(ઓગસ્ટ ૮, ૧૮૯૬)

સ્વામી વિવેકાનંદ યુરોપમાં હતા ત્યારે વેદાંત દર્શનમાં ઈશ્વરના સ્થાનની બાબતમાં પુછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે નીચે પ્રમાણે તેની વ્યાખ્યા આપેલીઃ

‘ઈશ્વર સર્વ જીવોનો સમૂહ છે અને છતાં તે પોતે એક વ્યક્તિવિશેષ છે; દાખલા તરીકે જેમ માનવશરીર એક એકમ છે અને તેમાંનો પ્રત્યેક કોશ એક વ્યક્તિ છે. સમષ્ટિ એટલે કે એકત્રિત, એ ઈશ્વરની બરોબર છે; વ્યષ્ટિ એટલે કે અલગ અલગ, એ જીવની બરોબર છે. તેથી જેમ શરીર કોશો ઉપર આધાર રાખે છે અને કોશો શરીર ઉપર આધાર રાખે છે, તેમ ઈશ્વરનું અસ્તિત્વ જીવના અસ્તિત્વ ઉપર આધાર રાખે છે અને જીવોનું અસ્તિત્વ ઈશ્વરના અસ્તિત્વ ઉપર આધાર રાખે છે. આમ જીવ અને ઈશ્વર સહઅસ્તિત્વવાળાં તત્ત્વો છે; જ્યારે એક હોય, ત્યારે બીજું હોવું જ જોઈએ. વળી આપણી આ પૃથ્વી સિવાયના બીજા બધા ઉચ્ચ લોકોમાં શુભનું પ્રમાણ અશુભના કરતાં ઘણું જ વધારે હોવાથી સમગ્રતા (ઈશ્વર)ને સર્વ શુભ છે એમ કહી શકાય. સર્વશક્તિમત્વ અને સર્વજ્ઞત્વ એ સાવ દેખીતા ગુણો છે અને સંપૂર્ણતાની જ ખુદ હકીકતરૂપ હોવાથી તેમને સાબિત કરવા માટે કોઈ દલીલની આવશ્યકતા નથી. બ્રહ્મ આ બંનેથી પર છે અને એક કોઈ પરિસીમિત અવસ્થા નથી; એ એક જ એકમ એવું છે કે જે અનેક એકમોનું બનેલું નથી, એ એક જ એવું તત્ત્વ છે કે જે કોશથી લઈને ઈશ્વર સુધી સર્વની અંદર ઓતપ્રોત થઈને રહેલું છે, તથા જેના વિના કશાનું અસ્તિત્વ ટકી શકે નહિ; જે કંઈ ખરું છે તે એ તત્ત્વ એટલે કે બ્રહ્મ છે. જ્યારે હું એમ વિચાર કરું છું કે હું બ્રહ્મ છું ત્યારે કેવળ મારું જ અસ્તિત્વ છે; એ જ પ્રમાણે બીજાઓ વિશે. તેથી દરેકે દરેક સમગ્રપણે બ્રહ્મ એ તત્ત્વ છે.’

Total Views: 127
૭. નિયમ અને મુક્તિ
૯. જીવન અને મૃત્યુના નિયમો