(એપ્રિલ ૧૮, ૧૯૦૦ના રોજ કેલિફોર્નિયામાં આલામેડા ખાતે આપેલું વ્યાખ્યાન)
આપણે ઘણાં પુસ્તકો વાંચીએ છીએ, ઘણાં શાસ્ત્રો પણ વાંચીએ છીએ. આપણા બચપણથી જ આપણને વિવિધ વિચારો મળે છે અને તેમને અવારનવાર બદલતા રહીએ છીએ. સિદ્ધાંતની દૃષ્ટિએ ધર્મ શું છે એ આપણે સમજીએ છીએ. ધર્મની ઉપાસનાનો અર્થ શો થાય તે આપણે સમજીએ છીએ એમ આપણે માનીએ છીએ. હવે હું ધાર્મિક ઉપાસનાનો મારો ખ્યાલ તમારી પાસે રજૂ કરવાનો છું.
આપણી આસપાસ બધે આપણે ધાર્મિક ઉપાસના વિશે સાંભળીએ છીએ. એ બધાનું પૃથક્કરણ કરતાં આપણને એમ જણાય છે કે એ બધાને એક વિચારમાં સમાવી શકીએ—આપણા જાતિભાઈઓ પ્રત્યે ઉદારતા. ધર્મ એટલે શું એટલું જ છે? આ દેશમાં આપણે રોજ રોજ વહેવારુ ખ્રિસ્તી ધર્મ વિશે સાંભળીએ છીએ કે એક માણસે પોતના જાતભાઈઓનું કંઈક ભલું કર્યું છે. શું એટલામાં જ બધું આવી જાય છે?
જીવનનું ધ્યેય શું? શું આ સંસાર જ જીવનનું ધ્યેય છે? એથી વધારે કંઈ જ નહીં? શું આપણે જે છીએ તે રહેવાના? એથી વધારે કંઈ જ નહીં? માણસ એટલે શું ક્યાંય પણ અટક્યા વગર સરળતાથી ચાલતું એક યંત્ર જ છે? તે જે કાંઈ પામવાનો છે, તે શું આજે જે બધાં દુઃખો તે ભોગવી રહ્યો છે એટલું જ છે? તેને શું વધારે કશું જ જોઈતું નથી?…
અનેક ધર્મોનું સર્વોચ્ચ સ્વપ્ન આ સંસાર છે… લોકોનો મોટો ભાગ એવા એક સમયનું સ્વપ્ન સેવી રહ્યો છે કે જ્યારે કોઈ જાતનો રોગ નહીં હોય, માંદગી નહીં હોય, ગરીબાઈ કે કોઈ જાતનું દુઃખ નહીં હોય; ચારે બાજુએ બધું મંગલમય હશે. એટલે તેમને મન ધાર્મિક ઉપાસનાનો, ધર્મના આચરણનો અર્થ કેવળ આટલો થાય છે કે, ‘શેરીઓમાં ઝાડુ મારો! એને સુંદર બનાવો!’ અને આપણે જોઈએ છીએ કે એથી સૌને આનંદ થાય છે.
શું જીવનનું ધ્યેય ભોગવિલાસ છે? જો એમ હોત તો માણસ થઈને જન્મવું એ જબરદસ્ત ભૂલ લેખાત. એક કૂતરું કે બિલાડું જેટલા સ્વાદથી ખાવાનું ખાઈ શકે છે તેનાથી વધુ સ્વાદથી ક્યો માણસ ખાઈ શકે? પ્રાણીઓના એકાદ સંગ્રહસ્થાનમાં જઈને જુઓ કે જંગલી પશુઓ હાડકાંથી માંસને અલગ કરીને કેવું ફાડી ખાય છે! પાછા જઈને પક્ષી થઈને જન્મો! … ત્યારે તો પછી મનુષ્ય થઈને જન્મવું એ કેવી ભૂલ! ત્યારે તો મારાં વરસો—સેંકડો વરસો—વ્યર્થ જ ગયાં, માત્ર ઇંદ્રિયસુખભોગી મનુષ્ય થવા માટેની ગદ્ધામજૂરીમાં જ ગયાં.
તેથી, નોંધી રાખો કે વ્યાવહારિક ધર્મનો સાધારણ સિદ્ધાંત ક્યાં લઈ જાય છે. દાનની મહત્તા છે; પરંતુ જે ઘડીએ તમે કહો કે એ જ સર્વસ્વ છે ત્યારે તમે ભૌતિકવાદી થઈ જવાનું જોખમ વહોરો છો. એ ધર્મ નથી. એ નાસ્તિકવાદ કરતાં જરાય વધારે સારું નથી. ઊલટું સહેજ ઓછું હશે… ઓ ખ્રિસ્તી ભાઈઓ! તમને આખા બાઇબલમાંથી, પોતાના જાતભાઈઓને માટે કામ કરવું, ઈસ્પિતાલો બાંધવી, એનાથી વધુ સારું કંઈ જ ન મળ્યું? … આ રહ્યો એક દુકાનદાર; તે કહે છે કે જિસસે દુકાન આ રીતે ચલાવી હોત! જિસસે સલૂન કે દુકાન ચલાવી ન હોત કે ન તો કોઈ છાપાનું તંત્રીપણું કર્યું હોત. એ જાતનો વ્યવહારુ ધર્મ ઠીક છે, ખરાબ નથી; પરંતુ એ તો ધર્મનું હજી બાલમંદિર છે. એનું કાંઈ ફળ નથી… જો તમે ઈશ્વરમાં માનતા હો, જો તમે ખ્રિસ્તી હો અને રોજ ગોખતા હો કે ‘ભગવાન! તારી મરજી!’ તો જરા વિચાર કરો કે એનો અર્થ શો થાય છે? હર ક્ષણે તમે કહો છો કે ‘ભગવાન! તારી મરજી!’ પણ એમાં ખરો મતલબ આ હોય છે કે, ‘હે ભગવાન! મારી મરજી તું પૂરી કર.’ અનંત ઈશ્વર પોતાની યોજના પ્રમાણે જ કાર્ય કર્યે જાય છે. જાણે કે તેણે પણ ભૂલો કરી છે અને તમે અને હું એ સુધારવાના છીએ! આ સમસ્ત વિશ્વના ઘડનારાને શું સુથારો શીખવવાના છે! ઈશ્વરે આ દુનિયાને એક ગંદી બખોલ જેવી બનાવી રાખી છે અને તમે તેને સુધારીને સુંદર બનાવવાના છો!
એ બધાનું ધ્યેય શું છે? ઇંદ્રિયસુખ શું ધ્યેય હોઈ શકે? ભોગવિલાસ કે આમોદપ્રમોદ કદી ધ્યેય હોઈ શકે? આ જિંદગી શું આત્માનું ધ્યેય હોઈ શકે? જો હોય તો તો આ ઘડીએ જ મરી જવું સારું; આ જિંદગી જોઈતી જ નથી! માનવીનું ભાવિ જો એવું જ હોય કે એણે કેવળ સંપૂર્ણ રીતે કામ કરતો સંચો જ થવાનું છે, તો એનો અર્થ એ થાય કે આપણે ઝાડ કે પથ્થરો અને એવા જડ પદાર્થો થવાને માટે પાછા જઈ રહ્યા છીએ. તમે કદી ગાયને જૂઠું બોલતાં સાંભળી છે કે કોઈ ઝાડને ચોરી કરતાં જોયું છે? તેઓ સંપૂર્ણ યંત્ર જ છે; તેઓ કદી ભૂલ કરતાં નથી. તેઓ એવી એક દુનિયામાં રહે છે કે જ્યાં સર્વ કંઈ સંપૂર્ણ થઈ ચૂકેલું છે…
જો આ બાબત વ્યાવહારિક ધર્મ ન હોઈ શકે તો પછી (ધર્મનો) આદર્શ શો છે? આવો ચોક્કસ ન જ હોઈ શકે. આપણે અહીં છીએ શા માટે? આપણે અહીં આવ્યા છીએ મુક્તિ માટે, જ્ઞાન માટે. આપણને જ્ઞાનની આવશ્કતા એટલા માટે છે કે આપણે મુક્ત થઈએ. આપણું જીવન એ સ્વાતંત્ર્ય માટેની એક વિશ્વવ્યાપી માગણી છે. રોપ જમીનને ભેદીને ઊંચે આકાશ તરફ જવા સારુ બીજમાંથી ઊગે છે, તેની પાછળ કારણ શું? સૂર્યમાંથી પૃથ્વીને નૈવેદ્ય શાનું આવે છે? તમારું જીવન શું છે? બીજું કંઈ નહીં; એ જ મુક્તિ માટેનો પ્રયત્ન. ચારે બાજુએ પ્રકૃતિ આપણને દાબી દેવા પ્રયાસ કરે છે અને આત્મા પોતાને વ્યક્ત કરવા ઇચ્છે છે. પ્રકૃતિ સાથેનો આ સંઘર્ષ ચાલ્યા જ કરે છે. મુક્તિ માટેના આ જંગમાં ઘણી વસ્તુઓ કચરાઈને તૂટી-ફૂટી જશે. તમારું ખરું દુઃખ એ છે. રણમેદાન પર ધૂળ અને રજના ગોટેગોટા ઊડવા જ જોઈએ. પ્રકૃતિ કહે છેઃ ‘હું વિજયી થઈશ.’ આત્મા કહે છેઃ ‘વિજય મારો જ છે.’ પ્રકૃતિ કહે છે, ‘જરા ઊભો રહે! તને શાંત રાખવા સારુ હું તને થોડો મોજશોખ ચખાડીશ.’ આત્મા થોડોક ભોગ ભોગવે છે, ક્ષણભર ભ્રમમાં પડી જાય છે, પરંતુ બીજી જ ક્ષણે એ વળી પાછો (સ્વાતંત્ર્ય માટે બૂમો પાડે છે.) યુગયુગથી દરેકના હૃદયમાંથી નીકળતી સનાતન હાય તમે લક્ષમાં લીધી છે? ગરીબાઈ આપણને છેતરે છે; આપણે શ્રીમંત થઈએ છીએ અને સંપત્તિથી છેતરાઈએ છીએ. આપણે અભણ અને અજ્ઞાની છીએ; આપણે ભણીએ છીએ અને જ્ઞાનથી છેતરાઈએ છીએ. કોઈ પણ માણસને કદી પૂરો સંતોષ થયો જ નથી. દુઃખનું કારણ એ છે; પણ બધા સુખનું કારણ પણ એ જ છે. તેની ચોખ્ખી નિશાની એ છે. સંસારથી તમને સંતોષ કેવી રીતે થાય?… જો આવતીકાલે આ દુનિયા સ્વર્ગ બની જાય, તોપણ આપણે કહેવાના કે ‘આ લઈ જાઓ. કંઈક બીજું અમને આપો.’
મનુષ્યનો અનંત આત્મા પોતાના અનંત સ્વરૂપ સિવાય બીજા કશાથી કદીયે સંતુષ્ટ થઈ શકે નહીં… અનંત ઇચ્છા માત્ર અનંત જ્ઞાનથી જ સંતુષ્ટ થઈ શકે, એથી જરાય ઓછાથી નહીં. દુનિયાઓ તો આવશે અને જશે. એમાં શું થઈ ગયું? આત્મા સદાય રહે છે અને વિકાસ કરે છે. દુનિયાઓએ આત્મામાં આવવું જોઈએ; મહાસાગરમાં જળના બિન્દુની પેઠે દુનિયાઓએ આત્મામાં અદૃશ્ય થઈ જવું જોઈએ. છતાં આવી દુનિયા એ આત્માનું લક્ષ્ય થયું! જો આપણામાં સાદી બુદ્ધિ હોય તો તો આપણને સંતોષ થાય જ નહીં, જો કે બધા યુગોના કવિઓનો વિષય તો આ જ છે કે દુનિયાથી સંતુષ્ટ રહો અને તે છતાંય કોઈને પૂરેપૂરો સંતોષ થયો નથી! અસંખ્ય પયગંબરોએ આપણને કહ્યું છે કે, ‘તમને જે મળે તેથી સંતોષ રાખો.’ કવિઓ પણ એ જ ગાણું ગાય છે. આપણે આપણી જાતને કહ્યું છે કે શાંતિ રાખ, સંતોષ રાખ અને છતાં આપણે સંતોષ પામ્યા નથી. સનાતન પરમાત્માની એવી યોજના જ છે કે આપણા આત્માને સંતોષ આપે એવું આ લોકમાં કંઈ જ નથી; નથી ઉપર સ્વર્ગમાં કે નથી નીચે. આપણા આત્માની ઇચ્છા સામે તારાઓ અને બ્રહ્માંડો, ઉપરના લોકો અને નીચેનાં પાતાળો સહિતનો આ સમગ્ર સંસાર, એક ઘૃણાજનક રોગ છે; તે સિવાય બીજું કાંઈ નહીં. અર્થ એ છે. એ અર્થ ન હોય તો બીજું સર્વ અનિષ્ટરૂપ છે. જો ઇચ્છાઓનો એ અર્થ ન હોય, જો તમે તેની સાચી અગત્યતાને, તેના ધ્યેયને ન સમજો તો દરેકેદરેક ઇચ્છા અનિષ્ટરૂપ જ છે. સમસ્ત પ્રકૃતિ અણુએ અણુ દ્વારા એક જ વસ્તુને માટે પોકારી રહી છેઃ પોતાની સંપૂર્ણ મુક્તિ.
ત્યારે પછી વ્યાવહારિક ધર્મ છે શું? પેલી અવસ્થાએ—મુક્તિની સ્થિતિએ પહોંચવું, સ્વતંત્રતાની પ્રાપ્તિ કરવી. અને આ સંસાર જો આપણને એ ધ્યેયે પહોંચવામાં સહાય કરે તો ઠીક છે; જો ન કરે, જો એ અગાઉથી રહેલાં હજારો બંધનોમાં એકનો ઉમેરો કરે, તો તે અનિષ્ટરૂપ થઈ પડે છે. મિલકત, વિદ્યા, સૌંદર્ય અને બીજું બધું જ્યાં સુધી આપણને તે મુક્તિના ધ્યેયે પહોંચવામાં સહાયભૂત બને ત્યાં સુધી તેમની વ્યાવહારિક કિંમત છે. જ્યારે તેઓ આપણને મુક્તિના ધ્યેયે પહોંચવામાં સહાયભૂત બનતાં અટકી જાય, ત્યારે તે ખરેખરા ભયરૂપ છે. તો પછી વ્યાવહારિક ધર્મ છે શું? આ લોકની અને પરલોકની વસ્તુનો ઉપયોગ ભલે કરો, પણ તે માત્ર મુક્તિપ્રાપ્તિના એક જ ધ્યેયને માટે હોય. દરેક ભોગ, મોજનો અધોળે અધોળ અનંત હૃદય અને મન બંનેના એકત્રિત વ્યયનું મૂલ્ય ચૂકવીને ખરીદવો પડે છે.
આ દુનિયામાં સારા અને નરસાનો સરવાળો જુઓ. એ બદલાયો છે? યુગો વીતી ગયા છે અને વ્યાવહારિક ધર્મે યુગો સુધી કાર્ય કર્યું છે; દુનિયાને દરેક વખતે લાગતું કે કોયડો ઉકેલાઈ જશે. છતાં સદાયનો એ એક જ પ્રશ્ન ઊભો છે; બહુ બહુ તો તેનું રૂપ બદલાયું છે એટલું જ… વીસ હજાર દુકાનોના બદલામાં ક્ષય અને જ્ઞાનતંતુના રોગનું સાટું થાય છે… એ જૂના સંધિવા જેવું છે; તેને એક જગ્યાએથી હઠાવો તો એ બીજી જગાએ જશે. સો વરસ પહેલાં માણસ પગે ચાલીને મુસાફરી કરતો અથવા ઘોડા પર બેસીને જતો; અત્યારે એ રેલગાડીમાં બેસીને મુસાફરી કરે છે એટલે માને છે કે એ સુખી છે. પરંતુ તેને વધારે મજૂરી કરીને વધુ પૈસા પેદા કરવા પડે છે. તેના દુઃખનું કારણ એ છે કે મહેનત બચાવનારું દરેક યંત્ર મજૂરવર્ગ પર વધુ બોજો મૂકે છે.
આ વિશ્વ, પ્રકૃતિ અથવા તમે તેને ગમે તે કહો, એ પરિસીમિત હોવું જ જોઈએ; એ અસીમ કદી હોઈ શકે નહીં. બ્રહ્મે પ્રકૃતિ થવા માટે દેશ, કાળ અને નિમિત્ત દ્વારા મર્યાદિત થવું જ જોઈએ. આપણી (પાસેની) શક્તિ મર્યાદિત છે. તમે તેનો એક જગાએ ઉપયોગ કરો તો બીજી જગાએ એ ઘટે; એકંદર સરવાળો સદાય એકસરખો જ રહે. સાગરમાં કોઈ પણ એક જગાએ મોજું ઊઠે તો બીજી જગાએ ખાડો પડે; જો એક પ્રજા પૈસાદાર થાય તો બીજી ગરીબ થાય. સારું નરસાને સમતોલ રાખે છે. ક્ષણભર મોજાંની ટોચ પરનો માનવી ધારે છે કે બધું સરસ છે; તળિયે રહેલો મનુષ્ય કહે છે કે જગત ખરાબ છે; પરંતુ બાજુએ ઊભેલો માણસ ઈશ્વરનો આ ખેલ જોયા કરે છે. કેટલાક હસે છે તો કેટલાક રડે છે. હસવાવાળા તેમનો વારો આવશે ત્યારે રડવા લાગશે અને રડવાવાળા હસશે. આપણે શું કરી શકીએ? આપણે જાણીએ છીએ કે આપણાથી કંઈ થઈ શકે એમ નથી…
આપણામાંનો કોણ ભલું કરવાની ભાવનાથી કંઈ પણ કરે છે? એવા તો આંગળીને વેઢે ગણાય તેટલા જ છે; આપણામાંના બાકીના પણ ભલું તો કરે છે, પણ એ તો પરાણે કરવું પડે છે, માટે… આપણે અટકી શકતા નથી. એક જગાએથી બીજી જગાએ અથડાતા અથડાતા આપણે આગળ જઈએ છીએ. આપણે શું કરી શકીએ? દુનિયા એની એ જ રહેવાની છે; આ પૃથ્વી પણ એની એ જ રહેવાની છે. ફેરફાર જે કાંઈ થશે તે રંગમાં થશે—વાદળીમાંથી તપખીરી અને તપખીરીમાંથી વાદળી. એક ભાષામાંથી બીજીમાં ભાષાંતર, એક પ્રકારનાં અનિષ્ટોનો બીજા પ્રકારમાં પલટો. જે ચાલી રહ્યું છે તે એ જ છે… એકના છ, તો બીજાના અર્ધો ડઝન. જંગલ માંહેનો અમેરિકન આદિવાસી તમારી પેઠે તત્ત્વજ્ઞાન પરનું ભાષણ સમજી ન શકે; પણ ખાધેલું તે પચાવી શકે. તમે તેને ભલે મારીને કટકા કરી નાખો, પણ બીજી જ ઘડીએ એ સાજો થઈ જશે. પરંતુ તમને કે મને જો એક જરાક જેટલો છરકો પડે, તો ઈસ્પિતાલમાં છ મહિનાનો ખાટલો થાય…
શરીરરચના જેમ નીચી કોટિની, તેમ ઇંદ્રિયોના ભોગોમાં તેને વધુ આનંદ હોય. હલકામાં હલકાં પ્રાણીઓ અને તેમની સ્પર્શની શક્તિનો ખ્યાલ કરો. તેમને મન સર્વ કંઈ સ્પર્શ જ છે… જ્યારે તમે મનુષ્ય વિષે વિચાર કરવા જાઓ ત્યારે જણાશે કે જેમ જેમ માનવજાતિની સંસ્કૃતિ નીચી, તેમ તેમ તેમની ઇંદ્રિયોના ભોગની શક્તિ વધારે… શરીરરચના જેમ જેમ વધુ ઉચ્ચ પ્રકારની, તેમ તેમ ઇંદ્રિયોમાં આનંદ ઓછો લાગે. કૂતરો ખાવાનું મોજથી ખાઈ શકે, પણ તત્ત્વજ્ઞાનના વિચારના અત્યંત ઉચ્ચ આનંદને તે સમજી ન શકે; બુદ્ધિ દ્વારા તમે જે અદ્ભુત આનંદ મેળવો છો તેનાથી તે વંચિત છે. ઇંદ્રિયજન્ય ભોગોનો આનંદ ઘણો મોટો છે. પરંતુ એથીયે વધુ મોટો છે બુદ્ધિનો આનંદ. જ્યારે તમે છપ્પન પ્રકારનાં ભોજનનો સ્વાદ લો ત્યારે આનંદ ખરેખર આવે. પરંતુ વેધશાળામાંથી તારાઓનું દર્શન કરવું, આખું બ્રહ્માંડ સામે આવી ઉઘડતું હોય એ જોવું; એનો ખ્યાલ કરી જુઓ! એ આનંદ વધુ મોટો જ હોવો જોઈએ કારણ કે તમે તેમાં જમવાનું પણ ભૂલી જાઓ! તમને દુનિયાદારીની ચીજોમાંથી મળતા આનંદ કરતાં એ આનંદ વધુ મોટો હોવો જ જોઈએ. પોતાની સ્ત્રી, પુત્ર, સ્વામી અને બધું તમે ભૂલી જાઓ; ઇંદ્રિયસુખની આખી ભૂમિકા તમે વીસરી જવાના. એનું નામ બૌદ્ધિક આનંદ. એ તો સાવ સાદી સમજની વાત છે કે ઇંદ્રિયભોગ કરતાં એ વધુ મહાન હોય જ. તમે જે ઓછા આનંદનો ત્યાગ હંમેશાં વધુ ઉચ્ચ આનંદ કરો છો તે માટે આ છે વ્યાવહારિક ધર્મ, એટલે કે મુક્તિની પ્રાપ્તિ ત્યાગ. ત્યાગ કરો!
વધુ ઉચ્ચની પ્રાપ્તિ માટે હલકી વસ્તુનો ત્યાગ કરો. સમાજનો પાયો શું છે? નીતિ, સદાચાર, નિયમો. ત્યાગ કરો. તમારા પડોશીની મિલકત હડપ કરવાનો, તમારા પાડોશીને મારવાનો, નબળા ઉપર ત્રાસ ગુજારવાની બધી મજાનો, જૂઠું બોલીને બીજાઓને છેતરવાની મોજનોઃ બધી લાલચોનો ત્યાગ કરો. નીતિમત્તા શું સમાજનો પાયો નથી? લગ્ન એટલે વ્યભિચારનો ત્યાગ નહીં તો બીજું છે શું? જંગલી માણસો લગ્ન નથી કરતા. માણસનું લગ્ન ત્યાગને માટે છે. બધી બાબતનું એ પ્રમાણે જ છે. ત્યાગ કરો; ત્યાગ કરો! ભોગ આપો! છોડી દો! શૂન્યને માટે નહીં, અભાવને માટે નહીં. પરંતુ વધુ ઉચ્ચ મેળવવા સારુ. પરંતુ આ કોણ કરી શકે? જ્યાં સુધી તમને વધુ ઉચ્ચ વસ્તુની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તમે એ કરી ન શકો. તમે વાતો ભલે કરો; તમે પ્રયત્ન ભલે કરો; તમે અનેક વસ્તુ કરવાનો પ્રયાસ ભલે કરો. પરંતુ જ્યારે તમે વધુ ઉચ્ચ વસ્તુને પામો ત્યારે ત્યાગ એની મેળે આવે. નિમ્નતર સ્વયં ખરી પડે છે.
વ્યાવહારિક ધર્મ આ છે. બીજું શું? શેરીઓ વાળવી અને દવાખાનાં બાંધવાં? તેમનું મૂલ્ય માત્ર આ ત્યાગમાં જ રહેલું છે અને ત્યાગનો તો કોઈ અંત નથી. મુશ્કેલી એ છે કે લોકો એના પર એક મર્યાદા મૂકવા માગે છે—આટલો જ ત્યાગ, એનાથી વધુ નહીં. પરંતુ આ ત્યાગને કોઈ મર્યાદા જ નથી.
જ્યાં ઈશ્વર છે, ત્યાં બીજું કંઈ નથી. જ્યાં જગત છે ત્યાં ઈશ્વર નથી. પ્રકાશ અને અંધકાર (ની પેઠે) આ બંને કદી સાથે હોતાં જ નથી. ખ્રિસ્તી ધર્મ અને ખ્રિસ્તના જીવનમાંથી જે હું શીખ્યો છું તે એ છે. એ જ શું બૌદ્ધ ધર્મ નથી? એ જ શું હિંદુ ધર્મ નથી? એ જ શું ઈસ્લામ ધર્મ નથી? બધા મહાન ઋષિઓ અને ગુરુઓનો ઉપદેશ શું એ જ નથી? જેનો ત્યાગ કરવાનો છે તે જગત શું છે? એ અહીં જ છે. એ આખા જગતને હું મારી સાથે લઈને જ ચાલુ છું. એ મારું પોતાનું શરીર છે. આ જે હું મારા જાતિભાઈઓને ઇચ્છાપૂર્વક દબાવું છું તે બધું આ શરીરને માટે, માત્ર તેને સુંદર રાખવા અને તેને જરાક મોજમજા કરાવવા માટે; બીજાઓને હું જે નુકસાન પહોંચાડું છું અને ભૂલો કરું છું તે બધું (આ શરીરને માટે)…
મહાન પુરુષોય મૃત્યુ પામ્યા છે; નબળા માણસોય મરી ગયા છે; દેવો પણ મૃત્યુને આધીન થયા છે. ચોમેર મૃત્યુ ને મૃત્યુ જ છે. આ સંસાર અનંત ભૂતકાળનું કબ્રસ્તાન છે, છતાં આપણે આ (દેહને) વળગ્યા જ રહીએ છીએ જાણે કે, ‘હું કદી મરવાનો જ નથી.’ આપણે ચોક્કસ જાણીએ છીએ કે (દેહનો નાશ થવાનો જ છે.) છતાં આપણે તેને વળગ્યા રહીએ છીએ. એમાં પણ એક અર્થ છે (કારણ કે એક રીતે જોતાં આપણું મૃત્યુ નથી.) ભૂલ એ થાય છે કે આપણે વળગીએ છીએ શરીરને, જ્યારે ખરેખર જે અમર છે તે આત્મા છે.
તમે બધા જડવાદીઓ છો, કારણ કે તમે માનો છો કે તમે શરીર છો. જો કોઈ માણસ મને જોરથી ઠોંસો મારે તો હું કહું કે મને ઠોંસો માર્યો; જો તે મને મારે તો હું કહું કે મને માર્યું. જો હું દેહ નથી તો પછી શા માટે મારે એમ કહેવું જોઈએ? હું શબ્દ માત્રથી બોલું કે હું આત્મા છું તેથી કાંઈ ફરક નથી પડતો. અત્યારે તો હું શરીર જ છું. મેં મારી પોતાની જાતને જડ પદાર્થ બનાવી દીધી છે. એ કારણસર હું જે ખરેખર છું તે અવસ્થાએ પાછા જવા માટે મારે શરીરનો ત્યાગ કરવાનો છે. હું તે આત્મા છું.
नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः।
न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः॥23॥
‘જેને કોઈ શસ્ત્ર વીંધી ન શકે, કોઈ તલવાર કાપી ન શકે, કોઈ અગ્નિ બાળી ન શકે, વાયુ સૂકવી ન શકે.’ જન્મરહિત અને ઉત્પત્તિ રહિત, આદિ રહિત અને અંત રહિત, મૃત્યુ રહિત, જન્મ રહિત અને સર્વવ્યાપી એવો હું છું; અને બધાં દુઃખો આવવાનું કારણ એ છે કે આ ક્ષુદ્ર માટીના લોંદા જેવા શરીરને હું મારો આત્મા માની રહ્યો છું. હું મને પોતાને જડ પદાર્થની સાથે તદ્રૂપ માની રહ્યો છું અને તેનાં પરિણામો ભોગવી રહ્યો છું.
વ્યાવહારિક ધર્મ એ છે કે હું મને પોતાને શુદ્ધ આત્મા માનું. બીજો આ ખોટો દેહ સાથેનો અધ્યાસ બંધ કરો! એ બાબતમાં તમે કેટલા આગળ વધ્યા છો? તમે ભલે બે હજાર ઈસ્પિતાલો બંધાવી હોય, ભલે પચાસ હજાર રસ્તા બંધાવ્યા હોય, છતાંય તમે આત્મા છો એવો અનુભવ જો ન કર્યો હોય તો તેમાં શું વળ્યું? જેવી કૂતરાની ભાવનાઓ હોય છે તેવી જ ભાવનાઓ રાખીને તમે કૂતરાને મોતે મરો છો. કૂતરો ભસે છે અને કલ્પાંત કરે છે, કારણ કે તે જાણે છે કે પોતે જડ પદાર્થ છે અને પોતે વિલીન થઈ જવાનો છે.
મૃત્યુ છે જ; તમે જાણો છો કે એ અનિવાર્ય છે, જળમાં, હવામાં, મહેલમાં, કેદખાનામાં સર્વત્ર મૃત્યુ છે. ત્યારે તમને ભયરહિત શું બનાવે છે? જ્યારે તમને સાક્ષાત્કાર થાય કે તમે તે અનંત આત્મા છોઃ જન્મ રહિત, મૃત્યુ રહિત, આત્મા છો કે જેને અગ્નિ બાળી ન શકે, શસ્ત્રો છેદી ન શકે, વિષ મારી ન શકે. ધ્યાન રાખજો કે એ માત્ર સિદ્ધાંતમાં જ નહીં, માત્ર ચોપડીઓ વાંચવામાં જ નહીં…..(માત્ર વાંચી જવામાં નહીં). મારા વૃદ્ધ ગુરુદેવ કહેતા કે ‘પોપટને પઢાવ્યો હોય ત્યાં સુધી રામ રામ, બરાબર બોલ્યા કરે, પણ બિલાડી આવીને ગળચી પકડે ત્યારે એ રામ રામ ભુલાઈ જાય છે.’ તેમ (તમે ભલે) ચોવીસે કલાક પ્રાર્થના કર્યા કરો, દુનિયામાંનાં બધાં શાસ્ત્રો વાંચ્યે રાખો અને છે તેટલા બધા દેવોની ભલે પૂજા કર્યા કરો, (પરંતુ) જો તમે આત્માનો સાક્ષાત્કાર ન કરો તો મુક્તિ થવાની જ નહીં; સિદ્ધાંતો નહીં, દલીલો નહીં, પણ સાક્ષાત્કાર. એને હું વ્યાવહારિક ધર્મ કહું છું.
આત્મા વિષેનું આ સત્ય પ્રથમ સાંભળવાનું છે. સાંભળ્યા પછી તેનું મનન કરવાનું છે. તમે મનન કરી ચૂક્યા એટલે પછી તેના પર ધ્યાન કરો. વ્યર્થ દલીલો બંધ કરી દો! એક વાર તમે તમારી જાતે ખાતરી કરી લો કે તમે અનંત આત્મા છો. જો એ સાચું હોય તો તમે શરીર છો એ મૂર્ખતા જ હોવી જોઈએ. તમે આત્મા છો અને એનો સાક્ષાત્કાર કરવો જોઈએ. આત્માએ પોતાને આત્મા તરીકે ઓળખવો જોઈએ. અત્યારે તો આત્મા પોતાને શરીર તરીકે ઓળખે છે; એ બંધ થવું જોઈએ. જે ક્ષણે તમે એનો સાક્ષાત્કાર કરશો, તે જ ક્ષણે તમે મુક્ત છો!
તમે આ કાચના પ્યાલાને જુઓ છો,પણ તમે જાણો છો કે એ માત્ર ભ્રમણા છે. કેટલાક વૈજ્ઞાનિકો તમને કહેશે કે એ માત્ર પ્રકાશ અને આંદોલનો છે… આત્માનું દર્શન એના કરતાં અનંત ગણું વધારે સાચું છે, એ જ એક માત્ર સાચી અવસ્થા છે, એ જ એક માત્ર સાચો અનુભવ, એક માત્ર સાચું દર્શન છે. આ બધા (જે પદાર્થો તમે જુઓ છો તે) પદાર્થો માત્ર સ્વપ્નાં છે.એ તો તમને હવે ખબર છે. માત્ર પેલા પ્રાચીન વિજ્ઞાનવાદીઓ જ નહીં, પરંતુ આધુનિક ભૌતિક વિજ્ઞાનીઓ પણ કહે છે કે જે કાંઈ છે તે પ્રકાશ જ છે. જે તફાવત પડે છે તે સહેજ વધારે માત્રાનાં કંપનોનો પડે છે…
તમારે ઈશ્વરને જોવો જોઈએ. આત્માનો સાક્ષાત્કાર કરવો જોઈએ; વ્યાવહારિક ધર્મ એ છે. ‘તમે’ જેને વ્યાવહારિક ધર્મ કહી રહ્યા છો, એ કાંઈ ક્રાઈસ્ટે કરેલો ઉપદેશ નથી. ક્રાઈસ્ટે તો કહ્યું કે, ‘જેમનો આત્મા નમ્ર છે તેઓ ધન્ય છે, કારણ કે સ્વર્ગનું રાજ્ય તેમનું છે.’ એ શું કાંઈ મજાક છે? તમે જેનો વ્યાવહારિક ધર્મ તરીકે ખ્યાલ કરો છો તે શું છે? ભગવાન આપણું ભલું કરે! ‘હૃદયમાં જેઓ પવિત્ર છે તેઓ ધન્ય છે, કારણ કે તેઓ ઈશ્વરને જોશે.’ એનો અર્થ શું શેરીઓ વાળવી કે ઈસ્પિતાલો બાંધવી અને એવું બધું થાય ખરો? જ્યારે તમે કોઈ કામ પવિત્ર અંતઃકરણથી કરો, ત્યારે તે શુભ કર્મ કહેવાય. કોઈ માણસને વીસ ડોલરની મદદ કરીને પછી તમારું નામ છાપામાં છપાયું છે કે નહીં એ જોવા સારુ સાનફ્રાન્સિસ્કોનાં બધાં છાપાં ખરીદતા નહીં! તમારા પોતાના જ ધર્મગ્રંથોમાં તમે વાંચ્યું નથી કે કોઈ પણ મનુષ્ય તમને મદદ કરી શકવાનો નથી? ગરીબ, દુઃખી, દુર્બળ માણસોમાં સાક્ષાત્ રહેલા ઈશ્વરની પૂજા સમજીને તેમની સેવા કરો. જો એ કરો તો પછી પરિણામ ગૌણ બની જાય છે. લાભના કશાય વિચાર વિનાનું એ જાતનું કામ આત્માને ઊંચો ચડાવે છે. આવાઓને માટે સ્વર્ગનું રાજ્ય છે.
સ્વર્ગનું રાજ્ય આપણી પોતાની અંદર જ છે. ઈશ્વર ત્યાં છે. ઈશ્વર સર્વ આત્માઓનો આત્મા છે. તેને તમારા પોતાના આત્મામાં જુઓ. વ્યાવહારિક ધર્મ એ છે. મુક્તિ એ છે. આપણે શરીરના ઉપાસકો કેટલે અંશે છીએ અથવા ઈશ્વરમાં, આત્મામાં માનનારા કેટલે અંશે છીએ, આપણે આપણને પોતાને કેટલે અંશે આત્મા માનીએ છીએ વગેરે બાબતોમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ, તે આપણે એકબીજાને જરા પૂછી જોઈએ. એ છે નિઃસ્વાર્થતા. એ છે મુક્તિ. એ છે સાચી ઉપાસના. તમારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરો; જે બધું કરવાનું છે તે એ જ છે. તમે જેવા છો તેવા, અનંત આત્મા રૂપે, પોતાને ઓળખો. એ છે વ્યાવહારિક ધર્મ. બાકીનું બધું અવ્યાવહારિક છે, કારણ કે બાકીનું બધું અદૃશ્ય થઈ જશે. એ એકલો (આત્મા) જ કદી અદૃશ્ય નહીં થાય. એ સનાતન છે. ઈસ્પિતાલો તૂટી પડવાની; રેલવે બાંધનારાઓ બધા મરી પરવારવાના; આ પૃથ્વીના તૂટી જઈને ટુકડે ટુકડા થઈ જશે; સૂર્યો ભૂંસાઈને સાફ થઈ જશે. માત્ર આત્મા જ સદાકાળ ટકી રહે છે.
ક્યું વધુ ઉચ્ચ છે? આ નાશવંત પદાર્થોની પાછળ દોડ્યા કરવું તે કે … જે અવિકારી છે તેની ઉપાસના કરવી તે? ક્યું વધુ વ્યાવહારિક છે? વસ્તુઓને મેળવવામાં જીવનની બધી શક્તિઓ ખર્ચી નાખવી અને એ મળી જાય તે પહેલાં મૃત્યુ આવી પહોંચે એટલે એ બધીને છોડીને તમારે ચાલતા થવું તે? જેમ પેલા મહાન (રાજાએ) બધાને જીતી લીધા અને પછી જ્યારે મૃત્યુ આવ્યું ત્યારે કહ્યું કે, ‘બધી મૂલ્યવાન વસ્તુઓનાં પાત્રો મારી સામે રાખો.’ ‘મારો પેલો મોટો હીરો આપો.’ પછી તે હીરાને એણે પોતાની છાતી ઉપર મૂક્યો અને રડી ઊઠ્યો. એ પ્રમાણે રડતાં રડતાં તે મરી ગયોઃ જેમ કૂતરું મરે, તે જ રીતે!
માણસ કહે છે કે, ‘હું જીવું છું.’ એ જાણતો નથી કે મોતની (બીક) તેને ગુલામની પેઠે જિંદગી સાથે જકડી રાખે છે. તે કહે છે કે, ‘હું ભોગો ભોગવું છું.’ તેને સ્વપ્નેય ખ્યાલ નથી આવતો કે પ્રકૃતિએ તેને ગુલામ બનાવી રાખ્યો છે.
પ્રકૃતિ આપણને સહુને પીસી નાખે છે. તમને જે અધોળ આનંદ મળે છે તેનો હિસાબ રાખજો. તો લાંબે ગાળે તમને જણાશે કે પ્રકૃતિએ તમારી મારફત પોતાનું કામ કાઢી લીધું છેઃ भोगा न भुक्ता वयमेव भुक्ताः અને જ્યારે તમે મરી જશો ત્યારેય તમારું શરીર ખાતર તરીકે બીજા રોપાઓને ઊગવાના ઉપયોગમાં લેવાશે. છતાંય જિંદગી આખી આપણે એમ જ ધારીએ છીએ કે આનંદ આપણે પોતે મેળવીએ છીએ. આ પ્રમાણે ચક્ર ગોળ ને ગોળ ફર્યા જ કરે છે.
એ કારણસર આત્માનો આત્મા તરીકે સાક્ષાત્કાર કરવો એ વ્યાવહારિક ધર્મ છે. બીજું બધું આ મહાન ભાવના તરફ લઈ જાય ત્યાં સુધી સારું છે. એ (સાક્ષાત્કાર) થાય છે ત્યાગથી, ધ્યાનથી, સર્વ ઇંદ્રિયોના ભોગોના ત્યાગથી, જે ગ્રંથિઓ, જે બેડીઓ આપણને જડ પદાર્થની સાથે બાંધી રાખે છે તે બધીને કાપી નાખવાથી. ‘હું ભોગની ઇચ્છા રાખતો નથી, ઇંદ્રિયસુખની ઇચ્છા રાખતો નથી, પણ કંઈક વધુ ઉચ્ચ વસ્તુની ઇચ્છા રાખું છું.’ એનું નામ છે ત્યાગ. ત્યાર પછી, જે ખરાબી થઈ ચૂકી છે તેને ધ્યાનની શક્તિ વડે ટાળી નાખો.
આપણે પ્રકૃતિના ગુલામ છીએ. બહાર જો અવાજ થાય તો મારે એ સાંભળવો જ પડે છે; જો કંઈક ચાલી રહ્યું હોય તો મારે તે જોવું જ પડે છે. વાંદરાઓની પેઠે આપણામાંનો દરેકે દરેક, જાણે કે દરેકની અંદર બે હજાર વાંદરા એકત્રિત કરીને મૂકેલા હોય એવો છે. વાંદરા બહુ જ કુતૂહલવૃત્તિવાળા હોય છે. એવી રીતે આપણે પરાણે ઇંદ્રિયોની પાછળ દોડવું પડે છે અને એને આપણે ‘ભોગ ભોગવવા’ એવું નામ આપીએ છીએ! અદ્ભુત છે આ ભાષાઃ આપણે દુનિયાને ભોગવીએ છીએ! ભોગવ્યા વિના આપણાથી રહી શકાતું નથી; પ્રકૃતિ આપણને ભોગવાવે છે. એક સુંદર અવાજ છેઃ હું તે સાંભળું છું. જાણે કે તે સાંભળવો કે નહીં એ હું જ પસંદ કરતો ન હોઉં! પ્રકૃતિ કહે છેઃ ‘જઈને દુઃખની ઊંડી ખાઈમાં પડ.’ એ ક્ષણમાં જ હું દુઃખી થાઉં છું… આપણે (ઇંદ્રિયોના) ભોગોની અને સંપત્તિની વાતો કરીએ છીએ. એક માણસ મને ઘણો વિદ્વાન માને છે. બીજો ધારે છે કે ‘(હું) મૂર્ખ છું.’ આ અધઃપાત, આ ગુલામી કાંઈ પણ જાણ્યા વિના! અંધારા ઓરડામાં આપણે એકબીજા સામે માથાં અફાળી રહ્યા છીએ…
ધ્યાન શું છે? ધ્યાન એ એવી શક્તિ છે કે જે આ બધાંનો સામનો કરવાને આપણને શક્તિમાન બનાવે છે. પ્રકૃતિ આપણને કહે છેઃ ‘જો પેલી સુંદર વસ્તુ રહી!’ હું તેના સામે જોતો જ નથી. ઘડીક પછી પ્રકૃતિ કહે છેઃ ‘જો પેલી સુમધુર સુગંધ રહી, તું સૂંઘી જો!’ હું મારા નાકને કહું છુંઃ ‘તું સૂંઘીશ નહીં.’ એટલે નાક સૂંઘતું નથી. હું આંખોને કહું છું કે ‘આંખો! તમે જોશો નહીં!’ પ્રકૃતિ એવી ભયાનક ઘટના ઘડે છે કે મારા એક બાળકને મારી નાખે છે અને કહે છેઃ ‘હરામખોર! હવે બેસીને રડ! દુઃખના દરિયામાં પડ!’ હું કહું છુંઃ ‘નથી પડતો, જા.’ અને ઊભો થઈ જાઉં છું. મારે મુક્ત થવું જ જોઈએ. ક્યારેક ક્યારેક (ધ્યાનમાં) પ્રયાસ કરી જુઓ; ક્ષણભરને માટે તમે આ પ્રકૃતિને બદલાવી શકશો. હવે જો એ શક્તિ તમારા પોતાનામાં હોય તો શું એ સ્વર્ગ નથી? શું એ મુક્તિ નથી? એ શક્તિ ધ્યાનની છે.
એ મેળવવી કઈ રીતે? જુદી જુદી ઘણી રીતે. દરેક પ્રકારના સ્વભાવ માટે તેનો પોતાનો અલગ માર્ગ છે. પરંતુ સર્વસાધારણ સિદ્ધાંત આ છેઃ મનને કાબૂમાં લો. મન એક સરોવર જેવું છે; તેમાં નાખેલો દરેક પથરો તરંગો ઉત્પન્ન કરે છે. આ તરંગો આપણે શું છીએ તે આપણને જોવા દેતા નથી. સરોવરના જળમાં પૂર્ણ ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, પરંતુ જળની સપાટી એટલી ખળભળેલી છે કે આપણે પ્રતિબિંબને સ્પષ્ટ જોઈ શકતા નથી. એને સ્થિર થવા દો; પ્રકૃતિને તરંગ ઉત્પન્ન કરતી અટકાવો. શાંત રહો; થોડાક સમય પછી એ તમને છોડી દેશે. ત્યારે આપણે જાણી શકીએ કે આપણે શું છીએ. ઈશ્વર તો ત્યાં પહેલેથી જ છે, પરંતુ મન સર્વદા ઇંદ્રિયોની પાછળ ભટકતું રહેવાને અંગે ખૂબ જ વિક્ષિપ્ત થાય છે. તમે ઇંદ્રિયોને બંધ કરો છો, (છતાં) તમે ભમતા ને ભમતા જ હો છો. અત્યારે, આ ક્ષણે જ હું વિચાર કરું છું કે હું સ્વસ્થ છું અને ઈશ્વરનું ધ્યાન ધરું; પણ મારું મન તે જ ક્ષણે લંડન પહોંચે છે. જો હું તેને ખેંચીને ત્યાંથી હઠાવું તો એ મેં ભૂતકાળમાં ન્યૂયોર્કમાં કરેલી બાબતોનો વિચાર કરવા સારુ ત્યાં દોડ્યું જાય છે. ધ્યાનની શક્તિ દ્વારા આ (તરંગોને) અટકાવવાના છે.
ધીમે ધીમે અને ક્રમે ક્રમે આપણે આપણી જાતને કેળવવાની છે. એ કાંઈ રમત નથી; એ કાંઈ એક દિવસનો, એક વરસનો—કે કદાચ જનમોનો પણ સવાલ નથી. પણ તેનો કાંઈ વાંધો નહીં! ખેંચ્યા કર્યે જ રાખવું. જાણીને, ઇચ્છાપૂર્વક ખેંચે જ રાખવું. તસુએ તસુએ કરીને આપણે આગળ વધીશું જ. આપણને અનુભવો થવા માંડશે અને ખરા લાભો મળશે કે જે કોઈ પણ માણસ આપણી પાસેથી ખૂંચવી લઈ નહીં શકે; જે સંપત્તિને કોઈ લઈ જઈ ન શકે, જેનો કોઈ નાશ કરી ન શકે, જે આનંદને કોઈ પણ દુઃખ હરકત પહોંચાડી ન શકે…
આ બધાં વરસો થયાં આપણે બીજાઓ ઉપર આધાર રાખતા આવ્યા છીએ. મને જ્યાં જરાક મજા મળે છે અને એટલામાં પેલી વ્યક્તિ ચાલી જાય, તો મારી મજા પણ મારી જાય છે… માણસની મૂર્ખતા તો જુઓ! સુખને માટે તે માનવી ઉપર આધાર રાખે છે! સાહજિક રીતે જ, વિયોગ માત્ર દુઃખદાયક છે. સુખ સારુ સંપત્તિ પર આધાર રાખવો? સંપત્તિની તો ચડતીપડતી થાય છે. તંદુરસ્તી પર કે અવિકારી આત્મા સિવાયની બીજી કોઈ પણ વસ્તુ પર આધાર રાખવાથી આજે કે કાલે પણ દુઃખ આવવાનું ને આવવાનું જ.
અનંત આત્મા સિવાયની સર્વ વસ્તુઓ પરિવર્તન પામ્યા જ કરે છે. પરિવર્તનનું ચક્કર ફર્યા જ કરતું હોય છે. તમારા પોતાના આત્મા સિવાય શાશ્વતતા ક્યાંય નથી. ત્યાં જ અનંત, પરિવર્તનરહિત આનંદ છે. ધ્યાન, ત્યાં પહોંચવાનો દરવાજો છે. પ્રાર્થનાઓ, ક્રિયાકાંડો અને બીજા બધા પૂજાના પ્રકારો, માત્ર ધ્યાન માટેનું બાલશિક્ષણ છે; તમે પ્રાર્થના કરો છો, નૈવેદ્ય ધરાવો છો, વગેરે. અગાઉ એક એવો સિદ્ધાંત હતો કે જે કહેતો કે દરેક વસ્તુ માણસની આધ્યાત્મિક શક્તિ જગાવે છે. અમુક મંત્રો,પુષ્પો, પ્રતિમાઓ, મંદિર, આરતી ઉતારવી વગેરે બધાં મનને એ સ્થિતિમાં લાવે ખરાં; પરંતુ એ સ્થિતિ હંમેશાં માનવ આત્મામાં છે, બીજે ક્યાંય નહીં. (બધા લોકો) એ જ કરી રહ્યા છે; પરંતુ તેઓ જે જાણ્યા વગર કરી રહ્યા છે તે તમે સમજણપૂર્વક કરો. એ શક્તિ ધ્યાનની છે. તમારામાં છે તે બધું જ્ઞાન આવ્યું કેવી રીતે? ધ્યાનની શક્તિમાંથી. આત્માએ મંથન કરીને એ જ્ઞાનને પોતાના ઊંડાણમાંથી બહાર કાઢ્યું. આત્માની બહાર વળી કદીયે ક્યું જ્ઞાન હતું? લાંબે ગાળે આ ધ્યાનશક્તિ આપણા આત્માને દેહથી અલગ કરે છે અને ત્યારે આત્મા પોતે જેવો છે તેવો—જન્મરહિત, મૃત્યુરહિત અને ઉત્પત્તિરહિત તત્ત્વરૂપે—પોતાને જાણે છે. પછી કશું દુઃખ નથી, આ પૃથ્વી પર જન્મ લેવાનો નથી કે બીજા કોઈ લોકોમાં ઉત્ક્રમણ નથી. (આત્મા પોતે) સદાય પૂર્ણ અને મુક્ત (હતો એમ પોતાને જાણે છે.)

