(વોશિંગ્ટન ટાઈમ્સ, સોમવાર, ઓક્ટોબર ૨૯, ૧૮૯૪)

રે એન્ડ વોંડા એલિસ, ‘સ્વામી વિવેકાનંદ ઈન વોશિંગ્ટન ડી.સી.’, ધ વેદાંત કેસરી ૧૯૯૧, પૃ. ૩૭૦-૭૩.

બ્રાહ્મણ સાધુ વિવે કાનંદ પીપલ્સ ચર્ચમાં પ્રબોધે છે

ગઈકાલે સવારે ૧૧.૦૦ વાગ્યે, નં. ૪૨૩ જી સ્ટ્રીટ નોર્થવેસ્ટમાં આવેલા પીપલ્સ ચર્ચમાં એકત્રિત લોકોને બ્રાહ્મણ સાધુ વિવે કાનંદે સંબોધ્યા (૨૮ ઓકટો, ૧૮૯૪ને દિવસે સ્વામી વિવે કાનંદે પીપલ્સ ચર્ચમાં આપેલા બે વાર્તાલાપોની અક્ષરશઃ નોંધ ઉપલબ્ધ નથી. CW. ૨.૪૯૭-૯૯. તેમના સવારના ઉપદેશ પછી સ્વામીજીએ આપેલી મુલાકાત)… સાધુનો પરિચય ડૉ. કેંટે આપ્યો હતો…

મંચ પર જરા આગળ આવીને વિવેકાનંદે કહ્યું કે “યુનિવર્સિટીમાં વિદ્યાર્થી તરીકે હું તુલનાત્મક ધર્મ શીખ્યો છું. હિંદમાં ઘણા ધર્મો છે. પાંચમા ભાગની પ્રજા મુસલમાનો છે. દસ લાખ ખ્રિસ્તીઓ છે. મેં બધા ધર્મોનો અભ્યાસ કર્યો છે. એક મોટા હિંદુ ધર્મગુરુને હું સાંભળતો હતો. એમણે પૂરું કર્યું ત્યારે મેં પૂછ્યુંઃ “મારા ભાઈ, આપે ઈશ્વરને જોયો છે?”

આશ્ચર્યચક્તિ થઈ ગુરુ કહે, ‘ના’.

‘તો આ બધું સાચું છે એ તમે કેવી રીતે જાણ્યું?’

‘મારા પિતાએ મને કહ્યું હતું.’

‘આપના પિતાને કોણે કહ્યું હતું?’

‘એમના પિતાએ’ અને એ રીતે વાદળો સુધીના પૂર્વજોએ.”

ઊંચી વકતૃત્વશક્તિવાળા એક ખ્રિસ્તી પાદરીને એમણે સાંભળ્યા હતા. આ સત્યશોધકને એ પાદરીએ કહ્યું કે ‘જો તું પાણીમાં નહીં પડે તો જીવતો ભૂંજાઈ જવાનો ભય છે.’ વધારે પ્રશ્નો પછી એ પાદરીને પણ પોતાના પૂર્વજોનો આધાર લેવો પડ્યો અને એમ એને પણ વાદળો સુધી જવું પડ્યું હતું.

અસંતુષ્ટ વિદ્યાર્થી

વિદ્યાર્થીને એથી સંતોષ ન થયો. એ પ્રાર્થના કરવા લાગ્યો. કોઈક વાર એની પ્રાર્થના સતત ત્રણ દિવસ અને ત્રણ રાત, અતિરુદન અને ખોરાક વિના ચાલવા લાગી. આખરે એ એવી વ્યક્તિને મળ્યો જે અભણ હતી અને જેને પોતાનું નામ લખતાં પણ આવડતું ન હતું. એ સંત પોતાના ધર્મનો બોધ કરતા. એમણે પેલા પુરાણા પ્રશ્નના ઉત્તરમાં કહ્યુંઃ

“હા, મને અત્યારે પણ ઈશ્વર દેખાય છે અને એને જોતાં તને શીખવીશ.”

એ સંતના ચહેરા પર ઈશ્વરની આભા હતી. જોર્ડનમાં નઝરેથના આદમીને માથે કબૂતર બેઠું ત્યારે એને મળેલા પ્રમાણપત્રના જેવું જ આ હતું. ઈશ્વર છે અને ધર્મધતિંગ નથી એમ પોતાના શ્રોતાને એમણે માનતો કરી દીધો.

આ માનવીને ચરણે કાનંદ બાર વર્ષ બેઠા. એ ગુરુ હતા. એક દિવસ એમણે કહ્યું, ‘આ પોથી લઈ લે.’ કાનંદે એ લઈને ખોલી. વરસાદનો વરતારો એમાં હતો તે એણે વાંચ્યો. એમાં હતું કે અમુક જિલ્લામાં અમુક સમયે મુસળધાર વરસાદ પડશે. ‘હવે એ બંધ કર અને દબાવ’, ગુરુએ આદેશ આપ્યો. કાનંદે તેમ કર્યું. ‘જોરથી દબાવ’. કાનંદે તેમ પણ કર્યું. ‘પોથીમાંથી કંઈ પાણી આવ્યું?’ ‘ટીપુંય નહીં.’ પોથાં બધાંય તેવાં છે. સાચો ધર્મ અહીં હૃદયમાં છે.

સત્ય એ છે કે લોકોને ઈશ્વરની જરાય પડી નથી. તે તો ઘણો દૂર છે. ધર્મ માત્ર ફેશન છે. બાનુ પાસે સુંદર દીવાનખાનું છે, સરસ ફર્નિચર છે, પિયાનો છે, રૂપાળું ઝવેરાત છે, બરાબર બંધબેસતા મોંઘાદાટ પોશાક છે અને છેલ્લામાં છેલ્લી ઢબની હેટ છે. આ સર્વની સાથે બંધ બેસે તેવી થોડી ધર્મની લકીર વિના એ બાનુને ચાલતું નથી. આવો જ ધર્મ ખૂબ જોવા મળે છે પણ એ દંભ છે અને દંભ બધાં અનિષ્ટનું મૂળ છે. આ પ્રકારનો ધર્મ ઈશ્વરનો ધર્મ નથી. એ માત્ર પડછાયાઓ છે. આવા ધર્મવાળા લોકો કોઈક વાર ખૂબ ગંભીર બની જઈ, પોતાને સત્ય સાંપડ્યું હોય તે રીતે વાતો કરે છે. એટલે ધર્મને પ્રાપ્ત કર્યા વિના એને વિશે વાત કરવા આ લોકો લડવા, ઝઘડવા માંડે છે. ‘મારો, મારો ધર્મ’, એ સૂર ઊઠે છે, કદી, ‘તારો ધર્મ’ નહીં. ‘મારો ધર્મ ઉત્તમ છે’, ‘ના, મારો ઉત્તમ છે’ અને જંગલી લોકો પોતાના દેવો મંબો અને જંબો માટે લડતા તે રીતે આ લોકો લડે છે. ધંધામાં તેમ ધર્મમાં હરીફાઈ અનર્થકારક છે.

પ્રેમ શાશ્વત છે

તમારો પોલ કહે છે, ‘બધું જ નાશ પામશે પણ પ્રેમ શાશ્વત રહેશે.’ એ મહાન સત્ય છે. બીજાં બધાં રાષ્ટ્રોને ભોગે મારું રાષ્ટ્ર મહાન થાય તે જૂઠો સિદ્ધાંત ઈશ્વરનો નથી.

એક યુવાને પોતાના ગુરુ પાસે જઈ કહ્યું, ‘મારે ઈશ્વરને જાણવો છે.’ ગુરુએ કંઈ ધ્યાન ન આપતાં શિષ્ય પોતાની વાતને વળગી રહ્યો અને આગ્રહપૂર્વક બોલવા લાગ્યો. આખરે એક દિવસે ગુરુએ કહ્યું, ‘ચાલ, આપણે નદીએ નહાવા જઈએ.’ બંને નદીએ ગયા અને શિષ્ય નદીમાં પડ્યો. ગુરુ પણ નદીમાં આવ્યા અને શિષ્યને એમણે પાણીની અંદર દબાવી રાખ્યો. ગુરુની પકડમાંથી છૂટવા યુવકે મથામણ કરી પણ ગુરુએ એને છોડ્યો નહીં. આખરે એ મરી ગયા જેવો થઈ ગયો ત્યારે ગુરુએ પકડ ઢીલી કરી અને પાણીની બહાર કાઢી શિષ્યને ભાનમાં લાવ્યા. ‘તું પાણીમાં હતો ત્યારે સૌથી વધારે તું શું ઝંખતો હતો?’ એમ ગુરુએ પૂછ્યું. શિષ્યે કહ્યું, ‘શ્વાસ’. ‘તો તું ઈશ્વરને નથી ઝંખતો.’

લોકોનું પણ તેવું જ છે. તમને શ્વાસ જોઈએ છે, એના વિના તમે જીવી શકતા નથી; તમને રોટી જોઈએ છે, એના વિના તમે જીવી શકતા નથી; તમારે ઘર જોઈએ છે, એના વિના તમે જીવી શકતા નથી. આ વસ્તુઓ તમને જોઈએ છે એમ તમને ઈશ્વરની ઇચ્છા થશે ત્યારે એ તમારી પાસે પ્રગટ થશે. ઈશ્વરને ઝંખવો એ મોટી વાત છે.

આ જગતનાં મોટાભાગનાં સ્ત્રીપુરુષોને ઇંદ્રિયભોગો જોઈએ છે. એમને કહેવામાં આવ્યું છે કે ‘ઈશ્વર દૂરસુદૂર છે અને તમે એને ગાડું ભરી શબ્દો મોકલશો તો આ જગતની બધી સારી વસ્તુઓ તમને ત્યાં મેળવવામાં એ સહાય કરશે. પરંતુ દરેક દેશમાં એવા થોડાક લોકો છે જેમને ઈશ્વર જ જોઈએ છીએ. સત્ય અને શિવના તત્ત્વ સાથે તેઓ એકરૂપ થઈ જશે. ધર્મ દુકાનદારી નથી. પ્રેમ કશો બદલો માગતો નથી; પ્રેમ કશું માગતો નથી; પ્રેમ આપે છે.

“ધર્મ ભયની નીપજ નથી; ધર્મ આનંદમય છે. પંખીઓનાં સ્વયં સ્ફુર્ત ગીતો અને પ્રભાતનું સુંદર દૃશ્ય એ છે. એ આત્માની અભિવ્યક્તિ છે; મુક્ત અને ઉદાત્ત આત્માની અંતરની અભિવ્યક્તિ એ છે.

“યાતના ધર્મ હોય તો નરક શું છે? પોતાની જાતને દુઃખી કરવાનો કોઈને અધિકાર નથી. એમ કરવું એ ખોટું છેઃ એ પાપ છે. દરેક મુક્ત હાસ્ય ઈશ્વરને અર્પિત પ્રાર્થના છે.

“પુનરાવલોકન કરતાં હું શીખ્યો છું તે આઃ ધર્મ પુસ્તકોમાં નથી, રૂપોમાં નથી, સંપ્રદાયોમાં નથી, રાષ્ટ્રોમાં નથી; ધર્મ માનવહૃદયમાં છે. ત્યાં એ કોતરાયેલો છે. એનો પુરાવો આપણી અંદર જ છે. “મારે કહેવાના મુદ્દા બે છે. સંપ્રદાયો છે. દરેક વ્યક્તિ એક સંપ્રદાય બને ત્યાં સુધી એ ભલે વધે. કોઈ માણસ બીજાની જેમ ભગવાનને જોઈ જ શકે નહીં; દરેકે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી જોઈએ અને પોતાના દર્શન અનુસાર તેની સેવા કરવી જોઈએ. પછી હું માગું છું સંપ્રદાયોની સંવાદિતા. વ્યક્તિત્વ એ વિશ્વત્વ સામેનો સંઘર્ષ નથી.

“દરેકે પોતાની રીતે અને સૌએ સાથે રહીને અનિષ્ટો સામે લડવાનું છે. તમારી પાસે આઠની શક્તિ છે અને મારી પાસે ચારની છે અને તમે આવીને મારો નાશ કરો તો તમે ઓછામાં ઓછા ચારને ગુમાવો છો. હવે તમારી પાસે અનિષ્ટોને જીતવા ચાર જ રહ્યા. દ્વેષ પર વિજય મેળવવા માટે પ્રેમ જ જોઈએ. દ્વેષ માટે શક્તિ છે તો પ્રેમ માટે અનંત શક્તિ છે.

Total Views: 138
૫. બધા ધર્મો સારા છે
૭. જીવ, ઈશ્વર અને ધર્મ