(ઉનાળો, ૧૮૯૬)
ભક્તિ દ્વારા યોગ
આપણે રાજયોગ અને શારીરિક પ્રક્રિયાઓનો વિચાર કરી રહ્યા હતા. હવે ભક્તિ દ્વારા યોગનો વિચાર કરીએ. પણ એટલું યાદ રાખજો કે કોઈ પણ પદ્ધતિ ‘જરૂરી’ (બધા માટે) છે તેવું નથી. હું તમારી સમક્ષ ઘણી પદ્ધતિઓ અને ઘણા આદર્શો રજૂ કરવા ઇચ્છું છું, તે એટલા માટે કે એમાંથી તમને અનુકૂળ હોય તે કદાચ એકાદ તમને જડી આવે. એક અનુકૂળ ન આવે, તો વળી બીજું કદાચ અનુકૂળ આવી જાય.
આપણા સ્વભાવની શારીરિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને ક્રિયાશીલ બાજુનો સમાન વિકાસ કરીને આપણે સંવાદી મનુષ્યો બનવા માગીએ છીએ. ઘણી પ્રજાઓ અને વ્યક્તિઓ આમાંની એકાદ બાજુ કે પ્રકારના વિકાસના ઉદાહરણરૂપ હોય છે અને તેના સિવાય વધારેને સમજી શકતા નથી. તેઓ એક આદર્શમાં એવા ઘડાઈ જાય છે કે બીજા કોઈ આદર્શને જોઈ શકતા નથી. સાચો આદર્શ આપણે બહુમુખી બનવું જોઈએ એ છે. ખરું જોતાં આ જગતના દુઃખનું કારણ એ જ છે કે આપણે એટલા બધા એકાંગી છીએ કે એકબીજા પ્રત્યે સહાનુભૂતિ દાખવી શકતા નથી. એક માણસ પૃથ્વીના પેટાળમાં ખાણના વચલા પોલાણમાંથી સૂર્ય જોતો હોય તો સૂર્યની એક બાજુને તે જોઈ શકે; બીજો માણસ પૃથ્વીની સપાટી પરથી સૂર્યને જુએ, વળી ત્રીજો ઝાકળ અને ધુમ્મસમાંથી સૂર્યને જુએ અને ચોથો વળી કોઈક પર્વતની ટોચ પરથી સૂર્યને જુએ. દરેકને સૂર્ય જુદો જુદો દેખાય છે. આમ, દૃશ્યો (પાસાં) ઘણાં હોય, પણ વાસ્તવમાં સૂર્ય તો એક જ છે. દૃષ્ટિની વિવિધતા છે, પણ પદાર્થ એક જ છે; અને આ કિસ્સામાં તે સૂર્ય છે.
દરેક માણસની તેના સ્વભાવાનુસાર વિશિષ્ટ વૃત્તિ હોય છે અને અમુક આદર્શો સ્વીકારીને તેને પહોંચવા માટે તે અમુક માર્ગ ગ્રહણ કરે છે. પરંતુ બધા માટે અંતિમ ધ્યેય તો એકસરખું જ હોય છે. રોમન કેથલિક સ્વભાવે ગંભીર અને આધ્યાત્મિક વૃત્તિનો છે, પણ તેનામાં વિશાળતા નથી. યુનિટેરિયન સંપ્રદાયમાં વિશાળતા છે, પણ તેણે આધ્યાત્મિકતા ગુમાવી છે અને ધર્મને મર્યાદિત મહત્ત્વનો માને છે. આપણે તો રોમન કેથલિકની ગંભીરતા અને યુનિટેરિયનની વિશાળતાનો સુમેળ જોઈએ છે. આપણે આકાશ જેટલા વિશાળ અને મહાસાગર જેટલા ગંભીર બનવું છે. આપણી પાસે ધર્મઝનૂનીનો ઉત્સાહ, યોગની ગંભીરતા અને અજ્ઞેયવાદીની વિશાળતા હોવાં જોઈએ. કોઈ અભિમાની માણસ પોતાને ઉચ્ચ સ્થાનારૂઢ માનીને બીજા માણસો પ્રત્યે દયાની દૃષ્ટિએ જુએ તેને ‘ઉદાર’ દૃષ્ટિ ગણવાનો એ શબ્દનો એક અણગમતો અર્થ લેવાયો છે. આવી મનોદશા ખરેખર ભયંકર છે. આપણે બધા એક જ રીતે મુસાફરી કરીએ છીએ અને એક જ ધ્યેય તરફ જઈ રહ્યા છીએ; પણ વિવિધ પ્રકારનાં મનને અનુકૂળ આવે એટલા સારુ દરેકની આવશ્યકતાઓ પ્રમાણે બનાવેલા જુદા જુદા રસ્તાઓ પર જઈએ છીએ. આપણે બહુમુખી થવું જોઈએ; ખરેખર આપણે બહુમુખી થવું જોઈએ, એટલે કે ઉદારતા દાખવવી જોઈએ એટલું જ નહીં, પણ તેથીયે વિશેષ અઘરું સહાનુભૂતિ બતાવવાનું કામ કરવું જોઈએ; બીજાના માર્ગમાં પ્રવેશ કરીને તેની જેમ જ ‘તેની સાથોસાથ’ ઈશ્વરની શોધ અને ઈશ્વર માટેની તેની ઝંખનાનો પોતે અનુભવ કરવો જોઈએ. પ્રત્યેક ધર્મમાં બે તત્ત્વો હોય છેઃ વિધિરૂપ અને નિષેધરૂપ. દાખલા તરીકે ખ્રિસ્તી ધર્મમાં તમે અવતારની વાત કરો, ત્રિમૂર્તિની વાત કરો કે ઈશુ ખ્રિસ્ત દ્વારા મુક્તિની વાત કરો, ત્યારે હું તમારી સાથે સહમત છું. હું કહીશઃ ‘ઘણું સરસ; એમાં હું પણ માનું છું.’ પણ જ્યારે તમે એમ કહેવા માંડો કે ‘બીજો કોઈ ધર્મ સાચો નથી અને ઈશ્વરનો બીજો કોઈ અવતાર નથી’, ત્યારે હું કહીશ કે ‘બસ કરો; જ્યારે તમે સંકુચિતતા બતાવો છો તથા નિષેધાત્મક વલણ રાખો છો ત્યારે હું તમારી જોડે સંમત નહિ થાઉં.’ પ્રત્યેક ધર્મ પાસે કંઈક સંદેશ આપવાનો હોય છે, માનવને કંઈક શીખવાનું હોય છે; પણ જ્યારે તે વિરોધ ઉઠાવે, જ્યારે બીજાને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કરે, ત્યારે તે નિષેધાત્મક અને તેથી ભયંકર વલણ દાખવે છે અને કયાંથી શરૂ કરવું ને કયાં અટકવું તેનું તેને ભાન રહેતું નથી.
પ્રત્યેક બળ તેનું વર્તુળ પૂરું કરે છે. જે બળને આપણે ‘માણસ’ કહીએ છીએ તે અનંત ઈશ્વરમાંથી શરૂ થાય છે અને અંતે તેમાં જ પાછું પહોંચે છે. ઈશ્વર તરફનું પુનર્ગમન બેમાંથી એક રીતે પ્રાપ્ત કરવું જોઈએઃ એક તો કુદરતની સાથે રહીને ધીરે ધીરે ઘસડાયે જઈને ઈશ્વર તરફ પાછા ફરવું; અથવા તો કુદરતના માર્ગ પર આધાર રાખવામાં આવે તો જે પોતાના ક્રમે વર્તુળમાં ફેરવી ફેરવીને ઈશ્વર તરફ લઈ જાય, તેમાં આપણી જાતને આગ્રહપૂર્વક વચ્ચે રોકી દઈને—જાણે કે પ્રબળ વેગપૂર્વક આપણને પાછા વાળીને આપણી પોતાની જ અંતર્મુખ શક્તિ વડે ટૂંકે માર્ગે ઈશ્વરની શોધ કરવી. યોગીઓ આ રસ્તો ગ્રહણ કરે છે.
મેં કહ્યું છે કે દરેક માણસે પોતાના સ્વભાવની સાથે સુસંગત હોય તેવો આદર્શ પસંદ કરવો જોઈએ. આ આદર્શ માણસનું ‘ઇષ્ટ’ કહેવાય છે. તમારે તેને પવિત્ર (અને તેથી ગુપ્ત પણ) રાખવું જોઈએ. જ્યારે તમે ઈશ્વરની પૂજા કરો ત્યારે તમારા ‘ઇષ્ટ’ને ઈશ્વર તરીકે ભજો. પણ અમુક વિશિષ્ટ પદ્ધતિ કઈ રીતે શોધી કાઢવી? એ બહુ અઘરું તો છે, પણ તમે ઉપાસનામાં મંડ્યા રહેશો એટલે આપોઆપ તે જડી આવશે. ત્રણ વસ્તુઓની ઈશ્વરે માનવને ખાસ ભેટ આપી છેઃ मनुष्यत्वम् मुमुक्षुत्वम् महापुरुषसंश्रयः। માનવશરીર, મુક્ત થવાની ઇચ્છા અને જે મુક્ત બન્યા છે તેમની દ્વારા સહાય મેળવવાની શક્તિ. હવે સગુણ ઈશ્વર સિવાય ભક્તિ થાય નહિ; પ્રેમી અને પ્રેમપાત્ર, એમ બે તો હોવાં જ જોઈએ. ઈશ્વર એ અનંત સ્વરૂપે બનેલ માનવ જ છે. એમ હોવાનું જ, કેમ કે આપણે માનવીઓ છીએ ત્યાં સુધી આપણને માનવીય ઈશ્વરની જરૂર પડવાની જ; આપણને વ્યક્તિરૂપ ઈશ્વરને—અને તેને જ—જોવાની ફરજ પડે છે. ધ્યાનમાં રાખજો કે આપણે દુનિયામાં જે બધું જોઈએ છીએ તે માત્ર કેવળ એકલો પદાર્થ જ નથી હોતો; પરંતુ તે પદાર્થ ઉપરાંત આપણું પોતાનું મન પણ હોય છે. ખુરશી ઉપરાંત તમારા મન પર પડેલી તેની પ્રતિક્રિયા મળીને ખરેખરી ખુરશી બને છે. બધી ચીજોને તમારા મનના રંગે રંગ્યા પછી જ તમે તેને જોઈ શકો છો. (દાખલા તરીકે એક સફેદ, ચોરસ, ચળકતી, નક્કર પેટી હોય. પ્રથમ તેને ત્રણ ઇંદ્રિયવાળો મનુષ્ય જુએ, પછી ચાર ઇંદ્રિયોવાળો જુએ અને પછી પાંચ ઇંદ્રિયોવાળો મનુષ્ય જુએ તો ઉક્ત બધા ગુણોવાળી પેટી તો માત્ર છેલ્લાને જ દેખાય; હવે તેની પહેલાંના દરેકે તેની ઇંદ્રિયો પ્રમાણે પોતાની અગાઉના માણસ કરતાં તેમાં એકેક ગુણ વધારાનો જોયો હોય છે. હવે ધારો કે કોઈ છ ઇંદ્રિયોવાળો મનુષ્ય તે પેટીને જુએ છે, તો તે તેમાં એકાદો વધારે ગુણ જોશે.)
હું પ્રેમ અને જ્ઞાનને જોઉં છું, તેથી હું જાણું છું કે વિશ્વકારણ ઈશ્વર આ પ્રેમ અને જ્ઞાનને અભિવ્યક્ત કરે છે. જે મારામાં પ્રેમ ઉત્પન્ન કરે છે તે પોતે પ્રેમરહિત કેમ હોઈ શકે? આપણે વિશ્વકારણ ઈશ્વરને માનવગુણોથી રહિત માની ન શકીએ. ઈશ્વરને વિશ્વમાં આપણાથી અલગ જોવો એ પ્રાથમિક પગલાં તરીકે જરૂરનું છે. ઈશ્વર વિષેની દૃષ્ટિઓ ત્રણ છેઃ પહેલી સૌથી નીચા પ્રકારની દૃષ્ટિ, જેમાં ઈશ્વરને આપણા જેવું શરીર છે તેમ મનાય છે (જુઓ બાઈઝેન્ટાઈન કલાકૃતિઓ); એથી ઉચ્ચ પ્રકારની દૃષ્ટિમાં ઈશ્વરમાં માનવગુણોનું આરોપણ કરવામાં આવે છે; પછી આગળ ને આગળ વધતાં એવી સર્વોચ્ચ દૃષ્ટિ પ્રાપ્ત થાય છે કે જે વખતે આપણે ઈશ્વરને સાક્ષાત્ જોઈએ છીએ.
પણ યાદ રાખજો કે આ ‘બધા’ તબક્કાઓમાં આપણે કેવળ ઈશ્વરને જ જોઈએ છીએ, બીજા કોઈને નહિ; તેમાં કંઈ ભ્રમ નથી, કોઈ ભૂલ નથી. દાખલા તરીકે આપણે જુદાં જુદાં સ્થળેથી સૂર્યને જોયો પણ તે સૂર્ય જ હતો, ચંદ્ર કે બીજું કશું નહિ.
ઈશ્વરને આપણે છીએ તેવા—અનંત બનેલા માનવ તરીકે—આપણને માન્યા વિના ચાલે જ નહિ. ધારો કે આપણે ઈશ્વરને નિર્વિશેષ તત્ત્વ તરીકે કલ્પીએ તોપણ તેનો આનંદ લેવા અને તેને ચાહવા તો આપણે આપણી સાપેક્ષ ભૂમિકા પર આવવું જ પડશે.
પ્રત્યેક ધર્મમાં દેખાય છે તેમ ઈશ્વરની ઉપાસના બે ભાગમાં વહેંચી શકાયઃ મૂર્તિઓ, કર્મકાંડ અને મંત્રો દ્વારા કરાતી ઉપાસના અને બીજી પ્રેમ દ્વારા થતી ઉપાસના. આ જગતમાં આપણે નિયમોથી બંધાયેલા છીએ અને આ નિયમોને તોડવાનો આપણે સદાય પ્રયત્ન કરીએ છીએ; હંમેશાં આપણે કુદરતને તાબે નહિ થવાનો અને તેને કચડી નાખવાનો પ્રયાસ કરીએ છીએ. દાખલા તરીકે કુદરત આપણને ઘર આપતી નથી પણ આપણે ઘર બાંધીએ છીએ; પ્રકૃતિએ આપણને નગ્ન જન્માવ્યા છે પણ આપણે આપણી જાતને કપડાં પહેરાવીએ છીએ. માણસનું ધ્યેય સ્વતંત્ર બનવાનું છે, એટલે જેટલે અંશે કુદરતના નિયમો તોડવામાં અશક્ત બનીએ છીએ તેટલે અંશે આપણે દુઃખ ભોગવીએ છીએ. આપણે કુદરતના નિયમોનું જે પાલન કરીએ છીએ તે તેની સામે બહારવટું કરવા માટે—તે નિયમોથી પર થવા માટે. જીવનનો સઘળો પ્રયત્ન તાબે ‘ન’ થવાનો છે. (આથી જ હું ખ્રિસ્તી વિજ્ઞાનીઓ માટે સહાનુભૂતિ ધરાવું છું, કેમ કે તેઓ માણસના સ્વાતંત્ર્ય અને આત્માની દિવ્યતાનો ઉપદેશ આપે છે.) આત્મા બધી જાતનાં આવરણોથી ઉચ્ચ છે. ‘વિશ્વ મારા પિતાનું સામ્રાજ્ય છે અને હું તેનો સાચો વારસદાર છું.’ એવું વલણ માણસે રાખવું જોઈએ. ‘મારો પોતાનો આત્મા સર્વને તાબે કરી શકે તેમ છે.’
પરંતુ આપણને સ્વાતંત્ર્ય મળે તે પહેલાં તો આપણે નિયમો દ્વારા જ કાર્ય કરવું જોઈએ. બહારની સહાય અને પદ્ધતિઓ, પ્રતીકો, કર્મકાંડ, સંપ્રદાયો, સિદ્ધાંતોઃ આ બધાંનું યોગ્ય સ્થાન છે અને ‘આપણે મજબૂત ન બનીએ ત્યાં સુધી’ તે બધાં આપણને બળ અને ટેકો આપે છે; પછી તેમની જરૂર નથી રહેતી. તેઓ આપણને ઉછેરનાર આયા જેવાં હોવાથી નાની (કાચી) વયમાં અનિવાર્ય છે. પુસ્તકો પણ આપણને ઉછેરનાર આયા જેવાં છે, દવાઓ પણ આયા જેવી જ છે. પરંતુ પ્રયાસ કરીને એવો સમય લાવવો જોઈએ કે જ્યારે માણસ પોતાના શરીર પરનું પોતાનું સ્વામિત્વ પારખી જઈ શકે. આપણા પર ઔષધિઓ અને દવાઓનો પ્રભાવ આપણે તેમને છૂટ આપીએ ત્યાં સુધી જ છે. જ્યારે આપણે બળવાન બની જઈએ ત્યારે પછી આ બાહ્ય સહાયના પ્રકારોની જરૂર રહેતી નથી.
મંત્ર દ્વારા કરવામાં આવતી ઉપાસના
શરીર એટલે વધારે સ્થૂળ સ્વરૂપમાં રહેલું મન; કારણ કે મન વધારે સૂક્ષ્મ થરોનું બનેલું છે અને શરીર વધારે ઘાટા થરોનું બનેલું છે. જ્યારે માણસને તેના મન ઉપર સંપૂર્ણ કાબૂ મળે છે ત્યારે તેને તેના શરીર ઉપર પણ પૂરેપૂરો કાબૂ મળે છે. જેવી રીતે દરેક મનને પોતાનું ખાસ શરીર હોય છે તેવી રીતે દરેક શબ્દ પણ કોઈ ખાસ વિચાર જોડે સંકળાયેલો હોય છે. આપણે ગુસ્સે થઈએ છીએ ત્યારે બેવડાં વ્યંજનોનો ઉપયોગ કરીએ છીએ—જેમ કે ‘જડ’, ‘મૂર્ખ’, ‘ગદ્ધો’ વગેરે. જ્યારે દુઃખમાં હોઈએ છીએ ત્યારે કોમળ સ્વરોમાં બોલીએ છીએ જેમ કે ‘અરેરે!’ અલબત્ત, આ બધી ક્ષણિક લાગણીઓ છે; પણ તે ઉપરાંત પ્રેમ, શાંતિ, સમતા, આનંદ અને પવિત્રતા જેવી બીજી કાયમી લાગણીઓ પણ છે અને બધા ધર્મોમાં આવી લાગણીઓને વ્યક્ત કરનારા શબ્દો હોય છે, કારણ કે શબ્દ માણસની આ સર્વોચ્ચ લાગણીઓનું મૂર્તસ્વરૂપ છે. હવે વિચારોએ શબ્દોને ઉત્પન્ન કર્યા છે અને આ શબ્દો વળી પાછા વિચારો કે લાગણીઓને પેદા કરે છે; અહીં જ શબ્દોની સહાયની જરૂર પડે છે. આવા પ્રત્યેક શબ્દમાં એક એક આદર્શ ઢંકાયેલો હોય છે. આવા પવિત્ર રહસ્યમય શબ્દોને આપણે સહુ જાણીએ છીએ અને સમજીએ છીએ; તેમ છતાં જો આપણે તેમને કેવળ પુસ્તકોમાં વાંચીએ તો તેમની આપણા પર કશી અસર થતી નથી. તેમની અસર થવા માટે તેમનામાં શક્તિનો સંચાર થયો હોવો જોઈએ; જે માણસને ઈશ્વરની શક્તિનો સ્પર્શ થયો હોય અને જે અત્યારે ‘જીવતો’ હોય તેવા મહાપુરુષનો આવા શબ્દોને સ્પર્શ થયો હોય અને તેમનો ઉપયોગ કર્યો હોય, તો જ તે અસરકારક નીવડે છે. આવો માણસ જ ચેતનાના પ્રવાહને ગતિ આપી શકે છે. ‘માથે હાથ મૂકવાનો’ રિવાજ એટલે ઈશુ ખ્રિસ્તે ચાલુ કરેલા પ્રવાહને ચાલુ રાખવો તે. જેનામાં પ્રવાહને પ્રસારિત કરવાની આવી શક્તિ હોય છે તે ગુરુ કહેવાય છે. મહાન ઉપદેશકોને માટે શબ્દોનો ઉપયોગ કરવાનું જરૂરી નથી હોતું, જેમ ઈશુની બાબતમાં ન હતું તેમ. પરંતુ ‘નાના સંતો’ શબ્દો દ્વારા જ આ પ્રવાહને પ્રસારિત કરે છે.
બીજાના દોષો તરફ જોશો નહિ. માણસના દોષો પરથી તેની કિંમત આંકી ન શકાય. (દાખલા તરીકે, સફરજનના ઝાડની કિંમત તેનાં જમીન પર પડેલાં સડી ગયેલાં, કાચાં અને અણવિકસ્યાં ફળોથી કરવી યોગ્ય નથી. તેવી જ રીતે માણસનું સાચું ચરિત્ર કેવું છે તે તેના દોષો બતાવી શકતા નથી.) યાદ રાખજો કે દુનિયામાં સઘળે દુષ્ટ માણસો હંમેશાં સરખા જ હોય છે. એશિયા, યુરોપ અને અમેરિકા, બધે ચોર અને ખૂનીઓ એકસરખા જ છે; તેમની પોતાની એક સ્વતંત્ર પ્રજા હોય છે એમ કહેવાય. ફક્ત ભલા, પવિત્ર અને સમર્થ માણસોમાં જ વિવિધતા નજરે પડે છે. બીજા લોકોની દુષ્ટતાને ગણતરીમાં લેતા નહિ. દુષ્ટતા એ અજ્ઞાન છે, નબળાઈ છે. લોકોને ‘તમે નિર્બળ છો!’ એમ કહેવાથી શો લાભ? ટીકા અને એવી વિનાશાત્મક વાતોથી કંઈ વળતું નથી. આપણે તેમને કંઈક વધારે ઉચ્ચ આપવું જોઈએ; લોકોને તેમના જન્મસિદ્ધ હક તથા તેમના ગૌરવશીલ સ્વભાવની વાત કરો. અનેક લોકો ઈશ્વરના માર્ગે કેમ આવતા નથી? તેનું કારણ એ છે કે બહુ થોડા લોકોને જ પાંચ ઇંદ્રિયો ઉપરાંતનો આનંદ જોઈતો હોય છે; મોટા ભાગના લોકો તો આંતર-સૃષ્ટિને તેમની આંખો વડે જોઈ ‘શકતા નથી’ અગર કાન વડે સાંભળી ‘શકતા નથી.’
હવે આપણે ‘પ્રેમ દ્વારા ભક્તિ’ વિશે વિચાર કરીએ.
કહેવાય છે કે ‘સંપ્રદાયમાં જન્મવું સારું, પણ તેમાં જ મરવું સારું નહીં.’ છોડ નાનો હોય ત્યારે તેની આસપાસની વાડ તેને આશ્રય અને આધાર આપે છે; પરંતુ ઝાડ મોટું થાય ત્યારે તે વાડ દૂર ન કરો તો વૃક્ષનું બળ અને વિકાસ રૂંધાય છે. આપણે જોયું તેમ વિધિવિધાનવાળી ઉપાસના એક જરૂરી પગથિયું છે, પણ ધીરે ધીરે આપણો વિકાસ થતાં આપણે તેને ઓળંગી જઈને તેથી વધારે ઊંચી ભૂમિકાએ પહોંચીએ છીએ. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જ્યારે પૂર્ણતાએ પહોંચે ત્યાર પછી તે સર્વશક્તિમાન છે, સર્વવ્યાપક છે, વગેરે મોટાં મોટાં વિશેષણોનો વિચાર રહેતો નથી. ઈશ્વર પાસેથી આપણને કશાની ‘અપેક્ષા’ રહેતી નથી, તેથી આ ગુણોને લક્ષમાં લેવાની પરવા રહેતી નથી. આપણે તો બસ, ઈશ્વરનો એકમાત્ર પ્રેમ જોઈએ છે. છતાં પણ ઈશ્વરમાં માનવીય ગુણોનું આરોપણ ચાલુ જ રહે છે. આપણા મનુષ્યત્વમાંથી આપણે છટકી ન શકીએ, શરીરમાંથી કૂદીને આપણે બહાર ન જઈ શકીએ; તેથી આપણે જેમ એકબીજાને ચાહીએ છીએ તેમ ઈશ્વરને ચાહવો જોઈએ.
માનવીના પ્રેમનાં પાંચ પગથિયાં છેઃ
૧. સૌથી નીચા પ્રકારનો, સામાન્ય કક્ષાનો પ્રેમ છે ‘શાંત’ પ્રેમ, જેમાં આપણે ઈશ્વરરૂપી પિતા પાસેથી રક્ષણ, જીવનનિર્વાહ વગેરેની આશા રાખીએ છીએ.
૨. જે પ્રેમમાં આપણને સામેની વ્યક્તિની સેવા કરવાની ઇચ્છા થાય છે. માણસ ઈશ્વરની પોતાના માલિક તરીકે સેવા કરવા ઇચ્છે છે; આમાં બીજી બધી લાગણીઓ કરતાં સેવાની ઇચ્છા વધારે પ્રબળ હોય છે. અહીં માલિક સારો છે કે નરસો, ભલો છે કે બૂરો, તે પ્રત્યે આપણે ઉદાસીન હોઈએ છીએ.
૩. ત્રીજો છે મિત્રપ્રેમ, સમોવડિયાનો પ્રેમ, સાથીદારો અને જોડીદારોનો પ્રેમ. આમાં ઈશ્વર પોતાનો સખા છે તેવું માણસને લાગે છે.
૪. માતાનો પ્રેમ. આમાં ઈશ્વરને બાળક જેવો ગણવામાં આવે છે. ઉપરના પ્રેમ કરતાં આ પ્રકારના પ્રેમને ભારતમાં વધારે ઉચ્ચ કોટિનો માનવામાં આવે છે, કેમ કે તેમાં ભયનું તત્ત્વ લેશમાત્ર નથી.
૫. પતિ-પત્નીનો પ્રેમ, પ્રેમની ખાતર પ્રેમ. આમાં ઈશ્વર પૂર્ણ અને પ્રેમપાત્ર છે.
એક ઠેકાણે સરસ રીતે કહેવાયું છેઃ ‘ચાર આંખો મળતાં જ બેઉ આત્માઓમાં એક પરિવર્તનની શરૂઆત થાય છે. બંને આત્માઓ વચ્ચે પ્રેમ આવે છે અને તેમને એક બનાવી દે છે.’
માણસમાં જ્યારે આ છેલ્લો અને સૌથી પૂર્ણ પ્રકારનો પ્રેમ આવે છે ત્યારે તેની બધી ઇચ્છાઓ અદૃશ્ય થાય છે; ત્યારે પ્રતીકો, સિદ્ધાંતો અને સંપ્રદાયો પણ છૂટી જાય છે; ત્યારે જન્મ, મૃત્યુ આદિમાંથી મુક્તિ મેળવવાનું બધા ધર્મનું લક્ષ્ય છે, છતાં આવી મુક્તિની ઇચ્છા પણ છૂટી જાય છે. ઊંચામાં ઊંચો પ્રેમ શરીર ભોગની વાસનારહિત હોય છે; ભોગેચ્છા દેહોની ભિન્નતા માગે છે. પણ સર્વોચ્ચ પ્રેમમાં તો સંપૂર્ણ ઐકય જ દર્શાવાય છે. તેથી એવી એકતા તો આત્મામાં જ શકય છે. દેહબુદ્ધિના વિચારો જેટલા ઓછા તેટલો આપણો પ્રેમ વધારે પૂર્ણ બનશે; અંતે બધા દેહબુદ્ધિના વિચારો ભૂલી જવાય છે અને બંને આત્મા એક બને છે. આપણે સદાય પ્રેમ અને પ્રેમ જ કરીએ છીએ. પ્રેમ પ્રવેશીને આકારાદિની આરપાર નીકળી જઈ તેની પેલે પારનું દર્શન કરે છે. કહેવાયું છે કે ‘પ્રેમીને હબસણની ભ્રમરમાં હેલનનું સૌંદર્ય દેખાય છે.’ હબસણ તો એક આધાર છે કે જેના ઉપર માણસ પોતાનો પ્રેમ ઢોળે છે. કાલુ માછલી પોતાની છીપની અંદર ઉત્તેજક પદાર્થ પર એક એવો રસ ચડાવે છે કે જેથી તેનું સુંદર મોતી બની જાય છે, તેવી જ રીતે માણસ પ્રેમરૂપી રસ રેડે છે. માણસ પોતાના ઊંચામાં ઊંચા આદર્શને ચાહે છે અને ઊંચામાં ઊંચો આદર્શ હંમેશાં નિઃસ્વાર્થી હોય છે, માટે માણસ પ્રેમને ચાહે છે. ઈશ્વર પ્રેમસ્વરૂપ છે અને આપણે ઈશ્વરને ચાહીએ છીએ અથવા પ્રેમને જ ચાહીએ છીએ. આપણે પ્રેમને ફક્ત ‘જોઈ’ શકીએ; પ્રેમને વાણી વડે વ્યક્ત ન કરી શકાય. ‘મૂંગો માણસ માખણ ખાય’ તો માખણનો સ્વાદ કેવો લાગે છે તે તે કહી નહીં શકે. માખણ એટલે માખણ; જેણે તેનો સ્વાદ લીધો નથી તેની સમક્ષ તેના ગુણોનું વર્ણન કરી ન શકાય. પ્રેમ ખાતર પ્રેમ એટલે શું, એ જેમણે પ્રેમ અનુભવ્યો નથી તેમને શબ્દો દ્વારા વર્ણવી ન શકાય.
પ્રેમને એક ત્રિકોણની ઉપમા આપી શકાય. પહેલો ખૂણો છે, પ્રેમ કદી ભીખ માગતો નથી, કદી કશાની આશા કરતો નથી; બીજો ખૂણો છે, પ્રેમ ભયને જાણતો નથી; ત્રીજો જેને શિરોકોણ કહે છે, પ્રેમની ખાતર પ્રેમ. પ્રેમની શક્તિથી ઇંદ્રિયો વધારે સૂક્ષ્મ અને વધારે ઉન્નત બને છે. માનવીય સંબંધોમાં પૂર્ણ પ્રેમ બહુ જ્વલ્લે જ હોય છે, કેમ કે માનવીય પ્રેમ હંમેશાં પરસ્પરનો પ્રેમ અન્યોન્યાશ્રયી હોય છે. પણ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એ તો સતત વહેતું ઝરણું છે; કોઈ તેને ઈજા ન કરી શકે કે રોકી પણ ન શકે. જ્યારે માણસ ઈશ્વરને એક ભિખારીની પેઠે નહીં અગર કશાની આશા રાખ્યા વિના, પોતાના સર્વોચ્ચ આદર્શ તરીકે ચાહે, ત્યારે પ્રેમ તેના પૂર્ણ વિકાસ સુધી પહોંચ્યો ગણાય. આવો પ્રેમ વિશ્વમાં એક મહાન શક્તિ બની રહે છે. આ કક્ષા સુધી પહોંચતાં સમય ઘણો જ લાગે છે; પણ આપણા સ્વભાવને વધારે અનુકૂળ જે હોય તેવા પ્રેમથી શરૂઆત કરવી જોઈએ. કેટલાક લોકો સેવા કરવા જન્મ્યા હોય છે, તો કેટલાક માતા જેવો પ્રેમ કરવા સરજાયા હોય છે. અંતે પરિણામ તો ઈશ્વરને આધીન છે. આપણે આપણા સ્વભાવનો લાભ ઉઠાવવો જોઈએ.
દુનિયાનું ભલું કરવા વિશે
આપણને પૂછવામાં આવે છેઃ તમારા ધર્મનો સમાજને શો લાભ છે? સમાજને સત્યની કસોટી ગણવામાં આવે છે. પણ આ વાત તદ્દન તર્કરહિત છે. સમાજ એટલે વિકાસનો એક તબક્કો કે જેમાંથી આપણે પસાર થઈએ છીએ. આ તો કોઈ વૈજ્ઞાનિક શોધના ફાયદા કે ઉપયોગિતાની કદર બાળકને તેનો શો ઉપયોગ છે તે પરથી કરવા જેવું છે. આવો વિચાર ખરેખર ભયંકર છે. જો સમાજની સ્થિતિ કાયમ તેવી જ રહેવાની હોય તો તેનો અર્થ તો કોઈ બાળક સદાય બાળક જ રહે, એના જેવું થયું. પૂર્ણ વિકસિત મનુષ્ય શિશુ જેવું કંઈ હોઈ જ ન શકે; એ શબ્દો જ પરસ્પર વિરોધી છે. તે જ પ્રમાણે સંપૂર્ણ સમાજ જેવું કંઈ હોઈ જ ન શકે. મનુષ્યે આવી પ્રાથમિક ભૂમિકાઓમાંથી વિકાસ કરીને બહાર આવવું જોઈએ અને આવે છે. અમુક ભૂમિકાએ સમાજ ઠીક છે, પણ તે આપણો આદર્શ ન બની શકે; એ તો એક નિરંતર વહેતો પ્રવાહ છે. અત્યારની વેપારી સંસ્કૃતિ તેના ઢોંગધતિંગ અને દંભ વગેરે બધા ‘નગરશેઠ જેવા ડોળદમામ’ સહિત મોત ભેગી જ થવી જોઈએ. જગતને જેની જરૂર છે તે વ્યક્તિઓ દ્વારા વ્યક્ત થતી વિચારશક્તિ છે. મારા ગુરુદેવ કહેતાઃ ‘તમે તમારાં પોતાનાં કમળને વિકસાવવાનો શ્રમ કેમ લેતા નથી? મધમાખીઓ તો જાતે જ આવશે.’ જગતને એવા પુરુષોની જરૂર છે કે જેઓ ઈશ્વરના પ્રેમમાં દીવાના હોય. તમારે પ્રથમ તમારા પોતામાં શ્રદ્ધા રાખવી જોઈએ અને પછી જ તમે ઈશ્વરમાં શ્રદ્ધા કેળવી શકો. જગતનો ઇતિહાસ શુદ્ધ ચારિત્રવાન અને શ્રદ્ધાળુ મહાપુરુષોના જીવનનો જ ઇતિહાસ છે. આપણે ત્રણ વસ્તુની જરૂર છેઃ સંવેદનશીલ હૃદય, વિચારશીલ મગજ અને કાર્યરત હાથ. પહેલાં તો આપણે જગતની બહાર જઈને આપણને પોતાને જ યોગ્ય સાધન બનાવવા જોઈએ. તમારી જાતની બહાર જઈને આપણને પોતાને જ યોગ્ય સાધન બનાવવા જોઈએ. તમારી જાતને ડાયનેમો (વિદ્યુતશક્તિ ઉત્પાદક યંત્ર) બનાવો; પહેલાં જગત પ્રત્યે ‘લાગણીવાળા બનો.’ જ્યારે બધા માણસો કામ કરવા તૈયાર હોય તેવા સમયે ‘પ્રેમયુક્ત’ માણસ કયાં મળે છે? જે લાગણીએ ઈગ્નેશિયસ લોયોલાનું સર્જન કર્યું તેવી લાગણી આજે કયાં છે? તમારાં પ્રેમ અને નમ્રતાની કસોટી કરો. જે માણસ ઈર્ષ્યાખોર હોય તે નમ્ર કે પ્રેમી હોતો નથી. ઈર્ષ્યા એ ભયંકર ઘૃણાજનક પાપ છે; માનવીમાં તે બહુ ગુપ્ત રીતે પ્રવેશે છે. તમારી જાતને પૂછોઃ તમારું મન શાનો પ્રત્યાઘાત બતાવે છે? તિરસ્કારનો કે ઈર્ષાનો? દુનિયા ઉપર જે ટનના ટન તિરસ્કાર અને ક્રોધ ફેંકાય છે તેનાથી બધાં સત્કાર્યો સતત ધૂળધાણી થઈ જાય છે. જો તમે પવિત્ર હો, જો તમે સુદૃઢ હો, તો ‘તમે એકલા’ પણ આખી દુનિયાની બરોબર છો!
સત્કાર્યો કરવાની બીજી સહાયક પરિસ્થિતિ જેવું જે મગજ છે, તે તો છેક શુષ્ક સહરાના રણ જેવું છે. તે જાતે એકલું કંઈ ન કરી શકે, સિવાય કે તેની પાછળ ‘લાગણી’ હોય. પ્રેમ કદી નિષ્ફળ ગયો નથી. એ હોય તો પછી મગજ પણ વિચાર કરશે અને હાથ પણ સત્કૃત્યો કરવા લાગશે. ઋષિઓએ ઈશ્વરની કલ્પના કરી છે અને તેને ‘જોયેલ’ પણ છે. ‘હૃદયમાં જેઓ પવિત્ર હશે તેઓ ઈશ્વરનું દર્શન કરશે જ.’ બધા જ મહાપુરુષો ઈશ્વરનું ‘દર્શન’ કર્યાનો દાવો કરે છે. હજારો વર્ષ પૂર્વે આ દર્શન કરાયું છે અને આ જગતની પેલે પાર જે એકતા છે તેનો સ્વીકાર કરવામાં આવેલ છે. આપણે તો માત્ર એટલું જ હવે કરી શકીએ કે આ મહિમાવંત રેખાચિત્રમાં રંગ પૂરી દઈએ.

