तपःस्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः॥2.1॥
तपः स्वाध्याय ईश्वरप्रणिधानानि क्रियायोग:॥
૧. તપ, શાસ્ત્રાભ્યાસ અને સર્વ કર્મોનાં ફળનું ઈશ્વરને સમર્પણ એ ક્રિયાયોગ કહેવાય છે.
જે સમાધિઓ વિશે આપણે ગયા પ્રકરણમાં ચર્ચા કરી ગયા તે પ્રાપ્ત કરવી ઘણી મુશ્કેલ છે; તેથી આપણે તેમની સાધના ધીમે ધીમે કરવી જોઈએ. તે માટેનું પહેલું પગથિયું ક્રિયાયોગ કહેવાય છે. તેનો અક્ષરશઃ અર્થ કરીએ તો યોગ (ની સિદ્ધિ) માટેની ક્રિયા એવો થાય. ઇંદ્રિયોને ઘોડાની ઉપમા આપી છે, મનને લગામની, બુદ્ધિને સારથિની, આત્માને રથમાં બેસનારની અને શરીરને રથની ઉપમા આપી છે. ઘરનો માલિક યાને રાજા, એટલે કે મનુષ્યનો આત્મા આ રથમાં બેઠો છે. જો ઘોડાઓ તોફાની હોય અને લગામને ગાંઠતા ન હોય, બુદ્ધિરૂપી સારથિ જો ઘોડાઓને કાબૂમાં રાખવાનું જાણતો ન હોય, તો રથનું આવી બન્યું સમજવું. પરંતુ ઇંદ્રિયોરૂપી ઘોડા જો સારી રીતે કાબૂમાં હોય અને મનરૂપી લગામ જો બુદ્ધિરૂપી સારથિના હાથમાં બરાબર પકડાયેલી હોય તો રથ લક્ષ્યસ્થાને પહોંચે. એટલે, આ તપ શબ્દથી કહેવા શું માગે છે? તપ શબ્દનો અર્થ એ કે શરીર અને ઇંદ્રિયોને દોરવા છતાં લગામને મજબૂત રીતે પકડી રાખવી, તેમને મન ફાવે તેમ વર્તવાની છૂટ ન આપતાં એ બંનેને યોગ્ય કાબૂમાં રાખવાં. અહીં સ્વાધ્યાય એટલે શું સમજવું? નવલકથાઓ કે વાર્તાની ચોપડીઓનું વાચન નહિ, પરંતુ આત્માની મુક્તિનો ઉપાય બતાવનારાં પુસ્તકોનો અભ્યાસ. તેમ પાછું આ અભ્યાસનો અર્થ વિવાદાસ્પદ વિષયોનો અભ્યાસ તો મુદ્દલે નહિ. યોગના અભ્યાસીએ વાદવિવાદની ભૂમિકા તો વટાવી લીધી મનાય છે. એનો તો તેણે પૂરતો અનુભવ કરી લીધો હોય છે અને તેનાથી તેને સંતોષ થઈ ચૂક્યો હોય છે. તે જે અભ્યાસ કરે છે તે તો પોતાના નિશ્ચિત મતોને મજબૂત બનાવવા માટે. વાદ અને સિદ્ધાંત—શાસ્ત્રજ્ઞાનના આ બે પ્રકાર છે. વાદ એટલે તર્ક અને સિદ્ધાંત એટલે નિશ્ચયાત્મક નિર્ણય. જ્યારે મનુષ્ય સાવ અજ્ઞાની હોય છે ત્યારે તે આમાંથી પહેલાનો, તર્કયુદ્ધનો, અનુકૂળ અને પ્રતિકૂળ દલીલોનો આશરો લે છે; પણ જ્યારે તે એ ભૂમિકા વટાવી જાય છે ત્યારે તે સિદ્ધાંતે એટલે કે એક નિર્ણયે પહોંચે છે. પણ માત્ર આ નિર્ણયે પહોંચાય એટલું જ ન ચાલે. તે અંદર દૃઢ થવો જોઈએ. ગ્રંથો અસંખ્ય છે અને સમય ટૂંકો છે; તેથી જ્ઞાન મેળવવાનું રહસ્ય છે સાર ગ્રહણ કરવો. સાર સાર લઈ લો અને તેને આચરણમાં ઉતારવાનો પ્રયાસ કરો. ભારતની એક પ્રાચીન દંતકથા છે કે રાજહંસની સામે જો દૂધ અને પાણી ભેગાં કરીને મૂકવામાં આવે, તો હંસ તેમાંથી દૂધ દૂધ લઈ લેશે ને પાણી રહેવા દેશે. એ પ્રમાણે આપણે પણ જ્ઞાનનો સારભાગ લેવો જોઈએ અને અસાર ભાગને છોડી દેવો જોઈએ. બુદ્ધિની કસરતો શરૂ શરૂમાં જરૂરની છે. કોઈ પણ બાબતમાં આંખો બંધ રાખીને પડવું ન જ જોઈએ. યોગી તર્કની ભૂમિકા વટાવી ગયો હોય છે અને એક નિર્ણયે પહોંચી ગયો હોય છે અને એ નિર્ણય ખડક જેવો અચળ હોય છે. તેને હવે જે કરવાનું હોય છે તે એ નિર્ણયને અનુભવથી દૃઢ કરવાનો હોય છે. તે કહે છે, વાદ કરો મા, જો કોઈ તમારી સાથે પરાણે વાદ કરે તોય તમે ચૂપ રહો. એક પણ દલીલનો જવાબ આપો મા, પણ શાંતિથી એ સ્થળેથી ચાલ્યા જાઓ, કારણ કે દલીલબાજી માત્ર મનમાં વિક્ષેપ ઊભો કરે છે. જે એકમાત્ર જરૂરી બાબત છે તે બુદ્ધિને કેળવવાની છે, નિરર્થક એને શા માટે ચંચળ બનવા દેવી? બુદ્ધિ તો માત્ર એક નબળું સાધન છે અને ઇંદ્રિયો દ્વારા મળતું મર્યાદિત જ્ઞાન જ આપી શકે છે. યોગી તો ઇંદ્રિયોથી પર થવા ઇચ્છે છે, તેથી, બુદ્ધિ તેને કશા કામની નથી. આ વાતની તેને ખાતરી છે. તેથી તે ચૂપ રહે છે અને વાદમાં ઊતરતો નથી. દરેક વાદવિવાદ મનની સમતુલાનો ભંગ કરે છે. ચિત્તમાં વિક્ષેપ ઊભો કરે છે અને વિક્ષેપ એ જ વિઘ્ન. વાદવિવાદ અને તર્કની શોધખોળો એ તો પ્રાસંગિક છે. એમનાથી પર ઘણી ઊંચી બાબતો છે. આખી જિંદગી શાળાના વિદ્યાર્થીઓ જેવી લડાઈ અને દલીલબાજી કરવા માટે નથી. ઈશ્વર-પ્રણિધાન એટલે કર્મફળોનું ઈશ્વરને સમર્પણ; એટલે કે કર્મની પ્રશંસા કે નિંદા આપણે ન લેવાં, પણ એ બંને ઈશ્વરને અર્પણ કરીને શાંતિથી રહેવું.
समाधिभावनार्थः क्लेशतनूकरणार्थश्च॥2.2॥
समाधि भावना अर्थः क्लेश तनू करण अर्थ: च॥
૨. ક્રિયાયોગ સમાધિને દૃઢ કરવા માટે અને દુઃખદાયક વિઘ્નો ઓછાં કરવા માટે છે.
આપણામાંના ઘણાખરા આપણાં મનને તેમની ઇચ્છા મુજબ કરવા દઈને લાડથી બગડેલાં છોકરાં જેવાં કરી મૂકીએ છીએ. એટલા માટે મન પર કાબૂ મેળવવા માટે અને તેને તાબામાં લાવવા માટે ક્રિયાયોગનો સતત અભ્યાસ કરવો જરૂરી છે. યોગમાં વિઘ્નો સંયમના અભાવથી ઊભાં થાય છે અને તે આપણને દુઃખ દે છે. ક્રિયાયોગની સાધના દ્વારા મનને પાછું ખેંચીને અને તેને કાબૂમાં રાખીને જ એ વિઘ્નો અને કલેશો દૂર કરી શકાય.
अविद्यास्मितारागद्वेषाभिनिवेशाः पञ्च क्लेशाः॥2.3॥
अविद्या अस्मिता राग द्वेष अभिनिवेशाः पञ्च क्लेशाः॥
૩. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ એ કલેશો છે.
આ પાંચ કલેશો, યાને પાંચ પ્રકારનાં બંધનો આપણને બાંધી રાખે છે. અવિદ્યા તેમનું કારણ છે અને બીજાં ચાર તેનાં કાર્યો છે. આપણાં સઘળાં દુઃખોનું એકમાત્ર મૂળ એ અવિદ્યા છે. તેના સિવાય બીજું શું આપણને દુઃખી કરી શકે? આત્માનો સ્વભાવ શાશ્વત આનંદ છે. અજ્ઞાન, ભ્રમ, માયા સિવાય બીજું શું તેને શોકમાં નાખી શકે? આત્માનું સઘળું દુઃખ એ કેવળ ભ્રમ છે.
अविद्या क्षेत्रमुत्तरेषां प्रसुप्ततनुविच्छिन्नोदाराणाम्॥2.4॥
अविद्या क्षेत्रम् उत्तरेषाम् प्रसुप्त तनु विच्छिन्न उदाराणाम्॥
૪. હવે પછી આવનારા કલેશો, પછી તે સુપ્ત, ક્ષીણ, દબાવેલા કે પ્રસરેલા હોય, તેમનું ઉત્પત્તિસ્થાન અવિદ્યા છે.
અહંકાર, રાગ, દ્વેષ અને જિંદગી પરની આસક્તિ, એ બધાંનું મૂળ અવિદ્યા છે. આ સંસ્કારો જુદી જુદી અવસ્થાઓમાં રહે છે. ક્યારેક તેઓ સુપ્ત હોય છે. ઘણી વાર તમે એવો શબ્દપ્રયોગ સાંભળો છો કે, ‘બાળક જેવો નિર્દોષ’, છતાં પણ બાળકની અંદર દાનવની કે દેવની અવસ્થા હોઈ શકે કે જે ક્રમે ક્રમે બહાર આવે. યોગીમાં પૂર્વકર્મોના આ સંસ્કારો પાતળા પડી ગયેલા હોય છે, એટલે કે ઘણી જ સૂક્ષ્મ સ્થિતિમાં રહેલા હોય છે. એટલે તે તેમના પર કાબૂ રાખીને તેમને બહાર આવતા અટકાવી શકે છે. ‘વિચ્છિન્ન’ એટલે દબાવેલાનો અર્થ એ છે કે ક્યારેક એક પ્રકારના સંસ્કારો તેમનાથી વધુ પ્રબળ બીજા સંસ્કારો વડે અમુક સમયને માટે દબાઈ જાય છે, પણ એ દબાણ દૂર થઈ જતાં તે બહાર આવે છે. છેલ્લી અવસ્થા છે ‘ઉદાર’ એટલે કે ફેલાયેલા. તેમાં સંસ્કારોને અનુકૂળ વાતાવરણ મળવાને લીધે તેઓ પ્રબળ રીતે ક્રિયાશીલ બની જાય છે, પછી તે શુભ હોય કે અશુભ હોય.
अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या॥2.5॥
अनित्य अशुचि दुःख अनात्मसुनित्य शुचि सुख आत्म ख्याति: अविद्या॥
૫. અનિત્ય, અશુચિ, દુખદ અને અનાત્મ (વસ્તુ)ને અનુક્રમે નિત્ય, શુચિ, સુખદ અને આત્મા તરીકે જાણવું એનું નામ અવિદ્યા.
વિવિધ પ્રકારના સઘળા સંસ્કારોનું એક જ મૂળ છે, અવિદ્યા. એટલે અવિદ્યા શું છે તે આપણે પ્રથમ જાણવું જોઈએ. આપણે સૌ માનીએ છીએ કે, ‘હું શરીર છું અને નહિ કે શુદ્ધ, જ્યોતિર્મય, નિત્ય આનંદમય આત્મા.’ અને એ જ અવિદ્યા. આપણે મનુષ્યનો શરીરરૂપે જ વિચાર કરીએ છીએ અને શરીરરૂપે જ જોઈએ છીએ. આ જ મોટો ભ્રમ છે.
दृग्दर्शनशक्त्योरेकात्मतैवास्मिता॥2.6॥
दृक् दर्शन शक्त्यो: एकात्मता एव अस्मिता॥
૬. દ્રષ્ટા (આત્મા)નું દર્શનશક્તિ (બુદ્ધિ)ની સાથે તાદાત્મ્ય એ જ અસ્મિતા.
દ્રષ્ટા એ ખરેખર તો શુદ્ધ, સદા શુચિ, અનંત, અવિનાશી આત્મા છે. આ જ મનુષ્યનો આત્મા છે. અને સાધનો કયાં છે? એક ચિત્ત યાને મનનું ઉપાદાન, બીજું બુદ્ધિ એટલે કે નિશ્ચિય કરનારી શક્તિ, પછી મન અને ઇંદ્રિયો. આ બધાં દ્રષ્ટાનાં બાહ્ય જગતનો અનુભવ લેવાનાં સાધનો છે અને આત્માનું આ સાધનો સાથેનું તાદાત્મ્ય યાને એકાત્મતા એને જ અસ્મિતા (‘હું’ પણું) રૂપી અજ્ઞાન કહેવામાં આવે છે. આપણે કહીએ છીએ કે, ‘હું મન છું’, ‘હું વિચાર છું’, ‘હું ગુસ્સામાં છું’ કે ‘હું આનંદમાં છું’. પણ ‘આપણે’ કેવી રીતે ગુસ્સામાં હોઈ શકીએ અને ‘આપણે’ કેવી રીતે ધિક્કારી શકીએ? આપણે તો અવિકારી આત્મા સાથે તાદાત્મ્ય અનુભવવું જોઈએ. જો એ આત્મા અવિકારી હોય, તો તે એક ક્ષણે સુખી અને એક ક્ષણે દુઃખી કેવી રીતે હોઈ શકે? એ તો નિરાકાર, અનંત, સર્વવ્યાપી છે. તેનામાં પરિવર્તન કોણ લાવી શકે? એ તો સઘળા નિયમોથી પર છે. તેના પર કશાની પણ અસર કેવી રીતે થાય? જગતનો કોઈ પણ પદાર્થ તેના પર અસર કરી શકે નહિ. તે છતાં આપણે અવિદ્યાને લીધે પોતાને ચિત્તની સાથે એકરૂપ માનીએ છીએ અને ધારીએ છીએ કે સુખ કે દુઃખ આપણને થાય છે.
सुखानुशयी रागः॥2.7॥
सुख अनुशयी रागः॥
૭. સુખ પ્રત્યે મનનું ખેંચાણ એ રાગ.
અમુક વસ્તુઓમાં આપણને સુખ લાગે છે, એટલે મન એક પ્રવાહની પેઠે તેમના તરફ વહે છે; અને આ સુખના કેન્દ્ર તરફ મનનું, જાણે કે, ખેંચાવું તે જ આસક્તિ યાને રાગ. જ્યાં આપણને સુખ નથી મળતું ત્યાં આપણે કદી આસક્ત થતા નથી. કેટલીક વાર તો આપણને ઘણી વિચિત્ર વસ્તુઓમાં સુખ લાગે છે, પણ તે છતાંય આ સિદ્ધાંત તો સાચો જ ઠરે છે કે જ્યાં જ્યાં આપણને સુખ મળે છે, ત્યાં ત્યાં આપણે આસક્ત થઈએ છીએ.
दुःखानुशयी द्वेषः॥2.8॥
दुःख अनुशयी द्वेषः॥
૮. દુઃખ પ્રત્યે મનનો અણગમો એ દ્વેષ.
જે આપણને દુઃખ આપે છે, તેનાથી આપણે તત્કાળ દૂર ભાગવાનો પ્રયત્ન કરીએ છીએ.
स्वरसवाही विदुषोऽपि तथारूढोऽभिनिवेशः॥2.9॥
स्वरसवाही, विदुष: अपि तथा आरूढ: अभिनिवेशः॥
૯. પોતાના સ્વભાવમાં ઓતપ્રોત થઈને રહેલી અને વિદ્વાનમાં પણ દૃઢ થઈને રહેલી જીવવાની જે સ્વાભાવિક આસક્તિ, તે અભિનિવેશ.
જીવન પ્રત્યેની આ મમતા પ્રાણીમાત્રમાં જોવામાં આવે છે. તેને આધારે મૃત્યુ પછીના જીવનનો સિદ્ધાંત ઊભો કરવાના ઘણા પ્રયત્નો થયા છે, કારણ કે માણસને જીવન એટલું બધું વહાલું છે કે તે ભાવિ જીવનની પણ ઇચ્છા રાખે છે. અવશ્ય એ કહેવાની જરૂર નથી કે આ દલીલમાં ઝાઝું વજૂદ નથી, પણ તેને વિશેની નવાઈ તો એ છે કે પશ્ચિમના દેશોમાં, આ જીવન પ્રત્યેની આસક્તિ એ ભાવિ જીવનની શક્યતા સૂચવે છે એ વિચાર ફક્ત મનુષ્યોને જ લાગુ પડે છે, પશુપક્ષીઓને નહિ. ભારતમાં જીવન પ્રત્યેની આ આસક્તિને પૂર્વનો અનુભવ અને પૂર્વજન્મ સિદ્ધ કરવા માટેની એક દલીલ તરીકે માનવામાં આવે છે. દાખલા તરીકે, જો એ સત્ય હોય કે આપણું બધું જ્ઞાન અનુભવમાંથી જ આવ્યું છે તો એ ચોક્કસ છે કે જે આપણે કદી અનુભવ્યું નથી તેને વિશે કશી કલ્પના કે સમજણ આપણને ન આવી શકે. મરઘીનાં બચ્ચાં ઈંડામાંથી બહાર નીકળે કે તરત જ ચણવા માંડે છે. ઘણી વાર જોવામાં આવ્યું છે કે જ્યાં બતકનાં ઈંડાને મરઘીએ સેવ્યાં હોય છે ત્યાં બતકનાં બચ્ચાં ઈંડામાંથી બહાર નીકળતાંની સાથે જ પાણી તરફ દોટ મૂકે અને મરઘીને બીક લાગે કે એ પાણીમાં ડૂબી જશે. જો અહીંનો અનુભવ એ જ જ્ઞાનનું એકમાત્ર મૂળ હોય તો આ મરઘીનાં બચ્ચાં દાણા ચણવાનું ક્યાં શીખ્યાં અથવા પાણી પોતાનું સાહજિક તત્ત્વ છે એ બતકનાં બચ્ચાં ક્યાં શીખ્યાં? જો તમે કહો કે એ જન્મજાત વૃત્તિ છે, તો તેનો અર્થ કંઈ નથી, એ તો માત્ર એક શબ્દ આપ્યો, પણ એ કંઈ ખુલાસો નથી. આ જન્મજાત વૃત્તિ એ શું છે? આપણી અંદર ઘણીય જન્મજાત વૃત્તિઓ રહેલી છે. દાખલા તરીકે, તમારામાંની ઘણી ખરી મહિલાઓ પિયાનો વગાડે છે. તેમને યાદ હશે કે જ્યારે તમે શીખવાની શરૂઆત કરી ત્યારે તમારે તમારી આંગળીઓને કાળા અને ધોળા પાસા પર કેવી સંભાળપૂર્વક એક પછી એક મૂકવી પડતી હતી. પણ હવે, ઘણાં વરસોના મહાવરા પછી તમે તમારા મિત્રો સાથે વાતો કરતાં હો અને તમારી આંગળીઓ યંત્રવત્ વગાડ્યે જતી હોય. એ સહજવૃત્તિ બની ગઈ છે. આપણા દરેક કામની બાબતમાં તેવું છે; મહાવરાના પરિણામે તે સહજવૃત્તિ બની જાય છે, યંત્રવત્ બની જાય છે. એટલે આપણે જાણીએ છીએ ત્યાં સુધી જે જે બધા કિસ્સાઓને આપણે યંત્રવત્ યાને એની મેળે થાય છે એમ જાણીએ છીએ એ બધા શરૂઆતમાં વિચારપૂર્વક કરાયેલા હતા પણ હવે મહાવરાના પરિણામે એની મેળે થતા કે યંત્રવત્ થઈ ગયા છે. યોગશાસ્ત્ર પ્રમાણે સહજવૃત્તિ એ અંતર્નિહિત વિચારશક્તિ છે. વિચારપૂર્વક કરાતી ક્રિયા અંતરને તળિયે જઈ બેસીને અદૃશ્ય બની જાય છે અને આપમેળે ક્રિયા કરતા સંસ્કારોમાં પરિણમે છે. તેથી, એ સંપૂર્ણ રીતે તર્કશુદ્ધ વિચાર છે કે આ દુનિયામાં જે બધું જન્મજાત જ્ઞાન કે સહજ જ્ઞાન કહેવાય છે તે માત્ર અંતર્નિર્હિત વિચારશક્તિ જ છે અને વિચારશક્તિ અનુભવ સિવાય આવી શકે જ નહિ, તેથી સઘળું સહજજ્ઞાન ભૂતકાળના અનુભવનું જ પરિણામ છે. મરઘીનાં બચ્ચાં બાજથી ડરે છે અને બતકનાં બચ્ચાંને પાણી ગમે છે; એ બંને ભૂતકાળના અનુભવનાં પરિણામ છે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે એ અનુભવ એ વિશિષ્ટ આત્માનો છે કે માત્ર શરીરનો જ છે, બતકનાં બચ્ચાંમાં જે આ અનુભવ આવે છે તે બતકના પૂર્વજોનો અનુભવ છે કે બચ્ચાંનો પોતાનો અનુભવ છે. આધુનિક વૈજ્ઞાનિકો માને છે કે એ અનુભવ શરીરનો હોય છે, પણ યોગીઓ કહે છે કે એ અનુભવ મનનો છે, શરીર દ્વારા આવેલો છે. આને પુનર્જન્મનો સિદ્ધાંત કહેવામાં આવે છે.
આપણે જોયું છે કે આપણું સઘળું જ જ્ઞાન, પછી આપણે તેને ઇંદ્રિયજ્ઞાન કહીએ કે તર્કશુદ્ધ જ્ઞાન કહીએ કે સહજજ્ઞાન કહીએ, અનુભવ નામના એક જ માર્ગ દ્વારા આવવું જોઈએ અને જે બધાને આપણે અત્યારે સહજજ્ઞાન કહીએ છીએ, તે બધું ભૂતકાળના અનુભવનું પરિણામ છે, તે અનુભવ રૂઢ થઈ થઈને અંતરમાં ઊતરીને સહજજ્ઞાનમાં પરિણમ્યો છે અને એ સહજજ્ઞાન વિકાસ પામીને ફરીથી પાછું બુદ્ધિપૂર્વકનું જ્ઞાન થાય છે. એ પ્રમાણે આખા વિશ્વમાં સમજી લેવું અને આ હકીકતને આધારે ભારતમાં પુનર્જન્મના સમર્થનની એક મુખ્ય દલીલ ઊભી કરવામાં આવી છે. જુદી જુદી જાતના ભયના અનુભવો વારંવાર થતાં થતાં, સમય જતાં, આ જિંદગી પ્રત્યેની આસક્તિ જન્માવે છે. એટલા માટે બાળક જન્મથી જ ડરે છે, કારણ કે ત્યાં તેની અંદર ભૂતકાળનો દુઃખનો અનુભવ રહેલો છે. મોટા મોટા વિદ્વાનો કે જેઓ જાણે છે કે આ શરીર તો જવાનું જ છે અને કહે છે કે, ‘કોઈ પરવા નહિ, આપણે તો સેંકડો શરીર લઈ ચૂક્યા છીએ, આત્મા મરી શકે નહિ.’—એવાઓની અંદર પણ તેમના બુદ્ધિપૂર્વકના કરેલા નિશ્ચયો હોવા છતાં, આ આસક્તિ, આ જિંદગીને વળગી રહેવાની વૃત્તિ રહેલી જ છે. જિંદગીને વળગી રહેવાની વૃત્તિ થાય છે શા માટે? આપણે જોઈ ગયા છીએ કે એ સહજવૃત્તિ થઈ ગઈ છે. યોગશાસ્ત્રની પરિભાષામાં કહીએ તો એ સંસ્કારરૂપ બની ગઈ છે. સંસ્કારો, સૂક્ષ્મ અને ગૂઢ થઈને ચિત્તમાં સૂઈ રહેલા હોય છે. આ બધો મૃત્યુનો પૂર્વનો અનુભવ કે જેને આપણે સહજવૃત્તિ કહીએ છીએ તે બધો સહજવૃત્તિની સ્થિતિએ પહોંચેલો અનુભવ જ છે. તે ચિત્તમાં રહેલો છે અને ત્યાં તે નિષ્ક્રિય નથી, પણ તે અંદર તળિયે કામ કરી રહ્યો છે.
જે ચિત્તવૃત્તિઓ સ્થૂળ છે, તેમને આપણે સમજીને અનુભવી શકીએ; તેમના પર કાબૂ વધુ સહેલાઈથી મેળવી શકાય, પણ વધારે સૂક્ષ્મ સહજવૃત્તિઓનું શું? તેમના પર કાબૂ કઈ રીતે મેળવી શકાય? જ્યારે મને ક્રોધ ચડે છે, ત્યારે મારું આખું મન ક્રોધનું એક જબરદસ્ત મોજું બની જાય છે. હું તેને અનુભવું છું, તેને જોઉં છું, તેને સ્પર્શી શકું છું, તેને હલાવી-ચલાવી શકું છું, તેની સાથે લડી પણ શકું છું; પણ જ્યાં સુધી તળિયે રહેલાં તેનાં કારણોને હું પકડી શકું નહિ ત્યાં સુધી તેની સાથેની લડાઈમાં હું પૂરેપૂરો સફળ નહિ થાઉં. કોઈ માણસ મને કંઈક ખૂબ કડવાં વેણ કહે છે અને મને લાગે છે કે હું ગરમ થતો જાઉં છું અને ક્રોધની સાથે તન્મય થઈ જઈને ભાન ભૂલ્યો થઈ જાઉં છું. જ્યારે તેણે પ્રથમ મને ગાળો ભાંડવા માંડી ત્યારે મને વિચાર આવ્યો કે, ‘હવે મને ક્રોધ ચડવાનો છે.’ ક્રોધ એક વસ્તુ હતી અને હું બીજી; પણ જ્યારે હું ક્રોધમાં આવી ગયો, ત્યારે હું ક્રોધરૂપ બની ગયો. આ લાગણીઓ આપણા પર અસર કરે છે એવું આપણને ભાન થાય તે પહેલાં જ તેમને જડમૂળમાંથી, તેમના સૂક્ષ્મ સ્વરૂપમાંથી જ કાબૂમાં લેવાની છે. મનુષ્યજાતિના મોટા ભાગને તો આ વૃત્તિઓ જે સૂક્ષ્મ અવસ્થામાં અચેત મનમાંથી ઉપર આવે છે તે સૂક્ષ્મ અવસ્થાઓનું ભાન પણ હોતું નથી. પરપોટો જ્યારે તળાવને તળિયેથી નીકળે છે ત્યારે આપણે તેને દેખતા નથી, તેમ જ એ લગભગ સપાટી સુધી આવી જાય છે ત્યાં સુધી આપણે તેને દેખતા નથી; માત્ર જ્યારે તે ફૂટે છે અને તરંગ ઉપજાવે છે ત્યારે આપણને ખબર પડે છે કે એ ત્યાં છે. આ તરંગો સાથેની ઝપાઝપીમાં આપણે ત્યારે જ સફળ થઈ શકીશું કે જ્યારે આપણે તેમની કારણ અવસ્થામાં જ તેમને પકડી શકીશું અને જ્યાં સુધી તમે તેમને પકડી નહિ શકો અને તેઓ સ્થૂલ થાય તે પહેલાં તેમને તાબે નહિ કરી શકો ત્યાં સુધી કોઈ પણ વિકાર પર પૂરેપૂરો વિજય મેળવવાની કશી આશા નથી. વિકારો પર કાબૂ મેળવવા માટે વિકારોને મૂળમાંથી જ દાબવાના છે; ત્યારે જ આપણે તેમનાં બીજ સુધ્ધાં બાળી શકીશું. જેમ શેકેલાં બીજ જમીનમાં વાવવામાં આવે તો તે કદી ઊગતાં નથી તેમ આ વિકારો પણ પછી ફરીથી જાગશે નહિ.
ते प्रतिप्रसवहेयाः सूक्ष्मा॥2.10॥
ते प्रतिप्रसव हेयाः सूक्ष्माः॥
૧૦. એ સૂક્ષ્મ સંસ્કારોને તેમની કારણાવસ્થામાં પહોંચાડીને તેમનો નાશ કરવાનો છે.
સંસ્કારો એ એવી સૂક્ષ્મ અસરો છે કે જે આગળ ઉપર સ્થૂળ રૂપમાં પ્રગટ થાય છે. આ સૂક્ષ્મ સંસ્કારો પર કાબૂ કેવી રીતે મેળવવો? કાર્યનો તેના કારણમાં લય કરવાથી. જ્યારે ચિત્ત કે જે પોતે એક કાર્યરૂપ છે, તેનો તેના કારણરૂપ અસ્મિતા કે ‘હું’પણાની ભાવનામાં લય કરવામાં આવે છે, ત્યારે અને કેવળ ત્યારે જ સૂક્ષ્મ સંસ્કારો તેની સાથે નાશ પામે છે, ધ્યાનથી તેમનો નાશ થઈ શકતો નથી.
ध्यानहेयास्तद्वृत्तयः॥2.11॥
ध्यान हेया: तद् वृत्तयः॥
૧૧. ધ્યાન દ્વારા તેમનાં (સ્થૂળ) પરિણામોનો ત્યાગ થાય છે.
આ તરંગોને ઊઠતા અટકાવવામાં ધ્યાન એ એક ઘણું મોટું સાધન છે. ધ્યાન દ્વારા મન વડે આ તરંગોને તમે દબાવી શકો અને જો તમે દિવસો પર દિવસો, મહિનાઓ પર મહિના અને વરસોનાં વરસો સુધી ધ્યાનનો એટલો અભ્યાસ કર્યે જાઓ કે ધ્યાનની ટેવ પડી જાય, તમારા પ્રયત્ન વિના પણ ધ્યાનની અવસ્થા ચાલુ રહે, તો ક્રોધ અને ધિક્કારની વૃત્તિઓ તમારા કાબૂમાં આવીને દબાશે.
क्लेशमूलः कर्माशयो दृष्टादृष्टजन्मवेदनीयः॥2.12॥
क्लेश मूलः कर्म आशय: दृष्ट अदृष्ट जन्म वेदनीयः॥
૧૨. કર્માશયનાં મૂળ કલેશોમાં છે અને તેમનાં ફળ આ જન્મમાં કે બીજા જન્મમાં અનુભવાય છે.
કર્માશય એટલે સંસ્કારોનો એકંદર સરવાળો. આપણે કોઈ કામ કરીએ ત્યારે મનમાં એક વૃત્તિરૂપી તરંગ ઊઠે છે અને કામ પૂરું થઈ ગયા પછી, આપણે માનીએ છીએ કે એ તરંગ શમી ગયો. ના, એમ નથી. એ શમી નથી ગયો. તે માત્ર સૂક્ષ્મ થયો છે, પણ તે હજી ત્યાં રહેલો જ છે. જ્યારે આપણે એ કામને યાદ કરવાનો પ્રયાસ કરીએ, ત્યારે તે ફરી પાછો ઉપર આવે છે અને તરંગ યાને વૃત્તિરૂપ બને છે. એટલે એ હતો જ; જો ન હોત તો એની સ્મૃતિ આવત નહિ. આ રીતે દરેકે દરેક કાર્ય, દરેકે દરેક વિચાર, સારો કે નરસો માત્ર ઊંડો ઊતરે છે અને ત્યાં એ સંઘરાઈ રહે છે. સુખદ અને દુઃખદ બંને પ્રકારના વિચારોને કલેશો એટલે કે દુઃખદાયક વિઘ્નો કહેવામાં આવે છે, કારણ કે યોગીઓના મત પ્રમાણે તેઓ લાંબે ગાળે દુઃખ જ ઉત્પન્ન કરવાના. ઇંદ્રિયો દ્વારા મળતું દરેક સુખ, આખરે તો દુઃખ જ લાવવાનું. બધા ભોગો આપણામાં ભોગની તૃષ્ણા વધારે ને વધારે જગાવવાના અને તેના પરિણામરૂપે દુઃખ આવે છે. માણસની તૃષ્ણાનો કોઈ અંત નથી; એ ઇચ્છાઓ કર્યે જ જાય છે અને જ્યારે ઇચ્છાઓ પૂરી ન થઈ શકે એવી સ્થિતિએ પહોંચે ત્યારે પરિણામે દુઃખી થાય છે. તેથી યોગીઓ સંસ્કારોના સમગ્ર સમૂહને, પછી તે સારા હોય કે નરસા, દુઃખદાયક વિઘ્નો ગણે છે; કારણ કે તેઓ આત્માની મુક્તિના માર્ગમાં વિઘ્નરૂપ બને છે.
આપણાં સઘળાં કાર્યોનાં સૂક્ષ્મ મૂળ સમા સંસ્કારોનું પણ તેમ જ છે. આ જન્મમાં કે ભવિષ્યમાં આવનારા જન્મોમાં કર્મોનાં ફળ ઉત્પન્ન કરનારાં કારણો એ સંસ્કારો જ છે. અપવાદરૂપ કિસ્સાઓમાં કે જ્યારે આ સંસ્કારો અતિ પ્રબળ હોય છે ત્યારે તેમનાં ફળ જલદી મળે છે. પાપનાં કે પુણ્યનાં અતિ પ્રબળ કર્મોનાં ફળ આ જન્મમાં પણ મળે છે. યોગીઓ માને છે કે જે મનુષ્યો સારા સંસ્કારોની પ્રબળ શક્તિ મેળવી શકે, તેમને શરીરોનો ત્યાગ કરવો પડતો નથી, પણ આ જન્મમાં સુધ્ધાં, પોતાનાં શરીરને દેવશરીરોમાં પલટાવી શકે છે. યોગીઓના ગ્રંથોમાં આવા કેટલાક કિસ્સાઓ નોંધાયેલા છે. આ મનુષ્યો પોતાના શરીરનું ઉપાદાન જ બદલાવી નાખે છે. તેઓ શરીરના પરમાણુઓની એવી રીતે પુનર્રચના કરે છે કે પછી તેમને માંદગી આવતી નથી, તેમ જ મૃત્યુ પણ આવતું નથી. આ વસ્તુ શા માટે શક્ય ન હોય? આહારનો અર્થ શરીરશાસ્ત્રની દૃષ્ટિએ એવો થાય છે કે સૂર્યમાંથી આવતી શક્તિને પચાવીને એકરૂપ કરવી. એ શક્તિ વનસ્પતિમાં આવે છે, તે વનસ્પતિને પશુ ખાય છે અને તે પશુને માણસ ખાય છે. વિજ્ઞાનની રીતે એનો અર્થ એ થયો કે એટલી શક્તિ આપણે સૂર્યમાંથી લઈએ છીએ અને તેને આપણે પોતાનો અંશ બનાવીએ છીએ. વસ્તુસ્થિતિ જો એમ છે, તો પછી શક્તિને પોતાનામાં એકરૂપ કરવાનો એ એક જ રસ્તો શા માટે હોવો જોઈએ? એ શક્તિને પોતાનામાં અપનાવવાની વનસ્પતિની રીત આપણી રીત જેવી જ કંઈ નથી; તેમ જ પૃથ્વીની પણ એ પચાવવાની પ્રક્રિયા આપણી પ્રક્રિયાથી જુદી જ છે. પરંતુ એ બધાં એક યા બીજે રૂપે શક્તિને પોતાનામાં પચાવે છે. યોગીઓ કહે છે કે તેઓ એ સૂર્યશક્તિને કેવળ મનની શક્તિ દ્વારા પચાવવાને શક્તિમાન છે; અને સર્વસાધારણ પદ્ધતિઓનો આધાર લીધા વિના તેઓ ઇચ્છાનુસાર એ શક્તિને પોતાનામાં ખેંચી શકે છે. જેવી રીતે કરોળિયો પોતાનામાંથી જ લાળ કાઢીને જાળું રચે છે અને તેનાથી બંધાઈ જાય છે અને એ જાળના તાંતણાના આધાર સિવાય બીજે ક્યાંય જઈ શકતો નથી, તેવી રીતે આ જ્ઞાનતંતુઓની જાળગૂંથણી આપણે આપણા પોતાનામાંથી જ રચી છે અને એ જ્ઞાનતંતુઓના સહારા સિવાય આપણે કાર્ય કરી શકતા નથી. યોગી કહે છે કે આપણે તેનાથી બંધાઈ રહેવાની જરૂર નથી.
તે જ પ્રમાણે, આપણે વીજળીને દુનિયાના કોઈ પણ ભાગમાં મોકલી શકીએ, પણ તેને મોકલવા માટે આપણે તારનાં દોરડાંનું સાધન જોઈએ. પણ કુદરત તો વીજળીના વિરાટ જથ્થાને બિલકુલ તાર વિના જ મોકલી શકે છે. આપણેય એમ ન કરી શકીએ શા માટે? માનસિક વીજળીને આપણે મોકલી શકીએ છીએ જેને આપણે મન કહીએ છીએ. તે વીજળીને ઘણે અંશે મળતું આવે છે. એ સ્પષ્ટ છે કે આ જ્ઞાનતંતુના પ્રવાહમાં અમુક અંશે વીજળી છે, કારણ કે એ ધ્રુવાભિમુખ છે અને વીજળીના સર્વ નિયમોને અનુસરે છે. આપણે આપણી વીજળી ફક્ત આ જ્ઞાનતંતુઓના માધ્યમ દ્વારા જ મોકલી શકીએ છીએ. પણ માનસિક વિદ્યુતને આ સાધન સિવાય શા માટે ન મોકલવી? યોગીઓ કહે છે કે એ પૂરેપૂરું શક્ય અને વ્યવહારુ છે અને જ્યારે તમે તે કરી શકશો ત્યારે તમે વિશ્વમાં બધે કાર્ય કરી શકશો. તમે કોઈ પણ વ્યક્તિની સાથે, કોઈ પણ સ્થળે, જ્ઞાનતંતુઓની જાળની મદદ વિના કાર્ય કરી શકશો. જ્યારે જીવાત્મા આ જ્ઞાનતંતુઓની પ્રવાહનળીઓ દ્વારા કાર્ય કરતો હોય છે, ત્યારે આપણે કહીએ છીએ કે માણસ જીવે છે અને જ્યારે આ જ્ઞાનતંતુઓ કાર્ય કરતા અટકી જાય છે ત્યારે માણસ મરી ગયો એમ કહેવાય છે. પણ જ્યારે માણસ આ પ્રવાહનળીઓની સહાયથી કે સહાય વગર કાર્ય કરવાને શક્તિમાન થાય, ત્યારે તેના માટે જન્મ અને મૃત્યુનો કશો અર્થ રહેતો નથી. સૃષ્ટિમાંનાં સર્વ શરીરો તન્માત્રાઓનાં બનેલાં છે. તેમની વચ્ચેનો ભેદ એ તન્માત્રાઓની ગોઠવણીનો છે. એ ગોઠવણી કરનાર જો તમે હો તો તમે ઇચ્છા મુજબ એક યા બીજી રીતે શરીરની રચના કરી શકો. તમારું શરીર તમારા વિના બીજું કોણ બનાવે છે? ખોરાક કોણ ખાય છે? તમારે બદલે જો બીજું કોઈ ખોરાક ખાતું હોય તો તમે લાંબું જીવી શકત નહીં. એ ખોરાકમાંથી લોહી કોણ બનાવે છે? બેશક તમે જ. લોહીને સાફ કોણ કરે છે અને તેને નસોમાં વહેવડાવે છે કોણ? તમે જ. આપણા શરીરના માલિક આપણે જ છીએ અને આપણે જ તેની અંદર રહીએ છીએ. માત્ર આપણે તેને પુનર્જીવન કેવી રીતે આપવું તે જ્ઞાન ભૂલી ગયા છીએ. આપણે યંત્રવત્ બની ગયા છીએ, નીચે ઊતરી ગયા છીએ. આપણે આપણાં શરીરના પરમાણુઓની રચના કરવાની પદ્ધતિ ભૂલી ગયા છીએ. તેથી, જે આપણે યંત્રવત્ કર્યે જઈએ છીએ, તે સમજણપૂર્વક કરવાનું છે. એ બધું કરનાર માલિક આપણે છીએ; એટલે એ રચનાને આપણે જ નિયમિત કરવાની છે; અને જેવા આપણે એ કરી શકીશું, તેવા જ આપણે આપણી ઇચ્છા મુજબ શરીરની નવરચના કરી શકીશું અને ત્યારે આપણે નહીં જન્મવું પડે કે નહીં રોગ ભોગવવા પડે કે નહીં મૃત્યુ આવે.
सति मूले तद्विपाको जात्यायुर्भोगाः॥2.13॥
सति मूले तद् विपाक: जाति आयु: भोगाः॥
૧૩. કલેશરૂપી મૂળ હોવાથી તેના પરિપાક જન્મ, આયુષ્ય અને સુખ-દુઃખના ભોગો આવી મળે છે.
મૂળ એટલે સંસ્કારરૂપી કારણો હોય, એટલે તે પ્રગટ થાય અને કાર્યને ઉત્પન્ન કરે, કારણનો નાશ થતાં તે કાર્યરૂપે ઉત્પન્ન થાય; અને તે કાર્ય વધુ સૂક્ષ્મ થાય એટલે ત્યાર પછીના કાર્યના કારણરૂપ બને. વૃક્ષમાંથી બીજ ઉત્પન્ન થાય છે, તે બીજ ત્યાર પછીના બીજા વૃક્ષનું કારણ બને છે, એમ પરંપરા ચાલ્યા કરે છે. અત્યારનાં આપણાં બધાં કાર્યો આપણા ભૂતકાળના સંસ્કારોનાં પરિણામ છે; તેમ પાછાં અત્યારનાં કાર્યો સંસ્કારરૂપ થઈને ભવિષ્યમાં કાર્યોનાં કારણરૂપ બનશે અને એમ પરંપરા ચાલવાની. તેથી આ સૂત્ર કહે છે કે કારણ હોય એટલે કાર્ય થવાનું જ; મૂળ હોય એટલે તેનું ફળ જાતિ એટલે કે જન્મના રૂપમાં આવવાનું જ; કોઈ મનુષ્ય થાય, તો કોઈ દેવ થઈને જન્મે; કોઈ પશુ થાય તો કોઈ દાનવ થાય. તેમ વળી જિંદગી પર કર્મની જુદી જુદી અસરો પડે છે. કોઈ માણસ પચાસ વર્ષ જીવે, બીજો સો વર્ષ, તો કોઈ વળી બે વરસમાં જ મરી જાય તો મોટો થવાની વાત જ ક્યાં રહી! આ બધી જીવનમાંની વિવિધતાઓ પૂર્વનાં કર્મ વડે થાય છે. એક માણસ જાણે કે ભોગો ભોગવવા માટે જ જન્મ્યો હોય છે; જો એ ગાઢ જંગલમાં જઈને બેસે તોપણ ત્યાં ભોગો એની પાછળ જવાના. બીજો માણસ, જ્યાં જાય ત્યાં એની પાછળ દુઃખો પડેલાં જ હોય, એને માટે બધું દુઃખદાયક બને છે. એ એ બંનેનાં પૂર્વનાં કર્મોનું ફળ છે. યોગીઓની ફિલસૂફી પ્રમાણે સઘળાં શુભ કર્મોનું ફળ સુખ છે અને બધાં અશુભ કર્મોનું ફળ દુઃખ છે. જે કોઈ માણસ પાપનું આચરણ કરે, તેને ફળ રૂપે દુઃખ ભોગવવાં જ પડશે.
ते ह्लादपरितापफलाः पुण्यापुण्यहेतुत्वात्॥2.14॥
ते ह्लाद परिताप फलाः पुण्य अपुण्य हेतुत्वात्॥
૧૪. પુણ્ય અને પાપરૂપી કારણોનાં ફળરૂપે કર્મો સુખ અને દુઃખ આપે છે.
परिणामतापसंस्कारदुःखैर्गुणवृत्तिविरोधाच्च दुःखमेव सर्वं विवेकिनः॥2.15॥
परिणाम ताप संस्कार दुःखै: गुणवृत्ति: विरोधात् च दुःखम् एव सर्वम् विवेकिनः॥
૧૫. દરેક વસ્તુ, કાં તો પરિણામરૂપે અથવા તો સુખના નાશની આશંકારૂપે અથવા તો સુખભોગના સંસ્કારમાંથી ઊપજતી નવી લાલસારૂપે અને (સત્ત્વ, રજસ અને તમસ) ગુણોની પરસ્પર વિરોધી ક્રિયારૂપે પણ દુઃખદાયક નીવડવાને લીધે વિવેકી પુરુષને સર્વ કંઈ જાણે કે, દુઃખરૂપ છે.
યોગીઓ કહે છે કે જે માણસમાં વિવેકશક્તિ હોય છે, જેનામાં સદ્બુદ્ધિ હોય છે, તેવો માણસ જે જે બધાં સુખ અને દુઃખરૂપે કહેવાય છે, તેનું રહસ્ય સમજી જાય છે અને જાણે છે કે એ બધાં સૌને એક પછી એક આવ્યા કરે છે અને એકબીજામાં ભળી જાય છે. તે જુએ છે કે માણસો જિંદગી આખી ઝાંઝવાના જળની પાછળ ભટકતા રહે છે, પણ તેમની વાસનાઓની તૃપ્તિ કદી થતી નથી. મહારાજા યુધિષ્ઠિરે એક વાર કહેલું કે જીવનમાં સૌથી વધારે નવાઈભરી વસ્તુ તો એ છે કે આપણી આજુબાજુ હર ક્ષણે આપણે મનુષ્યોને મૃત્યુ પામતા જોઈએ છીએ અને તે છતાં આપણને લાગે છે કે આપણે કદી મરવાના જ નથી. આપણી ચારે બાજુ મૂર્ખાઓ હોવા છતાં, આપણે માનીએ છીએ કે આપણે જ અપવાદરૂપ છીએ, આપણે જ એકમાત્ર જ્ઞાની છીએ. ચારે બાજુએ દરેક પ્રકારના અસ્થિરતાના અનુભવો નજરે ચડવા છતાં, આપણે માનીએ છીએ કે આપણો પ્રેમ જ એકમાત્ર સ્થિર અને શાશ્વત છે. એ કેમ બની શકે? પ્રેમ સુધ્ધાં સ્વાર્થપૂર્ણ છે. એટલે યોગી પુરુષ કહે છે કે મિત્રોનો, સંતાનોનો, અરે પતિપત્નીનો પ્રેમ સુધ્ધાં ધીરે ધીરે ઓસરતો જાય છે. આ જીવનમાં દરેક વસ્તુનો ક્ષય થાય છે. માત્ર જ્યારે બધી વસ્તુઓ, પ્રેમ સુધ્ધાં નિષ્ફળ જતાં લાગે છે ત્યારે એક ચમકારાની પેઠે માણસને લાગે છે કે આ સંસાર કેવો વ્યર્થ, કેવો સ્વપ્નવત્ છે! ત્યારે તેને વૈરાગ્યની કંઈક ઝાંખી થાય છે. સંસારની પેલી પારનું કંઈક દર્શન થાય છે. આ સંસારનો ત્યાગ કરવાથી જ અલૌકિક વસ્તુ મળે છે; આ દુનિયાને વળગી રહેવાથી કદી જ મળતી નથી. આજ સુધી એવો એકે મહાન પુરુષ થયો નથી કે જેને પોતાના મહાન પદની પ્રાપ્તિને માટે ઇંદ્રિયોનાં સુખો અને ભોગો છોડવા પડ્યા ન હોય. દુઃખનું કારણ પ્રકૃતિનાં જુદાં જુદાં બળો વચ્ચેના સંઘર્ષમાં જ રહેલું છે; એક એક બાજુ તાણે, તો બીજું બીજી બાજુ; અને આ ખેંચતાણને લીધે જ શાશ્વત સુખ અશક્ય બને છે.
हेयं दुःखमनागतम्॥2.16॥
हेयम् दुःखम् अनागतम्॥
૧૬. જે દુઃખ હજી આવ્યું નથી, (પણ આવવાનો સંભવ છે) તેને અટકાવવું જોઈએ.
કેટલાંક કર્મો આપણે ભોગવી લીધાં છે, કેટલાંક આપણે અત્યારે વર્તમાનમાં ભોગવી રહ્યા છીએ અને કેટલાંક ભવિષ્યમાં ફળ દેવાની રાહ જોઈ રહ્યાં છે. જે કર્મો ભોગવી લીધાં છે, તેમનો તો જાણે હિસાબ પતી ગયો. જે ભોગવી રહ્યા છીએ તેમનો ભોગ ચાલુ છે, એટલે માત્ર જે કર્મો ભવિષ્યમાં ફળ આપવાની વાટ જોઈને બેઠાં છે તેમને આપણે તાબે કરી શકીએ અને કાબૂમાં લાવી શકીએ. એ ધ્યેયને માટે જ આપણી બધી શક્તિઓ લગાડવી જોઈએ. પતંજલિ મુનિ જે કહે છે કે, ‘સંસ્કારોને તેમની કારણ અવસ્થાએ પહોંચાડીને તેમના પર કાબૂ મેળવવાનો છે’ (૨-૧૦) તેનો અર્થ આ છે.
द्रष्टृदृश्ययोः संयोगो हेयहेतुः॥2.17॥
द्रष्टृ दृश्ययोः संयोग: हेय: हेतुः॥
૧૭. ત્યાગ કરવા યોગ્ય (દુઃખ)નું કારણ છે દ્રષ્ટા ને દૃશ્યનો સંયોગ.
દ્રષ્ટા કોણ? મનુષ્યનો આત્મા, પુરુષ. દૃશ્ય શું? મનથી શરૂ કરીને જડ દ્રવ્ય સુધીની સમસ્ત પ્રકૃતિ. સઘળા પ્રકારનાં સુખો અને દુઃખો આ પુરુષ અને મનના સંયોગમાંથી પેદા થાય છે. એ યાદ રાખવું કે યોગદર્શનની ફિલસૂફી પ્રમાણે પુરુષ શુદ્ધ છે. જ્યારે એ પ્રકૃતિ સાથે જોડાય છે, ત્યારે સુખ કે દુઃખનું પ્રતિબિંબ તેના પર પડે છે અને તેથી તે સુખી કે દુઃખી દેખાય છે.
प्रकाशक्रियास्थितिशीलं भूतेन्द्रियात्मकं भोगापवर्गार्थं दृश्यम्॥2.18॥
प्रकाश क्रिया स्थिति शीलम् भूत इन्द्रिय आत्मकम् भोग अपवर्ग अर्थम् दृश्यम्॥
૧૮. દૃશ્ય એટલે પંચભૂત અને ઇંદ્રિયોનું બનેલું જગત. પ્રકાશ, ક્રિયા અને જડતા તેનું સ્વરૂપ છે અને તે દ્રષ્ટા (આત્મા)ને ભોગ અને મુક્તિ આપવા માટે છે.
દૃશ્ય, એટલે કે પ્રકૃતિ એ આ સમસ્ત જગત જેનું બનેલું છે તે સ્થૂલ અને સૂક્ષ્મ પંચભૂતો તથા જ્ઞાનેન્દ્રિયો, મન વગેરેની બનેલી છે અને પ્રકાશ (સત્ત્વ), ક્રિયા (રજસ) અને જડતા (તમસ)ના સ્વરૂપની છે. સમસ્ત પ્રકૃતિનો હેતુ શું છે? પુરુષને અનુભવ કરાવવાનો. પુરુષ પોતાનો મહિમા, દિવ્ય સ્વભાવ, જાણે કે ભૂલી ગયો છે. આ બાબતમાં એક કથા છેઃ દેવોના રાજા ઇંદ્રે એક વખત ભૂંડનું શરીર લીધું હતું અને કાદવના ખાડામાં પડ્યો પડ્યો આળોટતો હતો; સાથે તેની ભૂંડણ ને કચ્ચાંબચ્ચાંય હતાં અને તે બહુ જ મજામાં હતો. કેટલાક દેવતાઓએ તેની આ દુર્દશા જોઈ અને તેની પાસે આવીને કહેવા લાગ્યા, ‘અરે, તમે તો દેવતાઓના રાજા છો, સઘળા દેવો તમારો હુકમ માને છે અને તમે આ અહીંયાં શા માટે પડ્યા છો?’ જવાબમાં ઇંદ્રે કહ્યું, ‘એની તમારે પંચાત નહિ કરવી; મને અહીં મજા છે, મને સ્વર્ગ-ફર્ગની પરવા નથી; મારી આ ભૂંડણ અને આ બચ્ચાં સ્વર્ગથીયે વધુ સારાં છે.’ બિચારા દેવતાઓ તો વિમાસણમાં પડી ગયા કે હવે કરવું શું? થોડો વિચાર કરીને તેમણે નક્કી કર્યું કે ભૂંડણ તથા આ બધાં કચ્ચાં બચ્ચાંને મારી નાખવાં. એક પછી એક એ બધાંને તેમણે મારી નાખ્યાં. મારી નાખ્યાં એટલે પેલો ઇંદ્ર રડવા લાગ્યો ને વિલાપ કરવા લાગ્યો. એ પછી દેવતાઓએ તેનું ભૂંડ શરીર ચીરી નાખ્યું. એટલે તે તેમાંથી બહાર આવ્યો અને જેવું તેને ભાન થયું કે પોતાને કેવું ખરાબ સ્વપ્ન આવ્યું હતું કે જેમાં પોતે દેવતાઓનો રાજા હોવા છતાં એક ભૂંડ થયો હતો અને માનતો હતો કે ભૂંડના જેવું સુખી બીજું એકેય જીવન જ નથી અને આખી દુનિયાએ ભૂંડના જેવું જ જીવન ગાળવું જોઈએ—તેવો જ એ ખડખડાટ હસી પડ્યો. તેમ પુરુષ જ્યારે પ્રકૃતિની સાથે તદ્રૂપ થઈ જાય છે, ત્યારે તે પોતે શુદ્ધ અને અનંત છે એ ભૂલી જાય છે. પુરુષ પ્રેમ કરતો નથી, એ પોતે જ પ્રેમસ્વરૂપ છે. એ અસ્તિત્વમાં આવે છે એમ નથી, એ પોતે જ અસ્તિત્વ સ્વરૂપ છે. આત્માને જ્ઞાન થવાપણું નથી, પણ એ પોતે જ જ્ઞાનસ્વરૂપ છે. આત્મા પ્રેમ કરે છે, આત્માને અસ્તિત્વ છે કે આત્માને જ્ઞાન થાય છે એમ કહેવું એ ભૂલ છે. પ્રેમ, અસ્તિત્વ અને જ્ઞાન એ પુરુષના ગુણો નથી, પણ એનું સ્વરૂપ છે. જ્યારે એ કોઈક વસ્તુ પર પ્રતિબિંબિત થાય ત્યારે તમે તેમને તે વસ્તુના ગુણો તરીકે કહી શકો. એ ત્રણે પુરુષના ગુણો નથી પણ તેનું સારતત્ત્વ છે. તે મહાન, અનંત, અજન્મા, અવિનાશી, સ્વમહિમામંડિત સારતત્ત્વનું સ્વરૂપ છે. તે એટલો બધો વિકૃત થયા જેવો લાગે છે કે જો તમે જઈને તેને કહો કે ‘તું ભૂંડ નથી’, તો તે ચીસો પાડવા લાગે છે ને કરડવા દોડે છે.
આ માયાના રાજ્યમાં કે જ્યાં બધું દુઃખરૂપ છે, જ્યાં રુદન અને આંસુ ભર્યાં છે, જ્યાં થોડાક સુવર્ણના લખોટા ગબડાવવામાં આવે છે અને દુનિયા આખી તેની પાછળ પડાપડી કરી રહી છે, ત્યાં આપણા બધાયની એ જ દશા છે. તમે નિયમોથી કદી બદ્ધ ન હતા, પ્રકૃતિ પાસે તમને બાંધવા જેવું કદી પણ હતું જ નહિ, યોગી એમ કહે છે. તમે ધીરજ રાખીને એ સાંભળો. વળી યોગી તમને બતાવે છે કે પ્રકૃતિ સાથે સંયોગ કરીને અને મન અને જગત સંસાર સાથે તન્મય થઈને પુરુષ પોતાને દુઃખી માને છે. વળી યોગી તમને બતાવે છે કે તેમાંથી બહાર નીકળવાનો માર્ગ અનુભવ જ છે. આ બધો અનુભવ તમારે લેવાનો છે ખરો, પણ તે જલદી પૂરો કરી લો. આ સંસારજાળમાં આપણે પોતે જ પેઠા છીએ અને આપણે પોતાની મેળે જ નીકળવાનું છે. આપણે પોતે જ જાળમાં સપડાયા છીએ અને તેમાંથી છુટકારો પણ આપણે પોતે જ મેળવવાનો છે. તેથી પતિ તરીકેનો, પત્ની તરીકેનો, મિત્ર તરીકેનો, સંતાન વગેરેનો અનુભવ ભલે લેજો; અને જો તમે તમારા સાચા સ્વરૂપને કદી વિસરશો નહીં તો તમે તે અનુભવોમાંથી સહીસલામત નીકળી આવશો. એ વાત કદી ભૂલતા નહીં કે આ સંસાર એ ક્ષણિક અવસ્થા છે અને આપણે તેમાં થઈને બહાર નીકળવાનું છે. અનુભવ, સુખદુઃખનો અનુભવ એ જ એક માત્ર મોટો ગુરુ છે, પણ જાણજો કે એ માત્ર અનુભવ જ છે. પગલે પગલે, એ એવી અવસ્થાએ લઈ જાય છે કે જ્યાં જગતની સર્વ વસ્તુઓ નાની બનતી જાય છે અને પુરુષ એટલો બધો મહાન બનતો જાય છે કે આ આખું વિશ્વ મહાસાગરમાંના, એક બિંદુ જેવું લાગે છે અને તે પોતાની જ ક્ષુદ્રતાથી લય પામી જાય છે. વિવિધ અનુભવોમાંથી થઈને આપણે પસાર તો થવાનું જ છે, પણ આપણે આદર્શને, આપણા મૂળ સ્વરૂપને કદી ભૂલવાનું નથી.
विशेषाविशेषलिङ्गमात्रालिङ्गानि गुणपर्वाणि॥2.19॥
विशेष अविशेष लिङ्गमात्र अलिङ्गानि गुण पर्वाणि॥
૧૯. સ્પષ્ટ, અસ્પષ્ટ, માત્ર ચિહ્નરૂપ અને ચિહ્નરહિત એ ગુણોની અવસ્થાઓ છે.
હું અગાઉ કહી ગયો તેમ યોગશાસ્ત્ર સંપૂર્ણ રીતે સાંખ્ય દર્શનને આધારે રચાયેલું છે. એટલે અહીં ફરીથી તમને સાંખ્યદર્શન પ્રમાણેની જગતરચનાની પ્રક્રિયા વિશે કહું છું. સાંખ્યદર્શન પ્રમાણે પ્રકૃતિ એ જગતનું ઉપાદાનકારણ તેમ જ નિમિત્તકારણ બંને છે. પ્રકૃતિમાં ત્રણ ગુણો છેઃ સત્ત્વ, રજસ અને તમસ. તમસ એટલે જે કંઈ અંધકારમય, અજ્ઞાનપૂર્ણ અને જડ છે તે બધું. રજસ એટલે જે કંઈ ક્રિયાશીલ, ગતિરૂપ છે તે. સત્ત્વ એટલે સ્થિરતા, પ્રકાશ. સૃષ્ટિ થવાની પૂર્વે પ્રકૃતિને અવ્યક્ત, એટલે કે અસ્પષ્ટ, અવિભિન્ન કહેવામાં આવે છે, એટલે કે જેનામાં નામ કે રૂપનો કશો ભેદ નથી હોતો; એવી અવસ્થા કે જેની અંદર આ ત્રણે ગુણો સમતુલામાં હોય છે. ત્યાર પછી એ સમતુલાનો ભંગ થાય છે, એ ત્રણ ગુણો વિવિધ પ્રકારે મિશ્રિત થવા લાગે છે અને પરિણામે જગતની ઉત્પત્તિ થાય છે. દરેક મનુષ્યોમાં પણ આ ત્રણે ગુણો રહેલા છે. જ્યારે સત્ત્વગુણ પ્રબળ થાય ત્યારે જ્ઞાનનો ઉદય થાય; જ્યારે રજોગુણ પ્રબળ થાય ત્યારે ચંચળતા વધે, ક્રિયાશીલતા વધે; અને જ્યારે તમોગુણ પ્રબળ થાય ત્યારે અંધકાર, આળસ, જડતા અને અજ્ઞાન આવે. સાંખ્યમત પ્રમાણે ત્રણ ગુણોવાળી પ્રકૃતિની સર્વોચ્ચ અભિવ્યક્તિને મહત યાને બુદ્ધિતત્ત્વ એટલે કે સમષ્ટિબુદ્ધિ કહેવામાં આવે છે. દરેક માનવબુદ્ધિ તેનો અંશ છે. સાંખ્ય મનોવિજ્ઞાન પ્રમાણે મન અને બુદ્ધિના કાર્યમાં સ્પષ્ટ તફાવત છે. મનનું કાર્ય છે માત્ર સંવેદનોને એકઠાં કરીને બુદ્ધિ એટલે કે વ્યષ્ટિ મહત્ પાસે લઈ જઈને રજૂ કરવાનું. પછી બુદ્ધિ તેના પર નિર્ણય બાંધે. મહત્ તત્ત્વમાંથી અહંતત્ત્વ ઉત્પન્ન થાય છે અને અહંતત્ત્વમાંથી સૂક્ષ્મ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. એ સૂક્ષ્મ તન્માત્રાઓનું મિશ્રણ થાય છે અને તેમાંથી સ્થૂલ ભૂતો ઉત્પન્ન થાય છે અને બાહ્ય જગત ઉત્પન્ન થાય છે. સાંખ્યદર્શન એવો દાવો કરે છે કે બુદ્ધિથી માંડીને પથ્થરના ટુકડા સુધીના સર્વે પદાર્થો એક જ પદાર્થમાંથી બનેલા છે, તેઓમાં જે કંઈ તફાવત છે તે તેમના અસ્તિત્વની સૂક્ષ્મતા કે સ્થૂલતાને લીધે છે. સૂક્ષ્મ અવસ્થા કારણ છે અને સ્થૂલ અવસ્થા કાર્ય છે. સાંખ્યદર્શન પ્રમાણે સમસ્ત પ્રકૃતિથી પર પુરુષ રહેલો છે, તે બિલકુલ જડ કે ભૌતિક નથી. પુરુષ બીજી કોઈ વસ્તુ—બુદ્ધિ કે મન કે તન્માત્રાઓ કે સ્થૂલ ભૂતોની સમાન નથી. આમાંની કોઈ પણ વસ્તુ સાથે તે મળતો આવતો નથી, તે સંપૂર્ણ રીતે અલગ, તેના સ્વભાવમાં સંપૂર્ણ રીતે જુદો છે અને આ પરથી તેઓ દલીલ કરે છે કે પુરુષ મૃત્યુરહિત હોવો જોઈએ, કારણ કે એ સંમિશ્રિતના પરિણામરૂપ નથી. જે વસ્તુ સંમિશ્રણના પરિણામરૂપ ન હોય તેનો નાશ ન હોય. એ પુરુષો કે આત્માઓની સંખ્યા અનંત છે.
હવે આપણે સૂત્રને સમજી શકીશું. તેમાં કહ્યું છે કે ગુણોની અવસ્થાઓ સ્પષ્ટ, અસ્પષ્ટ, ચિહ્નમાત્રરૂપ અને ચિહ્નરહિત છે. ‘સ્પષ્ટ’ એટલે સ્થૂલ ભૂતો કે જેમનો આપણે અનુભવ કરી શકીએ. ‘અસ્પષ્ટ’ એટલે અતિસૂક્ષ્મ ભૂતો, યાને તન્માત્રાઓ કે જેનો સામાન્ય માણસોને અનુભવ નથી થઈ શકતો. તોપણ, પતંજલિ કહે છે કે જો તમે યોગનો અભ્યાસ કરો તો અમુક સમય પછી તમારી સંવેદનશક્તિ એવી સૂક્ષ્મ બનશે કે તમે તન્માત્રાઓને ખરેખર જોઈ શકશો. દાખલા તરીકે, તમે સાંભળ્યું હશે કે દરેક માણસની આસપાસ એક પ્રકારનું તેજ હોય છે; દરેક જીવતા પ્રાણના શરીરમાંથી એક પ્રકારનું તેજ નીકળ્યા કરે છે. પતંજલિ કહે છે કે એ તેજ યોગીઓ જોઈ શકે. આપણે બધા તે જોઈ શકતા નથી, તોપણ આપણે બધા આ તન્માત્રાઓને બહાર કાઢીએ છીએ; જેવી રીતે ફૂલમાંથી નિરંતર સૂક્ષ્મ પરમાણુઓ બહાર નીકળ્યા કરે છે અને તેને લીધે આપણને તેની સુગંધ આવે છે, તેવી રીતે. આપણી જિંદગીમાં રોજેરોજ આપણે શુભ કે અશુભ તન્માત્રાઓના સમૂહને બહાર કાઢ્યે જઈએ છીએ અને આપણે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં ત્યાં વાતાવરણ આ તન્માત્રાઓથી ભરેલું હોય છે. એવી જ રીતે તો માનવમનમાં, અજાણપણે, મંદિરો અને દેવળો બાંધવાનો વિચાર આવ્યો. નહિતર, ઈશ્વરની ઉપાસના કરવા માટે માણસને મંદિર કે દેવળ બાંધવાની શી જરૂર હતી? ઈશ્વરનું ધ્યાન કે ઉપાસના તો ગમે ત્યાં થઈ શકે છે, કારણ ન જાણવા છતાં મનુષ્યને જણાયું કે જે સ્થળે લોકો ઈશ્વરની ઉપાસના કરે છે તે સ્થળ શુભ તન્માત્રાઓથી ભરેલું બને છે. દરરોજ લોકો ત્યાં જાય અને જેમ જેમ વધુ જાય તેમ તેમ તે વધુ પવિત્ર થાય અને તે સ્થાન પણ વધુ પવિત્ર બનતું જાય. જે માણસમાં સત્ત્વગુણ વધારે ન હોય તેવો માણસ પણ જો ત્યાં જાય તો એ સ્થાનનો પ્રભાવ તેના પર પડશે અને તેની અંદરના સત્ત્વગુણને જગાવી દેશે. તેથી, સઘળાં મંદિરો અને તીર્થસ્થળોનું સાચું રહસ્ય અહીંયાં રહેલું છે. પરંતુ એ યાદ રાખવું કે તે સ્થાનોની પવિત્રતાનો આધાર ત્યાં એકઠાં થનાર પવિત્ર લોકો પર રહેલો છે. માણસોની મુશ્કેલી એ છે કે તેઓ મૂળ વાતને ભૂલી જાય છે અને ગાડીને ઘોડાની આગળ જોડે છે. પ્રથમ આ સ્થાનોને પવિત્ર બનાવનારા મનુષ્યો હતા અને પછી કાર્ય પોતે જ કારણરૂપ બન્યું અને એ જ સ્થાનોએ મનુષ્યને પવિત્ર બનાવવા માંડ્યા! પણ જો તે સ્થળોએ માત્ર દુષ્ટ લોકો જ જતા હોય તો તે સ્થળ બીજા કોઈ પણ અનાચારના સ્થળ જેવું ખરાબ થઈ જાય. મકાન નહીં, પણ મનુષ્ય મંદિરને મંદિરપણું આપે છે. એ વાત જ આપણે હંમેશાં ભૂલી જઈએ છીએ. એ કારણસર જ ઋષિઓ, સંતો અને જેમનામાં આ સત્ત્વગુણ ઘણો હોય છે તેવા પવિત્ર પુરુષો પોતાના માંહેનો સત્ત્વગુણ બહાર ફેલાવી શકે છે અને પોતાની આસપાસના વાતાવરણ પર દિનરાત જબરદસ્ત પ્રભાવ પાડી શકે છે. માણસ એટલી હદ સુધી પવિત્ર થઈ શકે કે તેની પવિત્રતા જાણે કે સ્પર્શ કરતી હોય એમ લાગે. એવા સાધુપુરુષના સમાગમમાં જે કોઈ આવે તે પવિત્ર બને.
ત્યાર પછી ‘લિંગમાત્ર’ એટલે કે ‘ચિહ્નમાત્ર’નો વિચાર કરીએ. લિંગમાત્રનો અર્થ છે બુદ્ધિતત્ત્વ. એ ‘લિંગમાત્ર’ પ્રકૃતિની પ્રથમ અભિવ્યક્તિ છે; તેમાંથી પછી બીજા બધા પદાર્થો આવે છે. છેલ્લે છે અલિંગ એટલે ‘ચિહ્ન વિના’નું. આ મુદ્દા પર આધુનિક વિજ્ઞાન અને બધા ધર્મો વચ્ચે બહુ મોટો મતભેદ નજરે ચડે છે. દરેક ધર્મમાં એવો સિદ્ધાંત છે કે જગતની ઉત્પત્તિ બુદ્ધિમાંથી, ચૈતન્યશક્તિમાંથી થાય છે. ઈશ્વરના વ્યક્તિત્વ વિશેના સર્વ વિચારોને બાજુએ રાખીને મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ જોતાં ઈશ્વર વિશેનો સિદ્ધાંત આ છેઃ સૃષ્ટિના ક્રમમાં બુદ્ધિ પ્રથમ આવે છે; અને જેને આપણે જડ પદાર્થ કહીએ છીએ તે બુદ્ધિમાંથી ઉત્પન્ન થાય છે. આધુનિક ફિલસૂફો કહે છે કે બુદ્ધિ સૌથી છેલ્લે ઉત્પન્ન થાય છે. તેઓ એમ કહે છે કે જડ વસ્તુઓનો ક્રમવિકાસ થતાં થતાં તેમાંથી પશુઓ આવ્યાં અને પશુઓમાંથી ઉત્ક્રાંતિ પામીને મનુષ્ય આવ્યો. તેઓ એવો દાવો કરે છે કે સર્વ વસ્તુઓ બુદ્ધિમાંથી ઉત્પન્ન થવાને બદલે, બુદ્ધિ પોતે જ છેલ્લી ઉત્પન્ન થાય છે. ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિએ સિદ્ધાંતો જો કે ઉપલક દૃષ્ટિએ પરસ્પર વિરોધી લાગે છે, તોપણ બંને સાચા છે. એક અનંત શ્રેણી લો, જેવી કે ક-ખ-ક-ખ-ક-ખ વગેરે. હવે પ્રશ્ન એ છે કે આ બેમાંથી પહેલો કોણ, ક કે ખ? જો તમે શ્રેણીને ક-ખ રૂપે લો તો તમે કહેશો ક પહેલો છે, પણ જો તમે તેને ખ-ક રૂપે લો તો ખ પહેલો આવશે. એ પહેલા બીજાનો આધાર આપણે એ ક્રમને કેવી રીતે જોઈએ છીએ તેના પર રહેલો છે. બુદ્ધિ પરિવર્તન પામ્યે જાય છે અને જડ દ્રવ્ય બને છે, એ જડ દ્રવ્ય પાછું બુદ્ધિમાં સમાઈ જાય છે; આમ આ ક્રમપ્રકાર ચાલ્યા જ કરે છે. સાંખ્યમતવાળાઓ અને બીજા ધર્મમાં માનનારાઓ બુદ્ધિને પ્રથમ ગણે છે, એટલે શ્રેણી બને છે. પ્રથમ બુદ્ધિ પછી જડ દ્રવ્ય. વૈજ્ઞાનિકો જડ દ્રવ્યને બતાવીને કહે છે કે પ્રથમ જડ દ્રવ્ય—પછી બુદ્ધિ. એ બંને એક જ સાંકળનો નિર્દેશ કરે છે. પરંતુ ભારતીય તત્ત્વજ્ઞાન બુદ્ધિ અને જડ દ્રવ્ય એ બંનેથી આગળ જાય છે અને બુદ્ધિથી પર એવા પુરુષ યાને આત્મા સુધી પહોંચે છે કે જે આત્માનું બુદ્ધિ તો માત્ર પ્રતિબિંબ છે.
द्रष्टा दृशिमात्रः शुद्धोऽपि प्रत्ययानुपश्यः॥2.20॥
द्रष्टा दृशिमात्रः शुद्ध: अपि प्रत्यय: अनुपश्यः॥
૨૦. દ્રષ્ટા ચૈતન્ય માત્ર છે અને શુદ્ધ હોવા છતાં બુદ્ધિ દ્વારા જુએ છે.
આ, વળી પાછું, સાંખ્ય તત્ત્વજ્ઞાન આવ્યું. તેમાં આપણે જોઈ ગયા કે નીચામાં નીચા જડ પદાર્થથી લઈને બુદ્ધિ સુધીનું સર્વ કંઈ પ્રકૃતિરૂપ છે; પ્રકૃતિથી પર પુરુષો છે અને તે બધા નિર્ગુણ છે. ત્યાર પછી આત્મા સુખી કે દુઃખી કેવી રીતે દેખાય છે? પ્રતિબિંબ વડે. જેમ સ્વચ્છ સ્ફટિકની પાસે જો લાલ રંગનું ફૂલ મૂકવામાં આવે તો તે સ્ફટિક લાલ રંગનો દેખાય છે, તેવી રીતે આત્માનાં જે સુખ કે દુઃખ છે તે કેવળ પ્રતિબિંબો જ છે. આત્માનો પોતાનો કશો રંગ નથી. આત્મા પ્રકૃતિથી અલગ છે. પ્રકૃતિ એક વસ્તુ છે, આત્મા બીજી, સદાય અલગ. સાંખ્ય મતવાળા કહે છે કે બુદ્ધિ એ મિશ્રણ છે, એ વધે છે અને ઘટે છે, જેમ શરીરમાં ફેરફાર થાય છે, તેમ બુદ્ધિમાં પણ ફેરફાર થાય છે અને તેનો સ્વભાવ લગભગ શરીરના જેવો છે. જેમ નખ એ શરીરનો બહારનો અંશ છે, તેમ શરીર બુદ્ધિનો બાહ્ય અંશ છે. નખ શરીરનો અંશ છે ખરો, પણ તેને સેંકડો વાર કાપી નાખી શકાય છે, છતાં શરીર ટકી રહે છે. તે પ્રમાણે બુદ્ધિ લાખો ને કરોડો વર્ષ સુધી ટકી રહે, જ્યારે આ શરીરને અળગું કરી દઈ શકાય, ફેંકી દઈ શકાય. છતાં પણ બુદ્ધિ અજર અમર નથી, કારણ કે તેમાં પરિવર્તન થાય છે, તે વધે છે અને ઘટે છે. જે કોઈ વસ્તુમાં પરિવર્તન થાય તે નાશ વગરની હોઈ ન શકે. બુદ્ધિ એ અવશ્ય ઉત્પન્ન થયેલો પદાર્થ છે અને એ ઘટના જ બતાવે છે કે તેનાથી ચડિયાતું કંઈક હોવું જ જોઈએ. બુદ્ધિ સ્વતંત્ર હોઈ શકે જ નહિ, કારણ કે જડ દ્રવ્ય સાથે સંબંધિત સર્વ કંઈ પ્રકૃતિની અંદર છે અને તેથી સદાને માટે પરતંત્ર છે. મુક્ત કોણ છે? જે મુક્ત હોય તે ચોક્કસ કાર્ય અને કારણથી પર હોય. જો તમે એમ કહેવા માગતા હો કે ‘મુક્તિ’નો ખ્યાલ એ ભ્રમ છે, તો હું કહું છું કે ‘બંધન’નો ખ્યાલ પણ ભ્રમ છે. બે હકીકતોનું આપણને ભાન થાય છે એટલે એ બંને ટકી રહે કે ન ટકે, પણ એકબીજીની સાથે જ. બંધન અને મુક્તિના આપણા ખ્યાલો આવા છે. જો આપણે એક દીવાલ સોંસરું જવું હોય અને જો આપણું માથું તેમાં ભટકાય, તો આપણને લાગે છે કે એ દીવાલથી આપણે મર્યાદિત છીએ. તેની સાથે જ આપણી અંદર એક ઇચ્છાશક્તિ રહેલી જણાય છે અને આપણને લાગે છે કે આપણે આપણી ઇચ્છા પ્રમાણે બધે જઈ શકીએ. પગલે પગલે આ પરસ્પર-વિરોધી વિચારો આપણામાં ઊઠે છે. આપણને એમ માન્યા વિના ચાલતું નથી કે આપણે સ્વતંત્ર છીએ, છતાં હર ક્ષણે આપણને અનુભવ થાય છે કે આપણે સ્વતંત્ર નથી. જો એક વિચાર ભ્રમ હોય તો બીજોય ભ્રમ છે અને જો એક સાચો હોય તો બીજો પણ સાચો છે, કારણ કે બંનેનો આધાર છે એક જ—જ્ઞાન. યોગી કહે છે કે બંને સાચા છે; બુદ્ધિની દૃષ્ટિએ આપણે બદ્ધ છીએ, આત્માની દૃષ્ટિએ આપણે મુક્ત છીએ. કાર્યકારણના સમગ્ર નિયમથી જે પર છે તે તો મનુષ્યનું સાચું સ્વરૂપ, આત્મા, યાને પુરુષ છે. તેનું સ્વાતંત્ર્ય બુદ્ધિ, મન વગેરે વિધવિધ રૂપે રહેલ જડ પ્રકૃતિના થરોમાં થઈને બહાર નીકળે છે. એ તો પુરુષનો પ્રકાશ છે કે જે એ બધાં દ્વારા બહાર આવે છે. બુદ્ધિને પોતાનો પ્રકાશ નથી. દરેક ઇંદ્રિયનું મગજમાં આગવું કેન્દ્ર હોય છે; એવું નથી કે બધી ઇંદ્રિયો માટેનું એક જ કેન્દ્ર છે; દરેકે દરેક ઇંદ્રિય જુદી છે. તો પછી બધાં સંવેદનોનો સુમેળ કેવી રીતે થાય છે? તેમની એકવાક્યતા ક્યાં થાય છે? જો એ એકવાક્યતા મગજમાં હોત તો આંખ, નાક, કાન વગેરે બધી ઇંદ્રિયો માટેનું એક જ કેન્દ્ર હોવું આવશ્યક બનત; પરંતુ આપણે ચોક્કસ જાણીએ છીએ કે દરેક ઇંદ્રિયનું જુદું જુદું કેન્દ્ર છે, પરંતુ માણસ એક જ વખતે જોઈ તેમ જ સાંભળી શકે છે તેથી બુદ્ધિની પાછળ એકતા હોવી જ જોઈએ. બુદ્ધિ મગજની સાથે જોડાયેલી છે, પણ બુદ્ધિની પણ પાછળ પુરુષરૂપી એક તત્ત્વ રહેલું છે કે જ્યાં બધાં વિવિધ સંવેદનો અને ઇંદ્રિયોના અનુભવો એકઠાં થાય છે ને એકરૂપ થઈ જાય છે. આત્મા પોતે જ એ કેન્દ્ર છે કે જ્યાં સઘળા જુદા જુદા અનુભવો કેન્દ્રગામી થઈને એકત્રિત થાય છે. એ આત્મા મુક્ત છે અને એનું મુક્તપણું ક્ષણે ક્ષણે તમને કહે છે કે તમે મુક્ત છો. પણ તમે ભૂલથી એ મુક્તપણાને હર ક્ષણે બુદ્ધિ અને મનની સાથે સેળભેળ કરી દો છો. તમે આત્માના એ સ્વાતંત્ર્યને બુદ્ધિમાં આરોપિત કરો છો પણ તરતો તરત ભાન થાય છે કે બુદ્ધિ સ્વતંત્ર નથી; તમે આત્માના એ સ્વાતંત્ર્યનું શરીરમાં આરોપણ કરો છો, પણ તાબડતોબ કુદરત તમને કહે છે કે એ તમારી ભૂલ છે. એને લીધે મુક્તિ અને બંધનની મિશ્રિત લાગણી એક સાથે થાય છે. યોગી જે બદ્ધ છે અને જે મુક્ત છે તે બંનેનું વિશ્લેષણ કરીને તેમને જુદાં પાડે છે અને તેથી તેનું અજ્ઞાન દૂર થાય છે. તેને અનુભવ થાય છે કે પુરુષ મુક્ત છે, જ્ઞાનસ્વરૂપ ચિન્મય છે કે જે જ્ઞાન બુદ્ધિતત્ત્વ દ્વારા પ્રગટ થઈને સમજશક્તિરૂપ બને છે અને સમજશક્તિરૂપે તે બદ્ધ છે.
तदर्थ एव दृश्यस्यात्मा॥2.21॥
तद् अर्थ एव दृश्यस्य आत्मा॥
૨૧. દૃશ્ય (પ્રકૃતિ)નું સ્વરૂપ પુરુષ (આત્મા)ને માટે જ છે.
પ્રકૃતિને પોતાનો પ્રકાશ નથી. જ્યાં સુધી તેમાં પુરુષ રહેલો હોય છે ત્યાં સુધી તે પ્રકાશરૂપે દેખાય છે. પણ જેમ ચંદ્રનો પ્રકાશ પ્રતિબિંબિત પ્રકાશ છે તેમ પ્રકૃતિનો પ્રકાશ પણ આત્માનો ઉછીનો મળેલો પ્રકાશ છે. યોગીઓના કહેવા પ્રમાણે પ્રકૃતિનાં સઘળાં રૂપો પ્રકૃતિ પોતે જ બનાવે છે, પણ તે પોતાને માટે નહિ, પરંતુ પુરુષને મુક્ત કરવાના એકમાત્ર હેતુથી.
कृतार्थं प्रति नष्टमप्यनष्टं तदन्यसाधारणत्वात्॥2.22॥
कृतार्थम् प्रति नष्टम् अपि अनष्टम् तद् अन्य साधारणत्वात्॥
૨૨. જેનું ધ્યેય સિદ્ધ થઈ ચૂક્યું છે તેવા (મનુષ્યને) માટે પ્રકૃતિ નાશ પામી ગઈ છે, છતાં બીજાઓ માટે તે સર્વસામાન્ય હોવાથી તેનો નાશ થતો નથી.
પ્રકૃતિની સઘળી પ્રવૃત્તિ આત્માને પોતે પ્રકૃતિથી તદ્દન જુદો છે એવો અનુભવ કરાવવા માટે છે. જ્યારે આત્મા એ જાણે, ત્યાર પછી એને પ્રકૃતિ તરફ આકર્ષણ રહે નહિ. પણ જે પુરુષ મુક્ત થયો છે તેને જ માટે સમસ્ત પ્રકૃતિ લોપ પામે છે. બીજા અસંખ્ય જીવો તો બંધનમાં રહેવાના જ અને તેમને માટે પ્રકૃતિ કાર્ય કર્યા કરવાની.
स्वस्वामिशक्त्योः स्वरूपोपलब्धिहेतुः संयोगः॥2.23॥
स्व स्वामि शक्त्योः स्वरूप उपलब्धि हेतुः संयोगः॥
૨૩. દૃશ્ય અને દ્રષ્ટા એ બંનેની શક્તિના સ્વરૂપના અનુભવનું કારણ (તેમનો) સંયોગ છે.
આ સૂત્ર પ્રમાણે પુરુષ અને પ્રકૃતિનો જ્યારે સંયોગ હોય છે, ત્યારે દ્રષ્ટા આત્મા અને દૃશ્ય જગતની શક્તિઓનો આવિર્ભાવ થાય છે. ત્યારે સર્વ દૃશ્યો પ્રગટ થાય છે. આ સંયોગનું કારણ અવિદ્યા છે. આપણે રોજ જોઈએ છીએ કે આપણા સુખ કે દુઃખનું કારણ હંમેશાં આપણું દેહ સાથેનું તાદાત્મ્ય છે. જો મને પૂરેપૂરી ખાતરી હોય કે હું આ શરીર નથી, તો મારે ઠંડી, ગરમી કે એવી બાબતોની પરવા જ ન કરવી જોઈએ. આ શરીર એક સંયોજિત થયેલી વસ્તુ છે. એમ કહેવું કે મારું શરીર અલગ છે, તમારું બીજું છે અને સૂર્યનું વળી જુદું જ છે એ કલ્પના માત્ર છે. સમસ્ત જગત જડ દ્રવ્યનો મહાસાગર છે અને તેમાંના એક પરમાણુનું નામ તમે છો, બીજાનું નામ હું છું અને ત્રીજા એકનું નામ સૂર્ય છે. આ જડ દ્રવ્યનો સમૂહ નિરંતર પરિવર્તન પામતો રહે છે. જે જડ દ્રવ્ય આજે સૂર્યરૂપે ઉત્પન્ન થયું છે તે બીજે દિવસે આપણાં શરીરોનું ઉપાદાન દ્રવ્ય બને.
तस्य हेतुरविद्या॥2.24॥
तस्य हेतुः अविद्या॥
૨૪. (પુરુષ અને પ્રકૃતિના) સંયોગનું કારણ છે અવિદ્યા.
આપણે અવિદ્યાને લીધે એક અમુક શરીર સાથે જોડાઈ ગયા છીએ અને એ રીતે દુઃખને નોતર્યું છે. આ શરીરનો ખ્યાલ એ કેવળ વહેમ જ છે. આ વહેમ જ આપણને સુખી કે દુઃખી કરે છે. અવિદ્યાએ ઊભો કરેલો વહેમ જ આપણને ઠંડી, ગરમી અને સુખદુઃખનો અનુભવ કરાવે છે. આ વહેમથી પર થવું એ આપણું કામ છે અને એ આપણે કેવી રીતે કરી શકીએ તે યોગી બતાવે છે. એવું પુરવાર થયેલું છે કે અમુક પ્રકારની માનસિક અવસ્થાઓમાં માણસ દાઝી જાય તોપણ તેને પીડાનો જરાય અનુભવ થતો નથી. મુશ્કેલી એ છે કે મનનો આ ઓચિંતો ઉછાળો વંટોળિયાની પેઠે એક ક્ષણે આવે છે ને બીજી જ ક્ષણે ચાલ્યો જાય છે. પણ જો આપણે તે યોગની પ્રક્રિયા દ્વારા મેળવીએ તો આપણે આત્માને શરીરમાંથી કાયમને માટે મુક્ત કરી શકીશું.
तदभावात् संयोगाभावो हानं तद्दृशेः कैवल्यम्॥2.25॥
तद् अभावात् संयोग: अभाव: हानम् तद् दृशेः कैवल्यम्॥
૨૫. તે (અવિદ્યા)ના અભાવથી સંયોગનો અભાવ થાય છે. એ જ (અજ્ઞાનનો) ત્યાગ (કહેવાય). એ જ દ્રષ્ટાની કૈવલ્યસ્વરૂપમાં સ્થિતિ.
યોગશાસ્ત્ર પ્રમાણે આત્મા અવિદ્યાને લીધે પ્રકૃતિ સાથે જોડાયેલો છે. આપણા પરના પ્રકૃતિના કાબૂને દૂર કરવો એ ધ્યેય છે. એ જ ધ્યેય સઘળા ધર્મોનું છે. પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. ધ્યેય છે બાહ્ય તેમજ આંતરપ્રકૃતિ પર કાબૂ મેળવીને અંદર રહેલા આ પરમાત્મભાવને પ્રગટ કરવો. એ તમે કર્મ દ્વારા કે ઉપાસના દ્વારા કે યોગ દ્વારા કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો—એક દ્વારા કે એકથી વધારે દ્વારા કે આ બધાં દ્વારા કરો—અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. સિદ્ધાંતો કે સાંપ્રદાયિક માન્યતાઓ કે કર્મકાંડ કે શાસ્ત્રગ્રંથો કે મંદિરો કે મૂર્તિઓ એ બધાં ગૌણ વિગતો માત્ર છે. યોગી આ ધ્યેયે ચિત્તના નિરોધ દ્વારા પહોંચવા પ્રયાસ કરે છે. જ્યાં સુધી આપણે પોતાને પ્રકૃતિના બંધનમાંથી મુક્ત ન કરી શકીએ ત્યાં સુધી આપણે ગુલામ છીએ; પ્રકૃતિ જેમ હુકમ કરે તેમ આપણે નાચવું જ પડે છે. યોગી કહે છે કે જે માણસ મન પર કાબૂ મેળવે છે તે જડ પદાર્થ પર પણ કાબૂ મેળવે છે. આંતરપ્રકૃતિ બાહ્ય પ્રકૃતિ કરતાં ઘણી ઉચ્ચ દરજ્જાની છે અને તેની સાથે લડવું ઘણું વધારે મુશ્કેલ છે, તેના પર કાબૂ મેળવવો ઘણો વધારે કઠણ છે. તેથી જેણે આંતરપ્રકૃતિ પર વિજય મેળવ્યો છે તે સમસ્ત જગત પર કાબૂ ધરાવે છે; જગત તેનું ગુલામ બની જાય છે. રાજયોગ આ કાબૂ મેળવવાની રીતો બતાવે છે. ભૌતિક પ્રકૃતિમાં આપણે જાણીએ છીએ તેના કરતાંય વધુ ઉચ્ચ પ્રકારનાં બળો પર કાબૂ મેળવવાનો રહેશે. આ શરીર તો મનનું માત્ર બહારનું પડ છે. એ બે જુદી જુદી વસ્તુઓ નથી; એ તો જેમ કાલુ માછલી અને તેની છીપ હોય તેમ મન અને તેની ઉપર શરીર છે, એ બેય એક જ વસ્તુનાં બે પાસાં છે; કાલુ માછલીનો અંદરનો પદાર્થ બહારથી જડ દ્રવ્યને લે છે અને છીપ બનાવે છે. તે જ પ્રમાણે અંદરનાં સૂક્ષ્મ બળો કે જેને મન કહેવામાં આવે છે તે બહારથી સ્થૂળ દ્રવ્યને લે છે અને તેમાંથી આ બાહ્ય શરીરરૂપી છીપ તૈયાર કરે છે. એટલે, જો આપણો અંદરની વસ્તુ—મન—પર કાબૂ હોય, તો બાહ્ય શરીર પર કાબૂ મેળવવો ઘણો સહેલો છે. તેમ વળી, આ બળો જુદાં જુદાં નથી. એમ નથી કે કેટલાંક બળો શારીરિક છે અને કેટલાંક માનસિક છે; પણ જેવી રીતે સ્થૂળ ભૌતિક જગત સૂક્ષ્મ જગતની માત્ર સ્થૂળ બાહ્ય અભિવ્યક્તિ છે, બરાબર તેવી રીતે શારીરિક બળો સૂક્ષ્મ માનસિક બળોની સ્થૂળ અભિવ્યક્તિ માત્ર છે.
विवेकख्यातिरविप्लवा हानोपायः॥2.26॥
विवेकख्याति: अविप्लवा हान उपायः॥
૨૬. અજ્ઞાનના નાશનો ઉપાય છે વિવેકનો નિરંતર અભ્યાસ.
અભ્યાસનું ખરું ધ્યેય છે આ કે પુરુષ એ પ્રકૃતિ નથી, તે જડ દ્રવ્ય નથી તેમ મન પણ નથી અને તે પ્રકૃતિ નથી, એટલા માટે તે પરિવર્તન પામી શકે નહિ એમ જાણીને સત્ અને અસત્નો વિવેક કરવો. મિશ્રિત અને પુનર્મિશ્રિત થઈને, નિરંતર લય પામ્યા કરતી માત્ર પ્રકૃતિ જ પરિવર્તન પામે છે. નિરંતર અભ્યાસને પરિણામે જ્યારે આપણે એ વિવેક કરતાં શીખીશું ત્યારે અજ્ઞાનનો નાશ થશે અને પુરુષ પોતાના સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી સ્વરૂપમાં પ્રકાશવા લાગશે.
तस्य सप्तधा प्रान्तभूमिः प्रज्ञा॥2.27॥
૨૭. તેની પ્રજ્ઞા (જ્ઞાન) સાત પ્રકારની સર્વોચ્ચ ભૂમિકાઓની છે.
જ્યારે આ જ્ઞાન આવે છે ત્યારે તે જાણે કે એક પછી એક એમ સાત ભૂમિકાઓમાં આવે છે; અને જ્યારે આમાંની એકની શરૂઆત થાય ત્યારે આપણને જણાય કે આપણને જ્ઞાન થવા લાગ્યું છે. પ્રથમ ભૂમિકાએ એમ લાગશે કે જે આપણે જાણવાનું છે તે જાણી ચૂક્યા છીએ. મનનો અસંતોષ દૂર થશે. જ્યારે આપણને જ્ઞાનની તૃષા લાગે છે ત્યારે આપણે અહીંતહીં, જ્યાં ક્યાંય આપણને લાગે કે કંઈક સત્ય મળી શકશે ત્યાં આપણે જ્ઞાનની શોધ શરૂ કરીએ છીએ અને ત્યાં જ્ઞાન ન મળતાં આપણને અસંતોષ થાય છે અને નવી દિશામાં શોધ કરવા લાગીએ છીએ. પણ એ બધી શોધ વ્યર્થ છે અને છેવટે આપણને અનુભવ થવા લાગે છે કે જ્ઞાન તો આપણી અંદર જ રહેલું છે, બીજું કોઈ આપણને મદદ કરી શકે તેમ નથી અને આપણે પોતે જ પોતાને મદદ કરવાની છે. જ્યારે આપણે વિવેકનો અભ્યાસ શરૂ કરીએ ત્યારે આપણે સત્યની નજીક જઈએ છીએ. તેની પહેલી નિશાની એ હશે કે એ અસંતોષની લાગણી ચાલી જશે. આપણને ચોક્કસ ખાતરી થશે કે આપણને સત્ય લાધ્યું છે અને જે લાધ્યું છે તે સત્ય સિવાય બીજું કંઈ ન હોઈ શકે. ત્યારે આપણને જણાય કે આ જે સૂર્ય ઊગે છે, પ્રભાત થાય છે તે બધું આપણે માટે છે, એટલે હિંમત ન હારતાં ખંતપૂર્વક મંડ્યા રહીને ધ્યેયે પહોંચવાનું છે. બીજી ભૂમિકામાં સર્વ પ્રકારનાં દુઃખોની નિવૃત્તિ થાય છે. ત્યાર પછી આ દુનિયામાંની આંતરિક કે બાહ્ય કોઈ પણ વસ્તુ આપણને દુઃખી કરી શકશે નહિ. ત્રીજી ભૂમિકા છે પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ. આપણામાં સર્વજ્ઞતા આવશે. ચોથી ભૂમિકામાં વિવેક દ્વારા સઘળાં કર્તવ્યોની સમાપ્તિનો અનુભવ થશે. પાંચમીમાં જેને ‘ચિત્તનો મોક્ષ’ કહેવામાં આવે છે તે અવસ્થા આવશે. તેમાં આપણને અનુભવ થશે કે જેવી રીતે પર્વતના શિખર પરથી પથ્થર ગબડી જઈને નીચે ખીણમાં પડી જાય છે તે કદી ઉપર પાછો આવતો નથી તેવી રીતે આપણી સઘળી મુશ્કેલીઓ અને મથામણો અને મનની અનિશ્ચિતતાઓ જતાં રહ્યાં છે. ત્યાર પછીની છઠ્ઠી ભૂમિકામાં ચિત્તને પોતાને જ એવો અનુભવ થશે કે જ્યારે જ્યારે આપણે ઇચ્છા કરીએ ત્યારે ત્યારે ચિત્ત તેનાં કારણોમાં લય પામી જાય છે. છેલ્લી સાતમી ભૂમિકામાં આપણને જણાશે કે આપણે આપણા આત્મામાં પ્રતિષ્ઠિત થયા છીએ, સમસ્ત વિશ્વમાં એક માત્ર આપણે જ છીએ, દેહ કે મનનો આપણી સાથે કદી સંબંધ જ થયો નહોતો, તો પછી તેમના આપણી સાથે જોડાવાની વાત જ ક્યાં રહી! શરીર અને મન તેમની પોતાની રીતે કાર્ય કર્યા કરતાં હતાં અને આપણે, અજ્ઞાનને લીધે, તેમની સાથે જોડાયેલા માનતા હતા. પરંતુ આપણે તો એકાકી જ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, સદા ધન્ય છીએ; આપણો પોતાનો આત્મા એટલો બધો શુદ્ધ, પવિત્ર અને પૂર્ણ હતો કે આપણને બીજા કશાની જરૂર જ નહોતી. આપણને સુખી કરવા માટે બીજા કોઈની ગરજ નહોતી, કારણ કે આપણે પોતે આનંદસ્વરૂપ જ છીએ. આપણને જણાશે કે આ જ્ઞાન બીજી કોઈ વસ્તુ પર આધાર રાખતું નથી; વિશ્વ આખામાં એવી કોઈ પણ વસ્તુ નહિ હોય કે જે આપણા જ્ઞાનથી પ્રકાશિત નહિ થાય. આ છે છેલ્લી ભૂમિકા અને ત્યાં પહોંચીને યોગી શાંત અને સ્થિર થશે, પછી તેને કદી પીડાનો અનુભવ નહિ થાય, તેને કદી ભ્રાંતિ નહિ થાય, તેને કદી દુઃખનો સ્પર્શ થશે નહિ. એને અનુભવ થશે કે પોતે સદા ધન્ય, સદા પૂર્ણ, સર્વશક્તિમાન છે.
योगाङ्गानुष्ठानादशुद्धिक्षये ज्ञानदीप्तिराविवेकख्यातेः॥2.28॥
योग अङ्ग अनुष्ठानाद् अशुद्धि: क्षये ज्ञान दीप्ति: आविवेकख्यातेः॥
૨૮. યોગનાં અંગોના અનુષ્ઠાન દ્વારા અશુદ્ધિનો નાશ થવાથી જ્ઞાનનો પ્રકાશ થાય છે અને તેથી છેવટે વિવેક યાને સદ્બુદ્ધિ આવે છે.
હવે આવે છે અભ્યાસને આચરણમાં મૂકવાના જ્ઞાનની વાત. હમણાં આપણે જે કહી ગયા તે ઘણું ઊંચા પ્રકારનું છે. એ છે તો ઘણું ઊંચું, આપણી મગજશક્તિથી ખૂબ દૂર ઊંચે, પણ આદર્શ એ છે. શારીરિક અને માનસિક સંયમ મેળવવો એ પહેલું જરૂરી છે. ત્યાર પછી આપણી અનુભૂતિ એ આદર્શમાં દૃઢ થશે. આદર્શનું એક વાર જ્ઞાન થાય, પછી તે આદર્શે પહોંચવાની સાધનાનો અભ્યાસ કરવાનું બાકી રહે છે.
यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टावङ्गानि॥2.29॥
यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ध्यान समाधय: अष्टौ अङ्गानि॥
૨૯. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ યોગનાં આઠ અંગ છે.
अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः॥2.30॥
अहिंसा सत्य अस्तेय ब्रह्मचर्य अपरिग्रहा: यमाः॥
૩૦. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એટલાંને યમ કહેવામાં આવે છે.
જે માણસ પૂર્ણ યોગી થવા ઇચ્છતો હોય તેણે સ્ત્રીપુરુષ ભેદનો ખ્યાલ તજવો જ જોઈએ. આત્મામાં લિંગભેદ નથી; તો પછી તેણે એ ભેદસૂચક વિચારો કરીને પોતાની જાતને શા માટે હલકી પાડવી? આ વિચારોનો શા માટે ત્યાગ કરવો જોઈએ એ આગળ ઉપર આપણને સમજાશે. જે માણસ પરિગ્રહ કરે, બીજાનું દાન લે, તેના મન પર દાન આપનારના મનનો પ્રભાવ પડે છે, તેથી દાન લેનારનું મન અધઃપતન પામે છે. દાન લેવાથી મનનું સ્વાતંત્ર્ય નાશ થવાનો અને આપણને ગુલામ બનાવવાનો સંભવ રહે છે. માટે દાન લેશો મા.
जाति-देश-काल-समयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम्॥2.31॥
जाति देश काल समय अनवच्छिन्नाः सार्वभौमा: महाव्रतम्॥
૩૧. આ (યમો) જ્યારે જાતિ, દેશ, કાળ અને પરિસ્થિતિથી બંધાયા વિના લાગુ પાડવામાં આવે, ત્યારે એ મહાવ્રત કહેવાય છે.
આ સાધનાઓ—અહિંસા, સાચું બોલવું, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ (બીજા પાસેથી ન સ્વીકારવું) -નું પાલન દરેક પુરુષ, સ્ત્રી અને બાળકે, દેશ, જાતિ કે મોભાના ભેદ વિના કરવાનું છે.
शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः॥2.32॥
शौच संतोष तपः स्वाध्याय ईश्वरप्रणिधानानि नियमा:॥
૩૨. (બાહ્ય અને આંતર) શુદ્ધિ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપૂજન એ નિયમો છે.
બાહ્યશુદ્ધિ એટલે શરીરને સાફ રાખવું; ગંદો, મેલોઘેલો માણસ કદી યોગી થઈ શકતો નથી. તેમ જ આંતરિક શુદ્ધિ પણ જોઈએ. એ પ્રકરણ એકના ૧ થી ૩૩મા સૂત્રમાં વર્ણવેલા ગુણોના પાલનથી મળે. અલબત્ત, બાહ્ય શુદ્ધિ કરતાં અંતરની શુદ્ધિ વધુ કિંમતી છે ખરી, પણ બંને આવશ્યક છે; અને અંતરની શુદ્ધિ વિનાની બહારની સફાઈ નકામી છે.
वितर्कबाधने प्रतिपक्षभावनम्॥2.33॥
वितर्क बाधने प्रतिपक्ष भावनम्॥
૩૩. યોગમાં પ્રતિબંધક વિચારોને અટકાવવા માટે તેમના વિરોધી વિચારોનું ચિંતન કરવું.
નિયમો તરીકે જે સદ્ગુણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમનો અભ્યાસ કરવાનો રસ્તો એ છે. દાખલા તરીકે, મનમાં જ્યારે ક્રોધનો મોટો આવેશ આવ્યો હોય ત્યારે તેને રોકવો કઈ રીતે? તેનાથી વિરોધી પ્રકારનો વિચારતરંગ મનમાં ઊભો કરીને. એ વખતે પ્રેમની ભાવના મનમાં લાવો. કોઈ વાર સ્ત્રીને પોતાના પતિ પર ખૂબ ક્રોધ આવ્યો હોય,અને એ અવસ્થામાં તેનું બાળક આવી ચડે અને તેને તે વહાલથી બચ્ચી ભરે, તે વખતે પેલું ક્રોધનું મોજું શમી જાય છે અને એક નવું મોજું ઊઠે છે, બાળક પ્રત્યેના પ્રેમનું એ મોજું પહેલાને દબાવે છે. ક્રોધનો વિરોધી ભાવ છે પ્રેમ. તે જ પ્રમાણે, જ્યારે ચોરી કરવાનો વિચાર મનમાં આવે, ત્યારે અસ્તેયનો વિચાર મનમાં લાવવો જોઈએ; તથા જ્યારે દાન લેવાનો વિચાર મનમાં આવે, ત્યારે તેને અપરિગ્રહની ભાવનાથી દાબી દેવો જોઈએ.
वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधिमात्रा दुःखाज्ञानानन्तफला इति प्रतिपक्षभावनम्॥ 2.34॥
वितर्का: हिंसा आदयः कृत कारित अनुमोदिता: लोभ क्रोध मोह पूर्वका: मृदु मध्य अधिमात्रा: दुःख अज्ञान अनन्तफला: इति प्रतिपक्ष भावनम्॥
૩૪. યોગમાં આવતા પ્રતિબંધો એટલે હિંસા, અસત્ય વગેરે. પછી એ પોતે કર્યાં હોય, બીજા પાસે કરાવ્યાં હોય અથવા કોઈ કરતું હોય તેને અનુમોદન આપ્યું હોય; જે લોભથી કે ક્રોધથી કે મોહથી ઉત્પન્ન થયા હોય; જે ધીમા કે મધ્યમ કે જોરદાર હોય; તે પરિણામે અનંત દુઃખ અને અનંત અજ્ઞાન લાવે છે. એવી ભાવનાને વિરોધી વિચારોનું ચિંતવન કહે છે.
જો હું અસત્ય બોલું કે બીજાને બોલવા પ્રેરું કે બીજો બોલતો હોય તેને સંમતિ આપું, તે એકસરખું જ પાપ છે. જૂઠાણું ભલે સાવ નાનું હોય, છતાં પણ એ જૂઠાણું તો છે જ. એકેએક દુષ્ટ વિચાર આઘાત ખાઈને પાછો આવવાનો જ, ધિક્કારનો દરેકેદરેક વિચાર, પછી ભલે તમે તે ગુફામાં પેસીને કર્યો હોય, પણ તે સંઘરાઈ રહે છે અને આ જિંદગીમાં તે પ્રચંડ શક્તિ સહિત એક દિવસે કોઈક દુઃખરૂપે તમારી પાસે પાછો આવશે. જો તમે ધિક્કાર અને ઈર્ષ્યાની ભાવના સેવશો તો તે તમારા પર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે આવી પડશે. કોઈ પણ શક્તિ તેને રોકી શકતી નથી; એક વાર તમે તેમને વહેતા કર્યા, એટલે પછી તમારે તેમનાં ફળ ભોગવ્યા વિના છૂટકો જ નથી. આ યાદ રાખશો તો દુષ્ટ કામ કરતા અટકશો.
अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः॥2.35॥
अहिंसा प्रतिष्ठायाम् तत् सन्निधौ वैर त्यागः॥
૩૫. અહિંસામાં પ્રતિષ્ઠિત (દૃઢ) થવાથી તેની હાજરીમાં સૌ કોઈમાંથી વૈરભાવ નીકળી જાય છે.
જો માણસ બીજાઓ પ્રત્યે અહિંસાના આદર્શમાં દૃઢ થાય તો તેની પાસે સ્વભાવે હિંસક પ્રાણીઓ પણ શાંત થઈ જાય. એવા યોગીની પાસે વાઘ અને ઘેટું એક સાથે રમશે. જ્યારે એ સ્થિતિએ પહોંચાય, ત્યારે સમજવું કે અહિંસામાં દૃઢ પ્રતિષ્ઠિત થયા છીએ.
सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम्॥2.36॥
सत्य प्रतिष्ठायाम् क्रिया फल आश्रयत्वम्॥
૩૬. સત્યમાં પ્રતિષ્ઠિત થવાથી યોગી કર્મો કર્યા વિના કર્મોનું ફળ પ્રાપ્ત કરવાની સિદ્ધિ મેળવે છે.
જ્યારે સત્યની આ શક્તિ તમારામાં દૃઢ થશે, ત્યારે તમે સ્વપ્નમાંય કદી જૂઠું નહીં બોલવાના. કાયા, મન, વચનથી તમે સત્યનું જ આચરણ કરવાના. તમે જે કંઈ બોલશો તે સાચું થઈને ઊભું રહેશે. તમે કોઈને આશીર્વાદ આપો કે ‘તારું કલ્યાણ થાઓે’, તો ખરેખર તેનું કલ્યાણ થશે. કોઈ માણસ રોગી હોય અને જો તમે તેને કહો કે, ‘તારો રોગ મટી જાઓ’, તો તેનો રોગ તરત મટી જશે.
अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम्॥2.37॥
अस्तेय प्रतिष्ठायाम् सर्व रत्न उपस्थानम्॥
૩૭. અસ્તેયમાં દૃઢ થવાથી સર્વ રત્નો યોગી પાસે આવે છે.
પ્રકૃતિથી તમે જેટલા દૂર ભાગશો તેટલી તે તમારી પાછળ પડવાની; પણ જો તમે તેની બિલકુલ પરવા નહિ કરો તો તે તમારી ગુલામ થઈને રહેશે.
ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः॥2.38॥
ब्रह्मचर्य प्रतिष्ठायाम् वीर्य लाभः॥
૩૮. બ્રહ્મચર્યમાં સ્થિર થવાથી શક્તિ મળે છે.
બ્રહ્મચર્ય દ્વારા પ્રબળ મગજશક્તિ ખીલે છે અને અણનમ ઇચ્છાશક્તિ વિકસે છે. બ્રહ્મચર્ય વિના જરાય આધ્યાત્મિક શક્તિ આવી શકે નહિ. બ્રહ્મચર્ય વડે માનવજાતિ પર અદ્ભુત પ્રભાવ મેળવી શકાય છે. મનુષ્યજાતિમાં આધ્યાત્મિક આચાર્યો ઘણા જ બ્રહ્મચર્ય પરાયણ હતા અને એથી જ તેમને શક્તિ મળી હતી. એટલા માટે યોગીએ બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ.
अपरिग्रहस्थैर्ये जन्मकथन्तासम्बोधः॥2.39॥
अपरिग्रह: स्थैर्ये जन्म कथन्ता सम्बोधः॥
૩૯. અપરિગ્રહમાં દૃઢ થવાથી પાછલા જન્મોની સ્મૃતિ થાય છે.
માણસ જ્યારે બીજાઓ પાસેથી કંઈ સ્વીકારતો નથી, ત્યારે તે બીજાઓના ઉપકાર નીચે આવતો નથી, પણ સ્વતંત્ર અને મુક્ત રહે છે. તેનું મન પવિત્ર થાય છે. જ્યારે જ્યારે દાન લેવામાં આવે છે, ત્યારે ત્યારે લેનારનું મન દેનારના ખરાબ સંસ્કારોથી ખરડાય છે. જો માણસ દાન ન લે તો તેનું મન પવિત્ર થાય છે અને જે પહેલી સિદ્ધિ તેને મળે છે તે પાછલા જન્મની સ્મૃતિ મળે છે. ત્યારે જ યોગી પોતાના આદર્શમાં સંપૂર્ણ સ્થિર થયો કહેવાય. તે જોઈ શકે છે કે પોતે અનેક વાર આ સંસારમાં આવ્યો છે અને ગયો છે. તેથી તેનો દૃઢ નિશ્ચય થાય છે કે આ વખતે તો મારે મુક્ત થવું જ છે, હવે આવાગમનના ફેરામાંથી છૂટવું જ છે, હવે પ્રકૃતિનો ગુલામ બનવું નથી જ.
शौचात् स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः॥2.40॥
शौचात् स्व अङ्ग जुगुप्सा परै: असंसर्गः॥
૪૦. બાહ્ય અને આંતરિક શૌચ દૃઢ થવાથી પોતાના શરીર પ્રત્યે ઘૃણા ઊપજે છે અને બીજાઓ સાથે સંસર્ગ ન રાખવાની વૃત્તિ પેદા થાય છે.
જ્યારે શરીરની ખરેખરી શુદ્ધિ—બાહ્ય તેમજ આંતરિક—આવે છે, ત્યારે પોતાના શરીર પ્રત્યે ઉપેક્ષા આવે છે અને તેને સુંદર રાખવાની ભાવના ચાલી જાય છે. જે ચહેરાને બીજાઓ સુંદરમાં સુંદર કહેશે તે ચહેરાની પાછળ જો બુદ્ધિ નહિ હોય તો યોગીને મન તે જાનવરના જેવો લાગશે. દુનિયા જેને સાવ સાધારણ મોઢું કહે, તેની પાછળ જો આત્માનો પ્રકાશ હશે તો તે યોગીને મન સ્વર્ગીય જણાશે. આ શરીર પરની આસક્તિ એ મનુષ્યજીવનનો મોટો અનર્થ છે. તેથી શુદ્ધિમાં દૃઢ થયાની પહેલી નિશાની એ છે કે ‘હું દેહ છું’ એ વિચાર તમને ગમશે નહિ. જ્યારે શુદ્ધિ આવે ત્યારે જ દેહભાનથી છુટાય.
सत्त्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शन-योग्यत्वानि च॥2.41॥
सत्त्व शुद्धि सौमनस्य ऐकाग्र्य इन्द्रिय जय आत्मदर्शन योग्यत्वानि च॥
૪૧. (તેમ જ શૌચથી) ચિત્તની શુદ્ધિ, મનની પ્રસન્નતા, એકાગ્રતા, ઇંદ્રિયજય અને આત્મદર્શન માટેની યોગ્યતા વગેરે ગુણો પણ આવે છે.
શૌચના અભ્યાસથી સત્ત્વગુણ વધે છે અને મન એકાગ્ર અને પ્રસન્ન થાય છે. માણસ ધાર્મિક બને છે તેનું પહેલું ચિહ્ન એ કે તે આનંદી બનતો જાય છે. જ્યારે માણસ ઉદાસ-ગંભીર હોય ત્યારે તે અજીર્ણને કારણે હોઈ શકે, પણ એ ધાર્મિકતા તો નથી જ. સત્ત્વગુણનો સ્વભાવ છે આનંદીપણું. સાત્ત્વિક મનુષ્યને બધું આનંદી જણાય અને જ્યારે આનંદીપણું આવે, ત્યારે જાણવું કે યોગસાધનામાં આગળ વધાય છે. સઘળા પ્રકારનું દુઃખ તમોગુણને લીધે પેદા થાય છે; તેથી તેનો ત્યાગ કરવો, વિષાદ એ તમોગુણનું પરિણામ છે. સશક્ત, સુડોળ, યુવાન, નીરોગી અને સાહસિક માણસો જ યોગી થવાને યોગ્ય છે. યોગીને મન સઘળું આનંદમય હોય છે, તેની નજરે ચડતો દરેક મનુષ્યનો ચહેરો તેનામાં પ્રસન્નતા ઊભી કરે છે. ધાર્મિક મનુષ્યની નિશાની એ છે. દુઃખ તો પાપથી આવે છે, બીજા કશાથી નહિ. સોગિયું ડાચું તમારે શા માટે કરવું જોઈએ? એ તો ભયંકર કહેવાય. જો તમારો ચહેરો ગમગીન રહેતો હોય તો તે દિવસે બહાર ન જવું, પોતાના ઘરમાં ભરાઈ રહેવું. તમારી ગમગીનીને બહાર દુનિયામાં ફેલાવવાનો તમને શો અધિકાર છે? જ્યારે તમારા મન પર કાબૂ આવે, ત્યારે તમારા આખા શરીર પર કાબૂ આવશે; અને આ શરીરયંત્રના ગુલામ બનવાને બદલે શરીર તમારું ગુલામ બનશે. આ શરીરયંત્ર તમારા આત્માને ખેંચીને નીચે પાડવાને બદલે તેનો મોટામાં મોટો મદદગાર બને છે.
संतोषादनुत्तमः सुखलाभः॥2.42॥
संतोषात् अनुत्तम: सुखलाभः॥
૪૨. સંતોષથી સર્વોત્તમ સુખની પ્રાપ્તિ થાય છે.
कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात् तपसः॥ 2.43॥
काय इन्द्रिय सिद्धि: अशुद्धि क्षयात् तपस:॥
૪૩. તપ વડે અશુદ્ધિનો નાશ થવાથી શરીર અને ઇંદ્રિયોની સિદ્ધિઓ આવે છે.
તપનાં પરિણામ તાબડતોબ નજરે ચડે છે, જેવાં કે ક્યારેક દૂરદર્શન, દૂર-શ્રવણ વગેરે વગેરે.
स्वाध्यायाद् इष्टदेवतासंप्रयोगः॥2.44॥
स्वाध्यायात् इष्टदेवता सम्प्रयोग:॥
૪૪. સ્વાધ્યાય (મંત્ર જપ) વડે ઇષ્ટદેવતાઓનો સાક્ષાત્કાર થાય છે.
જેટલા વધુ ઉચ્ચ કોટિના દેવતાનાં દર્શન કરવાની ઇચ્છા રાખો તેટલી સાધના વધુ કઠણ.
समाधिसिद्धिरीश्वरप्रणिधानात्॥2.45॥
समाधिसिद्धि: ईश्वर प्रणिधानात्॥
૪૫. ઈશ્વરને સર્વ સમર્પણ કરવાથી સમાધિ પ્રાપ્ત થાય છે. ઈશ્વરને આત્મસમર્પણ કરવાથી સમાધિમાં સિદ્ધ થવાય છે.
स्थिरसुखम् आसनम्॥2.46॥
स्थिर सुखम् आसनम्॥
૪૬. જે સ્થિતિમાં સ્થિર થઈને સુખપૂર્વક બેસી શકાય તે આસન.
હવે આવે છે આસનનો વિષય. જ્યાં સુધી આસન સ્થિર ન થાય ત્યાં સુધી પ્રાણાયામ તથા બીજી ક્રિયાઓ ન થઈ શકે. આસનની સ્થિરતાનો અર્થ એ કે તમને તમારા શરીરનું ભાન જરાય થાય નહિ. સામાન્ય રીતે, તમને જણાશે કે જેવા તમે થોડીક મિનિટ સુધી બેસો કે તરત જ શરીરમાં તરેહ તરેહની ચંચળતા ઊભી થવા માંડશે; પણ જ્યારે તમે સ્થૂલ શરીરના ભાનથી પર થયા હો, ત્યારે શરીરનો સઘળો ખ્યાલ જ ચાલ્યો જશે. સુખ કે દુઃખ બેમાંથી એકેયનો તમને અનુભવ નહિ થાય અને જ્યારે તમને દેહભાન પાછું આવશે, ત્યારે તમને લાગશે કે તમને ખૂબ આરામ મળ્યો છે. શરીરને આપી શકાય તેવો સંપૂર્ણમાં સંપૂર્ણ આરામ એ એક જ છે. જ્યારે શરીર પર વિજય મેળવવામાં સફળ થવાય, ત્યારે તમારી ક્રિયા સ્થિર થાય, પણ શરીરની ચંચળતા જ્યારે ખલેલ પાડે, ત્યારે જ્ઞાનતંતુઓ ક્ષુબ્ધ થાય અને મનને એકાગ્ર કરી શકાય નહિ.
प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम्॥2.47॥
प्रयत्न शैथिल्य अनन्त समापत्तिभ्याम्॥
૪૭. સ્વાભાવિક (ચંચળતાની) વૃત્તિને નરમ પાડવાથી તથા અનંતનું ધ્યાન કરવાથી આસન સ્થિર અને આરામદાયક બને છે.
અનંતનું ધ્યાન કરવાથી આસન સ્થિર થઈ શકે. અનંત પરમાત્માનું ધ્યાન આપણે ભલે ન કરી શકીએ, પણ અનંત આકાશનું ચિંતન તો કરી શકીએ.
ततो द्वन्द्वानभिघातः॥2.48॥
तत: द्वन्द्व अनभिघात:॥
૪૮. આસન જય થયો એટલે દ્વન્દ્વો વિઘ્ન કરી શકતાં નથી.
દ્વન્દ્વો એટલે સારુંનરસું, ઠંડીગરમી તથા એકબીજાથી ઊલટી વસ્તુઓનાં જોડકાં પછી ખલેલ પહોંચાડી શકતાં નથી.
तस्मिन्सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः॥2.49॥
तस्मिन् सति श्वास प्रश्वासयो: गतिविच्छेद: प्राणायाम:॥
૪૯. તે પછી શ્વાસોચ્છ્વાસની ગતિના નિયમનરૂપ પ્રાણાયામ આવે છે.
જ્યારે આસન સિદ્ધ થાય, ત્યારે પછી પ્રાણની ગતિને કાબૂમાં લઈને તેને કેળવવાની હોય છે. આમ આપણે પ્રાણાયામ, યાને શરીરનાં જીવનધારક બળો પરના કાબૂના વિષય પર આવીએ છીએ. પ્રાણ એટલે શ્વાસ નહિ, જો કે પ્રાણ શબ્દનો તરજુમો તો સામાન્ય રીતે એ જ કરવામાં આવે છે. પ્રાણ એટલે વિશ્વની શક્તિનો એકંદર સરવાળો, યાને સમષ્ટિ વિશ્વશક્તિ. પ્રાણ એ દરેકેદરેક શરીરમાં રહેલી શક્તિ છે અને તેનું સ્પષ્ટમાં સ્પષ્ટ કાર્ય છે ફેફસાંઓની ઊંચીનીચી ગતિ. આ ગતિ, પ્રાણશક્તિ શ્વાસને અંદર ખેંચે છે તેથી ઉત્પન્ન થાય છે અને પ્રાણાયામમાં જેના પર કાબૂ મેળવવા આપણે માગીએ છીએ તે આ ગતિ છે. પ્રાણશક્તિ પર કાબૂ મેળવવાના સહેલામાં સહેલા ઉપાય તરીકે આપણે શ્વાસને નિયમિત કરવાની શરૂઆત કરીએ છીએ.
बाह्याभ्यन्तरस्तम्भवृत्तिर्देशकालसंख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः॥ 2.50॥
बाह्य आभ्यंतर स्तम्भवृत्ति: देश काल संख्याभि: परिदृष्ट: दीर्घ सूक्ष्म:॥
૫૦. પ્રાણાયામના પ્રકારો આ છેઃ બાહ્ય, આંતરિક તથા ગતિરહિત; વળી તે દેશ, કાળ અને સંખ્યા વડે નિયમિત હોય; તથા લાંબા અગર ટૂંકા હોય.
પ્રાણાયામની ત્રણ પ્રકારની ગતિઓ આ પ્રમાણેની હોય છેઃ એક પૂરક કે જેમાં શ્વાસને અંદર લઈએ છીએ તે; બીજી રેચક કે જેનાથી શ્વાસને બહાર કાઢવામાં આવે છે તે; અને ત્રીજી કુંભક કે જેમાં શ્વાસને ફેફસાંમાં રોકી રાખવામાં આવે છે અથવા શ્વાસને બહાર રોકીને ફેફસાંમાં પ્રવેશ કરતો અટકાવવામાં આવે છે. આ ત્રણે ક્રિયાઓમાં દેશ અને કાળ પ્રમાણે ફેરફાર થાય છે. દેશનો અર્થ એ કે પ્રાણને શરીરના કોઈક વિશિષ્ટ ભાગમાં રોકી રાખવામાં આવે. કાળનો અર્થ એ કે પ્રાણને અમુક ભાગમાં કેટલા વખત સુધી રોકવો; એટલે કે એક ગતિમાં કેટલી સેકન્ડ સુધી રાખવો અને બીજીમાં કેટલી સેકન્ડ સુધી રાખવો. આ પ્રાણાયામનું ફળ છે ‘ઉદ્ઘાટ’, યાને કુંડલિનીની જાગૃતિ.
बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थः॥2.51॥
बाह्य आभ्यन्तर विषय आक्षेपी चतुर्थः॥
૫૧. પ્રાણાયામનો ચોથો પ્રકાર છે, બાહ્ય કે આંતર વિષયના ચિંતન દ્વારા પ્રાણનું નિયમન.
આ પ્રાણાયામનો ચોથો પ્રકાર છે કે જેમાં ચિંતન સહિતના લાંબા અભ્યાસ દ્વારા કુંભક સિદ્ધ કરવામાં આવે છે. બીજા ત્રણ પ્રકારોમાં ચિંતન નથી હોતું.
ततः क्षीयते प्रकाशावरणम्॥2.52॥
૫૨. તેનાથી ચિત્તના પ્રકાશ પરનું આવરણ ક્ષીણ થાય છે.
ચિત્તની અંદર સ્વભાવથી જ સર્વ જ્ઞાન રહેલું છે. તે બનેલું છે સત્ત્વ તન્માત્રાઓનું, પણ રજસ્ અને તમસ્ તન્માત્રાઓથી ઢંકાઈ ગયું છે. પ્રાણાયામ દ્વારા આ આવરણ દૂર થાય છે.
धारणासु च योग्यता मनसः॥2.53॥
૫૩. અને મન ધારણાને માટે યોગ્ય બને છે.
આ આવરણ દૂર થતાં આપણે મનને એકાગ્ર કરી શકીએ છીએ.
स्वविषयासंप्रयोगे चित्तस्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः॥2.54॥
स्व विषय असम्प्रयोगे चित्तस्वरूप अनुकार इव इन्द्रियाणाम् प्रत्याहार:॥
૫૪. પ્રત્યાહાર એટલે ઇંદ્રિયોનો પોતપોતાના વિષયોનો ત્યાગ અને જાણે કે, ચિત્તનો આકાર ધારણ કરવો.
ઇંદ્રિયો એ ચિત્તની જુદી જુદી અવસ્થાઓ છે. હું એક પુસ્તક જોઉં છું; પુસ્તકનો આકાર પુસ્તકમાં નથી, પણ તે મનમાં છે. બહાર એવું કંઈક છે કે જે તે આકારને ઊભો કરે છે. એટલે ખરો આકાર તો ચિત્તમાં રહેલો છે. ઇંદ્રિયો જે કંઈ તેમની સામે આવે, તેની સાથે તદ્રૂપ થઈ જઈને તેનો આકાર લે છે. જો તમે ચિત્તને આ વિવિધ આકાર લેતું અટકાવી શકો, તો મન શાંત રહેશે. આનું નામ પ્રત્યાહાર.
ततः परमा वश्यतेन्द्रियाणाम्॥2.55॥
ततः परमा वश्यता इन्द्रियाणाम्॥
૫૫. તેમાંથી ઇંદ્રિયો પરનો સંપૂર્ણ કાબૂ આવે છે.
જ્યારે યોગી ઇંદ્રિયોને બાહ્ય વિષયોનો આકાર લેતી અને ચિત્તની સાથે તદ્રૂપ થઈ જતી અટકાવવામાં સફળ થાય છે, ત્યારે ઇંદ્રિયો પર સંપૂર્ણ કાબૂ આવે છે. જ્યારે ઇંદ્રિયો સંપૂર્ણ રીતે કાબૂમાં હોય, ત્યારે દરેક માંસપેશી અને જ્ઞાનતંતુ કાબૂમાં આવે, કારણ કે ઇંદ્રિયો જ સઘળાં નિવેદનો અને સઘળી ક્રિયાઓનાં કેન્દ્રો છે. આ ઇંદ્રિયો કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એવા બે ભાગમાં વહેંચાયેલી છે. એટલે જ્યારે ઇંદ્રિયો પર કાબૂ આવે, ત્યારે યોગી સઘળી લાગણીઓ અને ક્રિયાઓને કાબૂમાં રાખી શકે; આખું શરીર તેના કાબૂમાં આવી જાય છે. ત્યારે જ માણસને જીવન ધારણ કરવાનો આનંદ લાગવા માંડે છે; ત્યારે માણસ સત્યપૂર્વક કહી શકે કે ‘ધન્ય છું કે મેં જન્મ લીધો.’ જ્યારે એ ઇંદ્રિયો પરનો કાબૂ આવે ત્યારે આપણને લાગે કે આ શરીર ખરેખર કેવું અદ્ભુત છે!

