આપણે એક જ લક્ષ્ય જુદા જુદા માર્ગે પ્રાપ્ત કરી શકીએ. વેદાંતનો આ એક ભવ્ય વિચાર છે અને આ માર્ગોના મેં ચાર વિભાગ પાડ્યા છે. કર્મ, ભક્તિ, યોગ અને જ્ઞાન. આ સાથે તમારે એ ખ્યાલ રાખવાનો છે કે આ વિભાગો તદ્દન જુદા નથી; એકબીજા એકબીજામાં ભળી જાય તેવા છે. જેનાં લક્ષણો પ્રધાન હોય એ નામથી, તે તે વિભાગ ઓળખાય છે. ફક્ત કાર્ય કરવાની જ શક્તિ હોય અને બીજી કશી શક્તિ ન હોય તેવા માણસો નહીં મળે; માત્ર ભક્તિ સિવાય બીજી વૃત્તિ ન હોય એવા માણસો પણ નહીં મળે; માત્ર જ્ઞાન સિવાય અન્ય વૃત્તિ ન હોય એવા માણસો પણ ન મળે. પણ માણસમાં જે વૃત્તિ કે વલણ પ્રધાનપણે જોવામાં આવે છે, તે પ્રમાણે જ આ વિભાગો પાડવામાં આવે છે. આખરે તો આ ચારે માર્ગો ભેગા થઈને એક બની જાય છે. તમામ ધર્મો તેમજ કાર્ય અને ઉપાસનાની સર્વ રીતો આપણને એક જ લક્ષ્ય તરફ દોરી જાય છે.

એ લક્ષ્ય બતાવવાનો પ્રયાસ આ પહેલાં મેં કરેલો છે. એ લક્ષ્ય હું સમજું છું તે પ્રમાણે સ્વાધીનતા છે. આપણી આસપાસ જે કાંઈ આપણે જોઈએ છીએ તે સર્વ અણુથી માંડીને માનવ સુધીનાં, જીવનહીન—ચેતનાહીન જડ પદાર્થથી માંડીને પૃથ્વી પરની ઊંચામાં ઊંચી સૃષ્ટિ માનવ આત્મા સુધીનાં, સર્વે મુક્તિ માટે મથે છે. હકીકતે જોઈએ તો આ સમગ્ર વિશ્વ આ સ્વાધીનતા માટેના સંઘર્ષનું પરિણામ છે. અખિલ બ્રહ્માંડમાં દરેક કણ પોતાને માર્ગે જવાનો પ્રયાસ કરે છે, અન્ય કણથી જુદો પડવાનો પ્રયાસ કરે છે; પણ અન્ય કણો એને નિયમનમાં રાખે છે. આપણી પૃથ્વી સૂર્યથી જુદી પડવાનો અને ચંદ્ર પૃથ્વીથી જુદા પડવાનો પ્રયાસ કરે છે. દરેક વસ્તુ સ્વતંત્ર થવાની વૃત્તિ ધરાવે છે. આપણે જે કાંઈ આ વિશ્વમાં જોઈએ છીએ તેના પાયામાં સ્વાધીનતા તરફની સતત મથામણ દેખાય છે. આ વૃત્તિથી પ્રેરાઈને જ સંતપુરુષ પ્રાર્થના કરે છે અને લુટારા લૂંટ કરે છે. આપણે અંગીકાર કરેલી કાર્ય પદ્ધતિ યોગ્ય ન હોય તો તે અશુભ કહેવાય. જ્યારે તેની ક્રિયા યોગ્ય અને ઉચ્ચ હોય ત્યારે તે શુભ કહેવાય છે. પણ આ વૃત્તિ એક જ હોય છે—સ્વાધીનતા માટેનો સંઘર્ષ. સંતપુરુષ પોતાની બંધનભરી સ્થિતિના ભાનથી પીડાય છે અને તેથી એ તેનો ત્યાગ કરવા મથે છે, માટે એ ઈશ્વરની ઉપાસના કરે છે. ચોર પોતાની પાસે અમુક વસ્તુઓ નથી એવા વિચારથી પીડાય છે, એ ઊણપને પૂરી કરવા તે મથે છે, એ ઊણપમાંથી મુક્તિ મેળવવા મથે છે; માટે એ ચોરી કરે છે. સ્વાધીનતા એ જ જડ કે ચેતન સર્વ પ્રકૃતિનું એક લક્ષ્ય છે; અને જાણ્યે કે અજાણ્યે સર્વ આ લક્ષ્ય માટે વિગ્રહ વહોરે છે. સંતપુરુષ ઇચ્છે છે તેના કરતાં ચોરનો સ્વાધીનતાનો પ્રકાર સાવ જુદો છે; સંત જે સ્વાધીનતા માગે છે તે વડે તે અનંત, અનિર્વચનીય આનંદ તરફ જાય છે, જ્યારે લૂંટારાની લગની એના આત્માનાં બીજાં બંધનો ઘડે છે.

સ્વાધીનતા ભણીનો સંઘર્ષ તમામ ધર્મોમાં જોવા મળે છે. માણસ જડ દેહ જ છે, એ વિચારને છોડવો એ નીતિ અને નિઃસ્વાર્થવૃત્તિનો પાયો છે. એક જણને આપણે સારું કામ કરતો જોઈએ, બીજાને મદદ કરતો જોઈએ, ત્યારે એનો અર્થ એ થાય છે કે એ ‘હું અને મારાં’ના મર્યાદિત વર્તુળોની અંદર રહી શકતો નથી. નિઃસ્વાર્થપણાની કોઈ મર્યાદા નથી; સંપૂર્ણ નિસ્વાર્થવૃત્તિ એ જ લક્ષ્ય છે, સર્વ નીતિશાસ્ત્રો એમ કહે છે. માનો કે આ સંપૂર્ણ નિઃસ્વાર્થપણું માણસ પ્રાપ્ત કરે, પછી એનું શું થાય? પછી એ ‘શ્રી.. ફલાણા-ફલાણા’ રહેતા નથી; એ અનંત વિસ્તારને પામે છે. પહેલાં જે એનું અલ્પ વ્યક્તિત્વ હતું એ હંમેશને માટે ગયું; એ અનંત બન્યો અને આ અનંત વિસ્તારને પામવું એ ખરેખર બધા ધર્મોનો, નીતિનો અને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ છે. જ્યારે દાર્શનિક રીતે આ વિચાર મૂકવામાં આવે, ત્યારે વ્યક્તિત્વવાદી ગભરાઈ જાય છે. પણ જો તે પોતે નીતિનો ઉપદેશ આપતો હોય તો તે પણ આખરે એ જ વિચારનો ઉપદેશ આપે છે. માનવની નિઃસ્વાર્થવૃત્તિને કશી મર્યાદામાં એ મૂકતો નથી. માનો કે વ્યક્તિત્વવાદના સિદ્ધાંત પ્રમાણે માનવ સંપૂર્ણ રીતે નિઃસ્વાર્થી બને, તો એને અન્ય વાદીઓના સિદ્ધ પુરુષોથી શી રીતે જુદો પાડવો? એ વિશ્વ સાથે એક બન્યો છે અને એમ બનવું એ સર્વનું લક્ષ્ય છે. માત્ર એવા નિર્બળ વ્યક્તિત્વવાદીમાં પોતાના વિચારને તેના અંતિમ લક્ષ્ય સુધી લઈ જવાની હિંમત નથી. સર્વ માનવપ્રકૃતિનું લક્ષ્ય જે મુક્તિ છે તેને સ્વાધીનતા ને નિઃસ્વાર્થ કાર્ય વડે પ્રાપ્ત કરવાનો કર્મયોગનો ઉદ્દેશ છે. તેથી દરેક સ્વાર્થી કાર્ય એ લક્ષ્યે પહોંચતાં આપણને અટકાવે છે અને હરેક નિઃસ્વાર્થ કાર્ય આપણને એ લક્ષ્યે લઈ જાય છે. અથવા નીતિની વ્યાખ્યા આટલી જ આપી શકાયઃ ‘જે કાંઈ સ્વાર્થમય છે તે અનૈતિક છે અને જે કાંઈ નિઃસ્વાર્થ છે તે નૈતિક છે.’

પણ આની વિગતમાં તમે ઊતરવા માંડો એટલે વાત સાવ સાદી નહીં લાગે. દાખલા તરીકે હું અગાઉ કહી ગયો તેમ પરિસ્થિતિ પણ ઘણી વાર વિગતોને જુદા સ્વરૂપમાં રજૂ કરે છે. એક જ પ્રકારનું કાર્ય એક પ્રકારના સંજોગોમાં નિઃસ્વાર્થ હોય અને અન્ય પ્રકારના સંજોગોમાં સ્વાર્થમય હોય. તેથી આપણે તો માત્ર સામાન્ય વ્યાખ્યા આપી શકીએ. તેની વિગતો દેશ, કાળ અને સંજોગોના આધારે નક્કી થઈ શકે. એક દેશમાં એક પ્રકારનું વર્તન નૈતિક ગણાય અને અન્ય દેશમાં એ જ અનૈતિક ગણાય, કેમ કે સંજોગો ભિન્ન છે. સર્વ પ્રકૃતિનું લક્ષ્ય સ્વાધીનતા છે અને આ સ્વાધીનતા સંપૂર્ણ નિઃસ્વાર્થવૃત્તિ વડે જ મેળવી શકાય. હરેક વિચાર, શબ્દ અથવા કાર્ય જે નિઃસ્વાર્થ હોય તે આપણને લક્ષ્ય ભણી લઈ જાય છે અને તેથી એને નૈતિક કહેવામાં આવે છે. તમને માલૂમ પડશે કે આ વ્યાખ્યા બધા ધર્મો અને બધાં નીતિશાસ્ત્રોને લાગુ પડે છે. કોઈ કોઈ શાસ્ત્રો પ્રમાણે નીતિ ઉચ્ચતર સત્તામાંથી—પરમાત્મામાંથી મેળવાય છે. માણસે આમ શા માટે કરવું જોઈએ અને શા માટે ન કરવું જોઈએ એમ તમે પૂછો તો એનો ઉત્તર આવો હશેઃ ‘પરમાત્માની એવી આજ્ઞા છે માટે.’ નીતિશાસ્ત્ર ગમે તે તત્ત્વમાંથી ઉત્પન્ન થયું હોય પણ તેના નિયમોનો એક જ મુખ્ય આદર્શ છે—પોતાની જાતનો વિચાર ન કરવો પણ અહમ્નો ત્યાગ કરવો. નીતિશાસ્ત્રનો આ ઉચ્ચ આદર્શ હોવા છતાં, અમુક માણસો પોતાના ક્ષુદ્ર વ્યક્તિત્વને ત્યજી દેવું પડશે એવા ખ્યાલથી ડરે છે. એ વિચારને વળગી રહેનાર માણસને કહેવામાં આવે કે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ બનેલા માનવની બાબતમાં વિચાર કરો—તે પોતા વિશે વિચાર કરતો નથી, પોતા માટે કાર્ય કરતો નથી, પોતા માટે એક શબ્દ પણ ઉચ્ચારતો નથી; ત્યારે કહો કે તેનું ‘હું પણું’ ક્યાં છે? જ્યાં સુધી એ પોતા માટે જ વિચારે, કાર્ય કરે અથવા બોલે ત્યાં સુધી જ તેને હું પણાનો અનુભવ રહેવાનો. જો એ અન્યનો, વિશ્વનો અને સર્વ કોઈનો જ વિચાર કરે, ત્યારે એનું ‘હું પણું’ ક્યાં રહે છે? એ હંમેશ માટે ચાલ્યું ગયું છે.

તેથી કર્મયોગ એટલે નિઃસ્વાર્થીવૃત્તિ અને શુભ કાર્ય દ્વારા સ્વાધીનતા મેળવવા માટેની, ધર્મ અને નીતિની પદ્ધતિ. કર્મયોગીએ કોઈ પણ વાદમાં માનવાની જરૂર નથી. એ પરમાત્મામાં પણ ભલે ન માને, એનો આત્મા શું છે એ ભલે ન પૂછે અથવા દર્શનશાસ્ત્રના વિચારમાં ભલે ન ઊતરે. નિઃસ્વાર્થવૃત્તિ મેળવવાનો એનો પોતાનો વિશિષ્ટ હેતુ છે અને એ પોતાની મેળે તે પ્રાપ્ત કરવાનો છે. એના જીવનની દરેક ક્ષણ અનુભૂતિની હશે, કેમ કે કોઈપણ વાદ કે મતની સહાય મેળવ્યા વગર, જે પ્રશ્ન જ્ઞાની પોતાની બુદ્ધિથી ઉકેલવા મથે છે અને ભક્ત ભક્તિ વડે ઉકેલવા મથે છે, તે પ્રશ્ન માત્ર કર્મ દ્વારા એને ઉકેલવાનો છે.

હવે બીજો પ્રશ્ન ઊઠે છે. આ કાર્ય શું છે? આ જગતનું ભલું કરવું તે શું છે? આપણે જગતનું શુભ કરી શકીએ? સંપૂર્ણપણે એનો ઉત્તર ‘ના’ છે; સાપેક્ષ અર્થમાં એનો ઉત્તર ‘હા’ છે. જગતનું કોઈ કાયમી કે સતત સ્થાયી શુભ કરી શકાય એમ નથી; જો એમ થઈ શકે તો જગત આ જગત રહે નહીં. એક માણસની ભૂખ પાંચ મિનિટ આપણે શમાવી શકીએ, પણ એ ફરી ભૂખ્યો થવાનો; માણસને આપણે આનંદ આપીએ પણ એ ક્ષણજીવી નીવડવાનો. આ સતત ફેરફાર પામતાં આનંદ અને પીડાનો કોઈ કાયમી ઉપાય નથી. જગતને કોઈ કાયમી સુખ આપી શકાય એમ નથી. સમુદ્રમાં એક સ્થળે મોજું ઊભું કરીએ તો અન્ય સ્થળે પોલાણ ઊભું થાય. શુભ વસ્તુઓનો સરવાળો, માનવની જરૂર અને લોભની અપેક્ષામાં જોઈએ તો સદાકાળ એકસરખો જ રહ્યો છે. એ નથી વધી શકતો કે નથી ઘટી શકતો. આજે આપણે જાણીએ છીએ તે માનવ પ્રજાનો ઇતિહાસ ધ્યાનમાં લો. એ જ જાતનાં દુઃખ અને સુખ, એ જ જાતનાં આનંદ અને પીડા, એ જ પ્રકારનો તફાવત આપણા જોવામાં નથી આવતો? અમુક ધનિક, અમુક ગરીબ, અમુક ઉચ્ચ, અમુક નિમ્ન, અમુક નિરોગી અને અમુક રોગી નથી? આજે અમેરિકનો માટે જે સાચું છે તે પુરાતન કાળમાં ઇજિપ્તવાસીઓ, ગ્રીકો અને રોમનો માટે સાચું હતું. જે ઇતિહાસ જાણીએ છીએ તેમાં હંમેશાં આમ જ રહ્યું છે; સાથે સાથે આ સુખ અને દુઃખના ન મટે એવા ભેદો હોવા છતાં, તેના ઉકેલ માટે પ્રયાસો થઈ રહ્યા છે. ઇતિહાસના દરેક યુગે હજારો સ્ત્રી અને પુરુષોને પેદા કર્યાં છે, જેમણે અન્યના જીવનપ્રવાસો સરળ કરવા માટે ભગીરથ કાર્ય કર્યું છે. પણ એમાં એમને કેટલી સફળતા મળી છે? દડાને એક ઠેકાણેથી બીજે ઠેકાણે ઉછાળવાની રમત આપણે રમી શકીએ. આપણે શારીરિક પીડા દૂર કરીએ, તો તે માનસિક કક્ષાએ પહોંચે. ડાન્ટેના નરકના ચિત્રમાં કંજૂસોને ડુંગર ઉપર ચડાવવા માટે સોનાનો ઢગલો આપવામાં આવ્યો હતો એના જેવું આ છે. ડુંગર ઉપર થોડોક ચડાવે કે ફરીથી તે નીચે સરી જાય. સત્યયુગની સર્વ વાતો બાળકોની પરીકથા જેવી રૂપાળી છે; એથી વિશેષ કશું નહીં. જે પ્રજાઓ સત્યયુગનાં સ્વપ્ન સેવે છે તે માને છે કે, દુનિયાના બધા માણસો કરતાં તેમને તે વખતે સૌથી વધુ લાભ મળશે. સત્યયુગ વિશેનો આ કેવો અજબ નિઃસ્વાર્થ વિચાર!

આપણે આ જગતનું સુખ વધારી શકીએ તેમ નથી; એ જ રીતે દુઃખ પણ વધારી શકીએ એમ નથી. આ પૃથ્વી પર જોવામાં આવતી સુખ અને દુઃખની શક્તિનો સરવાળો અનંત કાળ સુધી એકસરખો જ રહેવાનો. આપણે દુઃખોને એક બાજુથી બીજી બાજુએ અને બીજી બાજુથી આ બાજુએ ધકેલીએ તોપણ એ તેટલાં જ રહેવાનાં, કેમ કે એ એમની ખાસ પ્રકૃતિ છે. આ ભરતી અને ઓટ, ઉત્થાન અને પતન જગતની પ્રકૃતિમાં જ રહેલાં છે. એથી ઊલટું માનવું એ મૃત્યુ વિનાનું જીવન એમ કહેવા બરાબર છે. મૃત્યુ વગરનું જીવન કહેવું એ અર્થહીન છે. જીવન સાથે મૃત્યુ અને સુખ સાથે દુઃખનો વિચાર સંકળાયેલો છે. દીવો સતત બળે છે, એ તેનું જીવન છે. તમારે જીવન જોઈતું હોય તો પળે પળ તમારે મરવું જોઈએ. જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓથી જોવાતી એક જ વસ્તુના જીવન અને મૃત્યુમાં માત્ર શબ્દોનો જ ભેદ છે, એ એક જ મોજાંના ભરતી અને ઓટ જેવાં છે; એ બંને મળીને એક મોજું બને છે. એક જણ માત્ર ‘ઓટ’ તરફ જુએ એ નિરાશાવાદી બને; બીજો ભરતી તરફ જુએ એ આશાવાદી બને. નિશાળે જતાં બાળકને એનાં માબાપ એની સંભાળ લેતાં હોય એટલે બધું સારું લાગે. એની જરૂરિયાતો સાદી છે, એ મોટો આશાવાદી છે; પણ વૃદ્ધ, દુનિયાના અનેક અનુભવને લીધે વધારે શાંત હોય છે અને એનો ઉત્સાહ પણ ચોક્કસ સારા પ્રમાણમાં ઠરી ગયો હોય છે. તેથી આસપાસ વિનાશની નિશાનીઓવાળી જૂની પ્રજાઓ નવી પ્રજાઓ કરતાં ઓછી આશાવાદી હોય એ સંભવિત છે. હિંદમાં એક કહેવત છેઃ ‘હજાર વરસે શહેર અને હજાર વરસે જંગલ બને.’ શહેરનું જંગલમાં અથવા જંગલનું શહેરમાં રૂપાંતર સર્વ સ્થળે થઈ રહ્યું છે અને જે દૃષ્ટિથી જુએ તે પ્રમાણે લોકો આશાવાદી કે નિરાશાવાદી બને છે.

હવે આપણે સમાનતાના વિચારની છણાવટ કરીએ. સત્યયુગ આવવાનો છે એ વિચાર કાર્ય કરનારને ઘણું બળ આપે છે. કેટલાક ધર્મો પોતે સ્વીકારેલા તત્ત્વ તરીકે સત્યયુગનો ઉપદેશ કરે છે. આ સત્યયુગમાં ઈશ્વર પોતે જગત ઉપર રાજ્ય ચલાવવા આવશે અને ત્યારે વર્ગ વર્ગ વચ્ચે કશો ભેદ રહેશે નહીં એમ કહે છે. આ સિદ્ધાંતનો ઉપદેશ કરનારાઓ માત્ર ધર્મઝનૂની છે અને માનવજાતમાં આ ધર્મઝનૂનીઓ ખરેખર નિખાલસ હોય છે. ધર્મઝનૂનનાં આકર્ષણના પાયા ઉપર જ ખ્રિસ્તી ધર્મનો ઉપદેશ કરવામાં આવ્યો હતો અને એટલે જ ગ્રીક અને રોમન ગુલામોને તે ઘણો લલચાવનારો નીવડ્યો. આ ગુલામો એમ માનતા થયા કે આ સત્યયુગમાં ધર્મને કારણે ગુલામો રહેશે નહીં અને ખાવાપીવા માટે પૂરતું મળશે; તેથી આ ગુલામો ખ્રિસ્તી ધ્વજ નીચે ટોળે મળ્યા. આ વિચારનો પ્રથમ ઉપદેશ કરનાર અલબત્ત અજ્ઞાની ઝનૂનીઓ હતા, પણ તે ખરેખર ઘણા નિખાલસ હતા. આધુનિક સમયમાં આ સત્યયુગની આકાંક્ષાઓ, સમાનતા અને ભ્રાતૃત્વનું સ્વરૂપ ધારણ કરે છે. આ પણ એક ધર્મઝનૂન જ છે. સાચી સમાનતા પૃથ્વી પર કદી હતી નહીં અને કદી થવાની નથી. અહીં આપણે સહુ સમાન કેવી રીતે હોઈ શકીએ? આ અશક્ય સમાનતા પૂર્ણ મૃત્યુ સૂચવે છે. આ જગતને આજનું સ્વરૂપ કોણ આપે છે? પ્રાથમિક અવસ્થામાં નિયમ કે બંધન કંઈ ન હતું, સંપૂર્ણ સ્વતંત્રતા હતી. તો પછી જગતનાં સર્વ રચનાત્મક બળો કેવી રીતે પેદા થયાં? પરસ્પર લડી-ઝઘડીને, હરીફાઈ કરીને. માનો કે પદાર્થના સર્વે કણો સમતોલ સ્થિતિમાં જ રહે છે, તો પછી સર્જનની કોઈ ક્રિયા રહેશે ખરી? વિજ્ઞાન દ્વારા આપણે જાણીએ છીએ કે તે અશક્ય છે. પાણીની સપાટીને ચલાયમાન કરો તો તેનાં દરેક બિંદુ એકબીજા સાથે અથડાઈને ફરી પાછાં સ્થિર થવા મથશે. એ રીતે સર્વ ઘટનાઓ, જેને આપણે વિશ્વ કહીએ છીએ, એમાંની સર્વ વસ્તુઓ ફરી સંપૂર્ણ સમાન સ્થિતિ પ્રાપ્ત કરવા મથી રહી છે. વળી ફરી અંતરાય આવે, સમવાય અને સર્જન આવે. સર્જનનો મૂળભૂત પાયો જ અસમાનતામાં રહેલો છે. સાથોસાથ, સમતા મેળવવાને મથતાં બળો સમતાનો નાશ કરતાં બળો જેટલાં જ સર્જનને માટે જરૂરી છે.

સંપૂર્ણ સમાનતા, એટલે કે દરેક સ્થિતિમાં મથામણ કરતાં બળોની સંપૂર્ણ સમાનતા, આ જગતમાં કદી પ્રાપ્ત થવાની નથી. તે સ્થિતિ તમે પ્રાપ્ત કરો તે પહેલાં જગત કોઈ પણ પ્રકારના જીવન માટે અયોગ્ય બન્યું હશે અને એમાં કોઈની હસ્તી નહીં હોય. તેથી સત્યયુગના અને સંપૂર્ણ સમાનતાના આ સર્વ વિચારો અશક્ય છે, એટલું જ નહીં પણ એ વિચારોને જો અમલમાં મૂકવાનો પ્રયાસ કરવામાં આવે તો તે પ્રલયકાળ તરફ દોરી જશે. માણસ માણસ વચ્ચે શાને લીધે તફાવત છે? ઘણે ભાગે બુદ્ધિનો એ તફાવત છે. આપણે સર્વ એક જ પ્રકારની બુદ્ધિશક્તિ સાથે જન્મ્યા છીએ એમ ગાંડો માણસ જ કહી શકે. જગતમાં અસમાન શક્તિઓ સાથે આપણે આવીએ છીએ; આપણે મોટા માણસ તરીકે કે નાના માણસ તરીકે જન્મીએ છીએ અને જન્મ પહેલાં નિશ્ચિત થતી આ સ્થિતિમાંથી આપણે છટકી શકીએ નહીં. હજારો વરસ સુધી અમેરિકન ઇન્ડિયનો આ દેશમાં રહેતા હતા અને તમારા મુઠ્ઠીભર પૂર્વજો એમના આ દેશમાં આવ્યા. એમણે આ દેશમાં નજરે જોઈ શકાય તેવા શા શા ફેરફારો કર્યા? જો સર્વ સમાન હતા તો અમેરિકન ઇન્ડિયનોએ સુધારા કેમ ન કર્યા અને શહેરો કેમ ન બાંધ્યાં? તમારા પૂર્વજો આ દેશમાં આવ્યા તેની સાથે એક જુદા પ્રકારની બુદ્ધિશક્તિ પણ આવી; જુદાં જુદાં પૂર્વસંસ્કારનાં બળો આવ્યાં અને તે કાર્ય કરતાં થયાં. સંપૂર્ણ સમાનતા એટલે મૃત્યુ. જ્યાં સુધી આ જગતનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ભિન્નતા રહેવાની જ; સંપૂર્ણ સમાનતાનો સત્યયુગ તો સર્જનનું ચક્ર જ્યારે અંત પામશે ત્યારે જ અમલમાં આવશે. એ પહેલાં સમાનતા હોઈ શકે જ નહીં. એમ છતાં સત્યયુગની પ્રાપ્તિનો વિચાર એ એક ભારે પ્રેરકબળ છે. જેમ સર્જનને માટે અસમાનતા આવશ્યક છે, તેમ તે અસમાનતાને મર્યાદિત કરવાની મથામણ પણ આવશ્યક છે. સ્વાધીન થવાની અને પરમાત્મા પાસે પહોંચવાની જો મથામણ ન હોય તો સર્જન પણ અસ્તિત્વમાં ન હોય. આ બે બળો વચ્ચે રહેલી ભિન્નતા માનવોના કાર્ય પાછળના હેતુઓનું સ્વરૂપ નક્કી કરે છે. કાર્ય કરવા માટે આ હેતુઓ હંમેશાં હોવાના; અમુક હેતુઓ બંધન ભણી લઈ જવાના, અમુક મુક્તિ તરફ લઈ જવાના.

જગતના આ ચક્રની અંદરના ચક્રનું ભયંકર યંત્રકામ ઘણું દારુણ છે; જો એમાં આપણે હાથ નાખીએ તો જેવા સપડાઈએ તેવા જ નાશ પામીએ. અમુક કર્તવ્ય પાર પાડીએ એટલે આરામ પામીશું એમ આપણે માનીએ, પણ એ કર્તવ્યનો અમુક અંશ આપણે પૂરો કરીએ ત્યાં સાથોસાથ બીજું કર્તવ્ય આપણી રાહ જોતું હોય જ છે. આપણે બધા જગતના આ શક્તિશાળી, અગમ્ય યંત્રથી ખેંચાઈ રહ્યા છીએ. એમાંથી છૂટવાના માત્ર બે માર્ગ છેઃ એક માર્ગ એ યંત્ર સાથેની સર્વ નિસ્બત છોડી દેવાનો, એને ચાલ્યા કરવા દઈને બાજુએ ઊભા રહેવાનો અને આપણી ઇચ્છાઓને છોડી દેવાનો છે. આમ કહેવું ઘણું સરળ છે, પણ કરવું લગભગ અશક્ય છે. બે કરોડ માનવમાંથી એકાદ જણ પણ આમ કરી શકે કે કેમ તે હું જાણતો નથી. અન્ય માર્ગ જગતમાં ઝુકાવવાનો છે અને કાર્યનું રહસ્ય સમજવાનો છે. એ માર્ગ કર્મયોગનો છે. જગતયંત્રના ચક્રથી ડરીને નાસી ન જાઓ. પણ અંદર જ ઊભા રહો અને કાર્યનું રહસ્ય જાણો. અંદર રહી યોગ્ય કાર્ય કરવાથી, બહાર આવવાનું શક્ય પણ બને. આ યંત્રમાંથી બહાર આવવાનો એ જ માર્ગ છે.

કર્મ એટલે શું એ હવે આપણે જોયું. પ્રકૃતિના પાયાનો એ એક ભાગ છે અને હંમેશાં રહેવાનો. જેઓ પરમાત્મામાં માને છે એ આ સવિશેષ સમજે છે, કેમ કે જેને આપણી સહાયની અપેક્ષા રાખવી પડે એટલો બધો ઈશ્વર શક્તિહીન નથી. આ વિશ્વ સતત ચાલ્યા જ કરવાનું છે, તેમ છતાં આપણું લક્ષ્ય સ્વાધીનતા, નિઃસ્વાર્થતા છે અને કર્મયોગ પ્રમાણે એ લક્ષ્ય કર્મ વડે પ્રાપ્ત કરવાનું છે. જગતને સંપૂર્ણ રીતે સુખી કરવાના સર્વ વિચારો ધર્મઝનૂનીઓ માટે પ્રેરકબળ તરીકે સારા હશે, પણ ઝનૂન શુભ જેટલું જ અશુભ પેદા કરે છે એ આપણે જાણવું જોઈએ. સ્વાધીનતા માટેની આજન્મ લગન સિવાય કાર્ય કરવા માટે અન્ય હેતુની તમારે શી જરૂર છે, એમ કર્મયોગી પૂછવાનો. જગતના સામાન્ય હેતુઓથી પર થાઓ. ‘કર્મ કરવું એ તમારો હક્ક છે, પણ એનાં ફળ મેળવવાનો તમારો હક્ક નથી.’ આ સમજવા અને એને અમલમાં મૂકવા માટે માનવ પોતાની જાતને કેળવી શકે, આમ કર્મયોગી કહે છે. શુભ કરવાનો વિચાર એનો પોતાનો જ એક અંશ બનશે, ત્યારે બહારના કોઈ હેતુઓ એ શોધવા નહીં જાય. આપણે શુભ કરીએ કેમ કે શુભ કરવું એ શુભ છે; સ્વર્ગમાં જવા માટે પણ જે શુભ કરે છે તે પોતાને બંધનમાં નાખે છે. નાનામાં નાના કોઈ સ્વાર્થી હેતુથી કોઈ કાર્ય કરવામાં આવે તો તે, આપણને સ્વાધીન કરવાને બદલે, આપણા પગ માટે એક નવી બેડી ઘડે છે.

તેથી, એક માત્ર માર્ગ કર્મના ફળોનો ત્યાગ કરવાનો, ફળ પ્રત્યે અનાસક્ત રહેવાનો છે. જાણી લો કે આ જગત એ આપણે નથી, તેમ જ આપણે આ જગત નથી; એટલે આપણે દેહ નથી; કર્મ આપણે કરતા નથી. આપણે આત્મા છીએ જે અનંતકાળથી આરામમાં અને શાંતિમાં રહે છે. આપણે કશાથી શા માટે બંધાવું જોઈએ? આપણે સંપૂર્ણ રીતે અનાસક્ત થવું જોઈએ એમ કહેવું એ બહું સારું છે, પણ એમ થવાનો માર્ગ શો? કોઈ પણ આંતરિક હેતુ વગર કરેલું શુભ કાર્ય, નવી શૃંખલા ઊભી કરવાને બદલે તેની એકેક કડી જ તોડશે. બદલાની આશા રાખ્યા વગર જગતમાં પાઠવેલો કોઈ પણ એક શુભ વિચાર ત્યાં સંઘરાશે, એ શૃંખલાની એકેક કડી તોડશે, મર્ત્ય મનુષ્યોમાં શુદ્ધતમ થઈએ ત્યાં સુધી આપણને વધુ અને વધુ શુદ્ધતર બનાવશે. બનવા જોગ છે કે આ બધું કદાચ તમને વેદિયાવેડા અને અતિ ફિલસૂફીભર્યું લાગે, કદાચ તમને વ્યાવહારિકને બદલે માત્ર સૈદ્ધાંતિક જ લાગે. ભગવદ્ગીતાની વિરુદ્ધ થતી ઘણી દલીલો મેં વાંચી છે, ઘણાએ કહ્યું છે કે હેતુઓ વગર તમે કોઈ કાર્ય કરી શકો નહીં. પરંતુ ધર્માન્ધતાથી થતા કાર્ય સિવાયનું અન્ય નિઃસ્વાર્થ કાર્ય એમણે જોયું નથી, તેથી તેઓ તે પ્રમાણે કહે છે.

અંતમાં કર્મયોગના ઉપદેશને અમલમાં મૂકનાર એક મહાપુરુષ વિશે બે શબ્દો કહી લઉં. તે મહાપુરુષ એટલે બુદ્ધ. જેમણે આ કર્મયોગને સંપૂર્ણ અમલમાં મૂક્યો હોય એવા એ એક જ પુરુષ હતા. બુદ્ધ સિવાયના જગતના અન્ય સૌ પયગંબરો નિઃસ્વાર્થ કાર્ય કરવા માટે પણ કોઈ બાહ્ય હેતુથી પ્રેરાયા હતા. એક બુદ્ધના અપવાદ સિવાય જગતના અન્ય પયગંબરોને બે કોટિમાં વહેંચી શકાયઃ એક પોતે પરમાત્માના અવતારો તરીકે આ પૃથ્વી પર આવ્યા છે એમ કહેનારાઓ અને બીજા પોતે ઈશ્વરના માત્ર સંદેશવાહકો તરીકે પૃથ્વી પર આવ્યા છે એમ કહેનારાઓ. આ બંને કોટિના પયગંબરોને કાર્ય કરવાની પ્રેરણા બહારથી મળે છે, ને બહારના બદલાની આશા રાખે છે. જો કે એમની ભાષા ઘણી આધ્યાત્મિક હોય છે. બુદ્ધ એક જ એવા પયગંબર છે કે જેમણે કહ્યું, ‘ઈશ્વર વિશેના તમારા જુદા જુદા મતો જાણવાની હું દરકાર કરતો નથી. આત્મા વિશેના સર્વ ગહન સિદ્ધાંતોની ચર્ચા કરવાની શી જરૂર છે? ભલાં કામ કરો અને ભલા થાઓ. એ જ તમને મુક્ત કરશે અને પરમ સત્ય તરફ લઈ જશે.’ પોતાના જીવન વ્યવહારમાં બુદ્ધ પૂરા નિઃસ્વાર્થ હતા અને એનાથી વિશેષ કાર્ય બીજા કયા પુરુષે કર્યું છે? ઇતિહાસમાં એવો કોઈ એક દાખલો તો બતાવો જે બીજા સૌના કરતાં આવી ઊંચી કોટિએ પહોંચ્યો હોય. સમગ્ર માનવજાતે માત્ર આવા એક જ માનવીને—આવી ઊંચી ફિલસૂફીને, આવી વિશાળ સહાનુભૂતિને—જન્મ આપ્યો છે. આ મહાન તત્ત્વવેત્તાએ શ્રેષ્ઠ તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો,અને તેમ છતાં નાનામાં નાના પશુ માટે પણ એમણે ઊંડામાં ઊંડી સહાનુભૂતિ દાખવી; તેમણે પોતાને માટે કોઈ દાવો કર્યો નહીં. કોઈ પણ હેતુ વગર કર્મ કરનાર તેઓ આદર્શ કર્મયોગી હતા. માનવજાતનો ઇતિહાસ તેમને સર્વ માનવોમાં હૃદય અને બુદ્ધિના અપૂર્વ સંયોગવાળા, આત્મશક્તિના સર્વોત્તમ વિકાસભર્યા શ્રેષ્ઠ પુરુષ તરીકે આલેખે છે; જગતે કદી ન જોયા હોય એવા એ પ્રથમ મહાન પુરુષ હતા. નીચેનાં વાક્યો ઉચ્ચારવાની હિંમત કરનાર એ પ્રથમ હતા ‘કોઈ જૂની હસ્તપ્રતો બતાવવામાં આવે માટે માનશો નહીં; તમારી એ રાષ્ટ્રીય માન્યતા છે અથવા તમને બચપણથી એ માનતા કરવામાં આવ્યા છે માટે માનશો નહીં. એ બધાનો બુદ્ધિપૂર્વક વિચાર કરો અને એનું પૃથક્કરણ કર્યા પછી તમને જો એમ લાગે છે કે તેથી સર્વનું શુભ થશે તો જ તમે માનજો. એ પ્રમાણે જીવજો અને અન્યને એ પ્રમાણે જીવવામાં સહાય કરજો.’ જે કોઈ દ્રવ્યના, કીર્તિના કે અન્ય કશા હેતુ વગર કાર્ય કરે છે તે શ્રેષ્ઠ કાર્ય કરે છે. માનવ એમ કરી શકશે ત્યારે એ બુદ્ધ થશે અને એનામાંથી જ જગતનો કાયાપલટો થાય એવી રીતે કર્મ કરવાની શક્તિ પ્રગટશે.

આવો માનવી કર્મયોગનો સર્વોત્તમ આદર્શ પૂરો પાડે છે. (1.55)

Total Views: 279
૧૩. ધર્મમહાસભામાં
જ્ઞાનયોગ પરનાં પ્રવચનો