(બોસ્ટન ઈવનીંગ ટ્રાન્સ્ક્રિપ્ટ, સપ્ટેબર ૩૦,૧૮૯૩)

શિકાગો, સપ્ટે. ર૩

આર્ટ પેલેસના પ્રવેશદ્વારની ડાબી બાજુએ ‘ક્રમાંક. ૧. દૂર રહો’ એમ અંકિત કરેલો કક્ષ છે. અહીંયાં ધર્મસભાના વક્તાઓ વહેલા કે મોડા અંદરોઅંદર એકબીજા સાથે અથવા જેમનું અંગત કાર્યાલય ઓરડાના એક બાજુના ખૂણે છે તેવા પ્રેસિડૅન્ટ બોની સાથે વાર્તાલાપ કરવા આશ્રય લેતા. આમજનતાથી રક્ષણ મેળવવા માટે વળાંકવાળા દરવાજાનું કડકપણે ધ્યાન લેવાતું હતું. સામાન્યપણે લોકો અંદર સરળતાથી ડોકિયું ન કરી શકે. તે પવિત્ર સ્થાનમાં માત્ર પ્રતિનિધિઓ જ પ્રવેશ કરી શકે છે. પરંતુ પ્રવેશપત્ર મેળવવો અને ‘હોલ ઓફ કોલંબસ’ના મંચ કરતાં અહીંયાં સન્માનિત અતિથિઓની સાથે આત્મીયતા સ્થાપિત કરવાની તક મેળવી લેવી તે કઠિન ન હતું.

આ બપોર પછીની સભામાં સૌથી વધારે પ્રભાવક મૂર્તિ બ્રાહ્મણ સંન્યાસી સ્વામી વિવેકાનંદ છે. લાંબા મજબૂત બાંધાના એ માનવી છે. હિન્દુસ્તાનીઓના તેઓ સર્વશ્રેષ્ઠ વાહક છે. તેમનો હજામત કરેલો સ્વચ્છ ચહેરો ચોરસિયા ઘાટનો અને સુવ્યવસ્થિત અવયવોવાળો છે. તેમની સફેદ દંતાવલીની સાથે સુંદર રીતે બંધબેસતા આકારવાળા હોઠો તેઓ વાતચીત કરે છે ત્યારે હમેશાં મરક્તા જ રહે છે. તેમનું સંતુલિત મસ્તક પીળી કે લાલ પાઘડી વીંટેલું છે અને તેમનો ઉપરનો ઝભ્ભો ગોઠણ સુધી લાંબો અને કમરે બાંધેલો છે. એ નારંગી કે કિરમજી રંગનો રહ્યા કરતો. તે ઉત્તમ અંગ્રેજી બોલે છે અને પૂછેલા કોઈ પણ પ્રશ્નનો ગંભીરતાપૂર્વક અને તરત જ જવાબ આપે છે.

તેમની રીતભાતની સાદગી ઉપરાંત જ્યારે સ્ત્રીઓ સાથે વાતો કરતા હોય, ત્યારે તેમાં વ્યક્તિગત મિતભાષિતા દેખા દેતી. તે તેમની પસંદગીના વ્યવસાયનું સૂચન કરી દેતી હતી. જ્યારે તેમને તેમના સંઘના નિયમો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યુંઃ ‘મને ગમે તે હું કરી શકું. હું સ્વતંત્ર છું. કોઈક વાર હું હિમાલય પર્વત પર વસું છું, તો કોઈક વાર શહેરોની શેરીઓમાં ભમું છું. મારું હવે પછીનું ખાવાનું ક્યાંથી અને ક્યારે મળશે, તે હું જાણતો નથી. હું મારી પાસે પૈસા રાખતો નથી. હું અહીં ફંડફાળો ઉઘરાવીને આવ્યો છું.’ ત્યાર પછી ચારે બાજુ જોઈને ભાગ્યયોગે પોતાના એક બે દેશવાસીઓને પાસે ઊભેલા જોઈને તેમણે ઉમેર્યુંઃ ‘આ લોકો મારું ધ્યાન રાખશે.’ શિકાગોમાં એમનું ભોજનનું બીલ બીજા લોકોએ જ ચૂકવ્યું હતું એવું તેમણે અનુમાન કર્યું. જ્યારે એમને પૂછવામાં આવ્યું કે સંન્યાસીનો આ સામાન્ય પોશાક તમે હમેશાં પહેરી જ રાખ્યા કરો છો ખરા? ત્યારે તેમણે કહ્યું કે ‘આ સારો પોશાક છે. જ્યારે હું ઘરમાં હોઉં છું ત્યારે તો હું ફાટેલાં-તૂટેલાં કપડાંમાં અને ઉઘાડે પગે જ હોઉં છું. શું મારે કોઈ નાતજાત છે ખરી? જ્ઞાતિ વગેરે તો સામાજિક રિવાજ છે. ધર્મને એની સાથે કશી લેવાદેવા નથી. બધી જ્ઞાતિઓ મારી સાથે સંબદ્ધ થઈ છે.

ગમે તેમ પણ એમની રીતભાત ઉપરથી એ સ્પષ્ટ દેખાઈ આવે છે કે શ્રી વિવેકાનંદનો સામાન્ય દેખાવ એક ઊંચી જ્ઞાતિમાં એમનો જન્મ થયો છે એવું સ્પષ્ટ બતાવતો હતો. સ્વૈચ્છિક ગરીબીનાં ઘણાં વરસો અને ઘરબાર વગરનું ભ્રમણ એમના સૌજન્યશીલ આભિજાત્યને દૂર કરી શક્યાં ન હતાં, ભલે એમના નામ કે એમના કુટુંબ વિશે કોઈ કશું જાણતું ન હોય. તેઓએ માત્ર વિવેકાનંદ તરીકે જ ધાર્મિક જીવનને પસંદ કર્યું હતું અને ‘સ્વામી’ એ શબ્દ તો માત્ર માનવાચક વિશેષણ જ હતું.

તેમનો દેખાવ જોતાં તેઓ ત્રીસીથી વધારે ઉંમરના નહિ હોય અને એવું જણાતું હતું કે તેમને આવા જ જીવન માટે, આ જ જીવનમાં ઇચ્છિત ફલ પ્રાપ્તિ થાય એટલા માટે અને એનાથી પણ આગળ ધ્યાન તેમજ તેથી પણ આગળની ભૂમિકા પર પહોંચવા માટે જ નિર્મ્યા હતા.

તેમના આવા જીવનનો વળાંક શો હશે એમ વિચારીને કોઈ પણને આશ્ચર્ય ઊપજે. તેમણે શા માટે સંસારનો ત્યાગ કર્યો અને તેઓ સંન્યાસી શા માટે થયા? એવા ચારે બાજુથી પુછાઈ રહેલા પ્રશ્નનો તરત જ જવાબ આપતાં તેઓ કહેતા કે મારે શા માટે વિવાહ કરવા જોઈએ? જ્યારે હું દરેક સ્ત્રીને જગદંબા તરીકે જ જોઉં છું ત્યારે વિવાહ શાના? આ બધાનો મારે શા માટે ત્યાગ કરવો જોઈએ? હું દુનિયાનાં બંધનોથી અને આસક્તિથી મારી જાતને મુક્ત કરવા ઇચ્છું છું કે જેથી મારો પુનર્જન્મ ન થાય. મારું અવસાન થાય કે તરત જ હું દિવ્ય તત્ત્વમાં ભળી જવા ઇચ્છું છું. ભગવાનમાં ભળી જાઉં, બુદ્ધ થઈ જાઉં.

વિવેકાનંદના કહેવાનો ભાવાર્થ આ નથી કે તેઓ બૌદ્ધધર્મના અનુયાયી છે. એમને કોઈ નામ કે કોઈ સંપ્રદાય સ્પર્શી શકે એમ નથી. તેઓ ઉચ્ચતમ બ્રાહ્મણધર્મમાં ઉત્પન્ન થયા છે. હિન્દુ આત્માનું તેઓ સંતાન છે. એ વિશાળ, કલ્પનાશીલ, અહંનો ઉચ્છેદ કરી નાખનાર, એક સંન્યાસી, એક પવિત્ર માનવ છે.

તેમની પાસે કેટલીક પત્રિકાઓ છે. તે તેમના ગુરુ પરમહંસ શ્રીરામકૃષ્ણ નામના એક હિન્દુ ભક્ત વિશેની છે. તેને તેઓ વહેંચે છે. તે શ્રીરામકૃષ્ણે પોતાના શ્રોતાઓને અને શિષ્યોને એટલા બધા પ્રભાવિત કરી દીધા હતા કે તેમના અવસાન પછી તેઓ સંન્યાસી થઈ ગયા હતા. મઝમૂદાર પણ આ સંતને પોતાના ગુરુ તરીકે માનતા. પરંતુ મઝમૂદાર ‘દુનિયામાં’ પવિત્રતા માટે કામ કરે છે પણ ‘દુનિયાની’ પવિત્રતા માટે નહિ; ‘તેમાં’ પણ ‘તેની’ નહિ એમ જિસસે શિખવાડ્યું હતું.

ધર્મમહાસભાની પહેલાંનું વિવેકાનંદનું પ્રવચન આપણા ઉપર રહેલા સ્વર્ગ જેવું વિશાળ હતું. બધા જ ધર્મોનાં સારાં તત્ત્વોને એ પોતાનામાં સમાવતું હતું. વિશ્વધર્મના નિચોડરૂપ સમગ્ર માનવજાતિ પ્રત્યે દયાભાવ, ઈશ્વરપ્રીત્યર્થે સત્કર્મોનું આચરણ, સજાના ભયથી કે વળતર મેળવવાની લાલચે કોઈ કાર્ય કરવાનો નિષેધ-વગેરે એમાં સમાયાં હતાં.

ધર્મમહાસભામાં તેમનો પ્રવેશ, તેમની ભાવનાઓની ભવ્યતા વગેરેને કારણે તેઓ મહાસભાના પસંદગીના પુરુષ બની ગયા હતા. તે એટલે સુધી કે જ્યારે તેઓ પ્લેટફોર્મ ઓળંગતા ત્યાં જ તાળીઓનો ગડગડાટ થઈ ઊઠતો. આ તેમની હજારોની માન્યતાની સાખ પૂરે છે. આ સન્માનને તેઓ એક બાળકની માફક સ્વીકારે છે. એમાં આત્મશ્રેષ્ઠતાનો લેશ પણ વર્તાતો ન હતો. નિર્ધનતા અને આત્મત્યાગથી એકાએક વૈભવ અને ઉત્કર્ષમાં પહોંચી જવું એ આ વિનમ્ર યુવક બ્રાહ્મણ સંન્યાસી માટે અવશ્ય એક અદ્ભુત અનુભવ રહ્યો હશે. જ્યારે એમ પૂછવામાં આવ્યું કે શું તેઓ હિમાલયવાસી તે ‘ભાઈઓ’ વિશે જાણે છે, જેમના વિષયમાં થિયોસોફિસ્ટો એટલો દૃઢ વિશ્વાસ ધરાવે છે; તેમનો કહેવાનો આશય આ હતો કે ‘એવા લોકો હોઈ શકે છે, પરંતુ હજુ હું હિમાલયથી અપરિચિત છું, પણ હજુ મારે તેમને મળવાનું થયું નથી.’ (1.506)

Total Views: 159
૫. ધાર્મિક એકતા પરિષદ
૭. ‘ન્યૂયોર્ક વર્લ્ડ’