કૂર્મ પુરાણમાંથી રાજયોગનો સંક્ષિપ્ત ભાવાનુવાદ નીચે આપવામાં આવ્યો છેઃ
યોગરૂપી અગ્નિ મનુષ્યની આસપાસ રહેલું પાપનું પિંજર બાળી નાખે છે. તેનાથી જ્ઞાન શુદ્ધ થાય છે અને નિર્વાણની પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય છે. યોગમાંથી જ્ઞાન આવે છે; એ જ્ઞાન પાછું યોગીને સહાય કરે છે. જે મનુષ્ય પોતામાં યોગ અને જ્ઞાન બંનેનો સમન્વય કરે છે, તેના પર ઈશ્વર પ્રસન્ન થાય છે. જેઓ દિવસમાં એક વાર કે બે વાર કે ત્રણ વાર અથવા હંમેશાં મહાયોગનો અભ્યાસ કરે છે તેઓને દેવ સમજવા. યોગના બે વિભાગ છે. એકને અભાવ (યોગ) કહેવામાં આવે છે અને બીજાને મહાયોગ કહેવામાં આવે છે. જ્યાં પોતાના આત્માનું શૂન્યરૂપે અને નિર્ગુણરૂપે ધ્યાન કરવામાં આવે છે ત્યારે તેને અભાવ (યોગ) કહેવામાં આવે છે. જેમાં આત્માને આનંદપૂર્ણ, સર્વદોષરહિત અને ઈશ્વરથી અભિન્ન જોવામાં આવે છે ત્યારે તેને મહાયોગ કહેવામાં આવે છે. આ બેમાંથી ગમે તે દ્વારા યોગી પોતાના આત્માનો સાક્ષાત્કાર કરે છે. જે બીજા યોગો વિશે આપણે વાંચીએ છીએ અને સાંભળીએ છીએ, તે આ ઉત્તમોત્તમ મહાયોગ કે જેમાં યોગી પોતાને અને સમગ્ર વિશ્વને ઈશ્વરરૂપે જુએ છે તેની સાથે મુકાવાને યોગ્ય નથી. સઘળા યોગોમાં આ યોગ સર્વોચ્ચ છે.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ રાજયોગનાં પગથિયાં છે. તેમાંથી યમ એટલે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ—આમનું પાલન કરવાથી ચિત્ત શુદ્ધ થાય છે. કોઈ પણ જીવતાં પ્રાણીને મન, વચન અને કર્મથી કદી દુઃખ ન પહોંચાડવું તેનું નામ અહિંસા. ‘અહિંસા પરમો ધર્મ.’ સમસ્ત સૃષ્ટિ પ્રત્યે આ અહિંસાની ભાવના વડે મળતાં સુખ કરતાં વધુ મોટું બીજું કોઈ સુખ નથી. સત્ય વડે આપણને કર્મનાં ફળ પ્રાપ્ત થાય છે. સત્ય દ્વારા સર્વ કંઈ મળે છે. સત્યમાં સર્વ કંઈ પ્રતિષ્ઠિત છે. હકીકતોને જેવી હોય તેવી જણાવવી તેનું નામ સત્ય. બીજાઓની વસ્તુઓ ચોરીથી કે બળજબરીથી ન લેવી તેનું નામ અસ્તેય, યાને નિર્લોભીપણું. વિચાર, વાણી અને ક્રિયામાં હંમેશાં અને સર્વ સ્થિતિમાં ઇંદ્રિય-સંયમ પાળવો એ બ્રહ્મચર્ય કહેવાય. ભારેમાં ભારે દુઃખ આવી પડે તોપણ કોઈની પાસેથી કશું દાન ન લેવું તેને અપરિગ્રહ કહેવામાં આવે છે. એની પાછળ વિચાર એ રહેલો છે કે માણસ બીજા પાસેથી દાન લે છે તેથી તેનું હૃદય મલિન બને છે, તે હલકો પડે છે, તે પોતાનું સ્વાતંત્ર્ય ગુમાવે છે, તે બંધાઈ જાય છે ને તેનામાં આસક્તિ વધે છે.
નીચેની બાબતો યોગમાં સફળતા માટે સહાયક છે. એમને નિયમ એટલે કે નિયમિત ટેવો અને વ્રતો કહેવામાં આવે છે. એ નિયમો પાંચ છેઃ તપ, સ્વાધ્યાય, સંતોષ, શૌચ અને ઈશ્વરપ્રણિધાન. તપ એટલે ઉપવાસાદિ અથવા બીજા પ્રકારોથી શરીરને નિયમમાં રાખવું તે શારીરિક તપ. વેદોનો પાઠ અને જેમના વડે શરીરમાંના સત્ત્વગુણની વૃદ્ધિ થાય તેવા મંત્રનો જપ કરવો એ સ્વાધ્યાય. આ મંત્રોના જપના ત્રણ પ્રકાર છેઃ એક છે શાબ્દિક, બીજો અર્ધશાબ્દિક અને ત્રીજો માનસિક. શાબ્દિક યાને સંભળાય તેવો જપ નીચામાં નીચી કોટિનો છે અને જરાય સંભળાય નહિ તેવો જપ સૌથી ઊંચી કોટિનો છે. જેમાં મંત્રનો ઉચ્ચાર મોટેથી કરવામાં આવે તે શાબ્દિક; ત્યાર પછીનો પ્રકાર એ છે કે જેમાં માત્ર હોઠ જ હલે પણ અવાજ ન આવે. જેની અંદર મંત્રના અર્થનો વિચાર પણ સાથે રહેતો હોય અને જે કોઈના સાંભળવામાં ન આવે તેવો જપ ‘માનસ જપ’ કહેવાય છે અને તે સર્વોચ્ચ પ્રકારનો છે. શૌચને વિશે ઋષિઓએ કહ્યું છે કે શૌચ બે પ્રકારનાં છે, બાહ્ય અને આંતર. જળથી, માટીથી કે બીજા પદાર્થોથી શરીરની શુદ્ધિને બાહ્ય શૌચ કહેવામાં આવે છે, જેમ કે સ્નાન વગેરે. સાચું બોલવું તથા બીજા સદ્ગુણો વડે મનને શુદ્ધ કરવું તેને આંતર શૌચ કહેવામાં આવે છે. બંને પ્રકારનાં શૌચ જરૂરનાં છે. માણસ અંતરમાં પવિત્ર હોય અને બહારથી મેલોઘેલો રહે એ પૂરતું નથી. જ્યારે બંને પ્રકારની શુદ્ધિ પાળી શકાય તેમ ન જ હોય ત્યારે અંતર્શુદ્ધિ માત્ર વધારે સારી છે, પરંતુ એ બંને ન આવે ત્યાં સુધી કોઈ યોગી થઈ શકે નહિ. ઈશ્વરપ્રણિધાન એટલે સ્તુતિ દ્વારા, ચિંતવન દ્વારા, તેમજ ભક્તિ દ્વારા ઈશ્વરની પૂજા.
આપણે યમ અને નિયમ વિશે કહી ગયા. ત્યાર પછીનું પગથિયું છે આસન. એને વિશે સમજી રાખવાની બાબત માત્ર આટલી છે કે છાતી, ખભા અને માથું સીધાં ટટ્ટાર રાખીને શરીરને મોકળું રહેવા દેવું. ત્યાર પછી આવે છે પ્રાણાયામ. પ્રાણનો અર્થ થાય છે શરીરની અંદરની જીવનશક્તિઓ, આયામનો અર્થ છે તેમને કાબૂમાં લેવી. પ્રાણાયામના ત્રણ પ્રકાર છેઃ સાવ સાદો, વચલા પ્રકારનો અને ઘણા ઉચ્ચ પ્રકારનો. પ્રાણાયામના ત્રણ વિભાગ છેઃ પૂરક, કુંભક અને રેચક. જ્યારે બાર સેકન્ડથી શરૂઆત કરવામાં આવે ત્યારે તે નીચામાં નીચા પ્રકારનો, સાવ સાદો પ્રાણાયામ કહેવાય. જ્યારે તમે ચોવીસ સેકન્ડથી શરૂઆત કરો ત્યારે તે મધ્યમ પ્રકારનો કહેવાય; અને જેમાં છત્રીસ સેકન્ડથી શરૂઆત કરવામાં આવે તે પ્રાણાયામ ઉત્તમ કોટિનો ગણાય. નીચામાં નીચા પ્રકારના પ્રાણાયામમાં પરસેવો થાય, મધ્યમ પ્રકારના પ્રાણાયામમાં શરીરનો કંપ થાય અને સર્વોચ્ચ પ્રકારના પ્રાણાયામમાં શરીર હળવું થઈ જાય અને પરમ આનંદનો અનુભવ થાય. ‘ગાયત્રી’ નામનો એક મંત્ર છે. વેદમાં એ ઘણો પવિત્ર મંત્ર ગણાય છે. તેનો અર્થ આવો છેઃ ‘જેણે આ વિશ્વને ઉત્પન્ન કર્યું છે તે દેવતાના મહિમાપૂર્ણ તેજનું અમે ધ્યાન કરીએ છીએ. તે અમારી બુદ્ધિને પ્રકાશ આપો.’ એ મંત્રની શરૂઆતમાં અને છેવટે ૐ આવે છે. એક પ્રાણાયામમાં ત્રણ ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરો. બધા ગ્રંથોમાં કહ્યું છે કે પ્રાણાયામ રેચક, પૂરક અને કુંભક એવા ત્રણ વિભાગોમાં વહેંચાયેલો છે. રેચક એટલે શ્વાસને બહાર છોડવો, પૂરક એટલે શ્વાસને અંદર લેવો અને કુંભક એટલે શ્વાસને અંદર પૂરી રાખવો. ઇંદ્રિયો એટલે કે જ્ઞાનેન્દ્રિયો બહિર્મુખ છે અને બાહ્ય વિષયોની સાથે સંસર્ગમાં આવે છે. એ ઇંદ્રિયોને ઇચ્છાશક્તિના કાબૂ નીચે લાવવી તેને પ્રત્યાહાર કહેવામાં આવે છે. મનને હૃદયકમળ અથવા મસ્તકના મધ્યભાગ પર સ્થિર કરવું, તેને ધારણા કહેવામાં આવે છે. એક જ સ્થાનને આધારભૂત કરીને, તે જ સ્થાન પૂરતા મર્યાદિત રહેવાથી એક વિશિષ્ટ પ્રકારના માનસિક તરંગો ઊઠે છે; આ તરંગો બીજા પ્રકારના તરંગોમાં સમાઈ જતા નથી, પણ ક્રમે ક્રમે પ્રબળ થાય છે, જ્યારે બીજા બધા તરંગો પાછા હઠતા જાય છે અને છેવટે લય પામી જાય છે. ત્યાર પછી આ બધા વિવિધ તરંગો જોડાઈ જઈને એક થઈ જાય છે અને મનમાં તે એક જ તરંગ રહે છે. આને ધ્યાન કહેવામાં આવે છે. જ્યારે કશા જ આધારની જરૂર ન રહે, જ્યારે સમગ્ર મન એક જ તરંગરૂપ બની ગયું હોય, વૃત્તિ એકાકાર થઈ ગઈ હોય, ત્યારે તેને સમાધિ કહેવામાં આવે છે. એ અવસ્થામાં બાહ્ય સ્થાનો અને આંતર કેન્દ્રોમાંથી આવતી સઘળી સહાયથી રહિત, કેવળ વિચારનો અર્થ માત્ર જ વિદ્યમાન હોય છે. મધ્યકેન્દ્ર પર મનને જો બાર સેકન્ડ સુધી સ્થિર કરી શકાય તો એ એક ધારણા થાય, આવી બાર ધારણાનું એક ધ્યાન થાય અને આવાં બાર ધ્યાનની એક સમાધિ કહેવાય.
જ્યાં અગ્નિ હોય અથવા જળ ભર્યું હોય અથવા સૂકાં પાંદડાંથી છવાયેલી જમીન હોય, જ્યાં ઊધઈના રાફડા હોય, જ્યાં જંગલી જાનવરો હોય અથવા ભય હોય, જ્યાં ચાર રસ્તા ભેગા થતા હોય, જ્યાં ખૂબ ઘોંઘાટ થતો હોય, જ્યાં ઘણા દુષ્ટ લોકો વસતા હોય, ત્યાં યોગસાધના ન કરવી. આ બાબત ભારતને વિશેષ રીતે લાગુ પડે છે. જ્યારે શરીરમાં ખૂબ આળસ આવતી હોય કે અસ્વસ્થતા હોય અથવા જ્યારે મન ઘણું દુઃખી અને શોકમાં હોય ત્યારે યોગનો અભ્યાસ ન કરવો. એવી જગાએ જવું કે જે સારી રીતે ગુપ્ત હોય અને જ્યાં લોકો આવીને તમને ખલેલ ન પહોંચાડે. ગંદાં સ્થાનો પસંદ ન કરવાં. તેના કરતાં સુંદર દૃશ્યવાળી જગા અથવા તમારા ઘરમાં જે ઓરડો સુંદર હોય તે પસંદ કરવો. અભ્યાસ કરવા બેસો ત્યારે પ્રથમ પ્રાચીન યોગીઓને, તમારા ગુરુને અને ઈશ્વરને પ્રણામ કરો અને પછી પ્રારંભ કરો.
ધ્યાન વિશે કહેવાઈ ગયું. હવે શેના પર ધ્યાન કરવું તેના થોડાક દાખલાઓ આપવામાં આવે છે. ટટ્ટાર બેસો અને તમારા નાકના ટેરવા પર દૃષ્ટિને સ્થિર કરો. એનાથી મન કેવી રીતે એકાગ્ર થાય છે, આંખની સાથે સંબંધિત બે જ્ઞાનતંતુઓ પર કાબૂ મેળવવાથી મનની પ્રતિક્રિયાના ક્ષેત્ર પર કાબૂ મેળવવામાં અને એ રીતે ઇચ્છાશક્તિ પર કાબૂ મેળવવામાં સાધક કેવી રીતે આગળ વધે છે તે આપણે આગળ ઉપર જોઈશું. ધ્યાનના થોડાક નમૂનાઓ આ રહ્યા. મસ્તકના શિખર ઉપર, કેટલાક તસુ ઊંચે એક કમળ છે. તેના કેન્દ્રમાં સદ્ગુણ છે અને જ્ઞાન તેની દાંડી છે. એ કમળની આઠ પાંખડીઓ તે યોગની અષ્ટ સિદ્ધિઓ છે. અંદર પુંકેસર અને સ્ત્રીકેસરરૂપે ત્યાગ છે. યોગી જો બહારની સિદ્ધિઓનો ત્યાગ કરે તો તે મુક્તિએ પહોંચે. એટલે કમળની આઠ પાંખડીઓ તે અષ્ટ સિદ્ધિઓ છે, પણ અંદરના પુંકેસર અને સ્ત્રીકેસરરૂપે કડક ત્યાગની કલ્પના કરી છે—સર્વ સિદ્ધિઓનો ત્યાગ. એ કમળની અંદરના ભાગમાં સુવર્ણ રંગનું સર્વશક્તિમાન, ઇંદ્રિયાતીત ૐ જેનું નામ છે એવું, અવર્ણનીય, ચારેકોર તેજના અંબારથી ઘેરાયેલું, પ્રકાશમય પરમતત્ત્વ રહેલ છે એમ ચિંતન કરો. તેના પર ધ્યાન કરો. બીજા એક પ્રકારનું ધ્યાન કરવામાં આવે છે. હૃદયની અંદરમાં એક અવકાશની કલ્પના કરો અને એ અવકાશની મધ્યમાં એક અગ્નિશિખા બળી રહી છે એવી કલ્પના કરો. એ અગ્નિશિખાને તમારો પોતાનો આત્મા કલ્પો અને એ અગ્નિશિખાની અંદરના ભાગમાં બીજી એક ઝળહળતી જ્યોતિ છે અને એ જ્યોતિ તમારા આત્મનોય આત્મા, ઈશ્વર છે એવી કલ્પના કરો. હૃદયમાં તેના ઉપર ધ્યાન કરો. બ્રહ્મચર્ય, અહિંસા, કટ્ટરમાં કટ્ટર દુશ્મન પ્રત્યે પણ ક્ષમા, સત્ય, ઈશ્વરમાં શ્રદ્ધા, આ બધી જુદી જુદી વૃત્તિઓ છે. આ બધી જ વૃત્તિઓમાં તમે સંપૂર્ણ ન હો તોપણ ડરવું નહિ; પ્રયત્ન કર્યે રાખો, તો એ બધી આવશે. જેણે સર્વ આસક્તિનો, સર્વ ભયનો અને સર્વ ક્રોધનો પરિત્યાગ કર્યો છે, જેનો સમગ્ર અંતરાત્મા ઈશ્વરમાં મગ્ન થયો છે, જેણે ઈશ્વરનું શરણ લીધું છે, જેનું હૃદય પવિત્ર થયું છે, તે ગમે તે ઇચ્છા લઈને ઈશ્વર પાસે જશે, તોપણ ઈશ્વર તે પૂર્ણ કરશે. માટે જ્ઞાન દ્વારા, ભક્તિ દ્વારા અથવા ત્યાગ દ્વારા ઈશ્વરની ઉપાસના કરો.
‘જે કોઈને ધિક્કારતો નથી, જે સૌનો મિત્ર છે, જે સર્વ ઉપર દયા રાખે છે, જેને પોતાનું એવું કંઈ જ નથી, જે અહંકારથી રહિત છે, જે સુખ અને દુઃખમાં સમચિત્ત છે, જે ક્ષમાવાન છે, જે સદા સંતોષી છે, જે હંમેશાં યોગસ્થ રહીને કર્મ કરે છે, જેનું મન કાબૂમાં છે, જેની ઇચ્છાશક્તિ દૃઢ છે, જેનાં મન અને બુદ્ધિ મારામાં સમર્પિત છે, એ મારો પ્રિય ભક્ત છે. જે કોઈને ઉદ્વેગ કરાવતો નથી, જે કોઈથી ઉદ્વેગ પામતો નથી, જે હર્ષ, ક્રોધ, ભય અને ચિંતાથી મુક્ત છે તે ભક્ત મને પ્રિય છે. જે બીજા કશા પર અવલંબન રાખતો નથી, જે પવિત્ર અને ચતુર છે, જે શુભ અથવા અશુભ પ્રત્યે બેપરવા છે, જે કદી દુઃખી થતો નથી, જેણે પોતાને માટેના સર્વ પ્રયાસોનો ત્યાગ કર્યો છે, જે નિંદા અને સ્તુતિ બંનેમાં સમાન ભાવનાવાળો છે, જે શાંત અને વિચારશીલ છે, જે જે કાંઈ આપોઆપ આવી મળે તેનાથી જ સંતોષ પામે છે, જે ઘર વિનાનો છે—કારણ કે આખું જગત તેનું ઘર છે, જેની મતિ સ્થિર છે, એ મારો પ્રિય ભક્ત છે.’ આવા માણસો જ યોગી થાય.
નારદ નામે એક દેવર્ષિ હતા. જેમ મનુષ્યોમાં ઋષિઓ, મહાન યોગીઓ હોય છે તેમ દેવોમાં પણ મહાન યોગીઓ હોય છે. નારદ નામે એક મહાન યોગી હતા ને તે સર્વ સ્થળે વિચરતા. એક દિવસે એ એક વનમાં થઈને જઈ રહ્યા હતા. ત્યાં તેમણે એક માણસને જોયો તો તે ધ્યાનમાં બેઠેલો હતો અને તેની આસપાસ ઊધઈનો રાફડો જામી ગયો હતો, એટલા લાંબા કાળથી તે ધ્યાન કરી રહ્યો હતો. નારદને જોઈને તેણે કહ્યું, ‘આપ ક્યાં જાઓ છો?’ નારદે જવાબ આપ્યો, ‘હું વૈકુંઠમાં જાઉં છું.’ એ સાંભળીને પેલા તપસ્વીએ કહ્યું, ‘ત્યારે ભગવાનને પૂછી જોજો કે એ મારા પર ક્યારે દયા કરશે, ને મને ક્યારે મુક્તિ મળશે.’ નારદે કહ્યું, ‘ભલે.’ અને આગળ ચાલ્યા. થોડે ચાલતાં નારદે બીજા એક માણસને જોયો. તે નાચતો, કૂદતો અને કીર્તન કરતો હતો. નારદને જોઈને તેણે કહ્યું, ‘અરે નારદજી, ક્યાં ચાલ્યા?’ તેનો અવાજ અને બોલવાની રીત પાગલ જેવી હતી. નારદે જવાબ આપ્યો, ‘હું વૈકુંઠમાં જાઉં છું.’ એ સાંભળીને પેલો બોલ્યો, ‘ત્યારે કૃપા કરીને ભગવાનને પૂછજો કે હું ક્યારે મુક્ત થઈશ.’ નારદે કહ્યું, ‘ભલે.’ અને ચાલતા થયા. ઘણે લાંબે વખતે નારદ પાછા એ જ રસ્તે થઈને નીકળ્યા અને પેલા રાફડાવાળા માણસ પાસે આવ્યા. નારદને જોઈ પેલાએ પૂછ્યું, ‘મહારાજ, આપે ભગવાનને મારે વિશે પૂછ્યું’તું?’ ‘હા, જરૂર’, નારદે કહ્યું. ‘શું બોલ્યા, ભગવાન?’ પેલાએ પૂછ્યું. નારદે કહ્યું, ‘ભગવાન બોલ્યા કે તારી મુક્તિ હજી ચાર જન્મ પછી થશે.’ એ સાંભળીને એ તો રડવાને શોક કરવા લાગ્યો કે, ‘અરેરે, મેં તો ભગવાનનું એટલા બધા સમય સુધી ધ્યાન કર્યું છે કે મારી આજુબાજુ રાફડો બંધાઈ ગયો, ને હજી ચાર જન્મ બાકી?’ નારદ ત્યાંથી ચાલીને બીજા પાગલ જેવા લાગતા માણસ પાસે ગયા. તેણે પૂછ્યું, ‘આપે ભગવાનને મારી બાબતમાં પૂછ્યું હતું?’ નારદે કહ્યું, ‘હા, ભગવાન બોલ્યા કે આ સામેનું આંબલીનું ઝાડ દેખાય છે તેનાં પાંદડાં જેટલા જન્મ લીધા પછી તારી મુક્તિ થશે.’ એ માણસ તો આનંદમાં આવી જઈને નાચવા લાગ્યો અને બોલી ઊઠ્યો, ‘એટલા ટૂંકા કાળમાં જ મારી મુક્તિ થઈ જશે! ભગવાન કેટલા દયાળુ છે!’ એમ કહીને તે તો આનંદમાં આવી જઈને નાચવા લાગ્યો. ત્યાં તો એ જ સમયે આકાશવાણી થઈ, ‘વત્સ, તું આ ક્ષણે જ મુક્ત છો!’ તેની અખૂટ ધીરજનું એ ફળ! એટલા બધા જન્મો સુધી એ સાધના કરવાને તૈયાર હતો. એ કશાથી નાહિંમત થયો નહીં. પરંતુ પેલા રાફડાવાળાને તો માત્ર ચાર વધુ જન્મો પણ બહુ લાંબો ગાળો થઈ પડ્યો. જે માણસ યુગના યુગ સુધી રાહ જોવાને તૈયાર હતો તેના જેવી ધીરજ ને ખંત તથા શ્રદ્ધાથી પરમપદને પામી શકાય.

