ભક્તિયોગ એ ઈશ્વર માટેની સાચી અને આંતરિક શોધ છે, જેનો આદિ, મધ્ય અને અંત પ્રેમમાં થાય છે. ઈશ્વર પ્રત્યેનો એક ક્ષણનો પણ પ્રેમોન્માદ શાશ્વત મુક્તિ આપે છે. ભક્તિસૂત્રોની વ્યાખ્યામાં નારદ કહે છે કે, ‘ભક્તિ એ ઈશ્વર પ્રત્યેનો પરમ પ્રેમ છે.’ ‘જ્યારે મનુષ્ય ભક્તિ પ્રાપ્ત કરે છે, ત્યારે તે સર્વે પ્રત્યે પ્રેમ કરે છે, કોઈનો દ્વેષ કરતો નથી; તે સદા કાળ માટે સંતુષ્ટ બન્યો છે.’ ‘કોઈ પણ દુન્યવી લાભ મેળવવાના ઉપાય તરીકે આ પ્રેમને નીચો ઉતારી શકાય નહીં.’ કારણ કે જ્યાં સુધી સાંસારિક વાસનાઓ વિદ્યમાન હોય છે ત્યાં સુધી તે પ્રકારના પ્રેમનો ઉદય થતો નથી. ‘કર્મ તેમજ યોગ કરતાં ભક્તિ શ્રેષ્ઠ છે, કેમ કે તે બંને તો કોઈ હેતુ સિદ્ધ કરવા માટે હોય છે, જ્યારે ભક્તિ સ્વયં સાધ્ય તથા સાધન બંને રૂપ છે.’
ભક્તિ આપણા ઋષિમુનિઓની ચર્ચાનો નિત્ય એક વિષય રહી છે. ભક્તિસૂત્રોના વિશિષ્ટ વ્યાખ્યાતાઓ, શાંડિલ્ય અને નારદ જેવા મુનિઓ ઉપરાંત પણ વ્યાસસૂત્રોના મહાન ભાષ્યકારો કે જેઓ સ્પષ્ટ રીતે જ્ઞાનના સમર્થકો હતા, તેઓ પણ ભક્તિ સંબંધે અત્યંત સૂચક વાક્યો કહે છે. જ્યારે ભાષ્યકાર, બધાં સૂત્રોની નહીં તો ઘણાં સૂત્રોની વ્યાખ્યા શુષ્ક જ્ઞાનસૂચક અર્થમાં કરવા પ્રયત્ન કરે છે, ત્યારે પણ સૂત્રો, ખાસ કરીને ઉપાસનાનાં સૂત્રો, તેવી રીતે સહેલાઈથી ઘટાવી શકાયાં નથી.
ખરેખર તો, લોકો કોઈ કોઈ વખત માને છે તેટલું બધું જ્ઞાન અને ભક્તિ વચ્ચે અંતર નથી. જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ આપણે જોઈશું કે બંને એક જ લક્ષ્ય તરફ વળે છે અને અંતમાં એક જ બિંદુમાં મળે છે. તે જ રીતે રાજયોગનું પણ છે. રાજયોગનું અનુષ્ઠાન જ્યારે અસાવધને છેતરવા માટેની સિદ્ધિ માટે નહીં પણ મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે, (દુર્ભાગ્યે એ આવા લોકોના, જાદુગરોના અને ઠગોના હાથમાં આવે છે.) ત્યારે તે પણ આપણને એ જ લક્ષ્યે પહોંચાડે છે.
ભક્તિનો એક મહાન લાભ એ છે કે તે ઈશ્વરપ્રાપ્તિના પરમ લક્ષ્યે પહોંચાડનાર તદ્દન સ્વાભાવિક રસ્તો છે. તેનો એક મહાન દોષ એ છે કે તેના હલકા સ્વરૂપમાં તે ઘણીવાર ભયાનક અંધશ્રદ્ધાના રૂપમાં પરિણમે છે. હિંદુ, મુસ્લિમ તથા ખ્રિસ્તી ધર્મની ધર્માંધ વ્યક્તિઓ બહુધા ભક્તિના આ નીચલા થરોના ઉપાસકોમાંથી આવેલી હોય છે. પ્રેમાસ્પદ ઇષ્ટ પ્રત્યેની એકનિષ્ઠ ભક્તિ કે જેના વિના સાચા પ્રેમનો ઉદય થતો નથી, તે ઘણીવાર બીજી પ્રત્યેક વસ્તુની નિંદાનું કારણ પણ બને છે. પ્રત્યેક ધર્મ કે દેશમાં બધા નિર્બળ અને અણવિકસિત મનવાળા મનુષ્યો પાસે પોતાના આદર્શ પ્રત્યે પ્રેમ રાખવાનો એક જ માર્ગ હોય છે. તે એ કે બીજા પ્રત્યેક આદર્શને તિરસ્કારવો. ઈશ્વર વિશેના પોતાના આદર્શ પ્રત્યે જે અત્યંત અનુરક્ત હોય છે, જે પોતાના ધર્મના આદર્શને ખૂબ જ વફાદાર હોય છે, તે જ માણસ જેવો તે બીજા કોઈ આદર્શ વિશે કંઈ પણ જુએ અથવા સાંભળે કે તરત જ શા માટે ઘૂરકતો ધર્માંધ બની જાય છે, તેનો જવાબ આમાં છે. જેમ કૂતરામાં પોતાના માલિકની સંપત્તિની રક્ષા કરવાની કુદરતી પ્રેરણા હોય છે, તેને જ મળતો આ પ્રેમ હોય છે. માત્ર કૂતરાની પ્રાકૃતિક પ્રેરણા માણસની બુદ્ધિ કરતાં શ્રેષ્ઠ છે, કેમ કે કૂતરો, પોતાના માલિકને, તે ગમે તે પોશાકમાં આવે તોપણ દુશ્મન સમજવાની ભૂલ કદી કરતો નથી. વળી ધર્માંધ માનવી તમામ વિચાર શક્તિ ખોઈ બેસે છે. તે પોતાની બાબતોમાં એટલો બધો રસ ધરાવે છે કે તેને મન બીજો કોઈ માણસ શું કહેશે, તેનું કથન સાચું છે કે ખોટું છે, તે જરા પણ અગત્યનું નથી. પરંતુ તે તો હંમેશાં ખાસ કરીને એક જ વસ્તુ જાણવાની તકેદારી રાખે છે કે આ વાત કહેનાર કોણ છે? જે માણસ પોતાના સંપ્રદાયના લોકો પ્રત્યે દયાળુ, ભલો, પ્રમાણિક ને પ્રેમાળ હોય છે, તે જ માણસ પોતાના સંપ્રદાયની બહારના માણસો પ્રત્યે હલકામાં હલકાં કાર્યો કરતાં પણ અચકાશે નહીં.
પરંતુ આ ભયસ્થાન ભક્તિની તે ભૂમિકા ઉપર સંભવે છે કે જેને ગૌણી, સાધનરૂપી ભક્તિ કહેવાય છે. જ્યારે પરિપક્વ બને છે અને એવી અવસ્થાએ પહોંચે છે કે તે પરાભક્તિ તરીકે ઓળખાય છે, ત્યાર પછી આ પ્રકારની ઘૃણાસ્પદ ધર્માંધતાનો ઉદ્ભવ થવાની કોઈ બીક રહેતી નથી. જે આત્મા આ પ્રકારની વધુ ઉચ્ચ ભક્તિથી ભરપૂર થઈ જાય છે, તે પ્રેમ સ્વરૂપ પરમાત્માની એટલો બધો સમીપ છે કે પછી તે ઘૃણાભાવને ફેલાવવામાં નિમિત્ત બનતો નથી.
આ જીવનમાં આપણામાંથી સૌ કોઈ પોતાના ચારિત્ર્ય ઘડતરમાં સુમેળ સાધી શકતા નથી. છતાં આપણે જાણીએ છીએ કે જે વ્યક્તિમાં આ ત્રણેનો- જ્ઞાન, ભક્તિ અને યોગનો – સુંદર સમન્વય થયો હોય, તે વ્યક્તિનું ચારિત્ર્ય સર્વોત્તમ છે. પંખીને ઊડવા માટે ત્રણ વસ્તુઓ આવશ્યક છેઃ બે પાંખ અને સુકાન તરીકે પૂંછડી; જ્ઞાન એક પાંખ છે, ભક્તિ બીજી પાંખ છે અને યોગ સમતુલા જાળવનારી પૂંછડી અગર સુકાન છે. જેઓ આ ત્રણે પ્રકારની ઉપાસના એકીસાથે સુસંગત રીતે કરી શકતા નથી અને એટલા માટે જેઓ પોતાના માર્ગ તરીકે માત્ર એકલી ભક્તિનો જ સ્વીકાર કરે છે, તેમણે હંમેશાં એટલું સ્મરણમાં રાખવું આવશ્યક છે કે બાહ્ય અનુષ્ઠાન અને કર્મકાંડ, જો કે પ્રગતિ કરનાર આત્મા માટે સંપૂર્ણપણે આવશ્યક છે, પણ ઈશ્વર પ્રત્યે ગાઢ પ્રેમ અનુભવવાની અવસ્થા સુધી પહોંચાડવા સિવાય તે બંનેનું બીજું કોઈ મૂલ્ય નથી.
જ્ઞાનમાર્ગ તથા ભક્તિમાર્ગના આચાર્યો ભક્તિના પ્રભાવને સ્વીકારે છે, જો કે તેમની વચ્ચે થોડાક મતભેદો છે. જ્ઞાની ભક્તિને મોક્ષના એક સાધન તરીકે ગણે છે, જ્યારે ભક્તની દૃષ્ટિમાં તે સાધન છે અને સાધ્ય પણ છે. મારે મન આ ભેદ કેવળ નામ પૂરતો જ છે. વાસ્તવમાં ભક્તિ જ્યારે સાધન તરીકે વપરાય છે, ત્યારે તેનો ખરો અર્થ ગૌણ પ્રકારની ઉપાસના એવો થાય છે. પણ પછીની વધુ ઉચ્ચ ભૂમિકામાં આ ગૌણ અને ઉચ્ચ પ્રકારો—સાધન અને સાધ્ય—એક બની જાય છે. દરેક સાધક પોતાની ઉપાસના પદ્ધતિ ઉપર ભાર મૂકતો દેખાય છે; પણ તે ભૂલી જાય છે કે સાધક ન માગે તોપણ, પરા-ભક્તિ સાથે પૂર્ણ જ્ઞાન આવવું જ જોઈએ; એટલે કે પૂર્ણ જ્ઞાન અને પરા-ભક્તિ અભિન્ન છે.
આ હકીકત ખ્યાલમાં રાખીને વેદાંતના મહાન ભાષ્યકારોને આ વિષય ઉપર શું કહેવું છે, તે સમજવાનો પ્રયત્ન કરીએઃ आवृत्तिरसकृदुपदेशात् (પુનરાવૃત્તિ આવશ્યક છે, કારણ કે તેનો વારંવાર ઉપદેશ કરવામાં આવ્યો છે તેથી) સૂત્રની વ્યાખ્યા કરતાં ભગવાન શંકરાચાર્ય કહે છેઃ ‘લોકો કહે છે કે ‘તે રાજા પ્રત્યે ભક્તિ ધરાવે છે, તે ગુરુ પ્રત્યે ભક્તિ ધરાવે છે.’ જે પોતાના ગુરુને અનુસરે છે તેના વિશે તેઓ એમ કહે છે અને તેની નજરમાં તે અનુસરણ જ એકમાત્ર ધ્યેય રહે છે. તે જ પ્રમાણે તેઓ કહે છે કે ‘પ્રેમાળ પત્ની પોતાના પ્રેમાળ પતિનું ધ્યાન ધરે છે;’ અહીં પણ એક પ્રકારનું ઉત્સુક અને અવિચ્છિન્ન સ્મરણ સમજાય છે.’ આચાર્ય શંકરના મત પ્રમાણે આ ભક્તિ છે.
‘જેવી રીતે એક પાત્રમાંથી બીજા પાત્રમાં તેલની અવિચ્છિન્ન ધારા થાય છે, તે જ પ્રમાણે (ધ્યેયતત્ત્વના) નિરંતર સ્મરણને ધ્યાન કહેવાય છે. જ્યારે આ પ્રકારનું સ્મરણ (ઈશ્વર વિશે) પ્રાપ્ત થાય છે, ત્યારે બધાં બંધનો તૂટી જાય છે. નિરંતર સ્મરણ તે મુક્તિનું એક સાધન છે તેમ શાસ્ત્રોમાં કહ્યું છે. વળી આ સ્મરણ દર્શનની સમાન જ છે, કારણ કે નીચેનાં વાક્યોનો અર્થ પણ તેવો જ છેઃ ‘જ્યારે દૂર અને સમીપ રહેલા આત્મતત્ત્વનું દર્શન થાય છે ત્યારે હૃદયની ગાંઠો છૂટી જાય છે; બધા સંશયો ટળી જાય છે અને બધાં કર્મોનો ક્ષય થાય છે.’
भिद्यते हृदयग्रंथिश्छिद्यन्ते सर्वसंशयाः।
क्षीयन्ते चास्यकर्माणि तस्मिन्दृष्टे परावरे॥
જે નજીક હોય છે તેનું દર્શન કરી શકાય છે પરંતુ જે દૂર છે તેનું માત્ર સ્મરણ જ કરી શકાય છે. તેમ છતાં શાસ્ત્ર ઉપદેશે છે કે તે પરમ તત્ત્વ કે જે નજીક છે તેમજ દૂર પણ છે, તેનું દર્શન આપણે કરવાનું છે, તેથી આપણને સમજાય છે કે ઉપરોક્ત પ્રકારનું સ્મરણ એ દર્શન સમાન છે. આ સ્મરણ જ્યારે ઉચ્ચ ભૂમિકામાં જાય છે ત્યારે તે દર્શન જેવું બને છે… શાસ્ત્રોનાં સારભૂત વાક્યોમાં જણાય છે તેમ ઉપાસના એટલે નિરંતર સ્મરણ. જ્ઞાન કે જે પુનરાવૃત્ત ઉપાસના સમાન છે, તેને નિરંતર સ્મરણ તરીકે વર્ણવવામાં આવ્યું છે… આમ સ્મૃતિ કે જે દર્શનની સમાન કક્ષાએ પહોંચેલી છે, તેને શ્રુતિમાં મોક્ષના સાધન તરીકે વર્ણવવામાં આવેલ છે. ‘આ આત્મા વિવિધ વિદ્યાઓ દ્વારા પ્રાપ્ત થતો નથી, ન તો બુદ્ધિ દ્વારા, ન તો વેદોના કેવળ બહુ અભ્યાસ દ્વારા. આ આત્મા જે કોઈ વ્યક્તિનું વરણ કરે છે, તે જ આત્માની પ્રાપ્તિ કરી શકે છે, તેની જ સન્મુખ આત્મા પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે.’ (કઠ.૧.૨.૨૩) અહીં માત્ર શ્રવણ, મનન અને નિદિધ્યાસન આત્મપ્રાપ્તિનાં સાધન નથી એમ નિર્દેશ કર્યા પછી એમ કહ્યું છે કે ‘આ આત્મા જેનું વરણ કરે છે, તેને જ આત્મા પ્રાપ્ત થાય છે.’ જે અત્યંત પ્રિય હોય તેનું વરણ કરવામાં આવે છે; અને જેમને આ આત્મા પ્રત્યે અસીમ પ્રેમ છે, તે આત્માનો અત્યંત પ્રેમપાત્ર બને છે. આત્મપ્રાપ્તિ કરી શકે તે માટે આ પ્રેમપાત્રને સ્વયં ભગવાન સહાય કરે છે, કારણ કે ભગવાને કહ્યું છે કે ‘જે મારામાં નિરંતર યુક્ત છે અને પ્રેમપૂર્વક મને ઉપાસે છે, તેની બુદ્ધિને હું એવી રીતે પ્રેરું છું કે જે વડે તેઓ મારી સમીપ આવે છે.’ એટલા માટે એમ કહ્યું છે કે જે કોઈને આ સ્મરણ કે જે પ્રત્યક્ષ દર્શન સમાન છે, તે અત્યંત પ્રિય છે, તેનું પરમાત્મા વરણ કરે છે, તેને પરમાત્માની પ્રાપ્તિ થાય છે, કારણ કે દર્શનના વિષયસ્વરૂપ પરમાત્માને આવું સ્મરણ અત્યંત પ્રિય છે. આ નિરંતર સ્મરણને ભક્તિ કહે છે.’ આમ ભગવાન રામાનુજ ‘अथातो ब्रह्मजिज्ञासा’ ‘હવે બ્રહ્મ વિશે ચર્ચા (શરૂ થાય છે)’ આ સૂત્ર ઉપરના ભાષ્યમાં કહે છે.
પતંજલિના ‘ईश्वरप्रणिधानाद्वा’ સૂત્રની વ્યાખ્યામાં ભોજ કહે છે, ‘પ્રણિધાન, પરમાત્માની ઉપાસના, તે એવી ભક્તિ છે કે જેમાં ઇન્દ્રિય ભોગાદિ ફલાકાંક્ષાઓનો ત્યાગ કરીને બધાં કર્મો તે પરમ ગુરુ પરમાત્માને સમર્પિત કરી દેવામાં આવે છે.’ ભગવાન વ્યાસ પણ તેની ઉપર ભાષ્ય કરતાં, પ્રણિધાનની વ્યાખ્યા કરતાં કહે છેઃ ‘પ્રણિધાન ભક્તિનો તે પ્રકાર છે કે જેના દ્વારા પરમેશ્વર તે યોગી ઉપર કૃપાદૃષ્ટિ કરે છે, તથા તેની ઇચ્છાઓની પૂર્તિ થાય તેવું વરદાન આપે છે.’ શાંડિલ્યના મત અનુસાર ‘ઈશ્વરમાં પરમ અનુરક્તિ તે ભક્તિ છે.’ પરંતુ ભક્તિની સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા તો ભક્તરાજ પ્રહ્લાદે કરી છેઃ
या प्रीतिरविवेकानां विषयेषु अनपायिनी।
त्वामनुस्मरतः सा मे हृदयान्माऽपसर्पतु॥
‘અવિવેકી પુરુષોને વિષયોમાં જેવી ગાઢ આસક્તિ હોય છે, તમારા સ્મરણમાં લાગેલી તેવી આસક્તિ, મારા હૃદયમાંથી ન નીકળો.’ આ પ્રીતિ, આ પ્રેમ! કોને માટે? તે પરમ પિતા પરમેશ્વરને માટે. તે સિવાયનો બીજી કોઈપણ વ્યક્તિ માટેનો પ્રેમ, તે વ્યક્તિ ગમે તેટલી મહાન હોય તોપણ, ભક્તિ કહી શકાય નહીં. આના સમર્થનમાં એક પ્રાચીન આચાર્યનું કથન ટાંકતાં શ્રીરામાનુજ પોતાના શ્રીભાષ્યમાં કહે છેઃ
आब्रह्मस्तम्बपर्यन्ताः जगदन्तर्व्यवस्थिताः।
प्राणिनः कर्मजनितसंसारवशव वर्तिन:॥
यतस्ततो न ते ध्याने ध्यानिनामुपकारकाः।
अविद्यान्तर्गतास्सर्वे ते हि संसारगोचराः॥
‘બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત, સંસારમાં વસતાં તમામ પ્રાણીઓ કર્મજનિત જન્મ અને મૃત્યુને આધીન છે; એટલા માટે તેઓ સાધકને ધ્યાનના વિષયો તરીકે સહાયક થઈ શકે નહીં, કારણ કે તે બધાં અવિદ્યાયુક્ત અને જન્મ-મૃત્યુને આધીન છે.’ શાંડિલ્યે વાપરેલ અનુરક્તિ શબ્દ ઉપર ભાષ્ય કરતાં ભાષ્યકાર સ્વપ્નેશ્વર કહે છે કે, ‘અનુ એટલે પશ્ચાત્ અને રક્તિ એટલે આસક્તિ; અર્થાત્ ઈશ્વરનાં સ્વરૂપ અને મહિમાનું જ્ઞાન થયા પછી ઈશ્વરમાં આસક્તિ થાય છે, તે અનુરક્તિ છે; નહિતર તો કોઈપણ પ્રત્યેની અંધ આસક્તિ, દા.ત. સ્ત્રી અથવા પુત્રાદિ પ્રત્યેની—પણ ભક્તિ બની જાય.’ આ રીતે આપણે સ્પષ્ટ જોઈએ છીએ કે આધ્યાત્મિક અનુભૂતિ માટેના સાધારણ પૂજાપાઠથી આરંભ કરીને ઈશ્વર પ્રત્યેના ગાઢ પ્રેમમાં પરિણત થતી સતત માનસિક ચેષ્ટાઓને ભક્તિ કહે છે.

