મારો મત એવો છે કે તમે જેને વ્યક્તિરૂપ ઈશ્વર કહો છો તે જ વ્યક્તિરહિત તત્ત્વ, એકી સાથે વ્યક્તિત્વ સહિત અને વ્યક્તિત્વ રહિત ઈશ્વર છે. આપણે વ્યક્તિરૂપ થયેલાં વ્યક્તિરહિત તત્ત્વ છીએ. તમે જો શબ્દને નિરપેક્ષ અર્થમાં વાપરો તો આપણે વ્યક્તિરહિત છીએ; પરંતુ તમે જો તેને સાપેક્ષ અર્થમાં વાપરો તો આપણે વ્યક્તિત્વ સહિત છીએ. તમારામાંનો પ્રત્યેક વિશ્વરૂપ સત્તા છો, પ્રત્યેક સર્વવ્યાપક છો. પ્રથમ તો એ અતિશય વધુ પડતું લાગે, પરંતુ હું તમારી સમક્ષ ઊભો છું એની મને જેટલી ખાતરી છે તેટલી ખાતરી મને આની પણ છે. આત્મા સર્વવ્યાપક થયા વિના રહી જ કેમ શકે? તેને નથી લંબાઈ, નથી પહોળાઈ, નથી જાડાઈ કે નથી કોઈ પણ ભૌતિક ગુણ; અને આપણે સૌ જો આત્મા હોઈએ તો આપણે દેશથી મર્યાદિત ન હોઈએ. માત્ર દેશ જ દેશને મર્યાદિત કરે છે, જડ પદાર્થ જ જડ પદાર્થને મર્યાદિત બનાવે છે. આપણે જો આ દેહ પૂરતા મર્યાદિત હોત તો આપણે કંઈક ભૌતિક વસ્તુ હોત. તો તો દેહ અને આત્મા અને પ્રત્યેક વસ્તુ ભૌતિક હોત અને ‘દેહમાં રહેલો’, ‘આત્માના ઢાંકણરૂપ’ વગેરે જેવા શબ્દો માત્ર સગવડ પૂરતા જ શબ્દો થઈ જાય. એથી વિશેષ તેમનો કંઈ જ અર્થ રહે નહીં. તમારામાંના ઘણાખરાને મેં આપેલી આત્માની વ્યાખ્યા યાદ હશે. દરેક જીવાત્મા એક એવું વર્તુળ છે કે જેનું કેન્દ્ર અમુક એક બિન્દુએ છે પણ જેનો પરિઘ કયાંય નથી. જ્યાં દેહ છે ત્યાં કેન્દ્ર છે અને પ્રવૃત્તિ ત્યાં પ્રગટ થાય છે. તમે છો સર્વવ્યાપક પરંતુ તમારામાં ભાન માત્ર એક બિન્દુમાં એકત્રિત થઈ રહ્યા હોવાનું છે. એ બિન્દુએ જડ દ્રવ્યોના કણોને લઈ લીધા છે અને પોતાને વ્યક્તિરૂપ કરવા માટે તેમને એક યંત્રરૂપે બનાવ્યા છે. જેના દ્વારા તે પોતાને વ્યક્તિ બનાવે છે તે દેહ કહેવાય છે. તેથી તમે સર્વત્ર છો; જ્યારે એક દેહ અથવા યંત્ર નિષ્ફળ જાય છે ત્યારે કેન્દ્રરૂપ તમે આગળ ચાલો છો અને જડ દ્રવ્યના બીજા સ્થૂળ અથવા સૂક્ષ્મ કણોને લઈ લો છો અને તેમની દ્વારા કાર્ય કરો છો. આ છે માનવી. અને ઈશ્વર શું છે? ઈશ્વર એટલે એવું વર્તુળ કે જેનો પરિઘ કયાંય પણ ન હોય અને કેન્દ્ર સર્વત્ર હોય. એ વર્તુળમાં પ્રત્યેક બિન્દુ જીવંત, સચેત, સક્રિય અને એકસરખું કાર્ય કરતું હોય છે. આપણા સીમિત આત્માઓની બાબતમાં માત્ર એક જ બિન્દુ સચેત છે અને તે જ બિન્દુ આગળ કે પાછળ ખસે છે. જેવી રીતે વિશ્વના અસ્તિત્વની તુલનામાં દેહમાં અસ્તિત્વ અનંતગણું સૂક્ષ્મ છે, તેવી રીતે ઈશ્વરની તુલનામાં સમસ્ત વિશ્વ પણ કંઈ નથી. આપણે જ્યારે કહીએ છીએ કે ઈશ્વર બોલે છે, ત્યારે આપણા કહેવાનો ભાવાર્થ એ છે કે ઈશ્વર તેના વિશ્વ દ્વારા બોલે છે; અને જ્યારે આપણે તેના વિશે દેશ અને કાળની સર્વ મર્યાદાઓથી પર એમ બોલીએ છીએ ત્યારે તે વ્યક્તિત્વ રહિત તત્ત્વ છે એમ કહીએ છીએ. છતાં તે એ જ તત્ત્વ છે.

દૃષ્ટાંત તરીકેઃ આપણે અહીં ઊભા છીએ અને સૂર્યને જોઈએ છીએ. ધારો કે તમે સૂર્ય તરફ જવા માગો છો. થોડાક હજાર માઈલ તમે નજીક ગયા પછી, તમે ઘણો વધુ મોટો એક બીજો જ સૂર્ય જોશો. ધારો કે તમે એથીયે વધુ નજીક ને નજીક આગળ જાઓ છો, તો તમે એથીયે વધુ મોટો સૂર્ય જોશો. આખરે તમે લાખો અને કરોડો માઈલ વિશાળ એવો સાચો સૂર્ય જોશો. ધારો કે આ મુસાફરીને તમે કેટલાય તબક્કામાં વહેંચી નાખો છો અને દરેક તબક્કે તમે સૂર્યના ફોટાઓ પાડો છો, તથા મૂળ સૂર્યનો ફોટો લઈને તમે પાછા આવો છો અને તે બધાની સરખામણી કરો છો. તે બધા સૂર્યો જુદા જુદા દેખાશે, કારણ કે પહેલા દૃશ્યમાં નાનકડો લાલ દડો હતો અને સાચો સૂર્ય તો લાખો માઈલ વધુ મોટો હતો; છતાં તે એ જ સૂર્ય હતો. ઈશ્વરની બાબતમાં પણ એમ જ છે. અનંત તત્ત્વને આપણે જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી મનની જુદી જુદી ભૂમિકાઓથી જોઈએ છીએ. સૌથી નીચેની કોટિનો માનવી ઈશ્વરને પિતૃરૂપે જુએ છે; જ્યારે તેની દૃષ્ટિ વધુ ઉચ્ચ થાય છે, ત્યારે તે તેને અમુક લોકના અધિષ્ઠાતા તરીકે જુએ છે; એથીયે વિશાળ બને ત્યારે વિશ્વના નિયંતા તરીકે જુએ છે અને ઊંચામાં ઊંચી કક્ષાનો માનવી ઈશ્વરને પોતા સ્વરૂપે છે. ઈશ્વર તો એનો એ હતો, પણ ભિન્ન ભિન્ન અનુભૂતિઓ માત્ર ભિન્ન ભિન્ન દૃષ્ટિના સારરૂપ હતી.

Total Views: 150
૮. માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા
૧૦. શિષ્યત્વ