(માર્ચ ૨૨, ૧૮૯૬)
વેદાંતી કહે છે કે આત્માની દૃષ્ટિથી જોતાં મનુષ્ય જન્મતો નથી કે મરતો નથી કે સ્વર્ગે જતો નથી અને પુનર્જન્મ એક કલ્પિત કથા છે. તે માટે પાનાં ફેરવાતા પુસ્તકનું ઉદાહરણ આપવામાં આવે છે. પુસ્તક આગળ ઊઘડતું જાય છે, માણસ નહિ. દરેક આત્મા સર્વવ્યાપી છે; તો તે બીજે ક્યાં જઈ કે આવી શકે? જન્મ અને મરણ એ પ્રકૃતિમાં થતા ફેરફારો છે; આપણે એને આપણામાં થતા ફેરફારો તરીકે ભૂલથી માની લઈએ છીએ.
પુનર્જન્મ એટલે પ્રકૃતિની ઉત્ક્રાંતિ અને અંદર રહેલ ઈશ્વરનો આવિર્ભાવ.
વેદાંત કહે છે કે દરેક જિંદગી ભૂતકાળ પર બંધાયેલી છે અને જ્યારે આપણે સમગ્ર ભૂતકાળ ઉપર નજર નાખી શકીએ ત્યારે આપણે મુક્ત થઈએ. મુક્ત થવાની ઇચ્છા બચપણથી જ ધાર્મિક પ્રકૃતિનું સ્વરૂપ લેશે. થોડાંક વરસોમાં જ જાણે કે માણસને બધું સત્ય સ્પષ્ટ થઈ જશે; આ ભવ છોડી દીધા પછી બીજા ભવની રાહ જોયા કરે એ માણસ હજી માયાના રાજ્યમાં જ છે.
આત્માનું અમે આ શબ્દોમાં વર્ણન કરીએઃ આ આત્માને તલવાર છેદી શકતી નથી, તેમ ભાલો તેને વીંધી શકતો નથી; અગ્નિ તેને બાળી શકતો નથી તેમ જળ તેને પલાળી શકતું નથી; આ આત્મા અવિનાશી, સર્વવ્યાપી છે; તેથી તેને માટે શોક કર નહિ.
અમે માનીએ છીએ કે જો અત્યાર સુધી દુઃખ પડ્યું છે તો ભવિષ્યમાં સુખ આવશે, પાયાનો સિદ્ધાંત એ છે કે સૌ કોઈને માટે શાશ્વત સ્વાતંત્ર્ય છે જ. સૌ કોઈ એને મેળવશે જ. સ્વતંત્ર થવાની આપણી ઇચ્છાથી પ્રેરાઈને આપણે પ્રયત્ન કરવો જ પડે છે. સ્વતંત્ર થવાની ઇચ્છા સિવાયની બીજી બધી ઇચ્છા એ ભ્રમણા છે. વેદાંતી કહે છે કે દરેક શુભ કાર્ય એ સ્વાતંત્ર્યની અભિવ્યક્તિ છે,
હું નથી માનતો કે એક એવો સમય આવશે કે જ્યારે દુનિયામાંનું બધું અનિષ્ટ અદૃશ્ય થઈ જશે. એ કેમ બને? આ પ્રવાહ ચાલ્યા જ કરે છે. એક છેડેથી પાણીના સમૂહો ચાલ્યા જાય છે, પણ બીજે છેડેથી બીજા આવી જ રહ્યા છે.
વેદાંત કહે છે કે તમે પવિત્ર અને સંપૂર્ણ છો તથા શુભ અને અશુભથી પર એવી એક અવસ્થા છે; તે તમારો પોતાનો સ્વભાવ છે. એ શુભ કરતાંય વધુ ઉચ્ચ છે. શુભ અને અશુભ કરતાં માત્ર ઓછા પ્રમાણની ભિન્નતા છે.
અમારા (વેદાંતમાં) પાપવાદ છે જ નહિ; અમે તેને કેવળ અજ્ઞાન કહીએ છીએ.
લોકો સાથેના શક્ય તેટલા બધા જ વ્યવહારો, બધા નીતિનિયમો, વ્યાવહારિક જગતમાં જ છે. સત્યની સંપૂર્ણમાં સંપૂર્ણ રજૂઆત કરીએ તો અજ્ઞાન જેવી બાબતો અમે ઈશ્વરને લાગુ પાડવાનો વિચાર જ ન કરીએ. એના વિશે અમે એટલું કહીએ કે એ કેવળ સત્-ચિત્-આનંદ છે. વિચાર અને વાણીનો પ્રત્યેક પ્રયાસ નિર્વિશેષને માયાની અંદર ખેંચી લાવશે અને તેના મૂળ સ્વરૂપનો ભંગ કરશે.
એક બાબત યાદ છે કે હું ઈશ્વર છું (સોહમ્) એવું પ્રતિપાદન ઇન્દ્રિયગ્રાહ્ય જગતના સંબંધમાં કરી શકાય નહિ. ઇન્દ્રિયગ્રાહ્ય જગતમાં જો તમે તે ઈશ્વર છો, તો તમને ખોટું કામ કરતાં અટકાવનારું શું રહ્યું? એટલે તમારી દિવ્યતાનું પ્રતિપાદન કેવળ અધિષ્ઠાન આત્માને જ લાગુ પડે છે. જો હું ઈશ્વર છું, તો હું ઇન્દ્રિયપ્રવણતાથી પર છું અને તેથી કશું પાપ નહિ કરું; અવશ્ય, નીતિમત્તા એ માણસનું ધ્યેય નથી પરંતુ સાધન છે કે જેના દ્વારા આ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરાય છે. વેદાંત કહે છે કે આ દિવ્યતાનો સાક્ષાત્કાર કરવાનો યોગ એક માર્ગ છે. વેદાંત કહે છે કે અંદરની મુક્તિનો સાક્ષાત્કાર કરવાથી આ થઈ શકે છે અને એની પાસે સર્વ કંઈ નમી જશે; નીતિમત્તા અને સદાચાર વગેરે બધાં પોતપોતાના યોગ્ય સ્થાનોમાં પોતાની મેળે ગોઠવાઈ જશે.
અદ્વૈત દર્શન સામેની બધી ટીકા આટલામાં સમાવી શકાયઃ એ ઇન્દ્રિયભોગો તરફ નથી લઈ જતું; અને એ અમે ખુશીથી કબૂલ કરીએ છીએ.
વેદાંત દર્શનનો આરંભ અતિશય નિરાશાવાદથી થાય છે અને તેનું પર્વવસાન સાચા આશાવાદમાં થાય છે. અમે ઇન્દ્રિયભોગના આશાવાદનો નિષેધ કરીએ છીએ, પરંતુ ઇન્દ્રિયાતીતના સાચા આશાવાદનો જોશથી દાવો કરીએ છીએ. સાચું સુખ ઇન્દ્રિયોમાં નહીં પરંતુ ઇન્દ્રિયોથી પર હોઈને તે દરેક માણસમાં રહેવું છે. જગતમાં આશાવાદનો જે પ્રકાર જોવામાં આવે છે તે ઇન્દ્રિયો દ્વારા વિનાશ તરફ લઈ જશે.
અમારાં દર્શનશાસ્ત્રમાં સ્વાર્થત્યાગને મોટામાં મોટી અગત્યતા આપવામાં આવી છે. સ્વાર્થત્યાગની ભાવનામાં સાચા આત્મા પરત્વેનો આગ્રહ અંતર્ગત રહેલો છે. ઇન્દ્રિયોના જગતનો નિષેધ કરવામાં વેદાંત નિરાશાવાદી છે, પરંતુ જગત પાછળના સત્યનું ભારપૂર્વક પ્રતિપાદન કરવામાં એ આશાવાદ છે.
વેદાંત માણસની બુદ્ધિશક્તિને ખૂબ જ અગત્યની ગણે છે; જો કે એ એમ તો કહે જ છે કે બુદ્ધિ કરતાં વધુ ઉચ્ચ કંઈક છે, પરંતુ એ ઉચ્ચ માટેના માર્ગે તો બુદ્ધિ દ્વારા જ જવાય છે.
બધા જૂના વહેમોને હાંકી કાઢવા માટે આપણને બુદ્ધિની જરૂર છે; એમ કરતાં જે બાકી રહે છે તે વેદાંત ધર્મ છે. એક સુંદર સંસ્કૃત કાવ્ય છે. તેમાં ઋષિ પોતાને ઉદ્દેશીને કહે છેઃ ‘અરે મિત્ર! તું શા માટે રડે છે? તને કશો ભય કે મૃત્યુ નથી. તું શા માટે રડે છે? તને કશું દુઃખ નથી, કારણ કે તું અનંત નીલ આકાશ જેવો, સ્વભાવે અપરિવર્તનશીલ છો. આકાશની સામે રંગબેરંગી વાદળીઓ આવે, ક્ષણભર ખેલે અને ચાલ્યાં જાય; પરંતુ આકાશ તો એનું એ જ રહે છે.તારે માત્ર વાદળોને દૂર કરવાનાં છે’.
આપણે દરવાજા ખોલવાના છે અને રસ્તો ચોખ્ખો કરી આપવાનો છે. પાણી પોતાના સ્વભાવે જ અંદર ધસી આવશે અને ભરી દેશે, કારણ કે પાણી ત્યાં રહેલું જ છે.
મનુષ્ય ઘણા મોટા પ્રમાણમાં સભાન છે, કંઈક અંશે અભાન છે અને અતિભાન અવસ્થામાં પહોંચવાની તેને માટે શક્યતા છે. માત્ર જ્યારે આપણે સાચા ‘મનુષ્ય’ થઈએ ત્યારે જ આપણે સર્વ બુદ્ધિથી પર જઈ શકીએ. ‘ઊંચું’ અને ‘નીચું’ એ શબ્દો માત્ર વ્યાવહારિક જગતમાં જ વાપરી શકાય, અધિષ્ઠાન સત્તાને વિશે એ વાપરવા એ કેવળ પરસ્પર વિરોધી છે, કારણ કે ત્યાં કશો ભેદભાવ જ છે નહિ. વ્યાવહારિક જગતમાં મનુષ્યરૂપે અભિવ્યક્તિ સર્વોચ્ચ છે; વેદાંતી કહે છે કે તે દેવોથી પણ પર છે. દેવોને મરવું પડશે અને ફરી પાછા મનુષ્યો બનવું પડશે; માત્ર માનવશરીરમાં જ તેઓ પૂર્ણ થઈ શકશે.
આપણે અમુક પ્રકારની વિચારપદ્ધતિ ચાલુ કરીએ છીએ એ સાચું છે; પણ આપણે કબૂલ કરવું પડે છે કે એ સંપૂર્ણ નથી હોતી, કારણ કે સત્ય તો બધી વિચારપદ્ધતિઓથી પર જ હોવું જોઈએ. બીજી પદ્ધતિઓ સાથે આપણે એની તુલના કરવા તૈયાર છીએ; પરંતુ તે સંપૂર્ણ નથી, કારણ કે તર્કશક્તિ પોતે જ સંપૂર્ણ નથી. છતાં પણ માનવમનની કલ્પના પહોંચી શકે તેવી તર્કશુદ્ધ પદ્ધતિ કેવળ એ જ છે.
અમુક અંશે એ સાચું છે કે એક વિચારપદ્ધતિને મજબૂત બનાવવા માટે તેનો ફેલાવો થવો જોઈએ. બીજી કોઈ વિચારપદ્ધતિનો વેદાંતના જેટલો ફેલાવો થયો નથી. હજી પણ અંગત સંપર્કથી જ મનુષ્યને જ્ઞાન થાય છે. વિશાળ વાચનથી મનુષ્યોનું ઘડતર થતું નથી; જેઓ સાચા મનુષ્યો તૈયાર થયા હતા તેઓ બધા અંગત સંપર્કથી થયા હતા. એ સાચું છે કે આવા સાચા મનુષ્યો બહુ થોડા છે, પરંતુ તેમની સંખ્યા વધશે. છતાં એમ ન માની શકાય કે એક એવો દિવસ આવશે કે જ્યારે આપણે બધા જ તત્ત્વવેત્તાઓ થઈ જઈશું. અમે નથી માનતા કે કોઈ એવો સમય આવશે કે જ્યારે બધું સુખ અને સુખ જ હોય અને દુઃખ જરાય ન હોય.
અવારનવાર આપણે સર્વોચ્ચ સુખની એકાદ ક્ષણ અનુભવીએ છીએ કે જ્યારે કેવળ આનંદ સિવાય કોઈ ચીજની ઇચ્છા થતી નથી, કોઈ ચીજ આપતા નથી, કશાનો અનુભવ થતો નથી. પણ એ ક્ષણ ચાલી જાય છે અને વળી પાછું આ વિશ્વનું દૃશ્ય આપણી સામે હાલતુંચાલતું જોઈએ છીએ; અને આપણે જાણીએ કે સર્વ વસ્તુના આધાર એવા ઈશ્વર સન્મુખ ધરેલું એ માત્ર રંગબેરંગી નકશીકામ છે.
વેદાંત શીખવે છે કે નિર્વાણ અહીં અને અત્યારે પ્રાપ્ત કરી શકાય; એ પ્રાપ્ત કરવાને માટે આપણે મૃત્યુની રાહ જોવાની નથી હોતી. નિર્વાણ એટલે આત્માનો સાક્ષાત્કાર; અને એક વાર ભલે ક્ષણભરને માટે પણ એ અનુભૂતિ થાય તો પછી વ્યક્તિત્વના મૃગજળથી માણસ ફરી કદી ભ્રમિત થઈ શકતો નથી.આંખો છે એટલે આ જગતરૂપી આભાસ તો દેખાવાનો જ; પરંતુ એ બધા વખત દરમિયાન આપણને એ શું છે એનું ભાન રહેશે જ, આપણે એનું સાચું સ્વરૂપ શોધી કાઢ્યું છે. પરિવર્તનરહિત આત્માને આવરણ ઢાંકે છે; એ આવરણ ખસતું જાય છે અને આપણે તેની પાછળ રહેલા આત્માને જોઈએ છીએ. જે કાંઈ પરિવર્તન છે તે બધું આવરણમાં છે. સંતમાં આવરણ પાતળું હોય છે અને આત્માનો પ્રકાશ લગભગ આરપાર અજવાળી શકે છે. પાપીમાં આવરણ જાડું હોય છે, એટલે સંતની પેઠે તેનામાં ત્યાં પણ આત્મા રહેલો છે એ સત્ય આપણી દૃષ્ટિ બહાર રહી જવાનો સંભવ છે. જ્યારે આવરણ સંપૂર્ણ રીતે ખસી જાય છે ત્યારે આપણને જણાય છે કે આવરણ કદી પણ હતું જ નહીં, આપણે આત્મા સિવાય બીજું કંઈ હતા જ નહિ. અરે, આવરણનીયે વિસ્મૃતિ થઈ જાય છે.
જીવનમાં રહેલા આ ભેદનાં બે પાસાં આ છેઃ પહેલું એ કે ખરા આત્માને જે માણસ જાણે છે તે કોઈ પણ વસ્તુથી લેપાશે નહિ; બીજું એ કે કેવળ એ માણસ જ જગતનું ભલું કરી શકશે. બીજાઓનું ભલું કરવાનો ખરો હેતુ એટલા એ માણસે જ જોયો હશે, કારણ કે બધું એક જ છે; એને અહંભાવનો હેતુ ન કહી શકાય, કારણ કે એ ભિન્નતા થઈ જાય. એ એક જ ખરો સ્વાર્થત્યાગ છે. એ સમષ્ટિની અનુભૂતિ છે, વ્યક્તિની નહિ. પ્રેમ અને સહાનુભૂતિનો દરેક કિસ્સો આ સમષ્ટિનું પ્રતિપાદન છે. ‘હું નહિ, પણ તું’. તત્ત્વજ્ઞાનની રીતે રજૂ કરીએ તો એમ કહેવાય કે તમે બીજામાં છો અને તે તમારામાં છે, એટલા માટે બીજાને સહાય કરો. કેવળ સાચો વેદાંતી જ પોતાના માનવબંધુ માટે કોઈ જાતના કચવાટ વગર પોતાની જિંદગી આપી દેશે, કારણ કે તે જાણે છે કે પોતે મૃત્યુરહિત છે. જગતમાં જ્યાં સુધી એક પણ જંતુ બાકી હોય ત્યાં સુધી પોતે જીવે છે; જ્યાં સુધી એક પણ મોઢું ખાય છે ત્યાં સુધી તે ખાય છે. તેથી તે બીજાંઓનું ભલું કર્યે જ જાય છે; શરીરની સંભાળ લેવાના આધુનિક વિચારોથી તેનામાં કદી વિક્ષેપ આવતો નથી. જ્યારે મનુષ્ય સ્વાર્થત્યાગની આ હદે પહોંચે ત્યારે તે નીતિવિદ્યા તથા વિનયભર્યા બ્રાહ્મણમાં, ગાયમાં, કૂતરામાં કે દુઃખીમાં દુઃખી સ્થળોમાં-બધામાં પ્રકટી રહેલી એક દિવ્યતાને જ તે જુએ છે. કેવળ તે માણસ જ સુખી છે; અને જે મનુષ્યે સમત્વનો આવો અનુભવ કર્યો છે તેણે જીવતાં જ જગત જીતી લીધું છે. ઈશ્વર પવિત્ર છે; એટલા માટે આવો પુરુષ ઈશ્વરમાં રહેનારો કહેવાય છે. ઈશુ કહે છેઃ ‘અબ્રાહમની પણ પૂર્વે હું હતો’. એનો અર્થ એ કે ઈશુ અને એના જેવા બીજાઓ મુક્ત આત્માઓ હતા; અને નેઝરથના ઈશુએ દેહ ધારણ કર્યો તે પોતાનાં પૂર્વનાં કર્મોનો ભોગ પૂરો કરવા પરાણે નહિ, પરંતુ માનવજાતનું માત્ર ભલું કરવા સારુ સ્વેચ્છાએ ધારણ કર્યો હતો. માણસ જ્યારે મુક્ત થાય છે ત્યારે એ અટકી જઈને જડ ઢેફાં જેવો થઈ જાય છે એવું નથી. ઊલટો તે બીજા કોઈ કરતાં વધુ કાર્ય કરતો જશે, કારણ કે બીજા બધા જીવો પરાણે કામ કરતા હોય છે જ્યારે એકલો મુક્ત પુરુષ જ સ્વતંત્રતાપૂર્વક કામ કરતો હોય છે.
જો આપણે ઈશ્વરથી અભિન્ન હોઈએ, તો શું આપણું વ્યક્તિત્વ નથી? હા. છે; એ ઈશ્વર છે. આપણું વ્યક્તિત્વ ઈશ્વર છે. અત્યારે જે તમારામાં છે તે વ્યક્તિત્વ એ નથી; તમે હજી તેના તરફ આવી રહ્યા છો. વ્યક્તિત્વ કેમ કહી શકો? એક ઘડીએ તમે એક રીતે વિચાર કરો છો, કલાક પછી બીજી રીતે વિચાર કરો છો અને બે કલાક પછી વળી ત્રીજી રીતે વિચાર કરો છો. વ્યક્તિત્વ તો એ છે કે જે બદલાય નહિ, જે તમામ વસ્તુઓથી પર છે, જે પરિવર્તનરહિત છે. આ અત્યારની અવસ્થા જો અનંતકાળ સુધી ટકી રહે તો તો એ અતિશય ભયંકર થાય, કારણ કે તો તો પછી ચોર સદાને માટે ચોર જ રહે અને ખરાબ સદાને માટે ખરાબ જ રહે. જો કોઈ બાળક અવસ્થામાં મરી જાય તો તે સદાને માટે બાળક જ રહે. ખરું વ્યક્તિત્વ તે છે કે જે કદી બદલાતું નથી અને બદલાય જ નહિ; અને તે આપણી અંદર રહેલો ઈશ્વર છે.
વેદાંતધર્મ એક એવો મહાસાગર છે કે જેની સપાટી પર એક તરાપાની બાજુમાં જ એક લડાયક જહાજ પણ રહી શકે. તેથી વેદાંતના મહાસાગરમાં એક મૂર્તિપૂજક કે એક નાસ્તિકની બાજુમાં જ એક સાચો યોગી પણ રહી શકે. એટલું જ નહિ પણ વેદાંતના મહાસાગરમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી વગેરે બધા એક છે, બધા સર્વશક્તિમાન ઈશ્વરનાં બાળકો છે.

