(માર્ચ ૨૨, ૧૮૯૬)
માયાનું કારણ શું છે? એ પ્રશ્ન છેલ્લાં ત્રણ હજાર વર્ષો થયાં પુછાતો આવ્યો છે અને એનો એક જ જવાબ છેઃ જ્યારે દુનિયા એ પ્રશ્નને તર્કશુદ્ધ રીતે રજૂ કરી શકશે ત્યારે અમે તેનો ઉત્તર આપીશું. એ પ્રશ્ન જ પરસ્પર વિરોધી છે. અમારું કહેવું એમ છે કે નિરપેક્ષ તત્ત્વ માત્ર આભાસથી જ સાપેક્ષ થયેલ દેખાય છે, નિરપેક્ષ કેવળ માયામાં જ સાપેક્ષ થયેલ લાગે છે. નિરપેક્ષનો સ્વીકાર કરવાથી જ આપણે કબૂલ કરીએ છીએ કે આના પર બીજા કશાની ક્રિયા થઈ શકે નહિ. એ કારણરહિત છે, એનો અર્થ એ થાય છે કે તેનાથી બહારનું કશું પણ તેના પર ક્રિયા કરી શકે નહિ. પ્રથમ તો, જો તે નિરપેક્ષ હોય તો એના પર બીજા કશાથી ક્રિયા થઈ શકી ન હોય. નિરપેક્ષની અંદર દેશ, કાળ કે નિમિત્ત હોઈ શકે જ નહિ. એ જો માનીએ તો તમારો પ્રશ્ન આવું રૂપ લેશેઃ‘જે (તત્ત્વ) કોઈ પણ કારણે પરિવર્તિત થઈ ન શકે, તે કયા કારણે આ (જગત)રૂપે પરિવર્તિત થઈ ગયું?’ તમારો પ્રશ્ન સાપેક્ષ અવસ્થામાં જ સંભવિત છે, પરંતુ તમે તેને સાપેક્ષમાંથી બહાર કાઢીને નિરપેક્ષમાં પૂછવા માગો છો. માત્ર જ્યારે નિરપેક્ષ સાપેક્ષ થાય તથા દેશ,કાળ અને નિમિત્ત અંદર આવે, ત્યારે જ એ પ્રશ્ન પૂછી શકાય. આપણે માત્ર એટલું જ કહી શકીએ કે અજ્ઞાન ભ્રમ ઊભો કરે છે. એ પ્રશ્ન જ અસંભવિત છે. નિરપેક્ષ ઉપર કશાની જ ક્રિયા થઈ શકી ન હોય. કંઈ કારણ જ ન હતું. આપણે જાણતા નથી કે આપણે અજાણ છીએ, એમ નથી પરંતુ એ જ્ઞાનથી પર છે અને તેને જ્ઞાનની ભૂમિકાએ ઉતારી શકાય તેમ નથી. ‘હું જાણતો નથી’ એ શબ્દોને આપણે બે અર્થમાં વાપરી શકીએ. એક રીતે તેમનો અર્થ એ થાય કે આપણે જ્ઞાનથી નીચે છીએ,અને બીજી રીતે એ થાય કે વસ્તુ જ્ઞાનથી પર છે. ક્ષ-કિરણો (એકસ-રે) હવે જાણવામાં આવ્યાં છે, એમનાં ખુદ કારણો વિષે વાદ ચાલે છે, પરંતુ આપણી ખાતરી છે કે આપણે તેમને જાણીશું. અહીં આપણે કહી શકીએ કે આપણે ક્ષ-કિરણો વિષે જાણતા નથી. પરંતુ નિરપેક્ષ વિષે તો આપણે જાણી શકતા નથી. ક્ષ-કિરણોના કિસ્સામાં તો તે જ્ઞાનની કક્ષામાં છે છતાંય આપણે તેમને જાણતા નથી; એટલે કે આપણે તેમને હજી સુધી જાણતા નથી. પરંતુ બીજા કિસ્સામાં તો એ જ્ઞાનથી એટલું બધું પર છે કે એ જ્ઞાનનો વિષય થતું અટકે છે. ‘જ્ઞાતાને કયાં સાધનોથી જાણી શકાય?’ તમે સર્વદા તમે પોતે જ (જ્ઞાતા જ) છો, એટલે તમે પોતાને વસ્તુરૂપ (જ્ઞેય) ન બનાવી શકો. અમૃતત્વને સાબિત કરવા માટે અમારા દાર્શનિકોએ વાપરેલી દલીલોમાંથી એક આ હતીઃ જો હું મરેલો પડ્યો છું એમ ધારવાનો પ્રયત્ન કરું તો મારે શી કલ્પના કરવી પડે? કલ્પના એ કરવી પડે કે હું ઊભો છું અને મારા તરફ, એક મૃત શરીર તરફ, હું જોઈ રહ્યો છું. તેથી હું મને પોતાને જ્ઞેય વસ્તુ બનાવી ન શકું.

