(નવેમ્બર ૨૫, ૧૮૯૬)
અદ્વૈત તત્ત્વજ્ઞાનને સમજવા માટે કઠિનમાં કઠિન અને જે વારંવાર પૂછવામાં આવે છે અને સદાયને માટે પુછાતો રહેશે તે પ્રશ્ન આ છેઃ અનંત, નિર્વિશેષ બ્રહ્મ સાન્ત કેવી રીતે બન્યું? હવે હું આ પ્રશ્નને લઈશ અને તેની સમજણ આપવા માટે એક આકૃતિનો ઉપયોગ કરીશ.
અહીં નિર્વિશેષ બ્રહ્મ अ છે અને જગત ब છે; નિર્વિશેષ બ્રહ્મ જગતરૂપ થયું છે. અહીં જગતનો અર્થ માત્ર ભૌતિક જગત જ નહિ, પણ માનસિક અને આધ્યાત્મિક જગત, સ્વર્ગલોક અને મૃત્યુલોક. ટૂંકમાં વસ્તુતઃ જે બધું અસ્તિત્વ ધરાવે છે તે સર્વ કંઈ એવો અર્થ લેવાનો છે. મન એક પરિવર્તનનું નામ છે અને શરીર બીજા પરિવર્તનનું નામ છે, ઇત્યાદિ; અને આ બધાં પરિવર્તનો આપણું જગત બનાવે છે. આ નિર્વિશેષ બ્રહ્મ अ દેશ, કાળ અને નિમિત્ત દ્વારા જગત ब બન્યું છે. અદ્વૈતનો મધ્યવર્તી વિચાર આ છે. દેશ, કાળ અને નિમિત્ત બિલોરી કાચ જેવાં છે, જેમાંથી નિર્વિશેષ બ્રહ્મ દેખાય છે અને જ્યારે તેને નીચેની બાજુથી જોવામાં આવે છે ત્યારે તે જગત તરીકે દેખાય છે. આ ઉપરથી આપણને તરત સમજાશે કે તે નિર્વિશેષ બ્રહ્મમાં દેશ, કાળ કે નિમિત્ત નથી. કાળનો ત્યાં વિચાર હોઈ ન શકે, કારણ કે ત્યાં મન નથી, વિચાર નથી; દેશનો વિચાર પણ ત્યાં ન હોઈ શકે, કારણ કે ત્યાં કોઈ બાહ્ય પરિવર્તન નથી. જ્યાં એકમાત્ર તત્ત્વ છે ત્યાં જેને તમે ગતિ અને નિમિત્ત કહો છો તે રહી શકે નહીં. આપણે આ સમજવું જોઈએ અને આપણા મન પર એ ઠસાવવું જોઈએ કે જેને આપણે કારણભાવ કહીએ છીએ તે જ્યારે નિર્વિશેષ બ્રહ્મ, જગત પ્રપંચરૂપે નીચલી કોટિએ ઊતરે તે પછી – જો આપણે કહી શકીએ તો – શરૂ થાય છે, તે પહેલાં નહીં અને આપણી ઇચ્છાશક્તિ, આપણી વાસનાઓ અને બીજું બધુંય તે પછીથી આવે છે. મને લાગે છે કે વેદાંતનું નિરૂપણ કરવામાં શોપનહોઅરની ફિલસૂફી થોડીક ભૂલ કરે છે, કારણ કે તે ઇચ્છાશક્તિને સર્વ કંઈ બનાવવા માગે છે. શોપનહોઅર ઇચ્છાશક્તિને બ્રહ્મને સ્થાને મૂકે છે, પરંતુ બ્રહ્મને ઇચ્છાશક્તિ તરીકે રજૂ કરી શકાય નહીં, કારણ કે ઇચ્છાશક્તિ એ પરિવર્તનશીલ, પરિણામી અને દૃશ્ય તત્ત્વ છે; જ્યારે દેશ, કાળ અને નિમિત્તની ઉપરની રેખામાં કોઈ પરિવર્તન નથી, કોઈ ગતિ નથી; જેને આપણે વિચાર કહીએ છીએ તે આંતરગતિ અને બાહ્યગતિનો આરંભ તે રેખાની નીચે થાય છે. તેની બીજી બાજુએ ઇચ્છાશક્તિ હોઈ ન શકે અને તેથી જ ઇચ્છાશક્તિ વિશ્વનું કારણ બની શકે નહીં. વિશેષ નિકટનું કારણ તપાસીએ તો આપણને જણાશે કે આપણા શરીરમાં પણ દરેક ગતિનું કારણ ઇચ્છાશક્તિ નથી. હું આ ખુરશી ચલાવું છું, તેને ગતિ આપવાનું કારણ મારી ઇચ્છાશક્તિ છે. આ ઇચ્છાશક્તિ બીજે છેડે સ્નાયુઓની ગતિરૂપે પ્રગટ થાય છે. પણ જે શક્તિ ખુરશી ચલાવે છે તે જ શક્તિ હૃદય, ફેફસાં વગેરેને પણ ચલાવે છે; પરંતુ તે ઇચ્છાશક્તિ દ્વારા તેમ કરતી નથી. શક્તિ એક જ છે તેમ સ્વીકાર્યા પછી જ્યારે તે સંવેદનની ભૂમિકા ઉપર આવે છે ત્યારે જ તે ઇચ્છાશક્તિ બને છે. તે ભૂમિકા ઉપર આવ્યા પહેલાં તેને ઇચ્છાશક્તિનું નામ આપવું તે ભૂલભરેલું છે. આમ શોપનહોઅરની ફિલસૂફી આ જબરો ગોટાળો ઊભો કરે છે.
એક પથ્થર પડે છે; આપણે પૂછીએ છીએઃ શા માટે પડ્યો? કારણ વિના કોઈપણ કાર્ય સંભવી શકતું નથી એ માન્યતા ઉપર જ આ પ્રશ્ન શક્ય બને છે. તમારા મનમાં આ એક બાબત ખૂબ સ્પષ્ટ કરી લેવા હું વિનંતી કરું છું કે જ્યારે જ્યારે આપણે અમુક ઘટના કેમ બની એમ પૂછીએ છીએ ત્યારે ત્યારે આપણે માની લઈએ છીએ કે જે કાંઈ બને છે તેનું કંઈક પણ કારણ હોવું જોઈએ, એટલે કે તેના પહેલાં કોઈ ઘટના બની હોવી જોઈએ કે જે કારણરૂપ બની હોય. આ પૂર્વાપર ભાવને જ આપણે કાર્યકારણનો નિયમ કહીએ છીએ. તેનો અર્થ એ છે કે આ જગતમાં બધું વારાફરતી કારણ અને કાર્ય બને છે. પછીથી બનાવની ચોક્કસ ઘટનાનું અમુક વસ્તુ કારણ છે અને તે કારણ પોતે જ પોતાની પૂર્વે બનેલી ઘટનાનું કાર્ય છે. આને કાર્યકારણનો નિયમ કહેવામાં આવે છે. આપણી બધી વિચાર પ્રણાલિકાની આ એક આવશ્યક પૂર્વભૂમિકા છે. આપણે માનીએ છીએ કે આ જગતમાં પ્રત્યેક અણુ, તે ગમે તે હોય, પણ બીજા બધા અણુઓ સાથે સંબંધ ધરાવે છે. આ વિચાર કેમ ઉત્પન્ન થયો એ બાબત ઘણી ચર્ચા થઈ છે. યુરોપમાં અંતઃપ્રેરણાવાદી તત્ત્વવિચારકો થયા હતા કે જેઓ એમ માનતા હતા કે અંતઃપ્રેરણા માનવજાતમાં સ્વભાવગત છે; બીજાઓ એમ માનતા કે તે અનુભવથી આવે છે, પણ આ પ્રશ્નનું કદીય નિરાકરણ આવ્યું નથી. વેદાંતને આ બાબતમાં શું કહેવાનું છે તે આપણે આગળ ઉપર જોઈશું, પણ પ્રથમ આપણે આટલું સમજવું જોઈએ કે ‘શા માટે?’ એવો પ્રશ્ન કરવામાં જ આપણી આજુબાજુની સઘળી ઘટનાઓની પહેલાં અમુક ચોક્કસ ઘટનાઓ બનેલી અને તેના પછી પણ ચોક્કસ ઘટનાઓ બનશે એવી માન્યતા પ્રથમથી જ ગર્ભિત રહેલી છે. આ પ્રશ્નમાં સમાયેલી એક બીજી માન્યતા એ છે કે આ વિશ્વમાં કોઈપણ ચીજ સ્વતંત્ર નથી; પ્રત્યેક વસ્તુ ઉપર તેનાથી બહારની કોઈ અન્ય વસ્તુની અસર થાય છે. સાપેક્ષભાવ સારાયે વિશ્વનો કાનૂન છે. નિર્વિશેષ બ્રહ્મનું કારણ શું એવો પ્રશ્ન કરવામાં આપણે કેવી ભૂલ કરીએ છીએ! આ પ્રશ્ન કરતી વખતે આપણે એમ માનવું પડે છે કે તે નિરપેક્ષ બ્રહ્મ પણ બીજા કોઈ ઉપર આધારિત છે.
અને આમ માની લેવામાં આપણે નિરપેક્ષ બ્રહ્મને વિશ્વની કક્ષા સુધી નીચે ઉતારી પાડીએ છીએ, કારણ કે નિરપેક્ષ બ્રહ્મમાં દેશ, કાળ અને નિમિત્તભાવ વગેરે કંઈ જ નથી, જે છે તે બધું એક જ છે. જે સ્વયં એકલ વસ્તુ છે તેનું અન્ય કોઈ કારણ હોઈ શકે નહિ. જે મુક્ત છે તેનું કારણ હોઈ શકે નહીં; નહિતર એ મુક્ત ન હોય, પણ બદ્ધ જ હોય. જેમાં સાપેક્ષત્વ છે તે મુક્ત હોઈ શકે નહિ. આમ આપણે જોઈએ છીએ કે અનંત સાન્ત કેમ બન્યું તે પ્રશ્ન જ અસંભવિત છે, કારણ કે તે વિરોધી છે. આવી સૂક્ષ્મ બાબતોમાંથી વિચારની સામાન્ય ભૂમિકા પર, સામાન્ય સમજણ પર આવતાં જ્યારે નિરપેક્ષ સાપેક્ષ કેમ થયું તે જાણવા માગીએ ત્યારે આ પ્રશ્નને એક બાજુએથી પણ જોઈ શકીએ. ધારો કે, આપણી પાસે તેનો ઉત્તર છે; તો પછી નિરપેક્ષ શું નિરપેક્ષ રહેવાનું છે? તે સાપેક્ષ જ થઈ જવાનું. આપણી સામાન્ય બુદ્ધિથી આપણે જ્ઞાનનો અર્થ શો કરીએ છીએ? જે આપણે જાણીએ છીએ તે વસ્તુ તો માત્ર આપણા મનથી મર્યાદિત બનેલું, મનમાં સમાઈ શકે તેવું કંઈક છે અને જ્યારે તે આપણા મનથી પર હોય છે ત્યારે તે જ્ઞાન નથી. હવે જો નિરપેક્ષ વસ્તુ મનથી મર્યાદિત હોય, તો પછી તે નિરપેક્ષ રહે નહિ; તે સાપેક્ષ સાન્ત બની જાય. મનથી આકલન થતી દરેક વસ્તુ સાન્ત બની જાય છે. માટે નિરપેક્ષનું જ્ઞાન એ પરસ્પર વિરોધી શબ્દો છે. આટલા માટે જ આ પ્રશ્નનો ઉત્તર કદી પણ અપાયો નથી. જો ઉત્તર આપી શકાય તો નિરપેક્ષ એ નિરપેક્ષ રહે જ નહિ; એ પણ આપણી માફક સાન્ત બની જાય. જે ઈશ્વર જ્ઞાત બને તે ઈશ્વર રહે જ નહીં; તે આપણી પેઠે સાન્ત વસ્તુ બની જાય. તેને જાણી શકાય નહીં; સદાને માટે તે અજ્ઞેય તત્ત્વ જ છે.
પણ અદ્વૈતવાદ જે કહે છે તે એ છે કે ઈશ્વર જ્ઞેયથી કંઈક વિશેષ છે. શીખવાનું આ એક મહાન સત્ય છે. અજ્ઞેયવાદીઓ કહે છે તે રીતે ઈશ્વર અજ્ઞેય છે એવો ખ્યાલ લઈને તમે અહીંથી ન જશો. દાખલા તરીકે આ એક ખુરશી છે; તેને આપણે જાણીએ છીએ, પણ આકાશની ઉપર શું છે, ત્યાં માનવીઓ વસે છે કે નહીં, તે કદાચ અજ્ઞેય છે; પરંતુ ઈશ્વર આ અર્થમાં નથી જ્ઞેય કે નથી અજ્ઞેય. જ્ઞાત કરતાં પણ તે કંઈક વધુ ઉચ્ચ છે; ઈશ્વર અજ્ઞાત અને અજ્ઞેય છે તેમ કહેવાનો ભાવાર્થ આ છે. જે અર્થમાં કહેવાય છે કે અમુક પ્રશ્ન અજ્ઞાત અને અજ્ઞેય છે, તે અર્થમાં આ શબ્દો નથી વપરાયા. ઈશ્વર જ્ઞાત કરતાંય કંઈક વિશેષ છે. ખુરશી જ્ઞાત છે; પણ ઈશ્વર તેનાથીયે અતિ વિશેષરૂપે જ્ઞાત છે, કારણ કે તેનામાં અને તેની દ્વારા જ આપણે આ ખુરશીને જાણવી પડે છે. તે સાક્ષી છે, સઘળા જ્ઞાનનો તે સનાતન સાક્ષી છે. જે કાંઈ આપણે જાણીએ છીએ, તે તેનામાં અને તેના થકી જ આપણે જાણવાનું છે. તે આપણા પોતાના આત્માનું સારતત્ત્વ છે; આ અહંભાવનું, આ હુંપણાનું પણ તે જ સારતત્ત્વ છે અને તેનામાં અથવા તેના થકી સિવાય આપણે કંઈ જ જાણી શકીએ નહીં. માટે તમારે બ્રહ્મમાં અને બ્રહ્મ થકી જ સઘળી વસ્તુ જાણવી પડે છે. ખુરશીને જાણવા માટે તમારે તેને ઈશ્વરની અંદર અને તેના થકી જ જાણવી જોઈએ. આમ ઈશ્વર ખુરશી કરતાં અનંત ગણો આપણી નિકટ છે, છતાં તે અનંત ગણો દૂર પણ છે. તે જ્ઞાત પણ નથી, અજ્ઞાત પણ નથી, પણ તે બંનેથી અનંત ગણો ઉચ્ચ છે. તે તમારો આત્મા છે. ‘જો તે આનંદમય આત્મા વિશ્વને ભરીને રહ્યો ન હોત તો અહીં એક પળ પણ કોણ જીવી શકત? શ્વાસ પણ કોણ લઈ શકત?’ આપણે તેનામાં અને તેના થકી જ શ્વાસ લઈએ છીએ માટે જ આપણે તેનામાં અને તેના થકી અસ્તિત્વ ધરાવીએ છીએ. તે ક્યાંક બાજુએ ઊભો ઊભો આપણા લોહીને ફેરવી રહ્યો છે એવું નથી.
તાત્પર્ય એ છે કે તે આ બધાનું સારતત્ત્વ છે, આપણા આત્માનો આત્મા છે. કોઈ રીતે તમે કહી શકો નહીં કે તમે તેને જાણો છો; તેને જાણવાનો અર્થ તેને નીચી કક્ષાએ ઉતારવો એવો છે. જેમ તમે તમારા પોતામાંથી બહાર નીકળી જઈ શકો નહીં; તેમ મનમાં તમે તેને જાણી શકો નહીં. જાણવું એટલે દૃશ્ય બનાવવું. દાખલા તરીકે તમે મનમાં મનમાં ઘણી વસ્તુઓને દૃશ્ય તરીકે કલ્પો છો, તમારામાંથી બહાર કાઢો છો. સઘળી સ્મૃતિ – જે કાંઈ પદાર્થો મેં જોયા છે અને હું જાણું છું, તે બધા, – મારા મનમાં છે. આ બધી વસ્તુઓની છાપ અને સંસ્કારો મારા મનમાં છે અને જ્યારે હું તેમના વિશે વિચાર કરવા પ્રયાસ કરું, તેમને જાણવા મથું, ત્યારે જ્ઞાનનું પ્રથમ કાર્ય તે સંસ્કારોને મનમાંથી બહાર કાઢવાનું છે. ઈશ્વરની બાબતમાં આમ ન કરી શકાય, કારણ તે આપણા આત્માનું સારતત્ત્વ છે, તેને આપણે આપણી બહાર લાવી શકીએ નહીં. વેદાંતનું એક સૌથી વધુ મહત્ત્વપૂર્ણ વાક્ય આ રહ્યુંઃ ‘હે શ્વેતકેતુ! જે તારા આત્માનું સારતત્ત્વ છે, તે જ સત્ય છે, તે જ આત્મા છે, તે જ તું છે!’ ‘તું ઈશ્વર છે’ તે વાક્યનો અર્થ આ જ છે. તમે તેને બીજા કોઈ શબ્દોમાં વર્ણવી શકો નહીં. પિતા, ભાઈ કે પ્રિયમાં પ્રિય મિત્ર તરીકે ઈશ્વરને સંબોધવાના બધા પ્રયાસો ઈશ્વરને દૃશ્ય કરવાના પ્રયાસો છે કે જે બની શકે તેમ નથી. તે સર્વ વસ્તુઓનો સનાતન દ્રષ્ટા છે. હું આ ખુરશીનો દ્રષ્ટા છું. હું ખુરશી જોઉં છું તેમ જ ઈશ્વર મારા આત્માનો સનાતન દ્રષ્ટા છે. તમે તેને તમારા આત્માના સારતત્ત્વને, સર્વ વસ્તુની અંતિમ સત્યતાને કેવી રીતે દૃશ્ય બનાવી શકો? માટે હું તમને ફરીથી કહું છું કે, ઈશ્વર જ્ઞેય પણ નથી, અજ્ઞેય પણ નથી, પણ તે બંનેથી અનંતગણો પર છે. સાથે તે આપણાથી અભિન્ન છે; અને જે આપણાથી અભિન્ન હોય તે આપણા પોતાના આત્માથી જ્ઞેય પણ નથી તેમ અજ્ઞેય પણ નથી. તમે તમારા આત્માને જાણી ન શકો. તમે તેને બહાર લાવીને જોવા જેવો દૃશ્ય પદાર્થ બનાવી ન શકો, કારણ કે તમે પોતે જ તે છો અને તેને તમારાથી અળગો કરી ન શકો. તેમ જ તે અજ્ઞેય પણ નથી; કારણ કે તમારા પોતાથી વિશેષ જ્ઞાત બીજું શું છે? તે ખરેખર આપણા જ્ઞાનનું મધ્યબિંદુ છે. બરાબર તે જ અર્થમાં ઈશ્વર અજ્ઞેય પણ નથી તેમ જ જ્ઞાત પણ નથી, પણ તે બંનેથી અનંતગણો પર છે, કારણ તે જ આપણો આત્મા છે.
ત્યારે સૌથી પહેલું આપણે એ જોઈ શકીએ છીએ કે ‘નિરપેક્ષનું કારણ શું’ એ પ્રશ્ન આત્મવિરોધી છે; અને બીજું આપણને જણાય છે કે અદ્વૈતમાં ઈશ્વરનો વિચાર એ આ એકત્વનો વિચાર છે અને તેથી આપણે તેને દૃશ્ય બનાવી શકીએ નહીં કારણ કે આપણે જાણતા હોઈએ કે નહીં, પણ આપણે સદાય તેમાં જ રહીએ છીએ અને તેનામાં જ હલનચલન કરીએ છીએ. આપણે જે કંઈ પ્રવૃત્તિ કરીએ છીએ તે હંમેશાં તેના થકી જ થાય છે. હવે પ્રશ્ન એ છે કે આ દેશ, કાળ અને નિમિત્ત શું છે? અદ્વૈત એટલે દ્વૈતનો અભાવ; ત્યાં બે નથી, એક જ છે અને છતાંયે આપણે જોઈએ છીએ કે અહીં એક એવું વિધાન છે કે નિરપેક્ષ તત્ત્વ દેશ, કાળ અને નિમિત્ત દ્વારા પોતાને અનેકરૂપે પ્રગટ કરે છે. માટે એમ લાગે છે કે એક નિરપેક્ષ તત્ત્વ અને બીજી માયા (દેશ, કાળ અને નિમિત્તનો સરવાળો), એવી બે વસ્તુઓ છે. વસ્તુઓ બે છે એવો સિદ્ધાંત ઉપલક દૃષ્ટિએ આપણને સાવ સાચો લાગે છે. અદ્વૈતવાદી આનો ઉત્તર એમ આપે છે કે ખરેખર તેને બે ન કહી શકાય. બે વસ્તુ હોવાને માટે આપણી પાસે નિરપેક્ષ, એકબીજાથી સ્વતંત્ર એવાં બે તત્ત્વો હોવાં જોઈએ કે જે કાર્યરૂપ ન હોય. પ્રથમ તો દેશ, કાળ અને નિમિત્ત સ્વતંત્ર અસ્તિત્વવાળાં છે એમ કહી ન શકાય. કાળ પૂર્ણપણે પરાવલંબી વસ્તુ છે; મનના પ્રત્યેક પરિવર્તનની સાથે સાથે તે બદલાય છે. સ્વપ્નમાં કોઈવાર કોઈ એવી કલ્પના કરે છે કે પોતે કેટલાંય વર્ષો જીવ્યો છે; બીજે કોઈ સમયે કેટલાય મહિનાઓ જાણે કે એક પળમાત્રમાં વીતી ગયા એમ ભાસે છે. આમ કાળ આપણા મનની સ્થિતિ ઉપર આધાર રાખે છે. વળી કેટલીકવાર કાળનો વિચાર સદંતર લુપ્ત થાય છે. દેશનું પણ તેમ જ છે. દેશ શું છે તે આપણે જાણી શકતા નથી; છતાં અનિર્વચનીય અને બીજી વસ્તુઓથી સ્વતંત્ર રીતે રહી શકે નહીં તેવું કંઈક તે છે. નિમિત્તનું પણ આમ જ સમજવું.
દેશ, કાળ અને નિમિત્તની એક ખાસ વિશિષ્ટતા એ છે કે તેઓ બીજી વસ્તુઓથી અલગ રહી શકતાં નથી. રંગ કે સીમા કે સંબંધ વિનાનો દેશ કેવળ અવકાશ રૂપે કલ્પી જુઓ; તમે નહીં કલ્પી શકો. તમારે બે સીમા વચ્ચે કે ત્રણ પદાર્થો વચ્ચેના અવકાશ તરીકે દેશનો ખ્યાલ કરવો પડશે; તેના અસ્તિત્વ માટે તેને કોઈ પદાર્થ સાથે જોડવો પડશે. કાળ વિષે પણ આમ જ છે. કેવળ કાળનો તમે ખ્યાલ કરી નહીં શકો; તે માટે તમારે બે ઘટનાઓને ખ્યાલમાં લેવી પડશે, એક આગલી અને બીજી પાછલી, તથા બંને ઘટનાઓને પૂર્વાપરના વિચારથી જોડવી પડશે. જેમ દેશને બહારના પદાર્થો સાથે જોડવો પડે છે તેમ કાળ બે ઘટનાઓ ઉપર આધાર રાખે છે. નિમિત્તના વિચારને દેશ અને કાળથી જુદો પાડી શકાય નહીં. તેમની બાબતમાં એક વિચિત્ર હકીકત એ છે કે તેમનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. ખુરશી કે દીવાલને જેવું અસ્તિત્વ છે, તેવું અસ્તિત્વ પણ તેમને નથી. તેઓ દરેક વસ્તુની આજુબાજુ, પકડી ન શકાય તેવા પડછાયારૂપે છે. તેમનું ખરું અસ્તિત્વ છે જ નહીં. છતાંયે તેમનું અસ્તિત્વ નથી જ એમ કહેવાય નહીં, કેમ કે તમામ વસ્તુ તેમના દ્વારા જ જગતરૂપે વ્યક્ત થાય છે. આમ પ્રથમ આપણે એ જોઈએ છીએ કે દેશ, કાળ અને નિમિત્તભાવના જોડાણને નથી અસ્તિત્વભાવ કે નથી નાસ્તિત્વભાવ. બીજું તે ક્વચિત્ અદૃશ્ય થાય છે. એક ઉદાહરણ લઈએ. ધારો કે સાગર ઉપર એક તરંગ છે. તરંગ જરૂર સાગર જ છે; છતાંયે આપણે તેને તરંગ તરીકે ઓળખીએ છીએ અને એ અર્થમાં તે સમુદ્રથી જુદો છે. આ ભેદભાવ શાથી ઉત્પન્ન થયો છે? નામ અને રૂપથી, એટલે કે મનના વિચાર અને પદાર્થના રૂપથી. હવે આપણે તરંગરૂપને સાગરથી કંઈક ભિન્ન છે, તેવો ખ્યાલ કરી શકીશું? જરૂર નહીં. તે હંમેશાં સાગરના વિચાર સાથે સંકળાયેલ રહેશે. જેવો તરંગ બેસી જાય છે કે પળમાં જ તેનું રૂપ લુપ્ત થઈ જાય છે અને છતાં તે રૂપ કોઈ ભ્રમણા નહોતી. જ્યાં સુધી તરંગ હતો ત્યાં સુધી તેનું રૂપ હતું અને તે રૂપને જોવા તમે બંધાયેલા હતા. આનું નામ માયા.
તેથી, આખુંય વિશ્વ જાણે કે એક વિશિષ્ટ આકાર છે. નિર્વિશેષ બ્રહ્મ એ સાગર છે, જ્યારે તમે, હું, સૂર્ય, તારાઓ અને બીજા બધા પદાર્થો તે સમુદ્રના વિવિધ તરંગો છીએ. આ તરંગોને કઈ વસ્તુ જુદા પાડે છે? માત્ર રૂપ. દેશ, કાળ અને નિમિત્ત એ રૂપ છે અને તે બધા સંપૂર્ણપણે તરંગને આધારે રહે છે. જેવો તરંગ બેસી જાય કે તરત જ તેઓ અદૃશ્ય થાય છે. જેવો માનવી આ માયાનો ત્યાગ કરે, તેવી જ તેની સામેથી તે અદૃશ્ય થઈ જાય છે અને માનવ મુક્ત બને છે. બધી જ મથામણ આ દેશ, કાળ અને નિમિત્ત – કે જે આપણા માર્ગના અંતરાયો છે – તેના વળગાડમાંથી છુટકારો પામવા માટેની છે. ઉત્ક્રાંતિનો સિદ્ધાંત શું છે? તેનાં બે પરિબળો કયાં છે? એક પ્રબળ અવ્યક્ત શક્તિ કે જે પોતાને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરી રહી છે અને બીજું સંજોગો કે જે તે શક્તિને દબાવી રાખે છે, તેને પોતાને વ્યક્ત થવા દેતા નથી. તેથી આ સંજોગોનો સામનો કરવા માટે તે શક્તિ વારંવાર નવાં નવાં શરીરો ધારણ કરે છે. આ પ્રયત્નમાં એકકોશી જીવ બીજું શરીર લે છે અને કેટલાંક વિઘ્નોને પાર કરે છે; વળી પાછું બીજું એક શરીર મેળવે છે; અને આમ તે મનુષ્ય બને ત્યાં સુધી આ પરંપરા ચાલ્યા કરે છે. હવે આ વિચારને તેના અંતિમ તર્કશુદ્ધ પરિણામ સુધી તમે લઈ જાઓ; તો એક એવો સમય આવશે કે જે શક્તિ એક એકકોશી જીવમાં હતી અને જેણે માનવરૂપે ઉત્ક્રાંતિ કરી તે શક્તિ, પ્રકૃતિ સામે ઝૂકી શકે તેવી તમામ અડચણોને પાર કરી ગઈ હશે અને આમ બધા સંજોગોમાંથી મુક્ત થઈ ગઈ હશે. દાર્શનિક ભાષામાં આ વિચાર આવું રૂપ ધારણ કરશે; પ્રત્યેક કાર્યમાં બે પ્રધાન અંગો છેઃ એક દ્રષ્ટા અને બીજો દૃશ્ય; અને જીવનનું એકમાત્ર લક્ષ્ય દ્રષ્ટાને દૃશ્યનો સ્વામી બનાવવાનું છે. દાખલા તરીકે મને કોઈ માણસ ઠપકો આપે છે, ત્યારે હું દુઃખી થાઉં છું. મારો પ્રયાસ એવી શક્તિ મેળવવાનો હોવો જોઈએ કે જેથી હું તે સંજોગોને જીતી શકું અને મને ઠપકો મળે છતાં હું દુઃખી ન થાઉં. એ જ રીતે આપણે બધા વિજય મેળવવા મથીએ છીએ. નીતિનો અર્થ નિરપેક્ષ સત્તા સાથે દ્રષ્ટાનો સમન્વય સાધીને તેને મજબૂત બનાવવાનો છે કે જેથી કરીને સાન્ત પ્રકૃતિ તેના ઉપર પ્રભુત્વ ધરાવતી અટકી જાય. આપણા તર્કજ્ઞાનનો એ એક તર્કશુદ્ધ નિર્ણય છે કે એક એવો સમય આવવો જોઈએ, જ્યારે આપણે આપણા તમામે તમામ સંજોગો ઉપર વિજય મેળવ્યો હશે, કારણ કે પ્રકૃતિ સાન્ત છે.
વળી અહીં બીજી એક બાબત પણ શીખવાની છે. પ્રકૃતિ સાન્ત છે તે તમે કેવી રીતે જાણો છો? તે તમે માત્ર તત્ત્વજ્ઞાન વડે જ જાણી શકો. પ્રકૃતિ એટલે મર્યાદા હેઠળ રહેલું અનંત તત્ત્વ. માટે તે સીમિત છે. તેથી એક એવો સમય આવવો જોઈએ જ્યારે આપણે બધા સંજોગો ઉપર વિજય મેળવ્યો હશે. તેમના ઉપર આપણે વિજય કેવી રીતે મેળવવાના છીએ? આપણે માટે બધા જ બાહ્ય સંજોગોને જીતવાનું કદાચ શક્ય નથી; તે ન જ બને. માછલી પાણીમાં રહેતા પોતાના દુશ્મનોથી છટકી જવા માગે છે. તે કેવી રીતે આ સાધ્ય કરે છે? પાંખો વિકસાવીને, પક્ષી બનીને. માછલીએ પાણી કે હવાને નથી બદલાવ્યાં; પરિવર્તન તેના પોતામાં જ આવ્યું છે. પરિવર્તન હંમેશાં પોતામાં જ હોય છે. ઉત્ક્રાંતિક્રમમાં સઘળે તબક્કે તમે જોશો કે પ્રકૃતિ ઉપર મેળવવામાં આવતો વિજય દ્રષ્ટામાં પરિવર્તન લાવવાથી જ મળે છે. આ સિદ્ધાંત ધર્મ અને નીતિની બાબતમાં લાગુ પાડો તો તમને જણાશે કે અનિષ્ટ ઉપરનો વિજય કેવળ દ્રષ્ટામાં આણેલાં પરિવર્તન દ્વારા જ થાય છે. આ રીતે માનવીની આધ્યાત્મિક બાજુ પર ભાર મૂકવાને લીધે જ અદ્વૈત સિદ્ધાંત પોતાનું સમગ્ર બળ મેળવે છે. અનિષ્ટ અને દુઃખની વાત કરવી નિરર્થક છે, કારણ કે તે બહાર અસ્તિત્વ ધરાવતાં નથી. જો હું ક્રોધના સર્વ પ્રભાવથી મુક્ત હોઉં, તો મને કદીય ગુસ્સો ન આવે; જો હું સઘળા તિરસ્કારથી અચળ રહું તો મને તિરસ્કારનો અનુભવ જ ન થાય.
માટે એ વિજય મેળવવાનો ઉપાય છે આત્મલક્ષી માર્ગ – દ્રષ્ટાને પૂર્ણ બનાવવો. હું તો એમ પણ કહેવાની હિંમત કરું છું કે જે ધર્મ આ વિચાર સાથે સંમત થાય છે અને ભૌતિક કે નૈતિક ક્ષેત્રે થતી આધુનિક શોધખોળો કરતાં પણ સહેજ આગળ જાય છે, તે એકમાત્ર અદ્વૈત જ છે; અને માટે જ તે આધુનિક વૈજ્ઞાનિકોને આટલો બધો આકર્ષે છે. તેમને જણાય છે કે પુરાણા દ્વૈતવાદી સિદ્ધાંતો તેમને માટે પૂરતા નથી, તેમની જરૂરિયાતોને તે સંતોષતા નથી. મનુષ્યે એકલી શ્રદ્ધા નહીં પણ બુદ્ધિપૂર્વકની શ્રદ્ધા રાખવી જોઈએ. આ ઓગણીસમી સદીના છેલ્લા ભાગમાં પરંપરાગત ચાલ્યા આવતા પોતાના વારસાગત ધર્મ સિવાય અન્ય ધર્મ જૂઠો છે તેવો વિચાર સેવવો, તે બતાવે છે કે હજી મનમાં કંઈક નિર્બળતા રહી ગઈ છે; તેથી આવા વિચારો છોડી દેવા જોઈએ. હું એમ નથી કહેવા માગતો કે આ દેશમાં જ આવી પરિસ્થિતિ છે; દરેક દેશમાં તે છે અને મારા દેશમાં સૌથી વધારે છે. આ અદ્વૈતને લોકો સુધી કદી પહોંચવા દેવામાં આવ્યું નહોતું. પ્રથમ કેટલાક સાધુઓએ તે કબજે કર્યું અને તેઓ તેને અરણ્યમાં લઈ ગયા; તેથી તેને ‘આરણ્યક’ કહેવામાં આવ્યું. ઈશ્વરની કૃપાથી બુદ્ધ આવ્યા, તેમણે જનતાને તેનો ઉપદેશ આપ્યો અને આખી પ્રજા બૌદ્ધ બની ગઈ. ત્યાર પછી લાંબા ગાળે નિરીશ્વરવાદીઓ તથા અજ્ઞેયવાદીઓએ જ્યારે ફરીથી પ્રજાનો નાશ કર્યો ત્યારે જણાયું કે ભારતને જડવાદમાંથી ઉગારવાનો એકમાત્ર ઉપાય અદ્વૈત જ છે.
આમ બે વખત અદ્વૈતે ભારતને જડવાદમાંથી ઉગારી લીધું છે. બુદ્ધના આગમન પહેલાં જડવાદ ભયંકર રીતે વ્યાપક બની ગયો હતો અને તે ઘણા જ ભીષણ પ્રકારનો હતો – આજના યુગથી પણ વધારે ખરાબ પ્રકારનો. અમુક અર્થમાં હું પણ જડવાદી છું, કારણ કે હું ય માનું છું કે તત્ત્વ માત્ર એક જ છે. જડવાદીઓ તમને આ જ માનવાનું કહે છે; માત્ર તેઓ તેને જડપદાર્થ કહે છે અને હું તેને ઈશ્વર કહું છું. જડવાદીઓ માને છે કે આ ભૌતિક પદાર્થમાંથી જ આશા, ધર્મ અને બીજી બધી વસ્તુઓ આવી છે; હું એમ કહું છું કે તે બધું બ્રહ્મમાંથી આવેલું છે. પણ બુદ્ધની પૂર્વે જે જડવાદ પ્રવર્તતો હતો તે બહુ અણઘડ પ્રકારનો હતો; તે એમ શીખવતો હતો કે ‘ખાઓ, પીઓ અને મોજ કરો; ઈશ્વર આત્મા કે સ્વર્ગ જેવું કંઈ નથી. ‘ધર્મ’ તો કુટિલ પુરોહિતોએ ઉપજાવી કાઢ્યો છે.’ એ એવી નીતિ શીખવતો કે તમે જીવો ત્યાં સુધી તમારે સુખપૂર્વક જીવવું. ખાવા માટે કરજ કરવું પડે તો પણ કરવું અને તેને પાછું ભરપાઈ કરવાની ચિંતા ન કરવી. આ હતો પ્રાચીન જડવાદ. આજે પણ તે એટલો બધો ફેલાયેલો છે કે તેને ‘લોકાયત દર્શન’ તરીકે ઓળખવામાં આવે છે. બુદ્ધે વેદાંતને પ્રકાશમાં લાવી લોકો સુધી પહોંચાડ્યું અને તે દ્વારા ભારતને ઉગાર્યું. તેના મૃત્યુ પછી હજાર વર્ષ બાદ તેવી જ પરિસ્થિતિ ફરીથી ઉત્પન્ન થઈ. આમજનતા અને વિવિધ જાતિઓએ બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો હતો. સ્વાભાવિક રીતે જ આગળ જતાં બુદ્ધના ઉપદેશોનું અધઃપતન થયું, કારણ કે મોટાભાગના લોકો અજ્ઞાની હતા. બૌદ્ધ ધર્મ કોઈ ઈશ્વર અને વિશ્વના નિયંતા વિશે કશો જ ઉપદેશ આપતો નહોતો. પરિણામે લોકો પોતાના દેવો, ભૂતપિશાચો અને પ્રેતોને પાછા લાવ્યા અને ભારતમાં બૌદ્ધધર્મનો જબરજસ્ત શંભુમેળો થઈ પડ્યો. વળી પાછો જડવાદ આવી પડ્યો. ઉચ્ચ વર્ગના લોકોમાં તેણે સ્વેચ્છાચારનું રૂપ લીધું અને નીચલા વર્ગના લોકોમાં તેણે વહેમનું રૂપ લીધું. પછી આવ્યા શંકરાચાર્ય. પરિણામે વળી પાછું વેદાંત તત્ત્વજ્ઞાનનું પુનરુત્થાન થયું. તેમણે તેને બુદ્ધિગમ્ય તત્ત્વજ્ઞાન બનાવ્યું. ઉપનિષદમાંનાં વિધાનો ઘણીવાર ખૂબ જ અસ્પષ્ટ હોય છે. બુદ્ધે આ તત્ત્વજ્ઞાનની નીતિની બાજુ પર ભાર મૂક્યો અને શંકરાચાર્યે બુદ્ધિ પર ભાર મૂક્યો. શંકરાચાર્યે અદ્વૈતની અદ્ભુત સુસંગત વિચારસરણી ઘડી કાઢી, તથા તેને બુદ્ધિગમ્ય બનાવીને લોકો પાસે રજૂ કરી.
યુરોપમાં આજે જડવાદ પ્રવર્તે છે. આધુનિક નાસ્તિકોની મુક્તિ માટે તમે ભલે પ્રાર્થના કરો, પણ તેઓ નમતા નથી; તેમને તો તર્ક જોઈએ છે. યુરોપનો ઉદ્ધાર બુદ્ધિગમ્ય ધર્મ ઉપર આધાર રાખે છે અને અદ્વૈત, એકતા, નિર્વિશેષ ઈશ્વરની કલ્પના, એ જ એક જ માત્ર ધર્મ છે કે જે બુદ્ધિશાળી લોકો પર તરત પકડ જમાવી શકે. જ્યારે ધર્મનો લોપ થતો દેખાય છે અને અધર્મ પ્રબળ બને છે, ત્યારે અદ્વૈત આગળ આવે છે; અને આ કારણોથી જ તેણે યુરોપ અને અમેરિકામાં મૂળ નાખ્યાં છે.
આ તત્ત્વજ્ઞાનના સંબંધમાં હું તમને એક બીજી પણ વાત કહેવા માગું છું. પ્રાચીન ઉપનિષદોમાં આપણને ઉદાત્ત કાવ્ય મળે છે; તેના કર્તા કવિઓ હતા. પ્લેટો કહે છે કે, લોકોને કાવ્યમાંથી અંતઃપ્રેરણા મળે છે અને એમ લાગે છે કે આ સત્યદ્રષ્ટા પ્રાચીન ઋષિઓને કાવ્ય દ્વારા આ સત્યોનું દર્શન કરાવવા માટે જ જાણે કે માનવ કક્ષાથી વધુ ઊંચે ચડાવવામાં આવ્યા હતા. તેઓ કદી ઉપદેશ આપતા નહોતા, તાત્ત્વિક ચર્ચા કરતા નહોતા કે કશું લખતા પણ નહોતા. તેમના હૃદયમાંથી સંગીત નીકળી પડ્યું. બુદ્ધમાં આપણને વિશાળ, વિશ્વગ્રાહી હૃદય અને અનંત ધીરજ દેખાય છે; તેમણે ધર્મને વ્યવહારુ બનાવીને દરેકના ઘર આંગણે પહોંચાડ્યો. શંકરાચાર્યમાં આપણે દરેક બાબત પર વિવેકનો ઝળહળતો પ્રકાશ ફેંકતી અસાધારણ બુદ્ધિશક્તિ જોઈ. આજે આપણને પ્રેમ અને દયાથી પૂર્ણ બુદ્ધના અદ્ભુત અનંત હૃદયની સાથે સાથે શંકરાચાર્યની પ્રખર મેધારૂપી સૂર્યની જરૂર છે. આ સંજોગોમાંથી આપણને સર્વોચ્ચ તત્ત્વજ્ઞાન મળશે. ધર્મ અને વિજ્ઞાન એકત્ર આવીને પરસ્પર હાથ મિલાવશે; કવિતા અને તત્ત્વજ્ઞાન મિત્રો બનશે. આ જ ભવિષ્યનો ધર્મ બનશે અને જો આપણે તેને અમલમાં મૂકી શકીએ તો આપણે ખાતરી રાખી શકીએ કે એ ધર્મ સર્વકાળને માટે અને સર્વ લોકોને માટે હશે. આ એક જ માર્ગ આધુનિક વિજ્ઞાનને સ્વીકાર્ય બનશે, કારણ કે તે લગભગ તેની નજીક પહોંચ્યો છે. જ્યારે વિજ્ઞાનનો ઉપદેશક ભારપૂર્વક એમ કહે કે સઘળી વસ્તુઓ એક જ શક્તિની અભિવ્યક્તિ છે, ત્યારે તમને ઉપનિષદમાં વર્ણવેલા ઈશ્વરનું સ્મરણ નથી થતું? – કે
अग्निर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव।
एकस्तथा सर्वभूतान्तरात्मा रूपं रूपं प्रतिरूपो बहिश्च॥
‘જેમ એક જ અગ્નિ, વિશ્વમાં પ્રવેશીને જુદાં જુદાં રૂપે પોતાને પ્રગટ કરે છે, તેમ એ જ સર્વવ્યાપી આત્મા પ્રત્યેક જીવાત્મામાં પોતાને પ્રગટ કરે છે અને છતાં તેનાથી તે અનંતગણો વધારે છે.’ તમે નથી જોઈ શકતા કે વિજ્ઞાન કઈ દિશામાં જઈ રહ્યું છે? હિંદુ પ્રજા તત્ત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર દ્વારા મનનો અભ્યાસ કરીને આગળ વધી. પાશ્ચાત્ય પ્રજાઓ બાહ્ય પ્રકૃતિથી શરૂઆત કરે છે અને હવે તે પણ એ જ નિર્ણય ઉપર આવી રહી છે. આપણને જણાય છે કે મન દ્વારા શોધ કરવાથી છેવટે આપણે તે સર્વવ્યાપી તત્ત્વ, તે સર્વનો અંતરાત્મા, તે સર્વવસ્તુનો સાર આ સત્તા, નિત્ય મુક્ત, નિત્ય આનંદસ્વરૂપ, અનંત એકતા પર આવીએ છીએ. ભૌતિક વિજ્ઞાન દ્વારા પણ આપણે તે જ એકત્વમાં પહોંચીએ છીએ. વિજ્ઞાન આજે આપણને કહે છે કે સઘળી વસ્તુઓ સર્વ અસ્તિત્વના સરવાળારૂપ એક જ શક્તિની અભિવ્યક્તિરૂપ છે અને માનવજાતનું વલણ બંધન તરફ નહિ પણ મુક્તિ તરફ છે. મનુષ્યોએ નીતિમાન શા માટે થવું જોઈએ? કારણ કે નીતિ દ્વારા જ મુક્તિનો માર્ગ છે, અનીતિ તો બંધન તરફ લઈ જાય છે.
અદ્વૈતની બીજી વિશિષ્ટતા એ છે કે પ્રથમથી જ તે વિઘાતક નથી. બીજી વિશિષ્ટતા એવો પ્રચાર કરવાની તેની હિંમતમાં છે કે ભલે અજ્ઞાનથી લોકો નીચલી કોટિની ભક્તિ કરતા હોય તો પણ ‘કોઈની શ્રદ્ધાને ન તોડો.’ તેમનું કહેવું એવું છે કે બીજાની શ્રદ્ધાને ડગાવો નહિ, પણ તે દરેકને વધુમાં વધુ ઊંચે જવામાં મદદ કરો; આખી માનવજાતને સમાવી લો. આ તત્ત્વજ્ઞાન એવા ઈશ્વરનો ઉપદેશ કરે છે કે જે સર્વના સરવાળારૂપ છે. તમે સર્વને લાગુ પડે તેવા વિશ્વધર્મની શોધમાં હો તો તે ધર્મ માત્ર અમુક ટુકડાઓનો બનેલો ન હોવો જોઈએ, પણ હંમેશાં બધાના કુલ સરવાળારૂપ હોવો જોઈએ, ધાર્મિક વિકાસની સર્વ શક્તિઓને આવરી લેતો હોવો જોઈએ.
આ વિચાર બીજી કોઈપણ ધર્મપ્રણાલીમાં સ્પષ્ટ રીતે દેખાતો નથી. તે બધા તો સમગ્રને પહોંચવાનો એકસરખી રીતે પ્રયત્ન કરતા માત્ર વિભાગો છે; વિભાગોનું અસ્તિત્વ સમગ્રને પહોંચવા માટે જ હોય છે. આથી ભારતમાં હસ્તી ધરાવતા વિવિધ સંપ્રદાયો સાથે અદ્વૈતનો પ્રથમથી જ કોઈ વિરોધ નથી. દ્વૈતવાદીઓ આજે પણ છે અને ભારતમાં તેમની સંખ્યા મોટામાં મોટી છે, કારણ કે દ્વૈતવાદ ઓછામાં ઓછા શિક્ષિત માનસને સાહજિક રીતે જ આકર્ષે છે. વિશ્વનો તે ઘણો સગવડભર્યો, સ્વાભાવિક અને સામાન્યજનને માટે બુદ્ધિગ્રાહ્ય ખુલાસો છે. પરંતુ આ દ્વૈતવાદીઓ સાથે અદ્વૈતવાદીઓને કોઈ ઝઘડો નથી. દ્વૈતવાદી માને છે કે ઈશ્વર વિશ્વની બહાર ક્યાંક સ્વર્ગમાં છે, જ્યારે અદ્વૈતવાદી એમ માને છે કે તેનો પોતાનો આત્મા જ ઈશ્વર છે, તે પોતાથી જરા પણ દૂર છે તેમ તેના વિશે કહેવું એમાં તેની નિંદા થાય છે. જુદાપણાનો કોઈપણ ખ્યાલ ભયંકર છે; ઈશ્વર નજીકમાં નજીક છે. આ નિકટપણું બતાવવા માટે કોઈપણ ભાષામાં એક પણ શબ્દ નથી – સિવાય કે એકત્વ. જેમ દ્વૈતવાદી અદ્વૈતના વિચારથી આઘાત પામે છે અને તેને પાપરૂપ ગણે છે, તેમ અદ્વૈતવાદી બીજા કોઈપણ વિચારથી સંતોષ પામતો નથી. પણ સાથોસાથ અદ્વૈતવાદી જાણે છે કે આ બીજા વિચારો હોવા જ જોઈએ અને તેથી જ દ્વૈતવાદી સાચા માર્ગ ઉપર હોઈ, તેની સામે અદ્વૈતવાદીને કશો ઝઘડો નથી. પોતાના દૃષ્ટિબિંદુથી દ્વૈતવાદીએ બહુત્વ જોવું જ પડે; તેના દૃષ્ટિબિંદુની તે એક સ્વાભાવિક જરૂરિયાત છે. તે ભલે રહી. અદ્વૈતવાદી સમજે છે કે દ્વૈતવાદીના સિદ્ધાંતો ગમે તેવા હોય છતાં જે ધ્યેયે પોતે જઈ રહ્યો છે, તે જ ધ્યેયે દ્વૈતવાદી પણ જઈ રહ્યો છે. પોતાના દૃષ્ટિબિંદુથી દ્વૈતવાદીને એમ માનવાની ફરજ પડે છે કે પોતાનાથી જુદી બીજી બધી દૃષ્ટિઓ ખોટી છે; અને અહીં અદ્વૈતવાદી તેનાથી સંપૂર્ણ રીતે જુદો પડે છે. દુનિયાભરના દ્વૈતવાદીઓ સ્વાભાવિક રીતે જ વ્યક્તિરૂપ ઈશ્વરમાં માને છે; આ વ્યક્તિરૂપ ઈશ્વર સર્વ રીતે માનવ સ્વભાવ સંપન્ન છે અને આ દુનિયાના કોઈ મહાન સમ્રાટ તરીકે કેટલાકો પર તે પ્રસન્ન થાય છે અને કેટલાકો પર નારાજ થાય છે; કેટલીક પ્રજા તથા જાતિઓ ઉપર તે મનસ્વી રીતે પ્રસન્ન છે, તેમને આશીર્વાદથી નવરાવી દે છે.
આમ, સ્વાભાવિક રીતે દ્વૈતવાદીઓ એવા નિર્ણય પર આવે છે કે ઈશ્વરને પોતાના પ્રીતિપાત્ર માણસો હોય છે અને પોતે એવા પ્રીતિપાત્રમાંનો એક બનવા ચાહે છે. લગભગ બધા ધર્મોમાં તમે એવો વિચાર પ્રવર્તતો જોશો કે ‘અમે ઈશ્વરના માનીતા છીએ અને અમે જેવી શ્રદ્ધા રાખીએ છીએ તેવી શ્રદ્ધા રાખવાથી જ તમે પણ તેના માનીતા બની શકશો.’ કેટલાક દ્વૈતવાદીઓ વળી બહુ જ સંકુચિત મનોવૃત્તિવાળા હોય છે; તેઓ ભારપૂર્વક કહે છે કે ઈશ્વરના કૃપાપાત્ર થવા માટે જે થોડાક લોકો પ્રથમથી જ નિર્મિત થયા છે તેમનો જ ઉદ્ધાર થઈ શકે, બાકીના ગમે તેટલો સખત પ્રયાસ કરે તો પણ તેઓ કદી સ્વીકાર્ય નહીં બને. મારો દાવો છે કે એવો એક પણ દ્વૈતવાદી ધર્મ મને નહિ બતાવી શકો જેમાં આ જાતની અન્યનો બહિષ્કાર કરવાની વૃત્તિ ઓછેવત્તે અંશે ન હોય; અને માટે જ સ્વાભાવિક રીતે જ દ્વૈતવાદી ધર્મોને એકબીજા સાથે લડાઈ-ઝઘડો કર્યા સિવાય છૂટકો નથી; અને તેઓ આમ કર્યા જ કરે છે. વળી આ દ્વૈતવાદીઓ અશિક્ષિત મનુષ્યોના મિથ્યાભિમાનને પોષીને લોકપ્રિયતા મેળવે છે; પોતે ખાસ હક્કો ભોગવે છે તેમ માનવામાં તેમને મજા આવે છે. દ્વૈતવાદી માને છે કે જ્યાં સુધી હાથમાં ડંડો રાખી તમને શિક્ષા કરવા તત્પર બેઠેલો કોઈક ઈશ્વર ન હોય ત્યાં સુધી તમે નીતિમાન બની ન શકો. લાંબો વિચાર કરી ન શકતો આમવર્ગ મોટે ભાગે દ્વૈતવાદી જ હોય છે; આ બિચારાઓ ઉપર દરેક દેશમાં હજારો વર્ષો સુધી જુલમ ગુજારવામાં આવ્યા છે, તેથી તેમનો મુક્તિનો ખ્યાલ શિક્ષાના ભયમાંથી મુક્તિ, એવો છે. અમેરિકામાં એક પાદરીએ મને પૂછેલુંઃ ‘શું, તમારા ધર્મમાં કોઈ શેતાન નથી? એ કેમ બને?’ પણ આપણે જાણીએ છીએ કે આ દુનિયામાં જે સર્વોત્તમ અને સર્વશ્રેષ્ઠ માણસો જન્મ્યા છે તેઓ આવા ઉચ્ચ અને વ્યક્તિત્વની ભાવનારહિત વિચારો લઈને કાર્ય કરી ગયા છે. ઈશુએ કહ્યુંઃ ‘હું અને મારા પિતા એક છીએ.’ ઈશુની શક્તિ લાખો લોકોમાં ઊતરી આવી છે. હજારો વર્ષો સુધી એ શક્તિએ કલ્યાણ માટે જ કાર્યો કર્યાં છે. આપણે જાણીએ છીએ કે ઈશુ અદ્વૈતવાદી હોવાને કારણે બીજા પ્રત્યે દયાળુ હતા. વ્યક્તિરૂપ હતા. વ્યક્તિરૂપ ઈશ્વર સિવાય અન્ય વધુ ઉચ્ચ તત્ત્વોને સમજી ન શકતી સામાન્ય જનતાને તે કહેતાઃ ‘સ્વર્ગમાંના તમારા પિતાની પ્રાર્થના કરો.’ જે લોકો વધુ ઉચ્ચ વિચાર ગ્રહણ કરી શકતા તેમને તે કહેતાઃ ‘હું વેલો છું, તમે શાખાઓ છો.’ પણ પોતાના જે શિષ્યો પાસે તેમણે પોતાનું સ્વરૂપ વિશેષ પૂર્ણરૂપે પ્રગટ કરેલું, તેમની પાસે તેમણે શ્રેષ્ઠ સત્ય જાહેર કર્યું કે ‘હું અને મારા પિતા એક જ છીએ.’
મહાન બુદ્ધ કદી દ્વૈતવાદીના દેવોની પરવા કરતા નહિ; તેમને નાસ્તિક અને જડવાદી કહેવામાં આવ્યા હતા. છતાં એક રાંક બકરા માટે પણ તે પોતાના દેહનું બલિદાન આપવા તત્પર થયા હતા. કોઈપણ પ્રજા પાસે કદીયે હોઈ શકે નહીં તેવી નીતિની ઉચ્ચ ભાવનાને તે માનવે (બુદ્ધે) પ્રવર્તિત કરી. જ્યાં જ્યાં નીતિના નિયમો છે ત્યાં ત્યાં બુદ્ધના તેજની જ એ રેખા છે. આ યુગમાં જ્યારે માનવજાતના ઇતિહાસમાં સો વર્ષ પહેલાં સ્વપ્ને પણ નહિ વિચારાયેલો તેવો બુદ્ધિવિકાસ થયો છે અને જ્યારે પચાસ વર્ષ પહેલાં સ્વપ્ને પણ ખ્યાલ ન કર્યો હોય તેવો વૈજ્ઞાનિક જ્ઞાનનો મહાન જુવાળ આવ્યો છે, ત્યારે તો ખાસ કરીને દુનિયાના વિશાળ હૃદયને જબરદસ્તી દ્વારા સંકુચિત મર્યાદામાં ગોંધી રાખી નહીં શકીએ. લોકોને સંકુચિત ક્ષેત્રમાં જબરદસ્તીથી લાવવાનો પ્રયાસ કરવાથી તમે તેમને પશુઓ કે અવિચારી ટોળાંની કક્ષાએ ઉતારી પાડો છો. તેમના નૈતિક જીવનનો તમે નાશ કરો છો. મહાનમાં મહાન હૃદય સાથે ઊંચામાં ઊંચી બુદ્ધિમત્તા તથા અનંત પ્રેમની સાથે અનંત જ્ઞાનના સમન્વયની અત્યારે આવશ્યકતા છે. વેદાંત ઈશ્વરને આ ત્રણ – અનંત સત્, અનંત ચિત્ અને અનંત આનંદ – સિવાય બીજાં લક્ષણો આપતું નથી; આ ત્રણેયને તે એક જ લેખે છે. જ્ઞાન અને પ્રેમ સિવાય સત્ હોઈ ન શકે; પ્રેમ વિના જ્ઞાન અને જ્ઞાન વિના પ્રેમ ન હોઈ શકે. આપણે સત્-ચિત્-આનંદનો સમન્વય જોઈએ છે, કારણ કે તે આપણું ધ્યેય છે. આપણને એકપક્ષી વિકાસ નહીં પરંતુ સમન્વય જોઈએ છે અને શંકરાચાર્યની બુદ્ધિની સાથે બુદ્ધનું હૃદય હોવું શક્ય છે. હું આશા રાખું છું કે આ મહાન સમન્વય પ્રાપ્ત કરવા આપણે સહુ સતત પ્રયત્ન કરીશું.

