(સાલેમ ઈવનીંગ ન્યૂઝ, ઓગષ્ટ ર૯,૧૮૯૩)

ગયા દિવસના બપોરનું ગરમ હવામાન હોવા છતાં ‘થોટ એન્ડ વર્ક’ ક્લબના ઘણા સભ્યો પોતાના મહેમાનોને સાથે લઈને વેસલી ચેપલમાં હિંદુ સંન્યાસી સ્વામી વિવે કાનોન્દને (તે દિવસોમાં સ્વામી વિવેકાનંદનું નામ ઘણા પ્રકારથી ઉચ્ચારાતું હતું. ખાસ કરીને અમેરિકાનાં સમાચારપત્રો અને તેના સંવાદદાતાઓ વિષયવસ્તુના નવાપણાને કારણે આવા ભૂલભર્યા ઉચ્ચારો કરતા હતા.) મળવા એકઠા થયા હતા. તેઓ હાલમાં આ દેશમાં ભ્રમણ કરી રહ્યા છે. એ સજ્જન પાસેથી અનૌપચારિક રીતે ખાસ કરીને હિન્દુઓના વેદાર (વેદો) અથવા ધર્મગ્રંથો વિશે સાંભળવા માગતા હતા. તેઓ આ પ્રસંગે જ્ઞાતિપ્રથા વિશે માત્ર એક સામાજિક વિભાગ તરીકે બોલ્યા અને બતાવ્યું કે એ જ્ઞાતિપ્રથાને એમના ધર્મનો કશો જ આધાર નથી.

ભારતના ઘણા લોકોની બહુમતીમાં રહેલી ગરીબી વિશે તેમણે ભારપૂર્વક વાત કરી. ભારતનો ભૂમિભાગ યુ.એસ.એ. કરતાં નાનો હોવા છતાં ત્યાં ત્રેવીસ કરોડ (Sic-યથા આલેખિત) લોકો વસી રહ્યા છે અને તેમાંના ત્રણ કરોડ (Sic-યથા આલેખિત) લોકો તો પોતાના પેટગુજારા માટે માત્ર એક મહિનાના પ૦ સેન્ટ માંડ મેળવે છે તેમ કહ્યું. કેટલાક કિસ્સાઓમાં તો દેશના આખા જિલ્લાના લોકો મહિનાઓ સુધી અરે! વરસ સુધી પણ અમુક ઝાડનાં ફૂલો (મહુડાં) ખાઈને જ જીવે છે. એને જ્યારે ઉકાળવામાં આવે છે ત્યારે તે ખાઈ શકાય તેવાં બને છે.

તો વળી બીજા કેટલાક જિલ્લાઓમાં માણસો ફક્ત ભાત જ ખાય છે. તે જિલ્લાની સ્ત્રીઓ અને બાળકોને તો ચોખાના પાણી ઉપર જીવવું પડે છે અને પોતાની ભૂખ શમાવવી પડે છે. ચોખાનો પાક નિષ્ફળ જાય તો દુકાળ જ પડ્યો સમજવો. અડધા ભાગના લોકો તો દિવસમાં ફક્ત એક જ વાર ખાઈને જીવી રહ્યા છે અને બીજા અડધા ભાગના લોકો તો હવે પછીનું ખાણું ક્યારે અને કેવી રીતે આવશે તે જાણતા નથી.’ સ્વામી વિવે ક્યોન્દાના કહેવા પ્રમાણે ભારતને હવે ધર્મની વધુ કે કહેવાતા શ્રેષ્ઠતર ધર્મની જરૂર નથી, પરંતુ ‘વ્યાવહારિક્તા’ ની જરૂર છે અને ભારતના ભૂખ્યા કરોડો એવા આ દુખિયારા લોકોની તાતી જરૂરતો તરફ અમેરિકાના લોકો રસ લઈને જુએ એવી આશા સાથે જ તેઓ આ કહી રહ્યા હતા અને એટલા જ માટે તેઓ આ દેશમાં આવ્યા હતા.

તેમણે પોતાના દેશના લોકોની અવદશા ઉપર લંબાણપૂર્વક કહ્યું અને તેમના ધર્મ વિશે પણ વાત કરી. તેમના પ્રવચનના ગાળામાં તેમને વચ્ચે વારંવાર ડો. એફ. એ. ગાર્ડનર અને સેન્ટ્રલ બેપ્ટિસ્ટ ચર્ચના રેવ. એસ. એફ. નોબ્સ પ્રશ્નો પૂછ્યા કરતા હતા. તેમણે કહ્યું કે મિશનરીઓ પાસે સુંદર વિચારપદ્ધતિઓ છે અને એ પદ્ધતિઓ તેમણે સારા ઈરાદાથી શરૂ પણ કરી છે. પરંતુ માણસોની ઔદ્યોગિક સ્થિતિની બાબતમાં તેમણે કશું કર્યું જ નથી. તેમણે અમેરિકનોને કહ્યુંઃ ‘ભારતના લોકોને ધર્મની તાલીમ આપવા માટે મિશનરીઓને મોકલવાને બદલે લોકોને ઔદ્યોગિક તાલીમ આપવા માટે કેટલાક માણસોને મોકલ્યા હોત તો ઘણું સારું થાત.’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે,‘ખ્રિસ્તીઓએ ભારતના લોકોને આપત્તિ વખતે મદદ કરી છે એ વાત શું ખરી નથી?’ વળી, ‘તેમણે તાલીમી શાળાઓ ખોલીને વ્યવહારુ રીતે શું સહાય કરી નથી કે?’ ત્યારે વક્તાએ જવાબ આપ્યો કે ‘હા, તેમણે કેટલીક વાર એવું કર્યું છે ખરું. પણ સાચી રીતે તો એનો યશ એમને ફાળે જતો જ નથી, કારણ કે આવા સમયે કાયદો લોકો પર પ્રભાવ પાડવાના તેઓના પ્રયાસને છૂટ આપતો ન હતો.’

તેમણે સમજાવ્યું કે ભારતમાં સ્ત્રીઓની અવદશાનું કારણ એ છે કે ત્યાંના પુરુષો સ્ત્રીઓ ઉપર એટલું સન્માન રાખતા કે બહારનું કામ ગમે તેટલું સારું હોય, તોપણ તેમને બહાર જવા દેતા નહિ. તેમને સન્માનપૂર્વક એકાન્તમાં જ રાખવામાં આવતી. તેમણે એ પણ સમજાવ્યું કે પતિના મરણ સમયે સ્ત્રીઓને એની સાથે બળી મરવાની જૂની પ્રથાની ભૂમિકા એ હતી કે તેઓ પોતાના પતિને એટલી બધી ચાહતી હતી કે પોતાના પતિ વગર તે જીવી જ શક્તી નહિ. વિવાહ વખતે તેઓ બન્ને એક થયાં હતાં અને મરણ વખતે પણ એક જ બનીને રહેવાં જોઈએ.

તેમને મૂર્તિપૂજા વિશે પૂછવામાં આવ્યું. જગન્નાથના રથ નીચે કચડાઈ પડવાની બાબતમાં પણ પૂછવામાં આવ્યું. તેમણે કહ્યું કે રથની નીચે કચડાઈ મરવાની બાબતમાં હિન્દુને દોષિત ગણવો ન જોઈએ, કારણ કે એ તો કોઈ ઝનૂની માણસનું જ કામ છે અને રક્તપિત્તવાળા રોગીનું જ કામ છે.

વક્તાએ પોતાના દેશ માટે પોતાના મિશનની વાત કરતાં જણાવ્યું કે ઔદ્યોગિક હેતુ માટે સંન્યાસીઓનું સંગઠન કરવું કે જેથી આ ઔદ્યોગિક શિક્ષણ દ્વારા તેઓ લોકોનું કલ્યાણ કરી શકે અને એ રીતે પોતાની સ્થિતિને સુધારી શકે અને પોતાનો ઉત્કર્ષ કરી શકે.

બપોર પછી સ્વામી વિવે કાનોન્દ, જેમને તેમને સાંભળવાની ઇચ્છા હોય તેવાં બાળકો કે યુવાનો સમક્ષ, ‘ભારતમાં બાળકો’ વિશે બોલશે. ૧૬૬ નોર્થ સ્ટ્રીટનો પોતાનો ઉદ્યાન એને માટે શ્રીમતી વુડ્ઝે કૃપા કરીને આપ્યો છે. તેમનું (સ્વામી વિવેકાનંદનું) વ્યક્તિત્વ દર્શનીય છે. તેઓ કાળા પણ નમણા છે. ગેરુઆ રંગનો લાંબો ઝભ્ભો તેમણે પહેર્યો છે. કમરે પીળો દુપટ્ટો બાંધ્યો છે. માથા પર પીળી પાઘડી વીંટી છે. સંન્યાસી હોવાથી તેમને કોઈ નાતજાત નથી અને તે ગમે તેની સાથે ખાઈ પી શકે છે.

(ડેઈલી ગેઝેટ, ઓગસ્ટ ર૯,૧૮૯૩)

ભારતના રાજા1 સ્વામી વિવિ રાનંદ સાલેમની ‘થોટ એન્ડ વર્ક’ ક્લબના ગઈ કાલે બપોરના વેસલી ચર્ચમાં મહેમાન બન્યા હતા.

સ્ત્રીઓ અને પુરુષો મોટી સંખ્યામાં ભેગાં થયાં હતાં. તેમણે અમેરિકન પદ્ધતિ પ્રમાણે આ વિશિષ્ટ સંન્યાસી સાથે હસ્તધૂનન કર્યું. તેમણે નારંગી રંગનો ઝભ્ભો પહેર્યો હતો અને કમરે દુપટ્ટો બાંધ્યો હતો. માથે પીળી પાઘડી વીંટી હતી. એનું એક છોગું નીચે લટક્તું હતું, એનો તે રૂમાલ તરીકે ઉપયોગ કરતા હતા અને કોંગ્રેસી બૂટ પહેર્યા હતા.

કેટલોક વખત તેમણે પોતાના દેશના લોકોની સ્થિતિ વિશે વાત કરી, તેમના ધર્મ વિશે પણ વાત કરી. ભાષણ દરમિયાન વારંવાર એક પછી એક પ્રશ્નો ડૉ. એફ. એ. ગાર્ડનર અને રેવરન્ડ એસ. એફ. નોબ્સ (સેન્ટ્રલ બેપ્ટિસ્ટ ચર્ચવાળા) તરફથી પૂછાતા રહ્યા. તેમણે કહ્યું કે મિશનરીઓ પાસે સુંદર વિચાર પદ્ધતિઓ છે અને એનો આરંભ પણ સારા ઇરાદાથી થયો છે, પણ માણસોની ઔદ્યોગિક સ્થિતિ વિશે કશું જ કર્યું નથી. તેમણે કહ્યું કે અમેરિકાએ પોતાના મિશનરીઓને ધાર્મિક તાલીમ આપવા માટે મોકલવાને બદલે લોકોને ઔદ્યોગિક તાલીમ આપવા માટે મોકલ્યા હોત તો સારું થાત.

કેટલોક વખત સ્ત્રીઓ અને પુરુષોના સંબંધ વિશે બોલીને તેમણે જણાવ્યું કે ભારતના પતિઓ ક્યારેય જૂઠું બોલ્યા નથી અને ક્યારેય એમણે જુલમ ગુજાર્યો નથી. એ સિવાય પણ એમણે ઘણાં એવાં પાપો ગણાવ્યાં કે જે તેઓએ આચર્યાં નથી.

‘ખ્રિસ્તીઓએ વિપત્તિના સમયમાં ભારતના લોકોને મદદ કરવાની હકીક્ત શું ખરી નથી?’ શું તેમણે વ્યવહારુ રીતે તાલીમી શાળાઓ દ્વારા સહાય નથી કરી કે? એવું પૂછવામાં આવતાં વક્તાએ ઉત્તર આપ્યો કે કેટલીક વાર તેમણે એવું કર્યું છે. પણ સાચી રીતે એનો યશ એમને મળતો નથી, કારણ કે આવા સમયે માણસો ઉપર પ્રભાવ પાડવાનો યત્ન કરવા માટે કાયદો જ તેમને પરવાનગી આપતો ન હતો.

ભારતમાં સ્ત્રીઓની અવદશાની સમજૂતી આપતાં તેમણે જણાવ્યું કે એના પાયામાં હિન્દુઓની મહિલાઓ પ્રત્યેની એવી સન્માનની ભાવના હતી કે તેમને બહાર જવાની અનુમતિ ન આપવાનું જ વિચારાયું હતું. હિન્દુ મહિલાઓ તરફ ખૂબ માનભરી નજરે જોવાતું અને તેથી તેમને એકાંતમાં જ રાખવામાં આવતી. તેમણે એ પણ સમજાવ્યું કે પતિના અવસાન થવાના સમયે સ્ત્રીઓ એની સાથે બળી મરતી એવી જૂની પ્રથાના મૂળમાં સ્ત્રીઓનો તેમના પતિ પ્રત્યેનો એવો પ્રેમ હતો કે પતિ સિવાય તેઓ એકલી જીવી નહિ શકે. વિવાહ વખતે તેઓ એક થયાં હતાં અને મરણ વખતે પણ એક જ થઈને તેમને મરવું હતું.

તેમને મૂર્તિપૂજા વિશે પણ પૂછવામાં આવ્યું. તેમજ જગન્નાથના રથની નીચે કચડાઈને મરવાની વાત પણ પૂછવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે એ માટે કોઈ હિન્દુને દોષ આપવાની જરૂર નથી, કારણ કે એ તો કેવળ ઝનૂની માણસોનાં કૃત્યો છે અને ખાસ કરીને તો રક્તપિત્તના દર્દીઓ જ એવું કરે છે.

મૂર્તિપૂજાની બાબતમાં તેમણે જણાવ્યું કે તેમણે ખ્રિસ્તીઓને પૂછ્યું હતું કે તેઓ જ્યારે પ્રાર્થના કરે છે ત્યારે શેનું ચિંતન કરે છે? ત્યારે કેટલાકે કહ્યું કે તેઓ ચર્ચનું ચિંતન કરે છે, તો કેટલાકે વળી જી.ઓ.ડી. નું ચિંતન કરે છે એમ કહ્યું. પણ પોતાના લોકો મૂર્તિનું ચિંતન કરે છે કારણ કે સામાન્ય લોકોને માટે મૂર્તિપૂજા જરૂરી છે. તેમણે કહ્યું, ‘જૂના જમાનામાં જ્યારે તેમનો ધર્મ પહેલોવહેલો શરૂ થયો ત્યારે સ્ત્રીઓ આધ્યાત્મિક પ્રતિભામાં વિશિષ્ટ હતી. તેમનું મનોબળ પણ ઘણું વધારે હતું.’ આમ હોવા છતાં તેઓ એમ સ્વીકારવા માટે સંમત થતા લાગ્યા કે આજની સ્ત્રીઓની દશા સાવ નીચી થઈ ગઈ છે. ખાવું, પીવું, ગપ્પાં મારવાં અને ગોટાળા કરવા સિવાય તેમને બીજો કશો જ વિચાર આવતો નથી.

ત્યાર પછી વક્તાએ પોતાના દેશ માટેનું પોતાનું મિશન સ્પષ્ટ કર્યું કે ઔદ્યોગિક હેતુ માટે સંન્યાસીઓનો એક સંઘ રચવો છે, જેથી એ સંઘ લોકોને ઔદ્યોગિક શિક્ષણનો લાભ આપી શકે, આ રીતે લોકોનો તેઓ ઉત્કર્ષ કરી શકે અને તેમની સ્થિતિ સુધારી શકે.

(સાલેમ ઈવનીંગ ન્યૂઝ, સપ્ટેમ્બર ૧,૧૮૯૩)

ભારતના વિદ્વાન સંન્યાસી આ નગરમાં કેટલાક દિવસો પસાર કરી રહ્યા છે. તેઓ રવિવારે ઈસ્ટ ચર્ચમાં રાત્રે ૭:૩૦ વાગ્યે બોલશે.

સ્વામી (પૂ.) વિવા કાનંદે એપીસ્કોપલ ચર્ચ એનીસ્ક્વામમાં ગયે રવિવારે ચર્ચના કાર્યવાહક અને હાર્વર્ડના પ્રોફેસર રાઈટના નિમંત્રણથી ભાષણ આપ્યું હતું અને તેમના ઉપર એ રીતે અનુગ્રહ કર્યો હતો.

સોમવારે રાત્રે તેઓ સારાટોગા તરફ જવા નીકળે છે. ત્યાં તેઓ સોશિયલ સાયન્સ એસોસિએશનને સંબોધશે અને ત્યાર પછી તેઓ શિકાગોની કોંગ્રેસને સંબોધન કરશે. ભારતનાં વિશ્વવિદ્યાલયોમાં ઉચ્ચ શિક્ષણ પામેલા કોઈ પણ મનુષ્યની પેઠે વિવે કાનંદ પણ સહજ રીતે જ અંગ્રેજી બોલે છે અને ક્ષતિરહિત બોલે છે. ભારતીય બાળકોની રમતગમત, શાળાઓ અને રીતરિવાજો વિશે મંગળવારે બાળકો સમક્ષ આપેલું તેમનું સરળ વક્તવ્ય અત્યંત રોચક અને મૂલ્યવાન હતું. એક નાની કન્યાએ કહ્યું કે ‘મારી શિક્ષિકાએ મને એવો તો ફટકો માર્યો કે મારી તો આંગળી જ લગભગ ભાંગી ગઈ.’ આ સાંભળીને તેમનું દયાળુ હૃદય હચમચી ઊઠ્યું હતું. વિવે કાનંદે પણ બધા જ સંન્યાસીઓની પેઠે માનવો વચ્ચે ભાઈચારાનો, પવિત્રતાનો, સત્યનો અને ધર્મનો ઉપદેશ દેતાં દેતાં પોતાના દેશની સમગ્ર ભૂમિ ઉપર પરિભ્રમણ કર્યું જ હશે. કોઈ પણ જાતનું કલ્યાણ કે કોઈ પણ પ્રકારનું ભયંકર જૂઠાણું તેમની નજરમાંથી છટકી શકે તેમ ન હતું. અન્ય ધર્મના લોકો પ્રત્યે તેઓ અત્યંત સહિષ્ણુ છે અને તેમનાથી વિરુદ્ધ મત ધરાવનારને માટે કેવળ હેતના જ શબ્દો છે.

(ડેઈલી ગેઝેટ, સપ્ટેમ્બર પ,૧૮૯૩)

ભારતના રાજા સ્વામી વિવિ કાનંદ રવિવારે સાંજે ઈસ્ટ ચર્ચમાં ભારતના ધર્મ વિશે તથા એમની ગરીબ માતૃભૂમિ વિશે બોલ્યા. ઘણા લોકો ભેગા થયા હતા. પણ વિષયના મહત્ત્વના પ્રમાણમાં એ સંખ્યા કંઈ મોટી ન ગણાય તેમજ વક્તાને રસ જાળવવા માટે પણ એ સંખ્યા પૂરતી યોગ્ય ન હતી. સંન્યાસીએ પોતાના દેશનો પોશાક પહેર્યો હતો. તેઓ ચાલીસેક મિનિટ બોલ્યા. તેમણે કહ્યું કે ભારતની આજની જરૂરિયાત હવે એની પચાસ વરસ પૂર્વેની જરૂરિયાત હતી તે નથી. મિશનરીઓએ ભારતમાં ઔદ્યોગિક અને સામાજિક રીતનું શિક્ષણ આપવા આવવું જોઈએ, ધાર્મિક રીતનું નહિ; હિન્દુઓ પાસે પૂરતો બધો ધર્મ છે, હિન્દુ ધર્મ પોતે જ વિશ્વનો પ્રાચીન ધર્મ છે. સંન્યાસી ઘણા જ આનંદદાયક વક્તા છે અને પોતાના શ્રોતાઓનું ધ્યાન ખેંચનાર છે.

(ડેઈલી સેરેટોજીઅન, સપ્ટેમ્બર ૦૬,૧૮૯૩)

… હિંદુસ્તાન, મદ્રાસના સંન્યાસી, વિવે કાનંદે ત્યાર બાદ પીઠિકા પર સ્થાન ગ્રહણ કર્યું. એમણે આખા હિન્દુસ્તાનમાં ઉપદેશ આપ્યો હતો. તેમને સમાજવિદ્યામાં ભારે રસ છે. તેઓ એક બુદ્ધિશાળી અને રસપ્રદ વક્તા છે. તેમણે ‘ભારતમાં મુસલમાનોના શાસન’ વિશે વાત કરી.

આજના કાર્યક્રમમાં કંઈક રોચક વિષય સંમિલિત હતો અને હાર્ટફોર્ડના જેકલ ગ્રીન દ્વારા ‘બિમેટાલીઝમ’ પર વિશેષ રોચક ભાષણ છે. આ અવસર પર વિવે કાનંદ ફરીથી ભારતમાં ચાંદીના ઉપયોગ વિશે ભાષણ આપશે. (1. 489)

______________________________________________________

1 અમેરિકન સંવાદદાતાઓએ સ્વામીજીના નામ સાથે રાજા, બ્રાહ્મણ, પુરોહિત જેવા બધા પ્રકારે વિશેષણ લગાવ્યાં છે, જેના માટે તેઓ પોતે જવાબદાર છે.

Total Views: 173
૧. મિસિસ રાઈટ
૧. સ્વાગતનો પ્રત્યુત્તર