(ઇંગ્લેન્ડમાં રીજવે ગાર્ડન્સમાં આવેલી એરલી લોજમાં આપેલા ભાષણનો સારાંશ)

વસ્તુઓની માત્ર સ્થૂળ અને બાહ્ય બાજુ જોઈ શકનારા લોકોને ભારતીય પ્રજા, એક પરાજિત અને પીડિત, એક સ્વપ્નસેવી અને ફિલસૂફ પ્રજા દેખાશે. પરંતુ એ લોકોની એટલું પારખવાની શક્તિ નથી કે અધ્યાત્મ ક્ષેત્રમાં ભારત વિશ્વ વિજયી છે. બેશક, એ ખરું છે કે જેમ અત્યંત ક્રિયાશીલ પાશ્ચાત્ય માનસ પૂર્વની અંતર્નિરીક્ષણ અને ધ્યાનપરાયણતા આદિના મિશ્રણથી લાભ મેળવે, તેમ પ્રાચ્ય માનસ થોડીક વધુ ક્રિયાશીલતા અને ઉદ્યમ પરાયણતાથી ફાયદો ઉઠાવે. છતાં પ્રશ્ન ઊઠે છે કેઃ જ્યારે બીજી પ્રજાઓ નાશ પામે છે ત્યારે, આ પીડિત અને દુઃખી પ્રજાઓ, હિંદુઓ અને યહૂદીઓ (જે બે પ્રજાઓમાંથી જગતના બધા મહાન ધર્મો ઉત્પન્ન થયા છે) ટકી રહી છે. તેની પાછળ રહેલી શક્તિ કઈ છે? આધ્યાત્મિક શક્તિ એ એક જ કારણ હોઈ શકે. શાંત હિંદુઓ હજી ટકી રહ્યા છે; યહૂદીઓ પેલેસ્ટાઈનમાં રહેતા તેનાં કરતાં આજે સંખ્યામાં વધુ છે. ભારતીય તત્ત્વજ્ઞાન સમગ્ર સભ્ય જગતમાં પ્રસરે છે અને પ્રસરવાની સાથે સુધારો કરીને ઓતપ્રોત થતું જાય છે. એ જ પ્રમાણે પ્રાચીન કાળમાં, યુરોપને કોઈ ઓળખતું નહિ તે જમાનામાં ભારતનો વેપાર આફ્રિકાના કિનારાઓ પર પહોંચેલો હતો અને જગતના બીજા ભાગો સાથે તેણે વહેવાર સ્થાપેલો હતો. આ રીતે હિંદીઓ પોતાના દેશની બહાર ગયા નથી એ માન્યતા ખોટી ઠરે છે.

તેમજ, એ પણ નોંધવા જેવું છે કે પરદેશી સત્તાનો હિંદ પરનો કબજો એ સત્તાના ઇતિહાસમાં પલટો લાવનારો નીવડ્યો છે. એથી એને સંપત્તિ, સમૃદ્ધિ, સત્તા અને આધ્યાત્મિક વિચારો મળ્યા છે. જ્યારે પશ્ચિમવાસી પોતે કેટલી સંપત્તિ મેળવી શકે અને ભોગવી શકે એનું માપ કાઢવાનો પ્રયાસ કરે છે, ત્યારે પ્રાચ્ય માનવ જાણે કે એથી ઊલટો માર્ગ લેતો અને કેટલી ઓછી ભૌતિક સંપત્તિથી પોતે ચલાવી શકે એ માપ કાઢતો દેખાય છે. વેદમાં એ પ્રાચીન પ્રજાનું ઈશ્વરને પહોંચવાના પ્રયાસનું પગેરું મળી આવે છે. ઈશ્વરને શોધવાના એમના પ્રયાસમાં જુદી જુદી ભૂમિકાએ તેઓ પહોંચ્યા હતા. પિતૃપૂજનથી આરંભ કરીને, અગ્નિ દેવતાની ઉપાસનાથી આગળ વધતાં, વજ્રધારી ઇંદ્ર તથા દેવાધિદેવ વરુણની ઉપાસનાએ પહોંચ્યા. ઈશ્વર વિશેના આ વિચારનો વિકાસ, અનેક દેવોમાંથી એક ઈશ્વરે પહોંચવા સુધીનો વિકાસ બધા ધર્મોમાં મળી આવે છે. એનો સાચો અર્થ એ છે કે યૂથપતિ દેવોમાં મુખ્ય એ છે, જે જગતને સર્જે છે, તેનું નિયમન કરે છે અને દરેકના અંતરમાં જુએ છે, વિકાસની ભૂમિકાઓ અનેકેશ્વરવાદમાંથી એકેશ્વરવાદ તરફ લઈ જાય છે. પરંતુ આવો માનવસદૃશ ઈશ્વરનો વિચાર હિંદુઓને સંતોષી શક્યો નહિ; દિવ્યતત્ત્વના એ શોધકોને એ ખ્યાલ અતિશય માનવીય લાગ્યો, આથી આખરે તેમણે ઇન્દ્રિયો અને ભૌતિક વસ્તુઓના બાહ્ય જગતમાં ઈશ્વરને શોધવાનું છોડી દીધું અને પોતાનું ધ્યાન આંતર જગત તરફ વાળ્યું. આંતર જગત છે ખરું? હોય તો તે શું છે? એ છે આત્મા. એ એક માત્ર એવી વસ્તુ છે કે જેને વિશે માણસની ખાતરી હોઈ શકે. જો એ પોતાને જાણે તો જ જગતને જાણે, એ સિવાય બીજી રીતે નહિ. એ જ પ્રશ્ન આદિ યુગમાં, ઋગ્વેદમાં સુધ્ધાં બીજે પ્રકારે પૂછવામાં આવ્યો હતો કે, ‘આદિમાં કોણ અથવા શું હતું?’ એ પ્રશ્નનો ઉકેલ ક્રમે ક્રમે વેદાંતદર્શને આપ્યો. આત્મા જ હતો. એટલે કે જેને આપણે નિરપેક્ષ, વિશ્વવ્યાપી નિર્વિશેષ આત્મા કહીએ છીએ, એ તે શક્તિ છે કે જેનાથી આદિમાં સર્વ કાંઈ વસ્તુ પ્રગટ થઈ છે, થાય છે અને થયા કરશે.

જેમ વેદાંત તત્ત્વજ્ઞાનીઓએ આ પ્રશ્નનું નિરાકરણ શોધી કાઢ્યું, તેમ સાથોસાથ તેમણે નીતિશાસ્ત્રનું મૂળ પણ શોધી કાઢ્યું. બધા ધર્મોએ નીતિના નિયમોનો ઉપદેશ તો આપ્યો છે કે, ‘હિંસા ન કરો. કોઈને પીડા ન આપો. તમારા પાડોશીને પણ તમારી પોતાની પેઠે જ ચાહો’, વગેરે. છતાં એમાંના એક્કેયે એનું કારણ આપ્યું નથી. મારા પાડોશીને મારે શા માટે પીડા ન પહોંચાડવી? આ પ્રશ્નનો કોઈ સંતોષકારક આખરી ઉત્તર મળતો ન હતો. છેવટે કેવળ શાસ્ત્રોનાં વિધાનોથી સંતોષ ન માનનારા હિંદુઓની આધ્યાત્મિક વિચારદૃષ્ટિમાંથી એનો ઉકેલ નીકળી આવ્યો. હિંદુ એમ કહે છે કે આ આત્મા નિરપેક્ષ સર્વવ્યાપક અને તેથી અનંત છે. અનંત બે ન હોઈ શકે, કારણ કે બેઉ એકબીજાને મર્યાદિત કરે, બેઉ પરિમિત થઈ જાય. વળી દરેક જીવ એ સર્વવ્યાપી અનંત આત્માનો અંશ છે; એથી પોતાના પાડોશીને ઈજા પહોંચાડવામાં માણસ ખરું જોતાં પોતાને જ ઈજા પહોંચાડે છે. બધા નીતિનિયમોના સિદ્ધાંતોના પાયામાં આ તાત્ત્વિક સત્ય રહેલું છે. ઘણી વાર એવું માનવામાં આવે છે કે માણસ પોતાના પૂર્ણત્વે પહોંચવાના પ્રયત્નમાં અસત્યમાંથી સત્યમાં જાય છે, એક વિચારમાંથી બીજા વિચારમાં પ્રવેશે ત્યારે તેણે ખસૂસ રીતે પહેલાનો અસ્વીકાર કરવો પડે. પરંતુ કોઈ પણ અસત્ય, સત્ય તરફ લઈ જઈ શકે નહિ. જીવ પોતાની જુદી જુદી ભૂમિકાઓમાંથી પસાર થતાં થતાં એક સત્યમાંથી બીજા સત્ય તરફ જઈ રહ્યો હોય છે. એટલે દરેક ભૂમિકા સાચી હોય છે; એ નીચલી કોટિના સત્યમાંથી ઉચ્ચ કોટિના સત્ય પ્રતિ જઈ રહ્યો છે. આ મુદ્દો નીચેના ઉદાહરણથી સમજાવી શકાય. એક માણસ સૂર્ય તરફ પ્રવાસ કરી રહ્યો છે; તે અમુક અમુક કક્ષાએ ફોટા લેતો જાય છે. તેમાં પહેલો ફોટો બીજાથી અને બીજો ત્રીજાથી એમ ઠેઠ સૂર્ય સુધીના બધા ફોટાઓ કેવા જુદા જુદા લાગે! પણ એ બધા ફોટા, જો કે એકબીજાથી મહદ્ અંશે જુદા પડતા હોય તો પણ સાચા છે, માત્ર દેશ અને કાળમાં થયેલા ફેરફારને કારણે તે જુદા જુદા દેખાય છે. આ સત્યની ઓળખને પરિણામે હિંદુઓ નીચામાં નીચાથી માંડીને ઊંચામાં ઊંચા બધા ધર્મોનું સનાતન સત્ય સમજવાને શક્તિમાન થયા છે; અને પરિણામે એ એક માત્ર પ્રજા એવી બની છે કે જેની અંદર કદી પણ ધર્મને નામે અત્યાચાર થયા નથી. આજે મુસલમાનોથી તજાયેલી અને ભુલાઈ ગયેલી એક મુસ્લિમ સંતની દરગાહને હિંદુઓ પૂજી રહ્યા છે. એવાં તો કેટલાંય ઉદાહરણો ટાંકી શકાય કે જેમાં એ જ ઉદાર ભાવના મૂર્તિમંત જોઈ શકાય.

સમસ્ત માનવજાત જેની શોધમાં છે એ ધ્યેય – એકતાનો પત્તો લાગ્યો નહિ ત્યાં સુધી પૂર્વના લોકોનાં મન સંતોષ પામી શક્યાં નહિ. પશ્ચિમનો વૈજ્ઞાનિક અણુ કે પરમાણુમાં એકતાને શોધી રહ્યો છે. જ્યારે એને એ મળશે, ત્યાર પછી એને એથી આગળ શોધવાનું કશું બાકી રહેશે નહિ. તે જ પ્રમાણે જેને પરમાત્મા કહેવામાં આવે છે એ સર્વ આત્માઓનું ઐક્ય જ્યારે આપણે શોધી શકીશું, ત્યાર પછી આગળ વધવાનું આપણે રહેશે નહિ. એ સ્પષ્ટ થાય છે કે ઇન્દ્રિયગોચર જગતમાંનું સર્વ કાંઈ એ એક આત્મા વસ્તુની અભિવ્યક્તિ છે. જ્યારે વૈજ્ઞાનિક વિચારે છે કે જે અણુઓ લંબાઈ – પહોળાઈ વિનાના છે છતાં જ્યારે એકઠા મળે છે ત્યારે લંબાઈ – પહોળાઈ અને વિસ્તારનાં કારણરૂપ બને છે, ત્યારે વૈજ્ઞાનિકને, અધ્યાત્મવિજ્ઞાનને માનવાની જરૂર ઊભી થાય છે; જ્યારે એક અણુની બીજા અણુ ઉપર ક્રિયા થાય છે ત્યારે કંઈક માધ્યમની જરૂર હોય જ છે. એ માધ્યમ શું છે? એ એક ત્રીજો અણુ હશે. જો એમ હોય, તો પણ પ્રત્યુત્તર વિનાનો સવાલ તો ઊભો જ રહે છે કે આ બે અણુઓ પેલા ત્રીજા ઉપર ક્રિયા કેવી રીતે કરે છે? દેખીતી રીતે જ આ અસંભવ બધાં ભૌતિક વિજ્ઞાનો માટે જરૂરનાં ગૃહીત તરીકે માની લીધેલા સિદ્ધાંતમાં આ શબ્દોમાંનો વિરોધ જોવામાં આવે છે; દા.ત. બિન્દુ એટલે લંબાઈ, પહોળાઈ, જાડાઈ કે કદ વગરનું કંઈક અને લીટી એટલે પહોળાઈ વગરની લંબાઈ, આ બેઉ દેખાય નહિ તેમ ખ્યાલમાં પણ આવી શકે નહિ. શા માટે? કારણ કે એ ઇન્દ્રિયોના ક્ષેત્રમાં આવતા નથી; એ અધ્યાત્મક્ષેત્ર માંહેના વિચારો છે. એટલે આપણે જોઈએ છીએ કે ઇન્દ્રિયોના બધા અનુભવોને જે આકાર આપનાર છે તે આખરે તો મન છે. જ્યારે હું એક ખુરશી જોઉં છું, ત્યારે હું જે જોઉં છું તે ખરેખરી મારી આંખોની બહાર રહેલી ખુરશીને નથી જોતો, પરંતુ બહારનું કંઈક અને તે ઉપરાંત અંદર પડેલી માનસિક છબી પણ જોઉં છું. આ રીતે જડવાદીને પણ છેવટે તો અધ્યાત્મવાદ તરફ તણાવું જ પડે છે.

Total Views: 122
૭. ઇંગ્લેંડમાં સ્વામી વિવેકાનંદ
૯. સૃષ્ટિની ધારણા