अथ योगानुशासनम्॥1.1॥
अथ योग अनुशासनम्॥
૧. હવે યોગશાસ્ત્રનું સ્પષ્ટીકરણ શરૂ થાય છે.
योगश्चित्तवृत्तिनिरोधः॥1.2॥
योग: चित्त वृत्ति निरोधः॥
૨. યોગ એટલે ચિત્તને જુદી જુદી વૃત્તિઓનું સ્વરૂપ ધારણ કરતું રોકવું.
આ બાબતમાં વિસ્તારથી સમજાવવાની જરૂર છે. ચિત્ત એટલે શું અને વૃત્તિઓ એટલે શું તે આપણે સમજવાનું છે. મારે આંખો છે. પણ એ આંખો જોવાનું કામ કરતી નથી. માથાની અંદર આવેલા મગજમાંથી દર્શનકેન્દ્ર કાઢી નાખો, તો આંખો ભલે હોય, નેત્રદર્પણ ભલે સંપૂર્ણ હોય તેમજ પદાર્થોનાં ચિત્રો પણ ભલે તેના પર પડે, તે છતાં આંખો દેખશે નહીં. તેથી, આંખો તો માત્ર ગૌણ સાધન છે, એ દર્શનની ઇંદ્રિય નથી. દર્શનની ઇંદ્રિય તો મગજમાંના એક જ્ઞાનતંતુ કેન્દ્રમાં રહેલી છે. જોવા માટે બે આંખો જ પૂરતી નથી. કેટલીક વાર માણસ ઊંઘતો હોય છે ને તેની આંખો ખુલ્લી હોય છે. ત્યાં પ્રકાશ પણ છે અને અંદર ચિત્ર પણ પડ્યું છે, પણ એટલું જ પૂરતું નથી, એક ત્રીજી વસ્તુની જરૂર છે—મન ઇંદ્રિય સાથે જોડાવું જોઈએ. આંખ તો બાહ્ય સાધન છે; જોવા માટે મગજમાંના કેન્દ્રની અને મનની સક્રિયતાની પણ જરૂર છે. રસ્તા પરથી ગાડીઓ ધડ ધડ કરતી દોડી જાય છે, છતાં તમને તેમનો અવાજ સંભળાતો નથી. શા માટે? કારણ કે શ્રવણેન્દ્રિય સાથે તમારું મન જોડાયેલું નથી. એટલા માટે પ્રથમ છે બાહ્ય સાધન, ત્યાર પછી છે ઇંદ્રિય અને ત્રીજું છે એ બંનેની સાથે જોડાયેલું મન. મન એ સંવેદનને એથીયે આગળ અંદર લઈ જાય છે અને નિશ્ચયાત્મિકા વૃત્તિરૂપી બુદ્ધિની સામે તેને રજૂ કરે છે, તે બુદ્ધિ તેની પ્રતિક્રિયા કરે છે. આ પ્રતિક્રિયાની સાથોસાથ ‘હું’ એ ભાવનાનું સ્ફુરણ થાય છે. ત્યાર પછી આ ક્રિયા અને પ્રતિક્રિયાનું મિશ્રણ પુરુષ, યાને ખરેખરા આત્માની પાસે રજૂ થાય છે અને તે આ મિશ્રણને પદાર્થરૂપે અનુભવે છે. ઇંદ્રિયો સાથે મન, બુદ્ધિ અને ‘અહંકાર’ એ બધાં મળીને અંતઃકરણ કહેવાય છે. એ બધાં, જેને ચિત્ત કહેવામાં આવે છે તે અંતર્દ્રવ્યની માત્ર જુદી જુદી પ્રક્રિયાઓ છે. ચિત્તની અંદર ઊઠતા વિચાર-તરંગોને વૃત્તિઓ કહેવામાં આવે છે. વૃત્તિનો અર્થ થાય છે વમળ. વિચાર એ શું છે? વિચાર એ એક બળ છે, જેમ ગુરુત્વાકર્ષણ છે અથવા અપાકર્ષણ છે તેમ. કુદરતમાં રહેલા બળના અનંત ભંડારમાંથી ચિત્ત નામનું સાધન થોડુંક લઈ લે છે, તેને પોતામાં સમાવે છે અને વિચારરૂપે તેને બહાર કાઢે છે. એ બળ આપણને અન્ન દ્વારા મળે છે અને એ અન્નમાંથી શરીર હાલવાચાલવા વગેરેની શક્તિ મેળવે છે. બીજાઓને, એટલે કે વધુ સૂક્ષ્મ બળોને કે જેને આપણે વિચાર કહીએ છીએ તે રૂપે બહાર કાઢે છે. એટલે આપણને જણાય છે કે મન ચેતનવંતું નથી; અને છતાં તે ચેતનવંતું હોય એવું દેખાય છે. શા માટે? કારણ કે ચેતનવંતો આત્મા તેની પાછળ રહેલો છે. આત્મારૂપી તમે જ એક માત્ર ચેતનવંતું તત્ત્વ છે; મન તો માત્ર સાધન છે કે જેની મારફત તમે બાહ્ય જગતને ગ્રહણ કરો છો. દાખલા તરીકે, આ પુસ્તક લો. પુસ્તક તરીકે એનું અસ્તિત્વ બહાર નથી, બહાર જે છે તે તો અજ્ઞાત અને અજ્ઞેય કંઈક છે. એ અજ્ઞેય તત્ત્વ ઉદ્બોધક સામગ્રી યાને સૂચનરૂપે મન પર આઘાત કરે છે અને મન તેની પ્રતિક્રિયાને પુસ્તકરૂપે બહાર રજૂ કરે છે; બરાબર જેવી રીતે પાણીમાં ફેંકેલા પથરાની સામે પ્રતિક્રિયારૂપે પાણી તરંગરૂપે બહાર ફેંકાય છે તેવી રીતે. ખરું વિશ્વ એ તો મનની પ્રતિક્રિયા ઉત્પન્ન કરવાનો પ્રસંગ છે. પુસ્તકનું રૂપ કે હાથીનું રૂપ કે માણસનું રૂપ, એ બહાર નથી; જે જે કંઈ આપણે જાણીએ છીએ તે બધું બહારથી આવેલ ઉત્તેજનાની સામે થયેલી આપણા મનની પ્રતિક્રિયા છે. જહોન સ્ટુઅર્ટ મીલે કહ્યું છે કે, ‘જડ દ્રવ્ય એટલે સંવેદનોની કાયમી શક્યતા.’ જે બહાર છે તે તો કેવળ ઉત્તેજના જ છે. દાખલા તરીકે, કાલુ માછલી લો. તેમાં મોતી કેવી રીતે પાકે છે તે તો તમે જાણો છો. બહારથી કોઈક પરજીવી પદાર્થ તેની છીપની અંદર પેસી જઈને અંદર ખંજવાળ પેદા કરે છે, એટલે એ માછલી તે પદાર્થની આસપાસ એક પ્રકારના ચીકણા રસનો ઢોળ ચડાવવા લાગે છે અને એથી મોતી તૈયાર થાય છે. તેવી રીતે આ અનુભવમાં આવતું જગત જાણે કે આપણે ચડાવેલો વૃત્તિઓનો ઢોળ છે અને ખરું વિશ્વ તેના બીજગર્ભનું કામ કરતો પરજીવી પદાર્થ છે. સામાન્ય મનુષ્યને તે કદી સમજાશે નહીં, કારણ કે જ્યારે જ્યારે તે સમજવાનો પ્રયાસ કરે છે ત્યારે ત્યારે તે વૃત્તિઓનો ઢોળ ચડાવે છે અને તે માત્ર પોતે ચડાવેલા ઢોળને જ જુએ છે. હવે આપણે સમજીએ છીએ કે આ વૃત્તિઓ એટલે શું. ખરેખરો મનુષ્ય તો મનની પાછળ રહેલો છે; મન એ તેના હાથમાંનું હથિયાર છે; મનની સોંસરી થઈને જે સ્ત્રવે છે તે તો તેની બુદ્ધિ છે. તમે જ્યારે મનની પાછળ ઊભા રહો છો ત્યારે જ મનમાં સમજશક્તિ આવે છે. માણસ જ્યારે મનને છોડી દે છે, ત્યારે મનના ટુકડે ટુકડા થઈ જાય છે અને મનનો નાશ થઈ જાય છે. હવે તમે સમજી શકો છો કે ચિત્ત શબ્દથી શું કહેવા માગે છે. ચિત્ત એટલે જેમાંથી મનની ઉત્પત્તિ થાય છે તે દ્રવ્ય અને જ્યારે બાહ્ય કારણો તેના પર આઘાત કરે છે, ત્યારે તેમાં જે તરંગો અને મોજાં ઉત્પન્ન થાય છે તે છે વૃત્તિઓ. આ વૃત્તિઓ તે જ આપણું વિશ્વ.
સરોવરનું તળિયું આપણને દેખાતું નથી, કારણ કે તેની સપાટી તરંગોથી ઢંકાયેલી હોય છે. માત્ર જ્યારે તરંગો શમી ગયા હોય અને પાણી સ્થિર હોય ત્યારે જ આપણને તળિયાની ઝાંખી થાય. જો પાણી ડહોળું હોય અથવા બધો વખત ખળભળેલું જ રહેતું હોય તો તળિયું દેખાશે જ નહીં. જો પાણી સ્વચ્છ હોય અને તેમાં તરંગો ન હોય તો જ આપણે તળિયે જોઈ શકીશું. સરોવરના તળિયારૂપે આપણો આત્મા સમજો; સરોવર એટલે ચિત્ત સમજો; અને તેમાં તરંગો એટલે વૃત્તિઓ સમજો. વળી મનની ત્રણ અવસ્થા છે. એક તમોગુણવાળી, તે પશુઓમાં અને બુદ્ધિહીનોમાં હોય છે. તમોગુણ ક્રિયા કરે તે નુકસાનકારક જ હોય. એ અવસ્થામાં મનમાં બીજો એકેય વિચાર આવતો નથી. ત્યાર પછી મનની બીજી એક અવસ્થા છે, ચંચળ અવસ્થા, રજોગુણની. તેમાં મનુષ્યનો મુખ્ય હેતુ હોય સત્તા અને મોજશોખ,—‘હું સત્તાવાળો થઈશ અને બીજાઓ પર હકૂમત ચલાવીશ.’ ત્યાર પછી ત્રીજી અવસ્થા છે સત્ત્વગુણની. તેમાં ગંભીરતા, શાંત સ્વસ્થતા હોય છે, ચિત્તરૂપી સરોવરના તરંગો શમી ગયા હોય છે અને તેનું જળ સ્વચ્છ થઈ ગયું હોય છે. એ સ્થિતિ ચિત્તની નિષ્ક્રિયતાની નથી, પણ ઊલટી અત્યંત સક્રિયતાની છે. શાંત સ્વસ્થ રહેવું એ શક્તિનું મોટામાં મોટું પ્રદર્શન છે. ચંચળ થવું તો સહેલું છે. ઘોડાની લગામ છોડી મૂકો, તો ઘોડો તમને લઈને જ દોડી જશે. એ તો કોઈ પણ કરી શકે, પણ જે માણસ દોડતા ઘોડાઓને રોકી શકે તે જ તાકાતવાળો છે. વધુ બળની શેમાં જરૂર છે ઘોડાઓને છોડી મૂકવામાં કે તેમને રોકવામાં? જે જડબુદ્ધિવાળો છે તે શાંત મનુષ્ય નથી. સત્ત્વગુણ એટલે જડતા અથવા આળસ એવું માનવાની ભૂલ ન કરતા. શાંત ચિત્તવાળો મનુષ્ય તે છે કે જેનો મનના તરંગો પર કાબૂ હોય. ક્રિયાશીલતામાં ઊતરતી કોટિના બળનું પ્રદર્શન છે, સ્વસ્થતામાં ઉચ્ચ કોટિના બળનું.
ચિત્ત હંમેશાં પોતાની સ્વાભાવિક શુદ્ધ અવસ્થાએ પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું હોય છે, પણ ઇંદ્રિયો તેને બહાર ખેંચી લાવે છે. તેને રોકવું, તેની આ બહિર્મુખવૃત્તિને દાબવી અને બુદ્ધિના સારતત્ત્વ તરફ પાછું વાળવાની શરૂઆત કરવી તે યોગનું પહેલું પગથિયું છે, કારણ કે માત્ર આ રીતે જ ચિત્તને તેના યોગ્ય માર્ગે વાળી શકાય છે.
ચિત્ત જો કે દરેક પ્રાણીમાં રહેલું છે, નીચામાં નીચાથી માંડીને ઊંચામાં ઊંચા સુધીમાં. પણ માત્ર મનુષ્ય શરીરમાં જ તે બુદ્ધિરૂપે વિકસેલું જોવા મળે છે. જ્યાં સુધી ચિત્ત બુદ્ધિનું સ્વરૂપ ન લઈ શકે ત્યાં સુધી તેનાથી આ બધાં પગથિયાંમાંથી પસાર થઈને આત્માને મુક્ત કરવાનું શક્ય નથી. ગાય અથવા શ્વાનને માટે તાત્કાલિક મુક્તિ અશક્ય છે, જો કે તેમનામાં મન હોય છે તોપણ; કારણ કે તેમનું ચિત્ત આપણે જેને બુદ્ધિ કહીએ છીએ તે સ્વરૂપ હજી લઈ શકે તેવું નથી હોતું.
ચિત્તની અવસ્થાઓ આ પ્રમાણે હોય છેઃ ક્ષિપ્ત, મૂઢ, સમાહિત, એકાગ્ર અને નિરુદ્ધ. ક્ષિપ્ત અવસ્થા એ ચંચળતા. તેનું વલણ સુખ યા દુઃખરૂપે પ્રગટ થવાનું હોય છે. મૂઢ અવસ્થા એટલે જડતા. એમાં ચિત્ત બીજાને નુકસાન પહોંચાડવાના વલણવાળું હોય. ટીકાકાર કહે છે કે ત્રીજી અવસ્થા દેવતાઓને સ્વાભાવિક હોય છે, પ્રથમ અને બીજી અસુરોને. સમાહિત અવસ્થા ત્યારે કહેવાય છે કે જ્યારે ચિત્ત કેન્દ્રીભૂત થવાનો પ્રયત્ન કરી રહ્યું હોય છે. એકાગ્ર અવસ્થા ત્યારે કહેવાય છે કે જ્યારે તે કેન્દ્રિત સ્થિતિમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે અને આ પૂર્ણ એકાગ્રતા યાને નિરોધ અવસ્થા ત્યારે કહેવાય છે કે જ્યારે તે સમાધિ પ્રાપ્ત કરાવે છે.
तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम्॥1.3॥
तदा द्रष्टुः स्वरूपे अवस्थानम्॥
૩. એ (પૂર્ણ એકાગ્રતાની) સ્થિતિમાં દ્રષ્ટા (પુરુષ) પોતાની સ્વરૂપ સ્થિતિમાં (વૃત્તિરહિત અવસ્થામાં) રહે છે.
જેવા તરંગો શમી જાય અને સરોવર શાંત થાય કે તરત જ, આપણે તેનું તળિયું જોઈ શકીએ. મનનું પણ તેવું જ છે; તે જ્યારે શાંત થાય, ત્યારે આપણે જોઈ શકીએ કે આપણું સાચું સ્વરૂપ શું છે; વિષયો સાથે આપણે સેળભેળ નથી થઈ જતા પણ આપણે પોતાના સ્વરૂપમાં જ રહીએ છીએ.
वृत्तिसारूप्यमितरत्र॥1.4॥
वृत्ति सारूप्यम् इतरत्र॥
૪. (નિરોધાવસ્થા સિવાયને) બીજે સમયે દ્રષ્ટા વૃત્તિઓ સાથે તદાકાર થઈ જાય છે.
દાખલા તરીકે, કોઈ મારી નિંદા કરે છે, ત્યારે તેનાથી મારા મનમાં (દુઃખની) વૃત્તિ પેદા થાય છે અને હું તેની સાથે તદાકાર થઈ જાઉં છું અને પરિણામે મને દુઃખનો અનુભવ થાય છે.
वृत्तयः पञ्चतय्यः क्लिष्टाऽक्लिष्टाः॥1.5॥
वृत्तयः पञ्चतय्यः क्लिष्टाः अक्लिष्टा:॥
૫. વૃત્તિઓ પાંચ પ્રકારની છે, (કેટલીક) દુઃખદાયક અને (કેટલીક) દુઃખરહિત છે.
प्रमाण-विपर्यय-विकल्प-निद्रा-स्मृतयः॥1.6॥
૬. (એ વૃત્તિઓ આ છેઃ) પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ.
प्रत्यक्षानुमानागमाः प्रमाणानि॥1.7॥
प्रत्यक्ष अनुमान आगमाः प्रमाणानि॥
૭. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ પ્રમાણ છે.
જ્યારે આપણા બે અનુભવો પરસ્પર વિરોધી ન હોય ત્યારે આપણે તેને પ્રમાણ કહીએ છીએ. દાખલા તરીકે, હું કંઈક સાંભળું છું અને જો તે અગાઉના અનુભવ કરતાં જુદું હોય તો હું તેનો વિરોધ કરું છું અને તેમાં માનતો નથી. વળી પ્રમાણ ત્રણ પ્રકારનાં છે. પ્રથમ પ્રત્યક્ષ; જે કંઈ આપણે જોઈએ છીએ અને અનુભવીએ છીએ તે જો આપણી ઇંદ્રિયોને ભ્રમ થાય એવું કંઈ થયું ન હોય તો પ્રમાણ છે. હું જગતને જોઉં છું; જગતના અસ્તિત્વનું એ પૂરતું પ્રમાણ છે. બીજું પ્રમાણ છે અનુમાન. તમે એક નિશાની જુઓ છો અને એ નિશાની પરથી જે વસ્તુની એ નિશાની છે તેનું તમને જ્ઞાન થાય છે, તે અનુમાન. ત્રીજું પ્રમાણ આપ્તવાક્ય, એટલે કે યોગી પુરુષોનો, જેમણે સત્યનાં દર્શન કર્યાં હોય તેવાઓનો પ્રત્યક્ષ અનુભવ. આપણે સૌ કોઈ જ્ઞાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પણ મારે ને તમારે સખત મથામણ કરવી પડે છે અને બુદ્ધિવાદની લાંબી, કંટાળા ભરેલી પ્રક્રિયા દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, પરંતુ યોગીપુરુષ, શુદ્ધાત્મા, આ બધાથી પર થયેલો હોય છે. તેના મનની સામે ભૂત, ભવિષ્ય ને વર્તમાન એક સમાન હોય છે, વાંચવાના એક જ પુસ્તક જેવાં હોય છે, જ્ઞાન મેળવવાની જે કંટાળાભરી પ્રક્રિયામાંથી આપણે પસાર થવું પડે છે તેને તેમાંથી પસાર થવાની જરૂર નથી રહેતી. તેના શબ્દો જ પ્રમાણ છે, કારણ કે જ્ઞાનને તે પોતાની અંદર જુએ છે. આ પુરુષો જ શાસ્ત્રગ્રંથોના રચનારાઓ છે; એટલા માટે શાસ્ત્રો પ્રમાણ ગણાય છે. એવા જો કોઈ પુરુષો અત્યારે જીવતા હોય તો તેમના શબ્દો પ્રમાણ ગણવાના. બીજા દાર્શનિકો આપ્તવાક્યના સંબંધમાં લાંબી ચર્ચાઓમાં ઊતર્યા છે અને તેઓ કહે છે, ‘તેમના (આપ્તોના) શબ્દો પ્રમાણભૂત છે એનું પ્રમાણ શું?’ પ્રમાણ તેમનો પોતાનો અનુભવ, કારણ કે જે કંઈ હું જોઉં છું, જે કંઈ તમે જુઓ છો, તે જો કોઈ અગાઉના જ્ઞાનનું વિરોધી ન હોય તો તે પ્રમાણ છે, ઇંદ્રિયોથી પર એવુંય જ્ઞાન છે અને જ્યારે જ્યારે તે જ્ઞાન તર્કબુદ્ધિ અને અગાઉના માનવ અનુભવનું વિરોધી ન હોય ત્યારે તે જ્ઞાન પ્રમાણરૂપ ગણાય. એમ તો ગમે તે ગાંડો માણસ આ ઓરડામાં આવીને કહે કે હું મારી આજુબાજુ દેવતાઓને જોઉં છું; એ કંઈ પ્રમાણભૂત ન કહેવાય. પ્રથમ તો તે જ્ઞાન સાચું જ્ઞાન હોવું જોઈએ; બીજું, તે ભૂતકાળના જ્ઞાનનું વિરોધી ન હોવું જોઈએ; ત્રીજું, જે વ્યક્તિ તે બતાવે તેના ચારિત્ર્ય પર તેનો આધાર હોવો જોઈએ. હું એમ કહેવાતું સાંભળું છું કે માણસનું ચારિત્ર્ય એટલું બધું અગત્યનું નથી કે જેટલું તે શું કહે છે તે છે;એટલે આપણે પ્રથમ તે શું કહે છે તે સાંભળવું જોઈએ. આ કદાચ બીજી બાબતોમાં સત્ય હશે. એક માણસ દુરાચારી હોય અને છતાં ખગોળવિદ્યામાં નવીન શોધ કરે પણ ખરો; પણ ધર્મની બાબતમાં જુદું છે, કારણ કે કોઈ પણ અપવિત્ર માણસ ધર્મનાં સત્યોને પ્રાપ્ત કરવાની શક્તિ કદી મેળવી શકે નહીં. એ કારણસર આપણે સૌથી પ્રથમ એ જોવાનું છે કે જે માણસ પોતાને આપ્ત તરીકે જાહેર કરે છે તે સંપૂર્ણ રીતે નિઃસ્વાર્થી અને પવિત્ર પુરુષ છે કે નહીં; બીજું, તે ઇંદ્રિયાતીત અવસ્થાએ પહોંચ્યો છે કે નહીં; અને ત્રીજું, તે જે કહે છે તે માનવજાતના ભૂતકાળના જ્ઞાનનું વિરોધી નથી ને! સત્ય વિશેની કોઈ પણ નવી શોધ ભૂતકાળના સત્યની વિરોધી નથી હોતી, પણ તેની સાથે બંધબેસતી થાય છે. અને ચોથું, એ સત્ય સાબિત થઈ શકે એવું હોવું જોઈએ. એક માણસ કહે કે ‘મને અમુક દર્શન થયું છે,’ પણ પાછો કહે કે ‘તમને એ દર્શનનો અધિકાર નથી’, તો હું તેનું કહેવું ન માનું. દરેક માણસમાં એ દર્શન પોતાની મેળે કરવાનો અધિકાર ને શક્તિ હોવાં જોઈએ. પોતાનું જ્ઞાન વેચનારો કોઈ પણ માણસ આપ્ત ન કહેવાય. માટે આ બધી શરતો પૂરી થવી જોઈએ; તમારે પ્રથમ એ જોવું જોઈએ કે એ વ્યક્તિ પવિત્ર છે કે નહીં અને તેનામાં કોઈ સ્વાર્થી હેતુ નથી અને તેનામાં દ્રવ્યની કે નામનાની લાલસા નથી. બીજું, તેણે દર્શાવી આપવું જોઈએ કે તે ઇંદ્રિયાતીત અવસ્થાએ પહોંચ્યો છે. તેણે આપણને એવું કંઈક આપવું જોઈએ કે જે આપણે ઇંદ્રિયો દ્વારા મેળવી શકતા ન હોઈએ અને જે જગતના ભલા માટે હોય. ત્રીજું, આપણે એ જોવું જોઈએ કે એ જ્ઞાન બીજાં સત્યોનું વિરોધી નથી; જો તે બીજાં વૈજ્ઞાનિક સત્યોનું વિરોધી હોય તો તેનો તત્કાળ ત્યાગ કરો. ચોથું, એ માણસ એવો દાવો કરનારો એકલો જ, વિશિષ્ટ ન હોવો જોઈએ; બધાંય જે જ્ઞાન મેળવી શકે તેના એક નમૂના રૂપ તે હોવો જોઈએ.
ત્યારે હવે, એ ત્રણ પ્રકારનાં પ્રમાણ આ છેઃ પ્રત્યક્ષ, અનુમાન અને આપ્તવાક્ય. આ ‘આપ્ત’ શબ્દનું અંગ્રેજીમાં ભાષાંતર કરી શકાય તેમ નથી. ‘આપ્ત’ એટલે અંગ્રેજી Inspired (પ્રેરણા પામેલો) નથી, કારણ કે પ્રેરણા બહારથી આવતી મનાય છે, જ્યારે આ જ્ઞાન માણસની પોતાની અંદરથી જ આવે છે. એનો અક્ષરશઃ અર્થ છે ‘પહોંચેલો.’
विपर्ययो मिथ्याज्ञानमतद्रूपप्रतिष्ठम्॥1.8॥
विपर्यय: मिथ्याज्ञानम् अतद्रूप प्रतिष्ठम्॥
૮. વિપર્યય એટલે મિથ્યા જ્ઞાન, ખોટું જ્ઞાન. વસ્તુનું જે સાચું સ્વરૂપ છે તેનાથી ઊલટું દેખવું.
ચિત્તમાં ઊઠતી વૃત્તિઓનો બીજો પ્રકાર છે વિપર્યય. તેમાં એક વસ્તુ બીજી વસ્તુ ભૂલથી જણાય. જેમ કે છીપનો ટુકડો ભૂલથી ચાંદીનો ટુકડો દેખાય.
शब्दज्ञानानुपाती वस्तुशून्यो विकल्पः॥1.9॥
शब्द ज्ञान अनुपाती वस्तुशून्य: विकल्पः॥
૯. વિકલ્પ એટલે જેમાં શબ્દનું જ જ્ઞાન હોય, પણ (તેની પાછળ) વસ્તુ ન હોય એ શબ્દભ્રમ.
વૃત્તિઓનો બીજો એક વર્ગ છે, તેને વિકલ્પ કહેવામાં આવે છે. એક શબ્દનું ઉચ્ચારણ થયું અને તેના અર્થનો વિચાર કરવા ન અટકતાં, તરત એક નિર્ણય બાંધી લઈએ. એ ચિત્તની નિર્બળતાની નિશાની છે. હવે તમે સંયમના સિદ્ધાંતને સમજી શકશો. માણસ જેમ નબળો, તેમ તેનામાં સંયમ ઓછો. એ કસોટી વડે તમે તમારી જાતને હંમેશાં તપાસજો. જ્યારે ક્રોધ આવતો હોય કે મનમાં દુઃખ થતું હોય ત્યારે વિચાર કરી જોજો કે અમુક સમાચાર તમે સાંભળ્યા તેથી તમારા મનમાં વૃત્તિઓ ઊઠવા શા માટે પામે છે.
अभावप्रत्ययालम्बना वृत्तिर्निद्रा॥1.10॥
अभाव प्रत्यय आलम्बना वृत्ति: निद्रा॥
૧૦. અભાવની લાગણીને આધારે ઊઠનારી વૃત્તિ એ નિદ્રા.
વૃત્તિઓનો બીજો એક વર્ગ છે તેને કહેવામાં આવે છે નિદ્રા અને સ્વપ્ન. જ્યારે આપણે જાગી ઊઠીએ છીએ ત્યારે આપણે જાણીએ છીએ કે આપણે ઊંઘતા હતા; આપણને સ્મૃતિ અનુભવની જ હોઈ શકે. જેનો આપણને અનુભવ નથી, તેની આપણને કદી સ્મૃતિ હોઈ શકે નહીં. મનની પ્રત્યેક પ્રતિક્રિયા એ ચિત્ત સરોવરમાં ઊઠેલો તરંગ છે. હવે, જો ઊંઘ દરમિયાન, ચિત્તમાં કશા જ તરંગો ન હોય તો તેને વિધાયક કે નિષેધાત્મક, કશા જ અનુભવો ન થાય અને તેથી આપણને તેમનું સ્મરણ ન રહેવું જોઈએ. પરંતુ નિદ્રાનું આપણને સ્મરણ રહે છે એનું કારણ જ એ છે કે નિદ્રા દરમિયાન પણ ચિત્તની અંદર અમુક પ્રકારના તરંગો હતા જ. યાદદાસ્ત પણ વૃત્તિઓનો બીજો એક પ્રકાર છે કે જેને સ્મૃતિ કહેવામાં આવે છે.
अनुभूतविषयासंप्रमोषः स्मृतिः॥1.11॥
अनुभूत विषय असम्प्रमोषः स्मृतिः॥
૧૧. જ્યારે અનુભવેલા પદાર્થો મનમાંથી ભૂંસાઈ ન જાય (અને સંસ્કારો દ્વારા જાગ્રતના અનુભવમાં આવે) ત્યારે તેને સ્મૃતિ કહે છે.
સ્મૃતિ પ્રત્યક્ષ જ્ઞાન, મિથ્યા જ્ઞાન, શાબ્દિક વિકલ્પ, તેમજ નિદ્રામાંથી આવી શકે. દાખલા તરીકે, તમે એક શબ્દ સાંભળો છો.એ શબ્દ ચિત્તરૂપી સરોવરમાં ફેંકાયેલા પથ્થર જેવો છે; એ શબ્દ ચિત્તમાં એક તરંગ પેદા કરે છે અને એ તરંગ બીજા તરંગોની હારમાળા ઊભી કરે છે; એનું નામ સ્મૃતિ. તે જ પ્રમાણે નિદ્રામાં. જ્યારે નિદ્રા વૃત્તિરૂપી વિલક્ષણ તરંગ ચિત્તમાં સ્મૃતિનો તરંગ પેદા કરે છે, ત્યારે તેને સ્વપ્ન કહેવામાં આવે છે. જે તરંગને જાગ્રત અવસ્થામાં સ્મૃતિ કહેવામાં આવે છે તેનો જ એક બીજો પ્રકાર એ સ્વપ્ન.
अभ्यासवैराग्याभ्यां तन्निरोधः॥1.12॥
अभ्यास वैराग्याभ्यां तत् निरोधः॥
૧૨. અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેમનો નિરોધ થઈ શકે.
અનાસક્તિ મેળવવા માટે મન નિર્મળ, શુભ અને તર્કશુદ્ધ હોવું જોઈએ. આપણે સાધના શા માટે કરવી? કારણ એ કે દરેક કાર્ય સરોવરની સપાટી પર કંપી રહેલા ધબકારા જેવું છે. એ ધ્રુજારી શમી જાય, પછી શું બાકી રહે? તેનો સંસ્કાર. જ્યારે ઘણી મોટી સંખ્યામાં આ સંસ્કારો મન ઉપર પડેલા હોય છે, ત્યારે તે બધા જોડાઈને ટેવનું રૂપ લે છે. કહેવાય છે કે ‘ટેવ એ બીજો સ્વભાવ છે,’ પણ એ પ્રથમ સ્વભાવ પણ છે અને માણસનો સંપૂર્ણ સ્વભાવ પણ છે; અરે, આપણે જે કંઈ છીએ તે ટેવનું જ પરિણામ છે. એથી જ તો આપણને આશ્વાસન મળે છે, કારણ કે આપણો સ્વભાવ એ જો માત્ર ટેવ જ હોય તો તો આપણે ગમે ત્યારે નવી ટેવ પાડી શકીએ અને જૂની ટેવને છોડી શકીએ. આ કંપનો મનમાં થઈને નીકળતાં સંસ્કાર મૂકતાં જાય છે, તેમાંનો દરેકેદરેક પોતાનો ડાઘ મૂકતો જાય છે. આપણું ચારિત્ર્ય આ બધા ડાઘનો એકંદર સરવાળો છે અને જે પ્રમાણે જે કોઈ એક ખાસ સંસ્કાર પ્રબળ બને, તે પ્રમાણે માણસનું વલણ ઘડાય. જો શુભ સંસ્કાર પ્રબળ બને તો માણસ સારો થાય; જો ખરાબ સંસ્કાર પ્રબળ થાય તો માણસ દુષ્ટ બને; જો આનંદી સંસ્કાર પ્રબળ થાય તો માણસ સુખી થાય. ખરાબ ટેવો છોડવાનો એક માત્ર ઉપાય છે તેનાથી ઊલટી, સારી ટેવો પાડવી; જે જે ખરાબ ટેવોના સંસ્કાર પડેલા છે, તેમને સારી ટેવોથી કાબૂમાં લેવાના છે. સત્કર્મ કર્યે જ જાઓ, નિરંતર પવિત્ર વિચારો કર્યે રાખો; હલકટ સંસ્કારોને દબાવવાનો એકમાત્ર ઉપાય એ જ છે. કદી પણ એમ નહીં કહેતા કે અમુક માણસ સુધરી નહીં જ શકે; કારણ કે એ વ્યક્તિ એટલે અમુક પ્રકારનું ચારિત્ર્ય, એક ટેવોનું પોટલું કે જે ટેવો નવી અને વધુ સારી ટેવો વડે કાબૂમાં લાવી શકાય. ચારિત્ર્ય એટલે પુનરાવર્તન પામેલી ટેવો, એટલે કેવળ પુનરાવર્તન પામેલી ટેવ જ ચારિત્ર્યને સુધારી શકે.
तत्र स्थितौ यत्नोऽभ्यासः॥1.13॥
तत्र स्थितौ यत्नः अभ्यासः॥
૧૩. વૃત્તિઓને ત્યાં (ચિત્તમાં) સંપૂર્ણ સ્થિર રાખવાનો નિરંતર પ્રયત્ન, એનું નામ અભ્યાસ.
અભ્યાસ એટલે શું? મનને તરંગ વિનાની એટલે કે ચિત્તની સ્થિતિમાં રાખવાનો, યાને તેમાં તરંગો ઊઠતા અટકાવવાનો પ્રયાસ.
स तु दीर्घकालनैरन्तर्यसत्कारासेवितो दृढभूमिः॥1.14॥
सः तु दीर्घकाल नैरन्तर्य सत्कार आसेवितः दृढभूमिः॥
૧૪. (ધ્યેય માટે) ખૂબ આદરપૂર્વક લાંબા સમય સુધી પ્રયત્ન કરતા રહેવાથી તે દૃઢ બને છે.
સંયમની આ શક્તિ એક દિવસમાં આવતી નથી, પણ લાંબા સમય સુધી નિરંતર તેનો અભ્યાસ કર્યા કરવાથી આવે છે.
दृष्टानुश्रविकविषयवितृष्णस्य वशीकारसंज्ञा वैराग्यम्॥1.15॥
दृष्ट आनुश्रविक विषय वितृष्णस्य वशीकार संज्ञा वैराग्यम्॥
૧૫. દેખેલા (ઇંદ્રિયો દ્વારા અનુભવેલા) અથવા (શાસ્ત્રોમાંથી) સાંભળેલા વિષયો માટેની તૃષ્ણા જેનામાંથી નીકળી ગઈ હોય તેનામાં વિષયોને વશ કરવાની જે ઇચ્છાશક્તિ ઉત્પન્ન થાય છે તેને વૈરાગ્ય કહેવામાં આવે છે.
આપણાં કાર્યોની પાછળનાં પ્રેરક બળો બે છેઃ (૧) આપણે પોતે જે અનુભવીએ છીએ, (૨) બીજાઓનો સાંભળેલો અનુભવ. આ બે બળો મનરૂપી સરોવરમાં વિવિધ તરંગો ઉત્પન્ન કરે છે. વૈરાગ્ય એ આ બળોની સામે લડવાની અને મનને કાબૂમાં રાખવાની શક્તિ છે. આપણને જે જોઈએ છીએ તે આ બે બળોનો ત્યાગ. હું રસ્તા પરથી ચાલ્યો જાઉં છું અને એક માણસ આવીને મારું ઘડિયાળ ઝૂંટવી જાય છે. એ મારો પોતાનો અનુભવ થયો. હું પોતે એ જોઉં છું અને તે અનુભવ તરત જ મારા ચિત્તમાં ક્રોધના આકારનો તરંગ ઉત્પન્ન કરે છે. એ તરંગ ઉત્પન્ન થવા ન દો. જો તમે તેને અટકાવી ન શકો તો તમે કંઈ જ નથી; જો અટકાવી શકો, તો તમારામાં ત્યાગ છે. વળી, સંસારી માણસોનો અનુભવ આપણને એમ શીખવે છે કે ઇંદ્રિયોનાં ભોગસુખો એ જ સૌથી ઊંચો આદર્શ છે. આ જબરદસ્ત પ્રલોભનો છે. તે ભોગોનો અસ્વીકાર કરવો અને તેમનાથી લોભાઈને ચિત્તમાં તે બાબતની વૃત્તિ ઊઠવા ન દેવી એ વૈરાગ્ય છે; એટલે કે પોતાના અનુભવમાંથી અને બીજાઓના અનુભવ સાંભળીને ઊપજતાં બે પ્રકારનાં પ્રેરક બળોને કાબૂમાં રાખવાં અને એ રીતે ચિત્તને તેમને વશ થતું અટકાવવું એ વૈરાગ્ય. એ બે આપણા કાબૂમાં હોવાં જોઈએ અને નહિ કે આપણે તે બેના કાબૂમાં હોવા જોઈએ. આ જાતના માનસિક બળને ત્યાગ, વૈરાગ્ય કહેવામાં આવે છે. વૈરાગ્ય એક જ મુક્તિનો માર્ગ છે.
तत्परं पुरुषख्यातेर्गुणवैतृष्ण्यम्॥1.16॥
तत् परम् पुरुष ख्याते: गुण वैतृष्ण्यम्॥
૧૬. પુરુષ (આત્માના સાચા સ્વરૂપ)નું જ્ઞાન થવાથી (સત્ત્વ, રજસ, તમસ) ગુણો પ્રત્યે જે વિતૃષ્ણા આવે, તેને પરમ વૈરાગ્ય કહે છે.
આપણી ગુણો પરની આસક્તિને પણ દૂર કરે એ વૈરાગ્યશક્તિની ઊંચામાં ઊંચી નિશાની છે. પ્રથમ તો આપણે પુરુષ એટલે શું અને ગુણો એટલે શું એ સમજવાનું છે. યોગદર્શન પ્રમાણે સમગ્ર પ્રકૃતિ ત્રણ ગુણો યાને બળોની બનેલી છેઃ એકને તમસ કહેવામાં આવે છે, બીજાને રજસ અને ત્રીજાને સત્ત્વ કહેવામાં આવે છે. ભૌતિક જગતમાં આ ત્રણ ગુણો અનુક્રમે અંધકાર, અજ્ઞાન અથવા નિષ્ક્રિયતા; આકર્ષણ કે વિકર્ષણ; અને એ બંનેનું સમતોલપણું એ રૂપે જોવા મળે છે. પ્રકૃતિમાં જે કંઈ છે, જે બધાં વ્યક્ત સ્વરૂપો છે તે બધાં આ ત્રણ બળોનાં સંયોજનો ને પુનઃસંયોજનો છે. પ્રકૃતિને સાંખ્યોએ અનેક જુદી જુદી શ્રેણીઓમાં વહેંચી નાખી છે; પુરુષ, મનુષ્યનો આત્મા આ બધાંથી, પ્રકૃતિથી પર છે. તે જ્યોતિર્મય, શુદ્ધ ને પૂર્ણ છે. પ્રકૃતિમાં જે કંઈ બુદ્ધિ જોવામાં આવે છે તે તો કેવળ આ પુરુષનું પ્રકૃતિ પર પડેલું પ્રતિબિંબ માત્ર છે. પ્રકૃતિ પોતે તો અચેતન છે. તમારે એ યાદ રાખવું કે પ્રકૃતિ શબ્દમાં મનનો પણ સમાવેશ થઈ જાય છે; મન પ્રકૃતિની અંદર છે; વિચાર પ્રકૃતિની અંદર છે; વિચારથી માંડીને જડ દ્રવ્યના સ્થૂલમાં સ્થૂલ પ્રકાર સુધીનું સર્વ કંઈ પ્રકૃતિમાં છે, પ્રકૃતિનું જ વ્યક્ત રૂપ છે. આ પ્રકૃતિએ મનુષ્યના આત્માને ઢાંકી દીધો છે અને જ્યારે પ્રકૃતિ એ આવરણ લઈ લે છે ત્યારે આત્મા પોતાના મહિમામાં પ્રગટ થાય છે. પાછળના પંદરમા સૂત્રમાં વર્ણવેલ (વશીકાર સંજ્ઞા) વૈરાગ્ય આત્માના પ્રાગટ્ય માટે મોટામાં મોટી સહાય છે. હવે પછીના સૂત્રમાં સમાધિ યાને સંપૂર્ણ એકાગ્રતાની વ્યાખ્યા આપવામાં આવી છે જે સમાધિ યોગીનું ધ્યેય છે.
वितर्कविचारानन्दास्मितानुगमात् संप्रज्ञातः॥1.17॥
वितर्क विचार आनन्द अस्मिता अनुगमात् संप्रज्ञातः॥
૧૭. સંપ્રજ્ઞાત (યથાર્થ જ્ઞાનવાળી) સમાધિ તેને કહેવામાં આવે છે કે જેમાં વિતર્ક (તર્કશક્તિ), વિચાર (વિવેકબુદ્ધિ), આનંદ અને અસ્મિતા (‘હું’પણાનું સામાન્ય ભાન) અનુક્રમે રહેલાં હોય.
સમાધિના બે પ્રકાર છે. એકને સંપ્રજ્ઞાત કહેવામાં આવે છે અને બીજાને અસંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત સમાધિમાં પ્રકૃતિને કાબૂમાં રાખવાની સઘળી શક્તિઓ આવે છે. તેના ચાર પ્રકાર છે. પ્રથમ પ્રકારને સવિતર્ક કહેવામાં આવે છે. તેમાં મન એક પદાર્થને બીજા પદાર્થોથી અલગ પાડીને તે પદાર્થ પર વારંવાર ધ્યાન કર્યા કરે છે. સાંખ્યોનાં પચીસ તત્ત્વોમાં બે પ્રકારના ધ્યાનના વિષયો છેઃ (૧) પ્રકૃતિનાં ચોવીસ જડ તત્ત્વો અને (૨) એક, ચેતન પુરુષ. યોગનો આ વિભાગ સંપૂર્ણ રીતે સાંખ્યદર્શન પર આધારિત છે. સાંખ્ય તત્ત્વજ્ઞાન વિશે હું અગાઉ કહી ગયો છું. તમને યાદ હશે કે અહંકાર, બુદ્ધિ અને મન, એ ત્રણેનું એક સામાન્ય ઉપાદાન છે ચિત્ત; તેમાંથી એ બધાં તૈયાર થાય છે. ચિત્ત પ્રકૃતિનાં બળોને પોતાનામાં લઈને તેમને વિચારરૂપે બહાર કાઢે છે. વળી, એવું કંઈક હોવું જ જોઈએ કે જ્યાં બળ અને જડ દ્રવ્ય એ બંને એકરૂપ હોય. આ કંઈકને ‘અવ્યક્ત’ કહેવામાં આવે છે. એ અવ્યક્ત એટલે સૃષ્ટિ થયા પહેલાંની પ્રકૃતિની અપ્રકટ અવસ્થા કે જેમાં કલ્પને અંતે સમસ્ત પ્રકૃતિનો લય થાય છે અને નવા કલ્પને આરંભે જેમાંથી નવી સૃષ્ટિનો ઉદય થાય છે. તેનાથી પર છે બુદ્ધિના સારતત્ત્વરૂપ પુરુષ. જ્ઞાન એ જ શક્તિ છે અને જેવું આપણે એક વસ્તુ વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા લાગીએ કે તરત જ આપણને તેના પર સત્તા મળવા લાગે છે તેવી જ રીતે મન જ્યારે જુદાં જુદાં તત્ત્વો પર ધ્યાન કરવા લાગે છે ત્યારે તે તેમના પર શક્તિ મેળવે છે. જે ધ્યાનના પ્રકારમાં બહારનાં સ્થૂળ તત્ત્વો ધ્યાનનો વિષય હોય છે તે ધ્યાનને ‘સવિતર્ક’ કહેવામાં આવે છે. વિતર્ક એટલે પ્રશ્ન; સવિતર્ક એટલે પ્રશ્ન સહિત; એટલે કે, જાણે કે, તત્ત્વોને પ્રશ્ન પૂછવો કે તેઓ પોતા વિશેનાં સત્યો અને પોતાની શક્તિઓ તેમના પર ધ્યાન કરનારને આપી દે. પણ એ સિદ્ધિઓ મેળવવાથી મુક્તિ નથી મળતી. એ સિદ્ધિઓ એટલે સંસારના ભોગોની જ શોધાશોધ. પણ આ જિંદગીમાં સુખભોગ જેવું છે જ નહિ; સુખભોગ માટેની સઘળી શોધ વ્યર્થ છે; આ એક પ્રાચીનમાં પ્રાચીન પાઠ મનુષ્યને મળતો રહ્યો છે, પણ તે શીખવાનું તેને અતિશય કઠણ પડે છે. પણ જ્યારે તે ખરેખર શીખે જ છે, ત્યારે તે પ્રકૃતિના પંજામાંથી નીકળી જાય છે અને મુક્ત થાય છે. જેને સિદ્ધિઓ કહેવામાં આવે છે તે મેળવવી એટલે સંસારબંધન વધુ મજબૂત કરવું અને અંતે દુઃખ વધારવું. જો કે એક વૈજ્ઞાનિક તરીકે પતંજલિને આ વિજ્ઞાનની શક્યતાઓ તરફ નિર્દેશ કરવો પડે છે ખરો, પણ એ સિદ્ધિઓ સામે આપણને સાવચેત કરવાની એક પણ તક તે ચૂકતા નથી.
વળી, એ જ ધ્યાનની અંદર જ્યારે સાધક તત્ત્વોને દેશ અને કાળમાંથી અલગ કરીને તેઓ જેવાં છે તેવે જ રૂપે તેમનો વિચાર કરવાનો પ્રયત્ન કરે, ત્યારે તે ધ્યાન નિર્વિતર્ક એટલે કે પ્રશ્ન વિનાની સમાધિ કહેવાય. ધ્યાન જ્યારે એથીયે એક પગથિયું ઊંચે જાય અને ધ્યાનના વિષય તરીકે તન્માત્રાઓને લે અને તેઓ દેશ અને કાળની અંદર છે તેમ વિચાર કરે, ત્યારે તે સવિચાર સમાધિ કહેવાય અને જ્યારે ધ્યાન દેશ અને કાળની બહાર નીકળી જાય છે અને વિચારે છે કે પોતે સૂક્ષ્મતત્ત્વ છે ત્યારે તે નિર્વિચાર અર્થાત્ વિચારરહિતની સમાધિ કહેવાય. ત્યાર પછીનાં પગથિયાંમાં સ્થૂળ તેમજ સૂક્ષ્મ તત્ત્વોનો ત્યાગ કરવામાં આવે છે અને ધ્યાનનો વિષય અંતઃકરણ યાને ચિંતનની ઇંદ્રિય બને છે. જ્યારે એ ચિંતનની ઇંદ્રિયને રજોગુણ અને તમોગુણથી રહિત ધારવામાં આવે છે, ત્યારે તેને સાનંદ, યાને આનંદમય સમાધિ કહેવામાં આવે છે. જ્યારે મન પોતે જ ધ્યાનનો વિષય હોય છે, જ્યારે ધ્યાન ખૂબ પકવ અને ગાઢ બને છે, જ્યારે સ્થૂલ અને સૂક્ષ્મ તત્ત્વોના સર્વ વિચારો છૂટી જાય છે, જ્યારે કેવળ અહંની જ સાત્ત્વિક અવસ્થા રહે, પણ તેને બીજા બધા વિષયોથી અલગ પાડી દેવામાં આવેલો હોય—તે અવસ્થાને ‘સાસ્મિતા સમાધિ’ કહેવામાં આવે છે. જે સાધક આ અવસ્થાએ પહોંચ્યો હોય, તે વેદમાં જેને ‘વિદેહ-અવસ્થા’ કહેવામાં આવે છે તે અવસ્થાએ પહોંચ્યો કહેવાય. તે પોતાને સ્થૂળ દેહરહિત અનુભવી શકે, પણ પોતાના સૂક્ષ્મ દેહનું ભાન તો તેને રહે જ. જેઓ આ સ્થિતિએ પહોંચીને ધ્યેયે પહોંચ્યા વિના પ્રકૃતિમાં લીન થાય, તેમને ‘પ્રકૃતિલય’ પુરુષો કહેવામાં આવે છે. પરંતુ જેઓ એ અવસ્થાએ પણ અટકતા નથી તેઓ મુક્તિને ધ્યેયે પહોંચે છે.
विरामप्रत्ययाभ्यासपूर्वः संस्कारशेषोऽन्यः॥1.18॥
विराम प्रत्यय अभ्यास पूर्व: संस्कार शेष: अन्यः॥
૧૮. બીજી એક સમાધિ છે કે જે સઘળી માનસિક ક્રિયાના વિરામના નિરંતર અભ્યાસથી પ્રાપ્ત કરી શકાય છે, જેમાં ચિત્તમાં માત્ર અવ્યક્ત સંસ્કારો જ રહેલા હોય છે.
આ છે સંપૂર્ણ જ્ઞાનોત્તર અસંપ્રજ્ઞાત સમાધિ અવસ્થા કે જે મુક્તિ આપે છે. પહેલી સ્થિતિ મુક્તિ આપતી નથી, આત્માને બંધનમુક્ત કરતી નથી. માણસ ભલે બધી સિદ્ધિઓ મેળવે, પણ છતાં તે પતન પામે પણ ખરો. જ્યાં સુધી આત્મા પ્રકૃતિથી પર ન થાય ત્યાં સુધી તેને માટે સલામતી નથી. પ્રકૃતિથી પર થવું અતિશય કઠણ છે, જો કે તેની રીત લાગે છે સહેલી. ખરી રીત એ છે કે મનના પોતાના પર જ ધ્યાન કરવું અને જ્યારે જ્યારે વિચાર ઊઠે ત્યારે ત્યારે તેને નીચે દાબી દેવો, એમ એક પણ વિચારને મનમાં ઊઠવા ન દેવો અને મનને સંપૂર્ણ વિચારશૂન્ય બનાવવું. જ્યારે આપણે આ કરી શકીશું, તે જ ક્ષણે આપણે મુક્ત થઈશું. જ્યારે માણસો તાલીમ અને પૂર્વતૈયારી વિના પોતાના મનને વિચારશૂન્ય બનાવવા જાય છે ત્યારે તેઓ પોતાને અજ્ઞાનના ઉપાદાનરૂપી તમોગુણથી જ ઢાંકે છે અને તે તેમના મનને મૂઢ અને પ્રમાદી બનાવે છે અને તેમના મનમાં એવો ભ્રમ ભરેલો વિચાર પેદા કરે છે કે પોતે મનને વિચારશૂન્ય બનાવી રહ્યા છે. મનને ખરેખર વિચારશૂન્ય બનાવી શકવું એટલે તો સૌથી મહાન શક્તિ પ્રગટ કરવી, સર્વોચ્ચ સંયમ બતાવવો. જ્યારે આ અવસ્થાએ, એટલે કે અસંપ્રજ્ઞાત યાને ચેતનાતીત અવસ્થાએ પહોંચાય છે, ત્યારે સમાધિ નિર્બીજ થાય છે. એથી કહેવા શું માગે છે? જે સમાધિમાં ભાન રહે છે, જેમાં મન ચિત્ત માંહેના તરંગોને માત્ર શાંત કરી દઈ શકે છે અને તેમને દાબી રાખી શકે છે, તેમાં તરંગો સંસ્કારોના સ્વરૂપમાં રહે છે. આ સંસ્કારોરૂપી બીજો, જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે પાછા તરંગોનું સ્વરૂપ લે છે. પરંતુ જ્યારે આ બધા સંસ્કારોનો નાશ થઈ જાય, મનનો લગભગ સંપૂર્ણ નાશ થઈ જાય, ત્યારે સમાધિ નિર્બીજ થાય; ત્યાર પછી મનમાં સંસ્કારરૂપી બીજો રહેતાં નથી કે જેમાંથી વળી પાછું આ સંસારવૃક્ષ ઊભું થાય, વળી પાછી આ જન્મમરણની અનંત ઘટમાળ ચાલુ થાય.
કદાચ તમે પ્રશ્ન પૂછશો કે જેની અંદર મનનો સંપૂર્ણ અભાવ હોય, જ્ઞાનનો સંપૂર્ણ અભાવ હોય, એવી અવસ્થા કઈ હોય? સમજી લેજો કે જેને આપણે જ્ઞાન કહીએ છીએ તે અવસ્થા જ્ઞાનાતીત અવસ્થા કરતાં નીચલી કોટિની છે. આ તમારે હંમેશાં ધ્યાનમાં રાખવું કે અંતિમ સ્થિતિઓ એકબીજીને ઘણી જ મળતી આવતી દેખાય છે. જો આકાશમાં અતિશય મંદ કંપનોની સ્થિતિને અંધકાર કહેવામાં આવે, મધ્યમ કંપનોની સ્થિતિને પ્રકાશ કહેવામાં આવે, તો અતિ ઉચ્ચ કંપનોની સ્થિતિ પણ પાછી અંધકાર થઈ જશે. તે જ પ્રમાણે, અજ્ઞાન એ નીચામાં નીચી અવસ્થા છે, જ્ઞાન એ વચલી અવસ્થા છે અને જ્ઞાનાતીત અવસ્થા એ સર્વોચ્ચ અવસ્થા છે. અવસ્થાના બંને છેડા એકસરખા દેખાય છે. જ્ઞાન પોતે જ એક મિશ્રણ, એક રચના કરાયેલી વસ્તુ છે, એક સંયોજન છે; એ સાચું તત્ત્વ નથી.
આ વધુ ઉચ્ચ સમાધિના નિરંતર અભ્યાસનું પરિણામ શું? ચંચળતા અને જડતાના સઘળા પૂર્વસંસ્કારો નાશ પામી જશે, તેમજ સારા સંસ્કારો સુધ્ધાં. સોનામાંથી ભેગ અને મેલ કાઢી નાખવા માટે વપરાતાં રસાયણોના કિસ્સા જેવો આ કિસ્સો છે. કાચી ધાતુને જ્યારે ગાળવામાં આવે છે, ત્યારે મેલ પણ રસાયણોની સાથે જ બળી જાય છે. તેવી રીતે આ નિરંતર નિરોધશક્તિ પૂર્વના ખરાબ સંસ્કારોને અટકાવી દેશે અને એ રીતે છેવટે સારા સંસ્કારોને સુધ્ધાં. એ સારા અને નરસા સંસ્કારો એકબીજાને દબાવશે અને પરિણામે આત્મા એકલો, સારા કે નરસાથી અલિપ્ત, સર્વવ્યાપી, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ પોતાના મહિમામાં પ્રકાશશે. ત્યારે મનુષ્યને જણાશે કે પોતાને ન હતો જન્મ કે ન હતું મૃત્યુ, નથી જરૂર સ્વર્ગની કે નથી આ મૃત્યુલોકની. ત્યારે તેને ખબર પડશે કે તેને આવવાનું નથી કે જવાનું નથી; જે આવાગમનવાળું છે તે તો પ્રકૃતિ છે અને તેની ગતિ આત્મા પર પ્રતિબિંબિત થાય છે. અરીસામાંથી દીવાલ પર પ્રતિબિંબિત થયેલું ચાંદરડું હાલેચાલે છે અને દીવાલ મૂર્ખાઈથી માની લે છે કે તે પોતે હાલે છે. આપણું સૌનું તેમ જ છે; નિરંતર ગતિશીલ રહેતું ચિત્ત પોતાને વિવિધ રૂપોમાં પરિવર્તન કર્યા કરે છે અને આપણે માનીએ છીએ કે આપણે આ બધાં રૂપો છીએ. આ બધી ભ્રમણાઓ દૂર થઈ જશે. જ્યારે તે મુક્ત આત્મા આજ્ઞા કરશે—પ્રાર્થના કે ભીખ નહિ, પણ હુકમ કરશે—ત્યારે તે જેની જેની ઇચ્છા કરશે તે તાબડતોબ પૂરી થશે; તે જે કંઈ કરવા માગશે તે કરી શકશે. સાંખ્યદર્શન પ્રમાણે ઈશ્વર છે જ નહિ. તે એમ કહે છે કે આ જગતનો કોઈ ઈશ્વર હોઈ શકે નહિ, કારણ કે જો કોઈ હોય તો તે એક આત્મા જ હોય અને આત્મા કાં તો બદ્ધ હોય ને કાં તો મુક્ત હોય. જે આત્મા પ્રકૃતિથી બદ્ધ હોય અથવા પ્રકૃતિ જેના પર કાબૂ ધરાવતી હોય, તે કેવી રીતે સૃષ્ટિ ઉત્પન્ન કરી શકે? એ પોતે જ ગુલામ છે. બીજી બાજુએ, જે આત્મા મુક્ત હોય તે શા માટે આ બધો સંસાર ઉત્પન્ન કરે ને તેનું સંચાલન કરે? તેને પોતાને તો કશી ઇચ્છાઓ નથી હોતી, તેથી તેને સૃષ્ટિ ઉત્પન્ન કરવાની કશી જરૂર નથી. બીજું, સાંખ્યદર્શન કહે છે કે ઈશ્વરની કલ્પના જ બિનજરૂરી છે; જગતની બધી ઘટનાઓનો ખુલાસો પ્રકૃતિમાંથી મળી રહે છે. કોઈપણ પ્રકારના ઈશ્વરનો ઉપયોગ શો છે? પરંતુ કપિલ મુનિ કહે છે કે એવા કેટલાય આત્માઓ છે કે જેઓ લગભગ પૂર્ણ અવસ્થાએ પહોંચ્યા હોય, છતાં તેઓ સર્વ સિદ્ધિઓનો સંપૂર્ણ ત્યાગ ન કરી શકવાને લીધે મુક્ત અવસ્થાથી જરાક દૂર હોય છે. તેવાઓનાં મન અમુક સમય માટે પ્રકૃતિમાં લીન થઈ જાય છે અને પછી પ્રકૃતિના માલિક બનીને પાછા આવે છે. આવા સિદ્ધો છે. આપણે સૌ આવા સિદ્ધો થવાના અને સાંખ્યોના મત પ્રમાણે તો વેદમાં જે ઈશ્વરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો ખરો અર્થ છે આ મુક્ત સિદ્ધો માંહેનો જ એક. તેમનાથી અલગ એક નિત્ય મુક્ત અને મંગલમય જગતકર્તા કોઈ નથી. બીજી બાજુએ યોગીઓ કહે છે કે, ‘એમ નથી; ઈશ્વર છે, તે બીજા બધા આત્માઓથી અલગ એક આત્મા છે અને તે સમસ્ત સૃષ્ટિનો શાશ્વત માલિક છે, સદામુક્ત છે અને ગુરુઓનો પણ ગુરુ છે.’ યોગીઓ એ સ્વીકાર કરે છે કે સાંખ્યો જેમને ‘પ્રકૃતિલીન’ કહે છે તેઓનું પણ અસ્તિત્વ છે. તેઓ એવા યોગીઓ છે કે જેઓ પૂર્ણતાએ પહોંચવામાં જરાય બાકી રહી ગયા હોય છે અને જો કે અમુક કાળને માટે તેઓ પૂર્ણત્વને ધ્યેયે પહોંચવાથી વંચિત રહેલા હોય છે છતાં તેઓ વિશ્વના અમુક અમુક ભાગો પર હકૂમત ચલાવનારા લોકપાલો થઈને રહેલા હોય છે.
भवप्रत्ययो विदेहप्रकृतिलयानाम्॥1.19॥
भवप्रत्यय: विदेह प्रकृतिलयानाम्॥
૧૯. આ અસંપ્રજ્ઞાત સમાધિ જ્યારે તીવ્ર વૈરાગ્યથી રહિત હોય છે ત્યારે) સિદ્ધ દેવો અને પ્રકૃતિલીન પુરુષોના પુનર્જન્મના કારણરૂપ બને છે.
ભારતીય દર્શનોમાં દેવો એટલે અમુક ઊંચી પદવીઓ ભોગવનારા આત્માઓ માનવામાં આવે છે અને એ પદવીઓ પર ક્રમ પ્રમાણે જુદા જુદા આત્માઓ આવે છે. પરંતુ તેઓમાંનો એક પણ પૂર્ણાવસ્થાએ પહોંચેલો હોતો નથી.
श्रद्धा-वीर्य-स्मृति-समाधि-प्रज्ञापूर्वक इतरेषाम्॥1.20॥
श्रद्धा वीर्य स्मृति समाधि प्रज्ञा पूर्वक: इतरेषाम्॥
૨૦. બીજાઓને (આ અસંપ્રજ્ઞાત સમાધિ) શ્રદ્ધા, વીર્ય, સ્મૃતિ, ચિત્તની એકાગ્રતા અને નિત્ય વસ્તુના વિવેકથી થાય છે.
આ બીજાઓ એટલે જેઓ દેવતાઓની કે કલ્પ-નિયામક લોકપાલોની પદવીને પણ ઇચ્છતા નથી તેઓ. તેઓ મોક્ષને પ્રાપ્ત કરે છે.
तीव्रसंवेगानामासन्नः॥1.21॥
तीव्र संवेगानाम् आसन्न:॥
૨૧. જેઓ અત્યંત ઉત્સાહી હોય છે તેમને સફળતા જલદી પ્રાપ્ત થાય છે.
मृदुमध्याधिमात्रत्वात् ततोऽपि विशेषः॥1.22॥
मृदु मध्य अधिमात्रत्वात् तत: अपि विशेषः॥
૨૨. યોગીઓની સફળતા (તેમણે અપનાવેલાં) સાધનો મંદ, મધ્યમ કે તીવ્ર હોય તેના પર આધાર રાખે છે.
ईश्वरप्रणिधानाद्वा॥1.23॥
ईश्वर प्रणिधानात् वा॥
૨૩. અથવા ઈશ્વરની ઉપાસના દ્વારા પણ (સમાધિ) પ્રાપ્ત થાય છે.
क्लेशकर्मविपाकाशयैरपरामृष्टः पुरुषविशेष ईश्वरः॥1.24॥
क्लेश कर्म विपाक आशयै: अपरामृष्ट: पुरुषविशेष: ईश्वरः॥
૨૪. ઈશ્વર એટલે દુઃખ, કર્મો, તેમનાં ફળ અને વાસનાઓથી અલિપ્ત એવો એક વિશિષ્ટ આત્મા.
આપણે ફરીથી યાદ કરવાનું છે કે પાતંજલ યોગદર્શન સાંખ્યદર્શનને આધારે રચાયેલું છે; માત્ર સાંખ્યદર્શનમાં ઈશ્વરને સ્થાન નથી, જ્યારે યોગદર્શન ઈશ્વરમાં માને છે. તોપણ યોગદર્શન ઈશ્વર વિશેના ઘણાય વિચારો, જેવા કે સૃષ્ટિકર્તા વગેરેનો ઉલ્લેખ કરતું નથી. યોગીઓના મત પ્રમાણે ઈશ્વર જગતનો કર્તા છે તેવું નથી. વેદો પ્રમાણે ઈશ્વર જગતનો કર્તા છે કારણ કે જગત સંવાદિતાભર્યું છે, માટે જગત એક જ ઇચ્છાશક્તિનું સર્જન હોવું જોઈએ. યોગદર્શન એક ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરવા માગે છે ખરું, પણ તે પોતાની આગવી રીતે એ સાબિત કરે છે. તેઓ કહે છેઃ
तत्र निरतिशयं सर्वज्ञत्वबीजम्॥1.25॥
तत्र निरतिशयम् सर्वज्ञ बीजम्॥
૨૫. જે સર્વજ્ઞપણું બીજાઓમાં (માત્ર) બીજરૂપે હોય છે, તે ઈશ્વરમાં અનંતરૂપ હોય છે.
મનને હંમેશાં બે સીમાઓ વચ્ચે જ ફરવું પડે. મર્યાદિત અવકાશનો વિચાર તમે કરી શકો છો ખરા, પણ એ વિચાર પોતે જ તમને અમર્યાદિત અવકાશનો ખ્યાલ આપે છે. આંખો બંધ કરીને થોડીક ખાલી જગાનો વિચાર કરી જુઓ; તમે તે નાનકડું વર્તુળ જોશો કે જેની સાથોસાથ જ તેની આસપાસ એક અમર્યાદિત માપવાળું વર્તુળ તમને દેખાશે. કાળની બાબતમાં પણ એમ જ છે. એક સેકન્ડનો વિચાર કરી જુઓ; એ વિચાર કરવાની ક્રિયાની સાથોસાથ તમારે અનંત કાળનો વિચાર પણ કરવો જ પડશે. જ્ઞાનની બાબતમાં પણ તેમ જ સમજવું. મનુષ્યમાં જ્ઞાનમાત્ર બીજરૂપે છે, પણ તમારે તેની આસપાસ અનંત જ્ઞાનની કલ્પના કરવી જ પડશે. તેથી આપણા મનનું બંધારણ પોતે જ બતાવે છે કે અનંત જ્ઞાન છે ખરું અને યોગીઓ એ અનંત જ્ઞાનને ઈશ્વર કહે છે.
स पूर्वेषामपि गुरुः कालेनानवच्छेदात्॥1.26॥
स: पूर्वेषाम् अपि गुरुः कालेन अनवच्छेदात्॥
૨૬. ઈશ્વર પ્રાચીન ગુરુઓનો પણ ગુરુ છે, કારણ કે એ કાળની મર્યાદાથી પર છે.
એ ખરું છે કે સંપૂર્ણ જ્ઞાન આપણી અંદર જ રહેલું છે, પણ તેને બીજા જ્ઞાન દ્વારા બહાર લાવવું પડે છે. જો કે જ્ઞાન મેળવવાની શક્તિ આપણી અંદર જ રહેલી છે, છતાં તેને બહાર લાવવી જોઈએ અને એ જ્ઞાનને બહાર લાવવાનું કામ બીજા જ્ઞાન દ્વારા જ થઈ શકે એમ યોગીઓ કહે છે. જડ, અચેતન, ભૌતિક પદાર્થ કદી જ્ઞાનને બહાર લાવતો નથી. જ્ઞાનની ક્રિયા જ જ્ઞાનને બહાર લાવે છે. આપણી અંદર જે જ્ઞાન છે તેને બહાર લાવવા માટે જ્ઞાની પુરુષો આપણી સાથે હોવા જ જોઈએ, તેથી આવા ગુરુઓની હંમેશાં જરૂર રહી છે. દુનિયા ગુરુ વિનાની કદી હતી નહિ અને ગુરુઓ વિના જ્ઞાન આવી શકે નહિ. ઈશ્વર સર્વ ગુરુઓનો પણ ગુરુ છે, કારણ કે બીજા બધા ગુરુઓ ગમે તેટલા મહાન હોય—તેઓ દેવતાઓ હોય કે દેવદૂતો ભલે હોય—પણ તેઓ બધા કાળથી બદ્ધ અને મર્યાદિત છે, જ્યારે ઈશ્વર તેમ નથી. યોગીઓ બે વિશિષ્ટ અનુમાનો કરે છે. પહેલું એ કે સીમિતનો વિચાર કરવાની સાથે જ મનને સીમારહિતનો વિચાર કરવો જ પડે; અને એ અનુભવનો એક અંશ જો સાચો હોય તો બીજો પણ સાચો હોવો જ જોઈએ, કારણ કે મનના અનુભવો તરીકે તેમનું મૂલ્ય સરખું જ છે. મનુષ્યને અલ્પ જ્ઞાન છે એ હકીકત જ બતાવે છે કે ઈશ્વરનું અનંત જ્ઞાન છે. જો એકનો સ્વીકાર કરવો, તો બીજાનો પણ શા માટે નહીં? ન્યાય બુદ્ધિ કહે છે કે સ્વીકારો તો બંનેને અને ન સ્વીકારો તોય બંનેને. જો હું એમ માનું કે અલ્પ જ્ઞાનવાળો એક માનવી છે, તો મારે એ પણ કબૂલ કરવું જ પડે કે તેની પાછળ અનંત જ્ઞાનવાન કોઈ એક છે. બીજું અનુમાન એ છે કે ગુરુ વિના જ્ઞાન મળે નહીં. આધુનિક તત્ત્વવેત્તાઓ કહે છે તેમ, એ સાચું છે કે મનુષ્યમાં એવું કંઈક રહેલું છે કે જે તેનામાંથી બહાર આવે છે; માણસમાં સઘળું જ્ઞાન રહેલું છે, પણ તેને બહાર લાવવા માટે અમુક સંજોગો આવશ્યક છે. ગુરુ વિના કશું જ જ્ઞાન થાય નહીં. જો માનવગુરુઓ હોય, દેવગુરુઓ હોય અથવા દેવદૂત ગુરુઓ હોય તોપણ તેઓ બધા મર્યાદાવાળા હોય છે. તે સર્વની પહેલાં ગુરુ કોણ હતો? છેવટના નિર્ણય તરીકે આપણે કબૂલ કરવું પડે છે કે કાળથી અમર્યાદિત, એક ગુરુ હોવો જ જોઈએ; અને એ અનંત જ્ઞાનવાન, અનાદિ, અનંત એક ગુરુ, ઈશ્વર કહેવાય છે.
तस्य वाचकः प्रणवः॥1.27॥
૨૭. તેનો બોધક શબ્દ છે પ્રણવ, ૐ.
મનની અંદરના દરેક વિચારનો ઉત્તરાર્ધ એક શબ્દ હોય છે; શબ્દ અને વિચારને જુદા પાડી શકાતા નથી. એક જ વસ્તુનો બાહ્ય ભાગ જેને આપણે શબ્દ કહીએ છીએ તે છે અને અંદરનો ભાગ વિચાર કહીએ છીએ તે છે. પૃથક્કરણ દ્વારા કોઈ પણ માણસ વિચારને શબ્દથી જુદો પાડી શકે નહીં. ભાષાની ઉત્પત્તિ માણસોએ કરી છે—જેમ કે, અમુક માણસો એકઠા મળીને બેઠા અને તેમણે વસ્તુઓ ઓળખવા માટેના શબ્દો નક્કી કર્યા—એ ખ્યાલ ખોટો છે એમ સાબિત થયું છે. જ્યારથી મનુષ્યનું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી શબ્દો અને ભાષા રહેલાં જ છે. ત્યારે હવે વિચાર અને શબ્દ વચ્ચે સંબંધ શો છે? જો કે આપણે જોઈએ છીએ કે વિચારની સાથે શબ્દ હોવો જ જોઈએ, તોપણ એ જ વિચારની સાથે એ જ શબ્દ હોવો જોઈએ એ આવશ્યક નથી. વીસ જુદા જુદા દેશોમાં વિચાર ભલે એક હોય, તોપણ ભાષાના શબ્દો જુદા જુદા હોય. દરેક વિચારને વ્યક્ત કરવા માટે શબ્દ હોવો જ જોઈએ, પણ આ શબ્દોનો ધ્વનિ, ઉચ્ચાર એક જ હોવો જોઈએ એ આવશ્યક નથી. જુદી જુદી પ્રજાઓમાં ઉચ્ચાર જુદા જુદા રહેવાના. યોગસૂત્રોના ભાષ્યકાર કહે છે, ‘જો કે વિચાર અને શબ્દ વચ્ચેનો સંબંધ સંપૂર્ણ રીતે કુદરતી છે, તોપણ એનો અર્થ એવો નથી કે એક વિચાર અને એક શબ્દ વચ્ચેનો ઉચ્ચાર-સંબંધ અફર છે.’ ઉચ્ચારો જુદા જુદા હોય અને છતાં શબ્દો અને વિચારો વચ્ચેનો સંબંધ સ્વાભાવિક છે. વિચારો અને શબ્દો વચ્ચેનો સંબંધ તો જ સાચો હોઈ શકે કે જો શબ્દરૂપી પ્રતીક અને સૂચિત વસ્તુ વચ્ચે સાચો સંબંધ હોય; જો એમ ન હોય તો એ પ્રતીક શબ્દ સર્વ સાધારણ ઉપયોગમાં કદી નહીં આવે. પ્રતીક એ સૂચિત વસ્તુનું પ્રકાશક છે અને સૂચિત વસ્તુનું અસ્તિત્વ એ પહેલાંથી જ જો હોય અને અનુભવથી આપણને જણાય કે એ શબ્દપ્રતીકે એ વસ્તુને અનેક વાર વ્યક્ત કરી છે, તો આપણને ખાતરી થાય કે એ પ્રતીક શબ્દ અને તેનાથી સૂચિત વસ્તુ વચ્ચે સાચો સંબંધ રહેલો છે. વસ્તુઓ હાજર ન હોય તોપણ, એવા હજારો માણસો નીકળશે કે જેઓ એ વસ્તુઓને તેમના પ્રતીક શબ્દો વડે ઓળખી કાઢશે. તેથી પ્રતીક શબ્દ અને સૂચિત વસ્તુ વચ્ચે કુદરતી સંબંધ હોવો જ જોઈએ; એટલે, જ્યારે પ્રતીક શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે તે સૂચિત વસ્તુની યાદ લાવે છે. ભાષ્યકાર કહે છે કે ઈશ્વરનો બોધક શબ્દ છે ૐ. આ શબ્દ ઉપર જ એ શા માટે ભાર મૂકે છે? ઈશ્વરને માટેના તો સેંકડો શબ્દો છે. એક વિચાર હજાર શબ્દો સાથે જોડાયેલો છે, ‘ઈશ્વર’ એ વિચાર સેંકડો શબ્દો સાથે જોડાયેલો છે અને દરેક શબ્દ ઈશ્વરના પ્રતીક રૂપે છે. બહુ સારું. પરંતુ આ બધા શબ્દોમાં એક સર્વસામાન્યત્વ, આ બધાં પ્રતીકોનો કોઈક આધાર, કોઈક સામાન્ય ભૂમિકા હોવી જ જોઈએ અને જે પ્રતીક શબ્દ સર્વસામાન્ય હોય તે સૌથી ઉત્તમ અને એ બધાના પ્રતિનિધિ તરીકે ગણાય. કોઈ પણ ઉચ્ચાર કરતી વખતે આપણે ગળા માંહેના ધ્વનિયંત્ર અને તાળવાનો ઉચ્ચારણ ફલક તરીકે ઉપયોગ કરીએ છીએ, ત્યારે હવે એવો કોઈ પણ ભૌતિક ઉચ્ચાર છે કે જેમાંથી બીજા બધા ઉચ્ચારો નીકળ્યા હોય કે જે સૌથી વધુ સ્વાભાવિક ઉચ્ચાર હોય? ઓમ (અ-ઉ-મ્) એક જ એવો ઉચ્ચાર છે કે જે સઘળા ઉચ્ચારોનો આધાર છે. તેનો પહેલો અક્ષર ‘અ’, એ મૂળ ઉચ્ચાર છે, સર્વ ઉચ્ચારોની ચાવીરૂપ છે, તેનો ઉચ્ચાર જીભ કે તાળવાના કોઈ પણ ભાગને અડ્યા વગર થાય છે; ‘મ’ એ વર્ણમાળાનો છેલ્લો અક્ષર છે, તે હોઠ બંધ કરવાથી બોલાય છે અને ‘ઉ’ મોઢાના ઉચ્ચાર ફલકના છેક મૂળમાંથી શરૂ થઈને છેડા સુધી આળોટે છે. આ રીતે ‘ઓમ’ આખી ઉચ્ચારક્રિયાના પ્રતિનિધિ જેવો છે. એમ હોવાથી તે સ્વાભાવિક શબ્દ પ્રતીક, સર્વ જુદા જુદા ઉચ્ચારોનું ઉત્પત્તિસ્થાન હોવો જોઈએ. જે સઘળા શબ્દોની રચના કરી શકાય તે બધાનો સમગ્ર સીમાપ્રદેશ અને શક્યતા તે બતાવે છે. આ અડસટ્ટાઓને એક બાજુએ રાખીએ તોપણ આપણે જોઈએ છીએ કે ભારતમાંના સઘળા જુદા જુદા ધાર્મિક વિચારો આ ૐ શબ્દની આસપાસ કેન્દ્રિત થયેલા છે; વેદમાંના સઘળા જુદા જુદા ધાર્મિક વિચારો આ ૐ શબ્દની આસપાસ એકઠા થયેલા છે. કદાચ કોઈ એમ પૂછે કે તેને અમેરિકા અને ઇંગ્લેન્ડ અથવા બીજા કોઈ પણ દેશ સાથે શી નિસ્બત? નિસ્બત કેવળ એ કે ભારતમાં ધાર્મિક વિકાસની દરેક ભૂમિકાએ તેને જાળવી રાખવામાં આવ્યો છે અને ઈશ્વર વિશેના બધા વિવિધ વિચારો સમજાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અદ્વૈતવાદીઓ, દ્વૈતવાદીઓ, દ્વૈતાદ્વૈતવાદીઓ, ભેદવાદીઓ અને નાસ્તિકોએ સુધ્ધાં આ ૐને અપનાવી લીધો છે. માનવજાતિની બહુ વિશાળ બહુમતીની ધાર્મિક આકાંક્ષાનું એકમાત્ર પ્રતીક ૐ થઈ ગયેલ છે. દાખલા તરીકે, અંગ્રેજી શબ્દ ‘ગોડ’ (God) લો. એ શબ્દથી માત્ર એક મર્યાદિત ભાવના સમજાવી શકાય છે અને જો તમે એથી આગળની વધુ ઉચ્ચ ભાવના સમજાવવા ઇચ્છો તો તમારે એ ‘ગોડ’ શબ્દને વિશેષણો લગાડવાં પડે, જેવાં કે સગુણ કે નિર્ગુણ કે નિરપેક્ષ. બીજી દરેક ભાષામાં ઈશ્વરવાચક શબ્દોની એવી જ સ્થિતિ છે; તેમની અર્થસૂચકતા ઘણી મર્યાદિત છે. પરંતુ આ ૐ શબ્દમાં બધા જુદા જુદા અર્થો સમાઈ જાય છે. તેથી તે સૌને સ્વીકાર્ય થઈ શકે છે.
तज्जपस्तदर्थभावनम्॥1.28॥
तत् जप: तत् अर्थ भावनम्॥
૨૮. આ ૐનો જપ અને તેના અર્થનું ધ્યાન (એ ઉપાય છે.)
જપ શા માટે કરવો જોઈએ? અગાઉ કહી ગયા છીએ તે સંસ્કારોના સિદ્ધાંતને આપણે ભૂલી ન જઈએ કે સંસ્કારોનો કુલ સરવાળો મનની અંદર રહે છે. એ સંસ્કારો વધુ ને વધુ સૂક્ષ્મ ભલે થતા જાય, પણ ત્યાં મનમાં રહે તો ખરા જ અને જેવી તેમને યોગ્ય ઉત્તેજના મળે કે તરત જ તે જાગ્રત થાય. અણુસ્થિતિમાંની કંપનક્રિયા કદી બંધ પડતી નથી. જ્યારે આ જગતનો નાશ થાય ત્યારે બધાં સામૂહિક કંપનો બંધ પડી જાય; સૂર્ય, ચંદ્ર, તારા અને પૃથ્વી ઓગળી જાય, પણ પરમાણુઓમાંની કંપનક્રિયા રહે જ. મોટાં બ્રહ્માંડો જે કામ કરી રહ્યાં છે તે જ કામ પ્રત્યેક અણુ કરી રહ્યો હોય છે. તેથી જ્યારે ચિત્તનાં કંપનો શમી જાય છે, ત્યારે પણ તેનાં પરમાણુઓમાંની કંપનક્રિયા ચાલુ રહે છે અને જ્યારે તેમને ઉત્તેજના મળે ત્યારે સૂર્ય વગેરે વળી પાછાં ઉત્પન્ન થાય. હવે આપણે સમજી શકીએ છીએ કે જપથી શું કહેવા માગે છે. જપ એટલે આધ્યાત્મિક સંસ્કારોને આપી શકાય તેવી મોટામાં મોટી ઉત્તેજના. કહ્યું છે કે क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे नौका। એક ક્ષણનો પણ સંતસમાગમ ભવસાગર તરવામાં નૌકા સમાન છે.’ સત્સંગની એવી શક્તિ છે. તેથી આ ૐનો જપ અને તેના અર્થનું ચિંતન, એ મનમાં ને મનમાં સત્સંગ કરવા જેવું છે, પ્રથમ અભ્યાસ કરો અને પછી તમે જે અભ્યાસ કર્યો હોય, તેના પર ધ્યાન કરો. આ રીતે તમને પ્રકાશ મળશે, આત્મા પ્રગટ થશે.
પરંતુ જેમ ૐનું ચિંતન કરવાનું છે, તેમ તેના અર્થનું પણ ચિંતન કરવાનું છે. ખરાબ સોબતથી દૂર રહો, કારણ કે જૂના જખમોના ડાઘ હજી તમારામાં રહેલા છે અને ખરાબ સોબત તેમને બહાર આવવાની બરાબર તક આપે છે. તેવી જ રીતે આપણામાં રહેલા સારા સંસ્કારો જે દબાઈને અપ્રગટ થઈ ગયેલા છે તેમને સત્સંગ બહાર લાવે છે. જગતમાં સત્સંગ કરવા કરતાં વધુ પવિત્ર કામ બીજું એકેય નથી, કારણ કે સત્સંગથી જ સારા સંસ્કારો ઉપર આવવા પ્રેરાય છે.
ततः प्रत्यक्चेतनाधिगमोऽप्यन्तरायाभावश्च॥1.29॥
ततः प्रत्यक् चेतना अधिगम: अपि अन्तराय अभाव: च॥
૨૯. તેમાંથી અંતર્દૃષ્ટિની પ્રાપ્તિ અને વિઘ્નોનો નાશ થાય છે.
ૐના જપ અને ચિંતનનું પ્રથમ ફળ એ દેખાશે કે અંતર્દૃષ્ટિ વધારે ને વધારે ખીલશે, તથા સઘળાં માનસિક અને શારીરિક વિઘ્નો દૂર થવા લાગશે. યોગીના માર્ગમાં વિઘ્નો કયાં કયાં?
व्याधिस्त्यान-संशय-प्रमादालस्याविरति-भ्रान्तिदर्शना-लब्धभूमिकत्वान-वस्थितत्वानि चित्तविक्षेपास्तेऽन्तरायाः॥1.30॥
व्याधि स्त्यान संशय प्रमाद आलस्य अविरति भ्रान्तिदर्शन अलब्धभूमिकत्व अनवस्थितत्वानि चित्तविक्षेपा: ते अन्तरायाः॥
૩૦. વ્યાધિ, માનસિક જડતા, સંશય, પ્રમાદ, આળસ, વૈરાગ્યનો અભાવ, ભ્રાંતિ, ધ્યાનમાં ચિત્તની અસ્થિરતા અને મેળવેલી ઉચ્ચ અવસ્થામાં સ્થિર ન રહી શકવું—એ બધા યોગમાર્ગમાં વિક્ષેપ પાડનારા અંતરાયો છે.
વ્યાધિઃ આ શરીર એક નૌકા જેવું છે કે જેના વડે આપણે ભવસાગરને પેલે પાર જવાનું છે. તેની સંભાળ લેવી જોઈએ. રોગી મનુષ્યો યોગી થઈ શકે નહિ. માનસિક જડતાઃ એ અભ્યાસના વિષયમાં આપણો રસ અને ઉત્સાહ મંદ પાડી નાખે છે. રસ ન હોય તો સાધના કરવાની ઇચ્છા કે શક્તિ રહે નહિ. સંશયઃ માણસનો બુદ્ધિથી કરેલો નિશ્ચય ગમે તેવો દૃઢ હોય, પણ જ્યાં સુધી અમુક પ્રકારના અસામાન્ય અનુભવો જેવા કે દૂરદર્શન કે દૂરશ્રવણ વગેરે ન આવે ત્યાં સુધી એ વિજ્ઞાનની સત્યતા વિષે મનમાં સંશયો પેદા થવાના. આ ઝાંખીઓ મનને દૃઢ કરે છે અને સાધકને ખંતપૂર્વક પ્રયત્ન કરવામાં પ્રેરે છે. અસ્થિરતાઃ જ્યારે તમે અભ્યાસ કરતા હશો ત્યારે કેટલાક દિવસો કે કેટલાંક અઠવાડિયાં સુધી મન શાંત રહેશે અને સહેલાઈથી એકાગ્ર થશે અને તમને લાગશે કે તમે ઝડપથી પ્રગતિ કરી રહ્યા છો. અચાનક એક દિવસે આ પ્રગતિ અટકી જશે અને તમને લાગશે કે તમે જાણે કે અધવચ અટકી પડ્યા છો. પરંતુ તે છતાં ખંતપૂર્વક પ્રયત્ન ચાલુ રાખવો. આવા ચડાણ-ઉતરાણ દ્વારા જ સઘળી પ્રગતિ આગળ વધે છે.
दुःखदौर्मनस्याङ्गमेजयत्वश्वासप्रश्वासा विक्षेपसहभुवः॥1.31॥
दुःख: दौर्मनस्य अङ्गमेजयत्व श्वास प्रश्वासा: विक्षेप सहभुवः॥
૩૧. દુઃખ, મનનો કલેશ, શરીરનો કંપ, અનિયમિત શ્વાસોચ્છ્વાસ, એ બધાં વિક્ષેપની સાથે આવે છે.
જ્યારે જ્યારે ધ્યાનનો અભ્યાસ કરવામાં આવે છે, ત્યારે ત્યારે તે મનને અને શરીરને સંપૂર્ણ શાંતિ આપે છે. જ્યારે એ અભ્યાસ ખોટે રસ્તે વળ્યો હોય છે અથવા તેના પર જોઈએ તેટલો કાબૂ નથી હોતો ત્યારે આ વિક્ષેપો આવે છે. ત્યારે ૐનો જપ અને ઈશ્વરને આત્મસમર્પણ કરવાથી મનમાં બળ આવશે ને નવી શક્તિ આવશે. જ્ઞાનતંતુઓના કંપનનો અનુભવ તો સૌને થશે. પરંતુ તેને ગણકાર્યા વગર સાધના કર્યે જાઓ. અભ્યાસથી એ દૂર થશે અને આસન દૃઢ થશે.
तत्प्रतिषेधार्थमेकतत्त्वाभ्यासः॥1.32॥
तत् प्रतिषेधार्थम् एक तत्त्व अभ्यासः॥
૩૨. તેનું નિવારણ કરવા માટે એક તત્ત્વનો અભ્યાસ કરવો જરૂરી છે. વિઘ્નો નાશ પામશે. આ એક સામાન્ય ઉપદેશ છે. હવે પછીનાં સૂત્રોમાં એ ઉપદેશનું વિસ્તારપૂર્વક અને વિગતવાર વિવરણ કરવામાં આવશે. એક જ પ્રકારનો અભ્યાસ સૌ કોઈને અનુકૂળ ન પડે, તેથી જુદી જુદી રીતો જણાવવામાં આવશે અને પોતાને કઈ રીત વધુમાં વધુ અનુકૂળ થઈ પડશે તે પ્રત્યક્ષ અનુભવથી દરેકને ખબર પડશે.
मैत्री-करुणा-मुदितोपेक्षाणां सुख-दुःख-पुण्यापुण्य-विषयाणां भावनातश्चित्तप्रसादनम्॥ 1.33॥
मैत्री करुणा मुदिता उपेक्षाणाम् सुख दुःख पुण्य अपुण्य विषयाणाम् भावनात: चित्त प्रसादनम्॥
૩૩. સુખ, દુઃખ, પુણ્ય અને પાપમય વિષયો પ્રત્યે અનુક્રમે મૈત્રી, કરુણા, પ્રીતિ અને ઉપેક્ષાની ભાવના કેળવવાથી ચિત્તની સ્થિરતા આવે છે.
આ ચાર પ્રકારની ભાવનાઓ આપણામાં હોવી જ જોઈએ. આપણે સૌની સાથે મિત્રતા કેળવવી જોઈએ; જેઓ દુઃખી હોય તેમના પ્રત્યે દયા દાખવવી જોઈએ; જેઓ સુખી હોય તેમનું સુખ જોઈને આપણે સુખી થવું જોઈએ; અને દુષ્ટો પ્રત્યે આપણે ઉપેક્ષા રાખવી જોઈએ. આપણી સામે આવતા સર્વ વિષયોની બાબતમાં એ પ્રમાણે વર્તવું. જો એ પદાર્થ સારો હોય, તો તેના પ્રત્યે આપણે મિત્રતા રાખવી; જો વિચારનો વિષય દુઃખપૂર્ણ હોય, તો આપણે તેના પ્રત્યે કરુણા રાખવી. જો તે સારો હોય તો આપણે રાજી થવું; જો તે ખરાબ હોય તો તેની ઉપેક્ષા કરવી. મનની સામે આવતા જુદા જુદા વિષયો પ્રત્યેનું આ પ્રમાણેનું જુદી જુદી રીતનું વલણ મનને શાંત બનાવશે. મનને આવી રીતે રાખી શકાતું નથી. તેને લઈને જ આપણા રોજિંદા જીવનમાંથી ઘણીખરી મુશ્કેલીઓ ઊભી થાય છે. દાખલા તરીકે, જો કોઈ માણસ આપણું બૂરું કરે તો તરત તેનું બૂરું કરવાનો વિચાર આપણને થઈ આવે છે; અને એ બાબત જ બતાવે છે કે આપણે આપણા ચિત્તને હજી કાબૂમાં રાખી શક્યા નથી; એ વિષય તરફ એ તરંગના સ્વરૂપમાં બહાર આવી જાય છે અને એટલે આપણે આપણી શક્તિ ગુમાવીએ છીએ. ધિક્કાર કે બૂરું કરવાની વૃત્તિરૂપી દરેક પ્રતિક્રિયા મનની ક્ષતિ સમજવી; અને દરેક દુષ્ટ વિચાર કે ધિક્કારપૂર્ણ કાર્ય કે પ્રતિક્રિયાનો કશો વિચાર, જો તેને કાબૂમાં રાખવામાં આવે તો તે આપણા ફાયદામાં રહેશે. આ પ્રમાણે આપણી જાતને સંયમમાં રાખવાથી આપણે ગુમાવીએ છીએ એમ નથી, પણ ઊલટું આપણે માનીએ છીએ તેના કરતાં અનેકગણું વધારે મેળવીએ છીએ. જે જે વખતે આપણે ધિક્કાર કે ક્રોધની લાગણીને દબાવીએ છીએ, તે તે વખતે તેટલી સારી શક્તિ આપણામાં સંઘરાવાનો આપણને લાભ થાય છે; અને એ શક્તિનું વધુ ઉચ્ચ પ્રકારની શક્તિઓમાં રૂપાંતર થશે.
प्रच्छर्दनविधारणाभ्यां वा प्राणस्य॥1.34॥
प्रच्छर्दन विधारणाभ्याम् वा प्राणस्य॥
૩૪. અથવા પ્રાણના બહાર કાઢવા (રેચક) અને નિરોધ (કુંભક)થી પણ (ચિત્ત સ્થિર બને છે).
અહીં વપરાયેલો શબ્દ છે પ્રાણ. પ્રાણનો ખરો અર્થ શ્વાસ નથી. વિશ્વમાં જે શક્તિ રહેલી છે તેનું નામ છે પ્રાણ. વિશ્વમાં તમે જે કંઈ જુઓ છો, જે કંઈ હલેચલે છે કે કાર્ય કરે છે અથવા જીવંત છે તે બધું આ પ્રાણશક્તિનો પ્રકાશ છે. વિશ્વમાં દેખાઈ રહેલી શક્તિના એકંદર સરવાળાને પ્રાણ કહેવામાં આવે છે. કલ્પનો આરંભ થાય તે પહેલાં આ પ્રાણશક્તિ લગભગ ગતિરહિત અવસ્થામાં રહે છે; અને જ્યારે કલ્પનો આરંભ થાય ત્યારે આ પ્રાણશક્તિ પ્રગટ થવા માંડે છે. મનુષ્યોમાં કે પશુઓમાં જ્ઞાનતંતુઓની ક્રિયારૂપે જે ગતિ વ્યક્ત થાય છે તે આ પ્રાણશક્તિ જ છે; અને એ જ પ્રાણશક્તિ વિચાર વગેરે રૂપે વ્યક્ત થાય છે. સમગ્ર વિશ્વ પ્રાણ અને આકાશનું સંયોજન છે; તે જ પ્રમાણે માનવશરીર પણ. જે તમે જુઓ છો અને અનુભવો છો તે બધા પદાર્થો આકાશમાંથી ઉત્પન્ન થયા છે અને પ્રાણશક્તિમાંથી બધાં જુદાં જુદાં બળો ઉત્પન્ન થયાં છે. આ પ્રાણશક્તિને બહાર કાઢવાની અને તેને કાબૂમાં રાખવાની ક્રિયાને પ્રાણાયામ કહેવામાં આવે છે. યોગદર્શનના જનક પતંજલિ મુનિ પ્રાણાયામ વિશે ઘણી વિવિધ સૂચનાઓ આપતા નથી, પણ તેમની પાછળથી બીજા યોગીઓએ આ પ્રાણાયામ વિષે વિવિધ બાબતો શોધી કાઢી અને તેને એક મહાન વિજ્ઞાનનું સ્વરૂપ આપ્યું. પતંજલિના મત પ્રમાણે તો પ્રાણાયામ એ ચિત્તવૃત્તિ પર કાબૂ મેળવવા માટેના અનેક ઉપાયો માંહેનો એક ઉપાય છે, પણ તે તેના પર બહુ ભાર મૂકતા નથી. તેમના કહેવાનો અર્થ આવો છે કે તમે માત્ર શ્વાસને બહાર કાઢો અને અંદર ખેંચો અને તેને અમુક સમય સુધી રોકી રાખો, બસ એટલું જ અને એનાથી મન થોડુંક શાંત થશે. પણ પાછળથી, આનો વિકાસ થઈને પ્રાણાયામનું એક ખાસ વિજ્ઞાન થઈ ગયું છે. એટલે આ પાછળના યોગીઓ એ બાબતમાં શું કહેવા માગે છે તે વિશે આપણે જરા વિવેચન કરીશું.
આમાંનું કેટલુંક તો મેં તમને અગાઉ કહ્યું છે, પણ જરા પુનરાવર્તન કરવાથી તે તમારા મનમાં પાકું થશે. પ્રથમ, તમારે એ યાદ રાખવું કે આ પ્રાણ એ શ્વાસ નથી; પણ શ્વાસને જે ગતિ આપે છે, શ્વાસની જે ચેતનાશક્તિ છે તે પ્રાણ છે. વળી, પ્રાણ શબ્દ બધી ઇંદ્રિયોને માટે પણ વપરાય છે, એટલે કે બધી ઇંદ્રિયોને પ્રાણ કહેવામાં આવે છે. મનને પણ પ્રાણ કહેવામાં આવે છે; અને તેથી આપણને લાગે છે કે પ્રાણ એ બળ છે અને છતાં આપણે તેને બળ કહી શકીએ તેમ નથી, કારણ કે બળ તો માત્ર તેનું પ્રગટ સ્વરૂપ છે. બળરૂપે અને ગતિવાળા બીજા સર્વ કંઈ રૂપે જે અભિવ્યક્તિ પામે છે તે પ્રાણ છે. ચિત્ત યાને મનનું મૂળ-દ્રવ્ય, એ એન્જિનરૂપ છે, તે આસપાસના બધામાંથી પ્રાણને અંદર લે છે અને એ પ્રાણમાંથી વિવિધ પ્રકારની જીવનશક્તિઓ—જેવી કે શરીરને સાચવનારી શક્તિ, વિચારશક્તિ, ઇચ્છાશક્તિ અને બીજી બધી શક્તિઓ બનાવે છે. ઉપર કહી તે પ્રાણાયામની પ્રક્રિયાથી આપણે શરીરમાંની સઘળી જુદી જુદી ગતિઓ અને શરીરમાં વહેતા જ્ઞાનતંતુઓના વિવિધ પ્રવાહો પર કાબૂ મેળવી શકીએ છીએ. પ્રથમ, આપણે તેમને પિછાનતા થઈએ છીએ અને પછી આપણો ધીરે ધીરે તેમના પર કાબૂ આવતો જાય છે.
હવે, પતંજલિની પછીના સમયમાં થયેલા યોગીઓ કહે છે કે માનવશરીરમાં રહેલી આ પ્રાણશક્તિના ત્રણ મુખ્ય પ્રવાહ છે. તેમાંના એકને તેઓ ઇડા કહે છે, બીજાને પિંગલા અને ત્રીજાને સુષુમ્ણા કહે છે. તેમના મત મુજબ, મેરુદંડની જમણી બાજુએ પિંગલા છે અને ડાબી બાજુએ ઇડા છે અને વચમાં સુષુમ્ણા નામની પોલી નળી છે. તેઓ કહે છે કે આ ઇડા અને પિંગલા એ દરેક માણસના શરીરમાં કાર્ય કરી રહેલા જ્ઞાનતંતુના પ્રવાહો છે અને આ બે પ્રવાહો દ્વારા આપણે જીવનનાં બધાં કાર્યો કરી રહ્યા છીએ. સુષુમ્ણા સૌ કોઈમાં અપ્રગટ રૂપે રહેલી તો છે, પણ તે કાર્યશીલ હોય છે માત્ર યોગીમાં જ. એ યાદ રાખવું કે યોગસાધના શરીરમાં પરિવર્તન લાવે છે. જેમ જેમ તમે યોગસાધના કરતા જાઓ તેમ તેમ શરીરમાં ફેરફારો થતા આવે છે. સાધના શરૂ કરતાં પહેલાં તમારું જે શરીર હતું તે પછી રહેતું નથી એ બાબત ઘણી તર્કશુદ્ધ અને સમજાવી શકાય તેવી છે, કારણ કે જે જે નવો વિચાર આપણા મનમાં ઊઠે છે તે મગજમાં જાણે કે એક નવો ચીલો પાડે જ છે અને માનવસ્વભાવ અતિશય રૂઢિચુસ્ત શા માટે છે તે આથી સમજાય છે. માનવસ્વભાવને અગાઉથી પડી ગયેલા ચીલાઓમાં ચાલવાનું ગમે છે, કારણ કે એ સહેલું છે, દાખલા તરીકે, જો આપણે ધારીએ કે મન એ સોય જેવું છે અને મગજદ્રવ્ય તેની સામે એક નરમ માખણ જેવો પદાર્થ છે, તો જે જે વિચાર આપણે કરીએ તે દરેકે દરેક મગજમાં જાણે કે એક કેડી કે ચીલો બનાવે છે અને મગજદ્રવ્યનો ભૂરો પદાર્થ આવીને તેની અંદર ભરાઈ જઈને તેને બંધ થઈ જતી અટકાવે છે. જો એ ભૂરો પદાર્થ ન હોત તો સ્મૃતિ ન રહેત, કારણ કે સ્મૃતિ એટલે આ જૂના ચીલાઓમાં થઈને ચાલવું, જાણે કે જૂના વિચારની પુનરાવૃત્તિ કરવી. હવે કદાચ તમારા લક્ષમાં આવ્યું હશે કે જ્યારે માણસ એવા વિષયો પર વાત કરતો હોય કે જેમાં તે સૌને પરિચિત હોય એવા થોડાક વિચારો લઈને તેમની છણાવટ કરતો હોય ત્યારે તેમને સમજવાનું સહેલું હોય છે કારણ કે આ ચીલાઓ સૌ કોઈના મગજમાં પડેલા હોય છે અને માત્ર તેમના પર ફરીથી ચાલવાની જ જરૂર હોય છે. પરંતુ જ્યારે જ્યારે નવો વિષય આવે છે, ત્યારે ત્યારે નવા ચીલા પાડવા પડે છે, તેથી તે સહેલાઈથી સમજાતો નથી. એ કારણસર મગજ (માણસો પોતે નહીં, પણ મગજ) અજાણપણે, નવા વિચારોને અપનાવવાની ના પાડે છે, તે તેનો સામનો કરે છે. પ્રાણશક્તિ નવા ચીલા પાડવાનો પ્રયાસ કરી રહી હોય છે અને મગજ તેમ કરવા દેતું નથી. રૂઢિચુસ્તતાનું રહસ્ય આ છે. મગજમાં પડેલા ચીલા જેમ ઓછા અને પ્રાણશક્તિની સોયે પાડેલી કેડીઓ જેમ ઓછી તેમ મગજ વધુ રૂઢિચુસ્ત રહેવાનું, તેમ એ નવા વિચારો સામે વધુ ઝઘડવાનું. માણસ જેમ વધુ વિચારશીલ, તેમ તેના મગજ માંહેના ચીલાઓ વધુ આંટીઘૂંટીવાળા થવાના અને તેમ નવા વિચારોને તે વધુ સહેલાઈથી સમજીને અપનાવી લેવાનો. એટલે દરેકે દરેક નવો વિચાર કરવાની સાથે આપણે મગજમાં એક નવી છાપ પાડીએ છીએ, મગજદ્રવ્યની અંદર નવા ચીલાઓ પાડીએ છીએ અને એ કારણસર યોગસાધનાના વિચારો અને હેતુઓનો પ્રકાર તદ્દન નવો હોવાને અંગે તેમાં પ્રથમ શારીરિક પ્રતિકાર એટલો બધો હોય છે. એ કારણસર આપણે જોઈએ છીએ કે ધર્મનો જે અંશ પ્રકૃતિની સાંસારિક બાજુને લગતો હોય છે તે ખૂબ વિશાળ સમુદાયથી અપનાવાય છે, જ્યારે બીજો અંશ, જેવો કે તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન કે જે બધાં મનુષ્યની આંતરપ્રકૃતિ સાથે સંબંધિત હોય છે, તે ભાગ ઘણીયે વાર ઉપેક્ષિત રહે છે.
આપણા આ જગતની વ્યાખ્યા આપણે યાદ રાખવી જોઈએ; આ જગત એટલે ચેતનાની ભૂમિકામાં પ્રતિબિંબિત થઈ રહેલું અનંત સત્ તત્ત્વ. એ અનંતનો જરાક જેટલો અંશ ચેતના રૂપે પ્રતિબિંબિત થઈ રહ્યો છે અને તેને આપણે આપણું જગત કહીએ છીએ. તેથી જગતથી પર એવો અનંત અંશ રહેલો છે; અને ધર્મને એ બંને અંશની સાથે નિસ્બત છે—જેને આપણું જગત કહીએ છીએ તે જરાક જેટલા અંશ સાથે, તથા તેનાથી પર એવા અનંત સાથે. જે કોઈ ધર્મ આ બેમાંના એક જ અંશનું નિરૂપણ કરે છે તે અપૂર્ણ હોવાનો જ. ધર્મે એ બંને અંશનું નિરૂપણ કરવું જ જોઈએ. ધર્મનો જે વિભાગ ચેતનાની ભૂમિકામાં આવી પડેલા, જાણે કે દેશ, કાળ અને નિમિત્તના પાંજરામાં પુરાઈ ગયેલા અનંતના અંશનું નિરૂપણ કરે છે તે આપણને તદ્દન પરિચિત છે, કારણ કે આપણે તેની અંદર જ રહેલા છીએ અને આ જગત વિશેના વિચારો લગભગ અનંત કાળથી આપણી સાથે રહેલા છે. ધર્મનો જે વિભાગ આ જગતથી પર એવા અનંતનું નિરૂપણ કરે છે તે આપણને તદ્દન નવો લાગે છે અને તેના વિશેના વિચારો લેવા જતાં તે મગજમાં નવા ચીલા પાડે છે અને એ રીતે આખી શરીરરચનાને ખળભળાવી મૂકે છે. એ કારણસર, તમને જણાશે કે સાધારણ માણસો યોગાભ્યાસ કરવા જતાં શરૂઆતમાં પોતાના રોજિંદા ચીલામાંથી બહાર નીકળી ગયેલા જેવા લાગે છે. આ અડચણોને બને તેટલી ઓછી કરવાના હેતુથી પતંજલિએ આ બધી સાધના પદ્ધતિઓ યોજી છે જેથી આપણને જે પદ્ધતિ સૌથી વધુ અનુકૂળ લાગે તેની આપણે સાધના કરી શકીએ.
विषयवती वा प्रवृत्तिरुत्पन्ना मनसः स्थितिनिबन्धिनी॥1.35॥
विषयवती वा प्रवृत्ति: उत्पन्ना मनसः स्थिति निबन्धिनी॥
૩૫. સમાધિઓ દ્વારા જે અલૌકિક વિષયોનો અનુભવ થાય, તેમનાથી મનમાં ખંત આવે છે.
ધારણાનું આ સ્વાભાવિક પરિણામ છે. યોગીઓ કહે છે કે નાકની અણી પર જો મન એકાગ્ર થાય તો થોડા દિવસો પછી અદ્ભુત સુગંધનો અનુભવ થવા લાગે. જીભના મૂળમાં જો એકાગ્ર થાય તો અવાજો સંભળાવા લાગે; જો જીભની અણી પર એકાગ્ર થાય તો અદ્ભુત સ્વાદોનો અનુભવ થવા લાગે. જો જીભના વચલા ભાગ પર મન એકાગ્ર થાય તો જાણે કે કોઈક વસ્તુને અડતા હોઈએ તેવો અનુભવ થાય. જો મનને તાળવા પર એકાગ્ર કરવામાં આવે તો અદ્ભુત વસ્તુઓ દેખાવા લાગે. ચંચળ મનવાળો કોઈ માણસ જો યોગની આ ક્રિયાઓ કરવા ઇચ્છતો હોય, છતાં તેમની સચ્ચાઈ વિશે શંકાશીલ હોય, તો થોડા અભ્યાસ પછી આ અનુભવો તેને થવા લાગશે એટલે તેની શંકાઓ મટી જશે અને તે ખંતપૂર્વક આગળ અભ્યાસ કરશે.
विशोका वा ज्योतिष्मती॥1.36॥
૩૬. અથવા શોકમાત્રથી પર એવી જ્યોતિનું ધ્યાન કરવાથી (સમાધિ પ્રાપ્ત થાય છે.)
આ બીજા એક પ્રકારની સમાધિ છે. હૃદયની કમળરૂપે કલ્પના કરો, તેની પાંખડીઓ નીચે ઢાળેલી છે, તેની વચમાં થઈને સુષુમ્ણા જાય છે; હવે શ્વાસને અંદર ખેંચો અને શ્વાસને બહાર કાઢતી વખતે એવી કલ્પના કરો કે કમળ પાંખડીઓ સહિત ઊર્ધ્વમુખી થયું છે અને કમળની અંદર ઝળહળતી જ્યોત છે. એ જ્યોત પર ધ્યાન કરો.
वीतरागविषयं वा चित्तम्॥1.37॥
वीतराग विषयम् वा चित्तम्॥
૩૭. અથવા વિષયો પ્રત્યે વીતરાગ બનેલા હૃદય પર ધ્યાન ધરવાથી (ચિત્ત સ્થિર થાય છે.)
જેના પ્રત્યે તમને પૂજ્યભાવ હોય, જેને તમે સંપૂર્ણ વીતરાગ થયેલા જાણતા હો તેવા કોઈક પવિત્ર પુરુષ, કોઈક સંત મહાત્માનો વિચાર કરો. તેના પવિત્ર હૃદયનું ચિંતન કરો. એ હૃદય આસક્તિરહિત બન્યું છે, તમે તેના પર ધ્યાન કરો; એથી મન શાંત થશે. જો એ ન બને તો બીજો એક ધ્યાનનો પ્રકાર આ રહ્યોઃ
स्वप्ननिद्राज्ञानालम्बनं वा॥1.38॥
स्वप्न निद्रा ज्ञान आलम्बनम् वा॥
૩૮. અથવા સ્વપ્નમાં જે જ્ઞાન આવે છે તેના પર ધ્યાન કરવાથી.
કેટલીક વાર માણસને એવું સ્વપ્ન આવે છે કે જાણે કે દેવતાઓ તેની તરફ આવી રહ્યા છે અને તેની સાથે વાતો કરી રહ્યા છે, યા તો તે ભાવઅવસ્થામાં છે અથવા હવાની અંદર થઈને સંગીત લહેરાતું આવતું તે સાંભળી રહ્યો છે. પોતે એ સ્વપ્નામાં આનંદમય અવસ્થામાં રહેલો છે અને જ્યારે તે જાગી ઊઠે છે ત્યારે એ સ્વપ્ન તેના પર ઘણી ઊંડી અસર મૂકી જાય છે. એ સ્વપ્નને સાચું માનો અને તેના પર ધ્યાન કરો. જો તમે તે ન કરી શકો તો તમને પસંદ પડે તે કોઈ પણ પવિત્ર પદાર્થ પર ધ્યાન કરો.
यथाभिमतध्यानाद्वा॥1.39॥
यथा अभिमत ध्यानात् वा॥
૩૯. અથવા મનગમતી કોઈ પણ વસ્તુ પર ધ્યાન કરવાથી.
‘મનગમતી’નો અર્થ કોઈ અનિષ્ટ વસ્તુ નહિ, પણ તમને ગમતી હોય તે શુભ વસ્તુ, સારું સ્થળ અથવા તમને ખૂબ ગમતું હોય એવું કોઈ નૈસર્ગિક દૃશ્ય અથવા કોઈ શુભ વિચાર વગેરે જે કોઈ પણ બાબત મનને એકાગ્ર કરે તેના પર ધ્યાન કરો.
परमाणु परममहत्त्वान्तोऽस्य वशीकारः॥1.40॥
परमाणु परम महत्त्व अन्त: अस्य वशीकारः॥
૪૦. આ રીતે ધારણા કરતું યોગીનું મન પરમાણુથી માંડીને પરમ મહત્ સુધી સર્વ (વસ્તુ) પર ધ્યાન કરી શકે છે.
આ અભ્યાસથી મન નાનામાં નાની વસ્તુથી માંડીને મોટામાં મોટી વસ્તુ સુધીનું સહેલાઈથી ધ્યાન ધરી શકે છે. આ રીતે મનની વૃત્તિઓ ક્ષીણ થતી જાય છે.
क्षीणवृत्तेरभिजातस्येव मणेर्ग्रहीतृग्रहणग्राह्येषु तत्स्थतदञ्जनता समापत्तिः॥1.41॥
क्षीणवृत्ते: अभिजातस्य इव मणे: ग्रहीतृ ग्रहण ग्राह्येषु तत्स्थ तदञ्जनता समापत्तिः॥
૪૧. જે યોગીની વૃત્તિઓ આ રીતે ક્ષીણ થઈ ગઈ હોય છે તેનું ચિત્ત શુદ્ધ સ્ફટિકની જેમ ગ્રહીતા, ગ્રહણ અને ગ્રાહ્ય વસ્તુ સાથે તાદાત્મ્ય અને એકરૂપતા પ્રાપ્ત કરે છે.
ધ્યાનના આ સતત અભ્યાસને પરિણામે શું મળે છે? પાછળના એક સૂત્રમાં પતંજલિ ધ્યાનની જુદી જુદી અવસ્થાઓ વિશે જે કહી ગયા તે આપણે યાદ રાખવાનું છે. તેમણે કહ્યું કે ધ્યાનનો વિષય પ્રથમ હોય સ્થૂળ, ત્યાર પછી સૂક્ષ્મ અને ત્યાર પછી આગળ વધતાં એથીય સૂક્ષ્મ હોય છે. ધ્યાનના આ પ્રકારોનું ફળ એ કે આપણે સ્થૂળ પદાર્થોના જેટલી જ સહેલાઈથી સૂક્ષ્મ વસ્તુઓ પર ધ્યાન કરી શકીએ. આ અવસ્થામાં યોગી ત્રણે વસ્તુઓ—ગ્રહણકર્તા, ગ્રાહ્ય વસ્તુ અને ગ્રહણ કરવાનું સાધન, એટલે કે પુરુષ, બાહ્ય પદાર્થો અને મન—એ જોઈ શકે છે. આપણને ધ્યાનને માટેના ત્રણ વિષયો આપ્યા છે, તે આ પ્રમાણેઃ પ્રથમ, સ્થૂળ વસ્તુઓ જેવી કે શરીરો અથવા ભૌતિક પદાર્થો; બીજું, સૂક્ષ્મ વસ્તુઓ જેવી કે મન કે ચિત્ત; ત્રીજું, સવિશેષ, ઉપાધિયુક્ત પુરુષ, એટલે કે ઉપાધિરહિત પુરુષ નહિ પણ અહંકાર. અભ્યાસ વડે યોગી આ બધાં ધ્યાનોમાં સ્થિર થઈ શકે છે. જ્યારે જ્યારે તે ધ્યાન કરે, ત્યારે ત્યારે તે બીજા બધા વિચારોને દૂર રાખી શકે છે; તે જેનું ધ્યાન કરે તેની સાથે તે તદ્રૂપ થઈ શકે છે. જ્યારે તે ધ્યાન કરે છે ત્યારે તે સ્ફટિક જેવો હોય છે. જે રંગનાં ફૂલ પાસે પડ્યાં હોય તેના જેવો સ્ફટિક દેખાય છે. ફૂલ જો લાલ હોય તો સ્ફટિક લાલ દેખાય; ફૂલ જો વાદળી રંગનું હોય તો તે વાદળી દેખાય.
तत्र शब्दार्थज्ञानविकल्पैः संकीर्णा सवितर्का समापत्तिः॥1.42॥
तत्र शब्द अर्थ ज्ञान विकल्पैः संकीर्णा सवितर्का समापत्तिः॥
૪૨. શબ્દ, અર્થ અને તેનું જ્ઞાન, એ ત્રણે જેમાં મિશ્રિત થઈ ગયેલાં હોય, તેને સવિતર્ક સમાધિ કહે છે.
અહીં ‘શબ્દ’નો અર્થ છે કંપન. ‘અર્થ’ એટલે એ કંપનને લઈ જનારા જ્ઞાનતંતુઓના પ્રવાહો અને ‘જ્ઞાન’ એટલે તેની સામે થતી પ્રતિક્રિયા. અત્યાર સુધીમાં આપણે જે જે જુદાં જુદાં ધ્યાનો જોયાં તે બધાંને પતંજલિ ‘સવિતર્ક’ એટલે કે વિતર્ક યાને પ્રશ્ન સહિતનાં કહે છે. આગળ ઉપર તે આનાથી વધુ ને વધુ ઉચ્ચ પ્રકારનાં ધ્યાનો વિશે કહે છે. આ સવિતર્ક પ્રકારનાં ધ્યાનોમાં જ્ઞાતા અને જ્ઞેયનું દ્વૈત રહે છે. એ દ્વૈત ‘શબ્દ’, ‘અર્થ’ અને ‘જ્ઞાન’ના મિશ્રણથી પેદા થાય છે. પ્રથમ હોય છે શબ્દરૂપી બાહ્ય કંપન. આ કંપન ઇંદ્રિયોના જ્ઞાનતંતુઓના પ્રવાહો દ્વારા અંદર લઈ જવાય છે ત્યારે બને છે અર્થ. ત્યાર પછી ચિત્તમાં તેની પ્રતિક્રિયા રૂપી જે તરંગ ઊઠે છે તે છે જ્ઞાન. પરંતુ આપણે જેને જ્ઞાન કહીએ છીએ તે તો આ ત્રણેનું મિશ્રણ છે. અહીં સુધીનાં સઘળાં ધ્યાનોમાં ધ્યાનના વિષય તરીકે આ મિશ્રણ હોય છે. એ પછીની સમાધિ વધુ ઊંચી છે.
स्मृतिपरिशुद्धौ स्वरूपशून्येवार्थमात्रनिर्भासा निर्वितर्का॥1.43॥
स्मृति परिशुद्धौ स्वरूप शून्या इव अर्थमात्र निर्भासा निर्वितर्का॥
૪૩. જ્યારે સ્મૃતિ શુદ્ધ, યાને ગુણરહિત થાય અને ધ્યેય વસ્તુના કેવળ અર્થને જ પ્રકાશિત કરે ત્યારે તે સમાધિને નિર્વિતર્કા કહેવામાં આવે છે.
આ ત્રણેના મિશ્રણના ધ્યાનના અભ્યાસથી આપણે જ્યાં આ ત્રણે મિશ્રિત થતાં નથી તે સ્થિતિએ આવીએ છીએ. આપણે એ ત્રણેથી અલગ થઈ શકીએ. પ્રથમ આપણે એ ત્રણ છે શું, તે સમજવાનો પ્રયાસ કરીએ. આ આપણા ચિત્તની બાબતમાં, તેને એક સરોવરની સાથે સરખાવ્યું હતું તે હંમેશાં યાદ રાખવું. ચિત્ત એટલે સરોવર અને શબ્દ યાને ધ્વનિ, એ તેના પર ઊઠતી લહરી સમજો. તમારી અંદર એ શાંત ચિત્ત રહેલું છે. હવે હું એક શબ્દનું ઉચ્ચારણ કરું છું ‘ગાય.’ જેવો તે શબ્દ તમારા કાનમાં થઈને અંદર પેસે છે કે તરત જ તેની સાથોસાથ તમારા ચિત્તમાં એક તરંગ ઊઠે છે. એટલે એ તરંગ એ જ ગાયરૂપી વિચાર અથવા રૂપ અથવા આપણે કહીએ છીએ તે અર્થ. તમે જેને જાણો છો તે બહાર દેખાતી ગાય એ ખરેખર તો ચિત્તમાં ઊઠેલો તરંગ છે કે જે અંદરની અને બહારની ધ્વનિલહરીઓની પ્રતિક્રિયારૂપે ઊઠે છે. શબ્દની સાથે જ એ તરંગ શમી જાય છે. શબ્દ સિવાય તરંગ ઊઠી શકે જ નહિ. તમે પૂછી શકો કે ત્યારે પછી આપણે જ્યારે માત્ર ગાયનો વિચાર જ કરીએ છીએ અને શબ્દ સંભળાતો નથી ત્યારે ગાયનું જ્ઞાન કેમ કરીને થાય છે? ત્યાં તમે પોતે જ તે ધ્વનિ પેદા કરો છો. તમે ‘ગાય’ શબ્દનું ઉચ્ચારણ અતિ મંદ સ્વરે તમારા મનમાં કરો છો, એટલે એની સાથે જ તરંગ ઊઠે છે. શબ્દની આ ધ્વનિલહરી સિવાય એક પણ તરંગ ઊઠી શકે નહિ; અને જ્યારે તે ધ્વનિલહરી બહારથી નથી આવતી ત્યારે તે અંદરથી ઊઠે છે અને જ્યારે શબ્દના અવાજ બંધ થઈ જાય ત્યારે તરંગ પણ શમી જાય છે. એ પછી બાકી શું રહે? એ પ્રતિક્રિયાનું પરિણામ, ફળ. એનું નામ જ્ઞાન. આ ત્રણે આપણા મનમાં એટલાં બધાં ગાઢ રીતે મિશ્રિત થઈ ગયેલાં છે કે આપણે તેમને જુદાં પાડી શકતા નથી. જેવો એક શબ્દ થાય છે કે તરત જ ઇંદ્રિયોનાં જ્ઞાનતંતુઓમાં કંપન થાય છે અને તેની પ્રતિક્રિયારૂપે ચિત્તમાં તરંગ ઊઠે છે. આ ત્રણે એકબીજાની પાછળ એટલાં તો ગાઢ રીતે ચાલ્યાં આવે છે કે એમાંના એકને બીજાથી અલગ પારખી શકાતું નથી. જ્યારે આ ધ્યાનનો લાંબા કાળ સુધી અભ્યાસ કરવામાં આવે, ત્યારે સર્વ સંસ્કારોના સંગ્રહપાત્ર સમી સ્મૃતિ શુદ્ધ થાય અને એ ત્રણેને એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ પાડવાનું શક્ય બને છે. આને નિર્વિતર્કા યાને પ્રશ્નરહિત સમાધિ કહેવામાં આવે છે.
एतयैव सविचारा निविर्चारा च सूक्ष्मविषया व्याख्याता॥1.44॥
एतया एव सविचारा निर्विचारा च सूक्ष्मविषया व्याख्याता॥
૪૪. આ પ્રક્રિયા દ્વારા વિચારસહિતની અને વિચારરહિતની કે જેમાં ધ્યાનના વિષયો સૂક્ષ્મ હોય છે, તેમનો પણ ખુલાસો થઈ જાય છે.
પાછળ કહી ગયા તેને મળતી પ્રક્રિયા ફરી વાર અહીં લાગુ પાડી છે; ફરક માત્ર એટલો છે કે પાછળની સમાધિઓમાં ધ્યાનના વિષયો સ્થૂલ હોય છે, આની અંદર સૂક્ષ્મ હોય છે.
सूक्ष्मविषयत्वं चालिङ्गपर्यवसानम्॥1.45॥
सूक्ष्म विषयत्वम् च अलिङ्ग पर्यवसानम्॥
૪૫. સૂક્ષ્મ વિષયોમાં છેલ્લામાં છેલ્લું અલિંગ યાને પ્રધાન છે.
સ્થૂળ વિષયો એટલે ફક્ત પંચભૂતો અને તેમનામાંથી બનેલું સર્વ કંઈ. સૂક્ષ્મ વિષયોનો આરંભ થાય છે તન્માત્રાઓ યાને સૂક્ષ્મ પરમાણુઓથી. ઇંદ્રિયો, મન (પાંચે ઇંદ્રિયોનું અધ્યક્ષ), અહંકાર, ચિત્ત (સર્વ પ્રકારના પદાર્થજ્ઞાનનું મૂળ), સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણોની સામ્યાવસ્થા કે જેને પ્રધાન, પ્રકૃતિ કે અવ્યક્ત કહેવામાં આવે છે તે બધાંનો સમાવેશ સૂક્ષ્મ વિષયોના વર્ગમાં કરવામાં આવ્યો છે. એમાંથી બાદ છે એકમાત્ર પુરુષ (આત્મા).
ता एव सबीजः समाधिः॥1.46॥
ता एव सबीजः समाधिः॥
૪૬. એ જ સમાધિઓ સબીજ કહેવાય છે.
આ સમાધિઓ ભૂતકાળના કર્મબીજોનો નાશ કરી શકતી નથી અને તેથી મુક્તિ આપી શકતી નથી. પરંતુ એથી શું ફળ મળે છે તે આગળના સૂત્રમાં કહેવામાં આવે છે.
निर्विचारवैशारद्येऽध्यात्मप्रसादः॥1.47॥
निर्विचार वैशारद्ये अध्यात्म प्रसादः॥
૪૭. નિર્વિચાર સમાધિ શુદ્ધ થવાથી ચિત્ત દૃઢ રીતે સ્થિર થાય છે.
ऋतम्भरा तत्र प्रज्ञा॥1.48॥
૪૮. તેની અંદરની પ્રજ્ઞાને ‘સત્યપૂર્ણ જ્ઞાન’ કહેવામાં આવે છે. એનું સ્પષ્ટીકરણ આગળના સૂત્રમાં આવે છે.
श्रुतानुमानप्रज्ञाभ्यामन्यविषया विशेषार्थत्वात्॥1.49॥
श्रुत अनुमान प्रज्ञाभ्याम् अन्य विषया विशेष: अर्थत्वात्॥
૪૯. જે પ્રજ્ઞા (જ્ઞાન) શબ્દ અને અનુમાન દ્વારા પ્રાપ્ત થાય છે તે લૌકિક વિષયો વિશેની હોય છે. હમણાં કહી ગયા તે સમાધિમાં પ્રાપ્ત થતી પ્રજ્ઞા એનાથી ઘણી ઊંચી કોટિની છે, કારણ કે જ્યાં શબ્દ અને અનુમાન નથી પહોંચી શકતાં ત્યાં પણ તે પહોંચી શકે છે.
તાત્પર્ય એ છે કે આપણે આપણું લૌકિક વિષયોનું જ્ઞાન પ્રત્યક્ષ અનુભવ તેમજ તેના પરથી તારવેલાં અનુમાન અને જેઓ ‘આપ્ત પુરુષો’ છે તેમનાં વચનો પરથી મેળવવાનું છે. ‘આપ્ત પુરુષો’નો અર્થ યોગીઓ હંમેશાં ઋષિઓ અથવા શાસ્ત્રોમાં, વેદોમાં નોંધાયેલા વિચારોના દ્રષ્ટા એવો કરે છે. તેમના મત પ્રમાણે શાસ્ત્રોનું પ્રામાણ્ય કેવળ એટલા માટે જ છે કે તે ‘આપ્ત વાક્યો’ છે અને છતાં તેઓ કહે છે કે શાસ્ત્રો આપણને સાક્ષાત્કારે પહોંચાડી શકે નહિ. આપણે ભલે બધા વેદો વાંચી જઈએ, છતાં પણ કશો સાક્ષાત્કાર થાય નહિ, પણ તેમાંના ઉપદેશોનો અમલ કરવા લાગીએ ત્યારે જ્યાં તર્ક કે અનુમાન કે ઇંદ્રિયોનો અનુભવ પહોંચી શકતાં નથી અને જ્યાં બીજાઓનો ઉપદેશ પણ નિષ્ફળ નીવડે છે એવી શાસ્ત્રોમાં વર્ણવેલી સાક્ષાત્કારની સ્થિતિએ પહોંચીએ છીએ. એ સૂત્રમાં કહેવા આ માગે છે.
સાક્ષાત્કાર એ જ સાચો ધર્મ છે, બીજું બધું તો માત્ર તેને માટેની તૈયારી છે, જેમ કે વ્યાખ્યાનો સાંભળવાં અથવા ગ્રંથો વાંચવા અથવા દલીલો, ચર્ચાઓ કરવી વગેરે; એ બધાં તો માત્ર સાક્ષાત્કાર માટેની ભૂમિકા તૈયાર કરવા જેવું છે, એ કાંઈ ધર્મ નથી. બૌદ્ધિક સ્વીકાર કે અસ્વીકાર એ ધર્મ નથી. યોગશાસ્ત્રનો મુખ્યમાં મુખ્ય વિચાર એ છે કે જે પ્રમાણે આપણે ઇંદ્રિયગ્રાહ્ય વસ્તુઓ સાથે સીધા સંબંધમાં આવીએ છીએ, તેવી જ રીતે ધર્મની સાથે પણ સીધો સંબંધ, તેનો સાક્ષાત્ અનુભવ, ઇંદ્રિયોના વિષયો કરતાં વધુ ગાઢ રીતે થઈ શકે છે. ઈશ્વર તથા આત્મારૂપે ધર્મનું સત્ય બહારની સ્થૂળ ઇંદ્રિયોથી અનુભવી શકાતું નથી. ઈશ્વરને સ્થૂળ આંખો વડે જોઈ શકાય નહિ, હાથ વડે અડી શકાય નહિ અને આપણે જાણીએ છીએ કે ઇંદ્રિયોની મર્યાદાથી પર આપણે તર્ક પણ ચલાવી શકતા નથી. બુદ્ધિ આપણને અમુક એક મર્યાદાએ તદ્દન અનિશ્ચિત દશામાં મૂકી દે છે. દુનિયા જેમ હજારો વર્ષથી કરતી આવી છે તેમ આપણે ભલે આખી જિંદગી સુધી તર્ક કર્યા કરીએ, પણ પરિણામ એ આવવાનું છે કે આપણને જણાશે કે ધર્મનાં સત્યોને સાચાં કે ખોટાં ઠરાવવાને આપણે અસમર્થ છીએ. જે કંઈ આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ તેને આધાર તરીકે લઈને તે પરથી આપણે તર્ક ચલાવીએ છીએ. તેથી એ તો દેખીતું છે કે તર્કને આ પ્રત્યક્ષની સીમાઓની અંદર જ દોડવું પડે છે. એને ઓળંગીને એ કદી જઈ શકે નહિ. તેથી સાક્ષાત્કારનું સઘળું ક્ષેત્ર ઇંદ્રિયજન્ય જ્ઞાનથી પર રહેલું છે. યોગશાસ્ત્ર કહે છે કે મનુષ્ય પોતાના ઇંદ્રિયજન્ય અનુભવો અને જ્ઞાનની પેલે પાર જઈ શકે છે અને પોતાની બુદ્ધિના ક્ષેત્રની પણ પેલે પાર જઈ શકે છે. મનુષ્યની અંદર પોતાની બુદ્ધિને પણ વટાવી જવાની શક્તિ રહેલી છે, ને એ શક્તિ દરેક જીવમાં, દરેક પ્રાણીમાં રહેલી છે. યોગની સાધના વડે એ શક્તિને જગાવી શકાય છે અને ત્યારે મનુષ્ય બુદ્ધિની સાધારણ મર્યાદાને વટાવી જાય છે અને બુદ્ધિના સમગ્ર ક્ષેત્રની પેલે પાર રહેલાં સત્યોનો પ્રત્યક્ષ અનુભવ કરે છે.
तज्जः संस्कारोऽन्यसंस्कारप्रतिबन्धी॥1.50॥
तत् जः संस्कार: अन्य संस्कार प्रतिबन्धी॥
૫૦. આ સમાધિમાંથી ઉત્પન્ન થયેલો સંસ્કાર બીજા સંસ્કારોને રોકી દે છે.
પાછળના સૂત્રમાં આપણે જોયું છે કે પેલી અતીન્દ્રિય અવસ્થાએ પહોંચવાનો એક માત્ર માર્ગ સમાધિ જ છે; અને આપણે એ પણ જોયું કે મનને સમાધિ અવસ્થા પ્રાપ્ત કરતાં અટકાવનારા છે ભૂતકાળના સંસ્કારો. તમે સૌએ એ અનુભવ્યું હશે કે જ્યારે તમે મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરતા હો છો ત્યારે તમારા વિચારો ભટકતા હોય છે. જ્યારે તમે ઈશ્વરનું ચિંતન કરવાનો પ્રયાસ કરો છો, બરાબર તે જ વખતે આ સંસ્કારો ઊભા થાય છે. બીજે વખતે એ એટલા બધા પ્રબળ નથી હોતા; પણ જ્યારે તમે તેમને દૂર રાખવાનો પ્રયાસ કરો છો ત્યારે તો તે ત્યાં ઊઠવાના જ અને મનમાં ઊભરાવાના જ. એમ શા માટે થાય? ધ્યાનને વખતે જ એ એટલા બધા વધારે પ્રબળ થાય છે તેનું કારણ શું? કારણ એ કે તમે તેમને દબાવો છો, એટલે તે સંસ્કારો પોતાના પૂરા બળથી તેનો પ્રતિકાર કરે છે. બીજે વખતે તે પ્રતિકાર કરતા નથી. ચિત્તમાં ક્યાંક ભરાઈ રહેલા અને તક મળ્યે વાઘની પેઠે તરાપ મારવાને તૈયાર આ પુરાણા પૂર્વના સંસ્કારો કેટલા અસંખ્ય હોવા જોઈએ! આમને દબાવવાના છે કે જેથી આપણે જેને ઇચ્છીએ તે એક જ વિચાર ઊઠે અને બીજા બધા દૂર રહે. તેમ થવાને બદલે તેઓ બધા એકસામટા ઉપર આવવા મથતા હોય છે. મનની એકાગ્રતામાં વિઘ્ન નાખનારી સંસ્કારોની આ જુદી જુદી શક્તિઓ છે. તેથી જેની આપણે વાત કરી તે આ સમાધિનો અભ્યાસ જ ઉત્તમ ઉપાય છે, કારણ કે એનામાં જ સંસ્કારોને દાબી દેવાની શક્તિ રહેલી છે. આ જાતની સમાધિ વડે જે સંસ્કાર જાગ્રત થશે તે એટલો બધો બળવાન હશે કે તે બીજા સંસ્કારના કાર્યને અટકાવશે અને તેમને કાબૂમાં રાખશે.
तस्यापि निरोधे सर्वनिरोधान्निर्बीजः समाधिः॥1.51॥
तस्य अपि निरोधे सर्वनिरोधात् निर्बीजः समाधिः॥
૫૧. (બીજા સર્વ સંસ્કારોનો નિરોધ કરનાર) આ સંસ્કારના નિરોધથી સર્વ સંસ્કારોનો નિરોધ થતાં નિર્બીજ સમાધિ પ્રાપ્ત થાય છે.
તમને યાદ હશે કે આપણું ધ્યેય છે આત્માનો પોતાનો જ સાક્ષાત્કાર. આપણે આત્માને જોઈ શકતા નથી તેનું કારણ એ છે કે તે પ્રકૃતિ સાથે, મન સાથે, શરીર સાથે સેળભેળ થઈ ગયો છે. અજ્ઞાની માણસ એમ માને છે કે તેનું શરીર એ જ આત્મા છે. શિક્ષિત માણસ એમ માને છે કે તેનું મન એ જ આત્મા છે. પણ એ બંનેના ખ્યાલ ભૂલભરેલા છે. આત્માને આ બધી વસ્તુઓ સાથે સેળભેળ કરી દેનારું છે શું? અનેક પ્રકારના જુદા જુદા તરંગો ચિત્તમાં ઊઠે છે અને તેઓ આત્માને ઢાંકી દે છે; આ તરંગોમાં આપણને આત્માનું સહેજસાજ જ પ્રતિબિંબ દેખાય છે. તેથી જો તરંગ ક્રોધનો હોય, તો આપણે આત્માને ક્રોધી તરીકે જોઈએ છીએ; એટલે માણસ કહે છે કે, ‘હું ગુસ્સે થયો છું.’ જો એ તરંગ પ્રેમનો હોય તો આપણે તેમાં આપણું પ્રતિબિંબ તેવું જોઈએ છીએ અને કહીએ છીએ કે આપણે ચાહીએ છીએ. જો એ તરંગ નબળાઈનો હોય અને આત્માનું તેમાં પ્રતિબિંબ પડે તો આપણે માનીએ છીએ કે આપણે નબળા છીએ. આ જુદા જુદા વિચારો આત્માના આવરણ જેવા આ સંસ્કારોમાંથી જ ઉત્પન્ન થાય છે. ચિત્તરૂપી સરોવરમાં જ્યાં સુધી એક પણ તરંગ હોય છે ત્યાં સુધી આત્માના સાચા સ્વરૂપનું દર્શન થતું નથી. આ સાચું સ્વરૂપ, જ્યાં સુધી બધા તરંગો શમી નથી ગયા ત્યાં સુધી કદી પણ દેખાવાનું નથી. તેથી, પ્રથમ, પતંજલિ આ તરંગો, (વૃત્તિઓ)નો અર્થ સમજાવે છે, બીજું, તેમનો નિરોધ કરવાનો ઉત્તમ માર્ગ બતાવે છે; અને ત્રીજું, જેમ એક અગ્નિ બીજા અગ્નિને ગળી જાય તેમ બીજા બધા તરંગોનો નિરોધ કરી શકે એવા એક તરંગને શી રીતે પ્રબળ બનાવવો તે શીખવે છે. જ્યારે એક જ તરંગ બાકી રહે, ત્યારે તેનો નિરોધ કરવાનું સહેલું થઈ પડશે અને જ્યારે તે પણ શમી ગયો હોય, ત્યારે એ સમાધિને નિર્બીજ કહેવામાં આવે છે. ત્યારે કંઈ જ બાકી રહેતું નથી અને આત્મા તેના સ્વરૂપમાં, તેના સ્વમહિમામાં પ્રગટ થાય છે. ત્યારે જ આપણને ખબર પડે છે કે આત્મા એ મિશ્ર વસ્તુ નથી; વિશ્વમાં એ એક જ શાશ્વત, અમિશ્ર વસ્તુ છે અને એમ હોવાથી તેને જન્મ નથી, તેને મૃત્યુ નથી; તે મૃત્યુરહિત, અવિનાશી અને જ્ઞાનનું સનાતન સારતત્ત્વ છે.

