(ફેબ્રુઆરી ૧૨, ૧૮૯૬)

ધાર્મિક વિચારોનો જે સમુદાય પહેલવહેલો ઉપર તરી આવતો નજરે ચડે છે —ધાર્મિક શબ્દથી અહીં હું જે કહેવા માગું છું તે સ્વીકારાયેલા ધર્મોના વિચારો છે; જેને ધર્મનું નામ પણ આપી ન શકાય એવા સાવ હલકી કોટિના વિચારો નહિ— તે બધામાં અંતઃપ્રેરણાની ભાવના, ઈશ્વરપ્રણિત ગ્રંથની ભાવના અને એવું બધું સમાયેલું છે. ધાર્મિક વિચારોના પહેલા સમુદાયનો આરંભ ઈશ્વર વિશેના વિચારોથી થાય છે. આપણી સામે જે જગત છે તે કોઈ સ્રષ્ટાએ ઉત્પન્ન કર્યું છે. આ જગતમાં છે તે બધું તેના દ્વારા સર્જાયું છે. એની સાથે સાથે જ, પણ ત્યાર પછીની ભૂમિકાએ ચાલ્યો આવે છે આત્માનો વિચારઃ આ શરીર છે અને એ શરીરની અંદર પણ શરીરથી નિરાળું એવું કંઈક છે. આપણે જાણીએ છીએ તેમ ધર્મના વિચારોમાંનો સૌથી પ્રારંભનો વિચાર આ છે. ભારતવર્ષમાં એના થોડાક અનુયાયીઓ મળી શકે; પણ આ વિચારને થોડા સમયમાં જ છોડી દેવામાં આવ્યો. ભારતીય ધર્મોનો આરંભ વિલક્ષણ રીતે થાય છે. કડક પૃથક્કરણ અને કેટલીય ગણતરી અને અનુમાનોને અંતે આપણે એમ માની તો શકીએ કે એ ભૂમિકા ભારતીય ધર્મોમાં હતી ખરી. એ વિચારો પરખાય એવી અવસ્થામાં આવ્યા હોય ત્યારે તો એ પહેલી પાયરી વટાવીને બીજીએ પહોંચી ચૂક્યા હોય છે. મૂળ આરંભની અવસ્થાએ તો સૃષ્ટિની કલ્પના બહુ જ વિચિત્ર છે. એ કલ્પના એવી છે કે આ આખું વિશ્વ ઈશ્વરની ઇચ્છાથી શૂન્યમાંથી પેદા થયું. આ આખું જગત અસ્તિત્વમાં જ નહોતું અને આ અભાવમાંથી જ આ બધું ઉત્પન્ન થયું. ત્યાર પછીની ભૂમિકાએ આપણે જોઈએ છીએ કે આ નિર્ણય સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અભાવમાંથી ભાવરૂપ એવું જગત કેમ કરીને ઉત્પન્ન થાય? વેદાંતમાં પહેલે જ પગલે આ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. જો આ જગત અસ્તિત્વમાં છે તો એ કંઈક પણ ‘સત્’ વસ્તુમાંથી આવ્યું હોવું જ જોઈએ; કારણ કે એ તો દીવા જેવું છે કે કોઈપણ ઠેકાણે શૂન્યમાંથી કોઈ વસ્તુ આવે જ નહિ. જે કંઈ કાર્ય માણસના હાથથી થાય, તેને માટે સાધનો જોઈએ. એક ઘર બાંધવું હોય ત્યારે તેની સાધનસામગ્રી પહેલેથી જ તૈયાર હોય છે. એક વહાણ બાંધવું હોય તો તેની સામગ્રી પહેલેથી જ તૈયાર હોય; જો કોઈ ઓજાર બને, તો તેની સામગ્રી પણ અગાઉથી જ હાજર હોય છે. હરકોઈ કાર્ય આમ જ બને છે. તેથી સ્વભાવિક રીતે જ, આ જગત શૂન્યમાંથી આવ્યું છે એ પહેલો વિચાર છોડી દેવાયો અને જેમાંથી આ દુનિયા ઉત્પન્ન કરવામાં આવી હોય એવાં કોઈક ઉપાદાન દ્રવ્યની જરૂરિયાત જણાઈ. ધર્મનો આખો ઇતિહાસ વાસ્તવમાં, આ ઉપાદાન દ્રવ્યની શોધનો ઇતિહાસ છે.

શામાંથી આ બધું પેદા કરવામાં આવ્યું છે? નિમિત્તકારણ ઈશ્વરના સવાલથી અલગ, ઈશ્વરે આ જગત રચ્યું એ સવાલથી પણ અલગ, મોટામાં મોટો સવાલોનો સવાલ તો એ છે કે કઈ વસ્તુમાંથી ઈશ્વરે આ જગત સર્જ્યું? બધી ફિલસૂફીઓ, અંતે જાણે કે આ સવાલ ઉપર આવે છે. એક ખુલાસો એવો છે કે પ્રકૃતિ, ઈશ્વર અને જીવ, એ ત્રણ સનાતન સત્તાઓ છે – જાણે કે આ ત્રણ લીટીઓ સદાયને માટે અનંત કાળથી સમાંતર દોડ્યે જાય છે; એમાંથી પ્રકૃતિ અને જીવ મળીને જેને પરતંત્ર કહે છે તે બને છે. ઈશ્વર એ એક સ્વતંત્ર સત્તા છે. હરેક જીવ, મૂળ દ્રવ્યના દરેક અણુની પેઠે સંપૂર્ણપણે ઈશ્વરની ઇચ્છાને આધીન છે. ત્યાર પછીની વિચારભૂમિકાઓ ઉપર જતા પહેલાં આપણે જીવ વિશેનો વિચાર લઈશું અને એ વખતે જણાશે કે બધા વેદાંતી તત્ત્વવેત્તાઓ પાશ્ચાત્ય દર્શનોથી ખૂબ જ જુદા પડે છે. એ બધા વેદાંતીઓનું એક સર્વસાધારણ મનોવિજ્ઞાન છે. તેમનું તત્ત્વ નિરૂપણ ગમે તે હોય, પણ તે બધાનું માનસશાસ્ત્ર ભારતમાં એક જ છે, પેલું પ્રાચીન સાંખ્યશાસ્ત્ર. એ શાસ્ત્ર પ્રમાણે વસ્તુનું જ્ઞાન આ પ્રકારે થાય છેઃ બહારના પદાર્થનાં આંદોલનો પ્રથમ ઇન્દ્રિયોના બહારના ભાગ પાસે પહોંચે છે, ત્યાંથી ઇન્દ્રિયો પાસે જાય છે, ઇન્દ્રિયો પાસેથી એ મન પાસે જાય છે, મન પાસેથી બુદ્ધિ પાસે અને બુદ્ધિ પાસેથી એક એકમ પાસે પહોંચે છે, જેને તેઓ આત્મા કહે છે. આધુનિક કે અર્વાચીન શરીરશાસ્ત્ર પ્રમાણે બધાં જુદાં જુદાં સંવેદનોનાં જુદાં જુદાં કેન્દ્રો શોધાયાનું આપણે જાણીએ છીએ. એ શાસ્ત્ર પ્રમાણે પ્રથમ નીચલી શ્રેણીનાં કેન્દ્રો છે અને ત્યારબાદ એક ઊંચી શ્રેણીનાં કેન્દ્રો છે; આ બે કેન્દ્ર-શ્રેણીઓ આંતર-ઇન્દ્રિયો અને મનને બરાબર મળતી આવી જાય છે. પણ આ બધાં કેન્દ્રોને નિયમમાં રાખે એવું એકે કેન્દ્ર શોધાયું નથી; એટલે શરીરવિજ્ઞાન આ બધાં કેન્દ્રોને જોડનાર કઈ વસ્તુ છે એ કહી શકતું નથી. એ કેન્દ્રો બધાં ક્યાં એકત્રિત થાય છે? મગજની અંદરનાં કેન્દ્રો બધાં જુદાં જુદાં છે, પણ ત્યાં એવું કોઈ કેન્દ્ર નથી કે જે બીજાં બધાં કેન્દ્રોને નિયમમાં રાખતું હોય. તેથી આ દૃષ્ટિએ તો ભારતીય માનસશાસ્ત્ર આ મુદ્દા પર બિનહરીફ ઊભેલું છે. આ એકતા આપણને જોઈએ જ. જેના ઉપર બહારથી આવતી અસરો પ્રતિબિંબિત થઈને એક સમગ્ર વસ્તુનું ભાન કરાવે એવું કંઈક ન હોય ત્યાં સુધી મને તમારો કે ચિત્રનો કે બીજી કોઈ વસ્તુનો કોઈ જ ખ્યાલ આવી શકે નહિ. જો એ સંયોજકતત્ત્વ જેવું કંઈક ન હોય તો આપણે માત્ર જોઈ જ શકીએ, ત્યાર પછી કેટલીક વારે શ્વાસ લેવાય, ત્યાર પછી વળી સંભળાય, એમ બધું ક્રમે ક્રમે એક પછી એક અનુભવમાં આવે; પણ બધાં કેન્દ્રો અલગ અલગ હોવાથી એક માણસની વાત સાંભળતી વખતે એ માણસ દેખવામાં મુદ્દલે ન આવે.

આ શરીર, જેને આપણે જડદ્રવ્ય કહીએ છીએ તેના પરમાણુઓનું બનેલું છે અને એ જડ અને અચેતન છે. જેને વેદાંતીઓ સૂક્ષ્મ શરીર કહે છે તે પણ તેવું જ છે. તેમના કહેવા મુજબ સૂક્ષ્મ શરીર દ્રવ્યનું જ, પણ પારદર્શક અને અતિસૂક્ષ્મ પરમાણુઓનું બનેલું છે; એ પરમાણુઓ એટલાં બધાં સૂક્ષ્મ છે કે કોઈ સૂક્ષ્મદર્શક યંત્ર તેને જોઈ શકે નહિ. એ શરીરનો ઉપયોગ શો? ઉપયોગ એ કે એ સૂક્ષ્મ શક્તિઓના સંગ્રાહક પાત્ર જેવું છે. જેવી રીતે આ સ્થૂળ શરીર સ્થૂળ બળોનું સંગ્રાહક છે, તેમ સૂક્ષ્મ શરીર, જેને આપણે વિચાર કહીએ છીએ તે ચિત્તશક્તિ તથા તેનાં વિધવિધ પરિણામોનું સંગ્રાહક પાત્ર છે. પહેલું આવે સ્થૂળ શરીર કે જે સ્થૂળ બળ સહિતનું સ્થૂળ દ્રવ્ય છે. જડદ્રવ્યના આધાર વિના બળ રહી શકે નહિ; એને રહેવા માટે આધારસમું કંઈક પણ જડદ્રવ્ય જોઈએ. એટલે સ્થૂળ બળો શરીરમાં કાર્ય કરે છે; અને એ જ બળો સૂક્ષ્મ બને છે. જે બળ સ્થૂળ શરીરમાં કાર્ય કરી રહ્યું હોય છે, તે જ સૂક્ષ્મરૂપે કાર્ય કરવા લાગે છે અને ‘વિચાર’ બને છે. એ બેમાં કશો જ ભેદ નથી. માત્ર એક જ વસ્તુની એક સ્થૂળ અને બીજી સૂક્ષ્મ અભિવ્યક્તિ છે. તેમજ આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર વચ્ચે પણ કાંઈ જ ભેદ નથી. સૂક્ષ્મ શરીર પણ અતિ સૂક્ષ્મ દ્રવ્યનું જ બનેલું છે; જેમ આ સ્થૂળ શરીર એ સ્થૂળ બળોને કાર્ય કરવાનું સાધન છે, તેમ સૂક્ષ્મ શરીર એ સૂક્ષ્મ બળોને કાર્ય કરવાનું સાધન છે. આ બધાં બળો આવે છે ક્યાંથી? વેદાંતદર્શન પ્રમાણે પ્રકૃતિમાં બે વસ્તુઓ છે; એકને કહે છે આકાશ, જે અતિશય સૂક્ષ્મ દ્રવ્ય છે; અને બીજાને કહે છે પ્રાણ, જે બળ છે. પવન, પાણી, પૃથ્વી અથવા બીજા કોઈ પણ રૂપે તમે જે કંઈ જુઓ, સાંભળો કે અનુભવો એ બધું આકાશમાંથી બનેલા દ્રવ્યરૂપ છે. પ્રાણની ક્રિયા દ્વારા એ આકાશ સૂક્ષ્મથી વધુ સૂક્ષ્મ અથવા સ્થૂળથી વધુ સ્થૂળ, એમ પરિવર્તન પામ્યા કરે છે. આકાશની પેઠે પ્રાણ સર્વવ્યાપક અને દરેક વસ્તુમાં ઓતપ્રોત થયેલ છે. આકાશ જાણે કે જળ જેવું અને બીજું બધું એ જ પાણીમાંથી બનેલું અને એ જ પાણીમાં તર્યા કરતું બરફના ચોસલાં જેવું છે; અને આ પ્રાણ પેલા આકાશને વિવિધ વસ્તુઓ રૂપે પલટાવી નાખનારી શક્તિ છે. સ્થૂળ શરીર આ આકાશમાંથી બનેલું એક સાધન છે જે દ્વારા પ્રાણશક્તિ સ્થૂળરૂપે ઊઠવાબેસવા, બોલવાચાલવા વગેરે સ્નાયુની ગતિ રૂપે, પ્રગટ થાય છે. એ સૂક્ષ્મ શરીર પણ આકાશનું જ અતિશય સૂક્ષ્મ રૂપ હોઈ એ જ પ્રાણશક્તિના વિચાર સ્વરૂપે પ્રગટ થવા સારુ આકાશમાંથી જ બનેલું છે. આમ સૌથી પહેલું છે આ સ્થૂળ શરીર, એથી પર છે આ સૂક્ષ્મ શરીર અને એનાથી પર છે જીવ એટલે કે વાસ્તવિક મનુષ્ય. જેમ નખ તથા વાળને કેટલીય વાર કાપી નાખી શકાય અને છતાં તે આપણા શરીરના જ ભાગ છે, જુદા નહિ, તે રીતે આપણું સ્થૂળ શરીર સૂક્ષ્મ શરીરની સાથે સંબંધ રાખી રહેલું છે. એ આખું મળીને એક જ શરીર છે. માત્ર જે અંશ વધુ ટકી રહે છે એ સૂક્ષ્મ શરીર છે અને જે વહેલું ખલાસ થઈ જાય છે એ સ્થૂળ શરીર છે. જેમ હું આ નખને ગમે તેટલી વાર કાપી નાખી શકું તેમ લાખો વખત હું આ સ્થૂળ શરીરને તજી દઈ શકું; પણ સૂક્ષ્મ શરીર તો રહેવાનું જ. દ્વૈતવાદીઓના મત પ્રમાણે આ જીવનું એટલે કે વાસ્તવિક મનુષ્યનું સ્વરૂપ અતિ સૂક્ષ્મ અણુપ્રમાણ છે.

અહીં સુધીમાં આપણે જોયું કે મનુષ્યને એક બહુ જલદી નાશ પામી જાય એવું સ્થૂળ શરીર હોય છે, ત્યાર પછી કલ્પોના કલ્પો સુધી ટકી રહેનારું એક સૂક્ષ્મ શરીર હોય છે અને ત્યારબાદ એક જીવ છે. જેમ ઈશ્વર શાશ્વત છે તેમ આ જીવ, વેદાંતદર્શન પ્રમાણે શાશ્વત છે. પરિવર્તન પામ્યે જતી પ્રકૃતિ પણ શાશ્વત છે. પ્રકૃતિ, પ્રાણ અને આકાશ, એ બધાંનું ઉપાદાન દ્રવ્ય શાશ્વત છે, પણ એ નિરંતર વિવિધ રૂપોમાં પરિવર્તન પામ્યા જ કરે છે. પરંતુ જીવ એ આકાશ અથવા પ્રાણમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુ નથી; એ જડદ્રવ્યથી જુદું છે અને તેથી સદાને માટે ટકી રહેશે. એ પ્રાણ અને આકાશના કોઈપણ જાતના મિશ્રણનું પરિણામ નથી; અને જે કાંઈ મિશ્રણનું પરિણામ ન હોય તે કદી નાશ પામવાનું નથી, કારણ કે નાશ એટલે મૂળ કારણોમાં પાછા જવું. સ્થૂળ શરીર આકાશ અને પ્રાણના સંયોગથી થયેલું છે અને તેથી તેનો નાશ થવાનો જ, સૂક્ષ્મ શરીર પણ દીર્ઘકાળે નાશ પામવાનું જ. પણ જીવ અસંમિશ્ર કે મિશ્રણરહિત છે અને એ કદી નાશ પામવાનો નથી. એ જ કારણસર તેનો કદી જન્મ પણ થતો નહોતો. સંમિશ્રણરહિત વસ્તુનો જન્મ સંભવે જ નહિ. એ જ કારણસર જે મિશ્રણરૂપ હોય તેની જ ઉત્પત્તિ સંભવે. લાખો ને કરોડો જીવો સહિતની સમસ્ત પ્રકૃતિ ઈશ્વરની ઇચ્છા નીચે છે. ઈશ્વર સર્વવ્યાપક, સર્વજ્ઞ, નિરાકાર છે અને તે શાસક પ્રકૃતિ દ્વારા કામ કરી રહ્યો છે. આખી પ્રકૃતિ તેના કાબૂમાં છે. એ સનાતન નિયામક છે. દ્વૈતવાદીઓ એમ કહે છે. હવે સવાલ એ થાય છે કે જો ઈશ્વર આ જગતનો નિયંતા છે, તો તેણે આવી દુષ્ટ દુનિયા શું કામ પેદા કરી? શા માટે આપણને આટલાં દુઃખો ભોગવવાં પડે છે? એ લોકો કહે છે કે એમાં ઈશ્વરનો વાંક નથી; આપણા વાંકને લીધે આપણે દુઃખી છીએ. જેવું વાવીએ તેવું લણીએ; આપણને સજા કરવા સારુ ઈશ્વરે કાંઈ જ કર્યું નથી. કોઈ જન્મથી આંધળો કે કંગાલ હોય છે, કોઈ ગર્ભશ્રીમંત હોય છે. એનું કારણ શું? એ વ્યક્તિએ પોતે જન્મ લેતાં પહેલાં એવું કંઈક કર્યું હતું. જીવ તો સનાતન કાળથી સદા અસ્તિત્વમાં રહેતો આવ્યો જ છે; એનો તો જન્મ થયો જ નથી. એ તો સદાકાળથી સર્વ કંઈ બાબતો કરતો આવ્યો છે. જે કાંઈ આપણે કરીએ, તેની પ્રતિક્રિયા આપણા પર થાય છે. જો આપણે સત્કર્મ કરીશું તો સુખ પામીશું અને જો દુષ્કર્મ કરીશું તો દુઃખ પામીશું. આમ જીવ સુખદુઃખ ભોગવ્યે જ જાય છે, સારાંનરસાં બધાં કર્મ કર્યે જ જાય છે.

ત્યારે હવે મૃત્યુ પછી શું થાય છે? વેદાંતના સર્વ દાર્શનિકો કબૂલ કરે છે કે આ જીવ સ્વભાવે શુદ્ધ છે. પણ તેઓ કહે છે કે અજ્ઞાનથી એનો શુદ્ધ સ્વભાવ ઢંકાય છે. જેમ દુષ્કર્મો કરીને તે પોતાનો શુદ્ધ સ્વભાવ ઢાંકે છે, તેમ સત્કર્મો કરવાથી તેને પાછું પોતાના શુદ્ધ સ્વભાવનું ભાન થાય છે. જેમ તે સનાતન છે, તેમ એનો સ્વભાવ શુદ્ધ છે. પ્રત્યેક જીવનો સ્વભાવ શુદ્ધ છે.

જ્યારે સત્કર્મો કરવાથી જીવનાં કુકર્મો અને પાપ ધોવાઈ જાય છે, ત્યારે તે પાછો શુદ્ધ થાય છે. જ્યારે શુદ્ધ થાય છે ત્યારે દેવયાન માર્ગે જાય છે. તેની વાણીના દેવતા મનમાં લય પામે છે. શબ્દો વિના વિચાર આવી ન શકે. જ્યારે જ્યારે વિચાર આવે, ત્યારે શબ્દો હોવા જ જોઈએ. જેમ વાણી મનમાં લય પામે, તેમ મનનો લય પ્રાણમાં થાય અને પ્રાણ લય પામે જીવમાં. પછી તરત જ જીવ શરીરમાંથી બહાર નીકળી જાય અને સૂર્યમંડળના લોક તરફ જવા લાગે. આ બ્રહ્માંડમાં અનેક લોક આવેલા છે. જેમાં આ પૃથ્વી છે તે ભૂલોક છે; તેમાં સૂર્યો, ચંદ્રો અને નક્ષત્રો રહેલાં છે. એથી ઉપર સૂર્યલોક છે; અને એથી ઉપર ચંદ્રલોક છે. એથી આગળ જેને વિદ્યુતલોક કહે છે તે છે. જીવ જ્યારે ત્યાં પહોંચે છે, ત્યારે, એક બીજો પૂર્ણ પુરુષ તેને સત્કારીને તેડી જવા માટે આવે છે; એ તેને સર્વોચ્ચ બ્રહ્મલોકમાં લઈ જાય છે. જીવ ત્યાં સદાને માટે રહે છે. પછી એને જન્મ અગર મૃત્યુ રહેતાં નથી. ત્યાં અનંતકાળ સુધી એ સુખ ભોગવે છે. સર્જનશક્તિ સિવાયની બીજી બધી જાતની શક્તિઓ એને મળે છે. સૃષ્ટિકર્તા તો એકમાત્ર જગન્નિયામક ઈશ્વર જ છે; બીજું કોઈપણ ઈશ્વર થઈ શકે નહિ; દ્વૈતવાદી કહેશે કે જો તમે એમ બોલો કે હું ઈશ્વર છું, તો એ ઈશ્વરનિંદા થઈ કહેવાય. સૃષ્ટિ સિવાયની સર્વ શક્તિઓ એ બ્રહ્મલોકમાં પહોંચેલા જીવને મળે છે. તેની ઇચ્છા થાય તો શરીરો ધારણ કરીને સૃષ્ટિના જુદા જુદા ભાગોમાં એ કાર્ય કરી શકે; જો એ આજ્ઞા કરે કે સર્વ દેવતાઓએ મારી પાસે હાજર થવું, જો એની મરજી થાય કે પોતાના પિતૃઓ પોતાની પાસે આવે, તો એ બધા તેનો હુકમ માનીને હાજર થાય. એને એવી સિદ્ધિઓ મળે છે કે એને કોઈ પ્રકારનાં દુઃખનો અનુભવ થાય નહિ. એની ઇચ્છા હોય તો એ બ્રહ્મલોકમાં અનંતકાળ સુધી રહી શકે. આ સર્વોચ્ચ મનુષ્ય છે; એણે ઈશ્વરનો પ્રેમ પ્રાપ્ત કર્યો છે, એ સંપૂર્ણપણે પવિત્ર અને સ્વાર્થરહિત થયો છે, તેણે સર્વ વાસનાઓનો ત્યાગ કર્યો છે. ઈશ્વર પ્રત્યે પ્રેમ તથા તેની ઉપાસના સિવાય બીજું કાંઈ કરવા એ ઇચ્છતો નથી.

બીજા કેટલાક જીવો એવા છે કે જે એટલી ઊંચી ભૂમિકાએ પહોંચેલા નથી. તેઓ સત્કાર્યો કરે પણ બદલા કે પુરસ્કારની આશા રાખે છે. તેઓ કહેશે કે અમે દાનપુણ્ય એટલા સારુ કર્યું છે કે અમે સ્વર્ગે જઈ શકીએ. મૃત્યુ પછી એવાઓનું શું થાય? વાણીના દેવતા મનમાં લય પામે, મનનો લય થાય પ્રાણમાં, પ્રાણ જીવમાં અને જીવ શરીરમાંથી નીકળીને પહોંચે ચંદ્રલોકમાં. ત્યાં એનાં પુણ્ય પહોંચે ત્યાં સુધી લાંબા કાળ સુધી સ્વર્ગસુખના ભોગો ભોગવેઃ પુણ્ય ખલાસ થઈ જાય એટલે એ જીવ નીચે ઊતરે છે અને વળી પાછો પોતાની વાસના મુજબ પૃથ્વીમાં જન્મ લે છે. ચંદ્રલોકમાં જઈને એ જીવ જેને આપણે દેવતા કહીએ છીએ, ખ્રિસ્તીઓ જેને દેવદૂત કહે છે અને મુસલમાનો જેને ફિરસ્તા કહે છે, તે બને છે. આ દેવતાઓ એ અમુક પદવીનું નામ છે. દાખલા તરીકે દેવતાઓનો રાજા ઇંદ્ર, એ એક પદવીનું નામ છે; એ પદવીએ હજારો માણસો પહોંચી શકે. જ્યારે કોઈ ધાર્મિક માણસ સર્વોચ્ચ વૈદિકયજ્ઞ કરે ત્યારે તે દેવરાજ ઇંદ્ર થાય. એ દરમિયાન જૂનો ઇંદ્ર પોતાનાં પુણ્ય ભોગવી લઈને પાછો માણસ તરીકે અવતરી ચૂક્યો હોય. જેમ અહીં રાજાઓ બદલાય, તેમ ત્યાં દેવતાઓ પણ બદલાય; મૃત્યુ પણ પામે. સ્વર્ગના વસનારાઓ પણ મરવાના જ. મૃત્યુરહિત સ્થાન એકમાત્ર બ્રહ્મલોક છે; માત્ર ત્યાં જ જન્મ કે મૃત્યુ નથી.

એ રીતે જીવો સ્વર્ગે જાય અને મોજ કરે, સિવાય કે અવારનવાર દાનવો તેમનો પીછો પકડીને ભગાડે. અમારાં પુરાણોમાં એમ કહેવાય છે કે દાનવો ક્યારેક દેવતાઓને તકલીફમાં મૂકે છે. બધાં પુરાણોમાં વાંચવામાં આવે છે કે દેવો અને દાનવો લડ્યા છે અને કોઈ કોઈ વાર દાનવોએ દેવોને જીતી લીધા છે. જો કે ઘણીવાર તો એવું દેખાય છે કે દાનવોએ દેવતાઓ જેટલી બુરાઈઓ નથી કરી. દાખલા તરીકે, બધાં પુરાણોમાં દેવતાઓ સ્ત્રીઓમાં આસક્ત થયેલા જણાશે. તેથી એમનાં પુણ્યનો ભોગ પૂરો થઈ જાય એટલે એ લોકો પાછા નીચે પડે; વાદળાં અને વરસાદની વાટે થઈને કોઈ શાકભાજી અથવા ધાન્યમાં પ્રવેશે, પછી ભોજન દ્વારા મનુષ્યશરીરમાં દાખલ થાય. પિતા તેને યોગ્ય શરીર ધારણ કરવાની સામગ્રી પૂરી પાડે. જ્યારે એ સામગ્રી તેમને માટે નકામી નીવડે, ત્યારે તેમણે નવાં શરીર ધારણ કરવાં પડે. વળી કેટલાક સાવ આસુરી પ્રકૃતિના જીવો હોય છે; તેઓ દરેક જાતનાં દુષ્ટ કર્મો કરે છે. તેઓ પશુ થઈને જન્મે છે અને જેઓ અતિશય ખરાબ કર્મો કરનારા હોય છે તે તેઓ સાવ હીન પ્રકારનાં પ્રાણી થઈને જન્મે છે અથવા વૃક્ષ, વનસ્પતિ થાય કે જડ પથ્થર થાય છે.

દેવશરીરમાં કોઈ કર્મો ઉત્પન્ન થતાં નથી. માત્ર માનવશરીર જ કર્મો કર્યા કરે છે. કર્મ એટલે જેનું ફળ ઉત્પન્ન થાય એવું કામ. માણસ મરીને દેવતા થઈને જન્મે એટલે તેને કેવળ ભોગો જ ભોગવવાના હોય છે; તે સમય દરમ્યાન એને નવાં કર્મો કરવાનાં હોતાં નથી. તેને પ્રાપ્ત થતું દેવશરીર તેનાં પૂર્વનાં સત્કર્મોનું ફળ માત્ર છે. જ્યારે સત્કર્મોનો ભોગ પૂરો થઈ જાય, ત્યારે બાકી રહેલાં કર્મોનો ભોગ શરૂ થાય અને તે જીવ પાછો પૃથ્વી પર આવે. તે ફરીવાર માણસ થઈને જન્મે અને જો એ ઘણાં શુભ કર્મો કરીને શુદ્ધ થાય તો એ બ્રહ્મલોકમાં જાય. ત્યાંથી એ પાછો આવતો નથી. ‘न स पुनरावर्तते। न स पुनरावर्तते।’

પશુયોનિ એ નીચેની કક્ષાના જીવોના ઊર્ધ્વવિકાસમાં એક વચ્ચેના વિસામા જેવી છે. સમય જતાં વિકાસ કરીને પશુ મનુષ્યત્વને પામે છે. એ એક સૂચક સત્ય છે કે મનુષ્યની વસ્તી વધે છે તેમ પશુઓની સંખ્યા ઘટે છે. પશુશરીર ધારણ કરેલા જીવો બધા મનુષ્યો થતા આવે છે; પશુઓની કેટલીયે જાતિઓ મનુષ્ય થઈને અવતરી ચૂકી છે. એમ ન હોય તો તે બીજે ક્યાં ગઈ?

વેદોની અંદર નરકસ્થાનનો કોઈ ઉલ્લેખ નથી. પણ અમારાં પુરાણોએ, અમારાં શાસ્ત્રોના પાછળના ગ્રંથોમાં ધાર્યું કે નરકની કલ્પના કર્યા વિના કોઈ ધર્મસંપ્રદાય સંપૂર્ણ બને નહિ, એટલે તેમણે તરેહ તરેહનાં નરકો શોધી કાઢ્યાં. એમાંનાં કેટલાંકમાં, જીવાત્માને કરવતથી વહેરીને ફાડિયાં કરવામાં આવે છે અને નિરંતર ત્રાસ દેવામાં આવે છે, છતાં એ મરતા નથી. એ જીવોને પારાવાર વેદનાઓ ભોગવવી પડે છે. પણ આખરે દયા લાવીને એ પુસ્તકો કહે છે કે એ બધું અમુક કાળ માટે જ હોય છે. એ દશામાં દુષ્કર્મોનાં ફળ ભોગવી લેવાય છે. ત્યાર પછી તે જીવો પાછા પૃથ્વી પર આવીને નવી તક મેળવે છે. એટલે આ માનવ શરીર એક મોટી તક છે. એ કર્મશરીર કહેવાય છે કે જ્યાં આપણે આપણું ભાવિ નક્કી કરી શકીએ છીએ. આપણે એક વિશાળ વર્તુળમાં દોડ્યા જઈએ છીએ અને એ વર્તુળમાં આ માનવદેહ એક એવું બિંદુ છે કે જ્યાં ભાવિનો નિર્ણય થાય છે. એટલા માટે આ માનવદેહ સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. દેવતાઓ કરતાં મનુષ્ય વધુ મોટો છે.

અત્યાર સુધીનું નિરૂપણ કેવળ દ્વૈતવાદ પ્રમાણે કરવામાં આવ્યું. હવે આવે છે વધુ ઊંચી વેદાંત ફિલસૂફી. એ કહે છે કે એમ બને જ નહિ. ઈશ્વર આ જગતનું ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ બેઉ છે. જો તમે એમ કહેવા માગતા હો કે, ઈશ્વર એક અનંત સત્તા છે અને જીવ પણ અનંત સત્તાવાન છે અને પ્રકૃતિ પણ અનંત સત્તાવાળી છે, તો તો પછી તમે અનંતનો ગુણાકાર જ કર્યે જાઓ કે જેનો અંત આવે નહિ. એ તો સાવ અસંભવિત છે અને તર્ક તથા ન્યાયશાસ્ત્રના ભુક્કા જ ઊડી જાય એવું છે. એટલે વેદાંત કહે છે કે ઈશ્વર જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ બંને છે; એ પોતામાંથી આ જગતને સર્જે છે. તો પછી એ કેવી રીતે બને કે આ ભીંત અને આ ટેબલ પણ ઈશ્વર છે, આ સુવર અને ખૂની પણ ઈશ્વર છે, દુનિયાની બધી ખરાબ ચીજો પણ ઈશ્વર છે? આપણે તો કહીએ છીએ કે ઈશ્વર પવિત્ર છે; આ બધી હલકી કોટિની વસ્તુઓ એ કેમ કરીને બની શકે? અમારો ઉત્તર આ પ્રમાણે છે. જેમ હું એક જીવ છું અને મારે એક શરીર છે અને એક દૃષ્ટિએ આ શરીર મારાથી જુદું નથી; છતાં હું, ખરેખરો ‘હું’ વાસ્તવિક રીતે આ શરીર નથી. દાખલા તરીકે હું કહું છું કે હું બાળક છું, હું યુવાન છું કે વૃદ્ધ છું; પણ મારો આત્મા કાંઈ બદલાઈ ગયો નથી, એ તો એનો એ જ આત્મા છે. તે જ પ્રમાણે અનંત જીવો અને સમસ્ત પ્રકૃતિ સહિતનું આખું વિશ્વબ્રહ્માંડ જાણે કે ઈશ્વરનું અનંત શરીર છે. ઈશ્વર એ બધામાં ઓતપ્રોત થઈને રહ્યો છે. એ એક જ પરિવર્તનરહિત છે, પણ પ્રકૃતિ પરિવર્તન જ પામ્યા કરે છે; અને જીવ પણ પરિવર્તન પામ્યા કરે છે. પ્રકૃતિ અને જીવમાંનાં પરિવર્તનોથી ઈશ્વર અલિપ્ત છે. ક્યા પ્રકારે પ્રકૃતિમાં પરિવર્તન આવે છે? તેનાં રૂપોમાં. એ નિત્ય નવાં રૂપો લીધે જાય છે. પરંતુ જીવ એ પ્રકારે પરિવર્તન પામી ન શકે. જીવ જ્ઞાનમાં વધે છે કે સંકોચ પામે છે. નરસાં કામોથી એ સંકોચ પામે. જે કામોથી જીવનું સ્વાભાવિક જ્ઞાન અને પવિત્રતા સંકોચાય એ કામો દુષ્કૃત્યો કહેવાય, વળી જે કામો જીવનો સ્વાભાવિક શુદ્ધ સ્વભાવ પ્રગટ કરે એ કામો સત્કૃત્યો કહેવાય. આ બધા જીવો મૂળ તો શુદ્ધ હતા, પણ એ બધા સંકુચિત થઈ ગયા છે; ઈશ્વરની કૃપાથી અને સત્કર્મો કરવાથી તેમનો વિકાસ થશે અને તેઓ પોતાનું સ્વાભાવિક શુદ્ધ સ્વરૂપ ફરી પ્રાપ્ત કરશે. સૌ કોઈને એકસરખી તક છે. લાંબે ગાળે સૌ મુક્ત થવાના જ. પણ આ જગત અટકવાનું નથી, કારણ કે એ શાશ્વત છે. આ બીજો વાદ છે. પહેલો વાદ કહેવાય છે દ્વૈતવાદ. બીજો વાદ કહે છે કે ઈશ્વર, જીવ અને જગત ત્રણે છે; જીવ અને જગત એ ઈશ્વરનું શરીર છે, તેથી એ ત્રણે મળીને એક એકમ બને છે. એ આધ્યાત્મિક વિકાસની વધુ ઊંચી ભૂમિકા રજૂ કરે છે અને વિશિષ્ટાદ્વૈતવાદને નામે ઓળખાય છે. દ્વૈતવાદમાં જગત જાણે કે ઈશ્વરે ચાલુ કરી મૂકેલા એક વિરાટ સંચાની કલ્પના ધારણ કરે છે, જ્યારે વિશિષ્ટાદ્વૈતવાદમાં એ ઈશ્વરથી ઓતપ્રોત થઈ રહેલ એક જીવંત શરીરરૂપે કલ્પાય છે.

છેલ્લા આવે છે અદ્વૈતવાદીઓ. એ લોકો પણ સવાલ ઉઠાવે છે કે ઈશ્વર આ જગતનું ઉપાદાન અને નિમિત્ત કારણ બેઉ હોવો જોઈએ. એ હિસાબે, ઈશ્વર આ આખું જગત એટલે બ્રહ્માંડ બની ગયો છે; એની સામે કશો વાંધો નથી. પણ જ્યારે આ બીજા લોકો કહે કે ઈશ્વર આત્મા છે અને જગત તેનું શરીર છે અને શરીર પરિવર્તન પામ્યા કરે છે પણ ઈશ્વર પરિવર્તનરહિત છે, ત્યારે અદ્વૈતવાદીઓ બોલી ઊઠે છે કે આ બધું ગળે ઊતરે તેવું નથી. એમ હોય તો ઈશ્વરને આ જગતનું ઉપાદાન કારણ કહેવાનો શો અર્થ છે? કાર્યરૂપે પરિણામ પામે છે તે જ ઉપાદાન કારણ છે; કાર્ય એ બીજું કાંઈ નથી પણ બીજે સ્વરૂપે દેખાતું કારણ જ છે. જે કાંઈ તમે કાર્યરૂપે જુઓ છો, તે કારણની પુનરાવૃત્તિ જ છે. જો જગત કાર્ય હોય અને ઈશ્વર કારણ હોય, તો એ ઈશ્વરની જ પુનરાવૃત્તિ હોવી જોઈએ. જો તમે એમ કહો કે જગત ઈશ્વરનું શરીર છે અને શરીર સંકોચાઈને સૂક્ષ્મ બને છે અને કારણરૂપ બને છે અને જગત એમાંથી વિકાસ પામ્યું છે, તો અદ્વૈતવાદીઓ એમ કહે છે કે ઈશ્વર પોતે જ આ જગત થઈ રહેલ છે. હવે એક બહુ સરસ સવાલ આવે છે. જો ઈશ્વર આ જગત થઈ રહેલ છે તો પછી તમે ને આ બધી વસ્તુઓ પણ ઈશ્વર છે. ચોક્કસ આ ચોપડી ઈશ્વર છે, સર્વ કાંઈ ઈશ્વર છે. મારો દેહ ઈશ્વર છે, મારું મન ઈશ્વર છે અને મારો જીવ પણ ઈશ્વર છે. તો પછી જીવો આટલા બધા કેમ છે? શું ઈશ્વર લાખો જીવોમાં વહેંચાઈ ગયો છે? એ એક જ ઈશ્વરના શું અસંખ્ય જીવો થઈ જાય છે? તો પછી એ કેવી રીતે બન્યું? એ અનંત શક્તિ અને દ્રવ્યરૂપ વિશ્વની એકમેવ સત્તાના શું વિભાગ પડી જાય છે? અનંતના વિભાગ પડવા અસંભવિત છે. એ શુદ્ધ આત્મા કેવી રીતે આ જગત થઈ શકે? જો એ જગતરૂપ થયો હોય તો એ પરિવર્તનશીલ થઈ જાય અને જો એ પરિવર્તનશીલ હોય તો એ પ્રકૃતિનો અંશ થઈ જાય અને જે કાંઈ પ્રકૃતિરૂપ અને પરિવર્તનશીલ છે તેની ઉત્પત્તિ અને વિનાશ છે જ. જો આપણો ઈશ્વર પરિવર્તનશીલ હોય, તો કોઈક દિવસે એનું મોત નક્કી છે જ. આનું ખાસ ધ્યાન રાખવું. વળી, ઈશ્વરમાંથી કેટલો ભાગ આ જગત થયું છે? જો તમે કહો કે क्ष (અજ્ઞાત, બીજગણિતની સંખ્યા) જેટલો; તો પછી અત્યારનો ઈશ્વર એટલે મૂળ ઈશ્વર ઓછા क्ष અને તેથી આ સૃષ્ટિની પૂર્વે જે ઈશ્વર હતો તે જ નહિ, કારણ કે તેમાંથી क्ष જેટલો તો આ સૃષ્ટિરૂપ થઈ ગયો છે.

એટલા માટે અદ્વૈતવાદીઓ કહે છે કે ‘આ જગત મૂળે અસ્તિત્વ ધરાવતું જ નથી; એ બધું ભ્રમ છે. આ આખું વિશ્વ, આ દેવતાઓ, ફિરસ્તાઓ, દેવદૂતો અને બીજાં બધાં જન્મતાં અને મરતાં પ્રાણીઓ, તથા આ બધા અનંત સંખ્યામાં ઉપર ચડતા અને નીચે ઊતરતા જીવો, એ બધાં સ્વપ્નાં જેવાં છે.’ જીવ જેવું કંઈ છે જ નહિ અને એ અનેક શી રીતે હોઈ શકે? જે છે તે એક અનંતતા જ છે. જેમ એક જ સૂર્ય પાણી ભરેલાં વિવિધ પાત્રોમાં પ્રતિબિંબિત થઈને અનેક રૂપે ભાસે છે અને જળનાં અસંખ્ય બિંદુઓ અસંખ્ય સૂર્યપ્રતિબિંબો પેદા કરે છે અને પ્રત્યેક જળબિંદુમાં સૂર્યનું સંપૂર્ણ પ્રતિબિંબ હોય છે, તે છતાં સૂર્ય એક જ છે, તેમ, આ બધા જીવો જુદાં જુદાં મનમાં પડેલા એ શુદ્ધ આત્માનાં પ્રતિબિંબો જ છે. આ જુદાં જુદાં મનમાં એ જુદાં જુદાં જળબિંદુ છે અને તેમાં આ એક જ આત્માનાં પ્રતિબિંબો પડે છે. ઈશ્વર આ બધા જીવોમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. પણ એક સાચી વસ્તુ વિનાનું સ્વપ્નું સંભવે નહિ અને એ સાચી વસ્તુ છે પેલી એક અનંત સત્તા. દેહ, મન કે જીવની દૃષ્ટિથી જોતાં તમે એક સ્વપ્ન સમાન છો, પણ તમે જે ખરેખરા છો તે તો સત્-ચિત્-આનંદ છો. તમે આ વિશ્વના ઈશ્વર છો. અદ્વૈતવાદી કહે છે કે તમે જ આ વિશ્વ આખાનું સર્જન કરો છો અને તમારામાં લય કરો છો. એટલે આ બધા જન્મો અને પુનર્જન્મો, આવવું અને જવું, એ બધી માયાનો ખેલ છે. તમે અનંત છો. તમે ક્યાં જવાના? સૂર્ય, ચંદ્ર અને આખું વિશ્વ તમારા સર્વાતીત સ્વરૂપની અંદર માત્ર બિંદુસમા છે. તમારો જન્મ કે મૃત્યુ કેવી રીતે થઈ શકે? મારો જન્મ કદી થયો નથી, થવાનો નથી. મારે કદી પિતા, માતા, શત્રુ, મિત્ર હતા જ નહિ, કારણ કે હું કેવળ સત્-ચિત્-આનંદ છું, ‘सोऽहम्, सोऽहम्’. તો હવે આ તત્ત્વજ્ઞાનને હિસાબે ધ્યેય શું છે? તે એ છે કે જેઓને આ જ્ઞાન થાય તેઓ વિશ્વની સાથે એક થાય. એમને માટે બધાં સ્વર્ગો અને બ્રહ્મલોક સુધ્ધાં નાશ પામી ગયેલ છે, આખું સ્વપ્ન ઊડી જાય છે અને તેઓ પોતાને વિશ્વના અનંત ઈશ્વર તરીકે અનુભવે છે. અનંત જ્ઞાન અને આનંદ સહિતના પોતાના સાચા વ્યક્તિત્વને તેઓ પામે છે અને મુક્ત થાય છે. ક્ષુદ્ર વસ્તુઓમાંનો આનંદ રહેતો નથી. આપણે લોકો આ ક્ષુદ્ર દેહમાં, આ નાના વ્યક્તિત્વની અંદર આનંદ માન્યા કરીએ છીએ. તો આ આખું વિશ્વ જ્યારે મારું શરીર બને ત્યારે આનંદની માત્રા કેટલી વધી જાય? જો એક શરીરમાં આનંદ લાગતો હોય તો જ્યારે બધાં શરીરો મારાં બને, ત્યારે એ આનંદ કેટલો બધો વધારે થાય? ત્યારે, મુક્તિ પમાય છે. આનું નામ છે અદ્વૈત વેદાંતનું તત્ત્વ.

આમ વેદાંતદર્શને આ ત્રણ ભૂમિકાઓ લીધી છે. એથી આગળ જઈ શકાય નહિ, કારણ કે એકત્વથી આગળ જઈ શકાય નહિ. જ્યારે કોઈ એક વિજ્ઞાન જ એકત્વમાં પહોંચે, ત્યાર પછી એ કોઈપણ પ્રકારે આગળ વધી ન શકે. તમે આ અદ્વિતીય એકત્વની ભાવનાથી આગળ જઈ શકો જ નહિ.

બધા લોકો આ અદ્વૈત તત્ત્વજ્ઞાનને ગ્રહણ કરી શકે નહિ. એ કઠણ છે. સૌથી પહેલું તો એ બુદ્ધિમાં ઊતરવું જ બહુ આકરું છે. એને માટે તીક્ષ્ણમાં તીક્ષ્ણ બુદ્ધિ અને હિંમતભરી સમજશક્તિ જોઈએ. બીજું, મનુષ્યોના બહુ મોટા ભાગને એ અનુકૂળ નથી આવતું. એટલા માટે જ આ ત્રણ ભૂમિકાઓ છે. પહેલીથી આરંભ કરો. ત્યારબાદ, એના ઉપર વિચાર કરવાથી અને તેને સમજવાથી બીજી ભૂમિકા આપોઆપ ખુલ્લી થશે, જેમ એક પ્રજા આગળ વધે છે, તેમ વ્યક્તિએ પણ આગળ વધવું પડે છે, આધ્યાત્મિક વિચારના સર્વોચ્ચ શિખરને સર કરવા સારુ માનવજાતિએ જે પગલાં લીધાં છે, તે દરેક વ્યક્તિએ લેવાં જ પડશે. માત્ર, માનવજાતિને એક ભૂમિકાએથી બીજીએ પહોંચતાં લાખો વરસ લાગ્યાં, તો વ્યક્તિઓને માનવજાતિની આખી જિંદગી જીવવા માટે બહુ ટૂંકો સમય લાગે. પરંતુ આપણામાંના દરેકે દરેકને આ ભૂમિકાઓમાંથી પસાર થવું જ પડશે. તમારામાંથી જેઓ અદ્વૈતવાદીઓ હો, તેઓ જ્યારે તમે ચુસ્ત દ્વૈતવાદી હતા તે જીવનકાળ તરફ સિંહાવલોકન કરી જુઓ. જે ઘડીએ તમે વિચાર કરવા લાગો કે તમે એક શરીર અને મન છો, તે ઘડીએ જ તમારે આ આખેઆખું સ્વપ્નું સ્વીકારવું પડશે. જો એનો એક અંશ સ્વીકારો તો આખેઆખું લેવું જ પડે. જે માણસ એમ કહે કે આ દુનિયા ખરી છે અને સગુણ ઈશ્વર નથી, તે મૂર્ખ છે; કારણ કે જો જગત હોય તો એનું કારણ પણ હોવું જ જોઈએ અને એ જ ઈશ્વરને નામે ઓળખાય છે, કારણ છે એવું જાણ્યા વિના કાર્યને તમે જાણી શકો જ નહિ. ઈશ્વરના ખ્યાલનો ત્યારે જ લોપ થઈ શકે કે જ્યારે આ જગતના ખ્યાલનો લોપ થાય; અને ત્યારે તમે જ ઈશ્વર (પરમાત્મા) થશો; આ જગતનું અસ્તિત્વ તમારે માટે પછી રહેશે નહિ. જ્યાં સુધી હું દેહ છું એવું સ્વપ્ન રહ્યા કરશે ત્યાં સુધી હું જન્મું છું અને મરું છું એવું ભાન પણ રહ્યા જ કરશે. જેવું એ સ્વપ્ન ઊડી ગયું કે તરત જ હું જન્મું છું અને મરું છું એ સ્વપ્ન પણ ઊડી જશે અને સાથે સાથે જ, આ એક જગત છે એવું સ્વપ્નુંય ઊડી જ જવાનું. જે વસ્તુને આપણે અત્યારે જગતરૂપે જોઈ રહ્યા છીએ, તે જ વસ્તુ આપણને પરમાત્મારૂપે દેખાશે અને જે ઈશ્વર અત્યાર સુધી બહાર ક્યાંક લાગતો હતો તે જ અંદર આપણા અંતરાત્મારૂપે જણાશે. (2.150)

Total Views: 300
૭. યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી
૧. જ્ઞાન તરફનાં પહેલાં કદમ