(નવેમ્બર ૫, ૧૮૯૬)

જેનો આપણે અત્યાર સુધી અભ્યાસ કરતા આવ્યા છીએ તે કઠોપનિષદ, – જેના તરફ આપણે હવે વળીએ છીએ તે છાંદોગ્ય ઉપનિષદ્ કરતાં ઘણું પાછળથી લખાયું હતું. તેની ભાષા વધુ આધુનિક છે અને વિચારો વધારે વ્યવસ્થિત છે. વધુ પ્રાચીન ઉપનિષદોની ભાષા વેદોના મંત્ર-વિભાગની અપ્રચલિત ભાષાની પેઠે ઘણી જૂની છે અને સારભૂત સિદ્ધાંત શોધી કાઢવા માટે કેટલીકવાર અનાવશ્યક બાબતોના મોટા ઢગલામાં થઈને આપણે પસાર થવું પડે છે. કર્મકાંડના જે સાહિત્ય વિષે મેં તમને કહ્યું અને વેદોનો બીજો વિભાગ જેનો બનેલો છે, તેની આ પ્રાચીન ઉપનિષદ પર ઘણી મોટી છાપ રહેલી છે. તેને લીધે એનો અર્ધાથીય વધારે ભાગ હજી પણ કર્મકાંડને લગતો છે. છતાં ઘણાં જ પ્રાચીન ઉપનિષદોનો અભ્યાસ કરવામાં એક મોટો લાભ રહેલો છે. આમાં તમે આધ્યાત્મિક વિચારોનો ઐતિહાસિક દૃષ્ટિએ થયેલો વિકાસ જાણે કે પારખી શકો છો; વધુ આધુનિક ઉપનિષદોમાં આધ્યાત્મિક વિચારોને સંગ્રહિત કરીને એક સ્થળે લાવવામાં આવ્યા છે. દાખલા તરીકે ભગવદ્ગીતામાં. ભગવદ્ગીતાને આપણે છેલ્લા ઉપનિષદ તરીકે ગણી શકીએ. તેમાં આ કર્મકાંડના વિચારોનો લેશ પણ દેખાતો નથી. ગીતા એ ઉપનિષદોમાંથી એકઠાં કરેલાં આધ્યાત્મિક સત્યોરૂપી સુંદર પુષ્પોના ગજરા જેવી છે. પરંતુ ગીતામાં આધ્યાત્મિક વિચારકોના વિકાસનો તમે અભ્યાસ ન કરી શકો; તેમનું મૂળ તમે શોધી કાઢી ન શકો. ઘણાએ જેમ સૂચવ્યું છે તેમ એ કરવાને માટે તમારે વેદોનો અભ્યાસ કરવો જોઈએ. પવિત્રતાની મહાન ભાવના આ ગ્રંથો સાથે જોડાયેલી હોવાથી તેણે તેમને વિકૃત થવામાંથી જગતના બીજા કોઈપણ ગ્રંથ કરતાં વધારે બચાવ્યા છે. તેમની અંદર વિચારોને તેમના સર્વોચ્ચ સ્વરૂપે તેમજ હલકામાં હલકા સ્વરૂપે જાળવી રાખવામાં આવ્યા છે; જરૂરના તેમજ બિનજરૂરી, ઉદાત્તમાં ઉદાત્ત વિચારો તેમજ સાવ સાદામાં સાદી વિગતો પડખે પડેલાં છે. તેમને હાથ લગાડવાની કોઈએ હિંમત જ કરી નથી. વિદ્વાન ટીકાકારોએ તેમને સરળ બનાવવાનો તથા પ્રાચીન વસ્તુઓમાંથી અદ્ભુત નવા વિચારોને બહાર લાવવાનો પ્રયાસ કર્યો. તેમણે સાવ સામાન્ય વિધાનોમાંથી પણ આધ્યાત્મિક વિચારોને શોધી કાઢવાની મહેનત કરી; પરંતુ મૂળ પાઠો તો જેમના તેમ રહ્યા અને એ હિસાબે ઐતિહાસિક દૃષ્ટિએ તેઓ અભ્યાસનો અદ્ભુત વિષય છે. આપણે સૌ જાણીએ છીએ કે દરેક ધર્મના મૂળ ગ્રંથોમાં પાછળના કાળમાં વિકાસ પામતી આધ્યાત્મિકતાને અનુરૂપ થવા માટે ફેરફારો કરવામાં આવ્યા હતા; એક શબ્દ અહીં બદલવામાં આવ્યો હતો અને એક શબ્દ ત્યાં મૂકવામાં આવ્યો હતો, પણ વૈદિક સાહિત્યની બાબતમાં કદાચ આવું બન્યું નથી; અથવા તો કદી કરવામાં આવ્યું હશે તો તે લગભગ પારખી શકાય તેવું નથી. તેથી આપણને આ એક મોટો લાભ છે કે આપણે વિચારોનો તેમના મૂળ અર્થમાં જ અભ્યાસ કરી શકીએ છીએ; તથા એ વિકાસ કેમ થયો, જડવાદી વિચારોમાંથી વધુ અને વધુ સૂક્ષ્મ આધ્યાત્મિક વિચારો કેવી રીતે વિકાસ પામતા ગયા અને અંતે તેમના સર્વોચ્ચ શિખર વેદાંત સુધી કેવી રીતે પહોંચ્યા, તે વિગત આપણે જાણી શકીએ છીએ. તેમાં કેટલાક જૂના રીતરિવાજોનાં વર્ણનો પણ છે; પરંતુ ઉપનિષદોમાં તે વિશેષ દેખાતાં નથી. એમાં વપરાયેલી ભાષા ખાસ પ્રકારની સંક્ષિપ્ત અને સ્મૃતિને સહાયક બને તેવી છે.

આ ગ્રંથોના રચયિતાઓએ, જે હકીકતો સારી રીતે જાણીતી છે એમ પોતે ધારતા હતા તેમને યાદ રાખવાને સહાયક બને તે રીતે આ પંક્તિઓને માત્ર ટપકાવી લીધી હતી. તેઓ માની લે છે કે કદાચ તેઓ જે કહી રહ્યા છે તે એકાદ વાર્તામાં જેમને ઉદ્દેશીને તેઓ બોલે છે, તેઓ બધાને તે સુવિદિત છે. આમ એક મોટી મુશ્કેલી ઊભી થાય છે કે આ કથાઓમાંની એકેયના સાચા અર્થની આપણને ભાગ્યે જ ખબર પડે છે, કારણ કે એ જૂની પ્રણાલિકાઓ લગભગ નાશ પામી ગઈ છે અને જે થોડોક અંશ બચ્યો છે, તેને બધાંથી વધારીને ખૂબ મોટો બનાવવામાં આવ્યો છે. તેમના ઘણા નવા અર્થો બેસાડવામાં આવ્યા છે; એટલે જ્યારે તમે તેમને પુરાણોમાં જુઓ છો ત્યારે એ ગેય કાવ્યો બની ચૂક્યાં હોય છે. પશ્ચિમની પ્રજાઓના રાજકીય વિકાસમાં આપણે આ એક બહુ આગળ પડતી હકીકત જોઈએ છીએ કે તેઓ આપખુદ સત્તાને સહન કરી શકતી નથી; તેઓ હંમેશાં પોતાના પર એક જ માણસની સત્તાને રોકવાનો પ્રયાસ કરી રહી હોય છે અને ક્રમે ક્રમે તેઓ વધુ ને વધુ ઉચ્ચ પ્રજાકીય વિચારો તરફ -શારીરિક સ્વાતંત્ર્યના વધુ ને વધુ ઉચ્ચ વિચારો તરફ આગળ વધતી જાય છે. ભારતીય તત્ત્વજ્ઞાનમાં આધ્યાત્મિક જીવનના વિકાસમાં બરાબર એ જ ઘટના નજરે આવે છે. અનેક દેવતાઓને સ્થાને જગતના એક જ ઈશ્વરનો વિચાર આવ્યો; અને ઉપનિષદોમાં તો એ એક ઈશ્વરની સામે પણ બળવો પોકારવામાં આવ્યો! ઉપનિષદના ઋષિઓને પોતાના ભાવિ પર અનેક નિયામકો અમલ ચલાવે તે વિચાર અસહ્ય હતો એટલું જ નહિ, પરંતુ આ વિશ્વનો નિયામક એક વ્યક્તિ હોય એ પણ તેમને પરવડતું નહોતું. આપણું ખાસ ધ્યાન ખેંચનારી સૌથી પહેલી વસ્તુ આ છે. વિચાર વિકાસ પામતો જ જાય છે અને અંતે તેની ઊંચામાં ઊંચી કક્ષાએ જઈ પહોંચે છે. લગભગ બધાં જ ઉપનિષદો આખરે સર્વોચ્ચ કક્ષાએ પહોંચતાં આપણને દેખાય છે; અને એ છે આ વિશ્વના અધીશ્વરને સિંહાસનેથી ઉતારી પાડવાની વાત. ઈશ્વરનું વ્યક્તિત્વ અદૃશ્ય થઈ જાય છે અને વ્યક્તિત્વરહિતતા આવે છે, હવેથી ઈશ્વર એક વ્યક્તિ નથી રહ્યો, આ જગત પર હકૂમત ચલાવતો ગમે તેટલો મોટો બનાવેલો અને વધારે વિકસાવેલો એક મનુષ્ય નથી રહ્યો; પરંતુ સમસ્ત વિશ્વમાં વ્યાપી રહેલું, જીવમાત્રમાં રહેલું એક તત્ત્વ થઈ ગયો છે. વ્યક્તિત્વવાળા ઈશ્વરમાંથી વ્યક્તિત્વરહિત ઈશ્વરના સિદ્ધાંતે જવું અને એ જ વખતે માનવને વ્યક્તિ તરીકે રહેવા દેવો એ તર્કવિરુદ્ધ થાય. તેથી વ્યક્તિરૂપ માનવનો વિચાર તોડી પાડવામાં આવ્યો અને તત્ત્વરૂપ માનવનો વિચાર યોજવામાં આવ્યો. વ્યક્તિ તો માત્ર દૃશ્ય જ છે, તત્ત્વ તેની પાછળ રહેલું છે. આમ બંને બાજુએથી એકીસાથે આપણે જોઈએ છીએ કે વ્યક્તિત્વોને તોડી પાડવામાં આવે છે અને તત્ત્વ તરફ પ્રગતિ થાય છે. વ્યક્તિત્વસહિત ઈશ્વર વ્યક્તિત્વરહિત ઈશ્વર તરફ પહોંચતો જાય છે. ત્યારે પછી વ્યક્તિત્વરહિત ઈશ્વર અને વ્યક્તિત્વરહિત માનવની બે આગળ વધતી રેખાઓની ક્રમશઃ ભેગા થઈ જવાની ભૂમિકાઓ આવે છે અને જે ભૂમિકાઓમાં થઈને આ બે રેખાઓ આખરે એક થાય છે તેમનો સમાવેશ ઉપનિષદોમાં કરવામાં આવ્યો છે. આમ પ્રત્યેક ઉપનિષદનો અંતિમ શબ્દ છે ‘तत्त्वमसि’ તે તું જ છે. (વિશ્વમાં) માત્ર એક જ સનાતન આનંદમય તત્ત્વ છે અને તે જ આ બધી વિવિધતા રૂપે પોતાને અભિવ્યક્ત કરી રહ્યું છે.

ત્યાર પછી આવ્યા દાર્શનિકો. એ કક્ષાએ આવતાં, ઉપનિષદોનું કાર્ય પૂરું થયું દેખાય છે અને ત્યાર પછીનો ભાર દાર્શનિકોએ ઉઠાવી લીધો છે. ઉપનિષદો પાસેથી તેમને ખોખું તો મળ્યું જ હતું; તેમને તો અંદર વિગતો પૂરવાની હતી. એટલે સ્વાભાવિક છે કે અનેક પ્રશ્નો ઊભા થાય. માની લઈએ કે માત્ર એક જ વ્યક્તિત્વરહિત તત્ત્વ છે કે જે આ બધાં વિવિધ રૂપોમાં પોતાને અભિવ્યક્ત કરી રહ્યું છે; પણ એ એક, અનેક થયું કેવી રીતે? જગતમાં દુઃખ શા માટે છે? એનું કારણ શું? એવા બધા જે સવાલો માનવહૃદયમાં પ્રાકૃત સ્વરૂપે ઊઠે છે, તે જ જૂના સવાલોને રજૂ કરવાની આ જુદી રીત છે; માત્ર એ સવાલો હવે સંસ્કારી સૂક્ષ્મ સ્વરૂપે આવ્યા છે. આપણે દુઃખી શા માટે છીએ એ પ્રશ્નને હવે ઇન્દ્રિયોની ભૂમિકા પરથી પૂછવામાં નથી આવતો, પરંતુ દાર્શનિક ભૂમિકાએથી પૂછવામાં આવે છે. આ એક જ તત્ત્વ અનેકરૂપે કઈ રીતે થાય છે? અને આપણે જોયું છે તેમ જ ભારતે આપેલો આનો ઉત્તમમાં ઉત્તમ જવાબ છે માયાનો સિદ્ધાંત. તે કહે છે કે વસ્તુતઃ એક અનેક થયેલ નથી; વાસ્તવિક રીતે તેણે પોતાના સત્ય સ્વભાવને લેશ પણ ગુમાવ્યો નથી. અનેકત્વ માત્ર આભાસિક છે. માનવમાત્ર આભાસિક રીતે જ વ્યક્તિ છે જ પરંતુ વાસ્તવમાં તે વ્યક્તિત્વરહિત તત્ત્વ છે. ઈશ્વરનું વ્યક્તિત્વ માત્ર આભાસિક છે, પરંતુ સાચી રીતે તો તે વ્યક્તિત્વરહિત તત્ત્વ છે.

આ ઉત્તરમાં પણ ક્રમિક ભૂમિકાઓ આવેલી છે અને દાર્શનિકોના અભિપ્રાયો પણ ભિન્ન ભિન્ન થયેલા છે. બધા ભારતીય દાર્શનિકોએ માયાના આ સિદ્ધાંતને સ્વીકાર્યો નથી; સંભવ છે કે તેઓ પૈકી મોટાભાગે એ સ્વીકાર્યો નથી. એક અણઘડ પ્રકારના દ્વૈતનું પ્રતિપાદન કરનારા કેટલાક દ્વૈતવાદીઓ છે; એ લોકોએ તો એ પ્રશ્ન જ પુછાવા દીધો નહિ; તેમણે તો ઊલટો તેને ઊગતાંની સાથે જ ગૂંગળાવી માર્યો. તેમણે કહ્યુંઃ ‘તમને આવો પ્રશ્ન કરવાનો કશો અધિકાર જ નથી; તમને ખુલાસો માંગવાનો અધિકાર જ નથી; બસ, ઈશ્વરની ઇચ્છા જ એવી છે કે જગતમાં દુઃખ રહે અને આપણે નીચી મૂંડીએ તેને તાબે જ થવાનું છે. જીવાત્માને કશું જ સ્વાતંત્ર્ય નથી. આપણે શું કરવું, આપણને શું મળશે, આપણે કેવાં સુખદુઃખ ભોગવશું, વગેરે બધું જ અગાઉથી નક્કી થઈ રહ્યું છે. જ્યારે દુઃખ આવી પડે ત્યારે તેને ધીરજથી ભોગવી લેવાની આપણી ફરજ છે; જો નહીં ભોગવીએ તો વધુ શિક્ષા થશે. આપણે એ કેમ જાણ્યું? વેદો કહે છે માટે.’ તેઓ પોતાના સમર્થનમાં શ્રુતિવચનો છે એમ કહે છે; એ વચનોના તેમના પોતાના અર્થો છે અને તેઓ તેમને ઠોકી બેસાડવા માગે છે.

કેટલાક બીજાઓ પણ છે કે જેઓ માયાવાદને કબૂલ રાખતા નથી, પણ અધવચમાં ઊભા છે. એ લોકો કહે છે કે આ સમગ્ર સૃષ્ટિ જાણે કે ઈશ્વરનું શરીર છે. ઈશ્વર સર્વ જીવોનો અને સમગ્ર પ્રકૃતિનો આત્મા છે. જીવો પાપ કરવાથી સંકોચ પામે છે. માણસ જ્યારે કંઈ પણ ખોટું કામ કરે છે, ત્યારે તેનો જીવાત્મા સંકુચિત થવા માંડે છે અને તેની શક્તિ ઘટતી જાય છે; વળી જ્યારે તે સારાં કર્મ કરે છે, ત્યારે તે પાછી વિકાસ કરવા માંડે છે. ભારતનાં બધાં દર્શનોમાં અને હું ધારું છું કે જગતની દરેક દાર્શનિક પદ્ધતિમાં, પણ પછી ભલે તે જાણતા હોય કે ન જાણતા હોય, એક વિચાર સર્વસામાન્ય દેખાય છે. આ વિચારને હું માનવની દિવ્યતાનો વિચાર કહું છું. જગતમાં એવી કોઈ વિચારપ્રણાલી નથી, એવો કોઈ સાચો ધર્મ નથી કે જે એવો વિચાર ધરાવતો ન હોય કે માનવ આત્મા તેના સાચા સ્વરૂપે પવિત્ર અને પૂર્ણ છે; પછી તેનું સ્વરૂપ ગમે તે હોય અથવા તેનો ઈશ્વર સાથે સંબંધ ગમે તે હોય. સંભવ છે કે એ વિચાર પૌરાણિક ભાષામાં કે રૂપકોમાં કે દાર્શનિક ભાષામાં વ્યક્ત કરાયેલો હોય. આત્માનો સાચો સ્વભાવ છે આનંદ અને શક્તિ, નહીં કે નિર્બળતા અને દુઃખ. ગમે તે રીતે પણ આ દુઃખ આવેલું તો છે જ. આ દુઃખ કેવી રીતે આવ્યું તે સમજાવવાને માટે પ્રાકૃત વિચારપદ્ધતિઓ કહેશે કે તેનું કારણ છે મૂર્તિમંત પાપ, અસુર કે અહ્રિમાન. બીજી વિચાર પદ્ધતિઓ ઈશ્વર અને સેતાન બંનેને એકમાં જ ઘટાવવાનો પ્રયત્ન કરે છે કે જે કોઈપણ જાતના કારણ વગર કેટલાક લોકોને દુઃખી કરે છે અને કેટલાકને સુખી કરે છે. બીજા કેટલાક વળી વધારે વિચારવાળા માયાવાદને લાવે છે, વગેરે. પણ બધામાં એક હકીકત દીવા જેવી સ્પષ્ટ દેખાઈ આવે છે અને આપણે એની સાથે જ પ્રયોજન છે. આખરે તો આ બધા દાર્શનિક વિચારો અને તેમના વિભાગો માત્ર મનની કસરતો છે, બુદ્ધિનો વ્યાયામ છે. મને જે એક જ વિચાર સ્પષ્ટ દેખાય છે અને જે દરેક દેશ તેમજ દરેક ધર્મમાં વહેમોના ઢગલામાંથી ઝળહળતો બહાર આવે છે, તે એ છે કે માનવ દિવ્ય છે, માનવની પ્રકૃતિ દિવ્યતા છે.

બીજું જે કાંઈ આવે છે તે, વેદાંત કહે છે તેમ, માત્ર અધ્યારોપ છે. આત્મા ઉપર કોઈક વસ્તુનો અધ્યારોપ થઈ ગયો છે જ પણ તેની દિવ્ય પ્રકૃતિનો કદી નાશ થતો નથી. પતિતમાં પતિતની અંદર, તેમજ સંતમાં સંતની અંદર તે સદાય રહેલો જ છે. તેને જગાડવાનો છે, એટલે તે પોતાની મેળે પ્રગટ થવા લાગશે. આપણે તેને બોલાવવાનો છે, એટલે તે પોતાને અભિવ્યક્ત કરવા માંડશે જ. પ્રાચીન કાળના લોકો જાણતા હતા કે ચકમકમાં અને સૂકાં કાષ્ઠમાં અગ્નિ રહેલો છે, પણ તેને બહાર લાવવા માટે ઘર્ષણની આવશ્યકતા છે. તેવી રીતે આ સ્વાતંત્ર્ય અને પવિત્રતાનો અગ્નિ પ્રત્યેક જીવાત્માની પ્રકૃતિ છે, તેનો ગુણ નથી; ગુણો તો મેળવી શકાય અને તે જ કારણસર તે ગુમાવી પણ શકાય. આત્મા મુક્તિની સાથે એક છે, આત્મા અસ્તિત્વની સાથે એક છે, આત્મા જ્ઞાનની સાથે એક છે. સત્-ચિત્-આનંદ, એ આત્માની પ્રકૃતિ છે, એ તેનો જન્મસિદ્ધ હક્ક છે અને આપણે જોઈએ છીએ તે બધી અભિવ્યક્તિઓ, તેને સ્પષ્ટ કે અસ્પષ્ટરૂપે વ્યક્ત કરતા પ્રકારો છે. મૃત્યુ સુધ્ધાં એ સત્ય અસ્તિત્વની એક અભિવ્યક્તિ માત્ર છે. જન્મ અને મૃત્યુ, જીવન અને ક્ષય, અધઃપતન અને પુનરુત્થાન, એ બધાં એ એકત્વની અભિવ્યક્તિઓ છે. તેથી જ્ઞાન, પછી તે અવિદ્યા તરીકે કે વિદ્યા તરીકે પોતાને ગમે તે રીતે પ્રગટ કરે, પણ તે જ ચિતની – જ્ઞાનના સારની – અભિવ્યક્તિ માત્ર છે; ફરક માત્ર પ્રમાણનો છે, પ્રકારનો નથી. આપણા પગની નીચે સરકતો કીડો અને દુનિયામાં પેદા થતી મહાનમાં મહાન વિભૂતિ, એ બંને વચ્ચેના જ્ઞાનનો તફાવત કેવળ પ્રમાણનો જ છે, પ્રકારનો નથી. વેદાંતના તત્ત્વચિંતકો હિંમતપૂર્વક કહે છે કે આ જીવનની અંદરના ભોગો, ઊતરતામાં ઊતરતી કોટિના ભોગો સુધ્ધાં આત્માના સારરૂપે એક જ દિવ્ય આનંદની અભિવ્યક્તિઓ માત્ર છે.

આ વિચાર વેદાંતની અંદર સૌથી વધુ આગળ તરી આવતો દેખાય છે; અને મેં કહ્યું છે તેમ, મને લાગે છે કે દરેક ધર્મ એવું જ કહે છે. એમ ન કહેનારો ધર્મ મારે હજી જોવો છે. બધા ધર્મો દ્વારા એ એક જ વિશ્વવ્યાપી વિચાર કાર્ય કરી રહ્યો છે. દાખલા તરીકે બાઇબલ લો. એમાં રૂપકમાં કરેલા વિધાનમાં તમે જુઓ છો કે પહેલો માનવી આદમ પવિત્ર હતો અને તેની પવિત્રતા પાછળથી તેનાં ખરાબ કામોથી ઢંકાઈ ગઈ હતી. આ રૂપકમાં એ તો સ્પષ્ટ છે કે આદિ માનવીની પ્રકૃતિ નિર્દોષ હતી એમ તો તેઓ માનતા જ હતા. આપણે જોઈએ છીએ કે જે અશુદ્ધિઓ, જે નિર્બળતાઓ આપણા અનુભવમાં આવે છે, એ તો શુદ્ધ પ્રકૃતિ પર આવેલા માત્ર અધ્યારોપો જ છે; અને ખ્રિસ્તી ધર્મનો પાછળનો ઇતિહાસ બતાવે છે કે તેઓ પણ, એ પૂર્વસ્થિતિ પુનઃ પ્રાપ્ત કરવાની શક્યતામાં, અરે, એ ચોક્કસ પ્રાપ્ત થશે જ, એ વાતમાં માને છે. જૂનો અને નવો કરાર એક સાથે મળીને બનેલો બાઇબલનો આખો ઇતિહાસ આ છે. તે જ પ્રમાણે મુસલમાનોનું. એ લોકો પણ આદમ અને આદમની પવિત્રતામાં માનતા અને મહમદસાહેબ દ્વારા એ ગુમાવેલી સ્થિતિ પુનઃપ્રાપ્ત કરવાનો રસ્તો ખુલ્લો થયો એમ કહે છે. બૌદ્ધોનું પણ તેવું જ છે. એ લોકો આ સાપેક્ષ જગતથી પર એવી નિર્વાણ નામની અવસ્થામાં માને છે. એ અવસ્થા તે વેદાંતીઓનું બ્રહ્મ છે અને એ ગુમાવેલી નિર્વાણની સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરવાના વિચાર પર જ બૌદ્ધોનું આખું દર્શન આધારિત થયેલું છે. દરેક વિચારપદ્ધતિમાં આ સિદ્ધાંત તો જોવા મળે જ છે કે, જે વસ્તુ પ્રથમથી તમારી ન હોય તે તમને કદી મળે નહીં. આ જગતમાં તમે કોઈના ઋણી નથી; તમે તમારો પોતાનો જન્મસિદ્ધ હક્ક માગો છો. એક વેદાંતી દાર્શનિકે આ બાબત પોતાના એક પુસ્તક ‘સ્વરાજ્ય સિદ્ધિ’ના નામમાં અતિ કાવ્યમય રીતે વ્યક્ત કરી છે. એ રાજ્ય ‘સ્વ’ એટલે કે પોતાનું છે; એ આપણે ગુમાવ્યું છે અને આપણે તે પાછું મેળવવાનું છે. પરંતુ માયાવાદી કહે છે કે આ રાજ્યનું ગુમાવવાપણું પોતે જ એક ભ્રમણા છે; તમે તે કદી ગુમાવ્યું જ નથી. તફાવત માત્ર આટલો જ છે.

જો કે આટલે સુધી તો બધી વિચારપ્રણાલીઓ એકમત છે કે આપણું રાજ્ય હતું અને આપણે તે ગુમાવ્યું છે; પણ તે રાજ્ય પાછું મેળવવા માટે દરેક જુદી જુદી સલાહ આપે છે. એક કહે છે કે એ રાજ્ય પાછું મેળવવા માટે તમારે અમુક ક્રિયાઓ કરવી જોઈએ, અમુક પ્રતિમાઓ પાસે અમુક દક્ષિણાઓ ધરવી જોઈએ, અમુક પ્રકારના ખોરાક ખાવા જોઈએ અને અમુક રીતે રહેવું જોઈએ. બીજો કહે છે કે પ્રકૃતિથી પર એવા કોઈ ઈશ્વર પાસે તમે રડો, સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરો અને અપરાધોની ક્ષમાયાચના કરો, તો તમને તે રાજ્ય પાછું મળે, વળી એક કહે છે કે આવા એક ઈશ્વર પર સાચા અંતરથી પ્રેમ રાખો તો તે રાજ્ય તમે પાછું મેળવશો. આ બધી વિવિધ સલાહો ઉપનિષદોમાં છે. જેમ જેમ હું આગળ કહેતો આવીશ, તેમ તેમ તે જોઈ શકશો. પરંતુ છેલ્લામાં છેલ્લી અને ભવ્યમાં ભવ્ય સલાહ તો એ જ છે કે તમારે રોદણાં રોવાની મુદ્દલ જરૂર જ નથી, તમારે એ બધા કર્મકાંડમાં જવાની જરૂર જ નથી અને તમારું રાજ્ય પાછું કેમ મેળવવું એના પર લક્ષ દેવાની પણ જરૂર નથી જ કારણ કે તમે કદી તે ગુમાવ્યું જ નહોતું. તમે જે કદી ગુમાવ્યું જ નથી તે શોધવા જવાની શી જરૂર છે? તમે પહેલેથી જ પવિત્ર છો, તમે પ્રથમથી જ સ્વતંત્ર છો. જો તમે ધારો કે તમે મુક્ત છો તો તમે આ ક્ષણે જ મુક્ત થાઓ જ અને જો તમે ધારો કે તમે બદ્ધ છો તો તમે બદ્ધ જ રહેવાના. આ વિધાન ઘણું હિંમતભર્યું છે; અને આ વ્યાખ્યાનમાળાના આરંભમાં મેં તમને કહ્યું તેમ મારે તમારી સમક્ષ ઘણાં હિંમતભર્યાં વિધાનો કરવાં જ પડશે. અત્યારે તમને કદાચ એ ગભરાવે, પણ જેમ જેમ તમે તેના પર વિચાર કરશો અને તમારા પોતાના જીવનમાં તેનો અનુભવ કરશો, તેમ તેમ તમને સમજાશે કે હું કહું છું તે સાચું છે, કારણ કે મુક્તિ એ જો આપણી પ્રકૃતિ ન હોય, તો પછી કોઈ પણ રીતે, કોઈ પણ ઉપાયે તમે મુક્ત થઈ શકો જ નહીં. ધારો કે તમે મુક્ત હતા અને કોઈક રીતે પછીથી તે મુક્તિ તમે ગુમાવી; તો એ બતાવે છે કે આરંભમાં જ તમે મુક્ત નહોતા. જો તમે મુક્ત હો, તો તમારી એ મુક્તિ કોણે ગુમાવડાવી હોય? સ્વતંત્રને પરાધીન કરી શકાય જ નહીં; જો તે ખરેખર પરાધીન હોય, તો તેની સ્વતંત્રતા કેવળ એક ભ્રમણા જ હતી.

ત્યારે હવે, આ બે પક્ષોમાંથી તમે કયો પક્ષ લેશો? જો તમે કહો કે આત્મા પોતે સ્વભાવે જ પવિત્ર અને મુક્ત હતો, તો એ સ્વાભાવિક રીતે જ ફલિત થાય છે કે આ વિશ્વમાં એવું કંઈ પણ ન હોય કે જે તેને બદ્ધ કે મર્યાદિત કરી શકે. પરંતુ આત્માને બદ્ધ કરી શકે એવું જો પ્રકૃતિમાં કંઈ પણ હોય, તો સહેજે જ એ ફલિત થાય છે કે તે મુક્ત ન હતો; અને તે મુક્ત હતો એવું તમારું વિધાન એક ભ્રમ છે. તેથી જો મુક્તિ પ્રાપ્ત કરવાનું આપણા માટે શક્ય હોય તો એ નિર્ણય અનિવાર્ય છે કે આત્મા પોતાના સ્વભાવે જ મુક્ત છે; બીજું કંઈ હોઈ જ ન શકે. મુક્તિનો અર્થ બહારની કોઈપણ વસ્તુથી સ્વતંત્રતા, એટલે કે પોતાથી બહારની કોઈપણ વસ્તુ તેના પર કારણ તરીકે અસર કરી ન શકે. આત્માનું કારણ કંઈ જ નથી અને આ સિદ્ધાંતમાંથી જ આપણા બધા મહાન વિચારો ફલિત થાય છે. આત્મા પોતે સ્વભાવે જ મુક્ત છે એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો આત્મા પર બહારની કોઈપણ વસ્તુ ક્રિયા ન કરી શકે એ જો તમે ન સ્વીકારો, તો આત્માનું અમરત્વ તમે સ્થાપિત કરી ન શકો, કારણ કે મૃત્યુ એ કોઈક બહારના કારણે ઉપજાવેલું કાર્ય છે. હું ઝેર પીઉં છું અને હું મરી જાઉં છું; એ બતાવે છે કે, શરીર પર ઝેર નામની કોઈક બહારની વસ્તુની ક્રિયા થઈ શકે છે. પરંતુ જો એ સત્ય હોય કે આત્મા મુક્ત છે, તો એ સાહજિક રીતે જ ફલિત થાય છે કે તેના પર કશાની અસર થાય નહિ અને તે કદી મરણ પામી શકે જ નહિ. મુક્તિ, અમૃતત્વ, દિવ્યતા જ એ બધાં તો આત્મા કાર્યકારણના નિયમથી એટલે કે આ માયાથી પર હોવા પર આધાર રાખે છે. આ બેમાંથી કયું તમે સ્વીકારશો? કાં તો પ્રથમ વિધાનને ભ્રમ ઠરાવો, ને કાં તો બીજાને ભ્રમ ઠરાવો. અવશ્ય, હું તો બીજાને જ ભ્રમ ઠરાવીશ. મારી ભાવનાઓ અને આકાંક્ષાઓની સાથે એ વધુ સુસંગત છે. હું સંપૂર્ણ રીતે જાણું છું કે હું સ્વભાવે મુક્ત છું; હું એ કબૂલ કરવાનો જ નથી કે આ બંધન સત્ય છે અને મારું સ્વાતંત્ર્ય એ ભ્રમ છે.

આ ચર્ચા એક યા બીજે રૂપે બધાં તત્ત્વદર્શનોમાં ચાલ્યા જ કરે છે. આધુનિકમાં આધુનિક તત્ત્વદર્શનમાં પણ તમે જોશો કે એ જ ચર્ચા ઊભી થાય છે. અહીં બે પક્ષ છે. એક કહે છે કે આત્મા છે જ નહીં; જેને શરીર અને મગજ કહેવામાં આવે છે તેનું સંયોજન બનાવનારાં જડદ્રવ્યનાં પરમાણુઓના નિરંતર ચાલતા પ્રવાહથી ઉત્પન્ન થયેલી ભ્રમણા એટલે આત્માનો વિચાર. મુક્તિની કલ્પના એ આ પરમાણુઓનાં આંદોલનો, તેની ગતિ અને તેમના અવિરત પ્રવાહનું પરિણામ છે. કેટલાક બૌદ્ધ સંપ્રદાયો આ જ મતનું સમર્થન કરનારા હતા. તેઓ આ ઉદાહરણ આપતાઃ જો તમે એક ઉંબાડિયાને ઝડપથી ગોળ ગોળ ફેરવો તો પ્રકાશનું એક વર્તુળ ઊભું થશે; એ વર્તુળ વાસ્તવિક રીતે અસ્તિત્વમાં નથી, કારણ કે ઉંબાડિયાના ક્ષણે ક્ષણે બદલાયા કરતા સ્થાનને લીધે વર્તુળનો ભ્રમ ઊભો થાય છે. આપણે ક્ષુદ્ર પરમાણુઓના સમૂહો માત્ર છીએ; માત્ર એ પરમાણુઓની ઝડપી ચક્રાકાર ગતિને કારણે એક સ્થિર આત્માની ભ્રમણા ઊભી થાય છે. બીજો પક્ષ કહે છે કે વિચારના ઝડપી ક્રમમાં જડદ્રવ્ય એક ભ્રમણારૂપે ભાસે છે અને તેનું વાસ્તવિક અસ્તિત્વ નથી. એટલે આપણે જોઈએ છીએ કે એક પક્ષ દાવો કરે છે કે આત્મા ભ્રમ છે અને બીજો કહે છે કે જડ પદાર્થ ભ્રમ છે. કયો પક્ષ તમે લેશો? અવશ્ય, આપણે આત્માને સ્વીકારીશું અને જડદ્રવ્યને નકારીશું. બન્ને પક્ષ માટેની દલીલ સમાન છે, માત્ર આત્માના પક્ષમાં દલીલ જરા વધુ સબળ છે. જડદ્રવ્ય શું છે એ કોઈએ કદી જોયું નથી; આપણે માત્ર આપણી જાતને જ અનુભવી શકીએ. એવો કોઈ માણસ મેં જોયો નથી કે જે જડદ્રવ્યને પોતાથી બહાર અનુભવી શકે. કોઈપણ માણસ પોતાની બહાર કૂદી પડવાને કદી શક્તિમાન થયો નથી. તેથી આત્માની બાજુએ દલીલ જરા વધુ સબળ છે. બીજું આત્માના સિદ્ધાંતથી જગતનો ઉકેલ મળે છે, જ્યારે ભૌતિકવાદ તે નથી આપતો. તેથી ભૌતિકવાદી ખુલાસો તર્ક વિરુદ્ધ છે. જો તમે બધાં તત્ત્વદર્શનોને નિચોવીને તેમનું પૃથક્કરણ કરો, તો તમને જણાશે કે એ બધાનું છેવટ આ બે પૈકી એક સ્થિતિમાં આવીને ઊભું રહેશે. તેથી અહીં પણ, આપણે જોઈએ છીએ કે સ્વભાવગત પવિત્રતા અને મુક્તિનો એનો એ જ સવાલ વધુ ગૂંચવણભર્યા સ્વરૂપે, વધુ દાર્શનિક સ્વરૂપે, આવ્યો છે. એક પક્ષ કહે છે કે પહેલી ધારણા ભ્રમ છે, બીજો પક્ષ કહે છે કે બીજી ધારણા ભ્રમ છે; અને અલબત્ત, આપણે બીજા પક્ષમાં એટલે કે આપણું બંધન ભ્રમ છે એ માનવાના પક્ષમાં છીએ.

વેદાંતનો ઉકેલ એવો છે કે આપણે બંધનમાં પડ્યા જ નથી, આપણે મુક્ત જ છીએ. એટલું જ નહીં, પરંતુ આપણે બદ્ધ છીએ એમ કહેવું કે ધારવું એય જોખમકારક છે, ભૂલ છે, પોતાને જ ભ્રમમાં નાખવા જેવું છે. તમે કહો કે ‘હું બદ્ધ છું,’ ‘હું નબળો છું,’ ‘હું નિરાધાર છું,’ એટલે તમારું આવી જ બન્યું. તમે તમારા પોતા પર એક વધુ બેડી જડો છો, એમ કહો જ મા, એમ ધારો જ મા. મેં એક માણસ વિશે સાંભળ્યું છે કે તે જંગલમાં નદીને કાંઠે રહેતો અને રાત દિવસ, ‘शिवोऽहम्, शिवोऽहम्’ – ‘હું કલ્યાણસ્વરૂપ છું, હું કલ્યાણસ્વરૂપ છું’ એમ બોલ્યા કરતો. એક દિવસ એક વાઘે તેને પકડ્યો અને ખાઈ જવા માટે જંગલમાં ઘસડી ગયો. નદીને સામે કાંઠે ઊભેલા લોકોએ તે જોયું; અને જ્યાં સુધી તેના કંઠમાંથી અવાજ નીકળી શક્યો ત્યાં સુધી, વાઘના જડબામાં હતો ત્યારે પણ તેને ‘शिवोऽहम्’નું રટણ કરતો તેમણે સાંભળ્યા કર્યો. આવા તો ઘણા માણસો થઈ ગયા છે. એવા માણસોના કિસ્સાઓ પણ બનેલા છે કે તેમના કાપીને કટકા કરતી વખતે પણ તેમણે પોતાના દુશ્મનોને આશીર્વાદ આપ્યા છે ‘सोऽहम्, सोऽहम्’ – ‘તે હું છું; તે હું છું; તેમજ તે તું પણ છો. હું પવિત્ર અને સંપૂર્ણ છું. મારા સર્વ શત્રુઓ પણ તેમ જ છે. તમે તે છો અને તે જ પ્રમાણે હું પણ તે છું.’ સબળ ભૂમિકા આ છે.

તે છતાં દ્વૈતવાદીઓના ધર્મોમાં પણ મહાન અને અદ્ભુત બાબતો રહેલી છે. જેની આપણે ઉપાસના કરીએ અને જેને ચાહીએ છીએ તે પ્રકૃતિથી અલગ એવા ઈશ્વરની ભાવના અદ્ભુત છે. કેટલીકવાર આ ભાવના બહુ જ શાંતિદાયક પણ છે. પરંતુ વેદાંત કહે છે કે એ સુખદ લાગણી અફીણ જેવા કોઈ નશાને લીધે થતી લાગણી જેવી છે, સ્વાભાવિક નથી. લાંબે ગાળે એથી નબળાઈ આવે છે. દુનિયાને અગાઉ કદીયે હતી તેના કરતાં આજે વધારે જરૂર છે સામર્થ્યની. વેદાંત કહે છેઃ આ દુનિયામાં સર્વ દુઃખોનું કારણ નબળાઈ છે; દુઃખનું એકમાત્ર કારણ નબળાઈ છે. આપણે દુઃખી થઈએ છીએ તેનું કારણ એ છે કે, આપણે નબળા છીએ. આપણે ખોટું બોલીએ છીએ, ચોરી કરીએ છીએ, ખૂન કરીએ છીએ અને બીજા પણ ગુના કરીએ છીએ કારણ કે આપણે નબળા છીએ. આપણે હેરાન થઈએ છીએ કારણ કે આપણે નબળા છીએ. આપણે મૃત્યુને અધીન થઈએ છીએ કારણ કે આપણે નબળા છીએ. જ્યાં આપણને દુર્બળ બનાવે એવું કંઈ જ ન હોય ત્યાં મૃત્યુ કે શોક હોય જ નહિ. આપણે ભ્રમને લીધે દુઃખી છીએ. ભ્રમને છોડી દો એટલે આખી વસ્તુ અદૃશ્ય થઈ જશે. એ સાવ સાદું અને સરળ છે. આ બધી દાર્શનિક ચર્ચાઓ અને જબરજસ્ત માનસિક કસરતો પછી આ એક જ ધાર્મિક વિચાર ઉપર આપણે આવીએ છીએ; અને તે આખી દુનિયામાં સાદામાં સાદો છે.

અદ્વૈત વેદાંત એ સત્યને રજૂ કરવા માટેનું સાદામાં સાદું સ્વરૂપ છે. ભારતમાં અને બીજે કોઈપણ જબરજસ્ત ભૂલ કરવામાં આવી હોય તો તે દ્વૈત મત શીખવવાની હતી. એ કારણે લોકોએ અંતિમ સિદ્ધાંતો પ્રત્યે નજર ન કરતાં માત્ર પ્રક્રિયાને જ પકડી; અને એ તો ઘણી જ ગૂંચવણભરેલી છે. અનેકને તો આ જબરજસ્ત દાર્શનિક અને તાર્કિક સિદ્ધાંતો ગભરાવનારા થઈ પડ્યા. તેમણે ધાર્યું કે આ બાબતો સર્વગ્રાહી બનાવી શકાય નહીં, એને જીવનમાં રોજબરોજના વ્યવહારમાં આચરી શકાય નહીં; આવી ફિલસૂફીના અંચળા તળે જીવનમાં ઘણી નિરંકુશતા આવી જાય.

પરંતુ જગતમાં અદ્વૈતના વિચારોનો પ્રચાર કરવાથી દુનિયામાં અનાચાર અને નબળાઈ વધશે એમ હું જરાય માનતો નથી. ઊલટું મને એમ માનવાનું કારણ છે કે અનાચાર અને નબળાઈનો નાશ કરવાનો એકમાત્ર ઉપાય અદ્વૈતના વિચારો જ છે. આ જો સત્ય હોય તો, બાજુમાં જ જીવનશક્તિનું ઝરણું વહી રહ્યું છે ત્યારે લોકોને શા માટે ગંદું પાણી પીવા દેવું? જો આ સત્ય હોય કે બધા પવિત્ર છે, તો પછી આ ક્ષણે જ એનો આખા જગતને શા માટે ઉપદેશ ન આપવો? જગતમાં જન્મેલા એકેએક માનવને, સંતોને તેમજ પાપીઓને, નરનારી અને બાળકોને, સિંહાસનારૂઢ રાજવીને તેમજ રસ્તા પર ઝાડુ મારતા માનવીને, દરેકેદરેકને મેઘગર્જનાના અવાજે શા માટે તેનો ઉપદેશ ન કરવો?

અત્યારે એ ઘણું મોટું અને મહાન સાહસ લાગે છે; અનેકને એ ઘણું ચમકાવી મૂકે એવું લાગે છે; પરંતુ એનું કારણ વહેમ છે, બીજું કશું નહીં. તરેહ તરેહનો ખરાબ અને હજમ થઈ ન શકે તેવો ખોરાક ખાવાથી અથવા ભૂખે મરવાથી, સારું ભોજન લેવાને આપણે અશક્ત બની ગયા છીએ. બચપણથી જ આપણે આપણી દુર્બળતાની વાતો સાંભળતા આવ્યા છીએ. તમે લોકોને કહેતા સાંભળો છો કે તેઓ ભૂતમાં માનતા નથી, તેમ છતાં બહુ જ થોડા લોકો એવા હશે કે જેમને અંધારામાં પોતે એકલા હોય ત્યારે હૈયામાં સહેજ પણ ગભરાટ ન થાય. એનું કારણ કેવળ વહેમ છે. બધા ધાર્મિક વહેમો વિશે તેવું જ છે. આ દેશમાં એવા લોકોય છે કે જેઓ જો હું તેમને કહું કે શેતાન જેવો કોઈ છે નહીં, તો માનશે કે ધર્મ બધો રસતાળ ગયો! અનેક લોકોએ મને કહ્યું છે! શેતાન વિનાનો ધર્મ શી રીતે હોઈ શકે? આપણે કોઈક દોરનાર વિનાનો ધર્મ કેમ હોઈ શકે? આપણા પર કોઈક હકૂમત ન ચલાવે તો આપણે જીવીએ કેમ કરીને? આપણા તરફ એવું વર્તન રાખવામાં આવે એ આપણને ગમે છે, કારણ કે આપણે તેનાથી ટેવાયા છીએ. કોઈકે રોજ ઠપકો આપ્યો છે એવું આપણને લાગે નહીં, ત્યાં સુધી આપણને ચેન પડતું નથી. વળી એ જ વહેમ! આજે એ ગમે તેટલું ભયંકર દેખાય, પણ એવો સમય આવશે કે જ્યારે આપણામાંનો એકેએક પૂર્વ જીવન પર એક નજર નાખશે, તથા પવિત્ર અને શાશ્વત આત્માને ઢાંકતા તે વહેમોને જોઈને હસી પડશે; તે હર્ષપૂર્વક અને શક્તિપૂર્વક વારંવાર બોલશે કે ‘હું મુક્ત છું, હું મુક્ત હતો અને સદાય મુક્ત રહીશ.’ આ અદ્વૈતવાદી વિચાર વેદાંતમાંથી નીકળશે; અને ટકી રહેવા યોગ્ય જો કોઈ વિચાર હોય તો એક તે જ છે; શાસ્ત્રો ભલે ને આવતીકાલે નાશ પામી જાય. આ વિચાર પહેલવહેલો હિબ્રૂઓના મગજમાં ચમક્યો કે ઉત્તરધ્રુવ પ્રદેશોમાં રહેનારા મગજમાં ચમક્યો, એની કોઈ પરવા કરતું નથી. સત્ય આ છે; અને સત્ય પોતે સનાતન છે. સત્ય પોતે જ શીખવે છે કે એ કોઈ અમુક વ્યક્તિ કે રાષ્ટ્રની આગવી મિલકત નથી. માનવી, પશુઓ અને દેવતાઓ વગેરે બધાં જ આ એક જ સત્યના સમાન ભોક્તા છે; એ બધાંને તે મેળવવા દો. શા માટે જિંદગીને દુઃખી કરવી? શા માટે લોકોને તરેહતરેહના વહેમોમાં પડવા દેવા? જો વીસ માણસો પોતાના વહેમો છોડે, તો તે સારુ હું હજાર જિંદગી આપી દઉં. માત્ર આ દેશમાં જ નહીં, પરંતુ ખુદ જ્યાં આ વિચાર જન્મ્યો તેની જન્મભૂમિમાંના લોકોને પણ જો આ સત્ય કહો તો તેઓ ભયભીત થઈ જાય છે. તેઓ કહેશેઃ ‘આ વિચારો તો દુનિયા છોડીને વનમાં વસનારા સંન્યાસીઓ માટેના છે અને તેમને માટે એ યોગ્ય છે. પરંતુ અમે તો બધા ગરીબ ગૃહસ્થાશ્રમીઓ રહ્યા; અમારે તો અમુક પ્રકારનો ભય, કર્મકાંડ વગેરે બધાં હોવાં જોઈએ.’

દ્વૈતવાદી વિચારોએ જગત પર ઘણા કાળ સુધી હકૂમત ચલાવી છે અને એનું પરિણામ આ આવ્યું છે. તો પછી નવો પ્રયોગ શા માટે ન કરવો? બધાં મનને અદ્વૈતને ગ્રહણ કરતાં ભલેને યુગો લાગે, પણ તેની શરૂઆત અત્યારે જ કેમ ન કરી દેવી? જો આપણે એ વિચાર આપણા જીવન દરમિયાન વીસ માણસોને ગળે ઉતાર્યો હોય તો આપણે ઘણું મોટું કામ કર્યું કહેવાય.

એક વિચાર એવો છે જે ઘણીવાર આનો વિરોધ કરે છે. તે વિચાર આ છેઃ ‘હું પવિત્ર છું, હું ધન્ય છું.’ એ બધું બોલવું તો ઠીક છે, પણ મારા જીવનમાં હંમેશાં હું તે દેખાડી શકતો નથી. એ વાત સાચી છે; આદર્શ હંમેશાં ઘણો કઠિન હોય છે. આ દુનિયામાં અવતરેલું એકેએક બાળક આકાશને માથા પર દૂર દૂર જુએ છે; પણ એથી આપણે આકાશ સામે જ ન જોવું એવું થોડું છે? વહેમો તરફ જવાથી પરિસ્થિતિ સુધરવાની હતી ખરી? જો આપણને પીવાને અમૃત ન મળે તો ઝેર પીધે કાંઈ પરિસ્થિતિ સુધરી જવાની છે? આપણે સત્યનો આ ક્ષણે જ સાક્ષાત્કાર નથી કરી શકતા, એથી અંધારામાં જઈને દુર્બળતા અને વહેમોને વશ થવાથી શું આપણને કોઈ જાતની મદદ મળવાની છે?

દ્વૈતવાદના ઘણા પ્રકારો સામે મને કશો જ વાંધો નથી; તેમાંના ઘણાખરા તો મને ગમે છે. પણ મારો વાંધો તો જે કોઈ ઉપદેશ મન પર નબળાઈની છાપ પાડે છે, તેની સામે છે. શારીરિક, માનસિક કે આધ્યાત્મિક શિક્ષણ લેતાં તમામ સ્ત્રીપુરુષો અને બાળકોને, દરેકને હું આ એક જ સવાલ પૂછું છુંઃ તમે બળવાન છો? તમને તાકાતનો અનુભવ થાય છે? કારણ કે હું જાણું છું કે એક સત્ય જ શક્તિ આપે છે. હું જાણું છું કે એકલું સત્ય જ જીવન આપે છે અને બીજું કશું જ નહીં; માત્ર સત્ય તરફનું પ્રયાણ જ આપણને બળવાન બનાવશે અને બળવાન બન્યા સિવાય સત્યને કોઈ પ્રાપ્ત કરવાનું નથી. તેથી જે જે વિચારપદ્ધતિ મનને નબળું પાડે, માણસને વહેમી બનાવે, માણસને સોગિયો બનાવે, તેનામાં રહસ્યોની અને વહેમોની ઇચ્છા ઊભી કરે, તે મને પસંદ નથી, કારણ કે તેની અસર જોખમકારક છે. આવી વિચારપદ્ધતિઓ કદીયે કશું જ સારું પરિણામ નથી લાવતી. આવી બાબતો મનમાં રોગ ઉત્પન્ન કરે છે, તેને નબળું પાડી નાખે છે; એટલું બધું નબળું પાડી દે છે કે સમય જતાં તેનાથી સત્યને ગ્રહણ કરવું કે તે અનુસાર જીવન જીવવાનું લગભગ અશક્ય થઈ જાય છે. તેથી એકમાત્ર આવશ્યક વસ્તુ છે શક્તિ. જગતના સર્વ રોગોનું એકમાત્ર ઔષધ છે શક્તિ; પૈસાવાળાઓ તરફથી ગરીબો પર ગુજારાતા જુલમ સામેનું ઔષધ છે શક્તિ; ભણેલાઓ તરફથી અભણ ઉપર ગુજારાતા અત્યાચાર સામેનું એક ઔષધ છે શક્તિ; એક પ્રકારના પાપીઓ તરફથી બીજા પ્રકારના પાપીઓ પર ગુજારાતા અત્યાચાર સામે પેલા પાપીઓ પાસે જે ઔષધ હોવું જોઈએ તે શક્તિ; અને આ અદ્વૈતના વિચાર સિવાય બીજું કોઈ જ આવી શક્તિ આપતું નથી. આ અદ્વૈતના વિચાર જેટલું આપણને નીતિમાન બનાવનાર બીજું કંઈ જ નથી. આપણા પર છોડી દેવામાં આવેલી સંપૂર્ણ જવાબદારી સિવાય આપણને આપણી પૂરી તાકાતથી અને શ્રેષ્ઠ રીતે કામ કરવાને પ્રેરનાર, બીજું કંઈ જ નથી. તમને સૌને મારું આહ્વાન છે કે આવી જાઓ; હું તમારા હાથમાં એક બાળક મૂકી દઉં તો તમે કેવી રીતે વર્તવાના? ક્ષણભરને માટે તો તમારું આખું જીવન પલટાઈ જવાનું; તમે ગમે તે હો પણ તત્પૂરતા તો તમારે નિઃસ્વાર્થ બનવું જ પડશે. જે ઘડીએ તમારા પર જવાબદારી મૂકી દેવામાં આવી, તે ઘડીએ તમે બધા ગુનાહિત વિચારોને છોડી દેવાના; તમારું આખું ચારિત્ર્ય જ બદલાઈ જવાનું. એટલે જો બધી જવાબદારી આપણા પોતાને માથે નાખી દેવામાં આવે તો તે ઉપાડવામાં આપણે આપણી સર્વોચ્ચ ને સર્વોત્તમ શક્તિઓ કામે લગાડીશું. જ્યારે આપણે કોઈપણ વ્યક્તિ તરફ ફાંફાં મારતા જવાનું નહીં હોય, આપણા દોષો ઢોળવાને કોઈ શેતાન નહીં હોય, આપણા પાપનો ભાર ઉઠાવવાને કોઈ દયાળુ વ્યક્તિરૂપ ઈશ્વર નહીં હોય, જ્યારે આપણે પોતે જ પૂરા જવાબદાર હોઈશું ત્યારે આપણે આપણી સર્વોચ્ચ અને સર્વોત્તમ શક્તિથી કામે લાગી જઈશું. મારાં નસીબને માટે હું પોતે જ જવાબદાર છું; મારું ભલું કરનારો હું પોતે જ છું, મારું બૂરું કરનારો પણ હું પોતે જ છું. પવિત્ર અને કલ્યાણમય હું જ છું. એની વિરુદ્ધના બધા વિચારોનો અસ્વીકાર કરવો જોઈએ. ‘મારે નથી મૃત્યુ કે નથી ભય, મારે નથી જ્ઞાતિ કે નથી પંથ, મારે નથી પિતા, નથી માતા, નથી ભ્રાતા, નથી મિત્ર કે નથી શત્રુ; હું કેવળ સત્-ચિત્-આનંદ સ્વરૂપ ‘शिवोऽहम्, शिवोऽहम्’ છું. સદ્ગુણ કે દુર્ગુણ, સુખ કે દુઃખ કશાથી કદી હું બદ્ધ નથી. તીર્થો, ગ્રંથો અને કર્મકાંડો મને કદી બદ્ધ કરી શકે નહીં. મને ક્ષુધા કે તૃષા નથી; આ દેહ મારો નથી, તેમજ દેહને આવતા વહેમો અને ક્ષયને અધીન હું નથી. હું કેવળ સત્-ચિત્-આનંદ સ્વરૂપ ‘शिवोऽहम्, शिवोऽहम्’ છું.

વેદાંત કહે છે કે આપણે કરવાની પ્રાર્થના આ જ છે, લક્ષ્યે પહોંચવાનો એકમાત્ર માર્ગ આ છે કે પોતાની જાતને તેમજ બીજા સર્વ કોઈને કહેવું કે આપણે દિવ્ય છીએ. જેમ જેમ આપણે આનું રટણ કરતા જઈશું, તેમ તેમ શક્તિ આવતી જશે. પ્રથમ જે લથડિયાં ખાતો હશે તે વધુ ને વધુ બળવાન બનતો જશે; અવાજનું જોર વધશે અને અંતે સત્ય આપણા હૃદયનો કબજો લઈ લેશે; આપણી નાડીઓમાં સત્ય વહેવા લાગશે, આપણાં શરીરોમાં સત્ય ઓતપ્રોત થઈ રહેશે. પ્રકાશ જેમ જેમ વધુ તેજસ્વી થતો જશે તેમ તેમ ભ્રમ અદૃશ્ય થતો જશે, અજ્ઞાનના પડદા પછી ઉંચકાતા જશે; અને પછી એક એવો સમય આવશે કે જ્યારે અન્ય સર્વ અદૃશ્ય થઈ ગયું હશે અને કેવળ આત્મરૂપી સૂર્ય જ પ્રકાશી રહ્યો હશે. (2.422)

Total Views: 225
૭. વિવિધતામાં એકતા
૯. જીવન વ્યવહારમાં વેદાંતઃ પ્રવચન - ૧