અર્જુને શ્રીકૃષ્ણને પૂછ્યુંઃ ‘હે પ્રભુ! જે ભક્તો સતત ધ્યાનપૂર્વક હંમેશાં તમને ભજે છે અને જેઓ અવ્યક્ત અને અક્ષર બ્રહ્મને ભજે છે તે બંનેમાંથી વધુ મહાન યોગી કોણ છે?’ શ્રીભગવાને જવાબ આપ્યોઃ ‘જેઓ મારામાં મન જોડીને, નિત્યયુક્ત થઈને મને ભજે છે અને જેઓ પરમ શ્રદ્ધાવાન છે, તેઓ મારા ઉત્તમ ઉપાસકો છે. વળી જેઓ પોતાની બધી ઇન્દ્રિયોનો સંયમ કરીને, સર્વ પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખીને અને સર્વ પ્રાણીઓના હિતમાં લાગી રહીને મને ભજે છે તેઓ પરમ યોગી છે. મારા અક્ષર, અનિર્દેશ્ય, અવ્યક્ત, સર્વવ્યાપક, અગમ્ય, અચિંત્ય, કૂટસ્થ, અચલ અને અનંત સ્વરૂપને ભજે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે. પરંતુ જેમનાં ચિત્ત અવ્યક્ત, નિર્ગુણ સચ્ચિદાનંદ સ્વરૂપમાં યુક્ત હોય છે, તેમને માટે તે પંથ ઉપર ચાલવું વધુ કષ્ટદાયક છે; કારણ કે ખરેખર દેહધારી પ્રાણીથી અવ્યક્ત નિર્ગુણ સ્વરૂપનો પંથ ઓળંગવો અત્યંત દુર્ગમ છે. જેઓ પોતાનાં સર્વ કાર્યો મારામાં સમર્પણ કરીને મત્પરાયણ થઈને, અનન્ય ભાવપૂર્વક મને ઉપાસે છે તેમનો, વારંવાર આવતા જન્મ અને મૃત્યુરૂપ સંસારસાગરમાંથી હું શીઘ્ર ઉદ્ધાર કરું છું, કારણ કે તેઓનાં મન મારામાં સંપૂર્ણપણે યુક્ત છે.’ (શ્રીમદ્ ભગવદ્ગીતા, ૧૨: ૧-૭)
અહીં જ્ઞાનયોગ તથા ભક્તિયોગ એ બંનેનો ઉલ્લેખ છે. ગીતાના ઉપરોક્ત કથનમાં બંનેની વ્યાખ્યા કરવામાં આવી છે તેમ કહી શકાય. જ્ઞાનયોગ ભવ્ય છે, અતિ ઉચ્ચ ફિલસૂફી છે; પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે લગભગ દરેક મનુષ્ય ધારે છે કે જ્ઞાનયોગના આદર્શ માટે આવશ્યક એવું બધું પોતે કરી શકે છે; જ્યારે વાસ્તવમાં જ્ઞાનયોગની સાધનાને જીવનમાં ઉતારવી અત્યંત કઠિન છે. તત્ત્વજ્ઞાન વડે આપણા જીવનને દોરવાનો પ્રયત્ન કરવામાં ઘણીવાર મોટાં ભયસ્થાનો રહેલાં છે. આ સંસારમાં આસુરી પ્રકૃતિવાળા એટલે કે જેઓ શરીરની સંભાળને જ પોતાનું જીવન-સર્વસ્વ સમજે છે તેઓ અને દૈવી પ્રકૃતિવાળા મનુષ્યો એટલે કે જેઓ શરીરને કેવળ ધ્યેયપ્રાપ્તિના એક સાધન તરીકે ગણે છે, આત્માની કલ્યાણપ્રાપ્તિના એક સાધન જેવું ધારે છે તેઓ, એવા બે વિભાગોમાં દુનિયાના બધા મનુષ્યોને વહેંચી શકાય. શેતાન પણ પોતાના હેતુ સિદ્ધ કરવા સારુ ખરેખર શાસ્ત્રો ટાંકી શકે અને ટાંકે છે જ અને જ્ઞાનનો માર્ગ સદાચારી માણસને જેમ સત્કર્મ કરવામાં પ્રોત્સાહન આપે છે, તેમ દુરાચારી માણસના કાર્યને પણ સમર્થન આપતો દેખાય છે. જ્ઞાનયોગમાં આ મોટો ભય છે. પરંતુ ભક્તિયોગ સ્વાભાવિક, મધુર અને નમ્ર છે; ભક્ત જ્ઞાનયોગીની જેમ ઊંચો ઊડતો નથી અને તેથી તેને એવાં મોટાં પતનનો પણ ભય નથી. ધાર્મિક માણસ ભલે ગમે તે માર્ગને અનુસરે, પણ જ્યાં સુધી તેનાં આત્માનાં બંધનો દૂર ન થાય, ત્યાં સુધી તે મુક્ત થઈ શકે નહિ.
એક ભાગ્યવંત ગોપીના સંબંધમાં, આત્માને બંધનમાં નાખનારી પુણ્ય તથા પાપની શૃંખલાઓ કેવી રીતે તૂટી ગઈ તેનું વર્ણન આ શ્લોકમાં છેઃ
‘तच्चिन्ताविपुलाह्लादक्षीणपुण्यचया तथा।
तदप्राप्तिमहादुःखविलीनाशेषपातका॥
निरुच्छ्वासतया मुक्तिं गतान्या गोपकन्यका॥’
‘ઈશ્વરનું ધ્યાન ધરતાં તેને થયેલ વિપુલ આહ્લાદે તેનાં પુણ્યકર્મોથી બંધનકારક અસરોનો ક્ષય કર્યો; પ્રભુની અપ્રાપ્તિને લઈને તેના આત્માને થયેલ મહદ્ દુઃખે તેનાં તમામ પાતકોને ધોઈ નાખ્યાં. અને પછી તે ગોપકન્યકા સમાધિ દ્વારા મુક્તિ પામી.’ (વિષ્ણુ-પુરાણ). એટલા માટે ભક્તિયોગનું મુખ્ય રહસ્ય એ છે કે મનુષ્ય-હૃદયમાં ઉદ્ભવતી જુદી જુદી વાસનાઓ અને લાગણીઓ પોતે હાનિકારક નથી. કેવળ જ્યાં સુધી તેઓ પરમોચ્ચ અવસ્થા પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેમને ઉચ્ચ અને વધુ ઉચ્ચ ધ્યેય તરફ સાવધાનીપૂર્વક વાળવાની છે. આપણને જે ઈશ્વર સમીપ લઈ જાય છે તે જ દિશા સર્વોચ્ચ છે; તે સિવાયની બીજી દરેક દિશા અધમ છે. આપણે જોઈએ છીએ કે સુખ અને દુઃખ સાવ સામાન્ય છે અને આપણી જિંદગીમાં વારંવાર અનુભવાતી લાગણીઓ છે. જ્યારે ધન અથવા એવી કોઈ સાંસારિક વસ્તુ પોતાની પાસે ન હોય અને તે માટે તેને દુઃખ થાય ત્યારે મનુષ્ય પોતાની લાગણીને ખોટી દિશાએ વાળે છે. તેમ છતાં દુઃખનો પણ ઉપયોગ હોય છે. મનુષ્ય પરમોચ્ચ ધ્યેયે પહોંચ્યો નથી, ઈશ્વરને તે પ્રાપ્ત કરી શક્યો નથી, માટે તેને દુઃખ અનુભવવા દો; આ દુઃખ તેની મુક્તિનું કારણ બનશે. જ્યારે તમારી પાસે મુઠ્ઠી ભરીને રૂપિયા હોય, ત્યારે જો તમે રાજી થાઓ તો તમારી આનંદની વૃત્તિ ખોટી દિશામાં વળે છે, તેને વધુ ઉચ્ચ દિશામાં વાળવી જોઈએ, તેને સર્વોચ્ચ ધ્યેયની પ્રાપ્તિ કરવામાં લગાડવી જોઈએ. આ ધ્યેયની પ્રાપ્તિના આદર્શમાં જે આનંદ છે, ખરેખર તે જ આપણો પરમોચ્ચ આનંદ હોવો જોઈએ. આ જ વાત આપણી બીજી બધી વૃત્તિઓના સંબંધમાં સાચી છે. ભક્ત કહે છે કે તે વૃત્તિઓમાંની એક પણ ખોટી નથી; તે તેમને બધીને સ્વીકારે છે અને તેમને અચૂક રીતે ઈશ્વરાભિમુખ બનાવે છે.

