ધ્યાનાત્મક તેમજ તર્કયુક્ત ફિલસૂફી અને વેદાદિ ધર્મગ્રંથમાં સમાયેલા નીતિધર્મના પાયા ઉપર હિંદુ ધર્મનાં મુખ્ય મુખ્ય લક્ષણો આધારિત છે. વેદો કહે છે કે અવકાશની દૃષ્ટિએ વિશ્વ અનંત છે અને કાળની દૃષ્ટિએ સનાતન છે. તેનો કદી આદિ હતો નહિ અને અંત થશે નહિ. જડદ્રવ્યના ક્ષેત્રમાં ચૈતન્યની શક્તિની, તથા સાન્તના સામ્રાજ્યમાં અનંતના બળની અભિવ્યક્તિઓ અસંખ્ય થઈ છે, છતાં અનંત પોતે સ્વતઃસિદ્ધ, સનાતન અને અપરિવર્તનશીલ છે. અનંતતાના ફલક પર કાળનો પ્રવાહ કશી પણ નિશાની પાડી શકતો નથી. માનવ બુદ્ધિથી સંપૂર્ણપણે અગ્રાહ્ય એવા એના અતીન્દ્રિય સામ્રાજ્યમાં નથી ભૂતકાળ કે નથી ભવિષ્યકાળ.
વેદો કહે છે કે માનવનો આત્મા અમર છે. શરીર વૃદ્ધિ અને ક્ષયના નિયમને આધીન છે. જેની વૃદ્ધિ થાય તેનો અવશ્ય ક્ષય થાય. પરંતુ અંદરનો આત્મા અનંત અને શાશ્વત જીવન સાથે સંકળાયેલો છે; તેનો કદી જન્મ થયો ન હતો તેમ તેનું કદી મૃત્યુ પણ થશે નહિ. વેદાંત અને ખ્રિસ્તી ધર્મ વચ્ચે મુખ્ય તફાવત એ છે, ખ્રિસ્તી ધર્મ કહે છે કે આ જગતમાં જન્મ થતાંની સાથે આત્માની શરૂઆત થઈ, જ્યારે વેદાંત કહે છે કે માણસનો આત્મા સનાતન તત્ત્વનો જ આવિર્ભાવ છે અને ઈશ્વરની પેઠે તેને કદી આદિ છે જ નહિ. આધ્યાત્મિક ઉન્નતિના મહાન નિયમને આધીન રહીને એક શરીરમાંથી બીજા શરીરમાં – એમ તેની મુસાફરીમાં – તેના અસંખ્ય આવિર્ભાવ થયા છે અને થશે; અને અંતે તે પૂર્ણતાએ પણ પહોંચશે. એ અવસ્થાએ પહોંચ્યા પછી કશું જ પરિવર્તન નથી.

