(જાન્યુઆરી ૨૭, ૧૮૯૬)

ગૌણી ભક્તિ તરીકે જે ઓળખાય છે, તેનો વિચાર આપણે હવે પૂરો કર્યો છે; હવે પરાભક્તિ અથવા પરમ પ્રેમના અભ્યાસમાં આપણે પ્રવેશ કરીએ છીએ. આ પરાભક્તિની સાધનાની પૂર્વતૈયારી વિશે આપણે હવે ચર્ચા કરવાની છે. આવી બધી પૂર્વતૈયારીઓ માત્ર આત્માની શુદ્ધિ માટે જ છે. નામજપ, બાહ્ય અનુષ્ઠાનો, પ્રતિમાઓ અને પ્રતીકો, આ બધી જુદી જુદી વસ્તુઓ આત્માની શુદ્ધિ કરનાર સાધન છે. આત્મશુદ્ધિ માટેનાં આ સાધનોમાં મોટામાં મોટું સાધન જેના વિના આ પરા ભક્તિના ક્ષેત્રમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી, તે ત્યાગ છે. આ વાત ઘણાંને ભડકાવે છે. પરંતુ તેના વિના કોઈથી પણ આધ્યાત્મિક વિકાસ સાધી શકાતો નથી. આપણા બધા યોગોમાં આ ત્યાગ આવશ્યક છે. આ ત્યાગ જ સર્વ આધ્યાત્મિક સંસ્કારિતાનું સોપાન, મધ્યબિંદુ અને ખરું હાર્દ છે. ત્યાગ જ ધર્મ છે.

જ્યારે માનવ-આત્મા સાંસારિક બાબતોમાંથી પાછો વળે છે; અને વધુ ઊંડી આધ્યાત્મિક બાબતોમાં ઊતરવાનો પ્રયાસ કરે છે; જ્યારે મનુષ્ય સમજે છે કે ગમે તેમ, પણ પોતાનો આત્મા સ્થૂળ અને ભૌતિક બની ગયો હોવાથી તે કેવળ જડ બની જશે, તેનો વિનાશ થશે; ત્યારે જડ વસ્તુથી વિમુખ બને છે, પછી તેના ત્યાગનો આરંભ થાય છે અને ત્યારે જ તેનો વાસ્તવિક આધ્યાત્મિક વિકાસ શરૂ થાય છે. કર્મયોગીનો ત્યાગ તેનાં કર્મફળનો ત્યાગ કરવામાં છે; તે તેનાં કર્મનાં ફળમાં આસક્ત હોતો નથી. તે આ જન્મે અથવા તો જન્માંતરે પણ કોઈ ફળની પરવા કરતો નથી. રાજયોગી જાણે છે કે સમગ્ર પ્રકૃતિ આત્માને ભિન્ન ભિન્ન પ્રકારનો અનુભવ આપવા માટે છે અને આત્માના બધા અનુભવોનું પરિણામ, પોતે પ્રકૃતિથી નિત્ય ભિન્ન છે, એમ જાણવું તે છે. માનવઆત્માને એટલું સમજવાનું અને અનુભવવાનું છે કે પોતે સનાતન કાળથી ચૈતન્ય સ્વરૂપ છે, જડ પદાર્થ સાથેનો સંયોગ માત્ર થોડાક સમય માટેનો છે અને તેવો જ હોઈ શકે. રાજયોગી પોતે પોતાના પ્રકૃતિના અનુભવોમાંથી વૈરાગ્યનો પાઠ શીખે છે. જ્ઞાનયોગીને સૌથી વધુ આકરા વૈરાગ્યમાંથી પસાર થવું પડે છે, કેમ કે શરૂઆતથી જ આ જડ પદાર્થ જેવી દેખાતી સમસ્ત પ્રકૃતિ એક ભ્રમ છે એવી ધારણા તેણે કરી લેવાની હોય છે. તેણે સમજી લેવાનું હોય છે કે પ્રકૃતિમાં શક્તિની જે કાંઈ અભિવ્યક્તિ થાય છે તે પ્રકૃતિની નહીં પરંતુ આત્માની છે. તેણે શરૂઆતથી સમજવાનું હોય છે કે સમગ્ર જ્ઞાન અને સમસ્ત અનુભવ આત્મામાં વિદ્યમાન છે, નહીં કે પ્રકૃતિમાં. એટલા માટે તેણે કેવળ તર્કપૂર્વકના નિશ્ચયના બળે સમસ્ત પ્રકૃતિનાં બંધનમાંથી પોતાની જાતને છોડાવી નાખવાની હોય છે. તે પ્રકૃતિને તથા સઘળા પ્રાકૃતિક પદાર્થને છોડી દે છે, તે તેમને લુપ્ત થવા દે છે. પોતે એકાકી ખડો રહેવાનો પુરુષાર્થ કરે છે!

તમામ પ્રકારના ત્યાગોમાં ભક્તિયોગીનો ત્યાગ સૌથી વધારે સ્વભાવિક છે એમ કહી શકાય. એમાં કોઈપણ જાતની બળજબરી નથી. પોતાની પાસેની કોઈ વસ્તુ છોડી દેવાની નથી. કોઈ વસ્તુને ફેંકી દેવાની નથી. પોતાની જાતને કઠોરતાપૂર્વક કોઈપણ વસ્તુથી જુદી પાડવાની નથી. ભક્તનો ત્યાગ સહજ, સરળ અને પોતાની આસપાસની વસ્તુઓ જેટલો જ સ્વાભાવિક છે. આ પ્રકારના વૈરાગ્યના આવિર્ભાવને હંમેશાં આપણી આસપાસ બેશક વધતે ઓછે અંશે વિકૃત સ્વરૂપમાં વ્યક્ત થયેલો આપણે જોઈએ છીએ. કોઈ પુરુષ એક સ્ત્રીને ચાહવા લાગે છે; કેટલાક સમય પછી તે બીજીને ચાહે છે અને પહેલી સ્ત્રીને ભૂલી જાય છે; તેના મનમાંથી પહેલી સ્ત્રી ધીમે ધીમે સહેલાઈથી નીકળી જાય છે અને તેનો અભાવ તેને જરાય જણાતો નથી. એક સ્ત્રી કોઈ પુરુષને ચાહે છે; પછી તે કોઈ બીજાને ચાહવા માંડે છે અને તેના મનમાંથી પ્રથમ પુરુષ તદ્દન સ્વાભાવિક રીતે નીકળી જાય છે. માણસ પોતાના વતનને ચાહે છે, પછી તે પોતાના દેશને ચાહવા માંડે છે અને તેના નાનકડા વતન માટેનો ગાઢ પ્રેમ સ્વભાવિક રીતે અને સહેલાઈથી નીકળી જાય છે. વળી મનુષ્ય સમગ્ર જગતને ચાહવા લાગે છે કે તરત જ તેનો દેશ માટેનો પ્રેમ—તેની ગાઢ અને ઉન્મત્ત દેશદાઝ તેને સ્પર્શ્યા વિના, બળજબરીની કોઈપણ પ્રકારની નિશાની વિના ખરી પડે છે. એક અસંસ્કારી માણસ ઇન્દ્રિયસુખમાં રાચે છે, જેમ જેમ તે સંસ્કારી બને છે તેમ તેમ તે બૌદ્ધિક આનંદમાં રાચે છે અને તેના વિષયભોગો ક્રમશઃ ઓછા ને ઓછા થતા જાય છે. એક કૂતરો અથવા એક વરુ જેટલા સ્વાદ અને આનંદથી પોતાનું ખાવાનું ખાય છે તેટલા સ્વાદ અને આનંદથી કોઈપણ મનુષ્ય પોતાનું ભોજન ખાઈ શકતો નથી; પરંતુ મનુષ્ય બૌદ્ધિક અનુભવ અને ઉપલબ્ધિઓમાંથી જે આનંદ મેળવે તે કૂતરો કદી મેળવી શકતો નથી. સૌ પ્રથમ નીચામાં નીચી ઇન્દ્રિયોના વિષયો સાથેના સંબંધથી આનંદ મળે છે; પરંતુ જેમ જેમ પ્રાણી જીવનની વધુમાં વધુ ઊંચી ભૂમિકા પર પહોંચે છે તેમ તેમ હલકા પ્રકારના આનંદોની તીવ્રતા ઓછી થતી જાય છે. માનવસમાજમાં માણસ પશુની જેટલો વધુ નજીક હોય છે તેટલો તેનો આનંદ ઇન્દ્રિયસુખોમાં વધુ પ્રબળ હોય છે; અને મનુષ્ય જેટલો વધુ ઉચ્ચ અને વધુ સંસ્કારી હોય છે તેટલો તેનો આનંદ બૌદ્ધિક અને એવા પ્રકારની અન્ય વધુ સૂક્ષ્મ બાબતોમાં હોય છે. એટલે જ્યારે મનુષ્ય બુદ્ધિની ભૂમિકા કરતાં વધુ ઊંચે જાય છે, કેવળ વિચારની ભૂમિકા કરતાં વધુ ઊંચે જાય છે અને જ્યારે દિવ્ય પ્રેરણા અને આધ્યાત્મિકતાની ભૂમિકાએ પહોંચે છે, ત્યારે તે એક પરમ આનંદમય સ્થિતિ પ્રાપ્ત કરે છે, તેની સરખામણીમાં સાંસારિક સુખો નહિવત્ જણાય છે. જ્યારે ચન્દ્રનો ઉજ્જવળ પ્રકાશ દેખાય છે, ત્યારે બધા તારાઓ ઝાંખા પડી જાય છે; અને જ્યારે સૂર્ય પ્રકાશે છે ત્યારે ખુદ ચન્દ્ર પણ પ્રભાહીન બની જાય છે; ભક્તિ માટેના આવશ્યક ત્યાગની પ્રાપ્તિ કોઈપણ વસ્તુનો નાશ કરીને થતી નથી, પરંતુ વધતા જતા પ્રબળ પ્રકાશના સાંનિધ્યમાં મંદ પ્રકાશવાળા પદાર્થો જેમ વધુ અને વધુ ઝાંખા થતા થતા સંપૂર્ણપણે વિલીન થઈ જાય છે, તેમ આ ત્યાગ પણ તેવી જ સ્વભાવિકતાથી આવે છે. એ જ પ્રમાણે ઇન્દ્રિયોના અને બુદ્ધિના ઉપભોગ પ્રત્યેની આ આસક્તિ પણ સ્વયં ઈશ્વર પ્રત્યેના પ્રેમ વડે નિષ્પ્રભ બની જાય છે અને દૂર ફેંકાઈ જાય છે.

ઈશ્વરનો પ્રેમ વૃદ્ધિ પામીને પરાભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે. જેને આ ઈશ્વરપ્રેમનો અનુભવ થાય છે તેને માટે પછી પ્રતીકો અદૃશ્ય થાય છે, અનુષ્ઠાનો દૂર નાસી જાય છે, ગ્રંથોને રજા મળે છે; મૂર્તિઓ, મંદિરો, દેવળો, ધર્મો અને સંપ્રદાયો, દેશ અને જાતિયતા, આવાં બધાં નાના નાના વાડાઓ અને બંધનો સ્વાભાવિક રીતે ખરી પડે છે. તેને બંધન કરે અથવા તેની સ્વતંત્રતાને તોડી નાખે તેવું કશું જ પછી રહેતું નથી. અચાનક કોઈ વહાણ લોહચુંબકના ખડકની સમીપ આવે તો તેના લોઢાના તમામ ખીલાઓ ખેંચાઈને બહાર નીકળી જાય છે અને પાટિયાં છૂટાં પડી જઈને પાણી ઉપર તરવા લાગે છે, એ જ પ્રમાણે ભગવદ્કૃપા, આત્માને બદ્ધ કરનારા આવા ખીલાઓને કાઢી નાખે છે અને આત્મા મુક્ત બને છે. આમ, ભક્તિના સહાયક ત્યાગમાં કોઈ પ્રકારની કર્કશતા નથી, કોઈ શુષ્કતા નથી, કશો સંઘર્ષ નથી, કોઈ જાતનું દબાણ નથી, કોઈ જાતનો જુલમ નથી. ભક્તે પોતાની એકેય ઊર્મિને દબાવવાની નથી; તે માત્ર તેમને પ્રબળ બનાવી ઈશ્વરાભિમુખ કરવા મથે છે.

Total Views: 215
૬. ઇષ્ટ
૨. ભક્તનો વૈરાગ્ય પ્રેમમાંથી ઉદ્‌ભવે છે