(માર્ચ ૪, ૧૯૦૦)

વિશ્વના હકોને કોઈ વહેંચી દઈ ન શકે. ‘હક’ની વાતમાં મર્યાદા સૂચિત જ છે. એ ‘હક’ નથી પરંતુ ‘જવાબદારી’ છે. દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલાં દૂષણ માટે દરેક વ્યક્તિ જવાબદાર છે. કોઈ પોતાના માનવ ભાઈથી અલગ ન પડી શકે. જે કંઈ વિશ્વ સાથે જોડે તે સદ્‌ગુણ છે, જે કંઈ વિભક્ત બનાવે તે પાપ છે. તમે અનંત ઈશ્વરના અંશ છો; એ તમારો સ્વભાવ છે. તેથી તમે તમારા ભાઈના રક્ષક છો.

જીવનનો પહેલો છેડો જ્ઞાન છે, બીજો છેડો સુખ છે. જ્ઞાન અને સુખથી મુક્તિ મળે છે. પરંતુ કીડી, કૂતરો આદિ સર્વ જીવોને જ્યાં સુધી મુક્તિ ન મળે ત્યાં સુધી કોઈને મુક્તિ ન મળે. બધા સુખી ન થાય ત્યાં સુધી કોઈ એક વ્યક્તિ સુખી ન થઈ શકે. જ્યારે તમે કોઈને દૂભવો છો ત્યારે તમે પોતાને જ દૂભવો છો, કેમ કે તમે અને તમારો ભાઈ એક જ છો, જે પોતાને આખા વિશ્વમાં જુએ છે અને વિશ્વને પોતામાં જુએ છે તે જ ખરેખરો યોગી છે. હુંપણું નહિ પરંતુ આત્મભોગ એ જ સર્વોચ્ચ વિશ્વનો નિયમ છે. ‘અશુભનો પ્રતિકાર ન કરો’ એ ભગવાન ઈશુનો ઉપદેશ કદી અમલમાં નથી આવ્યો તેથી જ દુનિયામાં આટલું અશુભ છે. કેવળ નિઃસ્વાર્થભાવ જ આપણા પ્રશ્નોને ઉકેલી શકશે. તીવ્ર આત્મબલિદાનથી જ ધર્મ પ્રગટે છે. તમારે પોતાને માટે કશાની ઈચ્છા ન રાખો, અન્યને માટે જ બધું કરો. પ્રભુમય જીવન, પ્રભુમય પ્રવૃત્તિ અને પ્રભુમાં વસવું તે આ છે.

Total Views: 248
૧૭. ધર્મ એટલે સાક્ષાત્કાર
૧૯. મુક્તિનો માર્ગ