વિશ્વધર્મ પરિષદ, શિકાગો, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩
અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ,
તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય આનંદ ઊભરાય છે. જગતના અતિ પ્રાચીન સાધુઓના વર્ગ વતી હું તમારો આભાર માનું છું; સર્વ ધર્મોની જનેતા વતી હું તમારો આભાર માનું છું; અને સર્વ વર્ગ અને સર્વ સંપ્રદાયના સેંકડો હિંદુઓ વતી હું તમારો આભાર માનું છું.
વળી, આ વ્યાસપીઠ પર આવીને જે વક્તાઓએ પૂર્વના દેશોના પ્રતિનિધિઓનો ઉલ્લેખ કરતાં આપને કહ્યું કે, દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલી આ વ્યક્તિઓ સહિષ્ણુતાના આદર્શને જુદા જુદા દેશમાં પહોંચાડવા માટે બહુમાનના અધિકારી છે, તેઓનો પણ હું આભાર માનું છું. જે ધર્મે સહિષ્ણુતા અને અખિલ વિશ્વની એકતાનો બોધ દુનિયાને આપ્યો છે તે ધર્મનો અનુયાયી હોવામાં હું ગૌરવ લઉં છું. અમે કેવળ સમગ્ર વિશ્વ પ્રત્યેની સહિષ્ણુતામાં માનીએ છીએ; એટલું જ નહીં, પણ સર્વ ધર્મને સાચા તરીકે સ્વીકારીએ છીએ. અમે પૃથ્વી પરની સર્વ પ્રજાઓ અને ધર્મોના ત્રાસિતો અને નિર્વાસિતોને આશ્રય આપ્યો છે અને તે વાતનું મને અભિમાન છે. રોમન જુલમગારોએ યહૂદી ધર્મના પવિત્ર દેવળને જ્યારે તોડી પાડ્યું ત્યારે તે જ સાલમાં દક્ષિણ ભારતમાં દોડી આવનાર એમના પવિત્ર અવશેષોને અમે અમારી ગોદમાં સમાવ્યા હતા, એ વાતની આપને યાદ આપતાં હું ગૌરવ અનુભવું છું. મહાન જરથોસ્તી ધર્મને આશ્રય આપનાર અને આજ દિવસ સુધી તેના અવશેષોને પાળનાર ધર્મના એક અનુયાયી હોવાનું મને અભિમાન છે. ભાઈઓ! મારા બાળપણથી જે સ્તોત્રનો વારંવાર પાઠ કર્યાનું મને સ્મરણ છે અને જેનો આજે પણ સેંકડો માણસો નિત્ય પાઠ કરે છે, તે સ્તોત્રમાંનાં થોડાં ચરણો હું આપની પાસે ઉચ્ચારીશ. એમાં કહ્યું છેઃ ‘જેમ જુદાં જુદાં સ્થળેથી નીકળતાં અનેક નદીઓનાં વહેણ અંતે મહાસાગરમાં જઈને સમાય છે તેમ, ઓ પ્રભુ! જુદાં જુદાં માનસિક વલણથી સ્વીકારાયેલા ધર્મમાર્ગો ગમે તેવા ભિન્ન હોય, સરલ યા અટપટા હોય, તોપણ અંતે તો એ બધા તારા પ્રત્યે જ લઈ જાય છે.’ (रुचिनां वैचित्र्यादृॠजुकुटिलनानापथजुषाम्। नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव॥ – શિવ મહિમ્નસ્તોત્ર)
આવી મહત્ત્વપૂર્ણ સભા આજ પહેલાં ભાગ્યે જ મળી હશે. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કહેલા નીચેના અદ્ભુત સિદ્ધાંતનું જગત સમક્ષ એ પ્રતિપાદન અને ઉદ્ઘોષણ કરે છે: ‘ગમે તે સ્વરૂપમાં જે કોઈ મારી પાસે આવે છે તે મને પામે છે. મને પામવાને મથતા સર્વ મનુષ્યોના જુદા જુદા માર્ગો અંતે મારી ભણી વળે છે.’
પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન, આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. દુનિયાને એ ઝનૂને હિંસાથી ભરી દીધી છે અને માનવરક્તથી વારંવાર રંજિત કરી નાખી છે, સંસ્કૃતિઓનો વિનાશ કર્યો છે અને સમગ્ર પ્રજાઓને વિષાદગ્રસ્ત બનાવી મૂકી છે. આ ત્રાસદાયી રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો, માનવસમાજ આજ કરતાં અનેકગણો વધુ પ્રગતિશીલ હોત. પણ હવે એનો સમય ભરાઈ ગયો છે; અને આજે સવારે આ સભાના સ્વાગતમાં જે ઘંટારવ થયો હતો તે એક જ લક્ષ્ય તરફ જતા જુદા જુદા માનવીઓ વચ્ચે રહેલી સંકુચિત વૃત્તિઓનો, સર્વ ઝનૂનવાદોનો અને તલવાર કે કલમથી થતા સર્વ ત્રાસનો મૃત્યુઘંટ હતો, એવી આગ્રહપૂર્વક હું આશા રાખું છું. (1.3)

