(ઓક્ટોબર ૧૫, ૧૮૯૬)
તમારામાંના લગભગ બધાએ ‘માયા’ શબ્દ તો સાંભળ્યો જ હશે. સામાન્ય રીતે તે શબ્દ, ખોટી રીતે ભ્રમ કે દિવાસ્વપ્ન કે એવી કંઈક વસ્તુના અર્થમાં વપરાય છે. પરંતુ માયાનો સિદ્ધાન્ત વેદાંતના આધારસ્તંભો પૈકી એક હોઈને તેના ઉપર વેદાંત ઊભું છે; તેથી એ જરૂરનું છે કે તે શબ્દનો અર્થ આપણે બરાબર સમજીએ. તે શબ્દ ખોટી રીતે સમજાવાનો ભય છે, એટલે હું તમને થોડી ધીરજ રાખવા કહીશ. વૈદિક સાહિત્યમાં માયાનો જે પ્રાચીન વિચાર આપણે જોઈએ છીએ તેનો અર્થ ભ્રાન્તિ કે ભ્રમ એવો થાય છે; પરંતુ તે વખતે ખરા સિદ્ધાન્તને સમજી શકાયો ન હતો. આપણે એવા ફકરાઓ જોઈએ છીએ કે જેમાં પોતાની માયા દ્વારા ઇન્દ્રે જુદાં જુદાં રૂપો ધારણ કર્યાં ‘इन्द्रो मायाभिः पुरुरूप ईयते’ એવું આવે છે. એ વાત ખરી છે કે અહીં માયા શબ્દનો અર્થ ‘જાદુ’ થાય છે અને બીજા એવા કેટલાય ફકરાઓ જોવા મળે છે કે જ્યાં ‘માયા’ શબ્દનો એવો જ અર્થ થાય છે. પછી માયા શબ્દ અદૃશ્ય થઈ જાય છે. પરંતુ દરમિયાનમાં વિચારનો વિકાસ તો થયા જ કરતો હતો. પછીથી એ પ્રશ્ન ઊભો કરવામાં આવ્યો કે, ‘આપણે આ વિશ્વનું રહસ્ય કેમ ન જાણી શકીએ?’ એનો જે જવાબ આપવામાં આવ્યો તે ઘણો જ સૂચક હતોઃ ‘એનું કારણ એ છે કે આપણે વ્યર્થ વાતો કર્યા કરીએ છીએ. ઇન્દ્રિયોના વિષયોથી સંતોષ પામીએ છીએ અને વાસનાઓની પાછળ દોડીએ છીએ. તેથી જાણે કે આપણે વાસ્તવિકતાને ધુમ્મસના આવરણથી ઢાંકી દઈએ છીએ.’ અહીં ‘માયા’ શબ્દ બિલકુલ વાપરવામાં જ આવ્યો નથી; પણ આપણે એવા વિચાર સુધી પહોંચી જઈએ છીએ કે આપણા અજ્ઞાનનું કારણ સત્ય અને આપણી વચ્ચે છવાયેલ ધુમ્મસ જેવું આવરણ છે. પછી ઘણું મોડેથી છેલ્લામાં છેલ્લાં ઉપનિષદો પૈકી, એકમાં ‘માયા’ શબ્દનો ફરીથી ઉપયોગ થતો આપણે જોઈએ છીએ. પણ આ વખતે તેનું રૂપાંતર થયેલું છે અને નવો અર્થ તે શબ્દને આપવામાં આવ્યો છે. તેના અંગે સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં આવ્યું, તેમની પુનરાવૃત્તિ કરવામાં આવી, બીજા સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા અને છેવટે ‘માયા’ શબ્દનો અર્થ નક્કી થયો. શ્વેતાશ્વતર ઉપનિષદમાં આપણે વાંચીએ છીએ કે,
मायां तु प्रकृतिं विद्यात् मायिनं तु महेश्वरम्।
‘પ્રકૃતિને માયા જાણવી અને માયાધીશ છે સ્વયં પરમેશ્વર.’ આપણા દાર્શનિકોનો વિચાર કરતાં એવું દેખાય છે કે, મહાન શંકરાચાર્યના સમયની પહેલાં સુધી આ ‘માયા’ શબ્દ જુદા જુદા અર્થમાં વપરાયેલો છે. માયાના સિદ્ધાંતનો બૌદ્ધોએ પણ થોડોઘણો ઉપયોગ કરેલો છે; પણ બૌદ્ધ મત પ્રમાણે માયા શબ્દનો અર્થ લગભગ જેને વિજ્ઞાનવાદ કહેવામાં આવે છે તે થયો છે અને સામાન્યપણે આજે પણ ‘માયા’ શબ્દનો તે જ અર્થ કરવામાં આવે છે. જ્યારે કોઈ હિંદુ એમ કહે કે જગત માયા છે, ત્યારે લોકો તરત જ સમજે છે કે આ જગત ભ્રાંતિ છે. બૌદ્ધ મતના દાર્શનિકોએ આપેલ આ અર્થને કંઈક આધાર છે, કેમ કે દાર્શનિકોનો એક સંપ્રદાય એવો હતો કે જે બાહ્ય જગતમાં બિલકુલ માનતો નહિ. પરંતુ વેદાંતનો ‘માયા’ શબ્દ તેના અંતિમ અર્થઘટન અનુસાર વિજ્ઞાનવાદ નથી, યથાર્થવાદ નથી, અને એક સિદ્ધાંત પણ નથી. તે માત્ર આપણે શું છીએ અને આપણે આપણી આજુબાજુ શું જોઈએ છીએ, એ હકીકતનું કેવળ સાદું વિધાન છે.
મેં તમને અગાઉ કહ્યું તેમ જે લોકો પાસેથી વેદો આવ્યા તેમનાં મન સિદ્ધાંતની શોધ કરવાનો અને તે સિદ્ધાંતને અનુસરવાનો આગ્રહ ધરાવતાં હતાં. ઝીણી ઝીણી બાબતો વિશે વિચાર કરવાનો તે લોકોને સમય ન હતો; તેને માટે રાહ જોવી તેમને પોષાય તેમ ન હતું; તે લોકો તો વસ્તુના હાર્દને પકડવા ઊંડા ઊતરવા માગતા હતા. જાણે કે આ દુનિયાથી પર એવી કોઈ વસ્તુ તેઓને સાદ કરતી હતી અને તેથી રાહ જોવી તે લોકોને પોષાય તેમ ન હતું. જેને આપણે આધુનિક વિજ્ઞાન કહીએ છીએ તે વિષયોની વિગતો જે ઉપનિષદોમાં અહીંતહીં વેરાયેલી પડેલી આપણે જોઈએ છીએ, તે ઘણીવાર ભૂલભરેલી હોય છે; પણ સાથોસાથ તેના સિદ્ધાંતો બધા સાચા હોય છે. દાખલા તરીકે આકાશ (ઈથર)નો વિચાર. આજે આધુનિક વિચારનો આ છેલ્લામાં છેલ્લો સિદ્ધાંત હોઈ, જે પ્રકારે તે વિચારાયો છે તેના કરતાં અનેકગણો વધારે વિકસિત સ્વરૂપે અમારા પ્રાચીન સાહિત્યમાં જોવા મળે છે; પણ તે માત્ર સિદ્ધાંત પૂરતો જ હતો. જ્યારે તે સિદ્ધાંતને વ્યવહારમાં કામ કરતો બતાવવાની તે લોકોએ કોશિશ કરી ત્યારે તેમણે ઘણી ભૂલો કરી. આ આખું વિશ્વ જેના જુદા પ્રકારની અભિવ્યક્તિ છે તે સર્વવ્યાપી ચેતનતત્ત્વનો સિદ્ધાંત વૈદિક કાળમાં પણ સમજાયેલો હતો; બ્રાહ્મણગ્રંથોમાં એ જોવા મળે છે. આખું જીવન જેની અભિવ્યક્તિ છે તે પ્રાણની સ્તુતિ કરતો એક લાંબો મંત્ર સંહિતામાં છે. વળી, તમારામાંના કેટલાકને એ જાણવામાં રસ પડશે કે આ પૃથ્વી ઉપર જીવનની ઉત્પત્તિ અંગેના કેટલાક સિદ્ધાંતો વૈદિક તત્ત્વજ્ઞાનમાં પણ છે; અને આજના યુરોપીય વૈજ્ઞાનિકોએ પ્રતિપાદન કરેલ સિદ્ધાંતોને તે લગભગ મળતા છે. બેશક તમે સહુ જાણો છો કે એક સિદ્ધાંત એવો છે કે જીવન બીજા ગ્રહોમાંથી આવેલું છે. કેટલાક વૈદિક તત્ત્વવેત્તાઓની દૃઢ માન્યતા પ્રમાણે જીવન આ રીતે ચંદ્રમાંથી આવેલ છે.
સિદ્ધાંતોની વાત કરીએ તો આપણને જણાશે કે વેદના આ તત્ત્વચિંતકો વ્યાપક અને સામાન્ય સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવામાં ખૂબ જ બહાદુર અને અદ્ભુત હિંમતવાળા હતા. આ વિશ્વના રહસ્યનો બાહ્ય જગતની દૃષ્ટિએ કરેલો તેમનો ખુલાસો શક્ય તેટલો સંતોષકારક હતો. આધુનિક વિજ્ઞાનની વિગતપૂર્વકની પ્રક્રિયા પ્રશ્નને ઉકેલ તરફ એક ડગલું પણ નજીક લાવતી નથી, કેમ કે તેના સિદ્ધાંતો નિષ્ફળ ગયા છે. જો પ્રાચીન યુગમાં આકાશ (Ether) નો સિદ્ધાંત વિશ્વના રહસ્યનું સ્પષ્ટીકરણ આપવામાં નિષ્ફળ ગયો, તો તે સિદ્ધાંતની વિગતોનો વિચાર-ઝીણવટભર્યો અભ્યાસ – આપણને સત્યની બહુ નજીક લાવશે નહિ. જો સર્વવ્યાપી ચેતનતત્ત્વનો સિદ્ધાંત આ વિશ્વના ખુલાસાના સિદ્ધાંત તરીકે નિષ્ફળ ગયો, તો તેની જ વધારે ઝીણવટભરી વિગતો શોધી કાઢવાથી કાંઈ વધુ ફાયદો થાય નહિ, કારણ કે વિગતો વિશ્વના મુખ્ય સિદ્ધાંતને બદલી શકે નહિ. હું કહેવા એમ માગું છું કે સિદ્ધાંતની શોધમાં હિંદુ તત્ત્વચિંતકો આધુનિક વિચારકોના જેટલા જ હિંમતવાન હતા અને કેટલાક કિસ્સાઓમાં તો તેમના કરતાં પણ વધારે હિંમતવાળા હતા. આજની ઘડી સુધી તારવી કાઢવામાં આવેલાં કેટલાંક ભવ્યમાં ભવ્ય સામાન્યીકરણો તેઓએ જ કરેલાં છે; તે પૈકી કેટલાંક તો હજી સિદ્ધાંતો તરીકે જ ઊભાં છે, અરે, જેમને આધુનિક વિજ્ઞાન હજી એક કલ્પના તરીકે પણ પહોંચી શક્યું નથી. દાખલા તરીકે તેઓ માત્ર ઈથરના વિચાર સુધી પહોંચ્યા હતા, એટલું જ નહિ, પણ તે લોકો તો તેનાથી પણ આગળ ગયા અને મનરૂપી દ્રવ્યને પણ ઈથરના વધારે સૂક્ષ્મ સ્વરૂપ તરીકે ગોઠવી દીધું. વળી તેનાથી પણ આગળ વધીને તેમણે ઈથરથી પણ સૂક્ષ્મ દ્રવ્ય શોધી કાઢ્યું. છતાં પણ તેનાથી કોઈ નિરાકરણ આવ્યું નહીં, પ્રશ્નનો ઉકેલ સધાયો નહીં. બાહ્ય જગતનું ગમે તેટલું વિપુલ જ્ઞાન પણ આ પ્રશ્નનો ઉકેલ આપી શકે નહીં. ‘પણ’ વૈજ્ઞાનિક કહે છે, ‘અમે હવે થોડું થોડું જાણવાનું શરૂ કર્યું છે; થોડાં હજાર વર્ષ હજુ રાહ જુઓ અને તે પ્રશ્નનો ઉકેલ અમે લાવી આપીશું.’ વેદાંત કહે છેઃ ‘એ નહીં બને.’ કેમ કે તેણે એ નિઃશંકપણે સાબિત કરેલ છે કે મન તો મર્યાદિત વસ્તુ છે; તે અમુક મર્યાદાથી – જેવી કે – કાળ અને નિમિત્તથી – પર જઈ શકે નહીં. જે પ્રમાણે કોઈપણ માણસ પોતાની જાતમાંથી બહાર કૂદી શકે નહિ, તે જ પ્રમાણે કોઈપણ માણસ દેશ અને કાળની તેના ઉપર લદાયેલી મર્યાદાઓને ઉલ્લંઘીને તેની બહાર જઈ શકે નહીં. દેશ, કાળ અને નિમિત્તના પ્રશ્નોનો ઉકેલ લાવવાના બધા જ પ્રયાસો વ્યર્થ જશે, કારણ કે તેવો દરેક પ્રયાસ આ ત્રણેનું અસ્તિત્વ સ્વીકારીને જ કરવાનો રહેશે. તો પછી જગત અસ્તિત્વ ધરાવે છે, એ વિધાનનો શો અર્થ છે? અને ‘આ જગતનું અસ્તિત્વ નથી’ એ વિધાનનો પણ શો અર્થ છે? તે વિધાનનો અર્થ એવો છે કે તેને સ્વતંત્ર અસ્તિત્વ નથી. તેનું અસ્તિત્વ માત્ર મારા મન, તમારા મન અને બીજા દરેકના મનની સાથે સંકળાયેલું છે. આપણે આ જગતને આપણી પાંચ ઇન્દ્રિય વડે અનુભવીએ છીએ; પણ જો આપણને બીજી એક વધારે ઇન્દ્રિય હોત, તો આપણે તેમાં કંઈક વધારે અનુભવત. જો એથીયે વધારે એક ઇન્દ્રિય હોત તો આપણે એથીયે કંઈક જુદું અનુભવત. તેથી તેનું વાસ્તવિક અસ્તિત્વ નથી; તેને અવિકારી, અચળ, અનંત અસ્તિત્વ નથી. તેને નાસ્તિત્વ પણ ન કહી શકાય, કેમ કે આપણે તેનું અસ્તિત્વ અનુભવીએ છીએ અને આપણે તેમાં અને તે દ્વારા કામ કરવાનું હોય છે. આ જગત અસ્તિનાસ્તિનું મિશ્રણ છે.
આ વસ્તુનિરપેક્ષ વિચારોમાંથી આપણે આપણા હંમેશના જીવનની સામાન્ય વાત ઉપર આવીએ તો આપણને જોવા મળશે કે આપણું આખુંયે જીવન માત્ર વિરોધાભાસો છે, અસ્તિ-નાસ્તિનું, સત્-અસત્નું મિશ્રણ છે. જ્ઞાનમાં પણ આ વિરોધાભાસ છે. એમ લાગે છે કે, માણસ ઇચ્છે તો બધું જાણી શકે છે; પણ જ્યાં તે થોડાંક ડગલાં આગળ વધે છે કે તરત જ એક લોખંડી દીવાલ આડી આવતી લાગે છે, જેને તે ઓળંગી શકતો નથી. તેનું બધું કાર્ય એક વર્તુળમાં ચાલે છે; તે વર્તુળની બહાર તે જઈ શકતો નથી. જે પ્રશ્નો તેને મન સૌથી નિકટના અને પ્રિય છે, તે રાતદિવસ ઉકેલ માટે તેને આગળ ધકેલ્યા જ કરે છે, પણ તે તેનો ઉકેલ શોધી શકતો નથી કારણ કે તે પોતાની બુદ્ધિશક્તિથી પર જઈ શકતો નથી અને તો પણ તે ઇચ્છા તો તેનામાં પ્રબળ રીતે દૃઢમૂળ થયેલી જ છે. બેશક આપણે જાણીએ છીએ કે તે ઇચ્છાને કાબૂમાં રાખીને અને તેને અટકાવીને જ આપણે આપણું કલ્યાણ કરી શકવાના છીએ. દરેક શ્વાસોચ્છ્વાસની સાથે આપણા હૃદયનો પ્રત્યેક ધબકાર આપણને સ્વાર્થી બનવાનું કહે છે; સાથોસાથ આપણાથી પર એવી કોઈક શક્તિ આપણને કહે છે કે માત્ર નિઃસ્વાર્થતા જ કલ્યાણની સાધના છે. દરેક બાળક જન્મથી જ આશાવાદી હોય છે; તે સોનેરી સ્વપ્નાં સેવતું હોય છે. યૌવન દરમિયાન તે વધારે આશાવાદી બને છે. મૃત્યુ, પરાજય કે પતન જેવી કોઈક વસ્તુ છે, એમ માનવું યુવાન માણસને માટે ખૂબ મુશ્કેલ છે. પછી વૃદ્ધાવસ્થા આવે છે અને જીવન એક ખંડેર બની ગયેલું દેખાય છે. સ્વપ્નો બધાં હવામાં ઊડી ગયાં હોય છે અને માનવી નિરાશાવાદી બન્યો હોય છે. આમ કુદરતથી આમતેમ ધકેલાયેલા આપણે, ક્યાં જઈએ છીએ તે જાણ્યા વગર, એક છેડાથી બીજા છેડા તરફ જઈ રહ્યા છીએ. આ પ્રસંગે મને બુદ્ધની જીવનકથા ‘લલિતવિસ્તર’માં આવેલ એક જાણીતું ગીત યાદ આવે છે. પુસ્તક કહે છે કે, બુદ્ધ માનવજાતના તારણહાર તરીકે જન્મ્યા હતા પણ તે મહેલના આમોદપ્રમોદમાં પોતાની જાતને ભૂલી ગયા. કેટલાક દેવદૂતો આવ્યા, તેમણે તેમને જાગ્રત કરવા માટે ગીત ગાયું. એ આખા ગીતનો ભાવાર્થ એવો છે કે સતત બદલાયા કરતા આ જીવનપ્રવાહમાં આપણે અટક્યા વિના અને આરામ વગર સતત તણાયે જઈએ છીએ. તે જ પ્રમાણે આપણાં જીવન પણ કશાય વિસામા વગર આગળ ને આગળ ચાલ્યાં જાય છે. આપણે હવે કરવું શું? જે માણસ પાસે ખાવાપીવાનું પૂરતું છે તે આશાવાદી હોય છે; તે દુઃખના નામ માત્રથી દૂર રહે છે, કેમ કે તેનાથી તે ડરે છે. તેને દુનિયાનાં દુઃખો અને દર્દો વિશે વાત કરશો નહિ; તેને જઈને એમ કહો કે આ બધું સારું છે. તે કહેશેઃ ‘હા, વાત સાચી છે. મારો જ દાખલો લો. હું સલામત છું; મારે રહેવાને સુંદર ઘર છે; ઠંડી કે ગરમીની મને બીક લાગતી નથી. તેથી એવાં ભયાનક ચિત્રો મારી સમક્ષ લાવશો નહીં.’ પણ બીજી બાજુ, કેટલાયે એવા લોકો છે કે જેઓ ભૂખ અને ઠંડીથી મરી રહ્યા છે. જો તમે જઈને તેમને સમજાવવા માંડો કે આ બધું સારું છે તો તે લોકો તમારું સાંભળશે નહીં. જ્યારે તેઓ પોતે દુઃખી હોય ત્યારે બીજાને સુખી કેવી રીતે ઇચ્છી શકે? આમ આપણે આશાવાદ અને નિરાશાવાદ વચ્ચે ઝોલાં ખાઈએ છીએ.
વળી મૃત્યુરૂપી એક કઠોર સત્ય છે. આખી દુનિયા મૃત્યુ તરફ આગળ વધી રહી છે; બધું જ નાશ પામે છે. આપણી બધી પ્રગતિનો, આ ઘમંડનો, આપણા સુધારાઓનો, આપણી સમૃદ્ધિનો, આપણી સંપત્તિનો, આપણા જ્ઞાનનો એક માત્ર અંત મૃત્યુ છે. જો કોઈ વસ્તુ ચોક્કસ હોય તો તે એક મૃત્યુ જ છે. નગરો વસે છે અને નાશ પામે છે, સામ્રાજ્યનો ઉદય થાય છે અને તેઓ અસ્ત પામે છે; ગ્રહોના ટુકડેટુકડા થઈ જાય છે, ધૂળ બની જાય છે અને બીજા ગ્રહોના વાતાવરણમાં ઊડી જાય છે. આ પ્રમાણે અનંત કાળથી ચાલતું અને થતું આવ્યું છે. મૃત્યુ એ વસ્તુ માત્રનો અંત છે. જિંદગીનો, સૌંદર્યનો, સંપત્તિનો, સત્તાનો, અને સદ્ગુણોનો પણ, બધાનો અંત મૃત્યુ છે. સંતપુરુષો મરે છે અને પાપીઓ પણ મરે છે, રાજાઓ મરે છે અને ભીખારીઓ પણ મરે છે. બધા મૃત્યુ તરફ જઈ રહ્યા છે અને છતાં બધામાં જીવનને વળગી રહેવાની આ તીવ્ર લાલસા છે. કોણ જાણે કેમ, આપણને ખબર નથી કે શા માટે આપણે જીવનને વળગી રહીએ છીએ; આપણે તેને છોડી શકતા નથી. અને આ જ છે માયા.
માતા બાળકને ખૂબ સંભાળપૂર્વક ઉછેરે છે; તેનો જીવ—તેનું આખું જીવન બાળકમાં જ છે. બાળક મોટું થાય છે; પુખ્ત વયે પહોંચે છે અને કદાચ ગુંડો બને છે, પશુ જેવો બને છે; માતાને દરરોજ તે લાતો મારે છે, માર મારે છે; અને છતાંયે માતા તે બાળકને વળગી રહે છે; તેને બુદ્ધિથી બધું સમજાય છે, તોપણ પ્રેમના બહાના હેઠળ તે હકીકતને ઢાંકી દે છે. માતાને ભાગ્યે જ એવા વિચાર આવે છે કે પોતે આચરે છે તે પ્રેમ નથી; તે કંઈક એવી વસ્તુ છે કે જેણે તેના જ્ઞાનતંતુઓ ઉપર કબજો જમાવ્યો છે અને તેને તે છોડી શકતી નથી; માતા ગમે તેટલો પ્રયત્ન કરે પણ જે બંધનમાં તે આવી છે તેને તે તોડી શકતી નથી. આનું નામ માયા.
આપણે બધા સુવર્ણમૃગની પાછળ પડેલા છીએ. આપણામાંનો દરેકેદરેક એમ માને છે કે, એ મૃગ પોતાને જ મળવાનો છે. દરેક બુદ્ધિમાન મનુષ્ય સમજતો હોય છે કે કરોડોમાંથી કદાચ એક જ તક તેની છે અને છતાં દરેકેદરેક તેને માટે મથે છે. આનું નામ માયા.
આ દુનિયા ઉપર મૃત્યુ ચોવીસે કલાક આપણી પાછળ પાછળ ભમતું હોય છે, છતાં આપણે માનીએ છીએ કે આપણે અહીં કાયમ રહેવાના છીએ. રાજા યુધિષ્ઠિરને એકવાર એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતોઃ ‘આ દુનિયામાં સૌથી વધુ વિસ્મયકારક કઈ બાબત છે?’ રાજાએ જવાબ આપ્યોઃ ‘આપણી આજુબાજુ રોજરોજ માણસો મરતાં હોય છે, છતાં લોકો માને છે કે પોતે કદી મરવાના નથી.’ આનું નામ માયા.
આપણી બુદ્ધિમાં, આપણા જ્ઞાનમાં, અરે, આપણા જીવનની તમામ ઘટનાઓમાં રહેલા આ જબરદસ્ત વિરોધાભાસો આપણને ચારે બાજુથી ઘેરી વળે છે. એકાદ સુધારક જાગે છે અને કોઈ એક પ્રજામાં રહેલાં દૂષણોને નાબૂદ કરવાનો તે પ્રયાસ કરે છે; પણ ભાગ્યે જ તે દૂષણોનો ઉપાય થયો હોય ત્યાં તો બીજી જગ્યાએ બીજાં હજાર દૂષણો ફાટી નીકળ્યાં હોય છે. કોઈ પડુંપડું થઈ રહેલા પુરાણા મકાન જેવું આ છે; તમે મકાનને એક જગ્યાએ સાંધો ત્યાં બીજી જગ્યાએ તૂટી પડે. ભારતવર્ષમાં અમારા સુધારકો ફરજિયાત વૈધવ્યનાં દૂષણો સામે બૂમો પાડી રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે. પશ્ચિમમાં કુંવારાપણું એ એક મોટી આફત છે. એક તરફ અપરિણીતોને મદદ કરવા દોડો કેમ કે તેઓ દુઃખી છે, બીજી તરફ વિધવાઓને મદદ કરવા દોડો કેમ કે તેઓ દુઃખી છે. તે જૂના સંધિવાના રોગ જેવું છે; તમે તેને હાથમાંથી કાઢો તો તે પીઠમાં જશે; જો તમે તેને ત્યાંથી દૂર કરો તો તે પગમાં પહોંચશે. સુધારકો જાગે છે અને કહે છે કે વિદ્યા, સંપત્તિ કે સંસ્કાર માત્ર અમુક પસંદગીની વ્યક્તિઓ પાસે જ રહેવાં ન જોઈએ; તમામ લોકોને એનો લાભ મળે એટલા માટે તેઓ બનતા પ્રયત્નો પણ કરે છે. આ વસ્તુ કેટલાકને વધુ સુખ આપે ખરી; પરંતુ જેમ જેમ સંસ્કૃતિ આવતી જાય તેમ તેમ શારીરિક સુખ ઘટતું પણ જાય. સુખનું જ્ઞાન સાથે સાથે દુઃખનું ભાન પણ લાવે છે. તો પછી આપણે કયે રસ્તે જવું? ભૌતિક સમૃદ્ધિનો જે થોડોક ભાગ પણ આપણે એક સ્થળે ભોગવીએ છીએ, તે કોઈક બીજે સ્થળે તેટલું જ દુઃખ પેદા કરે છે. આ નિયમ છે. યુવાનોને કદાચ આ સ્પષ્ટપણે દેખાતું ન હોય; પણ જે લોકોએ જિંદગી કાઢી છે અને જેમણે જીવનસંગ્રામ પુષ્કળ ખેડ્યો છે, તેઓ આ વાતને જરૂર સમજશે. આનું જ નામ માયા.
દિવસ અને રાત આ બધું ચાલ્યા જ કરે છે; આ પ્રશ્નનો ઉકેલ લાવવો અસંભવિત છે. શા માટે? આ પ્રશ્નનો જવાબ અસંભવિત છે, તેનું કારણ એ કે આ પ્રશ્ન પોતે જ તર્કશુદ્ધ રીતે ઉપસ્થિત કરાય તેવો નથી. હકીકતમાં ‘કેવી રીતે’ અથવા ‘શા માટે’ જેવો પ્રશ્ન જ ન હોઈ શકે. માત્ર આપણે જાણીએ છીએ કે તે ‘છે’ અને આપણે તેની આગળ લાચાર છીએ. તેને બરાબર સમજવો, મનમાં તેની એક આબેહૂબ છબી દોરવી, તે પણ જો આપણી શક્તિની બહારની વાત છે, તો પછી આપણે તેનો ઉકેલ તો કેમ કરીને લાવી શકવાના?
વિશ્વના અસ્તિત્વનું, તે કેમ ચાલી રહ્યું છે તેનું ‘માયા’ એક વર્ણન માત્ર છે. જ્યારે લોકોને આ વિરોધાભાસો વિશે કહેવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે તેઓ તેનાથી ડરી જાય છે. પણ આપણે હિંમત રાખવી જોઈએ. હકીકતોને સંતાડવી, તે તેનો ઇલાજ શોધવાનો માર્ગ નથી. તમને સૌને ખબર છે કે જ્યારે કૂતરાઓ સસલા પાછળ પડે છે ત્યારે તે પોતાનું માથું સંતાડી દઈને પોતાની જાતને સલામત માને છે. એમ જ્યારે આપણે ખૂબ આશાવાદી બનીએ છીએ ત્યારે આપણે પેલા સસલા જેવું કરીએ છીએ; પણ તે કાંઈ સાચો ઈલાજ નથી. આ વિધાનની સામે વિરોધો છે, પણ સામાન્ય રીતે તે વિરોધ એવા લોકોનો છે કે જેમને જીવનની ઘણીયે સુખસગવડો મળે છે. આ દેશ (ઇંગ્લૅન્ડ)માં નિરાશાવાદી બનવું ઘણું જ મુશ્કેલ છે. સૌ કોઈ મને કહે છે કે દુનિયા સરસ રીતે પ્રગતિ કરી રહી છે; પરંતુ તે પોતે જેવો છે તેવી તેની દુનિયા છે. અહીં તે જ જૂના પ્રશ્નો ઊભા થાય છે કે દુનિયાનો એકમાત્ર સાચો ધર્મ ખ્રિસ્તી ધર્મ હોવો જોઈએ, કેમ કે ખ્રિસ્તી લોકો જ સમૃદ્ધ છે! પરંતુ તે વિધાન આત્મવિરોધી છે, કારણ કે ખ્રિસ્તી પ્રજાઓની સમૃદ્ધિ બીજી અખ્રિસ્તી પ્રજાઓની બરબાદી ઉપર આધાર રાખે છે. ભોગ કરવા માટે કોઈક તો શિકાર હોવો જ જોઈએ! માનો કે આખી દુનિયા ખ્રિસ્તી થઈ જાય તો પછી ખ્રિસ્તી પ્રજાઓ ગરીબ થઈ જવાની, કેમ કે તે લોકોના શિકાર માટે બીજી અખ્રિસ્તી પ્રજાઓ રહેશે જ નહીં. આમ દલીલ પોતે પોતાને જ કાપી નાખે છે. પ્રાણીઓ વનસ્પતિ ઉપર જીવે છે; મનુષ્યો પ્રાણીઓ ઉપર જીવે છે; અને સૌથી ખરાબ એ છે કે મનુષ્યો એકબીજા ઉપર જીવે છે—સબળા લોકો દુર્બળો ઉપર જીવે છે. આવું બધે જ ચાલે છે; અને આનું નામ છે માયા. આને માટે તમારી પાસે શો ઉકેલ છે? દરરોજ કેટલાય ખુલાસાઓ આપણા સાંભળવામાં આવે છે; આપણને એમ કહેવામાં આવે છે કે લાંબે ગાળે સૌ સારાં વાનાં થઈ રહેશે. માની લઈએ કે એ શક્ય છે, તો પણ સારું કરવાની પૈશાચિક રીત શા માટે? આ આસુરી રીતને બદલે સારાં સાધનો દ્વારા સારું કાર્ય કેમ ન કરવામાં આવે? માનવજાતની આવતી પેઢી સુખી થશે, પણ આજે આટલું બધું દુઃખ, આટલું કષ્ટ શા માટે? તેનો કોઈ ખુલાસો નથી. આનું નામ માયા.
વળી, આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે ઉત્ક્રાંતિની એક વિશિષ્ટતા એ છે કે તે અનિષ્ટને નિર્મૂળ કરે છે; અને આમ દુનિયામાંથી અનિષ્ટ નાશ પામતાં પામતાં આખરે માત્ર સારું જ બાકી રહેવાનું છે. સાંભળવામાં આ ઘણું સારું લાગે છે અને જે લોકો પાસે જગતની પૂરતી સુખસામગ્રી છે અને જેમને દરરોજ કઠણ જીવનસંગ્રામમાં ઝઝૂમવું પડતું નથી કે આ કહેવાતી ઉત્ક્રાંતિના ચક્રમાં પિસાવું પડતું નથી, તેવા લોકોના અહંને તે ઘણું પોષે છે. આવા નસીબદાર લોકોને માટે તે ખરેખર બહુ સારું અને સુખદ છે. સામાન્ય લોકો ભલે દુઃખ ભોગવે; તેમને તેની પરવા નથી. તેઓ ભલે મરી જતા; તેમનું કંઈ મહત્ત્વ નથી. બહુ સારું. પણ છતાંયે આ દલીલ પહેલેથી છેલ્લે સુધી ભૂલભરેલી છે. પહેલાં તો તે એમ માની લે છે કે આ દુનિયામાં જોવામાં આવતું સારું અને નઠારું બન્ને નિરપેક્ષ સત્યો છે. બીજું, તે એથી પણ ખરાબ ધારણા એ કરી લે છે કે દુનિયામાં સારું તત્ત્વ ધીમેધીમે વધતું જાય છે અને નઠારું તત્ત્વ ઓછું થતું જાય છે. તેથી જો તેઓ જેને ઉત્ક્રાંતિ કહે છે તે દ્વારા નઠારું તત્ત્વ ઓછું ઓછું થતું જાય તો એક દિવસ એવો આવવાનો કે જ્યારે દુનિયામાં માત્ર સારું જ તત્ત્વ રહેશે અને ખરાબ તત્ત્વનો સમૂળગો વિનાશ થશે. એ બોલવું તો ઘણું સહેલું છે; પણ તેથી એ સાબિત કરી શકાય છે ખરું કે નઠારું તત્ત્વ ઓછું થાય છે? દાખલા તરીકે, જંગલમાં રહેનારો એક માણસ લો. તેને મનને કેળવતાં આવડતું નથી. વાંચતાં આવડતું નથી, લેખન જેવું કંઈક છે એમ તેણે સાંભળેલું પણ નથી. જો આવો માણસ સખત રીતે ઘવાય તો પણ તે જલદીથી સાજો થઈ જાય છે, જ્યારે આપણને એક ઉઝરડો થાય તો પણ મરવા પડીએ છીએ. યંત્રો વસ્તુઓને સસ્તી બનાવે છે, તેનાથી પ્રગતિ અને ઉત્ક્રાંતિ થાય છે, પણ એક માણસ પૈસાદાર થાય તે ખાતર લાખો લોકો કચડાઈ જાય છે. જ્યારે એક માણસ પૈસાદાર બને છે, ત્યારે હજારો માણસો તે જ વખતે વધારે ને વધારે ગરીબ બને છે અને સંખ્યાબંધ લોકોને ગુલામ બનાવાય છે. આમ બધું ચાલ્યા જ કરે છે. પશુસ્વભાવનો માણસ ઇન્દ્રિયોમાં જીવે છે. જો તેને પૂરતું ખાવાનું ન મળે તો તે દુઃખી થાય છે; અથવા જો તેના શરીરને કંઈ થાય તો પણ તે દુઃખી થાય છે. તેનાં સુખ અને દુઃખ બંનેના આદિ અને અંત ઇન્દ્રિયોમાં જ આવી જાય છે. જેવો આ મનુષ્ય પ્રગતિ કરે છે, જેવું તેનું સુખની ક્ષિતિજ વિસ્તાર પામે છે, તેવું જ તેનું દુઃખની ક્ષિતિજ પણ તે જ પ્રમાણે વિસ્તાર પામે છે. જંગલમાં રહેતા માણસને અદેખાઈ એટલે શું તેની ખબર નથી, કાયદાની અદાલતો, કરવેરા, સમાજનો ઠપકો અને માનવીની પિશાચવૃત્તિએ શોધી કાઢેલો ભયંકર જુલમ કે જે દરેક માણસના હૃદયમાં ડોકિયાં કરે છે, તેનાથી દિવસરાત પીડાવું એટલે શું તે આ મનુષ્ય જાણતો નથી. આ બધું જ્ઞાન ખોટું અને અભિમાનભર્યું હોવા છતાં માનવી કેવી રીતે બીજાં બધાં પ્રાણીઓ કરતાં અનેકગણો પાશવી બને છે તે તેને સમજાતું નથી. આમ જેમ જેમ આપણે ઇન્દ્રિયોના સકંજામાંથી બહાર નીકળીએ છીએ તેમ તેમ ઉપભોગની વધારે ને વધારે ઊંચી શક્તિઓ વિકસાવીએ છીએ; પણ તેની સાથોસાથ દુઃખ ભોગવવાની શક્તિઓનો પણ વિકાસ થાય છે. આપણા જ્ઞાનતંતુઓ વધારે ને વધારે સૂક્ષ્મ બને છે અને સાથોસાથ વધારે દુઃખ સહન કરવાની તેમની શક્તિ પણ વધે છે. દરેક સમાજમાં આપણે ઘણીવાર જોઈએ છીએ કે અજ્ઞાની જડ માણસને ગાળો ભાંડવામાં આવે તો તેને એટલું બધું લાગતું નથી, પણ જો તેને શારીરિક માર મારવામાં આવે છે તો તેને બહુ જ અસર થાય છે. પરંતુ એક સજ્જન એક અપશબ્દ પણ સહન કરી શકતો નથી; તેના જ્ઞાનતંતુઓ એટલા આળા બની ગયા હોય છે. સુખાનુભવની માત્રાની સાથે તેની દુઃખાનુભવની માત્રા પણ વધી છે. આ બધી બાબતો ઉત્ક્રાંતિવાદીનો દાવો સાબિત કરવામાં લાંબે જતી નથી. જેમ જેમ આપણે આપણી સુખી બનવાની શક્તિને વધારીએ છીએ તેમ તેમ દુઃખી થવાની શક્તિમાં પણ વધારો કરીએ છીએ; અને ઘણીવાર તો મને એમ લાગે છે કે, જો આપણી સુખી થવાની શક્તિ ગણિતશ્રેણી પ્રમાણે વધતી હોય તો બીજી બાજુએ આપણી દુઃખી થવાની શક્તિ ભૂમિતિશ્રેણી પ્રમાણે વધતી જાય છે. પ્રગતિ કરતાં કરતાં આપણને દેખાય છે કે જેમ આપણે વધારે પ્રગતિ કરીએ છીએ, તેમ સુખની પેઠે દુઃખના માર્ગો પણ વધારે ખુલ્લા થતા જાય છે. આનું નામ માયા.
આમ આપણે જોઈએ છીએ કે માયા એ જગતને સમજાવવા માટેનો એક સિદ્ધાંત નથી; માયા તો વસ્તુઓ જે સ્વરૂપે છે તે સ્વરૂપની હકીકતની માત્ર રજૂઆત કરે છે; એ બતાવે છે કે આપણા અસ્તિત્વનો પાયો જ વિરોધાભાસી છે, જ્યાં જઈએ ત્યાં આપણે આ જબરદસ્ત વિરોધાભાસમાં થઈને જ પસાર થવાનું છે; એ બતાવે છે કે જ્યાં જ્યાં સારું છે ત્યાં ત્યાં નરસું પણ હોવું જોઈએ અને જ્યાં જ્યાં નરસું છે ત્યાં કંઈક સારું પણ હોવું જ જોઈએ. જ્યાં જીવન છે ત્યાં તેના પડછાયા રૂપે પાછળ પાછળ મૃત્યુ પણ આવવું જોઈએ. જે કોઈ માણસ હસે છે તેણે રડવું પણ પડશે; અને જે રડે છે તે હસશે પણ ખરો. વળી આ પરિસ્થિતિનો કોઈ ઉપાય પણ નથી. આપણે એવી જરૂર કલ્પના કરીએ કે એવી કોઈક જગ્યા હોય જ્યાં માત્ર સારું જ હોય પણ ખરાબ જરાય ન હોય, જ્યાં આપણે માત્ર હસ્યા જ કરીએ, પણ કદી રડવાનું હોય જ નહીં. આ પરિસ્થિતિ સ્વાભાવિક રીતે જ અસંભવિત છે, કેમ કે પરિસ્થિતિ જે છે તે જ રહેવાની છે. જ્યાં જ્યાં આપણા ચહેરા પર હાસ્ય લાવવાની શક્તિ છે ત્યાં ત્યાં તેની પછવાડે આંસુ લાવવાની શક્તિ પણ છુપાયેલી હોય છે; જ્યાં જ્યાં સુખ ઉત્પન્ન કરવાની શક્તિ છે ત્યાં ત્યાં આપણને દુઃખી કરવાની શક્તિ પણ ક્યાંક છુપાયેલી છે.
આમ, વેદાંત ફિલસૂફી આશાવાદી પણ નથી તેમ નિરાશાવાદી પણ નથી. આ બંને વિચારસરણીઓને તે રજૂ કરે છે અને પરિસ્થિતિને તે જેવી છે તેવી સ્વીકારે છે. તે સ્વીકારે છે કે જગત સારા તેમજ નરસાનું, સુખ અને દુઃખનું મિશ્રણ છે અને માણસ જો એકને વધારવા જાય તો બીજાનું પ્રમાણ પણ ફરજિયાત વધવાનું. તદ્દન સારું કે તદ્દન ખરાબ જગત થઈ શકે જ નહીં, કેમ કે તે પ્રકારનો વિચાર જ વિરોધાભાસી છે. આ પૃથક્કરણને પરિણામે એક મહાન રહસ્ય એ તરી આવે છે કે સારું અને નરસું આ બે તત્ત્વો તદ્દન ભિન્ન અને સ્વતંત્ર તત્ત્વો નથી. આપણા આ જગતમાં એક પણ વસ્તુ એવી નથી કે જેને તમે કેવળ ‘સારી’ કહી શકો; તેમ આખાયે વિશ્વમાં એકેય વસ્તુ એવી પણ નથી કે જેને તમે કેવળ ‘ખરાબ’ જ કહી શકો. એક જ ઘટના કે જે આજે સારી લાગે, તે આવતીકાલે ખરાબ પણ લાગે. એક જ બિના કે જે એક માણસને દુઃખ આપે, તે બીજા માણસને સુખ આપી શકે. જે અગ્નિ બાળકને દઝાડે છે તે જ અગ્નિ ભૂખ્યા માણસ માટે સ્વાદિષ્ટ રસોઈ પણ તૈયાર કરે છે. જે જ્ઞાનતંતુઓ દુઃખનો અનુભવ કરાવે છે તે જ જ્ઞાનતંતુઓ સુખનો પણ અનુભવ કરાવે છે. તેથી દુઃખનો અંત લાવવાનો એકમાત્ર રસ્તો એ છે કે સુખનો પણ અંત લાવવો; બીજો કોઈ માર્ગ નથી. મૃત્યુને અટકાવવું હોય તો આપણે જીવનને અટકાવવું પડશે. મૃત્યુ વગરનું જીવન અને દુઃખ વિનાનું સુખ એ વિરોધાભાસ છે; બેમાંથી એકલું એક પણ હયાતી ધરાવી શકે જ નહીં, કેમ કે તે બંને એક જ વસ્તુની ભિન્નભિન્ન અભિવ્યક્તિઓ માત્ર છે. ગઈકાલે જે બાબતને હું સારી માનતો હતો તેને આજે હું સારી માનતો નથી. જ્યારે હું મારી જિંદગીના ભૂતકાળને નિહાળું છું અને જુદે જુદે વખતે મારા આદર્શો શું હતા તેનો વિચાર કરું છું, ત્યારે પણ મને એમ જ દેખાય છે. એક સમયે મારો આદર્શ તેજી ઘોડાઓવાળી ગાડી હાંકવાનો હતો; બીજે વખતે વળી એવો વિચાર આવતો કે જો હું અમુક પ્રકારની મીઠાઈ બનાવી શકું તો મને બહુ મજા આવે; ત્યાર પછી હું કલ્પના કરતો કે જો મારે પત્ની, બાળક અને પુષ્કળ પૈસો હોય તો હું સુખી થાઉં. આજે હું આ બધા આદર્શોને બાલિશ અજ્ઞાન સમજીને હસું છું.
વેદાંત કહે છે કે એક સમય એવો આવવો જોઈએ કે જ્યારે આપણે પાછળ જોઈશું અને આજે જે વિચારો આપણા વ્યક્તિત્વનો ત્યાગ કરતાં બિવડાવે છે તેમના ઉપર આપણે હસીશું. આપણામાંના દરેકની ઇચ્છા આ શરીરને અનંત કાળ સુધી જાળવી રાખવાની હોય છે; આપણી માન્યતા એવી છે કે આપણે સુખી થઈશું. પણ એક સમય એવો આવશે કે જ્યારે આપણે આ વિચારને જ હસી કાઢીશું. હવે, જો સત્ય આવું હોય તો આપણે ઉકેલ વિનાના વિરોધાભાસમાં આવી પડીએ છીએ – કે તે અસ્તિ પણ નથી, નાસ્તિ પણ નથી; તે સુખ પણ નથી, દુઃખ પણ નથી; માત્ર તેમનું મિશ્રણ છે. તો પછી વેદાંતનો, બધા ધર્મોનો અને તત્ત્વદર્શનનો ઉપયોગ શો છે? અને ખાસ કરીને તો સારું કામ કરવાનો અર્થ શો છે? મનમાં આ સવાલ પેદા થાય છે. જો એ ખરું હોય કે તમે નરસું કર્યા સિવાય સારું કરી ન શકો; અને જ્યારે જ્યારે તમે સુખ પેદા કરવાનો પ્રયાસ કરો ત્યારે હંમેશાં દુઃખ આવતું જ હોય, તો લોકો તમને પૂછશેઃ ‘ભલું કરવાનો અર્થ શો છે?’ તેનો જવાબ એ છે કે સૌથી પહેલાં આપણે દુઃખ ઓછું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે આપણી જાતને સુખી કરવાનો તે જ એકમાત્ર રસ્તો છે. આપણા પૈકી દરેક પોતાની જિંદગીમાં વહેલાં કે મોડાં તે શોધી જ કાઢે છે. બુદ્ધિમાન લોકોને તે સત્ય જરા વહેલું જડે છે, મંદ બુદ્ધિના લોકોને તે જરાક મોડું સમજાય છે; તે શોધ કરવામાં મંદબુદ્ધિના લોકોને ભારે કિંમત ચૂકવવી પડે છે, જ્યારે તીવ્ર બુદ્ધિના લોકોને ઓછી કિંમત ચૂકવવી પડે છે. બીજી બાજુ આપણે આપણો પાઠ ભજવવો જ જોઈએ; કેમ કે આ વિરોધાભાસી જીવનમાંથી બહાર નીકળવાનો તે એક જ માર્ગ છે. જ્યાં સુધી આપણે સ્વપ્નમાંથી જાગીને માટીનાં પૂતળાં બનાવવાનું ન છોડીએ ત્યાં સુધી, ઇષ્ટ અને અનિષ્ટરૂપી આ બંને બળો આ વિશ્વને આપણા માટે જીવતું રાખશે. આપણે એ પાઠ શીખવો જ પડશે; અને તે શીખતાં આપણને અતિશય લાંબો સમય લાગશે.
જર્મનીમાં એવા પાયા ઉપર તત્ત્વજ્ઞાનની એક શાખા રચવાનો પ્રયાસ થયો છે કે અનંત જ સાન્ત બન્યું છે. ઇંગ્લેન્ડમાં પણ આવા પ્રયત્નો થયા છે. આ તત્ત્વવેત્તાઓની માન્યતાનું પૃથક્કરણ એમ બતાવે છે કે અનંત આ વિશ્વમાં પોતાને વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે અને એક સમય એવો આવશે કે જ્યારે અનંત એમ કરવામાં સફળ થશે. આ બધું છે બહુ સારું; અને આપણે ‘અનંત’ અને ‘વિકાસ’ અને ‘અભિવ્યક્તિ’ અને એવા એવા શબ્દો વાપરેલા છે. પરંતુ ‘સાન્ત’ ‘અનંત’ને સંપૂર્ણ રીતે વ્યક્ત કરી શકે એવા આ વિધાનના તર્કશુદ્ધ મૂળભૂત આધારની દાર્શનિકો સ્વાભાવિક રીતે જ માગણી કરશે. અનંત અને નિરપેક્ષ તત્ત્વ મર્યાદા સ્વીકારીને જ જગતરૂપ બની શકે. ઇન્દ્રિયો કે મન કે બુદ્ધિ દ્વારા અનુભવાતી કોઈપણ વસ્તુ પરિમિત જ હોઈ શકે; અને પરિમિત વસ્તુનું અપરિમિત થવું તદ્દન અસંભવિત છે. તે કદી બની શકે નહીં. બીજે પક્ષે વેદાંત કહે છે કે એ ખરું છે કે અનંત કે નિરપેક્ષ તત્ત્વ સાન્તમાં પોતાને વ્યક્ત કરવાનો પ્રયાસ કરે છે, પણ એક સમય એવો આવશે કે જ્યારે તેને સમજાશે કે એમ બનવું અશક્ય છે. તે વેળાએ તેને પીછેહઠ કરવી પડશે; અને આ પીછેહઠ એટલે ત્યાગ. ધર્મનો એ જ ખરેખરો આરંભ છે. હાલના જમનામાં ત્યાગની વાત કરવી પણ મુશ્કેલ છે. અમેરિકામાં મારા વિશે એમ કહેવાતું કે જે ભૂમિ છેલ્લાં પાંચ હજાર વર્ષ થયાં મરી અને દટાઈ ગઈ હતી, તે ભૂમિમાંથી હું આવતો હતો અને તેથી હું ત્યાગની વાત કરતો હતો; કદાચ અંગ્રેજ ફિલસૂફ જ આમ કહે છે. છતાં ધર્મનો એ એક જ માર્ગ છે. ત્યાગ કરો, છોડી દો. ઈશુએ શું કહ્યું હતું? ‘જે કોઈ મારી ખાતર પોતાની જિંદગી ગુમાવશે તે તે મેળવશે.’ પૂર્ણતાએ પહોંચવાના એકમાત્ર માર્ગ તરીકે તેણે ફરી ફરીને ત્યાગનો જ ઉપદેશ આપ્યો હતો. એક સમય એવો આવે છે કે જ્યારે મન આ લાંબા અને કંટાળાજનક સ્વપ્નમાંથી જાગે છે – બાળક પોતાની રમતને છોડી દઈને પોતાની માતા પાસે જવા માગે છે. મનને ત્યારે નીચેના વિધાનનું સત્ય સમજાય છે કે –
न जातु कामः कामानामुपभोगेन शाम्यति।
हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते॥
‘ભોગ દ્વારા ભોગની ઇચ્છા કદી શમતી નથી, ઊલટું જેમ અગ્નિમાં ઘી હોમવાથી તે વધુ પ્રજ્વલિત થાય છે, તેમ ભોગ દ્વારા ભોગની તૃષ્ણા વધતી જ જાય છે.’
ઇન્દ્રિયોના આનંદની, બુદ્ધિના આનંદની, માણસનું મન જે કંઈ ભોગવવાને શક્તિમાન છે તે બધાની બાબતમાં આ બિના સાચી છે. આ બધું કંઈ જ નથી, આ બધું માયાની અંદર જ છે. આ બધું જે જાળની બહાર આપણે જઈ શકતા નથી તેની અંદર જ છે. આપણે તેમાં અનંત કાળ સુધી દોડ્યા કરીએ, તો પણ તેનો અંત આવતો નથી; અને જ્યારે જ્યારે આપણે થોડો આનંદ લેવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે દુઃખનો ડુંગર આપણા ઉપર આવી પડે છે. આ કેટલું ભયાનક છે! અને હું જ્યારે તેનો વિચાર કરું છું ત્યારે હું એ માન્યતા ઉપર આવ્યા વિના રહી શકતો નથી કે આ માયાવાદની વિચારસરણી, આ બધું માયા જ છે એવું વિધાન, એ જ સર્વોત્તમ અને એકમાત્ર ખુલાસો છે. આ દુનિયામાં કેટલું બધું દુઃખ છે! અને જો તમે દુનિયાની જુદી જુદી પ્રજાઓમાં મુસાફરી કરો તો તમને જણાશે કે એક પ્રજા દુઃખનો અંત લાવવા એક ઉપાય અજમાવે છે ને બીજી પ્રજા બીજો ઉપાય યોજે છે. એક જ દુઃખનો જુદી જુદી પ્રજાઓ જુદી જુદી રીતે સામનો કરવાનો પ્રયાસ કરે છે, છતાં કોઈ પ્રજા તેમાં સફળ થયેલ નથી. એક જગ્યાએ જો દુઃખ ઓછું થાય તો બીજી જગ્યાએ તે ઢગલાબંધ એકઠું થાય છે. આ પ્રમાણે ચાલ્યા જ કરે છે. સતીત્વનું ઉચ્ચ ધોરણ જાળવવાને માટે હિંદુઓએ બાળલગ્નોને મંજૂરી આપી, પણ તે જ પ્રથાએ લાંબે ગાળે પ્રજાને ખૂબ જ નીચી પાડી દીધી. સાથોસાથ હું આ વાતની પણ ના કહી શકતો નથી કે આ બાળલગ્નથી પ્રજા વધુ પવિત્ર બને છે. તમે શું પસંદ કરશો? જો તમારે પ્રજાને વધારે પવિત્ર બનાવવી હોય તો બાળલગ્નથી તમે સ્ત્રીઓ અને પુરુષોને શારીરિક રીતે નબળાં પાડો છો. બીજી બાજુ ઇંગ્લેન્ડમાં તમે કંઈ વધારે સારા છો? નહીં જ; કેમ કે પવિત્રતા એ જ પ્રજાનું જીવન છે. તમે ઇતિહાસમાં જોતા નથી કે પ્રજાના મૃત્યુની પહેલી નિશાની તે પ્રજાની નીતિહીનતા છે? જ્યારે પ્રજામાં નીતિહીનતા દાખલ થાય, ત્યારે પ્રજાનો અંત નજીક આવે. તો પછી આ દુઃખોનો ઉકેલ આપણને કેવી રીતે મળશે? જો મા-બાપો પોતાનાં બાળકો માટે પતિપત્નીની પસંદગી કરે તો આ દુઃખ ઓછું થઈ શકે. હિંદુસ્તાનની પુત્રીઓ લાગણીપ્રધાન કરતાં વ્યવહારુ વધારે છે; પરંતુ તેમના જીવનમાં કાવ્ય ખૂબ જ ઓછું રહે છે. વળી જો લોકો પોતાની મેળે પોતાની પત્નીઓ અને પતિઓ પસંદ કરે તો તેથી કંઈ બહુ સુખ આવે એમ લાગતું નથી. સામાન્ય રીતે ભારતીય નારી ઘણી સુખી હોય છે; પતિ-પત્ની વચ્ચે ઝઘડાના બનાવો બહુ જોવા મળતા નથી. બીજે પક્ષે અમેરિકા (સંયુક્ત રાજ્યો) કે જ્યાં ખૂબ જ સ્વતંત્રતા પ્રવર્તે છે, ત્યાં દુઃખી કુટુંબો અને દુઃખી લગ્નોની સંખ્યા ઘણી વિશાળ છે. જ્યાં જુઓ ત્યાં બધે દુઃખ જ જોવા મળે છે. તે શું બતાવે છે? તે એ દર્શાવે છે કે ગમે તેમ હોય પણ આ બધા આદર્શોથી કંઈ બહુ સુખ મળ્યું નથી. આપણે સૌ સુખને માટે મથામણ કરીએ છીએ; અને જે ક્ષણે આપણને થોડુંક પણ સુખ એક બાજુથી મળે છે, ત્યાં તો બીજી તરફથી દુઃખ પણ આવી જ પડે છે.
તો પછી શું આપણે સત્કર્મો ન કરવાં? હા. અત્યાર સુધી કર્યાં હોય તેના કરતાં વધારે ઉત્સાહથી કરવાં; પણ આ જ્ઞાનનું પરિણામ એ આવશે કે આપણો દુરાગ્રહ નીકળી જશે. પછી અંગ્રેજો દુરાગ્રહી નહીં રહે અને ભારતની નિંદા નહીં કરે. તેઓ જુદી જુદી પ્રજાના રીતરિવાજોને માન આપશે, ધર્માંધતા ઓછી થશે અને સાચું કાર્ય શરૂ થશે. ધર્માંધ લોકો કામ કરી શકતા નથી; તેઓ પોતાની ત્રણ ભાગની શક્તિ વેડફી નાખે છે. જે સ્થિર બુદ્ધિવાળો, શાંત અને વ્યવહારુ માણસ હોય છે, તે જ કામ કરે છે, આમ આ વિચારથી કામ કરવાની શક્તિ વધશે. વસ્તુસ્થિતિ આમ છે કે એમ જાણીને આપણામાં વધારે ધીરજ આવશે. દુઃખ કે અનિષ્ટનું દર્શન આપણને આપણી સ્થિરતામાંથી ચળાવી કે મૃગજળની પાછળ દોડાવી નહીં શકે. પરિણામે દુનિયાને પોતાની રીતે જ ચાલવું પડશે. એવા જ્ઞાનથી આપણામાં ધીરજ આવશે. દાખલા તરીકે, જો બધા જ માણસો સારા થઈ ગયા હશે, તો તે દરમિયાન ઉત્ક્રાંતિ અનુસાર પશુઓ મનુષ્યો બની ગયાં હશે અને તેમને પણ તે જ સ્થિરતામાંથી પસાર થવું પડશે; ઝાડપાનનું પણ એ જ પ્રમાણે સમજવું. પણ માત્ર એક વસ્તુ ચોક્કસ છે, મહાન નદી સાગર તરફ વહી રહી છે અને જે બિંદુઓ વડે એ જળપ્રવાહ બને છે, તે પેલા અનંત મહાસાગર તરફ કાળે કરી ખેંચાયે જશે. તે જ પ્રમાણે જીવનમાં આ બધાં દુઃખો, દિલગીરીઓ, આનંદ, ઉપભોગ કે આંસુઓ છતાં એક વસ્તુ ચોક્કસ છે કે બધી વસ્તુઓ પોતાના ધ્યેય તરફ જઈ રહી હોય છે; તમે અને હું, વનસ્પતિઓ તથા પશુઓ અને જીવનનું અસ્તિત્વ ધરાવતું અણુએ અણુ પેલા પૂર્ણતાના અનંત મહાસાગરમાં જરૂર ક્યારેક પહોંચીશું; સવાલ માત્ર સમયનો જ છે; મુક્તિને—ઈશ્વરને જરૂર પામીશું.
હું ફરીથી કહું છું કે વૈદિક દૃષ્ટિ આશાવાદી પણ નથી તેમ નિરાશાવાદી પણ નથી. તે એમ નથી કહેતી કે આ દુનિયા સર્વાંશે ખરાબ જ છે અગર સર્વાંશે સારી જ છે. તે કહે છે કે આપણાં સારાં તત્ત્વ કરતાં નરસાં તત્ત્વની કિંમત ઓછી નથી, તેમજ આપણાં નરસાં તત્ત્વ કરતાં સારાં તત્ત્વની કિંમત જરાય વધારે નથી; બંને સાથોસાથ જોડાયેલ છે. જગત આવું છે અને તેમ જાણીને તમે ધીરજથી કાર્ય કરો. શા માટે? આપણે શા માટે કામ કરવું જોઈએ? જો વસ્તુસ્થિતિ આવી જ હોય તો આપણે શું કરવું? અજ્ઞેયવાદી કેમ ન બની જવું? આધુનિક અજ્ઞેયવાદીઓ પણ જાણે છે કે આ પ્રશ્નનો ઉકેલ જ નથી; અમારી ભાષામાં કહીએ છીએ તેમ આ માયાની જાળમાંથી છૂટવાનો કોઈ રસ્તો નથી. તેથી અજ્ઞેયવાદીઓ કહે છે કે વર્તમાનથી સંતોષ માનો અને જીવનનો આનંદ માણી લો. અહીં વળી એક ભૂલ થાય છે – એક મહા જબરજસ્ત ભૂલ થાય છે, તર્કની દૃષ્ટિએ મોટી ભૂલ થાય છે. તે ભૂલ આ છે. ‘જીવન’ શબ્દથી તમે શું કહેવા માગો છો? તમે એમ કહેવા માગો છો કે જીવન એટલે માત્ર ઇન્દ્રિયપરાયણ જીવન? આ બાબતમાં તો આપણે દરેક પશુના જીવનથી ભાગ્યે જ જુદા પડીએ છીએ. મને ખાતરી છે કે અહીં કોઈ માણસ એવો નથી કે જેનું જીવન માત્ર ઇન્દ્રિયોમાં જ સમાયું હોય. તેથી આ વર્તમાન જીવન કંઈક વધારે છે એવો અર્થ થાય છે. આપણી લાગણીઓ, વિચારો, મહેચ્છાઓ વગેરે બધાં આપણા જીવનનાં અંગો છે. તો પછી પૂર્ણતાએ પહોંચવાના મહાન આદર્શને પામવાનો પ્રયત્ન એ, જેને આપણે જીવન કહીએ છીએ તેનો સૌથી વધારે અગત્યનો ભાગ નથી શું? અજ્ઞેયવાદીઓના મત પ્રમાણે આપણે જિંદગીને જેમ છે તેમ જ માણી લેવી જોઈએ. પણ આ જીવન એટલે સૌથી વિશેષ તો આદર્શની શોધ છે; જીવનનો સાર પૂર્ણતાની તરફ પ્રયાણ કરવું તે છે. આપણે તે પ્રાપ્ત કરવું જ જોઈએ અને તેથી આપણે અજ્ઞેયવાદીઓ બની શકીએ નહીં, દુનિયા જેવી દેખાય છે તેવી તેને સ્વીકારી શકીએ નહીં. અજ્ઞેયવાદીઓ જીવનમાંથી આદર્શના ભાગને બાદ કરતાં જે બાકી રહે, તેને જ જીવન ગણે છે; અને અજ્ઞેયવાદી કહે છે કે આદર્શને પહોંચી શકાય તેમ નથી માટે તેની શોધ જ મૂકી દેવી જોઈએ. આ પ્રકૃતિને, આ વિશ્વને જ માયા કહેવામાં આવે છે.
બધા ધર્મો ઓછેવત્તે અંશે પ્રકૃતિથી પર થવાના પ્રયત્નો છે; પછી તે ધર્મ સાવ જંગલીમાં જંગલી દશામાં હોય કે વધુમાં વધુ વિકસિત હોય; તે ધર્મની અભિવ્યક્તિ પુરાણો દ્વારા કે પ્રતીકો દ્વારા થઈ હોય, દેવદેવીઓ કે રાજાઓની વાર્તાઓ દ્વારા થઈ હોય, અગર મહાન ઋષિમુનિઓ, મહાપુરુષો કે પયગંબરોની જીવનકથા દ્વારા થઈ હોય અથવા તો તત્ત્વજ્ઞાનના સૂક્ષ્મ વિચારો દ્વારા થયેલ હોય; આ બધાનું ધ્યેય એક જ છે, બધા આ મર્યાદાઓથી પર જવાનો પ્રયત્ન કરતા હોય છે. ટૂંકામાં કહીએ તો બધા મુક્તિ માટે પ્રયાસ કરતા હોય છે. જાણેઅજાણે પણ માનવીને લાગે છે કે પોતે બદ્ધ છે; જે થવાને પોતે ઇચ્છે છે તે તે નથી. જે ઘડીએ તેણે આજુબાજુ જોવાની શરૂઆત કરી તે ઘડીએ જ તેને પાઠ મળ્યો કે પોતે બદ્ધ છે. તેને એ પણ સમજાયું કે પોતામાં એવું કંઈક છે કે જે સર્વ બંધનોથી પર થવા માગે છે કે જ્યાં શરીર પહોંચી શકતું નથી, પણ જે હજી આ મર્યાદાથી બદ્ધ છે. જેમાં ઘણે ભાગે હિંસક, ઘાતકી, પોતાના મિત્રોના લપાઈ રહેતા અને લોહીતરસ્યા મૃત પૂર્વજો અને બીજા પ્રેતાત્માઓની પૂજા કરવામાં આવે છે, તે હલકામાં હલકા ધાર્મિક વિચારોમાં પણ આપણે તે એક સામાન્ય તત્ત્વ—મુક્તિની શોધ જોઈએ છીએ. જે માણસો દેવોની પૂજા કરવા માગે છે તે ખાસ તો પોતાના કરતાં તેમનામાં વધારે સ્વતંત્રતા જુએ છે. તેઓ માને છે કે બારણું બંધ હોય તો પણ દેવી તેમાંથી અંદર દાખલ થઈ શકે; દીવાલો તેમને માટે કશી બાધારૂપ નથી. મુક્તિનો આ વિચાર આગળ વધતાં વધતાં છેવટે ‘વ્યક્તિરૂપ ઈશ્વર’ની કલ્પના સુધી પહોંચે છે. તેનો મધ્યવર્તી વિચાર એવો છે કે ઈશ્વર એક એવી વ્યક્તિ છે કે જે પ્રકૃતિ કે માયાનાં બંધનથી પર છે. જાણે કે મારાં માનસચક્ષુ સમક્ષ હું ભારતનાં પેલાં તપોવનોમાં પ્રાચીન ઋષિઓને આ પ્રશ્નની ચર્ચા કરતા જોઈ રહ્યો છું; અને તેમાંના એક સ્થળે જ્યારે સૌથી વયોવૃદ્ધ અને સૌથી પવિત્ર ઋષિઓ પણ આ પ્રશ્નનો ઉકેલ લાવવા નિષ્ફળ જાય છે, ત્યારે એક યુવાન ઋષિ આ સૌની વચ્ચે ઊભો થાય છે અને ઘોષણા કરે છે કે ‘ઓ અમૃતત્વનાં સંતાનો! સાંભળો; ઓ દિવ્યલોકના વાસીઓ! સાંભળો. મેં તે માર્ગ શોધ્યો છે કે જે અજ્ઞાનના અંધકારથી પર છે અને જેને જાણવાથી જ આપણે પર થઈ શકીએ.’
આ માયા સર્વત્ર છે. તે ભયંકર છે, છતાં આપણે તેમાં જ કામ કરવાનું છે. જે માણસ એમ કહે છે કે જ્યારે દુનિયા તદ્દન સારી થઈ જશે ત્યારે પોતે કામ કરશે અને ત્યારે સુખી થશે, તે માણસ, ગંગા નદીને કિનારે બેઠો બેઠો કહે કે ‘જ્યારે આ બધું પાણી દરિયામાં ચાલ્યું જશે ત્યારે હું પેલે પાર જઈશ,’ તેના જેવો છે. માયાની સાથે સાથે ચાલવું એ માર્ગ નથી પણ તેની સામે થવું તે છે. આ બીજી વાત શીખવાની છે. આપણે પ્રકૃતિના સહાયક તરીકે જન્મ્યા નથી પણ તેના હરીફ તરીકે જન્મ્યા છીએ. આપણે તેના માલિક છીએ, છતાં આપણે પોતે જ બંધાઈ જઈએ છીએ. આ મકાન અહીં શા માટે છે? કુદરતે આ બાંધ્યું નથી. કુદરત કહે છે કે જઈને જંગલમાં રહો; માણસ કહે છે કે હું ઘર બાંધીશ, કુદરત સામે ઝઝૂમીશ અને તે તેમ કરે છે. માનવજાતનો આખોયે ઇતિહાસ કહેવાતા કુદરતના નિયમો સામેનો સતત સંગ્રામ છે અને આખરે માણસ વિજયી બને છે. આંતરજગતમાં આવીએ તો ત્યાં પણ તે જ લડાઈ ચાલતી હોય છે. આ લડાઈ પાશવી માનવ અને દૈવી માનવ-અંધકાર અને પ્રકાશ વચ્ચે ચાલે છે અને અહીં પણ મનુષ્ય વિજયી બને છે. તે જાણે કે કુદરતમાંથી મુક્તિનો માર્ગ કોતરી કાઢે છે.
એટલે આપણે જોઈએ છીએ કે વેદાંતીઓ આ માયાથી પર કંઈક જુએ છે કે જે માયાના બંધનમાં નથી અને જો આપણે ત્યાં પહોંચી શકીએ તો આપણે પણ માયાના બંધનમાં રહીશું નહીં. આ વિચાર એક યા બીજી રીતે, બધા ધર્મોનું સામાન્ય તત્ત્વ છે. પરંતુ વેદાંતદર્શનમાં આ તો ધર્મની માત્ર શરૂઆત છે, અંત નથી. વ્યક્તિરૂપ ઈશ્વર, આ વિશ્વનો સ્રષ્ટા અને શાસક, જેને માયાધીશ કહેવામાં આવે છે. તે, વેદાંતના વિચારોનો અંત નથી; તે તો માત્ર શરૂઆત જ છે. આ વિચાર ધીમે ધીમે વિકાસ પામતો જાય છે અને છેવટે વેદાંતી જુએ છે કે જે ઈશ્વરને પોતે બહાર રહેલો ધારતો હતો તે ખરી રીતે પોતે જ છે અને પોતાની અંદર જ છે. તે પોતે મુક્ત છે, પણ મર્યાદાને કારણે પોતાને બદ્ધ માનતો હતો. (2.330)

