(ડિસેમ્બર ૧૬, ૧૮૯૫)
જે તત્ત્વચિંતકોએ ભક્તિ વિશે આલોચના કરી છે તેમણે તેની વ્યાખ્યા ‘ઈશ્વર પ્રત્યે અત્યંત પ્રેમ’ એવી આપી છે. ‘મનુષ્યે ઈશ્વર ઉપર શા માટે પ્રેમ રાખવો જોઈએ’; એ પ્રશ્નનો ઉકેલ લાવવો જરૂરી છે. જ્યાં સુધી આપણે તે ન સમજી શકીએ ત્યાં સુધી આ વિષયનું હાર્દ બિલકુલ સમજી શકાશે નહીં. જીવનના બે સંપૂર્ણ ભિન્ન આદર્શો છે. કોઈ પણ દેશનો માણસ કે જેને ધર્મનો કંઈક પણ ખ્યાલ છે, તેને એટલું જ્ઞાન હોય છે કે તેને શરીર છે તેમજ આત્મા પણ છે. પરંતુ માનવજીવનના અંતિમ લક્ષ્ય પરત્વે તો ઘણો મતભેદ રહે છે.
એક નિયમ તરીકે, પાશ્ચાત્ય દેશમાં લોકો દેહ ઉપર વિશેષ ભાર મૂકે છે; ભારતમાં જે તત્ત્વચિંતકોએ ભક્તિ વિશે લખ્યું છે તેમણે મનુષ્યની આધ્યાત્મિક બાજુ ઉપર વિશેષ ભાર મૂક્યો છે; પ્રાચ્ય અને પાશ્ચાત્ય પ્રજાઓ વચ્ચેનો આ વિચારભેદ લાક્ષણિક કહી શકાય તેવો છે. સામાન્ય ભાષામાં પણ આ ભેદ દેખાય છે. ઇંગ્લેન્ડમાં મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે માણસે ‘તેના આત્માનો ત્યાગ કર્યો’ એમ કહેવામાં આવે છે; ભારતમાં ‘તેણે શરીરનો ત્યાગ કર્યો’ તેમ કહેવાય છે. પહેલો વિચાર કહે છે કે મનુષ્ય શરીર છે અને તેને આત્મા છે. જ્યારે બીજો વિચાર કહે છે કે મનુષ્ય આત્મા છે અને તેને શરીર છે. આમાંથી વધુ જટિલ સમસ્યાઓ ઊભી થાય છે. સ્વાભાવિક રીતે જ એવું ફલિત થાય છે કે માણસ શરીર છે અને તેને આત્મા છે એવો વિચાર શરીર ઉપર સર્વ ભાર મૂકે છે. તમે પૂછો કે માણસ શા માટે જીવે છે, તો તમને જવાબ મળશે કે ઇન્દ્રિયસુખ અને ધનસંપત્તિના ઉપભોગ માટે માણસ જીવે છે. એથી વિશેષ કંઈક હોવા અંગે તેની પાસે વાત મૂકવામાં આવે તોપણ વિશેષ કંઈક છે તેવો ખ્યાલ તેને સ્વપ્ને પણ નહીં આવે; ભાવિ જીવન અંગેનો તેનો ખ્યાલ આ ભોગોની કેવળ પુનરાવૃત્તિ જ હોય છે. આ ભોગો અહીં કાયમ ટકી રહેતા નથી; તેમને છોડીને અહીંથી પોતાને જવું પડે છે તેનું એને ભારે દુઃખ થાય છે. તે એમ માને છે કે ગમે તેમ પણ તે કોઈ એવી જગ્યાએ જશે, જ્યાં આવા જ ભોગો તેને ફરીથી મળ્યા કરશે; આવા જ ભોગો, આવાં જ ઇન્દ્રિયસુખો, માત્ર વધુ સતેજ અને પ્રબળ સ્વરૂપે તે ભોગવવા પામશે. તેને ઈશ્વરની ઉપાસના એટલા માટે કરવી છે કે ઈશ્વર આ ધ્યેયસિદ્ધિનું એક સાધન છે. એના જીવનનું ધ્યેય વિષયોનો ઉપભોગ છે; તેનું એવું જ્ઞાન હોય છે કે એક એવો પુરુષ છે કે જે તેને આવા ભોગો, આવું સુખ, દીર્ઘ કાળ સુધી આપી શકે છે; તેથી જ તે આવા પુરુષની એટલે કે ઈશ્વરની ઉપાસના કરે છે.
બીજી બાજુએ ભારતીય વિચાર એવો છે કે ઈશ્વર એ જ માનવજીવનનું લક્ષ્ય છે; ઈશ્વરથી અધિક બીજું કંઈ નથી. વળી ઇન્દ્રિયસુખો તો ફકત ભવિષ્યમાં કંઈક વિશેષ સારી વસ્તુ પ્રાપ્ત કરવાની આશાથી આપણે જેમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ, એવું કંઈક છે. એટલું જ નહીં; પરંતુ માણસ માત્ર ઇન્દ્રિયોના ભોગો જ ભોગવ્યા કરે તો તે એક ભયંકર અને અનર્થકારક વસ્તુ છે. જીવનમાં આપણે કાયમ અનુભવીએ છીએ કે જેટલા પ્રમાણમાં ઇન્દ્રિયસુખ ઓછું તેટલા પ્રમાણમાં માણસનું જીવન વિશેષ ઉન્નત બને છે. કૂતરું ખાતું હોય ત્યારે તેને તમે જોજો; તેના જેટલા જ સંતોષથી ઉત્સાહપૂર્વક માણસ ખાઈ નહીં શકે. ભૂંડ તરફ જુઓ; તે ખાતું હોય ત્યારે કેટલા સંતોષથી અવાજ કરે છે! તેને જાણે સ્વર્ગ મળ્યું એમ લાગે છે અને સ્વર્ગનો મોટામાં મોટો ફિરસ્તો તે સમયે આવીને તેની પાસે હાજર થાય તોપણ તે ભૂંડ તેની સામે જોશે નહીં. તેનું આખુંય અસ્તિત્વ જાણે ખાવામાં જ સમાયેલ છે. કોઈ પણ મનુષ્ય આ રીતે ન ખાઈ શકે. વળી નીચલી કોટિનાં પ્રાણીઓની શ્રવણની અને દર્શનની શક્તિનો પણ ખ્યાલ કરો; તેમની બધી ઇન્દ્રિયો વિશેષ શક્તિશાળી હોય છે. તેમને મન વિષયભોગનું સુખ જ સર્વસ્વ હોય છે; તેઓ ઇન્દ્રિય સુખથી સાવ ગાંડાતુર બની જાય છે. તે જ પ્રમાણે મનુષ્ય જેમ વધુ ને વધુ ઊતરતી કક્ષાનો હોય, તેમ તેને વિષયોમાં વિશેષ આનંદ આવે છે. જેમ જેમ તે ઉચ્ચ બનતો જાય છે, તેમ તેમ તેનું લક્ષ્ય વિચાર અને પ્રેમ બનતું આવે છે; અને જેટલા પ્રમાણમાં આ વૃત્તિઓનો વિકાસ થાય છે તેટલા પ્રમાણમાં ઇન્દ્રિયોથી આનંદ મેળવવાની શક્તિ તે ગુમાવે છે.
દૃષ્ટાંત તરીકે આપણે માનીએ કે એક માણસને અમુક પ્રમાણમાં શક્તિ આપેલી છે અને તે શક્તિ એ માણસ શરીર, મન કે આત્મા માટે વાપરી શકે છે. હવે જેટલી શક્તિ એ માણસ આ ત્રણ પૈકી કોઈ એક માટે વાપરે તેટલા પ્રમાણમાં બીજા માટે વાપરવાની ઓછી રહે. સુધરેલી પ્રજાઓ કરતાં અજ્ઞાની અને જંગલી પ્રજાઓમાં ઇન્દ્રિયોની શક્તિ વધુ પ્રબળ હોય છે. વળી ઇતિહાસમાંથી એક બોધપાઠ આપણને એ શીખવા મળે છે કે જેમ જેમ કોઈ પ્રજા સુધરતી જાય છે તેમ તેમ તેના જ્ઞાનતંતુઓ વધારે સૂક્ષ્મ બનતા જાય છે અને શારીરિક શક્તિ ઓછી થતી જાય છે. એક જંગલી પ્રજામાં સુધારો દાખલ કરો તો આવું જ પરિણામ જોવા મળશે; અન્ય જંગલી પ્રજા તેના પર ચડી આવી વિજય મેળવશે. હંમેશાં જે પ્રજા વધુ જંગલી હોય તે જ જીતે છે. આથી આપણે સમજી શકીશું કે બધો સમય જો આપણે ઇન્દ્રિયસુખની જ ઇચ્છા સેવીશું તો આપણે પશુકોટિમાં ઊતરતા જઈશું. મનુષ્ય જ્યારે એવી કક્ષાએ પહોંચવા માગે કે જ્યાં વિષયભોગ વધુ પ્રબળ હોય, ત્યારે તેને ખબર નથી હોતી કે પોતે શું માગે છે; પણ વસ્તુતઃ આમ કરવાથી તે પોતાને પશુની કોટિમાં ઉતારે છે.
આમ, જે માણસ ભોગવિલાસભર્યા સ્વર્ગની લોલુપતા રાખે છે તેની પણ આવી સ્થિતિ છે. ઇન્દ્રિયસુખના કીચડમાં આળોટતા ભૂંડ જેવી તેની દશા છે; તેનાથી વધુ ઉચ્ચ તે કંઈ જોઈ શકતો નથી. તેને માત્ર ઇન્દ્રિયસુખ જ જોઈએ છીએ; તેનો નાશ તેને સ્વર્ગ ઝૂંટવાઈ જવા જેવું આકરું લાગે છે. ભક્ત શબ્દના શ્રેષ્ઠ અર્થ પ્રમાણે તેઓ કદી ભક્ત બની શકતા નથી; તેઓ કદી સાચા ઈશ્વરપ્રેમી બની શકે નહીં. આમ અમુક સમય આ હલકા આદર્શની પાછળ પડવા છતાં વખત જતાં તેમનામાં પરિવર્તન આવશે; તેમને ભાન થશે કે પોતાથી અજ્ઞાત કોઈ વધુ ઉચ્ચ ભૂમિકા છે; અને તેને પરિણામે જીવનતૃષ્ણા તેમજ ઇન્દ્રિયસુખો પરની તેમની આસક્તિ ધીરે ધીરે નાશ પામશે. જ્યારે હું શાળામાં ભણતો નાનો વિદ્યાર્થી હતો ત્યારે થોડીક મીઠાઈ માટે એક સહાધ્યાયી સાથે મારે ઝઘડો થયો હતો. મારા કરતાં તે વધારે બળવાન હોવાથી તેણે મારા હાથમાંથી મીઠાઈ ઝૂંટવી લીધી. મને કેવું દુઃખ થયેલું તે મને યાદ છે! ત્યારે મેં તેને દુનિયામાં દુષ્ટમાં દુષ્ટ છોકરા તરીકે માન્યો અને ધાર્યું કે હું બળવાન થઈશ ત્યારે તેને સજા કરીશ. મારે મન આવા દુષ્ટ છોકરા માટે કોઈ પણ સજા પૂરતી નહોતી. આજે અમે બન્ને મોટા થયા છીએ અને ગાઢ મિત્રો છીએ. આ દુનિયા આવાં બાળકોથી જ ભરી છે કે જેમને મન ખાવુંપીવું અને મીઠાઈઓ જ સર્વસ્વ છે. તેઓ આવી મીઠાઈઓનાં સ્વપ્નો સેવશે અને જ્યાં આવી મીઠાઈઓ ભરપૂર હોય એવું જ ભાવિ જીવન તેઓ ચાહશે. અમેરિકન ઇન્ડિયનનો વિચાર કરો; મૃત્યુ પછીના જીવનનો તેનો એવો ખ્યાલ હોય છે કે ત્યાં શિકાર માટે પુષ્કળ સારું ક્ષેત્ર હશે. આપણી જેવી ઇચ્છા હોય તેવું સ્વર્ગમાં હશે એમ આપણે દરેક માની લઈએ છીએ; પણ વખત જતાં જેમ જેમ આપણે ઉંમરમાં અને અનુભવમાં વધતા જઈએ છીએ તેમ તેમ આ દુનિયાથી વધુ ઉચ્ચ વસ્તુઓની ઝાંખી થાય છે. પરંતુ આધુનિક યુગની પ્રચલિત રીત પ્રમાણે ‘પરલોક જેવું કંઈ નથી’ એમ કહીને આપણા એવા વિચારોને ઉડાવી ન દઈએ; એ તો વિનાશક વૃત્તિ છે. આ રીતે પરલોક અંગેની બધી માન્યતાઓને તોડી પાડનારો નાસ્તિક ભૂલમાં અટવાય છે. ભક્તની દૃષ્ટિ એથી વધુ ઊંચી છે. નાસ્તિકને સ્વર્ગમાં જવું નથી, તેનું કારણ એ છે કે તેને મન સ્વર્ગ જેવું કંઈ છે જ નહીં, જ્યારે ભકત સ્વર્ગે જવા ઇચ્છતો નથી તેનું કારણ એ છે કે તેને મન તે બચ્ચાંનો ખેલ છે. તેને તો જોઈએ છે ઈશ્વર.
ઈશ્વર સિવાય વધારે ઉચ્ચ ધ્યેય બીજું શું હોઈ શકે? ઈશ્વર માનવ જીવનનું સર્વોચ્ચ ધ્યેય છે. ઈશ્વરનાં દર્શન કરો; તેનું આસ્વાદન કરો. તેનાથી વધુ ઉચ્ચ તત્ત્વની આપણે કલ્પના કરી શકીએ નહીં, કારણ કે ઈશ્વર પૂર્ણસ્વરૂપ છે. પ્રેમના આનંદથી વધુ ઉચ્ચ આનંદ આપણે કલ્પી શકીએ નહીં. પણ પ્રેમ શબ્દના ભિન્ન ભિન્ન અર્થ થાય છે. તેનો અર્થ સ્વાર્થમય સાંસારિક આસક્તિ નથી. આસક્તિને પ્રેમ કહેવો પાપ છે. બાળકો કે પત્ની પ્રત્યેનો આપણો પ્રેમ તે માત્ર પશુના જેવો પ્રેમ છે; જે પ્રેમ સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે તે જ સાચો પ્રેમ છે અને તે જ પ્રેમ ઈશ્વર પ્રત્યેનો છે. તેવો પ્રેમ પ્રાપ્ત કરવો બહુ કઠિન છે. સંતાન, માતા, પિતા વગેરે પ્રત્યેના વિવિધ પ્રકારના પ્રેમના અનુભવમાંથી આપણે પસાર થઈએ છીએ. આપણે ધીરે ધીરે આપણી પ્રેમવૃત્તિને કેળવીએ છીએ; પણ મોટે ભાગે આપણે તેમાંથી કોઈ પણ બોધપાઠ શીખતા નથી. એક જ ભૂમિકામાં, એક વ્યક્તિ સાથે બંધાઈ પડીએ છીએ. કેટલાક કિસ્સાઓમાં માણસો આ બંધનમાંથી બહાર નીકળી આવે છે. આ દુનિયામાં મનુષ્ય નિરંતર સ્ત્રી, ધન, કીર્તિ વગેરે પાછળ દોડ્યા કરે છે; ક્વચિત તેમને સખત ઠોકર લાગે છે; ત્યારે દુનિયા ખરેખર કેવી છે એનો ખ્યાલ તેમને આવે છે.આ દુનિયામાં કોઈ માણસ ઈશ્વર સિવાય બીજા કોઈના ઉપર ખરેખરો પ્રેમ રાખી શકે નહીં. માણસને એવો અનુભવ થાય છે કે સાંસારિક પ્રેમ સાવ પોકળ છે. માણસો પ્રેમની વાત કરે છે પરંતુ, તેઓ સાચો પ્રેમ કરી શકતા નથી. પત્ની કહે છે કે તે પતિને ચાહે છે અને તેને ચૂમે પણ છે; પરંતુ પતિના મૃત્યુ પછી તરત જ તે બેંકના ખાતાનો વિચાર કરે છે અને આવતી કાલે શું કરવું તેની ચિંતામાં પડે છે. પતિ પત્નીને ચાહે છે, પણ જ્યારે તે બીમાર પડે છે, તેનું સૌન્દર્ય નાશ પામે છે, અગર તે કદરૂપી બની જાય છે, અગર કાંઈ ભૂલ કરે છે કે તરત જ તેની તે પરવા કરતો નથી. આ સંસારનો તમામ પ્રેમ દંભ અને પોકળ છે.
કોઈ પણ સીમિત વ્યક્તિ ન તો પ્રેમ કરી શકે કે ન તો પ્રેમનું પાત્ર બની શકે. જો માનવીના પ્રેમનું પાત્ર પ્રતિ પળે મૃત્યુ તરફ જતું હોય અને જેમ જેમ માનવી મોટો થતો જાય તેમ તેમ તેનું મન પણ નિરંતર બદલાતું જતું હોય, તો આ દુનિયામાં શાશ્વત પ્રેમની આશા શી રીતે રાખી શકાય? ઈશ્વર સિવાય બીજે ક્યાંય સાચો પ્રેમ હોઈ ન શકે. તો પછી આ બધા પ્રેમનો અર્થ શો? આ બધી માત્ર ભૂમિકાઓ છે. આપણી પાછળ કોઈક એવી શક્તિ છે કે જે આપણને આગળ ને આગળ જવા પ્રેરે છે; સાચા પ્રેમના પાત્રને આપણે ક્યાં શોધવું તે આપણે જાણતા નથી, પરંતુ આ પ્રેમ આપણને તેની શોધ માટે આગળ જવા પ્રેરે છે. વારંવાર આપણને આપણી ભૂલનું ભાન થાય છે. આપણને કાંઈક હાથ લાગે છે; વળી આપણા હાથમાંથી તે સરી જાય છે એટલે પછી આપણે અન્ય વસ્તુને પકડીએ છીએ. આમ આપણે આગળ, આગળ ને આગળ વધીએ છીએ; છેવટે પ્રકાશ આવે છે; આપણે ઈશ્વર પાસે પહોંચીએ છીએ, જે એક જ આપણને ચાહે છે. ઈશ્વરનો પ્રેમ બદલાતો નથી; આપણને સ્વીકારવા તે સર્વદા તૈયાર હોય છે. જો હું તમારું નુકશાન કરું તો કેટલા સમય સુધી તમે મને નભાવી લો? જેના ચિત્તમાં ક્રોધ નથી, દ્વેષ નથી, ઈર્ષા નથી, જે કદી પોતાની સમતાને ગુમાવતો નથી, જે કદી મરતો નથી કે જન્મતો નથી, તે ઈશ્વર સિવાય બીજો કોણ છે? પણ પ્રભુનો માર્ગ લાંબો અને કપરો છે; બહુ થોડા લોકો એને પ્રાપ્ત કરે છે. આપણે બધાં ડગુમગુ ચાલતાં બાળકો છીએ. લાખો લોકો ધર્મનો વેપાર કરે છે. હજારો વરસમાં માત્ર થોડાક માણસોને જ ઈશ્વરપ્રેમની પ્રાપ્તિ થાય છે, પરંતુ તેમના થકી આખો દેશ ધન્ય, પરમ પવિત્ર બને છે. જ્યારે ઈશ્વરનો અવતાર આવે છે ત્યારે આખો દેશ ધન્ય બને છે. એ સાચું છે કે કોઈ પણ એક સૈકામાં જગત આખામાં એવો કોઈ વિરલ પુરુષ જન્મ લે છે; તેમ છતાં સહુ કોઈએ ઈશ્વરપ્રેમ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. કોને ખબર છે કે તે પ્રેમની પ્રાપ્તિ માટે હવે પછી તમારો કે મારો વારો નહીં આવે? માટે ચાલો, આપણે પુરુષાર્થ કરીએ.
આપણે કહીએ છીએ કે પત્ની પતિને ચાહે છે; તે એમ માને છે કે તેનું આખું મન પતિમાં જ પરોવાઈ ગયેલું છે. પછી એક બાળક થાય છે ત્યારે તેનો અર્ધો કે તેથી વિશેષ પ્રેમ તે બાળક તરફ ચાલ્યો જાય છે; તેને પોતાને પણ ભાન થાય છે કે પતિ પ્રત્યે અગાઉ જેટલો પોતાનો પ્રેમ હતો તેટલો હવે નથી રહ્યો. પિતાની બાબતમાં પણ તે જ પ્રમાણે બને છે. આપણે રોજ અનુભવીએ છીએ કે જ્યારે કોઈ વધુ પ્રેમનું પાત્ર આપણને મળે છે ત્યારે અગાઉનો પ્રેમ ધીરે ધીરે અદૃશ્ય થાય છે. બાળકો શાળામાં ભણતાં હોય ત્યાં સુધી એમ માને છે કે તેમના સહાધ્યાયીઓ અથવા માતા કે પિતા તેમને જીવનમાં પ્રિયમાં પ્રિય છે; પરંતુ યુવાની આવતાં પતિ કે પત્ની આવે એટલે તરત જ અગાઉની લાગણી લુપ્ત થાય છે; નવો સ્નેહ મુખ્ય સ્થાન લે છે. પહેલાં એક તારો ઊગે છે; પછી તેનાથી મોટો બીજો તારો ઊગે છે; પછી તેનાથી ય વધુ મોટો તારો ઊગે છે; છેવટે જ્યારે સૂર્યનો ઉદય થાય છે ત્યારે બધા નાના નાના પ્રકાશો લુપ્ત થઈ જાય છે. તે સૂર્ય ઈશ્વર છે. જગતમાં નાના નાના પ્રેમભાવો આ તારાઓ જેવા છે. જ્યારે ઈશ્વરરૂપી સૂર્યનો પ્રકાશ દેખાય છે, ત્યારે તે પ્રેમમાં માનવી પાગલ બની જાય છે; ઈમર્સન તેને ‘ઈશ્વરી પ્રેમમાં મસ્ત’ માનવી કહે છે. તેવો માનવી માણસ બદલાઈને ઈશ્વરસ્વરૂપ બની જાય છે; સર્વ કંઈ એ પ્રેમના સાગરમાં સમાઈ જાય છે. સામાન્ય પ્રેમ તો માત્ર પશુ જેવું આકર્ષણ છે. તેમ ન હોય તો લિંગભેદ શા માટે હોય? કોઈ માણસ જો કોઈ મૂર્તિને ચરણે બેસીને પ્રણામ કરે તો તેને મૂર્તિપૂજક કહેવામાં આવે છે, પરંતુ જો તે પતિ અગર પત્નીના પગમાં પડે તો તે ચાલે!
આ જગતમાં આપણે પ્રેમની અનેકવિધ ભૂમિકાઓ જોઈએ છીએ. પહેલાં આપણે ભૂમિકા તૈયાર કરવી જોઈએ. પ્રેમની બધી વાતો જીવન પ્રત્યેની આપણી દૃષ્ટિ ઉપર આધાર રાખે છે. ‘આ દુનિયા જ જીવનનું અંતિમ લક્ષ્ય છે’ તેવી માન્યતા પશુતાભરી અને નીચે લઈ જનારી છે. જે માણસ આવા વિચારથી જીવન શરૂ કરે છે તે નીચો પડતો જાય છે. તે કદી પણ ઊંચો નહીં આવે; જીવનની પાછળ રહેલા આ સત્યની ઝાંખી તે કદી પણ કરી નહીં શકે; તે સદાને માટે ઇન્દ્રિયોનો દાસ બની રહેશે. એવો માણસ કેવળ પેટ ભરવા માટે પૈસા કમાવાનો પુરુષાર્થ કરશે. આવું જીવન જીવવા કરતાં મરવું સારું છે. દુનિયામાં લપટાયેલા અને ઇન્દ્રિયોના દાસ એવા આપણે સહુએ જાગ્રત થવું ઘટે; આ કેવળ ઇન્દ્રિયપરાયણ જીવન કરતાં વધુ ઉચ્ચ કંઈક છે. તમે શું એમ માનો છો કે અનંત આત્મારૂપી આ માણસ કેવળ પોતાની આંખ, કાન, નાક જેવી ઇન્દ્રિયોનો દાસ થવા માટે સર્જાયેલ હતો? આ બધાની પાછળ અનંત અને સર્વજ્ઞ એવો આત્મા રહેલ છે, જે સર્વ કંઈ કરી શકે છે, સર્વ બંધન તોડી શકે છે, એ જ આત્મા આપણે છીએ; પ્રેમ દ્વારા તે શક્તિ મેળવી શકીએ છીએ. આ જ આદર્શ છે, તે આપણે યાદ રાખવું જોઈએ. અલબત્ત, આ આદર્શ આપણે એક દિવસમાં પ્રાપ્ત ન કરી શકીએ. આપણે તે ધ્યેયે પહોંચી ગયા છીએ એમ આપણને લાગી જાય ખરું , પરંતુ તે તો માત્ર ભ્રમ હોય છે. ધ્યેય તો ખૂબ દૂર છે. માનવી જ્યાં છે ત્યાંથી જ તેને આગળ વધવામાં મદદ કરવી જોઈએ. માનવી જડવાદની ભૂમિકામાં ઊભેલો છે; તમે અને હું જડવાદીઓ છીએ. આપણે આત્માની અને પરમાત્માની વાતો કરીએ છીએ તે ઠીક છે, પણ આવી વાતો કરવી તે આજે સમાજની એક ફેશન બની ગઈ છે; પોપટની માફક આપણે તે શીખ્યા છીએ; પોપટની જેમ પઢીએ છીએ. ખરું તો આપણે જડવાદીઓ છીએ, તે આપણે સમજવું જોઈએ; જ્યાં સુધી આપણે ખરા આત્મવાદીઓ ન થઈ શકીએ, જ્યાં સુધી આત્મભાવનાનો ઉદય આપણામાં ન થાય, જ્યાં સુધી આત્માને આપણે ન ઓળખી શકીએ અને જ્યાં સુધી આપણને એવું ભાન ન થાય કે જે આ જગતને આપણે અનંત માનીએ છીએ તે માત્ર તેની પાછળ રહેલા અન્ય જગતનું જડ બાહ્ય સ્વરૂપ છે, ત્યાં સુધી આપણે ધીરે ધીરે ભૌતિક પદાર્થોની મદદ લઈને આગળ વધવું જોઈએ.
પરંતુ આ ઉપરાંત બીજી વસ્તુ પણ જરૂરી છે. બાઇબલમાંના ‘ગિરિપ્રવચન’ (Sermon on the Mount) માં આપણે વાંચીએ છીએ કે ‘માગો એટલે તમને તે જરૂર મળશે; શોધો એટલે તમને તે જરૂર જડશે; દ્વાર ખખડાવો એટલે તે તમારે માટે ખુલ્લાં થશે.’ પ્રશ્ન એ છે કે શોધે છે કોણ? માગે છે કોણ? આપણે બધા કહીએ છીએ કે ઈશ્વરને અમે જાણીએ છીએ. એક માણસ ઈશ્વરના અસ્તિત્વનું ખંડન કરવા ગ્રંથ લખે છે, બીજો તેના અસ્તિત્વને પુરવાર કરવા લખે છે. એક માણસ આખી જિંદગી ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરવાને પોતાનું કર્તવ્ય માને છે, બીજો તેની વિરુદ્ધ માન્યતા ધરાવે છે; લોકોને શીખવવા મથે છે કે ઈશ્વર છે જ નહીં. ઈશ્વર છે કે નહીં તે વિષય ઉપર પુસ્તક લખવાની શી જરૂર છે? મોટા ભાગના લોકોને ઈશ્વર છે કે નહીં તેની સાથે શી નિસ્બત છે? તેઓ તો યંત્રવત્ કામ કર્યે જાય છે. ઈશ્વરનો તેમને વિચાર પણ આવતો નથી અને તેની તેમને આવશ્યકતા પણ જણાતી નથી. પછી એક દિવસ જ્યારે કાળ આવીને પોકારે છે કે ‘ચાલ.’ ત્યારે તે કહે છેઃ ‘જરા થોભ, મારે થોડોક વખત જોઈએ છે; મારો પુત્ર મોટો થઈ જાય તે મારે જોવું છે.’ પણ કાળ તો કહે છેઃ ‘જલદી ચાલ.’ આમ ચાલ્યા જ કરે છે. બિચારા માણસની સ્થિતિ આવી છે. પણ આપણે તેને શી સલાહ આપીએ? ઈશ્વર સૌથી શ્રેષ્ઠ હોય તેવું કશું તેને જીવનમાં લાધ્યું નહીં; કદાચ પૂર્વજીવનમાં તે ભૂંડ હશે અને આ જિંદગીમાં મળેલો માણસનો અવતાર તેને માટે સારો હશે. પણ કેટલાક એવા હોય છે, જેઓ થોડા પ્રમાણમાં જાગ્રત થાય છે. કોઈક દુઃખ આવી પડે છે, પ્રિય વ્યક્તિ જેના પર આપણે પ્રાણ ન્યોચ્છાવર કર્યા હોય, જેના માટે આખી દુનિયા સાથે, કદાચ આપણા ભાઈ સાથે પણ આપણે છેતરપિંડી રમ્યા હોઈએ, એવી વ્યક્તિનું મૃત્યુ થાય છે. તે વ્યક્તિ ચાલી જાય છે અને આપણને સખત આઘાત થાય છે. આપણા અંતરમાંથી પ્રશ્ન પૂછતો અવાજ ઊઠે છે ‘હવે પછી શું?’ કોઈક વાર કોઈ પણ પ્રકારે આઘાત પમાડ્યા વિના પણ મૃત્યુ આવે છે, પણ આવા કિસ્સાઓ વિરલ હોય છે. જ્યારે હાથમાંથી કોઈ વસ્તુ સરી જાય છે ત્યારે આપણામાંના ઘણાખરાને વિચાર આવે છે ‘હવે પછી શું?’ આપણે વિષયોને કેટલા બધા વળગી રહ્યા છીએ?‘ડૂબતો માણસ તણખલું ઝાલે’ એ કહેવત આપણે સાંભળી છે; માણસ પણ પ્રથમ તણખલાનો સહારો લે છે, પણ જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે તેને અન્ય કોઈની મદદની જરૂર ઊભી થાય છે. છતાંય લોકો તો ઉન્નત જીવનને પહોંચતાં પહેલાં અંગ્રેજી કહેવત અનુસાર ‘કડવાં બી વાવતા જ રહેવાના.’
ભક્તિ એ ધર્મ છે. ધર્માચરણ ટોળાં માટે હોઈ ન શકે; તેમ બનવું અશક્ય છે. ઊઠબેસ જેવી કસરત, મોટી સંખ્યાને માટે કદાચ અનુકૂળ હોય, પરંતુ ખરો ધર્મ તો માત્ર થોડાને માટે જ છે. દરેક દેશમાં એવા પચીસ-પચાસ માણસો હોય કે જેઓ ધાર્મિક હોય અને થઈ શકે. બીજાઓ ધાર્મિક નહીં બની શકે કારણ કે તેઓ જાગ્રત થશે નહીં, તેમ થવા ઇચ્છતા પણ નથી. ઈશ્વરની જરૂરિયાત એ જ મુખ્ય વસ્તુ છે. આપણે ઈશ્વર સિવાય બધી વસ્તુઓ માગીએ છીએ, કારણ કે બાહ્ય દુનિયા આપણી સાધારણ જરૂરિયાતો પૂરી પાડે છે; પરંતુ જ્યારે આપણી જરૂરિયાતો આ બાહ્ય જગતથી પર ગઈ હોય ત્યારે આપણે આપણા અંતરમાંથી—ઈશ્વર પાસેથી તે મેળવવા ઇચ્છા રાખીએ છીએ. જ્યાં સુધી આપણી જરૂરિયાતો આ ભૌતિક દુનિયાની સંકુચિત મર્યાદામાં સમાઈ જતી હોય છે ત્યાં સુધી આપણને ઈશ્વરની આવશ્યકતા જણાતી નથી; પરંતુ જ્યારે અહીં મળતી બધી વસ્તુઓથી આપણે ધરાઈ જઈએ, ત્યારે જ આપણે દૃષ્ટિને આગળ દોડાવીએ છીએ. જ્યારે જરૂર પડે ત્યારે જ માગણી થાય છે. વહેલામાં વહેલી તકે આ બાલિશ દુન્યવી ખેલો પૂરા કરો; ત્યારે જ તમને આ દુનિયાથી પર એવી કોઈક ચીજનીં આવશ્યકતા જણાશે અને ધર્મનું પ્રથમ સોપાન પણ ત્યારે જ મળશે.
ધર્મનો એક એવો પ્રકાર છે કે જેને ફેશન કહી શકાય. મારી એક સ્ત્રી મિત્ર તેણીના દીવાનખાનામાં ઘણું ફર્નિચર રાખે છે; જાપાનીઝ ફૂલદાની હોવી તે આ જમાનાની ફેશન છે તેથી તેને ત્યાં તે હોવી જોઈએ, પછી ભલે તેમાં હજારો રૂપિયાનું ખર્ચ થતું હોય. એ જ પ્રમાણે એ બહેને થોડોક ધર્મ પણ રાખવો જોઈએ; કોઈક સંપ્રદાયમાં જોડાવું જોઈએ. ભક્તિ આવા લોકો માટે નથી. તે જીવનની જરૂરી વસ્તુ નથી બની; જેના વિના આપણે જીવી શકીએ નહીં તે જ જીવનની ખરી જરૂરી વસ્તુ છે. આપણને શ્વાસોચ્છ્વાસની જરૂર છે; આપણને ખોરાક જોઈએ છે તેમજ કપડાં પણ જોઈએ છે; તે સિવાય આપણે જીવી શકીએ નહીં. આ દુનિયામાં કોઈ પુરુષ કોઈ સ્ત્રીના પ્રેમમાં હોય છે ત્યારે ક્યારેક તેને એમ લાગી જાય છે કે તેના વિના પોતે જીવી શકશે નહીં; જો કે આ ભૂલ છે. પતિનું મૃત્યુ થાય છે ત્યારે તેની પત્ની માને છે કે પતિ વિના હવે પોતે જીવી શકશે નહીં અને છતાં બરાબર જીવે છે. જરૂરિયાતનું રહસ્ય એ છે કે તે વસ્તુ વિના આપણે જીવી શકીએ નહીં; કાં તો આપણને તે પ્રાપ્ત થવી જોઈએ, નહિતર આપણે મરી જવું જોઈએ. ઈશ્વર પ્રત્યે જ્યારે આપણને એવી ભાવના પ્રગટ થાય, અગર બીજા શબ્દોમાં કહીએ તો આ લોકથી પર, જડ શક્તિથી અતીત કોઈ વસ્તુ મેળવવાની જરૂરિયાત આપણને લાગે ત્યારે આપણે ભક્ત બની શકીએ. જ્યારે એક ક્ષણ માટે આ વાદળ ખસી જાય અને આપણને અતીન્દ્રિય તત્ત્વની ઝાંખી થાય ત્યારે તે ક્ષણ પૂરતી તે સઘળી અધમ વાસનાઓ પણ સિંધુ સામે બિંદુ જેવી દેખાય છે; તે વખતે આપણું આ ક્ષુદ્ર જીવન તો શી વિસાતમાં? તે વખતે આત્માનો વિકાસ થાય છે, તે ઈશ્વરનો અભાવ અનુભવે છે અને તેને પ્રાપ્ત કરવાની તમન્ના તેનામાં જાગ્રત થાય છે.
પહેલું પગથિયું આ છેઃ આપણે શું જોઈએ છે? આપણે આપણી જાતને રોજ પૂછવું જોઈએઃ ‘મારે ઈશ્વર જોઈએ છે?’ વિશ્વભરના સર્વ ગ્રંથોનો તમે અભ્યાસ કરો; ‘પરંતુ આ ઈશ્વર-પ્રેમ વાણી-વિલાસ દ્વારા નથી મળતો, નથી મળતો તે ઉચ્ચ બુદ્ધિશક્તિ દ્વારા કે વિવિધ વિજ્ઞાનશાસ્ત્રોના અભ્યાસ દ્વારા.’ જેને ઈશ્વરને પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગી હશે, તેને જ પ્રેમની પ્રાપ્તિ થશે, સ્વયં ઈશ્વર તેને આવી મળશે. બિંબ-પ્રતિબિંબના ભાવની પેઠે પ્રેમ પારસ્પરિક વસ્તુ છે. મારો તમે તિરસ્કાર કરતા હો અને જો હું તમને ચાહવા ઇચ્છું તો તમે મને દૂર જ રાખવાના. પરંતુ જો હું તેમાં મંડ્યો જ રહું તો એક માસમાં કે છેવટે એક વર્ષમાં તમે મને જરૂર ચાહતા થવાના. માનસશાસ્ત્રની એ જાણીતી હકીકત છે. જેમ એક સ્નેહાળ પત્ની પોતાના મૃત પતિનું ચિંતન કરે છે, તેમ જ આપણે પણ ઈશ્વરનું તેવા જ પ્રેમથી ચિંતન કરવું જોઈએ અને ત્યારે જ આપણને ઈશ્વર પ્રાપ્ત થશે. અનેક પુસ્તકો કે વિવિધ વિજ્ઞાનો આપણને કાંઈ પણ શીખવી શકશે નહીં. પુસ્તકો વાંચવાથી આપણે પોપટ થઈ જઈએ, પણ જ્ઞાની બની જવાતું નથી. પણ જો પ્રેમનો એક પાઠ મનુષ્ય શીખે તો તે ખરેખર જ્ઞાની થઈ જાય. તેથી પ્રથમ આપણામાં ઈશ્વર માટેની તાલાવેલી જાગવી જોઈએ.
આપણે દરરોજ આપણી જાતને પૂછીએઃ મારે ઈશ્વર જોઈએ છે? જ્યારે જ્યારે આપણે ધર્મની વાત કરીએ અને ખાસ કરીને ઉચ્ચ સ્થાને બેસીને બીજાને ઉપદેશ આપવા લાગીએ, ત્યારે આપણે આપણી જાતને આ જ પ્રશ્ન પૂછવો જોઈએ. ઘણી વખત મને એમ લાગે છે કે ઈશ્વરની જરૂર નથી; તેથી વધારે તો મારે રોટલાનો ખપ છે. જો મને રોટલાનો ટુકડો ન મળે તો હું પાગલ બની જાઉં. ઘણી સ્ત્રીઓને હીરાની પિન ન મળે તો પાગલ બની જાય, પરંતુ ઈશ્વર માટે તેવી ઝંખના તેમને નથી હોતી; આ વિશ્વમાં ઈશ્વર એક માત્ર સત્ય છે તેનો તેમને ખ્યાલ નથી. કહેવત છે ‘મારવો તો મીર અને લૂંટવો તો ભંડાર.’ જો લૂંટવો જ હોય તો રાજાનો ભંડાર લૂંટવો. ભિખારીઓને લૂંટવામાં કે કીડીઓને મારવામાં શી મજા? જો પ્રેમ જ કરવો હોય તો ઈશ્વર સાથે પ્રેમ કરો; આ દુન્યવી ચીજોની પરવા શી રાખવી? આ દુનિયા તદ્દન મિથ્યા છે; દુનિયાના સઘળા મહાન ઉપદેશકોએ આ સાર કાઢ્યો છે. ઈશ્વર સિવાય તેમાંથી ઊગરવાનો કોઈ બીજો માર્ગ નથી. તે જ આપણા જીવનનું ધ્યેય છે. જગતને જીવનનું ધ્યેય માનવાના સઘળા વિચારો હાનિકારક છે. આ દુનિયા અને શરીરની અલબત્ત કિંમત છે, પણ તે ગૌણ છે. તેની કિંમત માત્ર ધ્યેય પ્રાપ્ત કરવાના સાધન તરીકેની છે.ખુદ દુનિયા પોતે જ સાધ્ય ન બની જવી જોઈએ. કમનસીબે, ઘણીવાર આપણે સંસારને જ સાધ્ય અને ઈશ્વરને સાધન માની બેસીએ છીએ. આપણે લોકોને દેવળમાં જતા જોઈએ છીએ, ત્યાં જઈ તેઓ માગે છે કે ‘હે ભગવાન! મને પૈસો આપો, મને સુખ આપો. હે ભગવાન! મારા દર્દને મટાડી દો.’ તેમને સુંદર તંદુરસ્ત શરીર જોઈએ છે; તેમણે સાંભળ્યું છે કે તેમના માટે બીજું કોઈ તે કામ કરશે, તેથી ઈશ્વર પાસે જઈને તેઓ આવી પ્રાર્થના કરે છે. ધર્મ વિશે આવા ખ્યાલો રાખવા કરતાં નાસ્તિક થવું વધારે સારું છે. મેં તમને કહ્યું છે તેમ ભક્તિ સર્વોચ્ચ આદર્શ છે. લાખો વર્ષને અંતે આપણે તે ધ્યેયે પહોંચી શકીશું કે કેમ તે હું જાણતો નથી; પણ તેને આપણું સર્વોચ્ચ ધ્યેય બનાવવું જોઈએ અને આપણી સઘળી વૃત્તિઓને એ ધ્યેય તરફ દોરવી જોઈએ. આપણે ધ્યેય સુધી ન પહોંચી શકીએ તોપણ આપણે જરૂર તેની નજીક તો જઈ જ શકીશું. ઈશ્વરને પામવા માટે આપણે આ દુનિયામાં અને ઇન્દ્રિયો દ્વારા ધીરે ધીરે કામ લેવું જોઈએ.

