(જાન્યુઆરી ૨૦, ૧૮૯૬ના રોજ સોમવારે સવારે ન્યૂયૉર્કમાં ભક્તિયોગ પરનો વર્ગ વાર્તાલાપ. જે. જે. ગુડવિનની નોંધ – ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૩, પૃ. ૫૪૩-૫૪)
આપણા આગલા વર્ગમાં આપણે પ્રતીકોનો વિષય પૂરો કર્યો. પ્રારંભની ભક્તિ વિશે એક વધુ વિચાર પછી આપણે પરાભક્તિની વાત કરીશું. એ વિચાર તે નિષ્ઠા છે, એક વાતને વળગી રહેવું તે.
ભક્તિના બધા ખ્યાલો સાચા છે ને સારા છે તે આપણે જાણીએ છીએ અને આપણે એ પણ જોયું કે કેવળ ઈશ્વરની અને માત્ર ઈશ્વરની પૂજા જ ભક્તિ છે. અન્ય કોઈ જીવની પૂજા તે ભક્તિ નથી પણ ઈશ્વરની પૂજા એનાં વિવિધ સ્વરૂપોમાં અને વિવિધ મતે થઈ શકે છે. એ બધા મત સારા ને સાચા છે તે આપણે જોયું છે પણ અહીં એક મુશ્કેલી છે; આ છેલ્લા તારણે આપણે અટકીએ તો આપણી શક્તિઓ બધી વેડફાઈ છે અને આપણે કશું પામ્યા નથી એમ આપણને જાણવા મળે છે.
બધા ધંધામાં ચંચુપાત કરવો પણ પ્રાવીણ્ય કશામાં ન મેળવવું, અહીંતહીં બધે જરાજરા મોઢું ઘાલવું પણ લાંબે ગાળે કશું પ્રાપ્ત ન કરવું એ ઉદારમતવાદીઓનું મોટું વલણ થઈ પડ્યું છે. આ દેશમાં ઘણીવાર એ રોગનું રૂપ લે છે—જાતજાતની કથા સાંભળવી અને કરવું કંઈ નહીં.
અહીં અમારા એક પુરાણા ભક્તની સલાહ છે કે ‘બધાં પુષ્પોમાંથી મધ લો, સૌ સાથે આદરથી હળોમળો, બધાંને હા-હા કહો પણ તમારું આસન છોડશો નહીં.’ આ આસન ન છોડવું તે નિષ્ઠા. બીજા લોકોના આદર્શોની ટીકા કરવી કે તેમનો તિરસ્કાર કરવાની વાત નથી; બધા સાચા છે તે એ જાણે છે. પણ સાથોસાથ પોતાના આદર્શને એણે દૃઢપણે વળગી રહેવું જોઈએ.
રામના મહાન ભક્ત હનુમાનની એક વાત છે. ખ્રિસ્તીઓ ખ્રિસ્તને ઈશ્વરનો અવતાર ગણી પૂજે છે તેમ હિંદુઓ ઈશ્વરના ઘણા અવતારોને પૂજે છે. હિંદુઓની માન્યતા અનુસાર ઈશ્વરે ભારતમાં નવ વાર અવતાર લીધો અને હજી એક વાર આવશે. રામાવતારમાં આ હનુમાન એમના મહાન ભક્ત હતા. હનુમાન લાંબું જીવ્યા અને એ મહાન યોગી હતા.
એમના જીવનકાળ દરમિયાન રામ ફરી કૃષ્ણ તરીકે આવ્યા; અને મહાન યોગી હોવાથી એ જાણતા હતા કે એ જ ઈશ્વર કૃષ્ણ તરીકે આવ્યા છે. એ કૃષ્ણ પાસે આવીને સેવા કરવા લાગ્યા પણ એમણે શ્રીકૃષ્ણને કહ્યુંઃ ‘મારે તમારું રામરૂપ જોવું છે.’ કૃષ્ણે કહ્યુંઃ ‘શું આ રૂપ પૂરતું નથી? હું જ કૃષ્ણ છું ને હું જ રામ છું. બધાં મારાં રૂપો છે.’ હનુમાન બોલ્યા, ‘એ હું જાણું છું પણ મારે માટે રામરૂપ છે. જાનકીપતિ અને શ્રીપતિ એક જ છે. એ બંને પરમાત્માના અવતારો જ છે. પણ કમલનયન રામ મારા સર્વસ્વ છે.’ આનું નામ નિષ્ઠા-ભક્તિનાં બધાં રૂપો સારાં છે તે જાણ્યા છતાં, એકને વળગી બીજાંને દૂર કરવાં તે. આપણે બીજાં રૂપોની ભક્તિ કરવાની નથી; આપણે એમનો ધિક્કાર કે એમની ટીકા કરવાની નથી પણ એમનો આદર કરવાનો છે.
હાથીના બે દાંત બહાર નીકળતા હોય છે. એ દેખાડવાના જ છે, ચાવવાના નથી. પરંતુ એના મોંમાં દાંત છે તેના વડે એ ખોરાક ચાવે છે. તો મળો સૌની સાથે, સૌને હા કહો પણ કોઈમાં જોડાઓ નહીં. ભક્તિના તમારા આદર્શને જ વળગી રહો. જે તમારા ઇષ્ટ હોય તે આદર્શરૂપની તમે ભક્તિ કરો. એમ નહીં કરો તો તમને કશું મળશે નહીં. કશું ઊગી નીકળશે નહીં.
ઊગતા છોડની આસપાસ વાડ હોય તે જરૂરનું છે, નહીં તો કોઈ પશુ એ ખાઈ જાય. પણ ઊગીને એ તોતિંગ વૃક્ષ થાય ત્યારે કોઈ વાડની જરૂર નથી—પોતાની રીતે એ પૂર્ણ છે. એ જ રીતે અધ્યાત્મની કૂંપળ ફૂટતી હોય ત્યારે બધી જાતનાં ધાર્મિક મંતવ્યો પાછળ શક્તિનો દુર્વ્યય કરવો—થોડુંક આનું અને થોડુંક તેનું, થોડું ખ્રિસ્તી ધર્મનું, થોડું બૌદ્ધ ધર્મનું અને વાસ્તવમાં કશું જ નહીં—તે આત્માનો નાશ કરે છે.
આ (સ્વીકાર)ને એની સારી બાજુ છે; ને અંતે આપણે સૌ ત્યાં આવીશું. માત્ર ઘોડા પહેલાં ગાડીને મૂકો નહીં.
પહેલી વાત એ કે આપણે સૌ સાંપ્રદાયિક બનવાના જ છીએ. પણ કોઈની ઉપેક્ષા ન કરવી એ સાંપ્રદાયિક્તાનો આદર્શ હોવો જોઈએ. આપણામાંના દરેકને પોતાનો સંપ્રદાય હોવો જોઈએ અને એ સંપ્રદાય આપણું ઇષ્ટ છે, આપણો પસંદગીનો માર્ગ છે. પણ એણે આપણને બીજા લોકોને મારી નાખતા નહીં કરવા જોઈએ—માત્ર આપણા પંથને વળગી રહીએ તો ઘણું. એ પવિત્ર છે, આપણા પોતાના ભાઈઓને પણ તેની જાણ કરવી જોઈએ નહીં કારણ કે મારી પસંદગી પવિત્ર છે તેમ એની પણ પવિત્ર છે. એટલે તમારી પસંદગીને વળગી રહો. દરેકનું ભક્તિનું એ વલણ હોવું જોઈએ. તમે તમારા આદર્શની, તમારા ઇષ્ટની પ્રાર્થના કરો ત્યારે એ જ તમારા ભગવાન હોય. નિઃશંક ઈશ્વરનાં અનેક રૂપો છે પણ એ સમયે તમારે માટે તમારું ઇષ્ટરૂપ જ છે.
આ ઇષ્ટની લાંબી ઉપાસના પછી અધ્યાત્મનો આ રોપ મોટો થાય અને તે દૃઢ થાય અને તમારું ઇષ્ટ સર્વત્ર હોવાનો અનુભવ તમને થાય ત્યારે આ બધાં બંધનો સહજ રીતે ખરી પડશે. ફળ પાકે ત્યારે પોતાના વજનથી જ એ ખરી પડે. કાચું ફળ તોડો તો એ ખાટું, તૂરું હોવાનું. એ રીતે આ વિચારને પણ આપણે પરિપક્વ કરવો પડશે.
માત્ર પ્રવચનો અને એવી નકામી બાબતોનું શ્રવણ કરવું, મગજમાં વોટર્લુનું યુદ્ધ ખડું કરવું, અર્ધદગ્ધ વિચારો મનમાં ઠાંસવા—એ સારું નથી. એક વિચારને વળગી રહો—જે આમ કરશે તે આધ્યાત્મિક થશે, પ્રકાશ જોશે. દરેકને તમે ફરિયાદ કરતા સાંભળો છો—‘હું આ કરું છું,’ ને ‘હું તે કરું છું,’ અને એ શું કરે છે એની તમે પૂછપરછ કરશો તો તેઓ કહેશે કે ‘અમે આ અને તે સ્થળે થોડાં પ્રવચનો સાંભળ્યાં છે. આ ને તે ખૂણે થોડા વાર્તાલાપો સાંભળ્યા છે’ અને ત્રણ કલાક માટે કે થોડા દિવસ માટે એમણે ભક્તિ કરીને વિચાર્યું કે પોતે પૂરતું કર્યું છે. આ મૂર્ખાઓની રીત છે, એ પૂર્ણતાનો માર્ગ નથી, અધ્યાત્મપ્રાપ્તિનો પંથ નથી.
તમારા ભાવને, તમારા ઇષ્ટને પકડીને પૂરા આત્માથી એની ભક્તિ કરો. પરિણામ આવે, આત્માનો વિકાસ થાય ત્યાં સુધી રોજ રોજ એ કરો. તે સંનિષ્ઠ અને સારો હશે તો આખું વિશ્વ આવરી લે તેટલો એ ભાવ પ્રસરશે. એને પોતાની મેળે જ પ્રસરવા દો; એ અંદરથી બહાર આવશે. એટલે તમે કહેશો કે તમારા ઇષ્ટ સર્વત્ર છે અને સર્વમાં ઓતપ્રોત છે.
અલબત્ત, આપણે સદા યાદ રાખવું જોઈએ કે બીજાઓનાં ઇષ્ટોને આપણે સ્વીકારવાં જોઈએ અને તેમનો આદર કરવો જોઈએ—એ ઈશ્વરના બીજા ખ્યાલો છે—નહીં તો ભક્તિ ઝનૂનમાં સરી પડશે. એક શિવભક્તની પુરાણી કથા છે. અમારા દેશમાં શિવભક્તિનો એક સંપ્રદાય છે તેમજ વિષ્ણુભક્તિનો બીજો છે. આ માણસ મોટો શિવભક્ત હતો અને તેને બધા વિષ્ણુભક્તો માટે તેના અંતરમાં ખૂબ દ્વેષ હતો અને વિષ્ણુનું નામ પણ એ સાંભળતો નહીં. ભારતમાં વિષ્ણુભક્તો ઘણા છે અને એ નામ સાંભળવાથી દૂર રહેવું લગભગ અશક્ય હતું. એટલે એણે પોતાના કાન વીંધાવ્યા અને તેમાં બે નાની ઘંટડી લટકાવી. પછી કોઈ માણસ ‘વિષ્ણુ’ બોલે ત્યારે એ પોતાનું માથું હલાવી ઘંટડી વગાડે અને આમ તે વિષ્ણુનામ સાંભળવાથી દૂર રહેતો.
પણ શિવે એને સ્વપ્નમાં કહ્યુંઃ ‘કેવો મૂર્ખ છે તું! હું વિષ્ણુ છું અને હું જ શિવ છું; એ બંનેમાં કંઈ ભેદ નથી—માત્ર નામનો ભેદ છે. બે જુદા દેવો નથી.’ પણ પેલો બોલ્યોઃ ‘મને કંઈ પડી નથી. મારે વિષ્ણુ સાથે કશી લેવાદેવા નથી.’
એની પાસે એક શિવમૂર્તિ હતી. તેને એણે સરસ રીતે શણગારી અને તેને માટે એક વેદી બનાવી. એક દિવસ તેણે સુગંધીદાર ધૂપ ખરીદ્યો અને એમાંથી થોડો પોતાના દેવ પાસે સળગાવવા માટે ઘેર ગયો, એના ધૂપની ધ્રૂમસેર ઊંચે ઊઠવા લાગી ત્યારે એને દેખાયું કે મૂર્તિના બે ભાગ પડી ગયા હતા, એક શિવ અને એક વિષ્ણુ. એટલે એ માણસે કૂદકો માર્યો અને પોતાની આંગળી એ વિષ્ણુમૂર્તિના નાક આડે ધરી જેથી ધૂપનો અંશ પણ એમાં ન જાય.
એટલે શિવ કોપ્યા અને એમણે એ માણસને રાક્ષસનું રૂપ આપી દીધું, જે રાક્ષસ બધા ધર્માંધોનો પિતા ‘ઘંટાકર્ણ’ છે. હિંદના છોકરાઓ એનો આદર કરે છે ને પૂજે છે. એ વિશિષ્ટ જાતની પૂજા છે. એની માટીની મૂર્તિ કરી, દુર્ગંધ મારતાં ફૂલોથી એની પૂજા થાય છે. ભારતનાં જંગલોમાં કેટલાંક ખૂબ દુર્ગંધવાળાં ફૂલો છે. છોકરાઓ આ ફૂલો તેને ચડાવે છે અને પછી મોટી લાકડીઓ વડે તેને મારે છે. પોતાના દેવ સિવાય બીજા સૌ દેવોને ધિક્કારતા ધર્માંધોનો એ ‘ઘંટાકર્ણ’ પિતા છે.
નિષ્ઠાભક્તિનું ભયસ્થાન માત્ર આ છે—આવા ઝનૂની રાક્ષસ થવાનું. જગત એમનાથી ભરેલું છે, ધિક્કારવું સાવ સરળ છે. મનુષ્યજાત સામાન્ય રીતે એટલી નબળી છે કે એકને ચાહવા માટે એમણે બીજાને ધિક્કારવો પડે; એક બિંદુએ શક્તિ વાળવા માટે બીજેથી લેવી પડે, એક માણસ એક સ્ત્રીને ચાહે છે ને પછી બીજીના પ્રેમમાં પડે છે અને બીજીને ચાહવા માટે એણે પહેલીને ધિક્કારવી રહી. સ્ત્રીઓનું પણ તેવું જ છે. આપણા સ્વભાવના દરેક અંશમાં આ લક્ષણ છે અને આપણા ધર્મમાં પણ તેવું જ છે. માનવજાતિનું સામાન્ય, અવિકસિત, નિર્બળ મન બીજાને ધિક્કાર્યા વિના એકને ચાહી શકે નહીં. આ જ લક્ષણ ધર્મમાં ધર્માંધતા બને છે. પોતાના આદર્શને પ્રેમ કરવો એ બીજા સૌને ધિક્કારવા બરાબર છે.
આનાથી દૂર રહેવું જોઈએ અને સાથોસાથ બીજો ભય પણ ટાળવો જોઈએ. પ્રવચનો સાંભળવા પાછળ આપણી બધી શક્તિ વેડફવી જોઈએ નહીં, નહીં તો ધર્મ આપણે માટે શૂન્ય થઈ જાય છે. આ બે ભય છે. ઉદાર લોકો માટે એ ભય છે કે એ લોકો ખૂબ વિસ્તાર કરે છે અને એમનામાં તીવ્રતા નથી હોતી. તમે જોઈ શકો છો કે આજકાલ ધર્મ ખૂબ વિસ્તારવાદી બન્યો છે. પરંતુ વિચારો એટલા વિસ્તૃત છે કે એમનામાં જરા પણ ઊંડાણ નથી. ઘણા લોકો માટે ધર્મ થોડું દાનપુણ્યનું કાર્ય બની ગયું છે—આખા દિવસના પરિશ્રમ પછી મનને રાજી રાખવા માટે પાંચ મિનિટનો એ ધર્મ છે. ઉદારમતવાદીનો આ ધર્મ છે. એથી ઊલટું, સંપ્રદાયોમાં ઊંડાણ છે, તીવ્રતા છે પણ એ તીવ્રતા સંકુચિત છે; એ લોકોમાં ઊંડાણ છે પણ વિસ્તાર જરાય નથી. એટલું જ નહીં પણ સૌ પ્રત્યે એ ધિક્કાર પ્રગટ કરે છે.
હવે આપણે આ બંને ભયને ટાળી શકીએ અને સૌથી વિશેષ ઉદારમતવાદી જેવા વિશાળ અને ઝનૂનીમાં ઝનૂની ધર્માંધ જેવા ઊંડા થઈશું તો આપણો પ્રશ્ન ઉકલી જશે. એ કેમ ઉકલે તે જ આપણે વિચારવાનું છે. જે બધા આદર્શો આપણે જોઈએ છીએ તે સારા અને સાચા છે એમ જાણીને એ બધા એક પરમાત્માના અંશો છે તેમ જાણીને તથા એ બધાં રૂપોમાં એને ભજવા આપણે સમર્થ નથી તેમ વિચારીને અને તેથી આપણે એક જ રૂપને વળગી રહેવું જોઈએ એમ સમજીને નિષ્ઠાના આ સિદ્ધાંતને અમલમાં મૂકવો જોઈએ અને એક આદર્શને વળગી રહી તેને આપણો જીવનાદર્શ બનાવવો જોઈએ. એમ કરવામાં સફળ થયા કે બીજું બધું આવી મળશે—ઔપચારિક, વૈધિક અને પ્રારંભિક એવો ભક્તિનો પ્રથમ ભાગ પૂરો થાય છે.
ભક્તિનો આ પ્રથમ પાઠ શિષ્યને લગતો હતો એ યાદ રાખવું જોઈએ. શિષ્ય કોણ? શિષ્ય થવા માટે કયા ગુણો આવશ્યક છે? આપણે શાસ્ત્રોમાં વાંચીએ છીએ કે ‘વક્તા અદ્ભુત છે ત્યાં શ્રોતા પણ તેવો છે; ગુરુ અદ્ભુત છે ત્યાં શિષ્ય પણ તેવો જ છે. તો જ અધ્યાત્મ પ્રગટે.’
મનુષ્યજાત ગુરુ પાસેથી બધાની અપેક્ષા રાખે છે. બહુ જ થોડા લોકો સમજે છે કે પોતે શીખવાને લાયક નથી. શિષ્યમાં પ્રથમ આવશ્યક્તા એ છે કે એને ખરેખર અધ્યાત્મની અપેક્ષા હોય.
આપણને અધ્યાત્મ સિવાયનું સઘળું જોઈએ છે. જરૂરત એટલે શું? આપણને અન્નની જરૂરત હોય છે તેના જેવું છે. મોજશોખ જરૂરત નથી પણ આવશ્કતાઓ છે તે જરૂરતો છે. બહુ થોડા લોકો માટે ધર્મની આવશ્યક્તા છે અને માણસજાતના મોટાભાગ માટે તે મોજશોખ છે. સેંકડો બાબતો વિના એ લોકો જીવી શકે છે પણ કોઈ દુકાને નવીન અને કશું કલાત્મક જુએ કે તરત એ ખરીદવા માગે. નવાણું પૂર્ણાંક નવ દશાંશ લોકો ધર્મ તરફ એ રીતે આવે છે. જિંદગીના અનેક શોખોમાંનો એક શોખ છે. એમાં કશું નુકસાન નથી. એમને જે જોઈતું હોય તે એ ભલે ભોગવે પણ પોતે ઈશ્વરને છેતરી શકે છે એમ તેઓ માનતા હોય તો તેઓ ખાંડ ખાય છે. એને છેતરી શકાતો નથી. પોતાની જાતને જ એ લોકો છેતરશે અને પશુની કક્ષા સુધી ઊતરી જશે. કપડાંની જરૂરત હોય, કામની જરૂરત હોય, શ્વાસ લેવા માટે હવાની જરૂરત હોય તેમ જેમને ધર્મની જરૂરત અનુભવાશે તેઓ જ આધ્યાત્મિક બનશે.
જેના વિના આપણે જીવી શકીએ નહીં તે વસ્તુ આવશ્યક છે; અને ક્ષણિક ઇચ્છાને સંતોષે તે શોખની ચીજ છે.
શિષ્ય વિશુદ્ધ હોય એ એનું બીજું લક્ષણ છે; એનામાં ખંત હોય એ ત્રીજું છે—એણે કામ કરવું જ જોઈએ. શ્રવણ એક ભાગ છે ને બીજો છે કર્મ કરવાં તે.
ભક્તિમાં બીજી આવશ્યક્તા ગુરુની છે. ગુરુ ઉચિત અધિકારવાળો હોવો જોઈએ. એ વ્યાખ્યાનનો મુખ્ય ખ્યાલ એ હતો કે ગુરુમાં અધ્યાત્મનું બીજ હોવું જોઈએ. ગુરુ માત્ર વક્તા નથી પણ અધ્યાત્મશક્તિનો પ્રવાહક છે; એ શક્તિ એણે પોતાના ગુરુ પાસેથી પ્રાપ્ત કરી છે, એ ગુરુએ બીજાઓ પાસેથી, એ પ્રમાણે એ શક્તિનો પ્રવાહ અતૂટ વહ્યો છે. એ આધ્યાત્મિક શક્તિનું પ્રસારણ કરવાને એ સમર્થ હોવો જરૂરી છે.
ગુરુ અને શિષ્ય બેઉ તત્પર થાય ત્યારે ભક્તિનું પહેલું પગથિયું આવે; ભક્તિયોગનો પ્રથમ ભાગ પ્રારંભિક તબક્કાનો છે; એમાં તમે રૂપો સાથે કામ પાડો છો.
બીજું પ્રવચન નામ વિશે હતું—બધાં ધર્મપુસ્તકોમાં અને બધા ધર્મોમાં નામનો મહિમા કેવી રીતે ગાવામાં આવ્યો છે અને નામજપથી આપણને શો લાભ થાય છે. નામ જ ઈશ્વર છે અને એનાથી જરાય ભિન્ન નથી એમ ભક્તિયોગીએ નિત્ય માનવું જોઈએ. ઈશ્વર અને નામ એક જ છે.
ભક્તિયોગી માટે નમ્રતા અને આદર કેટલાં આવશ્યક છે એ પછી કહેવામાં આવ્યું હતું. ભક્તિયોગીએ જાતને પહેલી જાણવી જોઈએ. મરેલાને માઠું લાગતું નથી, એ કદી પ્રતિકાર કરતો નથી; સૌને માટે એ મૃત્યુ પામેલો છે. બધા સજ્જનોનો, બધા સાધુસંતોનો ભક્તિયોગીએ આદર કરવો જોઈએ, કારણ કે ઈશ્વરનો મહિમા એનાં સંતાનો દ્વારા પ્રકાશે છે.
બીજો પાઠ પ્રતીકો વિશે હતો. ઈશ્વરની પૂજા તે જ ભક્તિ એમ તેમાં શીખવવામાં આવ્યું હતું. બીજા ગમે તેની પૂજા તે ભક્તિ નથી. પણ આપણને ઈશ્વર લાગતી કોઈપણ વસ્તુની ભક્તિ આપણે કરી શકીએ. એ ઈશ્વર છે તેમ આપણને ન લાગે તો એ ઉપચાર ભક્તિ નથી. તમને એ ઈશ્વર લાગે તો ઠીક છે.
કોઈ વનના એકાંતમાં, નદી કાંઠે બેસીને કોઈ યોગી તપ કરતો હતો. એક રાંક, અભણ એવો ગોવાળ ત્યાં પોતાનાં ઢોર ચરાવતો હતો. આ યોગીને એ કલાકો સુધી ધ્યાન કરતો અને તપ કરતો જોતો. યોગીનો એકાંતવાસ અને અધ્યયન પણ એ જોતો. એટલે એક દિવસ યોગી પાસે જઈ એ બોલ્યો, ‘મહારાજ! મને ઈશ્વરનો પંથ બતાવશો?’ યોગી તો પંડિત હતો, મહાત્મા હતો. એ કહે, ‘તું ઈશ્વરને કેવી રીતે સમજી શકીશ? તું તો સામાન્ય ગોવાળિયો છો. ઘેર જા, તારાં ઢોર સંભાળ અને આવી બાબતો ભેજામાં આવવા ન દે.’
પેલો રાંક ગોવાળ ચાલ્યો ગયો. પણ એનામાં તીવ્ર પિપાસા જાગી હતી. એટલે એ ફરી યોગી પાસે જઈ બોલ્યો, ‘મહારાજ, ઈશ્વર સંબંધી મને થોડુંક તો શીખવો?’
‘અરે બુદ્ધુ, ઈશ્વરને તું શું સમજી શકે? ઘેર જા’ આમ કહી, યોગીએ એને ફરી પાછો કાઢ્યો. પણ ગોવાળને શાંતિ ન થઈ. એ ખાઈ શકયો નહીં, સૂઈ શક્યો નહીં. ઈશ્વર વિશે એને જાણવું જ હતું.
એટલે એ ફરી યોગી પાસે આવ્યો. એને શાંત કરવા યોગીએ કહ્યું, ‘હું તને ઈશ્વર વિશે બોધ આપીશ.’ ગોવાળે પૂછ્યુંઃ ‘મહારાજ! ઈશ્વર કેવો છે? એનું રૂપ કેવું છે? એ કેવો દેખાય છે?’
યોગી બોલ્યોઃ ‘ઈશ્વર તારા ધણખૂંટ જેવો છે. એ ઈશ્વર જ છે. ઈશ્વરે એ ખૂંટનું રૂપ લીધું છે.’
ગોવાળે એ માની લીધું અને પોતાના ધણ પાસે પાછો ગયો. પેલા ખૂંટને ઈશ્વર માની એ દિનરાત તેની ભક્તિ કરવા લાગ્યો. એને ખૂબ લીલો ચારો નીરવા લાગ્યો, એની બાજુમાં જ સૂવા બેસવા લાગ્યો, એને પ્રકાશવાળી જગ્યામાં રાખવા લાગ્યો અને એની પાછળ જવા લાગ્યો. દિવસો, મહિનાઓ અને વર્ષો આમ વીત્યાં. એનો સમગ્ર આત્મા પેલા ખૂંટમાં હતો.
એક દિવસે જાણે કે ખૂંટમાંથી એને અવાજ આવતો સંભળાયો.
‘અરે, બળદ બોલે છે?’ તેને લાગ્યું.
‘મારા બેટા, મારા દીકરા.’
‘અરે! ખૂંટ જ બોલે છે? એ કંઈ બોલી શકે નહીં.’
એ ફરી ઊભો થઈ ગયો અને હૃદયમાં વેદના સાથે નજીક ધ્યાનમાં બેઠો. એ કશું સમજતો ન હતો. ફરી એણે ખૂંટમાંથી આવતો અવાજ સાંભળ્યો.
‘મારા બેટા, મારા બાળ.’
એ ખૂંટની પાસે ગયો. ‘ના, ખૂંટ બોલી શકે નહીં.’ પછી એ પાછો ગયો અને નિરાશ થઈને બેઠો.
અવાજ ફરી આવ્યો અને આ વખતે એણે શોધી કાઢ્યું કે એ અવાજ એના પોતાના હૃદયમાંથી જ આવતો હતો. એણે જાણ્યું કે ઈશ્વર પોતાની અંદર જ છે. પછી; ‘ગુરુણાં ગુરુ’નું અદ્ભુત સત્ય એ શીખ્યો, ‘હું નિત્ય તારી સાથે છું’ અને એ રંક ગોવાળ પૂર્ણ રહસ્ય પામ્યો.
પછી એ યોગી પાસે પાછો ગયો. એને યોગીએ થોડે દૂરથી જ જોયો. એ યોગી તો દેશનો મોટામાં મોટો વિદ્વાન હતો, વર્ષોથી તપ કરતો હતો, ધ્યાન-સ્વાધ્યાય કરતો હતો અને આ ગોવાળ સાવ અભણ અને જડ હતો, એણે કદી ગ્રંથો વાંચ્યા ન હતા, એને લખતાં વાંચતાં પણ આવડતું ન હતું. પણ એ આવે છે—એનું આખું શરીર જાણે કે બદલાઈ ગયું છે, એનો ચહેરો ફેરવાઈ ગયો છે, એના ચહેરા પર દિવ્ય તેજ ઝળકી રહ્યું છે. યોગી ઊભો થઈ ગયો. ‘આ ફેરફાર ક્યાંથી? આ તેં કયાંથી પ્રાપ્ત કર્યું?’
‘એ તમે આપ્યું છે, મહારાજ.’
‘કેવી રીતે? મેં તો તને એ ગમ્મતમાં કહ્યું હતું.’
‘પણ મેં ગંભીરતાથી લીધું અને એ ખૂંટ પાસેથી મને બધું પ્રાપ્ત થયું, કારણ કે ઈશ્વર શું સર્વવ્યાપી નથી?’
આમ એ ખૂંટ પ્રતીક હતો અને પેલો ગોવાળ એ ખૂંટને પ્રતીક તરીકે—ઈશ્વર તરીકે—પૂજીને એ ખૂંટ પાસેથી એ બધુંય પામ્યો. એટલે ઉત્કટ પ્રેમ—પેલી ઈચ્છામાંથી બધું બહાર આવે છે. આપણી અંદર જ બધું છે અને બાહ્ય જગત અને બાહ્ય પૂજા રૂપો એ સૂચનો છે, જે એને જગાડે છે. એ સર્વ મજબૂત બને ત્યારે ભીતરનો ઈશ્વર જાગે છે.
બહારનો ગુરુ પણ માત્ર સૂચન છે. બાહ્ય ગુરુમાં શ્રદ્ધા દૃઢ થાય છે ત્યારે ભીતરના ‘ગુરુણાં ગુરુ’ બોલે છે; એના હૃદયમાંથી શાશ્વત જ્ઞાન બોલે છે. પછી એણે કોઈ ગ્રંથો પાસે, માણસો પાસે કે કોઈ શ્રેષ્ઠતર જનો પાસે જવાનું રહેતું નથી; ઈશ્વર જ એનો બોધદાતા બને છે. એને જે જોઈએ તે પોતાની અંદરથી સાંપડે છે. પછી કોઈ મંદિરમાં કે ચર્ચમાં જવાની જરૂર રહેતી નથી. એનો પોતાનો દેહ જગતનું શ્રેષ્ઠ મંદિર બન્યું છે અને એ મંદિરમાં સર્જનહાર વસે છે. દરેક દેશમાં મહાન સંતો જન્મ્યા છે, એ અદ્ભુત જીવન જીવ્યા છે અને માત્ર પ્રેમની શક્તિનો એ જાદુ છે.
આ નામજપ, પ્રતીકપૂજા, આ નિષ્ઠા, આ ઇષ્ટ-ભક્તિના આ સર્વ બાહ્ય પ્રકારો પેલી સનાતન શક્તિ ન જાગે ત્યાં સુધીની તૈયારી છે. પછી જ અધ્યાત્મ આવે છે—ત્યારે મનુષ્ય આ નિયમો અને બંધનોથી પર જાય છે. પછી બધા નિયમો તૂટી પડે છે, બધાં રૂપો અદૃશ્ય થાય છે, મંદિરો અને ગિરિજાઘરો પડીને ધૂળ ભેગાં થાય છે અને નાશ પામે છે. એક દેવળના સંપ્રદાયમાં જન્મવું બરાબર છે પરંતુ આપણું એ દુર્ભાગ્ય છે કે દેવળનાં સંપ્રદાયમાં મરવું. કોઈ સંપ્રદાયમાં જન્મવું એ સારું છે પણ સાંપ્રદાયિક વિચારોવાળા સંપ્રદાયમાં મૃત્યુ પામવું ખરાબમાં ખરાબ છે.
પ્રભુના બાળને કયો સંપ્રદાય સાચવી શકે? કયા નિયમો એને બાંધી શકે? એ કયાં સ્વરૂપો અનુસરે? એ કયા માનવીની પૂજા કરે? એ સ્વયંના ઈશ્વરની જ પૂજા કરે છે. ઈશ્વર જાતે જ એને બોધ આપે છે. બધાં મંદિરોના મંદિર એવા મનુષ્ય-આત્મામાં એ વસે છે.
તો આ પરમ ભક્તિના ધ્યેય તરફ આપણે જઈએ છીએ અને આ તરફ લઈ જતું સઘળું પૂર્વતૈયારી છે. પણ એ આવશ્યક છે. ગ્રંથો, સંપ્રદાયો અને રૂપોમાંથી અનંત આત્માને બહાર આવવામાં એ તૈયાર કરે છે; અંતે તો આ બધાં ઊડી જાય છે અને માત્ર માનવઆત્મા રહે છે. આ બધા અનંત કાળના વહેમો છે. ‘મારા બાપનો ધર્મ,’ ‘મારા દેશનો ધર્મ,’ ‘મારો ગ્રંથ’ કે ‘મારું આ અને તે’ બધા કાળાન્તરના વહેમો છે અને એ બધા ઊડી જાય છે. કાંટો વાગે ત્યારે બીજો કાંટો લઈ પહેલાને કાઢી બંનેને ફેંકી દઈએ છીએ તેમ આપણામાંના વહેમોનું પણ તેવું જ છે.
ઘણા દેશોમાં તદ્દન નાનાં બાળકોનાં મનમાં પણ સાંપ્રદાયિક વિચારો તરીકે ખૂબ ભયંકર અને શેતાની ભૂસું ભરવામાં આવે છે. પોતે બાળકોનું ભલું કરે છે એમ માબાપો માને છે પણ શ્રીમતી ગ્રંડીને ખુશ રાખવા માટે એ બાળકનું પણ ખૂન કરે છે. કેવી સ્વાર્થવૃત્તિ! જાતના ભયથી કે સમાજના ભયથી લોકો બધું જ કરે. લોકો પોતાનાં સંતાનોને મારી નાખશે, માતાઓ કુટુંબોને ભૂખે મારશે, ભાઈઓ ભાઈને ધિક્કારશે અને બાહ્ય આચારનું પૂરું પાલન કરશે—કારણ કે એથી ફલાણીબાઈ રાજી રહે.
મનુષ્યજાતિનો મોટોભાગ કોઈ ધાર્મિક દેવળ કે ચર્ચની છત્રછાયામાં જન્મે છે અને એમાંથી કદી બહાર આવતો નથી. શા માટે? આ સ્વરૂપોએ આધ્યાત્મિક વિકાસને સહાય કરી છે? આ સ્વરૂપો દ્વારા આપણે પ્રેમની ઉચ્ચતમ વેદી પર પહોંચતા હોઈએ—જ્યાં બધા સ્વરૂપો નાશ પામે અને આ બધા સાંપ્રદાયિક વિચારો દૂર થાય છે—તો મોટાભાગના મનુષ્યો એક યા બીજા પ્રવાહની ધૂંસરીમાંથી કેમ બહાર નથી નીકળી શકતા? એ સૌ નાસ્તિક છે; એમને કોઈ ધર્મ જોઈતો નથી.
ધારો કે એક દેશની દુરાચારી વ્યક્તિ કોઈ મિત્ર વગર કે કોઈની ઓળખાણ વગર આ દેશમાં આવે છે અને પહેલું કામ એ કોઈ ચર્ચમાં જોડાવાનું કરે તો એ કદી ધાર્મિક બનશે ખરી?
જે સ્ત્રીઓ ચર્ચમાં પોતાનાં કપડાંનું પ્રદર્શન કરવા જાય છે તે કદી ધાર્મિક બનશે કે બાહ્ય પ્રકારોથી પર નીકળી શકશે એમ તમે માનો છો? એ તો પાછળ ને પાછળ જશે અને એ મૃત્યુ પામશે ત્યારે પશુવત્ હશે.
જે પુરુષો ચર્ચમાં સ્ત્રીઓના રૂપાળા ચહેરા જોવા જાય છે તે કદી ધર્મમય બનશે? અમુકતમુકના સંપ્રદાયોમાં જોડાવાની સમાજ ફરજ પાડે છે અથવા પિતા અમુક દેવળે જતા હતા માટે જે લોકો કોઈ સામાજિક ધર્મો અપનાવે છે તેમને કદી સાચો ધર્મ પ્રાપ્ત થશે? એ લોકો થોડા સામાન્ય ખ્યાલો સમજે છે પણ એમણે અમુક સામાજિક મોભો જાળવવો જોઈએ—અને એ શાશ્વત કાળ સુધી જાળવશે.
તમે માગો તે તમને મળે. ઈશ્વર બધી ઇચ્છાઓ પૂર્ણ કરે છે. સમાજમાં તમે અમુક સ્થાન જાળવવા ઇચ્છો તો તમે તેમ કરી શકો; તમને ચર્ચ જોઈતું હોય તો તે મળે પણ તમે ઈશ્વરને મેળવી શકો નહીં. આ બધાં ચર્ચો અને મૂર્ખ સંસ્થાઓ સાથે તમારે આખી જિંદગી ગમ્મત કરવી હોય તો તમે તેમ કરી શકો અને એ ચીલામાં જ તમારું આખું જીવન વ્યતીત કરો. ‘જે મરેલાંને ઝંખે છે તે મરેલાં પાસે જાય છે અને એને ભૂતો મળે છે; પણ જે ઈશ્વરને ચાહે છે તે સૌ ઈશ્વર પાસે જાય છે.’ એટલે જે માત્ર ઈશ્વરને જ ચાહે તે તેની પાસે જાય છે અને જે બીજાને ચાહે છે તેઓ જેને ચાહતા હોય તેની પાસે જાય.
મંદિરો અને દેવળોમાંની એ કવાયત—અમુક સમયે ઘૂંટણિયે પડવાનું, અમુક સમયે આરામથી ઊભા રહેવાનું વગેરે બધું આંગિક કવાયત ચાલતી હોય અને મન તો કંઈ બીજો વિચાર કરતું હોય તેને ધર્મ સાથે કશું લાગતું વળગતું નથી.
લગભગ ચારસો વર્ષ પહેલાં જન્મેલા એક મહાન પયગંબર ભારતમાં હતા—ગુરુ નાનક. તમારામાંથી કેટલાકે લડાયક શીખો વિશે સાંભળ્યું હશે. ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક અને અનુયાયી હતા.
એક દિવસ તે એક મસ્જિદમાં ગયા. મુસલમાનોના દેશમાં મુસલમાનોથી સૌ ડરે; ખ્રિસ્તીઓના દેશમાં ખ્રિસ્તી ધર્મ વિરુદ્ધ બોલતાં સૌ ડરે છે તેમ જ… મસ્જિદમાં લોકો હારબંધ નમાજ માટે જાય છે અને એ દરમિયાન કંઈ બોલતા હોય છે. એક (મુલ્લાં) બધાનું નેતૃત્વ કરે છે. ગુરુ નાનક ત્યાં હતા. મુલ્લાં બોલ્યા, ‘પરમ દયાળુ ખુદાના નામમાં, બધા ઉસ્તાદોના ઉસ્તાદના નામમાં…’ ત્યારે ગુરુ નાનક હસવા લાગ્યા. એ કહે, ‘પેલો ઢોંગી જુઓ.’ મુલ્લાં ખૂબ ગુસ્સે થઈ બોલ્યાઃ ‘તું શા માટે હસે છે?’
‘તમે બંદગી કરતા નથી, દોસ્ત, માટે હું હસું છું.’
‘બંદગી નથી કરતો હું?’
‘ચોક્કસ નહીં, તમારી પાસે બંદગી નથી.’
મુલ્લાં ખૂબ ગુસ્સે થયા અને એણે કાજી પાસે ફરિયાદ કરીને કહ્યું, ‘આ નાપાક બદમાશ આપણી મસ્જિદમાં આવવાની હિંમત કરે છે અને અમે નમાજ પઢતા હોઈએ છીએ ત્યારે અમારી સામે હસે છે. તરત મૃત્યુદંડ એ જ એની શિક્ષા છે. હલાલ કરો એને.’
ગુરુ નાનકને કાજી પાસે બોલાવી તેમને પૂછવામાં આવ્યું, ‘તમે શા માટે હસતા હતા?’
‘કારણ કે એ બંદગી કરતા ન હતા.’
કાજીએ પ્રશ્ન કર્યો, ‘એ શું કરતા હતા?’
‘મુલ્લાંને અહીં હાજર કરો એટલે એ શું કરતા હતા તે કહીશ.’
કાજીએ મુલ્લાંને આવવા ફરમાવ્યું. એ આવ્યો ત્યારે કાજીએ કહ્યું, ‘મુલ્લાં આ રહ્યા. એ બંદગી કરતા હતા ત્યારે તમારું હસવાનું કારણ હવે કહો.’
ગુરુ નાનક કહે, ‘સોગંદ લેવા માટે મુલ્લાંના હાથમાં કુરાન આપો.’ પછી એ કહે, ‘મસ્જિદમાં મુલ્લાં ‘અલ્લાહ, અલ્લાહ’ બોલતા હતા ત્યારે ઘરની મરઘીને એ યાદ કરતા હતા.’
બિચારો મુલ્લાં ગભરાઈ ગયો. બીજા મુલ્લાં કરતાં એ થોડો પ્રામાણિક હતો એટલે એણે કબૂલ કર્યું કે પોતાને મરઘીના વિચાર આવતા હતા. એટલે ગુરુ નાનકને મુક્ત કરવામાં આવ્યા. અને કાજીએ મુલ્લાંને કહ્યું, ‘હવેથી મસ્જિદમાં ન જશો. ત્યાં જઈને અધર્મ આચરવો અને દંભ કરવો તેના કરતાં ન જવું વધારે સારું છે. બંદગી કરવાનું મન ન હોય ત્યારે જવું જ નહીં. ઢોંગી ન થવું અને મરઘીનો વિચાર કરતી વખતે મોઢેથી પરમ દયાળુ, પરમ આનંદમય, રહીમ… ન બોલવું.’
કોઈ એક મુસલમાન બાગમાં બંદગી કરતો હતો. મુસલમાનો નમાજ પઢવામાં બહુ ચોક્કસ હોય છે. નિયત સમયે એ લોકો ગમે ત્યાં હોય, નમાજ પઢવા માંડી દે, જમીન પર ઘૂંટણિયે પડે, ફરી ઊભા થાય, ફરી પડે; તે એ પ્રમાણે કરે. બાંગ પડી ત્યારે એક મુસલમાન બાગમાં હતો અને એ બંદગી કરવા જમીન પર પડ્યો. બાગમાં એક યુવતી પોતાના પ્રેમીની વાટ જોતી હતી. એણે પોતાના પ્રેમીને બીજી બાજુએ જોયો. ત્યાં પહોંચવાની ઉતાવળમાં એણે પેલા નમાજ કરનારને જોયો નહીં અને એને જરા અથડાતી ચાલી. પેલો ઝનૂની મુસલમાન હતો, તમારા પ્રેસ્બિટેરીયન જેવો. બંને એવી જ જાતના, બંને રોજ ભૂંજવામાં જ માને. એટલે પોતાના દેહ પર પગ પડતાં આ મુસલમાનનો કોપ સમજી શકો છો. એ તો પેલી યુવતીને મારી નાખવા જ માગતો હતો. પણ એ છોકરી ચતુર હતી. એણે કહ્યું, ‘બકવાસ બંધ કરો, તમે તો મૂર્ખ અને ઢોંગી છો.’
‘શું હું ઢોંગી છું?’
‘હા, હું મારા દુન્યવી આશકને મળવા જાઉં છું અને તમને જોતી નથી. પણ તમે તો બહિશ્તના આશકને મળવા જાઓ છો ત્યારે કોઈ યુવતી તમને અથડાતી ગઈ એનું ભાન પણ તમને ન હોવું જોઈએ.’

