(શિકાગોનાં ચાર અખબાર, હેરોલ્ડ, ઈંટર ઓશન, ટ્રિબ્યૂન અને રેકોર્ડના ૧૧ સપ્ટે. ૧૮૯૩ના અહેવાલોનું સંયોજન; ન્યૂ ડિસ્કવરીઝ વૉ. ૧, પૃ. ૮૩-૮૪)
(અમેરિકાનાં બહેનો અને ભાઈઓ,)
આપની તરફથી મળેલાં મહાન આવકાર-વચનોનો પ્રતિભાવ આપવા માટે ઊભા થતાં મારું હૃદય અકથ્ય આનંદથી ઊભરાય છે. ગૌતમ જેના માત્ર એક સભ્ય હતા તે, જગતના સૌથી પ્રાચીન સાધુ સંપ્રદાય વતી હું આપનો આભાર માનું છું. બૌદ્ધ અને જૈન ધર્મો જેની શાખા છે તે ધર્મમાતા વતી હું આપનો આભાર માનું છું; અને અંતમાં, હિંદુ ધર્મસંપ્રદાયોના અને જ્ઞાતિઓના લાખ્ખો ને લાખ્ખો લોકો વતી આપનો આભાર માનું છું. મંચ પરના જે વકતાઓએ આપને કહ્યું છે કે ‘દૂર દૂરની પ્રજાઓમાંથી આવેલા આ ભિન્ન ભિન્ન લોકો અહીં જે અસહિષ્ણુતા જોશે તેનો ખ્યાલ વિવિધ દેશોમાં લઈ જશે’, તેમનો પણ હું આભાર માનું છું.
સહિષ્ણુતા અને વૈશ્વિક સ્વીકારનો બોધ જગતને આપનાર ધર્મનો અનુયાયી હોવાનું મને ગૌરવ છે. અમે માત્ર સાર્વત્રિક સહિષ્ણુતામાં માનીને છીએ એટલું જ નહીં, પણ સઘળા ધર્મોને સત્ય તરીકે સ્વીકારીએ છીએ. જે ધર્મની પવિત્ર ભાષા, સંસ્કૃતમાં (exclusion) શબ્દનો અનુવાદ પણ શક્ય નથી તેનો અનુયાયી હોવાનું મને ગૌરવ છે. (તાળીઓ) ધરતી પરના બધા ધર્મોના અને બધી પ્રજાઓના ત્રાસિતોને આશ્રય આપનાર પ્રજાનો પ્રજાજન હોવાનું મને ગૌરવ છે. રોમન ત્રાસે જેમના પવિત્ર દેવળનું ખંડન કર્યું હતું તે જ સમયે દક્ષિણ ભારતમાં આવનાર ઇઝરાયલીઓના વિશુદ્ધ અવશેષોને અમારી છાતીએ અમે લગાડ્યા હતા તે કહેતાં હું ગૌરવ અનુભવું છું. મહાન જરથોસ્તી પ્રજાના અવશેષોને આશ્રય આપનાર અને આપી રહેનાર ધર્મનો અનુયાયી હોવાનું મને ગૌરવ છે.
જે સ્તોત્રનો દરેક હિંદુ બાળક દરરોજ પાઠ કરે છે તેમાંથી થોડીક પંક્તિઓ હું ટાંકીશ. જે સ્તોત્રનો પાઠ મારા બાળપણથી નિત્ય કર્યાનું મને સ્મરણ છે, જેનો પાઠ લાખ્ખો લોકો ભારતમાં સદા કરે છે તેની ભાવના આખરે સાકાર થતી લાગે છે. “જુદે જુદે સ્થળેથી ઉદ્ભવતાં જુદાં જુદાં ઝરણાંનાં પાણી સમુદ્રમાં એક થાય છે તેમ હે પ્રભુ, ભિન્ન ભિન્ન રુચિવાળા લોકોના જુદા જુદા પંથો, પછી એ વાંકા હોય કે સીધા, તારી તરફ જ વળે છે.”
આ સંમેલન એક ઉદાત્ત સંમેલન છે અને તે ગીતામાં પ્રબોધાયેલા અદ્ભુત સિદ્ધાંત—ગમે તે માર્ગે આવનાર કોઈપણ વ્યક્તિ મને પામે છે અને બધા લોકો જે વિવિધ પંથોએ મથામણ કરે છે તે બધા પંથોનું અંતિમ લક્ષ્ય હું છું—ની ઘોષણા કરે છે તેનો નિર્દેશ કરે છે. સંપ્રદાયવાદ, ધર્માંધતા અને એના વારસ ઝનૂને આ સુંદર ધરતીનો ભોગવટો બહુ કર્યો છે. એણે પૃથ્વીને હિંસાથી ભરી છે, અનેક વાર લોહીથી ખરડી છે, સંસ્કૃતિનો નાશ કર્યો છે અને આખી પ્રજાઓને નૈરાશ્યમાં ધકેલી છે, પણ એનો હવે કાળ આવ્યો છે અને હું હૃદયપૂર્વક માનું છું કે જગતના વિવિધ ધર્મોના પ્રતિનિધિઓના માનમાં આજે સવારે જે ઘંટ વાગ્યો તે સર્વ ઝનૂની વાદોનો મૃત્યુઘંટ હતો (તાળીઓ) કે તલવારના કે કલમના, બધા શોષણનો એ મૃત્યુઘંટ હતો અને ભિન્ન ભિન્ન પંથે પણ એક ધ્યેય તરફ જતા લોકો વચ્ચેની નિર્દય ભાવનાઓનો પણ એ મૃત્યુઘંટ હતો. (1.499)

