ધ્યાન, પ્રથમ નિષેધક પ્રકારનું એટલે કે નેતિ નેતિ રૂપ હોવું જોઈએ. દરેક વસ્તુને વિચારી લો. ઇચ્છાશક્તિની તીવ્ર ક્રિયા દ્વારા મનમાં જે આવે તે બધાનું પૃથક્કરણ કરી નાખો.
ત્યાર પછી આપણા સાચા સ્વરૂપ પર ભાર મૂકો કે આપણે સત્, ચિત્ અને આનંદસ્વરૂપ છીએ-અસ્તિ, ભાતિ અને પ્રિય સ્વરૂપ છીએ.
દૃગ અને દૃશ્યના ઐક્યનું સાધન છે ધ્યાન. આ પ્રમાણે ધ્યાન કરોઃ
ઉપર બધું (બ્રહ્મ સ્વરૂપ એવા) મારાથી ભરપૂર છે; નીચે બધુું મારા વડે ભરપૂર છે; મધ્યમાં બધું મારા વડે ભરપૂર છે. હું સર્વે ભૂતોમાં છું અને સર્વ ભૂતો મારામાં છે. ૐ તત્ સત્ ‘સોઽહમ્’ મનથી પર એવું સત્ હું છુંઃ વિશ્વનું એકમાત્ર ચૈતન્ય હું છું; હું નથી સુખ કે નથી દુઃખ.
શરીર ખાય છે, પીએ છે. વગેરે. હું શરીર નથી; હું મન નથી; હું તે (આત્મા) છું.
હું સાક્ષી છું, હું માત્ર જોયા જ કરું છું. જ્યારે તંદુરસ્તી આવે છે ત્યારે હું સાક્ષી છું, જ્યારે દરદ આવે છે ત્યારે પણ હું તો સાક્ષી જ છું.
હું સત્, ચિત્, આનંદ છું.
હું જ્ઞાનનું સત્ત્વ અને અમૃત છું. અનંત કાળ દરમિયાન મારામાં પરિવર્તન થતું નથી. હું શાંત, પ્રકાશમય અને પરિવર્તનરહિત છું.

