અને રાજાઓ, શ્રીમંતો અને ગરીબો, સંતો અને પાપીઓ, દરેક માણસ અને દરેક સ્ત્રીઃ સૌ કોઈએ વારે વારે આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે. આ ક્ષણભંગુર માનવ જીવનમાં શું કંઈ જ શાશ્વત નથી? તેમણે પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે આ શરીર મરી જાય છે ત્યારે નાશ ન પામે એવું કશું જ નથી? જ્યારે આ ખોખું ખલાસ થઈને ધૂળમાં મળી જાય ત્યારે કશુંક જીવંત રહે એવું કંઈ જ નથી? ચિતામાં દેહને બાળીને ભસ્મ કરી નાખનાર અગ્નિમાંથી બચી જાય એવું શું કંઈ જ નથી? અને જો કંઈ હોય તો તેનું ભાવિ શું? એ ક્યાં જાય છે? તે ક્યાંથી આવ્યું? આ પ્રશ્નો વારંવાર પૂછવામાં આવ્યા છે અને આ સૃષ્ટિ ચાલ્યા કરશે ત્યાં સુધી, વિચાર કરનારું માનવીનું મગજ રહેશે ત્યાં સુધી, આ પ્રશ્ન પુછાયા જ કરાશે. છતાં આનો ઉત્તર નથી મળ્યો એવું નથી. દરેક વખતે ઉત્તર મળ્યો જ છે; અને જેમ જેમ સમય વહેતો જશે તેમ તેમ ઉત્તર વધુ ને વધુ જોર પકડતો જશે. હજારો વર્ષ પૂર્વે એ પ્રશ્નનો ઉત્તર સદાને માટે અપાઈ ગયો છે અને પછીના દરેક સમયે તેનો પુનરુચ્ચાર થયા કરે છે. નવાં નવાં દૃષ્ટાંતો અપાય છે અને આપણી સમજણ વધુ સ્પષ્ટ બને છે. તેથી આપણે જે કરવાનું છે તે એ ઉત્તરનો પુનરુચ્ચાર છે. અમે એ બધા સર્વગ્રાહી પ્રશ્નો પર કશો જ નવો પ્રકાશ પાડવાનો દાવો કરતા નથી; પરંતુ માણસ તેમને સમજી શકે એ માટે એ પ્રાચીન સત્યને માત્ર આધુનિક સમયની પરિભાષામાં તમારી સમક્ષ મૂકવાનો, પ્રાચીન ઋષિઓના વિચારોને આધુનિક લોકોની ભાષામાં રજૂ કરવાનો, દાર્શનિકોના વિચારોને માનવીની પ્રચલિત ભાષામાં મૂકવાનો, ઈશ્વરના વિચારોને બિચારી માનવજનતાની બોલીમાં બોલવાનો અમે પ્રયત્ન કરીએ છીએ કે જેથી માણસ તે સમજી શકે. એનું કારણ એ છે કે જે દિવ્ય તત્ત્વમાંથી એ વિચારો ઉદ્ભવ્યા, તે જ તત્ત્વ માનવમાં સદા વર્તમાન છે અને તેથી તે હંમેશાં તેમને સમજી શકે છે.

હું તમારી સામે જોઉં છું. હવે આ દર્શન માટે કેટલી વસ્તુઓ આવશ્યક છે? પ્રથમ તો આંખો. કેમ કે બીજી દરેક રીતે હું ભલે સંપૂર્ણ હોઉં, પણ જો મારે આંખો ન હોય તો હું તમને જોઈ શકવાનો નથી. બીજું, દર્શનની ખરી ઇન્દ્રિય, કારણ કે આંખો ઇન્દ્રિયો નથી, એ તો માત્ર દર્શનનાં સાધનો છે; તેમની પાછળ તો ખરી ઇન્દ્રિય – મગજમાંનું જ્ઞાનતંતુનું કેન્દ્ર – રહેલું છે. જો એ કેન્દ્રને કંઈ ઈજા પહોંચે તો માણસને ભલે સ્વચ્છમાં સ્વચ્છ આંખો હોય, છતાં તે કશું જોવાને શક્તિમાન નહિ થાય. તેથી એ આવશ્યક છે કે આ કેન્દ્ર અથવા ખરી ઇન્દ્રિય હોવી જોઈએ. આ પ્રમાણે આપણી બધી ઇન્દ્રિયોનું સમજવું. બહારનો કાન તો શબ્દનાં સ્પંદનોને અંદરનાં કેન્દ્રો પાસે લઈ જવાનું સાધન માત્ર છે. છતાં એટલું પણ પૂરતું નથી. ધારો કે વાચનાલયમાં તમે પુસ્તક વાંચવામાં મશગૂલ થઈ ગયા છો; દરમિયાન ઘડિયાળના ટકોરા પડે છે પણ તમે તે સાંભળતા નથી. હવે અવાજ તો થયો છે, હવામાં તેના સ્પંદનો ઉત્પન્ન થયાં છે, બહારનો કાન અને અંદરનું જ્ઞાનતંતુનું કેન્દ્ર પણ છે અને આ સ્પંદનો કાનના માર્ગે થઈને કેન્દ્ર સુધી લઈ પણ જવાયાં છે; અને છતાં તમે તેને સાંભળતા નથી! શાની ખામી છે? એ ક્રિયામાં મન હાજર નથી. આમ આપણે જોઈએ છીએ કે ત્રીજી કોઈક બાબત આવશ્યક છે. અર્થાત્ મન પણ ત્યાં હાજર હોવું જોઈએ. પ્રથમ બહારનાં સાધનો, ત્યાર પછી જેની પાસે આ બાહ્ય સાધન સંવેદન લઈ જશે તે ઇન્દ્રિય અને છેલ્લે એ ઇન્દ્રિયનું મનની સાથેનું જોડાણ. જ્યારે મન ઇન્દ્રિય સાથે જોડાયેલું નથી હોતું, ત્યારે ભલે શ્રવણેન્દ્રિય અને કાન સંવેદનને ગ્રહણ કરતાં હોય, છતાં આપણને તેનું ભાન થશે નહિ. આ મન સુધ્ધાં માત્ર વાહક જ છે; તેણે એ સંવેદનને હજી પણ આગળ લઈ જઈને બુદ્ધિ પાસે રજૂ કરવાનું છે. બુદ્ધિ નિશ્ચય કરનારી શક્તિ છે અને તેની પાસે જે રજૂ કરવામાં આવે છે તે શું છે તેનો નિશ્ચય તે કરે છે. આટલું હજી પૂરતું નથી. બુદ્ધિએ પણ તેને હજુ આગળ લઈ જવાનું હોય છે. તેણે એ આખી વસ્તુને શરીરની અંદર રહેલા નિયામક, માનવ આત્મા, સિંહાસનારૂઢ રાજા પાસે રજૂ કરવાની હોય છે. તેની પાસે એ ધરવામાં આવે છે અને પછી શું કરવું અને શું ન કરવું તે અંગે તેની પાસેથી હુકમ છૂટે છે. એ હુકમ એથી ઊલટા ક્રમમાં બહાર જાય છે. પ્રથમ તો એ બુદ્ધિ પાસે જાય છે, ત્યાંથી મન પાસે, ત્યાંથી ઇન્દ્રિયો પાસે અને ઇન્દ્રિયો તેને બાહ્ય સાધનો પાસે મોકલે છે; આટલું થાય છે ત્યારે અનુભવ પૂરો થાય છે.

આ સાધનો માનવીના બાહ્ય શરીરમાં, સ્થૂળ શરીરમાં છે; પરંતુ મન અને બુદ્ધિ ત્યાં નથી. એ બધાં તો, હિંદુ દર્શનોમાં જેને સૂક્ષ્મ શરીર કહે છે અને ખ્રિસ્તી તત્ત્વજ્ઞાનમાં જેને વિષે તમે માણસનું આધ્યાત્મિક શરીર એમ વાંચો છો કે જે વધારે સૂક્ષ્મ છે, શરીર કરતાં જે ઘણું જ સૂક્ષ્મ છે અને છતાં જે આત્મા નથી, તેની અંદર હોય છે. આ જીવાત્મા એ બધાંથી પર છે. બાહ્ય શરીર થોડાંક વરસોમાં નાશ પામી જાય છે; ગમે તે સામાન્ય કારણ તેને તકલીફ પહોંચાડીને તેનો નાશ કરી શકે છે. પરંતુ સૂક્ષ્મ શરીર એટલું સહેલાઈથી નાશ પામી શકે તેવું નથી. છતાં ક્યારેક તે પણ નબળું પડી જાય છે અને ક્યારેક તે સબળ પણ બને છે. વૃદ્ધ માણસમાં મનની શક્તિ કેવી ઘટી જાય છે, શરીર જ્યારે સબળ હોય છે ત્યારે મન પણ કેવું પ્રબળ થાય છે, કેટલીક ઔષધિઓ અને દવાઓ મન પર કેવી અસર કરે છે, બહારની દરેક વસ્તુ તેના પર કેવી અસર કરે છે અને બાહ્ય જગત પર તે પોતે કેવી પ્રતિક્રિયા કરે છે, વગેરે આપણે જોઈએ છીએ. જેવી રીતે શરીરની વૃદ્ધિ અને ક્ષય થાય છે, બરાબર તેવી જ રીતે મનનું પણ થાય છે; અને તેથી મન આત્મા નથી, કારણ કે આત્માનો ક્ષય થતો નથી કે તે નબળો પડતો નથી. એ આપણે કેવી રીતે જાણી શકીએ? આ મનની પાછળ કંઈક છે એ આપણે કેવી રીતે જાણી શકીએ? કારણ કે જ્ઞાન સ્વંય પ્રકાશિત છે અને બુદ્ધિનો એ આધાર છે; તે અચેતન, જડ ભૌતિક દ્રવ્યમાં હોઈ ન શકે. કોઈપણ જડદ્રવ્ય એવું જોવામાં નથી આવ્યું કે જેના પોતાના સારતત્ત્વ તરીકે બુદ્ધિ હોય. કોઈપણ જડ અચેતન ભૌતિક પદાર્થ પોતાને પ્રકાશિત કરી ન શકે. તમામ ભૌતિક દ્રવ્યને પ્રકાશ આપનારી બુદ્ધિ છે. આ ખંડ અહીં છે તે બુદ્ધિને લીધે જ છે, કારણ કે જો કોઈ બુદ્ધિએ તે બાંધ્યો ન હોત તો તેનું ખંડ તરીકેનું અસ્તિત્વ અજ્ઞાત જ રહેત. આ શરીર સ્વયંપ્રકાશ નથી; જો તેમ હોત તો તે મરેલા માણસમાં પણ તેવું જ હોત. તે પ્રમાણે મન અગર તો આધ્યાત્મિક શરીર સ્વયંપ્રકાશ હોઈ ન શકે. તેઓ બુદ્ધિના સારતત્ત્વરૂપે નથી. જે સ્વયંપ્રકાશ હોય તેનો ક્ષય ન થાય. જે બીજામાંથી આવેલા પ્રકાશથી પ્રકાશિત હોય છે, તેનો પ્રકાશ આવે અને જાય; પરંતુ જે પોતે પ્રકાશરૂપ જ છે, તેનું આવવું અને જવું અથવા વૃદ્ધિ અને ક્ષય કેમ કરીને થઈ શકે? આપણે જોઈએ છીએ કે ચંદ્ર વધે છે અને ઘટે છે, કારણ કે તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. જો લોખંડનો એક ગઠ્ઠો અગ્નિમાં નાખવામાં આવે અને તેને લાલચોળ તપાવવામાં આવે તો તે ચમકે છે અને પ્રકાશે છે; પણ તેનો પ્રકાશ ચાલ્યો જશે, કારણ કે તે બીજામાંથી આવેલો છે. તેથી માત્ર તે જ પ્રકાશનો ક્ષય સંભવિત છે કે જે બીજામાંથી આવેલો હોય અને તેનું પોતાનું સ્વરૂપ ન હોય.

હવે આપણે જોઈએ છીએ કે શરીરને, બાહ્ય આકારને, પોતાના સારતત્ત્વ રૂપ કશો જ પ્રકાશ હોતો નથી, તે સ્વયંપ્રકાશ હોતો નથી અને પોતાને જાણી શકે નહિ. તેવું જ મન વિષે પણ છે. શા માટે? કારણ કે મન પણ વધે છે અને ઘટે છે; એક વખતે તે પ્રબળ હોય છે અને બીજે વખતે તે નબળું પડી જાય છે; તેના પર દરેક વસ્તુનો પ્રભાવ પડે જ છે તેથી મન દ્વારા જે પ્રકાશ ચમકે છે તે મનનો પોતાનો નથી. ત્યારે કોનો પ્રકાશ છે? એ તેનો હોવો જોઈએ કે જેની પાસે તે પોતાના સારતત્ત્વ રૂપે હોય; અને એમ હોવાને લીધે કદી ક્ષય પામી શકે નહિ કે નાશ પામી શકે નહિ, કદી સબળ થાય નહિ કે નબળો પડે નહિ; તે જ સ્વયં પ્રકાશ છે; તે પ્રકાશ પોતે જ છે. એમ ન હોઈ શકે કે આત્મા જાણે છે, પરંતુ આત્મા પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. એમ ન હોઈ શકે કે આત્માને અસ્તિત્વ છે, પરંતુ આત્મા પોતે જ અસ્તિત્વ સ્વરૂપ છે. એમ ન હોઈ શકે કે આત્માને સુખ છે, પરંતુ આત્મા પોતે જ સુખસ્વરૂપ છે. જે સુખી હોય તેનું સુખ બીજા પાસેથી આવેલું હોય છે; જેને જ્ઞાન છે, તેનું જ્ઞાન અન્યત્રથી મેળવેલું હોય છે; અને જેને સાપેક્ષ અસ્તિત્વ છે, તેનું અસ્તિત્વ માત્ર પ્રતિબિંબિત હોય છે. જ્યાં જ્યાં ગુણો છે ત્યાં ત્યાં દ્રવ્ય ઉપર તે પ્રતિબિંબિત થયેલા છે; પરંતુ જ્ઞાન, અસ્તિત્વ અને આનંદ એ આત્મામાં તેના ગુણ રૂપે નથી, તેઓ તો આત્માનું સ્વરૂપ જ છે.

વળી પૂછી શકાય કે આ સિદ્ધાંત આપણે શા માટે માની લેવો? આથી શા માટે એમ સ્વીકારી લેવું કે જ્ઞાન, આનંદ અને અસ્તિત્વ એ આત્માનું સ્વરૂપ છે અને તેણે તે બીજા પાસેથી મેળવ્યાં નથી? એવી દલીલ કરી શકાય કે જેમ શરીરનો પ્રકાશ મન પાસેથી આવેલ છે તેમ આત્માનો પ્રકાશ, આત્માનો આનંદ અને આત્માનું જ્ઞાન પણ બીજે ક્યાંકથી આવેલ છે, એમ શા માટે ન કહેવું? આ રીતે દલીલ કરવામાં દોષ એ આવશે કે એ પ્રશ્નનો અંત ક્યાંય નહિ આવે. આત્મામાં એ બધાં કોની પાસેથી આવેલાં? જો એમ કહીએ કે કોઈ બીજા પાસેથી આવેલાં છે, તો તે જ પ્રશ્ન વળી પાછો પુછાશે કે એ બીજામાં ક્યાંથી આવ્યાં? તેથી અંતે આપણે એક એવા તત્ત્વે આવવું પડશે કે જે પોતે સ્વયંપ્રકાશ છે. એટલે ટૂંકાણમાં પતાવવું હોય તો તર્કશુદ્ધ માર્ગ એ છે કે જ્યાં સ્વયંપ્રકાશ આવે ત્યાં અટકવું અને તેથી આગળ ન જવું.

ત્યારે આપણે જોઈએ છીએ કે આ માનવ પ્રાણીની રચનામાં પ્રથમ છે આ બહારનું ઢાંકણ શરીર; બીજું છે સૂક્ષ્મ શરીર કે જે મન, બુદ્ધિ અને અહંકારનું બનેલું છે; એમની પાછળ છે માનવનો સાચો આત્મા. આપણે જોયું છે કે સ્થૂળ શરીરના સર્વ ગુણો અને શક્તિઓ મનમાંથી આવેલાં છે; અને મન એટલે કે સૂક્ષ્મ શરીર પોતાની શક્તિઓ અને પ્રકાશ, પોતાની પાછળ રહેલા આત્મામાંથી મેળવે છે.

હવે આ આત્માના સ્વરૂપ વિષે અનેક પ્રશ્નો ઊભા થાય છે. જો આત્માનું અસ્તિત્વ એવી દલીલમાંથી તારવવામાં આવે કે તે સ્વયંપ્રકાશ છે તથા જ્ઞાન, અસ્તિત્વ અને આનંદ તેનું સારતત્ત્વ છે, તો સ્વાભાવિક રીતે જ એ ફલિત થાય કે આ આત્માની ઉત્પત્તિ થઈ ન હોય. સ્વયંપ્રકાશ સત્તા કે જે બીજી કોઈ પણ સત્તાથી સ્વતંત્ર છે, તે કોઈ પણ વસ્તુનું પરિણામ હોઈ ન શકે. એ સર્વદા છે જ; એવો એકેય સમય નહોતો કે જ્યારે તે અસ્તિત્વમાં નહોતો, કારણ કે આત્માનું જ અસ્તિત્વ જો ન હતું તો સમય ક્યાં હતો? સમય આત્મામાં છે; જ્યારે આત્મા પોતાની શક્તિ મન ઉપર પરાવર્તિત કરે છે અને મન વિચાર કરે છે, ત્યારે સમયનો ખ્યાલ આવે છે. જ્યારે આત્મા ન હોય ત્યારે અવશ્ય વિચાર પણ ન હોય અને વિચાર ન હોય તો સમય પણ ન હોય. તેથી જ્યારે સમય પોતે જ આત્માની અંદર છે ત્યારે આત્મા કાળની અંદર છે એમ કેવી રીતે કહી શકાય? આત્માને નથી જન્મ કે નથી મૃત્યુ; પરંતુ તે આ બધી વિવિધ ભૂમિકાઓમાંથી પસાર થઈ રહ્યો છે. તે ધીમે ધીમે અને ક્રમે ક્રમે નીચીમાંથી ઊંચીમાં અને વધુ ઊંચી ભૂમિકામાં અભિવ્યક્ત થઈ રહ્યો છે. તે મન દ્વારા શરીર પર ક્રિયા કરીને પોતાનો જ મહિમા વ્યક્ત કરી રહ્યો છે; અને શરીર દ્વારા તે બાહ્ય જગતને ગ્રહણ કરી રહ્યો છે અને તેને સમજી રહ્યો છે. તે એક શરીર લઈને તેનો ઉપયોગ કરે છે; અને જ્યારે તે શરીરનો ઉપયોગ પૂરો થઈને તે નકામું થઈ જાય છે, ત્યારે આત્મા બીજું શરીર લે છે; અને એ પ્રમાણે કાયમ ચાલ્યા કરે છે.

આ ઠેકાણે એક ઘણો જ રસપ્રદ પ્રશ્ન આવીને ઉપસ્થિત થાય છે કે જે સામાન્ય રીતે આત્માના પુનર્જન્મ તરીકે ઓળખાય છે. કેટલીકવાર લોકો આ વિચારથી ગભરાઈ ઊઠે છે અને વહેમનું જોર એટલું બધું છે કે વિચારક માણસો સુધ્ધાં માને છે કે તેઓ શૂન્યમાંથી આવ્યા છે અને પછી ભવ્યમાં ભવ્ય તર્ક લડાવીને એવો સિદ્ધાંત પ્રતિપાદિત કરવાનો પ્રયાસ કરે છે કે ભલે પોતે શૂન્યમાંથી આવ્યા હોય પણ પછી સદાયને માટે તેઓ શાશ્વત થઈ જશે. જેઓ શૂન્યમાંથી આવે છે તેમને નિઃશંક રીતે શૂન્યમાં જ પાછા જવું પડે. તમે કે હું કે અહીં હાજર રહેલામાંથી કોઈપણ વ્યક્તિ શૂન્યમાંથી આવેલ નથી, તેમ શૂન્યમાં એ પાછી પણ જવાની નથી. આપણે અનંત કાળથી અસ્તિત્વમાં જ છીએ અને અનંતકાળ સુધી અસ્તિત્વમાં રહેવાના જ છીએ; અને આ દુનિયામાં કે આ દુનિયાથી પર એવી કોઈ શક્તિ નથી કે જે તમારું કે મારું અસ્તિત્વ નાબૂદ કરી શકે અથવા આપણને પાછા શૂન્યમાં રવાના કરી શકે. પુનર્જન્મનો આ વિચાર ભયજનક નથી એટલું જ નહિ, પરંતુ માનવજાતના નૈતિક કલ્યાણ માટે વધુમાં વધુ આવશ્યક છે. વિચારશીલ માણસો કરી શકે તેવો જો કોઈ તર્કશુદ્ધ નિર્ણય હોય તો તે જ છે. હવે પછી જો તમે શાશ્વતમાં અસ્તિત્વ ધરાવવાના હો, તો એમ હોવું જ જોઈએ કે ભૂતકાળમાં તમે શાશ્વતમાં રહેલા જ હતા, બીજી રીતે હોઈ જ ન શકે.

હવે આ સિદ્ધાંતની સામે જે થોડાક વાંધાઓ સામાન્ય રીતે રજૂ કરવામાં આવે છે તેમનો જવાબ આપવાનો હું પ્રયાસ કરીશ. તમારામાંના ઘણાને લાગશે કે એ વાંધાઓ સાવ મૂર્ખાઈભર્યા છે, છતાં આપણે તેમનો ઉત્તર તો આપવો જ રહ્યો; કારણ કે કોઈ કોઈવાર આપણે જોઈએ છીએ કે વધુમાં વધુ વિચારશીલ મનુષ્યો પણ મૂર્ખમાં મૂર્ખ વિચારો રજૂ કરવા તૈયાર હોય છે. ઠીક જ કહેવાયું છે કે મૂર્ખાઈભર્યો કોઈ વિચાર એવો કદી પણ ન હતો કે જેનો બચાવ કરવા ફિલસૂફો મળ્યા ન હોય. પહેલો વાંધો એ છે કે આપણને આપણો ભૂતકાળ કેમ યાદ નથી? હું પૂછું છું કે આપણને આપણા વર્તમાન જીવનમાંનોય બધો જ ભૂતકાળ યાદ છે? તમે બાળક હતા ત્યારે જે જે કર્યું હતું તે તમારામાંના કેટલાને યાદ છે? તમારું બાળપણ તમારામાંના કોઈને યાદ નથી. હવે જો તમારું અસ્તિત્વ તમારી યાદદાસ્ત ઉપર જ આધાર રાખતું હોય, તો આ દલીલથી એમ સાબિત થાય છે કે તમે બાળક તરીકે અસ્તિત્વમાં જ ન હતા, કારણ કે તમને તમારું બાળપણ યાદ નથી! આપણું અસ્તિત્વ આપણી તે વિષેની સ્મૃતિ પર આધાર રાખે છે એમ કહેવું તે નિર્ભેળ મૂર્ખાઈ છે. ભૂતકાળ આપણને શા માટે યાદ રહેવો જોઈએ? એ મગજ તો ચાલ્યું ગયું છે, ટુકડે ટુકડા થઈને નાશ પામ્યું છે અને નવું મગજ ઘડાયું છે. આ મગજને જે મળ્યું છે તે આપણા ભૂતકાળમાં મેળવેલા સંસ્કારોનું પરિણામ છે, તેમનો એકંદર સરવાળો છે; તે લઈને મન આ નવા શરીરમાં વસવા આવ્યું છે.

જે સ્વરૂપે હું અહીં ઊભો છું તે મારી પાછળ રહેલા સઘળા અનંત ભૂતકાળનું કાર્ય છે, હું તેનું પરિણામ છું. પણ મારો બધો ભૂતકાળ યાદ રાખવાની મારે શી જરૂર છે? જ્યારે એક મહાન પ્રાચીન ઋષિ, એક દ્રષ્ટા અથવા સત્યનો સાક્ષાત્કાર કરનારો પ્રાચીન કાળનો એક પયગંબર કંઈક કહે, ત્યારે આ આધુનિક માણસો બૂમ પાડી કહેશેઃ ‘અરે, એ તો મૂર્ખ છે!’ પણ જો તમે બીજું નામ વાપરો અને કહો કે ‘હક્સ્લી કહે છે કે ટિન્ડોલ આમ કહે છે,’ તો એ સાચું હોવું જ જોઈએ એમ આ લોકો જ માની લે છે. પ્રાચીન વહેમોની જગાએ તેમણે આધુનિક વહેમો ખડા કર્યા છે, પ્રાચીન ધર્માચાર્યોની જગાએ હવે તેઓએ આધુનિક વિજ્ઞાનાચાર્યોને સ્થાપ્યા છે. તેથી આપણે જોઈએ છીએ કે યાદશક્તિને લગતો વાંધો સાચો નથી; અને આ સિદ્ધાંતની સામે ઉઠાવવામાં આવે છે તે લગભગ એકમાત્ર મહત્ત્વનો વાંધો આ સ્મરણને લગતો જ છે. જો કે આપણે જોયું છે કે સિદ્ધાંતને માટે ગત જન્મોની સ્મૃતિ રહેવી જોઈએ એ આવશ્યક નથી, છતાં સાથોસાથ આપણે એ ભારપૂર્વક કહી શકવાની સ્થિતિમાં છીએ કે એવું દાખવનારા દાખલાઓ પણ પડ્યા છે કે, આ સ્મૃતિ જરૂર આવે છે અને આપણામાંનો દરેકેદરેક, જે જન્મમાં તે મુક્ત થશે તે જન્મમાં તે સ્મૃતિને પાછી મેળવશે. કેવળ ત્યારે જ તમને ખબર પડશે કે આ જગત માત્ર એક સ્વપ્નું છે; કેવળ ત્યારે જ તમને તમારા આત્માનાય આત્મામાં અનુભવ થશે કે તમે તો માત્ર પાઠ ભજવનારા નટ છો અને જગત એક રંગભૂમિ છે; કેવળ ત્યારે જ અનાસક્તિનો વિચાર તમારા મનમાં વજ્ર જેવો દૃઢ થશે; ત્યારે જ પછી ભોગની આ બધી તૃષ્ણાઓ, જીવનને અને જગતને વળગી રહેવાની આ વૃત્તિ સદાને માટે અદૃશ્ય થઈ જશે; ત્યારે મનને દીવા જેવું દેખાશે કે આ બધાંય તમારે માટે કેટલી બધીવાર અસ્તિત્વમાં હતાં, કેટલા કરોડો વખત તમારે માતાપિતા, પુત્રપુત્રી, પતિપત્ની, સગાંસંબંધી, સંપત્તિ અને સત્તા હતાં. એ બધાં આવ્યાં અને ગયાં. કેટલી બધીવાર તમે મોજાના ઊંચામાં ઊંચા શિખર પર ચડ્યા હતા અને કેટલી બધીવાર તમે નિરાશાની ખાઈને તળિયે ઝીંકાયા હતા! જ્યારે પૂર્વસ્મૃતિ આ બધું તમારી સામે લાવશે ત્યારે જ તમે વીરની પેઠે ટટ્ટાર ઊભા રહેશો અને દુનિયા તમારી સામે ભ્રૂકુટિ ચડાવશે ત્યારે પણ તમે મુખ મલકાવશો. કેવળ ત્યારે જ તમે ઉન્નત મસ્તકે કહેશો કે ‘અરે મૃત્યુ! હું તારી પણ પરવા કરતો નથી; તું મને શું બિવરાવવાનું હતું?’ આ સ્થિતિ દરેકેદરેકને માટે આવશે.

આત્માના આ પુનર્જન્મના સમર્થનમાં કોઈ દલીલો, કોઈ તર્કશુદ્ધ પ્રમાણો છે? અત્યાર સુધી તો આપણે નિષેધાત્મક બાજુ રજૂ કરી છે અને બતાવતા આવ્યા છીએ કે આ સિદ્ધાંતને ખોટો ઠરાવનારી વિરુદ્ધની દલીલો સાચી નથી. પરંતુ તેનાં કોઈ સમર્થ પ્રમાણો છે ખરાં? જરૂર છે અને તે સબળમાં સબળ પણ છે. માણસ માણસની વચ્ચે જ્ઞાન મેળવવાની શક્તિમાં જે મહદ્ અંતર દેખાય છે તેનો ખુલાસો પુનર્જન્મના સિદ્ધાંત સિવાય બીજો કોઈ વાદ આપી શકતો નથી. આપણને જે પ્રક્રિયાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનો પ્રથમ વિચાર કરીએ. ધારો કે હું રસ્તા પર એક કૂતરો જોઉં છું. હું કેવી રીતે જાણું છું કે એ કૂતરો છે? હું મારા મનને પૂછું છું. મારા મનની અંદર મારા ભૂતકાળના સઘળા અનુભવોના સમૂહો જાણે કે જુદાં જુદાં ખાનાંમાં ગોઠવાઈને પડેલા છે. જે ઘડીએ મને કોઈ નવો અનુભવ થાય છે, તે જ ઘડીએ હું તેને પેલાં ખાનાં પૈકી કોઈ એકની સાથે સરખાવવાનો પ્રયાસ કરું છું અને જેવો ત્યાં અગાઉથી જ રહેલો તે જ પ્રકારના અનુભવનો સમૂહ મળી આવે છે, તેવો જ હું આ નવા અનુભવને ત્યાં મૂકી દઉં છું અને હું સંતોષ અનુભવું છું. હું તે કૂતરાને કૂતરા તરીકે ઓળખું છું કારણ કે, મનમાં પૂર્વથી જ ગોઠવાયેલા અનુભવોની સાથે તે મળતો આવે છે. જ્યારે આ નવા અનુભવનો કોઈ સજાતીય સમૂહ મને અંદર નથી સાંપડતો, ત્યારે હું અસંતોષ અનુભવું છું. આમ જ્યારે કોઈપણ અનુભવનો સજાતીય અંશ ન મળવાથી અસંતોષ થાય, ત્યારે મનની તે અવસ્થાને ‘અજ્ઞાન’ કહેવામાં આવે છે; પરંતુ જ્યારે કોઈ અનુભવનો સજાતીય અંશ મળી આવવાથી સંતોષ થાય ત્યારે તેને ‘જ્ઞાન’ કહેવામાં આવે છે. જ્યારે એક સફરજન નીચે પડ્યું ત્યારે માણસોને અસંતોષ થયો. ત્યાર પછી ક્રમેક્રમે તેઓએ સમૂહ શોધી કાઢ્યો. એ સમૂહ કયો હતો? એ સમૂહ એ હતો કે બધાં સફરજન નીચે પડતાં હતાં. તેથી તે સમૂહનું નામ આપ્યું ‘ગુરુત્વાકર્ષણ’. આમ આપણે જોઈએ છીએ કે અંદર રહેલા પૂર્વના અનુભવના ભંડોળ સિવાય કોઈપણ નવો અનુભવ શક્ય નથી કારણ કે એ નવા અનુભવને સરખાવવા માટે ત્યાં અંદર કંઈ જ નથી. તેથી કેટલાક યુરોપીય દાર્શનિકોની માન્યતા મુજબ જો બાળક આ જગતમાં (તેમના શબ્દો વાપરીએ તો) ‘કોરી પાટી’ લઈને જન્મે, તો આવું બાળક બુદ્ધિશક્તિનો જરા પણ માત્રામાં વિકાસ સાધી શકે નહિ, કારણ કે તેના નવા અનુભવોને ઓળખાવવા માટે અંદરમાં કંઈ જ ન હોય. પરંતુ આપણે જોઈએ છીએ કે જ્ઞાન મેળવવાની શક્તિ પ્રત્યેક વ્યક્તિમાં વધુ ઓછી હોય છે. આ બતાવે છે કે આપણામાંની દરેક વ્યક્તિ પોતાના જ્ઞાનનું અલગ અલગ ભંડોળ લઈને જ આવેલ છે. જ્ઞાન માત્ર એક જ રીતે, અનુભવને રસ્તે જ મેળવી શકાય છે; એ માટેનો બીજો એકેય રસ્તો નથી.

હવે જો આપણે અમુક બાબતનો અનુભવ આ જન્મમાં કર્યો ન હોય તો આપણે તે બીજા કોઈક જન્મોમાં કર્યો હોવો જોઈએ. શા માટે મૃત્યુનો ભય સર્વત્ર અને સૌ કોઈમાં રહેલો છે? ઈંડામાંથી તરતમાં જ બહાર આવેલું મરઘીનું બચ્ચું સમળી ઝડપ મારતાં જ નાસીને માની પાંખમાં ભરાઈ જાય છે. એ શા માટે? આનો એક જૂનો ખુલાસો છે, (જો કે એને ખુલાસાનું મોભાદાર નામ આપવાનું હું તો ઉચિત ધારતો નથી) કે એને પ્રેરણા કે સહજવૃત્તિ કહે છે. ઈંડામાંથી તરતમાં જ બહાર નીકળેલા મરઘીના બચ્ચાને મૃત્યુનો ભય શાથી લાગે છે? મરઘીએ સેવેલા બતકના ઈંડામાંથી નીકળેલું બતકનું બચ્ચું પાણીની નજીક આવતાં જ તેમાં કૂદી પડીને શા માટે તરવા લાગે છે? અગાઉ કદી એ તો તર્યું જ નથી કે તેણે કોઈને તરતાં જોયું પણ નથી. લોકો તેને સહજવૃત્તિ કહે છે. એ એક મોટો શબ્દ છે એટલું જ. પણ એથી કાંઈ સમજાતું નથી. એ તો આપણને જ્યાં હતાં ત્યાં જ રાખે છે. ત્યારે હવે આ સહજવૃત્તિ શું છે તેનો આપણે અભ્યાસ કરીએ. એક છોકરી પિયાનો વગાડવાનો શીખવા માંડે છે. શરૂઆતમાં તેને દરેક પાસા ઉપર ધ્યાન દઈને જ આંગળીઓ મૂકવી પડે છે; પછી જ્યારે મહિનાઓ અને વર્ષો સુધી તે વગાડવાનું ચાલુ રાખે છે ત્યારે આંગળીઓ લગભગ આપમેળે જ, સહજવૃત્તિથી ફરવા માંડે છે. જે ક્રિયા પ્રથમ સભાનપણે કરવામાં આવતી હતી તેને માટે પાછળથી આવા ઇચ્છાપૂર્વકના પ્રયત્નની આવશ્યકતા રહેતી નથી. આ હજી સંપૂર્ણ સાબિતી નથી; અરધી હજી બાકી છે. તે એ છે કે લગભગ બધી જ ક્રિયાઓ કે જે અત્યારે સાહજિક છે, તે ઇચ્છાશક્તિના નિયંત્રણ તળે લાવી શકાય. શરીરની દરેક માંસપેશીને નિયમનમાં લાવી શકાય છે, એ તો સંપૂર્ણ રીતે સુવિદિત છે. તેથી આમ બંને રીતે સાબિતી સંપૂર્ણ થાય છે કે જેને આપણે અત્યારે સહજવૃત્તિ કહીએ છીએ તે ઇચ્છાપૂર્વક કરેલી ક્રિયાઓની વિકૃત અવસ્થા છે. તેથી જો એ ઉપમા સમગ્ર સૃષ્ટિને લાગુ પડે, જો પ્રકૃતિ સઘળી એક સમાન જ હોય, તો પછી નીચલી કોટિનાં પ્રાણીઓમાં તેમજ મનુષ્યોમાં જે સહજવૃત્તિ છે તે ઇચ્છાશક્તિની વિકૃતિ જ હોવી જોઈએ.

સમષ્ટિના વિષય પર બોલતાં આપણે જે નિયમનું પ્રતિપાદન કર્યું કે પ્રત્યેક અપક્રાંતિની પૂર્વે ઉત્ક્રાંતિ થયેલી જ હોય અને પ્રત્યેક પૂર્વે અપક્રાંતિ થયેલી જ હોય, તે નિયમને હવે લાગુ કરીએ તો આપણને જણાય છે કે સહજવૃત્તિ એ અપક્રાંત ઇચ્છાશક્તિ છે. તેથી માણસોમાં કે પશુઓમાં જેને આપણે સહજવૃત્તિ કહીએ છીએ તે અપક્રાંત, વિકૃત થયેલ ઇચ્છાપૂર્વકનાં કાર્યો હોવાં જોઈએ; અને ઇચ્છાપૂર્વકનાં કાર્યો અનુભવ સિવાય સંભવિત નથી. અનુભવથી જ્ઞાન પેદા થયું અને એ જ્ઞાન ત્યાં સચવાઈ રહ્યું. મૃત્યુનો ભય, બતકનાં બચ્ચાંનું પાણીમાં દોડી જવું અને માણસમાં સાહજિક બની ગયેલી બધી વગર ઇચ્છાએ કરાયેલી ક્રિયાઓ, ભૂતકાળના અનુભવોનાં પરિણામો છે. અહીં સુધી આપણે સાવ સ્પષ્ટ રીતે આગળ વધ્યા છીએ અને છેલ્લામાં છેલ્લું વિજ્ઞાન આપણી સાથે છે.

પરંતુ અહીં એક વધુ મુશ્કેલી ઊભી થાય છે. આધુનિકમાં આધુનિક વૈજ્ઞાનિકો પ્રાચીન ઋષિઓ તરફ પાછા વળે છે અને તેઓ એમ કરે ત્યાં સુધી સંપૂર્ણ સહમતિ છે. એ લોકો કબૂલ કરે છે કે પ્રત્યેક માનવી, પ્રત્યેક પ્રાણી અને પ્રત્યેક પશુ, અનુભવનું ભંડોળ લઈને જન્મ્યું છે અને મનની અંદર રહેલાં આ બધાં કાર્યો ભૂતકાળના અનુભવનું પરિણામ છે. પરંતુ તેઓ પૂછે છેઃ ‘એ અનુભવ આત્મામાં છે એમ કહેવાનો શો અર્થ છે? એમ શા માટે ન કહેવું કે તે શરીરમાં અને માત્ર શરીરમાં જ છે? એ વારસામાં ઊતરી આવે છે, એમ શા માટે ન કહેવું?’ આ છેલ્લો પ્રશ્ન છે. એમ શા માટે ન કહેવું કે જે અનુભવના ભંડોળની સાથે હું જન્મ્યો છું, તે મારા વડવાઓના ભૂતકાળના તમામ અનુભવોનું એકંદર પરિણામ છે? ક્ષુદ્ર જીવાણુથી આરંભીને સર્વોચ્ચ માનવ પ્રાણી સુધીના અનુભવોનો કુલ સરવાળો મારામાં છે; પરંતુ તે એક શરીરમાંથી બીજા શરીરમાં, એમ થતાં થતાં વારસાગત સંક્રમણ દરમિયાન મારામાં ઊતરેલો છે. આમાં મુશ્કેલી ક્યાં છે? સવાલ તો ઘણો સુંદર છે અને આ વારસાગત સંક્રમણના અમુક અંશનો અમે સ્વીકાર કરીએ છીએ. પણ કેટલે સુધી? માત્ર શરીરનું ઉપાદાન પૂરું પાડવાની હદ સુધી. આપણે આપણાં ભૂતકાળનાં કર્મોથી અમુક શરીરમાં જન્મ લેવાનું ઠરાવીએ છીએ અને એ શરીર માટેનું એક માત્ર અનુકૂળ ઉપાદાન, જે માબાપોએ તે જીવને પોતાના બાળક તરીકે જન્મ આપવાને યોગ્ય પોતાની જાતને બનાવી હોય, તેમની પાસેથી જ આવે છે.

વારસાવાદનો આ સાદો સિદ્ધાંત કોઈ જાતના પ્રમાણ વિના અદ્ભુતમાં અદ્ભુત સૂચનને માની લે છે કે માનસિક અનુભવ જડદ્રવ્યમાં ઉતારી શકાય કે માનસિક અનુભવ જડદ્રવ્યમાં અપક્રાંત કરી શકાય. જ્યારે હું તમારી સામે જોઉં છું ત્યારે મારા ચિત્ત રૂપી સરોવરમાં એક તરંગ ઊઠે છે; એ તરંગ તુરત સમી જાય છે પરંતુ સૂક્ષ્મ રૂપમાં એક સંસ્કારરૂપે રહી જાય છે. શારીરિક સંસ્કાર શરીરમાં રહી જાય એ આપણને સમજાય છે; પણ માનસિક સંસ્કાર પણ શરીરમાં રહી શકે એવું માની લેવા માટે શું પ્રમાણ છે? શરીરનો તો નાશ થઈ જાય છે. તો એ સંસ્કારને કોણ લઈ જાય છે? એ પણ માની લઈએ કે પ્રત્યેક માનસિક સંસ્કાર શરીરમાં સચવાઈ રહે એ સંભવિત છે, એ પણ માની લઈએ કે આદિ માનવથી માંડીને મારા પિતા સુધીનો દરેક સંસ્કાર મારા પિતાના શરીરમાં જળવાઈ રહ્યો હતો; પણ એ મારામાં સંચારિત કેવી રીતે થઈ શક્યો? જીવકોષ દ્વારા? બાળકમાં પિતાનું શરીર સંપૂર્ણપણે તો નથી આવતું, તો પછી એ કેમ બને? વળી એ જ માબાપને ઘણાં બાળકો પણ હોય; એટલે વારસાવાદના નિયમ પ્રમાણે, સંસ્કાર અને જેમાં સંસ્કાર પડે છે તે, એટલે કે ઉપાદાન શરીર એક હોવાથી એ અનિવાર્ય રીતે ફલિત થાય છે કે પ્રત્યેક બાળકના જન્મ સાથે માબાપો પોતાના સંસ્કારોના અમુક અંશ ગુમાવે જ; અથવા માબાપો પોતાના સર્વ સંસ્કાર બાળકમાં સંચારિત કરતાં હોય તો પ્રથમ સંતાનના જન્મ પછી તેમનાં મન ખાલીખમ થઈ જાય.

વળી જો જીવકોષમાં ચિરકાળના સંસ્કારોનો અનંત જથ્થો આવી રહેલો હોય તો તે ક્યાં હોય અને કેવી રીતે આવે? આ તો અશક્યમાં અશક્ય પરિસ્થિતિ છે અને જ્યાં સુધી આ શરીરવિજ્ઞાનીઓ, એ સંસ્કારો તે કોષમાં કેવી રીતે અને ક્યાં રહે છે, તેમજ માનસિક સંસ્કારો શારીરિક કોષમાં સૂઈ રહે છે એનો અર્થ શું એ સાબિત કરી ન શકે, ત્યાં સુધી તેમની દલીલ સ્વીકારી શકાય નહિ. તેથી અત્યાર સુધી એટલું સ્પષ્ટ છે કે આ સંસ્કારો મનમાં છે, મન જન્મ અને પુનર્જન્મ લે છે અને પોતાને માટે જે યોગ્યમાં યોગ્ય ઉપાદાન હોય તેનો ઉપયોગ કરે છે અને જે મન પોતાને અમુક વિશિષ્ટ પ્રકારના શરીરને માટે જ યોગ્ય બનાવી ચૂક્યું હોય તેને તેવું ઉપાદાન મળતાં સુધી રાહ જોવી પડે છે. આ આપણે સમજી શકીએ છીએ.

ત્યારે હવે સિદ્ધાંત આ સ્વરૂપ લે છેઃ જ્યાં સુધી આત્માને ઉપાદાન પૂરું પાડવાનો પ્રશ્ન છે, ત્યાં સુધી વારસાગત સંક્રમણ બરાબર છે, પરંતુ જીવાત્મા ઉત્ક્રમણ કરે છે અને એક પછી એક શરીરો ધારણ કરે છે; અને જે જે વિચાર આપણે કરીએ છીએ, જે જે કાર્યો આપણે કરીએ, તે સઘળાં શરીરમાં સૂક્ષ્મ રૂપોમાં સંઘરાઈને રહે છે અને ફરી પાછાં ઉપર કૂદી આવીને નવો આકાર ધારણ કરે છે. જ્યારે હું તમારી સામે જોઉં છું, ત્યારે મારા મનમાં એક તરંગ ઊઠે છે; તે, જાણે કે નીચે તળિયા તરફ ચાલ્યો જાય છે તથા સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ બનતો જાય છે; પરંતુ તે નાશ પામી જતો નથી. તે સ્મૃતિને આકારે મોજાંરૂપે ફરીથી ઉપર આવવાને તૈયાર રહે છે. તેથી આ બધા સંસ્કારો મનમાં જળવાઈ રહે છે અને મરણ વખતે એ બધાનું પરિણામી બળ મારામાં રહે છે. ધારો કે અહીં એક દડો છે અને આપણામાંનો દરેક જણ એક એક ટપલું હાથમાં લઈને તે દડાને ચારેકોરથી ફટકારતો જાય છે. દડો ઓરડાની અંદર એક દિશામાંથી બીજી દિશામાં એમ ફેંકાતો જાય છે અને બારણા પાસે પહોંચે છે એટલે બહાર ફેંકાઈ જાય છે. એ દડો પોતાની સાથે શું બહાર લઈ જાય છે? આ બધા ફટકાઓનું પરિણામી બળ. તેનાથી એને દિશા મળી છે. તેવી રીતે શરીર મરી જાય ત્યારે જીવાત્માને દિશા કોણ આપે છે? તેણે જે જે કર્મો કર્યાં છે, જે જે વિચારો કર્યા છે, તે બધાનું પરિણામી બળ – તેનો કુલ સરવાળો – તેને દિશા આપે છે. હવે તે પરિણામી બળ એવું હોય કે એ જીવાત્માને આગળ અનુભવ લેવા માટે નવું શરીર ધારણ કરવું પડે, તો તે એવાં માબાપ પાસે ખેંચાઈ જશે કે જે તેને તેવા શરીર માટે યોગ્ય ઉપાદાન આપવાને તૈયાર હોય. આ પ્રમાણે તે જીવાત્મા એક પછી એક શરીરોમાં જન્મ લીધા કરશે; ક્યારેક કોઈક સ્વર્ગ કે ઉપરના લોકમાં, ત્યાંથી પાછો મનુષ્ય લોકમાં માણસ તરીકે કે કોઈ અધમ પશુ તરીકે જન્મ લશે. આ રીતે જ્યાં સુધી તેનો અનુભવ સંપૂર્ણ ન થાય, તેનું વર્તુળ પૂરું ન થાય ત્યાં સુધી તે ભ્રમણ કર્યા જ કરશે. પછી તેને તેના સ્વરૂપનું જ્ઞાન થશે, પોતે શું છે તે તે જાણશે, તેનું અજ્ઞાન દૂર થશે, તેની પોતાની શક્તિ પ્રગટ થશે અને તે પૂર્ણ થશે. પછી તે જીવાત્માને ભૌતિક શરીરો દ્વારા કર્મ કરવાની તેમજ સૂક્ષ્મ કે માનસિક શરીરો દ્વારા પણ કાર્ય કરવાની કશી આવશ્યકતા રહેતી નથી. તે પોતાના જ પ્રકાશથી પ્રકાશે છે અને મુક્ત થાય છે. પછી તેને માટે જન્મ કે મૃત્યુ રહેતાં નથી.

અત્યારે આપણે આ બાબતની વિગતોમાં નહિ ઊતરીએ. પરંતુ આ પુનર્જન્મના સિદ્ધાંત અંગે એક વધુ મુદ્દો હું તમારી સમક્ષ રજૂ કરીશ. તે એક જ સિદ્ધાંત માનવ આત્માના સ્વાતંત્ર્યનું સમર્થન કરે છે; એ જ એક માત્ર સિદ્ધાંત છે કે જે આપણી સર્વ નબળાઈઓનો દોષ બીજા કોઈક ઉપર ઢોળી નાખવાની જે માનવીની સર્વસામાન્ય ત્રુટિ છે, તેમાં સપડાતો નથી. આપણે આપણા પોતાના દોષો તરફ જોતા નથી; આંખો પોતાને સ્વયંને દેખતી નથી; માત્ર તે અન્ય સહુની આંખોને જુએ છે. આપણે માનવ પ્રાણીઓ જ્યાં સુધી આપણો દોષ કોઈ બીજા પર ઢોળી શકીએ ત્યાં સુધી આપણી પોતાની નબળાઈઓ અને દોષોને પારખવામાં ઘણા જ શિથિલ રહીએ છીએ. સામાન્ય રીતે માણસો જીવનનો બધો દોષ પોતાના સાથીદારો પર જ ઢોળતા હોય છે; એ બને તેવું ન હોય તો ઈશ્વર પર દોષ ઢોળે છે અથવા નસીબ જેવા એકાદ ભૂતને ઊભું કરી તેનો વાંક કાઢે છે. પણ નસીબ ક્યાં છે? અને કોણ છે? વાવીએ તેવું લણીએ. આપણે જ આપણા ભાગ્યવિધાતા છીએ. બીજા કોઈનો વાંક પણ નથી કે બીજા કોઈને ભાગે જશ પણ જતો નથી. પવન તો વાયા જ કરે છે. જે વહાણના સઢ ખુલ્લા હશે તેમાં પવન ભરાશે અને તે આગળ ધકેલાશે; પણ જેમના સઢ સંકેલી લીધેલા હશે તેમાં પવન ભરાશે નહિ. એમાં પવનનો શો વાંક? તેમ ઈશ્વરની કૃપાનો પવનેય દિનરાત નિરંતર વહ્યા જ કરે છે; તેની દયાનો કોઈ પાર નથી. તો પછી આપણામાંથી કેટલાક સુખી હોય અને કેટલાક દુઃખી હોય તે શું ઈશ્વરનો વાંક છે? આપણા નસીબના ઘડનારા આપણે જ છીએ. ઈશ્વરની કૃપાનો સૂર્ય નબળા તેમજ સબળા સૌને માટે સરખો પ્રકાશે છે; તેનો વાયુ સાધુ તેમજ અસાધુ સૌને માટે સરખો વાય છે. તે સૌનો ઈશ્વર છે, સૌનો દયાળુ અને પક્ષપાતરહિત પિતા છે. શું તમે એમ કહેવા માગો છો કે એ જગતનો ઈશ્વર આપણા જીવનની ક્ષુદ્ર વસ્તુઓને આપણા જેવી જ નજરે જુએ છે? ઈશ્વર વિષેની એ કેવી હલકી ભાવના છે! અહીં આપણે નાનાં કુરકુરિયાંની પેઠે જીવનમરણની લડાઈ ખેલ્યા કરીએ છીએ અને મૂર્ખાઈથી માનીએ છીએ કે ખુદ ઈશ્વર પણ એ ખેલને આપણા જેટલી જ ગંભીરતાથી જુએ છે. ગલૂડિયાંની રમત એટલે શું, એની એને ખબર છે. એના જાણકારને શિક્ષા કરનાર અને કૃપા કરનાર બનાવીને તેના પર દોષ ઢોળી નાખવાના આપણા પ્રયત્નો કેવળ મૂર્ખાઈભર્યા છે. નથી એ કોઈને શિક્ષા કરતો કે નથી એ નવાજતો. તેની અનંત કૃપાનો અસીમસાગર સૌ કોઈને માટે, સર્વ કાળે, સર્વ સ્થળે, સઘળા સંજોગોમાં, અફરપણે, અચૂકપણે સભર ભરેલો જ છે. તેને કેમ વાપરવો, તેનો શો ઉપયોગ કરવો, તેનો આધાર આપણા પર છે. કોઈ માણસને, ઈશ્વરને કે જગતમાં કોઈને દોષ ન દો. જ્યારે તમને લાગે કે તમે દુઃખી થાઓ છો, ત્યારે પોતાનો જ દોષ શોધો અને વધુ સારા થવાનો પ્રયત્ન કરો.

પ્રશ્નનું નિરાકરણ માત્ર આ જ છે. જેઓ બીજાને દોષ દે છે – અને અફસોસની વાત છે કે તેવાઓની સંખ્યા રોજ રોજ વધ્યે જાય છે – તેઓનાં મગજ નબળાં પડી જાય છે અને તેઓ સાધારણ રીતે દુઃખી થાય છે. તેઓ પોતાની જ ભૂલોથી એ દશાએ પહોંચ્યા હોય છે અને છતાં દોષનો ટોપલો બીજાઓને માથે ઓઢાડે છે. પણ એથી કાંઈ તેમની દશા બદલાતી નથી; એથી એમને કંઈ લાભ પણ નથી થતો. બીજાઓ ઉપર દોષ ઢોળી નાખવાનો તેમનો પ્રયત્ન ઊલટા તેમને વધુ નબળા બનાવે છે. માટે તમારા પોતાના જ દોષોને માટે અન્ય કોઈનો વાંક કાઢો નહિ; તમારા પોતાના પગ પર ખડા રહો અને બધી જવાબદારી પોતાને માથે લો. એમ બોલો કે ‘જે આ દુઃખ હું ભોગવું છું તે મારી પોતાની જ કરણીનું ફળ છે અને એ હકીકત પોતે જ બતાવે છે કે એનો ઉપાય મારે એકલાએ જ કરવો પડશે.’ જે આપણે સર્જ્યું તેનો નાશ આપણે કરી શકીએ; પણ જે બીજા કોઈકની કૃતિ હોય તેનો આપણાથી કદી નાશ કરી શકાય નહિ. માટે ખડા થાઓ, હિંમતવાન બનો, તાકાતવાન થાઓ. બધી જવાબદારી પોતાને શિરે ઓઢી લો અને સમજો કે તમારા નસીબના ઘડનારા તમે પોતે જ છો. જે કાંઈ શક્તિ અને સહાય તમારે જોઈએ તે તમારી પોતાની અંદર જ છે; માટે તમારું ભાવિ તમે પોતે જ ઘડો. ‘ગઈ ગુજરીને યાદ કરવાની જરૂર નથી.’ તમારી સામે અનંત ભાવિ પડેલું છે; હંમેશાં યાદ રાખજો કે જે દરેક શબ્દ તમે ઉચ્ચારો, જે દરેક વિચાર તમે સેવો અને જે દરેક કાર્ય તમે કરો તે તમારે માટે સંસ્કારનું ભંડોળ ભેગું કરે છે; અને જેમ ખોટા વિચારો અને ખોટાં કાર્યો તમારી ઉપર વાઘની જેમ તરાપ મારવાને તૈયાર હોય છે, તેમ જ બીજે પક્ષે પ્રેરક આશાનાં કિરણો પણ છે કે સુવિચારો અને સત્કાર્યો તમારો બચાવ કરવા સહસ્ર દેવતાઓની શક્તિથી સર્વદા અને સદાને માટે તૈયાર હોય છે. (2.208)

Total Views: 247
૪. બ્રહ્માંડ (સમષ્ટિ)
૬. મુંડક ઉપનિષદ