૧૯મી જૂન સને ૧૮૯૫

આ દિવસે બુધવાર, સ્વામી વિવેકાનંદે પોતાના શિષ્યોને થાઉઝન્ડ આઈલેન્ડ પાર્કમાં નિયમિત રીતે રોજ ઉપદેશ આપવાનો આરંભ કર્યો, એમ દર્શાવે છે. અમે બધા હજુ ત્યાં એકઠા પણ થયા ન હતા; પણ ગુરુદેવનું હૃદય હંમેશાં પોતાના કામમાં મગ્ન રહેતું હોવાથી, તેમણે જે ત્રણચાર શિષ્યો તેમની સાથે હતા તેમને તરત જ ઉપદેશ આપવો શરૂ કર્યો. આ પહેલે દિવસે સવારમાં તેઓ હાથમાં બાઇબલ લઈને આવ્યા અને જહોનનું પ્રકરણ ઉઘાડીને કહ્યુંઃ ‘તમે બધા ખ્રિસ્તીઓ હોવાથી હું ખ્રિસ્તી શાસ્ત્રોથી શરૂઆત કરું એ યોગ્ય છે.’

‘સૃષ્ટિના આરંભમાં ‘શબ્દ’ હતો અને ‘શબ્દ’ ઈશ્વરની સાથે હતો અને ‘શબ્દ’ જ ઈશ્વર હતો.’ હિંદુઓ ઈશ્વરની આ અભિવ્યક્તિને માયા કહે છે, કારણ કે તે ઈશ્વરની શક્તિ છે. બ્રહ્મ જ્યારે વિશ્વમાં પ્રતિબિંબિત થાય છે ત્યારે તેને આપણે પ્રકૃતિ કહીએ છીએ.‘શબ્દ’નાં બે પ્રકટ સ્વરૂપો છે; સામાન્ય સ્વરૂપ છે પ્રકૃતિ અને વિશેષ સ્વરૂપ છે ઈશ્વરના મહાન અવતારો જેવા કે શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને શ્રીરામકૃષ્ણ. બ્રહ્મનું વિશેષ સ્વરૂપ ઈશુ ખ્રિસ્ત જ્ઞાત અને જ્ઞેય છે, બ્રહ્મ પોતે અજ્ઞેય છે. આપણે બ્રહ્મને ન જાણી શકીએ, માત્ર અવતારને જ જાણી શકીએ. બ્રહ્મને ‘માનવતાના અંશ’ દ્વારા જ એટલે કે અવતાર પુરુષ ઈશુ દ્વારા જ આપણે જાણી શકીએ.

જહોનના પહેલા પાંચ શ્લોકોમાં ખ્રિસ્તી ધર્મનું સમગ્ર રહસ્ય આવી જાય છે; પ્રત્યેક શ્લોકમાં ગંભીરમાં ગંભીર તત્ત્વજ્ઞાન ભર્યું છે.

પૂર્ણ કદીયે અપૂર્ણ થતું નથી. અંધકારમાં તે છે, પણ અંધકાર તેના પર અસર કરી શકતો નથી. ઈશ્વરની દયા સૌ ઉપર વરસે છે પણ સૌની દુષ્ટતાથી ઈશ્વર અલિપ્ત રહે છે. આપણી આંખના કોઈ દોષને લીધે આપણે સૂર્યને વિકૃત સ્વરૂપે જોઈએ, છતાંય સૂર્યને તેની કંઈ અસર થતી નથી. ઓગણત્રીસમા શ્લોકમાં ‘જગતનું પાપ હરી લે છે’ તે વચનનો અર્થ એવો થાય છે કે ઈશુ આપણને પૂર્ણ થવાનો માર્ગ બતાવશે. ઈશ્વર માણસને તેનું પોતાનું ખરું સ્વરૂપ બતાવવા—આપણે પણ ઈશ્વર છીએ તે બતાવવા—ઈશુરૂપે થયા. દિવ્ય તત્ત્વ ઉપર આપણે માનુષી આવરણો છીએ, પણ દિવ્યત્વ તરીકે ઈશુ અને આપણે એક છીએ.

ત્રિમૂર્તિ સંપ્રદાયનો ઈશુ આપણાથી ઉચ્ચ કોટિએ મૂકવામાં આવેલ છે; યુનિટેરિયન (એક મૂર્તિ) સંપ્રદાયનો ઈશુ માત્ર એક નીતિમાન માણસ છે. બંનેમાંથી એક પણ આપણને સહાયભૂત બની શકે નહીં. જે ઈશુ ઈશ્વરનો અવતાર છે, જેને પોતાના દિવ્યત્વની વિસ્મૃતિ નથી, તે ઈશુ આપણને મદદ કરી શકે; તેમનામાં કશી અપૂર્ણતા નથી. આ અવતારો પોતાના દિવ્યત્વ અંગે સદાય સભાન હોય છે, જન્મથી જ તેનું જ્ઞાન તેઓને હોય છે. તેઓ નાટ્યપ્રયોગ પૂર્ણ થયા પછીના અભિનેતાઓ જેવા છે; પોતાનું કાર્ય પૂર્ણ થયા પછી તેઓ અન્યને આનંદ આપવા પાછા (રંગભૂમિ પર) આવે છે. આ મહાન આત્માઓ સંસારની કોઈપણ વસ્તુથી અલિપ્ત હોય છે. આપણને ઉપદેશ આપવા અલ્પ સમયને માટે તેઓ માનવસ્વરૂપ અને માનવની મર્યાદાઓ સ્વીકારે છે, પણ વસ્તુતઃ તેઓ કદી મર્યાદિત નથી હોતા; તેઓ સર્વદા મુક્ત હોય છે…

* * * * * *

મંગલ એ સત્યની નજીક છે, પરંતુ તે સત્ય નથી. અશુભથી વ્યગ્ર ન બનવાનું શીખ્યા પછી આપણે શુભથી હરખાઈ ન જવાનું શીખવાનું છે. આપણે શોધી કાઢવું જોઈએ કે આપણે શુભ અને અશુભ બંનેથી પર છીએ; આપણે તે બંનેના પરસ્પરના સંબંધનો અભ્યાસ કરવો જોઈએ અને સમજી લેવું જોઈએ કે એ બંને આવશ્યક છે.

દ્વૈતનો વિચાર પ્રાચીન (પારસીઓ જરથુષ્ટ્રના અનુયાયીઓ છે. જરથુષ્ટ્રે એમ શીખવેલું કે સમગ્ર સૃષ્ટિ બે પ્રાથમિક મૂળ તત્ત્વોમાંથી આવી છેઃ એકને ‘અહુરમજદ’ (શુભ તત્ત્વ) અને બીજાને ‘અહ્રિમાન’ (અશુભ તત્ત્વ) કહેવાય છે.) ઈરાનીઓમાંથી આવ્યો. વાસ્તવિક રીતે શુભ અને અશુભ બંને એક જ છે (કારણ બંને માયાની જ શૃંખલા અને કાર્યો છે.) અને આપણા મનમાં જ છે. જ્યારે મન આત્મભાવને અનુભવે છે ત્યારે સારું કે ખરાબ તેને અસર કરી શકતું નથી. સંપૂર્ણ રીતે મુક્ત બનો; ત્યાર પછી બેમાંથી એક પણ મનને કંઈ અસર કરી શકશે નહીં અને આપણે મુક્તિ અને આનંદનો અનુભવ કરી શકીશું. અશુભ એ લોખંડની બેડી છે; શુભ એ સુવર્ણની બેડી છે; પણ બંને બેડીઓ જ છે. માટે મુક્ત બનો; અને હંમેશને માટે જાણી લો કે તમારા માટે કશું બંધન નથી. લોખંડની બેડીનો બંધ ઢીલો કરવા સોનાની બેડીને પકડો અને પછી બંનેને ફેંકી દો. અશુભનો કાંટો આપણા શરીરમાં છે; તે જ છોડમાંથી બીજો કાંટો લો અને તેનાથી પહેલો કાંટો કાઢો; પછી બંનેને ફેંકી દો અને મુક્ત બનો…

* * * * * *

દુનિયામાં સદા દાતાની સ્થિતિ ગ્રહણ કરો. સર્વ કંઈ આપો પણ વળતરની આશા ન રાખો. પ્રેમ આપો, સહાય આપો, સેવા આપો; જે કંઈ નાની વસ્તુ તમારાથી બની શકે તે આપો. પણ તેમાંથી ‘વળતરની ભાવના બાદ રાખો.’ કશી શરતો ન મૂકો, તો તમારા ઉપર કોઈ શરત લાદવામાં આવશે નહીં. જેમ ઈશ્વર ઉદારતાથી આપણને આપે છે તેમ આપણે પણ ઉદારતાથી આપીએ.

ઈશ્વર જ એક માત્ર દાતા છે; બાકીની દુનિયા આખી દુકાનદાર માત્ર છે. ઈશ્વરની હૂંડી મેળવો એટલે તે સર્વ જગ્યાએ સ્વીકારાશે જ.

‘ઈશ્વર એ અનિર્વચનીય, વાણીથી પર એવો પ્રેમનો સાગર છે,’ તે જાણી શકાય પણ તેની વ્યાખ્યા કરી ન શકાય.

* * * * * *

આપણી યાતનાઓ અને સંઘર્ષોને લીધે દુનિયા આપણને એક ભયાનક સ્થાન લાગે છે. પણ જેમ બે ગલૂડિયાંને આપણે રમતાં અને બચકાં ભરતાં જોઈએ ત્યારે તેની જરા પણ પરવા કરતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે એ તો એક રમત છે અને અવારનવાર તેઓ પરસ્પર બચકાં ભરી લે તોપણ કંઈ ખરેખરું નુકસાન થવાનું નથી, તેમ જ આપણા બધા સંઘર્ષો ઈશ્વરની સૃષ્ટિમાં રમતમાત્ર છે. આ દુનિયા તેની રમત માટે છે અને ઈશ્વરને રમૂજ આપે છે; તેમાંનું કંઈ પણ ઈશ્વરને કદી પણ ગુસ્સે ન કરે.

* * * * * *

‘માતા! જીવનસાગરમાં મારી નૌકા ડૂબે છે. માયાનો ઝંઝાવાત અને આસક્તિનું તોફાન પ્રત્યેક પળે વધે છે. હલેસાં મારવાવાળી મારી પાંચ (ઇંદ્રિયો) મૂર્ખ છે અને સુકાની (મન) નિર્બળ છે. હું દિશાશૂન્ય બન્યો છું, મારી નૌકા ડૂબે છે. હે મા! મને બચાવ!’

‘મા! તારો પ્રકાશ સંત કે પાપી માટે અટક્તો નથી; તે પ્રેમીને અને ખૂનીને બંનેને ચેતન આપે છે.’ સર્વના દ્વારા મા સદા વ્યક્ત થાય છે. પ્રકાશ જે વસ્તુને પ્રકાશિત કરે છે તેનાથી તે અશુદ્ધ બનતો નથી કે તેનાથી તેને લાભ પણ થતો નથી. પ્રકાશ સદા શુદ્ધ છે, સદા અવિકારી છે. પ્રત્યેક પ્રાણીની પાછળ શુદ્ધ સુંદર, સદા અવિચળ એવી ‘મા’ છે; ‘જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી હે મા! અમે તને વંદન કરીએ છીએ.’ તે જ પ્રમાણે તે ભૂખ, દુઃખ, આનંદ અને ભવ્યતામાં પણ છે. ‘જ્યારે મધમાખી મધ ચૂસે છે ત્યારે તે રૂપે ઈશ્વર જ તે આરોગે છે.’ ઈશ્વર સર્વત્ર છે તે જાણીને સંતપુરુષો સ્તુતિ અને નિંદાનો ત્યાગ કરે છે. ‘જાણજો’ કે તમને કંઈ પણ વસ્તુ નુકસાન કરી શકે નહીં. કેવી રીતે કરે? શું તમે મુક્ત નથી? શું તમે આત્મા નથી? તે આપણા જીવનનું જીવન છે, આપણી શ્રવણેન્દ્રિયની શ્રવણશક્તિ છે, આપણાં ચક્ષુઓની દર્શનશક્તિ છે.

જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની માત્ર ઉપલક ઝાંખી જ જોઈએ છીએ. આ બધા ભય જે આપણી પાછળ પડેલા છે, તે આપણા જડ દ્રવ્યમાં માનવાને કારણે છે. તેની પાછળ મન હોવાથી જ જડ પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. આપણે જે જોઈએ છીએ તે પ્રકૃતિ (‘પ્રકૃતિ’ એટલે જડ દ્રવ્ય અને મન) માં થઈને નીકળતો ઈશ્વર છે.

રવિવાર, તા. ૨૩મી જૂન

હિંમતવાન બનો તેમજ અંતરથી સાચા બનો; પછી તમે નિષ્ઠાપૂર્વક ગમે તે માર્ગનું અવલંબન લો, તમે અખંડને ‘પ્રાપ્ત કરવાના જ.’ સાંકળની એક કડીને એક વાર હાથ કરો એટલે ક્રમે ક્રમે આખી સાંકળ હાથ આવવાની જ. વૃક્ષના મૂળમાં પાણી રેડો (એટલે કે ઈશ્વરને પ્રાપ્ત કરો) એટલે આખા વૃક્ષમાં પાણી પહોંચે; ઈશ્વરને પ્રાપ્ત કરવાથી આપણે બધું પ્રાપ્ત કરીએ છીએ.

એકાંગીપણું દુનિયાનું વિષ છે. જેમ જેમ વધુ બાજુઓનો તમે વિકાસ કરો તેમ તેમ વધારે આત્માઓ તમારા થશે અને સઘળા આત્મા દ્વારા—ભક્તના આત્મા દ્વારા અને જ્ઞાનીના આત્મા દ્વારા—તમે વિશ્વને જોઈ શકશો. તમારી પોતાની પ્રકૃતિ અંગે નિર્ણય કરી લો અને તેને વળગી રહો. પ્રારંભ કરનારને માટે નિષ્ઠા (એક જ આદર્શમાં શ્રદ્ધા) જ એક માર્ગ છે; પણ શ્રદ્ધા અને અંતરની સચ્ચાઈથી બધુંય પ્રાપ્ત થશે. દેવળો, સિદ્ધાંતો, વિધિઓ એ કુમળા છોડના રક્ષણ માટેની માત્ર વાડો છે; પણ આગળ જતાં વૃક્ષ વધી શકે એટલા માટે તે બધી તોડી નાખવી જોઈએ. એ જ પ્રમાણે વિવિધ ધર્મો, બાઇબલો, વેદો, વાદો વગેરે બધાં આધ્યાત્મિકતાના નાના રોપા માટે માત્ર કૂંડાં જેવાં છે; પણ રોપાએ તે કૂંડાંમાંથી ઊગીને બહાર નીકળવું જોઈએ. એક રીતે જોઈએ તો નિષ્ઠા એ છોડને કૂંડામાં મૂકવા જેવું એટલે કે પ્રયત્ન કરતા આત્માને તેના ઇષ્ટમાર્ગમાં રક્ષણ આપવા જેવું છે.

* * * * * *

‘સમુદ્ર’ તરફ જુઓ, ‘તરંગ’ તરફ નહીં; કીડી અને દિવ્ય માનવ વચ્ચે કશો જ ભેદ ન જુઓ. જંતુમાત્ર નાઝરેથના ઈશુના ભાઈ છે. તેમાં એક મોટો છે અને બીજો નાનો છે એમ કેમ કહી શકો? પોતાના સ્થાનમાં પ્રત્યેક મહાન છે. આપણે જેટલા અહીં છીએ તેટલા જ સૂર્યમાં અને તારાઓમાં છીએ; આત્મા દેશ અને કાળથી પર છે અને સર્વત્ર છે. ઈશ્વરની સ્તુતિ કરી રહેલું દરેક વદન મારું વદન છે, ઈશ્વરને જોનાર દરેક આંખ મારી આંખ છે. આપણે ક્યાંય પણ બંધનમાં નથી; આપણે શરીર નથી, વિશ્વ જ આપણું શરીર છે. આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. તેની વિશાળ જાળમાં આપણે કરોળિયા છીએ અને જુદા જુદા તારો ઉપર તેની મરજી મુજબ જઈ શકીએ છીએ. અત્યારે તો કરોળિયો જાળમાં જે જગ્યાએ છે તે જગ્યાને જ જાણે છે; પણ સમય થતાં તેને આખીય જાળનું ભાન થશે. આપણે અત્યારે માત્ર જ્યાં આપણું શરીર છે તેને જ જાણીએ છીએ; એક જ મગજ આપણે વાપરી શકીએ છીએ. પણ જ્યારે આપણે સમાધિ અવસ્થામાં પહોંચીએ ત્યારે આપણે સઘળું જાણીએ છીએ અને સઘળાં મગજોનો ઉપયોગ કરી શકીએ છીએ. અત્યારે પણ જો આપણે ચેતનાને ‘ધક્કો મારી શકીએ’ તો તે સર્વથી પર જાય અને અતિચેતનમાં ક્રિયા કરે.

આપણે ‘હોવા’ માટે મહેનત કરીએ છીએ, બીજું કંઈ જ નહીં. ‘હું’ પણ નહીં; કેવળ શુદ્ધ સ્ફટિક, જે સઘળાનું પ્રતિબિંબ પાડે પરંતુ સર્વદા પોતે સમાન જ હોય. જ્યારે એ સ્થિતિએ પહોંચાય ત્યારે કંઈ કરવાનું રહેતું નથી; શરીરમાત્ર યંત્ર બની જાય છે; તેને પવિત્ર બનાવવાની કાળજી લેવી નથી પડતી; તે કદીય અપવિત્ર બની ન શકે.

તમે સમજી જાઓ કે તમે અનંત છો એટલે ભયનો નાશ થશે. સર્વદા કહોઃ ‘હું અને મારા પિતા (ઈશ્વર) એક જ છીએ.’

* * * * * *

સમય આવતાં દ્રાક્ષના વેલા પરનાં દ્રાક્ષનાં ઝૂમખાંની પેઠે ઈશુઓની સંખ્યા વધશે. પછી ખેલ પૂરો થશે અને અદૃશ્ય થશે—જેવી રીતે એક કીટલીમાં ઊકળતું પાણી જેમ શરૂઆતમાં એક પરપોટો ઉત્પન્ન કરે છે, પછી બીજો અને પછી વધારે ને વધારે ઉત્પન્ન થઈને અંતે બધાય ઊભરાઈ જઈને વરાળરૂપે અદૃશ્ય થઈ જાય છે, તેમ અદૃશ્ય થઈ જશે. દુનિયાએ હજી સુધીમાં ઉત્પન્ન કરેલા બે સૌથી મહાન ‘પરપોટાઓ’ બુદ્ધ અને ઈશુ છે. મોઝીઝ નાનકડો પરપોટો હતો; તેથી વધુ ને વધુ મોટા પરપોટાઓ આવતા ગયા. જો કે અમુક વખતે બધા જ પરપોટા થઈ જવાના અને મુક્ત થઈ જવાના; પણ સૃષ્ટિ સદા નવીન હોઈને નવું પાણી લાવશે અને ફરી પાછી તે જ પ્રક્રિયા ચાલશે.

સોમવાર, તારીખ ૨૪મી જૂન

(આજનું વાચન નારદના ભક્તિસૂત્રમાંથી કરાયું હતું.)

‘ઈશ્વર તરફના પરમ પ્રેમને ભક્તિ કહેવામાં આવે છે અને પ્રેમ જ ખરું અમરત્વ છે. તેને પામવાથી મનુષ્યને પૂર્ણ તૃપ્તિ મળે છે. કોઈપણ વસ્તુના નાશથી તે શોકમગ્ન થતો નથી અને કદીયે ઈર્ષ્યા કરતો નથી. તે જાણવાથી મનુષ્ય ઉન્મત્ત બને છે.’

મારા ગુરુ કહેતાઃ ‘આ જગત એક વિશાળ પાગલખાનું છે. ત્યાં કેટલાક માણસો પૈસા પાછળ, કેટલાક નામ અને યશ પાછળ અને માત્ર થોડાક જ ઈશ્વર પાછળ ઘેલા થયેલા છે. ઈશ્વર પાછળ ઘેલા થવાનું મને વધુ પસંદ છે. ઈશ્વર પારસમણિ છે; તે ક્ષણમાં આપણને સુવર્ણ બનાવી દે છે. આકાર રહે છે, પણ સ્વભાવ બદલાઈ જાય છે; માનવ આકાર રહે છે પરંતુ આપણે કદી કશી હાનિ કે પાપ કરી શકતા નથી.’

‘ઈશ્વરનું ચિંતવન કરતાં કેટલાક રડે છે, કેટલાક ગાય છે, કેટલાક હસે છે, કેટલાક નાચે છે, કેટલાક અદ્‌ભુત વાતો કહે છે; પણ તે બધા ઈશ્વર સિવાય બીજા કોઈની વાત કરતા નથી.’

પયગમ્બરો ઉપદેશ આપે છે પણ ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને શ્રીરામકૃષ્ણ જેવા અવતારો આધ્યાત્મિકતા આપી શકે છે; તેમની એક જ કૃપાદૃષ્ટિ, એક જ સ્પર્શ બસ છે. ‘માથે હાથ મૂકવો’ એ શક્તિ પરમાત્માની છે. એ શક્તિની—‘ગુરુશક્તિની પરંપરા’ ગુરુએ શિષ્યોમાં ખરેખર સંચારિત કરી હતી. એ સાચી દીક્ષા અનંત યુગોથી પરંપરા દ્વારા આપવામાં આવી છે.

‘ભક્તિ સર્વ એષણાઓનો વિરોધ કરતી હોવાને કારણે તેને કોઈ પણ ઇચ્છા પૂર્ણ કરવા માટે વાપરી શકાય નહીં.’ પ્રેમની નિશાની તરીકે નારદ આને ઓળખાવે છેઃ ‘જ્યારે સર્વ વિચારો, સર્વ શબ્દો અને સર્વ કર્મો ઈશ્વરને અર્પણ કરવામાં આવે અને ઈશ્વરની લેશમાત્ર વિસ્મૃતિ પણ આપણને અત્યંત દુઃખી બનાવે ત્યારે પ્રેમનો આરંભ થઈ ચૂક્યો લેખાય.’

‘પ્રેમનું આ સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે; કારણ કે સઘળા માનવીઓના પ્રેમમાં રહેલી બદલાની ઇચ્છા ત્યાં નથી.’

‘જે માણસ સામાજિક કે શાસ્ત્રીય રૂઢિઓથી પર ગયો છે તે સંન્યાસી છે. જ્યારે સમગ્ર આત્મા ઈશ્વરમાં પરોવાઈ જાય, જ્યારે આપણે માત્ર ઈશ્વરમાં જ શરણ લઈએ, ત્યારે જાણવું કે હવે આપણને આ પ્રેમ મળવાનો છે.’

શાસ્ત્રો વિના ચલાવી શકવા જેટલા તમે સમર્થ થાઓ ત્યાં સુધી તેમની આજ્ઞાનું પાલન કરો; ત્યાર પછી તેમનાથી પર જાઓ. ગ્રંથો સર્વસ્વ નથી. આધ્યાત્મિક સત્યની સાબિતી માત્ર તેના અનુભવમાં જ છે. પ્રત્યેકે તેની જાત-અનુભવથી ખાતરી કરવી જોઈએ. જે ગુરુ એમ કહે કે ‘મેં અનુભવ કર્યો છે પણ ‘તમે’ નહીં કરી શકો,’ તે ગુરુ વિશ્વાસ કરવા યોગ્ય નથી; પણ જે એમ કહે કે ‘તમે પણ જોઈ શકશો’ તે માત્ર વિશ્વાસ કરવા યોગ્ય છે. સર્વ સમયે, સર્વ દેશોમાં, બધાં શાસ્ત્રો, બધાં સત્યો, વેદો છે, કારણ કે આ સત્યોનું ‘દર્શન’ કરવાનું છે અને કોઈપણ તેનું દર્શન કરી શકે છે.

‘જ્યારે ક્ષિતિજ ઉપર પ્રેમનો સૂર્ય ઊગવા લાગે છે ત્યારે આપણને સર્વ કર્મો ઈશ્વરને અર્પણ કરવાની ઇચ્છા થાય છે; અને ત્યારે એક પળ માટે પણ જો આપણે તેને ભૂલીએ તો આપણને ઘણું જ દુઃખ થાય છે.’

ઈશ્વર અને તેના પ્રત્યેના તમારા પ્રેમની વચ્ચે કંઈ પણ આડે ન આવવા દો. તમે ઈશ્વરને ચાહો, ઈશ્વરને ચાહો, બસ, ઈશ્વરને જ ચાહો; દુનિયા જેમ ઠીક પડે તેમ ભલે કહ્યા કરે. પ્રેમના ત્રણ પ્રકાર છેઃ એક પ્રકાર માત્ર માગણી જ કરે છે, આપતો કંઈ નથી; બીજો પ્રકાર છે આપ-લેનો અને પ્રેમનો. ત્રીજો પ્રકાર છે બદલાના વિચાર વિનાનો—પ્રકાશ પ્રત્યેના પતંગિયાના પ્રેમ જેવો.

‘પ્રેમ કર્મથી ચઢિયાતો છે, યોગથી ચઢિયાતો છે, જ્ઞાનથી ચઢિયાતો છે.’

કર્મ એ કર્તા માટેનું માત્ર અભ્યાસરૂપ છે; એ બીજાનું કંઈ ભલું કરી શકે નહીં. આપણા પ્રશ્નનો આપણે જ નિકાલ કરવો જોઈએ; પયગમ્બરો માત્ર આપણને કેમ કામ કરવું તેટલું જ શીખવે છે. ‘જેવો તમે વિચાર કરો, તેવા તમે બનો,’ તેથી તમે જો તમારો ભાર ઈશુ ઉપર નાખી દો તો તમારે ‘તેનો’ વિચાર કરવો પડશે; આમ કરવાથી તમે તેના જેવા થશો; તમે તેને ‘ચાહવા’ લાગશો.

‘આત્યંતિક પ્રેમ અને સર્વોચ્ચ જ્ઞાન એક જ છે.’

પરંતુ ઈશ્વર વિશે સિદ્ધાંતો બાંધવાથી ચાલશે નહીં. આપણે તેને ચાહવો જોઈએ અને કર્મ કરવું જોઈએ. સંસાર અને સંસારની વસ્તુઓનો તમે ત્યાગ કરો, ખાસ કરીને ‘છોડ’ કુમળો હોય ત્યાં સુધી. દિવસ અને રાત ઈશ્વરનું જ ચિંતન કરો અને શક્ય હોય ત્યાં સુધી બીજી કોઈ બાબતનો વિચાર જ ન કરો. રોજના આવશ્યક વિચારો બધા ઈશ્વર દ્વારા વિચારી શકાય; તેને અર્પણ કરીને ખાઓ, તેને અર્પણ કરીને પીઓ, તેને શયન આપીને નિદ્રા કરો, બધામાં તેનું દર્શન કરો; બીજા પાસે ઈશ્વરની વાતો કરો. આ ઘણું જ કલ્યાણકારી છે.

ઈશ્વર અને તેનાં મહાનમાં મહાન સંતાનોની દયા મેળવો; ઈશ્વરને મેળવવાના આ બે મુખ્ય માર્ગો છે. આ પ્રકાશ પામેલાં સંતાનોનો સમાગમ મળવો બહુ જ મુશ્કેલ છે; તેમના સહવાસની માત્ર પાંચ મિનિટ પણ સમગ્ર જીવનને પલટી નાખશે; અને જો તે સંતસમાગમ મેળવવાની તમારી ખરેખરી ઇચ્છા હશે તો એકાદ તમારી પાસે આવશે જ. ઈશ્વરના પ્રેમીઓની હાજરી તે સ્થળને પવિત્ર બનાવે છે; ‘ઈશ્વરનાં સંતાનોનો એવો મહિમા છે.’ તેઓ ઈશ્વર સ્વરૂપ જ છે; જ્યારે તેઓ બોલે છે, ત્યારે તેમના શબ્દો શાસ્ત્રો બને છે; તેઓ જ્યાં રહેતા હોય તે સ્થળ તેમનાં આંદોલનોથી સભરભર્યું રહે છે; જેઓ એ સ્થળે જાય છે તેઓ પણ તેનો અનુભવ કરે છે અને પવિત્ર બનવાનું વલણ પણ મેળવે છે.

‘આવા ઈશ્વરપ્રેમીઓને માટે જન્મ, જ્ઞાતિ, વિદ્યા, સૌંદર્ય, સંપત્તિ કે ધંધો કશાનો ભેદભાવ નથી હોતો કારણ કે બધા જ ઈશ્વરના છે.’

કુસંગનો, ખાસ કરીને સાધનાના પ્રારંભમાં ત્યાગ કરો. સાંસારિક માણસોના સંગનો ત્યાગ કરો. એ તમારા મનને વ્યગ્ર બનાવશે. ‘તમામ ‘હું અને મારું’નો ત્યાગ કરો.’ આ વિશ્વમાં જેની પાસે કંઈ જ નથી તેની પાસે ઈશ્વર આવે છે. બધાં દુન્યવી સ્નેહનાં બંધનો કાપી નાખો. આળસ અને મારું શું થશે તેની સઘળી ચિંતાથી પર જાઓ. તમે જે કર્યું હોય તેનાં ફળ જોવા માટે પાછું વાળી ન જોશો; સઘળું ઈશ્વરને સમર્પણ કરો, આગળ વધો અને તેનો વિચાર ન કરો. સમગ્ર આત્મા એક સતત પ્રવાહધારામાં ઈશ્વર તરફ વહેવા દો; પૈસા, નામ કે કીર્તિની પાછળ પડવામાં સમય ન ગાળો; ઈશ્વર સિવાય કશાનું ચિંતન કરવામાં રોકાઓ નહીં. આમ થશે ત્યારે આપણા હૃદયમાં પ્રેમનો અનંત અદ્‌ભુત આનંદ પેદા થશે. સઘળી ઇચ્છાઓ કેવળ કાચના મણકાઓ સમી છે. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ પળે પળે વૃદ્ધિ પામે છે; સર્વદા તે નવો છે અને અનુભવથી જ જાણી શકાય છે. પ્રેમ સૌથી સહેલો છે; તેને કોઈ તર્કવાદની રાહ જોવાની હોતી નથી; તે સ્વાભાવિક છે. આપણને તેના પ્રદર્શનની જરૂર નથી; તેની સાબિતીની જરૂર નથી. તર્ક એટલે તો આપણા મન વડે કોઈ પણ વસ્તુને મર્યાદિત બનાવવી. આપણે જાળ નાખીએ, કંઈક પકડીએ અને પછી આપણે કહીએ કે અમે તે કરી બતાવ્યું. પણ આપણે ઈશ્વરને કદી કરતાં કદી પણ જાળમાં પકડી શકીશું નહીં.

પ્રેમ કશાની સાથે સંબંધિત હોવો ન જોઈએ. આપણે જ્યારે ખોટી રીતે પ્રેમ કરીએ છીએ ત્યારે પણ તે સાચા પ્રેમનો, સાચા આનંદનો પ્રકાર છે; ગમે તે રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છતાં શક્તિ તેની તે જ છે. શાંતિ અને આનંદ જ તેનો મૂળ સ્વભાવ છે. એક ખૂની જ્યારે પોતાના બાળકને ચૂમે છે ત્યારે ક્ષણભરને માટે પ્રેમ સિવાય બાકી બધું જ તે વીસરી જાય છે. તમામ સ્વાર્થનો, અહંતાનો ત્યાગ કરો; ક્રોધ અને કામથી મુક્ત બની જાઓ. ‘બધું’ જ ઈશ્વરને સમર્પો. ‘હું નથી પણ તું જ છો. જૂનો માણસ સાવ નીકળી જ ગયો છે. માત્ર તું ઈશ્વર એક જ રહ્યો છે.’ ‘सोऽहम्’ ‘હું તે છું.’ કોઈના દોષ જુઓ નહીં. જો કાંઈ અનિષ્ટ બને તો સમજો કે ઈશ્વર તમારી સાથે ખેલી રહ્યો છે અને તેથી ખૂબ ખૂબ આનંદિત થાઓ.

પ્રેમ દેશ અને કાળથી પર છે; તે નિર્વિશેષ છે.

મંગળવાર, તારીખ ૨૫મી જૂન

દરેક સુખ પછી દુઃખ આવે છે, પછી તે ઘણાં દૂર દૂર હોય કે પાસે પાસે. આત્મા જેમ વધારે વિકસેલો, તેમ સુખદુઃખ પણ એક પછી એક વધુ ઝડપથી આવે છે. ‘આપણે જે ઇચ્છીએ છીએ તે તો સુખ પણ નથી તેમ જ દુઃખ પણ નથી.’ આ બંને આપણને આપણું સાચું સ્વરૂપ ભુલાવી દે છે. બંને બેડીઓ છે—એક લોઢાની તો બીજી સોનાની છે. એ બંનેની પાછળ આત્મા રહેલો છે, જે નથી જાણતો સુખ કે નથી જાણતો દુઃખ, આ બધી ‘અવસ્થાઓ’ છે અને અવસ્થાઓ કાયમ બદલાયા જ કરે; પણ આત્માનો સ્વભાવ પરિવર્તનરહિત આનંદ અને શાંતિ છે. આપણે તે મેળવવા જવાનું નથી, તે આપણી પાસે છે જ; માત્ર કચરો ધોઈ નાખો એટલે તેને જોઈ શકશો.

આત્મા ઉપર નિર્ભર રહો; ત્યારે જ આપણે દુનિયાને સાચી રીતે ચાહી શકીશું. ઘણી ઊંચી, ઘણી જ ઉચ્ચ ભૂમિકાએ ઊભા રહો. આપણો વિશ્વાત્મભાવ જાણીને જગતનાં સઘળાં ‘દૃશ્યોને’ આપણે સંપૂર્ણ શાંતિથી જોવાં જોઈએ. તે માત્ર બાળકના ખેલ જેવું છે અને આપણે તે જાણીએ છીએ, તેથી આપણે તેનાથી ક્ષુબ્ધ ન બની જઈએ. જો મન સ્તુતિથી આનંદ પામશે તો તે નિંદાથી નારાજ પણ થશે, ઇંદ્રિયોના કે મનના પણ, બધા આનંદો ક્ષણજીવી છે; પણ આપણી અંદર એક નિરપેક્ષ આનંદ છે કે જે કશા પર પણ આધાર રાખતો નથી. તે સંપૂર્ણ રીતે મુક્ત છે, તે સુખદ છે. ‘જેટલા વિશેષ પ્રમાણમાં આપણું સુખ અંદરનું, તેટલા વિશેષ પ્રમાણમાં આપણે આધ્યાત્મિક હોઈશું.’ દુનિયા જેને ધર્મ કહે છે તે આત્માનો આનંદ છે.

આંતર જગત, ‘સાચું’ જગત, તે બાહ્ય જગતથી અનંતગણું મોટું છે; બાહ્ય જગત તો ખરા જગતનો માત્ર છાયા જેવો પ્રક્ષેપમાત્ર છે. જગત સત્ પણ નથી તેમ અસત્ પણ નથી; તે માત્ર સત્ની છાયા છે. કવિ કહે છેઃ ‘કલ્પના એટલે સત્યનો ઓપ ચડાવેલી છાયા.’

આપણે સૃષ્ટિમાં પ્રવેશીએ છીએ અને પછી તે આપણા માટે જીવંત બની જાય છે. વસ્તુઓ પોતાના સ્વરૂપે અચેતન છે; માત્ર આપણે તેને સચેતન બનાવીએ છીએ અને પછી મૂર્ખાઓની માફક આપણે પાછા વળીને કાં તો તેનાથી ડરીએ છીએ અને કાં તો તેનો ઉપભોગ કરીએ છીએ. પરંતુ પેલી માછીમારની સ્ત્રીઓ જેવા ન બનો. એ સ્ત્રીઓ બજારમાંથી ઘેર પાછી ફરતાં તોફાનમાં સપડાઈ એટલે એમણે એક ફૂલ વેચનારી માળણના ઘરમાં આશરો લીધો. જ્યાં હવા ફૂલોની સુવાસથી સુગંધિત બની રહેલી હતી એવા, બગીચાની બાજુના એક ઓરડામાં તેમને રાતવાસો આપવામાં આવ્યો. ઊંઘ લાવવા માટે તેમણે ઘણાં ફાંફાં માર્યાં પણ વ્યર્થ! છેવટે તેમાંની એકે સૂચન કર્યું કે માછલી ભરવાની ટોપલીઓ પાણીથી ભીની કરીને ઓશીકે રાખો. તરત પછી બધીને ગાઢ નિદ્રા આવી ગઈ!

જગત આપણે માટે માછલીની ટોપલી જેવું છે; આનંદ માટે આપણે તેના ઉપર આધાર રાખવો ન જોઈએ; જેઓ તેમ કરે છે તેઓ તામસિક છે. અગર બદ્ધ છે, ત્યાર પછી રાજસી અગર અહંકારી લોકો છે કે જેઓ નિરંતર ‘હું, હું’ કહીને વાત કરે છે; ક્યારેક તેઓ સારાં કામો કરે છે અને ધાર્મિક બને છે પણ ખરા. પરંતુ સહુથી શ્રેષ્ઠ છે સાત્ત્વિકો, અંતર્મુખ લોકો, જેઓ માત્ર આત્મામાં જ (મસ્ત) રહે છે. આ ત્રણે ગુણોઃ તમસ્, રજસ્ અને સત્ત્વ (પ્રમાદ, પ્રવૃત્તિ અને પ્રકાશ) દરેકમાં હોય છે અને જુદે જુદે સમયે જુદો જુદો ગુણ વર્ચસ્વ ધરાવે છે.

સૃષ્ટિ એ કોઈ વસ્તુની ‘રચના’ નથી, તે તો સમતા પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયાસ છે, જેવી રીતે બૂચના ઝીણા ઝીણા ટુકડાઓ પાણીની ડોલને તળિયે ડુબાડવામાં આવે અને પછી એક એક અગર સમૂહમાં સપાટી ઉપર ઊંચે આવવા ધસે તેમ. ‘જીવનની સાથે અનિષ્ટ રહેલું છે અને રહેલું હોવું જ જોઈએ.’ થોડુંક અનિષ્ટ જીવનને સ્વાદિષ્ટ બનાવે છે. દુનિયામાં જે થોડીક દુષ્ટતા છે તે ઘણું સારું છે, કારણ કે જ્યારે સમતા પ્રાપ્ત થશે ત્યારે દુનિયાનો અંત આવશે; કારણ કે એકતા અને વિનાશ એક જ છે. જ્યારે આ જગત જશે ત્યારે તેની સાથે સારું અને ખરાબ પણ જશે; પણ જ્યારે આપણે આ જગતથી પર જઈ શકીએ ત્યારે આપણે સારા અને ખરાબ બંનેથી પર જઈએ છીએ અને આનંદ પ્રાપ્ત કરીએ છીએ.

દુઃખ વિના આનંદ મેળવવો કે ખરાબ વિના સારું પ્રાપ્ત કરવું તે કદીય સંભવતું નથી; કારણ કે જીવન પોતે જ પેલી ગુમાવેલી સમતુલા છે. આપણે જે માગીએ છીએ તે મુક્તિ છે, જીવન નહીં, આનંદ કે પ્રેયસ્ નહીં. સૃષ્ટિ અનંત છે, આદિ અને અંત વિનાની છે, એક અનંત સરોવરમાં એક નિરંતર ગતિમાન લહરી સમી છે. જ્યાં હજી પહોંચાયું નથી અને જ્યાં હજી સમતુલા પ્રાપ્ત થઈ ગયેલી છે એવાં ઊંડાણો પણ છે; પણ લહરી તો સર્વદા આગળ વધ્યે જ જાય છે, સમતુલા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન તો હંમેશાં ચાલ્યા જ કરે છે. જીવન અને મરણ તે એક જ હકીકતનાં બે જુદાં જુદાં નામો માત્ર છે, એક જ સિક્કાની બે બાજુઓ છે. બંને માયા છે—એકી વખતે જીવવાની ગડમથલ કરવાની અને ક્ષણ પછી મરી જવાની અનિર્વચનીય સ્થિતિ છે. આ બધાંથી પર છે સાચું સ્વરૂપ, આત્મા. જ્યારે આપણે ઈશ્વરને ઓળખીએ છીએ, ત્યારે ખરેખર તો તે આત્મા છે; તેને આપણે આપણાથી અલગ પાડ્યો છે અને આપણાથી બહાર હોય તેમ આપણે તેને પૂજીએ છીએ; પણ બધો વખત તે આપણો સાચો આત્મા—એક અને એકમાત્ર ઈશ્વર છે.

સમતા મેળવવા માટે આપણે તમસ્નો રજસ્ વડે પરાભવ કરવો જોઈએ, પછી રજસ્ને સત્ત્વથી જીતવો જોઈએ; તે સત્ત્વ એટલે શાંતિમય સુંદર સ્થિતિ કે જે બીજું કંઈ જ ન રહે ત્યાં સુધી વધતી અને વધતી જાય. બંધનનો ત્યાગ કરો. ઈશ્વરના પુત્ર બનો, મુક્ત બનો; અને પછી જેમ ઈશુએ જોયો તેમ તમે ‘(ઈશ્વર રૂપ) પિતાને જોઈ શકશો.’ અનંત શક્તિ એટલે ધર્મ અને ઈશ્વર. નિર્બળતા અને દાસત્વથી દૂર રહો. ‘જો’ તમે મુક્ત હો તો જ તમે આત્મા છો; ‘જો’ તમે મુક્ત હો તો જ તમારે માટે અમૃતત્વ છે. ‘જો’ તે મુક્ત હોય, તો જ ઈશ્વર છે…

* * * * * *

મારે માટે દુનિયા છે, નહીં કે દુનિયાને માટે હું. ઇષ્ટ અને અનિષ્ટ એ આપણા દાસ છે, આપણે તેમના દાસ નથી, પોતે જ્યાં હોય ત્યાં પડ્યા રહેવાનો (વિકાસ નહીં પામવાનો) સ્વભાવ પશુનો છે; સારું શોધવું અને ખરાબ તજવું એ સ્વભાવ મનુષ્યનો છે; બેમાંથી એકે ન શોધતાં માત્ર નિરંતર આનંદમાં રહેવું, એ ઈશ્વરનો સ્વભાવ છે. આપણે ઈશ્વર બનીએ! હૃદયને સાગર જેવું બનાવો; દુનિયાની ક્ષુદ્ર વસ્તુઓથી પર થાઓ; અનિષ્ટ દેખીને પણ આનંદથી ઘેલા બનો. જગતને એક ચિત્ર તરીકે જુઓ અને પછી તમે કોઈ વસ્તુથી લિપ્ત થતા નથી એમ જાણીને તેનું સૌંદર્ય ભોગવો. કીચડના ખાબોચિયામાંથી કાચના મણકા છોકરાંને મળે, તેના જેવી આ દુનિયામાંની સારી ચીજો છે. તેની પ્રત્યે શાંત ઉપેક્ષાથી જુઓ. ઇષ્ટ અને અનિષ્ટ બંનેને સમાન રીતે જુઓ—બંને કેવળ ‘ઈશ્વરની લીલા’ છે. તેનો આનંદ લૂંટો.

* * * * * *

મારા ગુરુ કહેતાઃ ‘બધું જ નારાયણ છે; પણ વાઘરૂપી નારાયણથી દૂર રહેવું. બધું પાણી પાણી જ છે, પણ ગંદું પાણી આપણે પીવા માટે વાપરતા નથી.’

આખું ગગન ઈશ્વરનું ધૂપદાન છે અને સૂર્ય તથા ચંદ્ર તેના દીવા છે. બીજા ક્યા મંદિરની આવશ્યકતા રહે છે? ‘બધાં ચક્ષુઓ તારાં છે પણ તારે એક પણ ચક્ષુ નથી. બધા હાથો તારા છે છતાંય તારે એક પણ હાથ નથી.’

કોઈ ચીજની પાછળ ન દોડો કે કોઈનો ત્યાગ ન કરો; જે આવે તે સ્વીકારો. કોઈ પણ વસ્તુની અસર નીચે ન આવવું તેનું નામ મુક્તિ. માત્ર સહન જ કરો એમ નહીં; અનાસક્ત બનો. પેલા બળદની વાત યાદ રાખો. કોઈ એક બળદના શિંગડા ઉપર એક મચ્છર ઘણા વખત સુધી બેસી રહ્યો. પછી તેનો અંતરાત્મા તેને ડંખવા લાગ્યો એટલે તેણે કહ્યુંઃ ‘ભાઈ બળદ! અહીં હું ઘણા સમયથી બેઠો હતો; કદાચ તને તકલીફ પડી હશે. હું દિલગીર છું. હું ચાલ્યો જઈશ.’ પણ બળદે જવાબ આપ્યોઃ નહીં નહીં, તારા આખા કુટુંબને લઈ આવ અને મારાં શિંગડાં પર રહે. તું મને શું કરી શકવાનો હતો?’

બુધવાર, તારીખ ૨૬મી જૂન

આપણે જ્યારે આપણી પોતાની જાતના વિચારોથી મુક્ત હોઈએ, ત્યારે આપણું શ્રેષ્ઠ કામ થાય છે, ત્યારે આપણો મહાનમાં મહાન પ્રભાવ પડે છે. સઘળા મેધાવી મનુષ્યો આ જાણે છે. આપણે તે એકમાત્ર દિવ્ય અભિનેતા (ઈશ્વર) તરફ હૃદય ખોલી નાખીને તેને પાઠ ભજવવા દઈએ; આપણે કંઈ ન કરીએ. શ્રીકૃષ્ણ કહે છેઃ ‘હે અર્જુન! આખા જગતમાં મારે કશું જ કર્તવ્ય નથી.’ (न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन। ભગવદ્ ગીતા, ૩: ૨૨) સંપૂર્ણપણે ઈશ્વરાધીન વૃત્તિ રાખો; સંપૂર્ણપણે ઉદાસીન રહો; ત્યારે જ તમે કંઈ પણ સાચું કાર્ય કરી શકશો. સાચાં બળોને કોઈ પણ આંખોથી દેખી શકાય નહીં; આપણે માત્ર પરિણામો જ જોઈ શકીએ. અહંતાને છોડો, તેને તજો, તેને ભૂલી જાઓ; ઈશ્વરને જ કામ કરવા દો. તે તેનું કામ છે. આપણે કંઈ કરવાનું જ નથી; માત્ર એક બાજુએ રહીને ઈશ્વરને કામ કરવા દેવાનું છે. જેટલા આપણે દૂર જઈશું, તેટલા ઈશ્વર સમીપ આવશે. નાનકડા ‘હું’નો ત્યાગ કરો અને માત્ર વિરાટ ‘અહમ્’ને રહેવા દો.

આપણા વિચારો જેવા આપણને બનાવે છે તેવા આપણે બનીએ છીએ. માટે તમે કેવા વિચાર કરો છો તેની કાળજી રાખો. શબ્દો ગૌણ છે. વિચારો જીવે છે, તે દૂર દૂર પ્રવાસ કરે છે. આપણે જે જે વિચાર કરીએ છીએ તેના ઉપર આપણા ચારિત્ર્યનો રંગ લાગ્યો હોય છે; માટે પવિત્ર અને સંત પુરુષોએ કરેલી મશ્કરી કે આપેલી ગાળોમાં પણ તેમનો પ્રેમ અને પવિત્રતાનો અંશ હશે અને તે તમારું ભલું કરશે.

કોઈ ચીજની ઇચ્છા ન રાખો. ઈશ્વરનું ચિંતન કરો અને કોઈ બદલાની આશા ન રાખો. જે નિષ્કામ હોય તે જ ફળ પામે છે. ભિક્ષાવૃત્તિથી રહેનારા સાધુઓ ઘેર ઘેર ધર્મ લઈ જાય છે; પણ તેઓ તો એમ જ માને છે કે તેઓ પોતે કંઈ કરતા નથી. તેઓ કોઈ માગણી કરતા નથી; તેમનું કામ અજ્ઞાત રીતે જ થયા કરે છે. જો તેઓ કર્તાપણારૂપી જ્ઞાનવૃક્ષનું ફળ ચાખે તો તે અહંકારી બની જાય અને જે કંઈ સારું તેઓ કરી રહ્યા હોય તે ઊડી જાય. જે ઘડીએ આપણે ‘હું’ કહીએ છીએ તે જ ઘડીએ આપણે હંમેશાં છેતરાઈએ છીએ અને આપણે તેને ‘જ્ઞેય’ કહીએ છીએ પણ તે તો ઘાણીના બળદની પેઠે ગોળગોળ ફરવા જેવું છે. ઈશ્વરે પોતાને ઉત્તમમાં ઉત્તમ રીતે છુપાવી રાખ્યો છે. એટલે તેનું કામ પણ ઉત્તમમાં ઉત્તમ છે. જેથી જે પોતાને શ્રેષ્ઠ રીતે છુપાવે છે તે જ શ્રેષ્ઠ રીતે કામ કરી શકે છે. તમારી ‘પોતાની જાત’ ઉપર વિજય મેળવો. એટલે સમગ્ર વિશ્વ તમારું છે.

સત્ત્વગુણ અવસ્થામાં આપણે વસ્તુમાત્રનું સાચું સ્વરૂપ જોઈ શકીએ છીએ, આપણે ઇંદ્રિયો અને તર્કથી પર જઈએ છીએ. આપણને અંદર પૂરી રાખનારી વજ્ર સમી દીવાલ તે અહંભાવ છે. ‘હું આ કરું છું, હું પેલું કરું છું, હું તે કરું છું’ એમ માનીને આપણે બધી વસ્તુઓને આપણી પોતાની સાથે જોડી દઈએ છીએ. આ ક્ષુદ્ર ‘હું’ને છોડો. આપણામાં રહેલી આ શેતાનિયતનો નાશ કરો. ‘હું નહીં પણ તું’ એમ કહો, એવો અનુભવ કરો અને તે પ્રમાણે જીવો. અહંકારે ઊભી કરેલી સૃષ્ટિને આપણે જ્યાં સુધી છોડીએ નહીં ત્યાં સુધી આપણે સ્વર્ગના સામ્રાજ્યમાં પ્રવેશ કરી શકીશું નહીં; કોઈએ પ્રવેશ કર્યો નથી, કોઈ તેમ કરી શકશે નહીં. દુનિયાનો ત્યાગ કરવો એટલે અહંભાવને વિસારે પાડવો, તેને જરા પણ જાણવો નહીં—‘શરીરમાં’ રહેવું પણ ‘શરીરના’ બનીને નહીં. આ લુચ્ચા અહંકારનો સમૂળગો વિનાશ કરવો જોઈએ. માણસો જ્યારે તમારી નિંદા કરે ત્યારે તેમનું કલ્યાણ ઇચ્છો. તેઓ તમારું કેટલું બધું ભલું કરી રહ્યા છે તેનો ખ્યાલ કરો, તેઓ માત્ર પોતાની જાતને જ નુકસાન પહોંચાડી શકે. જ્યાં માણસો તમારો ધિક્કાર કરતા હોય ત્યાં પહોંચી જાઓ; તમારામાં રહેલા અહંભાવને તેમને હાંકી કાઢવા દો. એમ કરવાથી તમે ઈશ્વરની સમીપ જશો. વાંદરીની માફક જગતરૂપી આપણા ‘બાળક’ને બને તેટલા લાંબા કાળ સુધી આપણે કોટે વળગાડીએ છીએ; પણ છેવટે જ્યારે તેને આપણા પગ નીચે (સલામતી હોય ત્યાં સુધી વાંદરી બચ્ચા પર ખૂબ વહાલ દાખવે છે, પણ જ્યારે ભય આવી પડે ત્યારે પોતાનો જીવ બચાવવા તે પોતાના બચ્ચાને સુધ્ધાં પગ નીચે દાબીને ઉપર બેસતાં અચકાતી નથી.) દાબી દઈને તેની ઉપર બેસી જવાની આપણને ફરજ પડે છે, ત્યારે જ આપણે ઈશ્વરની સમીપ પહોંચવા તૈયાર લેખાઈએ. સત્યને માટે જુલમ સહન કરવો કલ્યાણકારક છે. જો આપણને વાંચતાં ન આવડે તો ધન્ય છીએ કારણ કે આપણી પાસે ઈશ્વરથી દૂર લઈ જનાર તેટલું ઓછું હશે.

ભોગવિલાસ હજાર ફેણવાળો નાગ છે; તેને આપણે પગ તળે કચડી નાખવો જોઈએ. આપણે ત્યાગ કરીએ છીએ અને આગળ જઈએ છીએ. પણ પછી કંઈ ન મળે ત્યારે નિરાશ થઈએ છીએ; પણ તેને વળગી રહો, ‘વળગી જ રહો.’ દુનિયા એક રાક્ષસ જેવી છે. તે એક એવું રાજ્ય છે કે જ્યાં ક્ષુદ્ર અહંકાર રાજા છે; તેને હઠાવી કાઢો અને દૃઢતાપૂર્વક ખડા રહો. કામ, કાંચન અને કીર્તિનો ત્યાગ કરો અને ઈશ્વરને વળગી રહો એટલે છેવટે આપણે સંપૂર્ણ ઉદાસીનવૃત્તિની સ્થિતિએ પહોંચીશું. ઇંદ્રિયોને સંતોષવામાં આનંદ છે, તે ખ્યાલ કેવળ જડવાદી છે; તેમાં સાચા આનંદની ચિનગારી સરખી નથી. તેમાં જે કંઈ આનંદ છે તે માત્ર ખરા આનંદનું પ્રતિબિંબ છે.

કહેવાતા કાર્યકરો કરતાં જેઓ પોતાની જાતને ઈશ્વરને સમર્પણ કરી દે છે તેઓ દુનિયા માટે ઘણું કરે છે. પોતાની જાતને સંપૂર્ણપણે જેણે પવિત્ર બનાવી હોય તેવો એક માણસ ઉપદેશકોની આખી ટોળી કરતાં વધારે કામ કરી જાય છે. ‘પવિત્રતા અને મૌનમાંથી નીકળતા બોલ ખૂબ શક્તિશાળી હોય છે.’

‘કમળ જેવા બનો; એક સ્થળે રહો, તમારી પાંખડીઓ ખીલવો; મધમાખીઓ આપોઆપ જાતે ત્યાં આવશે.’ શ્રી કેશવચંદ્ર સેન અને શ્રીરામકૃષ્ણ વચ્ચે ઘણો તફાવત હતો. શ્રી રામકૃષ્ણ દુનિયામાં કોઈ પાપ કે દુઃખને ઓળખતા ન હતા; તેમને સામનો કરવા યોગ્ય કોઈ અનિષ્ટ દેખાતું ન હતું. શ્રી કેશવચંદ્ર સેન મહાન નૈતિક સુધારક હતા, એક આગેવાન હતા, બ્રાહ્મસમાજના સ્થાપક હતા. બાર વર્ષને અંતે દક્ષિણેશ્વરના નીરવ અવતારે (શ્રીરામકૃષ્ણે) માત્ર ભારતમાં જ નહીં પણ જગત આખામાં ક્રાંતિ આણી હતી. જેઓ માત્ર જીવે છે અને પ્રેમ આપે છે અને પછી પોતાના વ્યક્તિત્વને પાછું ખેંચી લે છે, તેવા પ્રશાંત મહાત્માઓમાં જ શક્તિ હોય છે. તેઓ કદી ‘હું’ અને ‘મારું’ કહેતા નથી; માત્ર નિમિત્ત બનવામાં જ તેઓ પોતાને ધન્ય માને છે. ચિરંજીવ, ઈશ્વર સાથે પૂર્ણ રીતે એકત્વ પામેલા, આદર્શ જીવનવાળા, કંઈ ન માગતા, ઇચ્છાપૂર્વક કંઈ કામ ન કરતા આવા મનુષ્યો જ ઈશુઓ અને બુદ્ધોને બનાવનારા છે. તેઓ જ સાચા સંચાલકો છે, સાચા જીવનમુક્તો છે. તેઓ સંપૂર્ણ નિઃસ્વાર્થી હોય છે; તેમની ક્ષુદ્ર અહંતા સર્વાંશે વિલીન થઈ ગઈ હોય છે; કોઈ મહેચ્છા તેમનામાં હસ્તી ધરાવતી નથી હોતી. તેઓ સંપૂર્ણ રીતે સિદ્વાંતો રૂપે જ હોય છે, વ્યક્તિઓ નહીં.

ગુરુવાર, તારીખ ૨૭મી જૂન

(સ્વામીજી આજે સવારે ન્યૂ ટેસ્ટામેન્ટ લાવ્યા હતા; તેમણે જહોનના પ્રકરણ ઉપર ફરીથી વાર્તાલાપ કર્યો.)

ઈશુએ જે ‘શાન્તિદાતા’ મોકલવાનું વચન આપ્યું હતું તે પોતે છે તેવો હઝરત મહંમદ સાહેબનો દાવો હતો. ઈશુનો જન્મ અલૌકિક હતો તેવો દાવો કરવાનું તેમને અનાવશ્યક લાગ્યું હતું; બધા યુગોમાં અને બધા દેશોમાં આવા દાવાઓ કરવાનું સર્વસામાન્ય છે; દરેક મહાપુરુષે પોતે દેવપુત્ર હોવાનો દાવો કર્યો છે.

જાણવું તે કેવળ સાપેક્ષ છે. આપણે ઈશ્વર થઈ શકીએ પણ તેને ‘જાણી’ ન શકીએ. જ્ઞાન એ નીચેના દરજ્જાની સ્થિતિ છે. આદમનું પતન જ્યારે તેને ‘જ્ઞાન’ થયું ત્યારે થયું હતું; તે પહેલાં તે ઈશ્વર હતો, સત્ય હતો, પવિત્ર હતો. મોં તો આપણું પોતાનું જ હોવા છતાં આપણે માત્ર પ્રતિબિંબને જ જોઈ શકીએ છીએ, કદી સત્ય વસ્તુને—મૂળ વસ્તુને જોઈ શકતા નથી. આપણે પ્રેમસ્વરૂપ છીએ પણ જ્યારે આપણે તેનો વિચાર કરીએ છીએ ત્યારે આપણે એક આભાસનો ઉપયોગ કરવો પડે છે; એ સાબિત થાય છે કે જડપદાર્થ માત્ર (જ્ઞાતા પોતાને નહીં પણ પોતાના પ્રતિબિંબને જાણી શકે તેથી તે સર્વદા અજ્ઞેય છે. એટલે કે જ્ઞાતાથી જ્ઞાન ભિન્ન અને જુદું છે અને તેથી તે બહિર્ભૂત થયેલો વિચાર અથવા સ્વતંત્ર તત્ત્વ તરીકે જ્ઞાતાની બહાર આવેલો વિચાર છે. હવે જો જ્ઞાતા ચૈતન્યના નામથી ઓળખાય, તો જે તેનાથી અનોખું અને ભિન્ન છે તે જડ પદાર્થના નામથી જ ઓળખાવું જોઈએ. માટે સ્વામીજી કહે છે કે ‘જડ પદાર્થ માત્ર બહિર્ભૂત થયેલો વિચાર છે.’) બહિર્ભૂત થયેલો વિચાર છે.

નિવૃત્તિ એટલે સંસારથી વિમુખ થવું. હિંદુ પુરાણો કહે છે કે જે આદિ (સૃષ્ટિમાં સૌથી પ્રથમ ઉત્પન્ન થયેલ ચાર ઋષિઓ, સનત, સનંદન, સનાતન અને સનત્કુમાર.) ચારનું સર્જન કરવામાં આવ્યું તેને હંસે (ઈશ્વરે પોતે) ચેતવણી આપી હતી કે અભિવૃત્તિ કેવળ ગૌણ છે; તેથી તેમણે સૃષ્ટિ રચી નહીં. આનો અર્થ છે કે વ્યક્તભાવ એટલે અધોગમન, કારણ કે આત્માને શબ્દથી જ વ્યક્ત કરી શકાય અને (બાઇબલ ૨, કોર. ૬.) ‘શબ્દ નાશ કરે છે.’ છતાં મૂળ તત્ત્વને તો જડ તત્ત્વ વડે આચ્છાદિત થયા વિના છૂટકો નથી, જો કે આપણને ખબર ભલે હોય કે આગળ ઉપર આપણે આવરણમાં અટવાઈને સત્ વસ્તુને વીસરી જઈશું. પ્રત્યેક મહાન ઉપદેશક આ સત્ય સમજે છે અને તેથી આપણને મૂળ તત્ત્વ બતાવવા અને તે સમયને અનુરૂપ નવું આવરણ આપવા અવતારોની પરંપરાએ સતત આવવું જ પડે છે. મારા ગુરુદેવનો ઉપદેશ એ હતો કે ધર્મ એક છે; બધા પયગંબરો એક જ વાતનો ઉપદેશ કરે છે; પણ મૂળ તત્ત્વને તેઓ અમુક આકાર દ્વારા જ રજૂ કરી શકે, તેથી તેઓ મૂળ તત્ત્વને પુરાણા આકારમાંથી બહાર કાઢીને તેને નવે સ્વરૂપે આપણી આગળ રજૂ કરે છે. જ્યારે આપણને સારા કે ખરાબ શરીરની જરૂર નથી રહેતી—માત્ર ત્યારે જ આપણે બંધનમાંથી છૂટી જઈએ છીએ. સતત વિકાસ એ સતત બંધન છે; આકારનો વિનાશ વધુ ઇચ્છવા યોગ્ય છે. આપણે કોઈ પણ પ્રકારના દેહમાંથી, ‘દેવ-શરીર’માંથી પણ છૂટવું જ જોઈએ. ઈશ્વર જ એકમાત્ર સત્ વસ્તુ છે; તે બે ન હોઈ શકે. આત્મા એક જ છે અને તે હું છુંઃ सोऽहम्।

સત્કર્મોની માત્ર છટકબારી તરીકે કિંમત છે; તેઓ માત્ર તેના કર્તાને ફાયદો કરે છે, અન્યને કદી નહીં.

જ્ઞાન એટલે કેવળ વર્ગીકરણ. જ્યારે આપણે એ જ જાતની ઘણી વસ્તુઓ જોઈએ ત્યારે તેના સમૂહને અમુક ચોક્કસ નામ આપીએ છીએ અને સંતોષ પામીએ છીએ. આપણે ‘હકીકતો’ શોધી કાઢીએ છીએ, ‘શા માટે’ તે કદી શોધતા નથી. અંધકારના વિશાળ વર્તુળમાં આપણે ચક્કર લગાવીએ છીએ અને માનીએ છીએ કે આપણે કંઈક જાણીએ છીએ! આ દુનિયાની અંદર કોઈપણ ‘શા માટે’ એવા પ્રશ્નનો ઉત્તર આપી શકાય નહીં. તે માટે આપણે ઈશ્વર પાસે જવું જોઈએ. જ્ઞાતા કદી પણ વ્યક્ત કરી શકાય નહીં. જેમ મીઠાની કણી સાગરમાં નાખવાથી તરત જ સાગરમાં મળી જાય છે, તેના જેવું એ છે.

ભેદભાવ સૃષ્ટિ રચે છે. એકતા અથવા સમતા એ ઈશ્વર છે. ભેદભાવથી પર જાઓ; ત્યારે તમે જીવન અને મૃત્યુને જીતી શકો, શાશ્વત સમત્વને પામો અને ઈશ્વરમાં રહો, ઈશ્વર બનો. જિંદગીના જોખમે પણ મુક્તિ પ્રાપ્ત કરો. જેમ ચોપડીનાં પાનાં હોય છે, તેમ બધી જ જિંદગીઓ આપણી છે. પણ આપણે પરિવર્તન રહિત સાક્ષી, આત્મા છીએ. જેમ એક ઊંબાડિયું ઝડપથી ગોળગોળ ઘુમાવવાથી આંખને એક વર્તુળનો ભાસ થાય છે, તેમ આત્મા ઉપર છાપ પડે છે. તમામ વ્યક્તિત્વોનું ઐક્ય આત્મા છે; અને તે શાંત છે, સનાતન છે, પરિવર્તનરહિત છે માટે તે ઈશ્વર છે, આત્મા છે. આત્મા જીવન નથી, પણ તેને જીવનનું રૂપ આપવામાં આવ્યું છે, તે સુખ નથી પણ તેને સુખરૂપે બતાવવામાં આવ્યો છે…

* * * * * *

આજે દુનિયા ઈશ્વરને તજી રહી છે કારણ કે તે દુનિયા માટે પૂરતા પ્રમાણમાં કંઈ કરતો દેખાતો નથી. તેથી તેઓ કહે છેઃ ‘તે શા કામનો છે?’ શું આપણે ઈશ્વરને એકમાત્ર સુધરાઈ ખાતાના અધિકારી તરીકે જ જોઈશું?

આપણે તો માત્ર સર્વ ઇચ્છાઓનો, ધિક્કારનો, ભેદભાવનો ત્યાગ કરી શકીએ; અધમ અહંભાવને બેસાડી દઈએ—જાણે માનસિક આત્મઘાત કરીએ; શરીર અને મનને શુદ્ધ અને તંદુરસ્ત રાખીએ. પણ તે બધું માત્ર ઈશ્વર પ્રતિ જવાનાં મદદગાર સાધનો તરીકે; એ જ તેમનો સાચો ઉપયોગ છે. સત્યને કેવળ સત્યની ખાતર જ શોધો, સુખને શોધો નહીં. તે આવે તો ભલે આવે; પણ તે તમારે માટે પ્રેરક તત્ત્વ બનવું ન જોઈએ. ઈશ્વર સિવાય બીજો કોઈ હેતુ ન રાખો. નરકમાં થઈને આવવું પડે તોપણ સત્ય પ્રતિ જવાની હિંમત રાખો.

શુક્રવાર, તારીખ ૨૮મી જૂન

(આજે આખો દિવસ આખી મંડળી ઉજાણી માટે ગયેલી અને જો કે ગમે ત્યાં હોય તોપણ સ્વામીજી તો સતત ઉપદેશ આપ્યા જ કરતા હતા, પરંતુ તેની કોઈ નોંધ લેવામાં આવી ન હતી અને તેથી તેમણે જે કહેલું તે અંગે કશું લખાણ રહ્યું નથી. પણ નીકળતાં પહેલાં જ્યારે તેઓ અલ્પાહાર લેવા બેઠા હતા ત્યારે તેમણે કહ્યુંઃ)

સર્વ પ્રકારના અન્નને માટે કૃતજ્ઞ રહો; અન્ન બ્રહ્મ છે. અન્નબ્રહ્મની વિશ્વ વ્યાપક શક્તિ આપણી વ્યક્તિગત શક્તિમાં ફેરવાઈ જાય છે અને આપણે જે કંઈ કરીએ છીએ તેમાં સહાય કરે છે.

શનિવાર, તારીખ ૨૯મી જૂન

(આજ સવારે સ્વામીજી હાથમાં ગીતા લઈને આવ્યા.)

‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને કહે છે. આ જગત ‘ધર્મક્ષેત્ર’ (રણભૂમિ) છે. પાંચ ભાઈઓ (ધર્મના પ્રતિનિધિઓ) બીજા સો ભાઈઓ (જે વસ્તુઓને આપણે ચાહીએ છીએ અને જેને માટે આપણે સામનો કરવો પડે છે.) તેની સાથે લડે છે; વીર શ્રેષ્ઠ ભાઈ અર્જુન (જાગ્રત આત્મા) સેનાપતિ છે. આપણે સઘળા ઇંદ્રિયોના ભોગની સાથે—જે વસ્તુઓ તરફ આપણને અતિશય આસક્તિ હોય છે તેમની સાથે—તેમને હણવા માટે લડવું પડે છે. આપણે એકલા ઊભા રહેવું પડે છે; આપણે બ્રહ્મ છીએ. બીજા બધા ભાવો આ ભાવમાં સમાવી દેવા જોઈએ.

શ્રીકૃષ્ણ સર્વ કંઈ કરતા, પરંતુ અનાસક્ત ભાવે કરતા; તેઓ આ સંસારમાં હતા પણ સંસારના ન હતા, ‘બધું કર્મ કરો પણ આસક્તિ વિના કરો; કર્મ ખાતર કર્મ કરો, તમારા ખાતર કદાપિ નહીં.’

* * *

નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા છીએ; વળી તે મુક્ત નથી પણ સાન્ત છે, તેથી જે સાપેક્ષ હોય તેની મુક્તિ કદી સાચી ન હોય. એક ઘડો એમ કદીય ના કહી શકે કે ઘડા તરીકે ‘હું મુક્ત છું;’ માત્ર જ્યારે તે આકારના બધા ખ્યાલ ગુમાવે છે ત્યારે જ તે મુક્ત બને છે. આખું વિશ્વ વિવિધતા ભરેલો માત્ર આત્મા જ છે, વૈવિધ્યથી બનેલો એક જ સૂર છે; કવચિત્ તેમાં વિસંવાદ હોય છે, પણ પાછળથી સંવાદિતાને વધારે પૂર્ણ બનાવે છે. વિશ્વની સ્વરસંવાદિતામાં ત્રણ ભાવનાઓ અલગ પડી આવે છેઃ મુક્તિ, શક્તિ અને સમતા.

જો તમારી મુક્તિ બીજાને નુકસાન પહોંચાડે તો તમે મુક્ત નથી. તમારે બીજાઓને નુકસાન પહોંચાડવું ન જોઈએ.

મિલ્ટન કહે છેઃ ‘નિર્બળ થવું એટલે દુઃખી થવું.’ કરવું અને ભોગવવું એ બંને અભિન્ન રીતે જોડાયેલાં છે. (ઘણીવાર જે માણસ અતિશય હસે છે તે જ અતિશય દુઃખી થાય છે.) ‘કર્મ કરવામાં તમારો અધિકાર છે તેના ફળમાં નહીં.’ (कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। ભગવદ્ ગીતા ૨: ૪૭)

* * *

ખરાબ વિચારો ભૌતિક દૃષ્ટિએ જોતાં, રોગનાં જંતુઓ છે.

આપણાં શરીર લોઢાના ગઠ્ઠા જેવાં છે; આપણો દરેક વિચાર તેના પર પડતા હથોડાના હળવા ઘા રૂપ છે, જેના વડે આપણે જેવું શરીર બનાવવા ઇચ્છીએ તેવું તે બનાવે છે.

જગતના સર્વ શુભ વિચારોના આપણે વારસદારો છીએ; જો આપણે તેના પ્રતિ પોતાની જાતને મુક્ત કરી દઈએ.

* * *

પુસ્તક આખુંય આપણી અંદર જ છે. મૂર્ખ! શું તને સંભળાતું નથી? તારા પોતાના હૃદયમાં જ દિવસ અને રાત પેલું સનાતન સંગીત ગૂંજી રહ્યું છે सच्चिदानन्द, सोऽहम्, सोऽहम्। ‘સત્ ચિત્ આનંદ; હું તે છું, હું તે છું.’

સર્વ જ્ઞાનનું ઝરણું કીડીમાં તેમ જ ઉચ્ચમાં ઉચ્ચ દેવતામાં, આપણા દરેકે દરેકમાં છે. ખરો ધર્મ એક જ છે, પણ આપણે તેનાં પ્રકારો, પ્રતીકો, દૃષ્ટાંતો અંગે ઝઘડીએ છીએ. જેમને શોધવું હોય તેમને માટે તો સ્વર્ગનું રાજ્ય અહીં જ છે. આપણે તો આપણને પોતાને ખોઈ બેઠા છીએ અને પછી એમ ધારીએ છીએ કે દુનિયા ખોવાઈ ગઈ છે.

પૂર્ણ શક્તિને દુનિયામાં કશી જ પ્રવૃત્તિ હોતી નથી. તે તો માત્ર છે જ—તે કાર્ય કરતી નથી.

જ્યારે સાચું પૂર્ણત્વ એક જ છે, ત્યારે સાપેક્ષ પૂર્ણત્વ અનેક હોવાં જ જોઈએ.

રવિવાર, તારીખ ૩૦મી જૂન

આભાસ વિના વિચાર કરવો તે અશક્યને શક્ય બનાવવાના જેવું છે. નક્કર દૃષ્ટાંત સિવાય આપણે સસ્તન પ્રાણીનો ખ્યાલ ન કરીએ શકીએ. ઈશ્વરના ખ્યાલ વિશે તે જ પ્રમાણે સમજવું.

જગતમાંના વિચારોના મહાન નિરાકાર તત્ત્વને આપણે ઈશ્વર કહીએ છીએ.

દરેક વિચારને બે અંગ હોય છેઃ વિચારાત્મક અને શબ્દાત્મક; આપણી પાસે એ બંને હોવાં જોઈએ. વિજ્ઞાનવાદીઓ કે જડવાદીઓ, બેમાંથી કોઈ સાચા નથી. આપણે વિચાર અને તેની અભિવ્યક્તિ, બંનેને લેવાં જોઈએ.

સઘળું જ્ઞાન પ્રતિબિંબિત થયેલી વસ્તુનું જ થાય છે, કારણ કે આપણો ચહેરો આપણે માત્ર આરસીમાં જ જોઈ શકીએ. કોઈ પણ પોતાના આત્મા કે ઈશ્વરને જાણી નહીં શકે; પરંતુ આપણે પોતે જ તે આત્મા છીએ, આપણે જ ઈશ્વર છીએ.

જ્યારે ‘તમારાપણું’ના રહે ત્યારે જ તમે નિર્વાણ પામ્યા છો. બુદ્ધે કહ્યુંઃ જ્યારે તમે તમે નથી હોતા, જ્યારે ક્ષુદ્ર અહંભાવનો અભાવ હોય છે, ‘ત્યારે તમે શ્રેષ્ઠ છો, ત્યારે તમે સત્ય છો.’

ઘણા ખરા મનુષ્યોમાં અંદરનો દિવ્ય પ્રકાશ ઢંકાઈ ગયેલો હોય છે. તે લોઢાના પીપમાં રાખેલ દીવા જેવું છે; તેમાંથી પ્રકાશની એક રેખા પણ બહાર અજવાળું ન આપી શકે. ધીમે ધીમે, પવિત્રતા અને નિઃસ્વાર્થભાવથી આપણે ઢાંકી રાખતા એ અંતરાયને તે કાચ જેવો પારદર્શક બને ત્યાં સુધી ઓછો ને ઓછો ગાઢ કરી શકીએ. શ્રીરામકૃષ્ણ લોઢાનું પીપ કાચના પીપમાં ફેરવાઈ ગયા હોય તેવા હતા, જેના કારણે અંદરનો પ્રકાશ જેવો હતો તેવો જ બહાર જોઈ શકાતો. આપણે બધાય તે કાચના પીપ જેવાં બનવાને—તેથી ઊંચાં અને વધુ ઊંચાં પ્રતિબિંબો બનવાને માર્ગે જ છીએ. જ્યાં સુધી ‘પીપ’ છે ત્યાં સુધી આપણે ભૌતિક સાધનો દ્વારા જ વિચાર કરવો પડશે. કોઈ પણ અધીરો માનવી કદી પણ સફળતા મેળવી શકે નહીં.

* * *

મહાન સંતો સિદ્ધાંતના ઉદાહરણ સમા છે. પણ શિષ્યો સંતને જ સિદ્ધાંત બનાવે છે અને પછી તેઓ તે વ્યક્તિ માંહેના સિદ્ધાંતને વીસરી જાય છે.

સગુણ સાકાર ઈશ્વર વિરુદ્ધ બુદ્ધે કરેલ સતત આક્ષેપોને પરિણામે ભારતમાં મૂર્તિપૂજા દાખલ થઈ. વેદોમાં મૂર્તિઓ ન હતી કારણ કે તેઓ ઈશ્વરને સર્વત્ર જોઈ શકતા. પણ જગતસ્રષ્ટા અને સુહૃદ ઈશ્વર ગુમાવવાનો પ્રત્યાઘાત મૂર્તિઓ બનાવવામાં પરિણમ્યો અને બુદ્ધ પોતે જ મૂર્તિ બન્યા. ઈશુની બાબતમાં પણ તે જ પ્રમાણે બન્યું.મૂર્તિઓની કક્ષા ભલે લાકડા અને પાષાણથી માંડીને ઈશુ અને બુદ્ધ સુધીની છે, પણ આપણને પ્રતિમાઓ હોવી જ જોઈએ.

* * *

આવેશભર્યા સુધારાઓ હંમેશાં પ્રગતિનો અવરોધ કરવામાં પરિણમે છે. ‘તમે ખરાબ છો’ તેમ ન કહો; માત્ર એટલું જ કહોઃ ‘તમે સારા તો છો; પણ વધારે સારા બનો.’

પુરોહિતો પ્રત્યેક દેશમાં એક અનિષ્ટરૂપ છે, કારણ કે તેઓ હંમેશાં ઉતારી પાડવાની અને ટીકા કરવાની વૃત્તિ ધરાવે છે; તેઓ એક દોરીને સુધારવા માટે એવી ખેંચે છે કે બીજી બેત્રણ સ્થાનભ્રષ્ટ થઈ જાય છે. પ્રેમ કદીય પણ ઉતારી પાડતો નથી, માત્ર મહત્ત્વાકાંક્ષા તેમ કરે છે. ‘પ્રામાણિક’ ક્રોધ કે ન્યાયી હિંસા જેવી કોઈ વસ્તુ જ નથી.

જો તમે કોઈને સિંહ નહીં થવા દો, તો તે શિયાળ બનશે. સ્ત્રીઓ એક શક્તિ છે; માત્ર હમણાં તે અનિષ્ટરૂપે વિશેષ છે અને પુરુષ સ્ત્રી ઉપર જુલમ કરે એટલે તે અત્યારે શિયાળ છે; પણ જ્યારે તેના ઉપર જુલમ ગુજારવામાં આવશે નહીં ત્યારે તે સિંહ બની જશે.

સામાન્ય રીતે કહીએ તો આધ્યાત્મિક આકાંક્ષા બુદ્ધિની સમતોલ રાખવી જોઈએ; નહીં તો તે માત્ર વેવલાપણામાં ઊતરી જાય…

* * *

અંતિમ તત્ત્વ વિશેની પોતાની ભાવનાઓમાં ભલે બધા ઈશ્વરવાદીઓ જુદો જુદો મત ધરાવે, છતાં તેઓ એટલું સ્વીકારે છે કે પરિવર્તનશીલ જગતની પાછળ પરિવર્તનરહિત એક તત્ત્વ છે. બુદ્ધે આનો ‘તદ્દન’ અસ્વીકાર કર્યો. તેમણે કહ્યુંઃ ‘બ્રહ્મ નથી, આત્મા નથી; જીવ નથી.’

એક ચારિત્ર્યવાન વ્યક્તિ તરીકે બુદ્ધ જગતે કદી જોયા ન હોય તેવી મહાનમાં મહાન વ્યક્તિ હતા; ઈશુનું સ્થાન તેમની પછી આવે. પણ ગીતામાં અપાયેલો શ્રીકૃષ્ણનો ઉપદેશ તો જગતે ભાગ્યે જ જાણ્યો હોય તેવો બધામાં સર્વોત્તમ છે. જેણે તે અદ્‌ભુત કાવ્ય રચ્યું તે એક એવા વિરલ આત્માઓ માંહેનો હતો કે જેમના જીવને, જગતભરમાં નવજીવનના તરંગો ઉત્પન્ન કર્યા. ગીતા જેણે રચી, તેના જેવું મસ્તિષ્ક માનવજાત ફરીથી કદાપિ નહીં જુએ.

* * *

અશુભ તરીકે કે શુભ તરીકે પ્રગટ થનારી શક્તિ તો માત્ર એક જ છે. દેવ અને દાનવ એ સામસામી દિશાનાં વહેતાં પાણીવાળી એક જ નદી છે.

Total Views: 137
પુરોવચન
જુલાઈ, ૧૮૯૫