(ડિસેમ્બર ૨૩, ૧૮૯૫)

ભક્તિ બે પ્રકારમાં વહેંચાયેલી છે. એક પ્રકારને વૈધી કહે છે; એટલે કે અનુષ્ઠાનવાળી; બીજા પ્રકારને કહે છે મુખ્યા કે પરા ભક્તિ. ઉપાસનાના હલકામાં હલકા પ્રકારથી માંડીને જીવનના ઉચ્ચતમ સ્વરૂપને ભક્તિ શબ્દ આવરી લે છે. દુનિયાના કોઈ પણ દેશમાં કે કોઈ પણ ધર્મમાં ઉપાસનાના જે બધા પ્રકારો તમે જુઓ છો, તેનું નિયામકબળ છે પ્રેમ. તેમાં કેટલુંક એવું છે કે જે માત્ર વિધિઓ છે, તેમ કેટલુંક એવું પણ છે કે જે વિધિ નથી; છતાં તે પ્રેમ પણ નથી, પરંતુ એથી ઊતરતી કોટિની સ્થિતિ છે. છતાંય આ બધા વિધિઓ આવશ્યક છે. ભક્તિનું બાહ્ય સ્વરૂપ જીવને ઊંચે ને ઊંચે ચઢાવવા માટે તદ્દન જરૂરી છે. માણસ કૂદકો મારીને પોતે એકદમ ઉચ્ચ કોટિએ ચઢી શકશે તેવું માનવાની ભારે મોટી ભૂલ તે કરી બેસે છે; જો બાળક એમ માને કે એક દિવસમાં તે પોતે મોટો થઈ જશે તો તે ભૂલ કરે છે અને મને આશા છે કે તમે હંમેશાં ખ્યાલમાં રાખશો કે ધર્મ કોઈ ગ્રંથોમાં, બૌદ્ધિક સંમતિમાં કે તર્કમાં સમાયેલો નથી. તર્ક, સિદ્ધાંતો, દસ્તાવેજો, મતવાદો, ગ્રંથો, ધાર્મિક ક્રિયાઓ એ બધાં ધર્મનાં સહાયક છે; ધર્મ પોતે તો અનુભૂતિમાં છે. આપણે બધા કહીએ છીએ કે ‘ઈશ્વર છે.’ પણ તમે ઈશ્વરને જોયો છે? આ પ્રશ્ન છે. તમે મનુષ્યને કહેતો સાંભળશો કે ‘ઈશ્વર સ્વર્ગમાં છે.’ પણ તમે તેને પૂછો કે ‘તેં એને જોયો છે?’ અને જો તે એમ કહે કે ‘હા, મેં જોયો છે,’ તો તમે હસશો અને તેને દીવાનો ગણી કાઢશો. મોટા ભાગના માણસો માટે ધર્મ એ બૌદ્ધિક સ્વીકાર જેવું છે; એક ખતપત્રથી આગળ તેની કિંમત નથી. હું તેને ધર્મ ન કહું . આવા પ્રકારનો ધર્મ હોવા કરતાં તો નાસ્તિક હોવું તે વધારે સારું છે. આપણી બુદ્ધિના સ્વીકાર- અસ્વીકાર ઉપર ધર્મનો આધાર નથી. તમે કહો છો કે આત્મા છે. પણ તમે આત્માને જોયો છે? એમ કેમ છે કે આપણને સહુને આત્મા હોવા છતાં આપણે તેને જોઈ શકતા નથી? તમારે આ સવાલનો જવાબ આપવાનો જ છે; આત્માનાં દર્શનનો માર્ગ શોધી કાઢવાનો જ છે. તમે તેમ ન કરો તો ધર્મની વાત કરવી નિરર્થક છે. જો કોઈ પણ ધર્મ સાચો હોય તો તેણે આપણને આત્માનું, ઈશ્વરનું અને આપણામાં રહેલા સત્યનું દર્શન કરાવવું જોઈએ. તમે અને હું અનંત કાળ સુધી આવા એકાદ વાદ કે ગ્રંથ માટે લડતા રહીએ, તો કદી કોઈ નિર્ણય ઉપર નહીં આવી શકીએ. લોકો યુગોથી ઝઘડતા આવ્યા છે; અને પરિણામ શું આવ્યું છે? બુદ્ધિ ત્યાં કદીય પહોંચી ન શકે. આપણે બુદ્ધિથી પર જવું જોઈએ; ધર્મનું પ્રમાણ સાક્ષાત્ અનુભૂતિમાં છે. આ દીવાલના અસ્તિત્વનું પ્રમાણ એ છે કે આપણે તે જોઈએ છીએ; તમે વર્ષો સુધી તેના અસ્તિત્વ કે નાસ્તિત્વ વિશે દલીલો કર્યા કરો, તોપણ તમે કોઈ નિર્ણય ઉપર નહીં આવી શકો; પરંતુ તમે તેને પ્રત્યક્ષ જુઓ એટલે બસ. પછી દુનિયાના બધાય માણસો જો તમને કહે કે તેની હસ્તી નથી, તોપણ તમે નહીં માનો, કારણ કે તમે જાણો છો કે દુનિયાના સઘળા મતવાદો કે દસ્તાવેજો કરતાં તમારી આંખોનું પ્રમાણ વધુ સબળ છે.

ધાર્મિક થવા માટે પ્રથમ તો બધાં પુસ્તકો તમારે એક બાજુએ મૂકવાં પડશે. ગ્રંથો જેટલા ઓછા વાંચો તેટલું વધુ સારું; એકી સાથે એક જ વસ્તુ કરો. પાશ્ચાત્ય દેશોમાં આધુનિક યુગમાં મગજમાં બધી બાબતોનો ખીચડો કરવાની એક વૃત્તિ આવી ગઈ છે; બધી જાતના પચ્યા વગરના વિચારો મગજમાં તોફાનો મચાવે છે અને બધું અસ્તવ્યસ્ત કરી નાખે છે; એમને સ્થિર બનીને કોઈ ચોક્કસ સ્વરૂપ લેવાની તક સરખીયે મળતી નથી. ઘણા કિસ્સાઓમાં તો આ એક રોગ જેવું બની જાય છે; પણ આ કાંઈ ધર્મ નથી. વળી કેટલાકને ઉત્તેજના જોઈએ છે. એવા લોકોને તમે પ્રેતો અને ઉત્તર ધ્રુવથી કે કોઈ દૂરના પ્રદેશોથી આવતા માણસો વિશે કહો તો તેઓ ખુશ થશે; તમે એમ કહો કે એ લોકો પાંખે ઊડતા આવ્યા છે અથવા બીજા સ્વરૂપે આવ્યા છે; અદૃશ્યરૂપે હાજરી આપીને તેમના ઉપર અદૃશ્ય રીતે ચોકી કરે છે અને એમ કહીને ગૂઢતાનું એક વાતાવરણ રચો અને તેમને ડરાવો તો તેઓ સંતોષ પામીને ઘેર જશે. પણ પૂરા ચોવીસ કલાક નહીં થયા હોય ત્યાં વળી કોઈ બીજી ઉત્તેજનાભરી વાત માટે તેઓ તૈયાર હોય છે. કેટલાક લોકો આને ધર્મ કહે છે. આ ધર્મનો માર્ગ નથી, પણ ગાંડાના દવાખાનામાં જવાનો માર્ગ છે. દુર્બળોથી પરમેશ્વર પામી શકાતો નથી; આવી બધી વિચિત્ર વાતો તો દુર્બળતાની પ્રેરક છે, માટે તેમને પડખેય ચડશો નહીં; તેઓ લોકોને માત્ર નિર્બળ બનાવે છે, મગજમાં ગોટાળો ઊભો કરે છે, મનને દુર્બળ બનાવે છે, આત્માને નીચો પાડે છે; બધું એક ઘોર અંધેરમાં પરિણમે છે.

તમારે ધ્યાનમાં રાખવું કે ધર્મ એ કાંઈ વાતો, પુસ્તકો કે વાદોમાં સમાયેલો નથી, ધર્મ અનુભૂતિમાં રહેલો છે; ધર્મ એટલે શીખવું નહીં પણ થવું. ‘ચોરી ન કરો’ એ સૂત્રને દરેક મનુષ્ય જાણે છે. પણ તેથી શું? જે કોઈ પણ ચીજની ચોરી કરતો નથી તેણે જ તેનું રહસ્ય જાણ્યું છે. ‘બીજાને હાનિ ન કરો.’ તે સૂત્ર સહુ કોઈ જાણે છે; પણ તેની શી કિંમત? જેણે કોઈને હાનિ પહોંચાડી નથી તે જ તેનું રહસ્ય સમજ્યો છે; તેને જીવનમાં ઉતાર્યું છે. ધર્મ એટલે અનુભૂતિ; હું તમને ઈશ્વરભક્ત ત્યારે જ કહીશ કે જ્યારે તમે ઈશ્વરી સત્તાની અનુભૂતિ કરી શક્યા હશો. તે પહેલાં તો તે માત્ર શબ્દની જોડણી જ છે; વધારે કશું નહીં. અનુભૂતિની શક્તિ એ જ ધર્મ છે. તમારા મગજમાં ગમે તેટલા વાદો કે તત્ત્વજ્ઞાન કે નીતિગ્રંથો તમે ભર્યા હોય, તેની કંઈ વિસાત નથી. માત્ર તમે શું છો અને શાનો અનુભવ કર્યો છે તે જ ખરું છે. માટે આપણે ધર્મની અનુભૂતિ કરવી જોઈએ. ધર્મની આ અનુભૂતિ એ એક લાંબી પ્રક્રિયા છે. જ્યારે માણસો કોઈ ઉન્નત અને અદ્‌ભુત વસ્તુ વિશે સાંભળે છે, ત્યારે તેમને એકદમ થઈ જાય છે કે બધાને પોતે પ્રાપ્ત કરી શકશે; પણ તેઓ ઘડીભર પણ વિચાર કરવા રોકાતા નથી કે એ બધું પ્રાપ્ત કરવા માટે તેમણે પુરુષાર્થ કરવો પડશે. સૌને કૂદકો મારીને ત્યાં પહોંચવું છે; ધ્યેય જો સર્વોચ્ચ હોય, તો તેને પહોંચવા આપણે બધા તૈયાર થઈ જઈએ છીએ. આપણે એટલોય વિચાર કરવા થોભતા નથી કે આપણામાં તેને માટે તાકાત છે કે નહીં. પરિણામ એ આવે છે કે આપણે કંઈ જ કરી શકતા નથી. તમે ચીપિયાથી ઊંચકીને કોઈને ત્યાં ધકેલી ન શકો; ઉચ્ચ વસ્તુની પ્રાપ્તિ માટે આપણે સહુએ ધીમેધીમે પ્રગતિ કરવી જોઈએ. તેથી ધર્મનો પ્રથમ પ્રકાર વૈધીભક્તિ એટલે કે નિમ્ન પ્રકારની ભક્તિ છે.

ઉપાસનાના આ નીચલા પ્રકારો કયા કયા છે? તે અનેક છે. જેવી રીતે બાળક સ્થૂળ વસ્તુના જ્ઞાનમાંથી આગળ વધીને ધીરે ધીરે સૂક્ષ્મ સુધી પહોંચે છે, તેવી જ રીતે આપણે પણ અનુભૂતિની ભૂમિએ પહોંચવા માટે સ્થૂળ પ્રતીકોમાંથી પસાર થવું જોઈએ. બાળકને કહો કે પાંચ ગુણ્યા બે એટલે દસ, તો તે સમજશે નહીં, પરંતુ તમે દશ વસ્તુઓ લાવો અને બે-બેના પાંચ ઢગલા કરીને દસ કેમ થાય તે કરી બતાવો, ત્યારે તરત તે સમજશે. ધર્મ એક લાંબી અને ધીમી પ્રક્રિયા છે. આ બાબતમાં આપણે બધાય, બાળકો જેવા છીએ; ઉંમરમાં આપણે વૃદ્ધ હોઈએ, દુનિયાના તમામ ગ્રંથોનો આપણે અભ્યાસ કર્યો હોય, તોપણ આધ્યાત્મિક બાબતમાં તો આપણે બધા બાળકો જ છીએ. આપણે વાદો અને સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો છે, પરંતુ જીવનમાં આપણે કોઈ અનુભૂતિ પ્રાપ્ત કરી નથી. એટલે હવે આપણે આકારો અને શબ્દો, પ્રાર્થના અને અનુષ્ઠાનો વગેરે સ્થૂળ સાધનોથી શરૂઆત કરવી પડશે. આવા સ્થૂળ ઉપાયો હજારો હોઈ શકે. એક જ પદ્ધતિ સહુને માટે ઉપયોગી ન બની શકે. કેટલાક પ્રતિમા દ્વારા મદદ મેળવી શકે; કેટલાકને તે સહાયભૂત ન પણ થઈ શકે. કેટલાકને બાહ્ય પ્રતિમા જોઈએ તો કેટલાકને માનસિક પ્રતિમા જોઈએ. જે માનસિક પ્રતિમા રાખે છે તે એમ માને છે કે ‘હું ઉચ્ચ કોટિનો માણસ છું, પ્રતિમા મનમાં હોય તે બરાબર છે, પરંતુ બહાર હોય ત્યારે તે મૂર્તિપૂજા બની જાય છે. હું તેનો વિરોધ કરીશ.’ જ્યારે માણસ દેવળ અગર મંદિરના રૂપમાં પ્રતિમા ઊભી કરે છે, ત્યારે તે ધારે છે કે તે પવિત્ર છે; પરંતુ પ્રતિમા મનુષ્યરૂપે હોય, તો તેની સામે વાંધો ઉઠાવે છે!

આમ, આ બધા વિવિધ પ્રકારની ઉપાસનાનાં રૂપો છે, જેના દ્વારા મન આ સ્થૂળનો મનોયત્ન કરે છે; અને પછી ધીરે ધીરે આપણે અમૂર્તની સમજણ પ્રાપ્ત કરીશું, અમૂર્તનો સાક્ષાત્કાર કરીશું. વળી પ્રત્યેક માણસ માટે એક જ પદ્ધતિ હોતી નથી; એક પ્રકાર તમને અનુકૂળ લાગે, બીજો બીજાને લાગે; એવું ચાલ્યા જ કરે. બધી પદ્ધતિઓ ભલે એક જ લક્ષ્યે પહોંચાડતી હોય, છતાં તે સઘળી આપણા સહુ માટે ન હોય. અહીં બીજી એક ભૂલ આપણે ઘણી વાર કરીએ છીએ. મારો આદર્શ તમને અનુકૂળ નથી; તો પછી મારે તમારા ઉપર તે ઠોકી બેસાડવાની શી જરૂર? દેવળો બાંધવાની કે પ્રાર્થના યા ભજનો ગાવાની મારી રીત તમને અનુકૂળ નથી, તો શા માટે હું તે તમારા પર ઠોકી બેસાડું? દુનિયામાં જોશો તો દરેક મૂર્ખ માણસ કહેશે કે તેની પદ્ધતિ જ સાચી છે, બીજી દરેકે દરેક પદ્ધતિ આસુરી છે અને જગતમાં તે એક જ ઈશ્વરનો માનીતો માણસ થઈને જન્મ્યો છે. પણ વસ્તુતઃ બધી પદ્ધતિઓ સારી અને સહાયક છે. જેમ માનવ સ્વભાવની અનેક વિવિધતાઓ છે, તેમ ધર્મના પ્રકારો પણ અનેકવિધ હોય તે જરૂરનું છે. તે જેટલા વધારે હોય તેટલું આ દુનિયા માટે વધારે સારું, દુનિયામાં ધર્મના વીસ વિવિધ પ્રકારો હોય તો તે સારું છે; ચારસો હોય તો વધુ સારું છે, કેમ કે એથી પસંદ કરવા માટે વધારે પ્રકારો મળે છે. તેથી ધર્મ અને ધર્મ વિશેના વિચારોની સંખ્યા વધે તો આપણે ખુશી થવું જોઈએ, કારણ કે એ રીતે તે દરેક માણસને આવરી લેશે; માનવજાતને વધારે મદદ કરશે. ઈશ્વર કરે ને ધર્મોની સંખ્યા એટલે સુધી વધે કે પ્રત્યેક વ્યક્તિને બીજા કોઈના કરતાં અલગ પોતાનો સ્વતંત્ર ધર્મ મળે, તો ઘણું સારું! ભક્તિયોગીની આવી ભાવના છે!

અંતિમ વિચાર એ છે કે મારો ધર્મ તમારો ન થઈ શકે; તમારો ધર્મ મારો ન થઈ શકે. ધ્યેય અને હેતુ એક જ હોય, છતાં પોતાના મનના વલણ અનુસાર પ્રત્યેક મનુષ્યે પોતાનો સ્વતંત્ર માર્ગ ગ્રહણ કરવો પડે છે. વળી આ બધા માર્ગો વિવિધ હોવા છતાં તે સાચા હોવા જોઈએ, કારણ કે આખરે બધા એક જ લક્ષ્યે પહોંચે છે. એવું કદીય ન હોય કે એક માર્ગ સત્ય હોય અને બીજા બધા ખોટા હોય. ભક્તિશાસ્ત્રની ભાષામાં પોતાનો પસંદ કરેલો માર્ગ ઇષ્ટ કહેવાય છે. ઇષ્ટ એટલે પોતાનો મનપસંદ આદર્શ.

ત્યાર પછી આવે છે શબ્દો. શબ્દની શક્તિ વિશે તમે સહુએ સાંભળ્યું હશે. તે કેવા અદ્‌ભુત હોય છે! પ્રત્યેક ગ્રંથ-બાઇબલ, કુરાન કે વેદ-શબ્દની શક્તિથી ભરપૂર છે. કેટલાક શબ્દોનો માનવજાતિ ઉપર અજબ પ્રભાવ છે. વળી બીજા પણ પ્રકારો છે કે જેને પ્રતીકો કહેવામાં આવે છે. પ્રતીકોની માનવીના મન ઉપર પ્રબળ અસર રહે છે. વળી ધર્મનાં મહાન પ્રતીકો કોઈ જાતના ધોરણ વિના ઉપજાવી કાઢવામાં આવ્યાં છે એવું નથી. વિચારની તે સ્વાભાવિક અભિવ્યક્તિ હોય એવું જણાય છે. આપણે પ્રતીકોની સહાય વડે જ વિચાર કરીએ છીએ. આપણા બધા જ શબ્દો, એની પાછળ રહેલા વિચારોના પ્રતીકરૂપે છે. જુદા જુદા લોકો જુદાં જુદાં પ્રતીકો વાપરે છે, જો કે તેઓ તેનું કારણ જાણતા નથી. આ બધાં જ પ્રતીકો અંદરના વિચાર સાથે સંકળાયેલાં હોય છે અને જેમ વિચાર પ્રતીકને બહાર લાવે છે તેમ તેથી ઊલટી રીતે પ્રતીક વિચારને અંદર દાખલ કરે છે. તેથી ભક્તિનો એક વિભાગ આવાં પ્રતીકો, શબ્દો, પ્રાર્થના વિશેનો ઉપદેશ કરે છે. દરેક ધર્મમાં પ્રાર્થનાને સ્થાન છે. પરંતુ એ યાદ રાખવું કે આરોગ્ય અને સંપત્તિ માટેની પ્રાર્થના એ ભક્તિ નથી; તે બધું તો કર્મ અગર પુણ્યકર્મ છે. કોઈ ભૌતિક લાભ માટે પ્રાર્થના કરવી કે સ્વર્ગપ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી તે બધું માત્ર કર્મ જ છે. જેને ઈશ્વરનો પ્રેમ મેળવવો છે, ભક્ત બનવું છે, તેણે આવી પ્રાર્થનાઓ તજવી જોઈએ; જેણે પ્રકાશના પ્રદેશોમાં પ્રવેશ કરવો છે તેણે આ ખરીદવેચાણ, ધર્મનો આવો બજારુ વ્યવહાર છોડી દેવો જોઈએ; ત્યાર પછી ધર્મના દ્વારમાં પ્રવેશવું જોઈએ. તમે જેને માટે પ્રાર્થના કરો તે તમને પ્રાપ્ત ન થાય એવું નથી; તમને બધું જ મળે. પણ આવી પ્રાર્થના ભિખારીનો ધર્મ છે. ગંગાને કાંઠે રહેતો માનવી પાણી માટે કૂવો ખોદે તો તે જરૂર મૂર્ખ છે; હીરાની ખાણ પાસે પહોંચેલો મનુષ્ય જો કાચના મણકાની ખોજ કરે તો તે પણ મૂર્ખ જ છે. આ શરીર કોઈ કાળે પડવાનું જ છે, તો પછી વારંવાર તેના આરોગ્ય માટે પ્રાર્થના કરવાનો શો અર્થ? આરોગ્ય કે સંપત્તિની શી મહત્તા છે? બહુ પૈસાદાર માનવી પણ પોતાની લક્ષ્મીના માત્ર થોડા ભાગનો જ ઉપભોગ કરી શકે છે. આ દુનિયાની બધી ચીજો આપણને મળવાની નથી; ન મળે તો તેની પરવા પણ કોણ કરે છે? જો આ શરીર પણ પડવાનું છે તો આવી ચીજોની શી પરવા કરવી? સારી વસ્તુઓ આવે તોય ભલે, ને જાય તો યે ભલે, આપણે તો રાજાધિરાજની સમક્ષ જવાનો પ્રયત્ન કરીએ છીએ; ભિખારીના વેશમાં તેની સમક્ષ આપણે જઈ શકીએ નહીં . આપણે શહેનશાહની સમક્ષ હાજર થવું હોય તો એવા વેશમાં ત્યાં પ્રવેશ મળશે ખરો? જરૂર નહીં, આપણને હાંકી જ કાઢવામાં આવે, તો આ તો બાદશાહનો પણ બાદશાહ છે; તેની સમક્ષ જવામાં આ ભિખારીના ચીંથરેહાલ વેશમાં આપણે પ્રવેશ ન જ મેળવી શકીએ. વેપારીઓને ત્યાં પ્રવેશ મળશે નહીં; ખરીદવેચાણને ત્યાં સ્થાન નથી. તમે બાઇબલમાં વાંચ્યું હશે કે ઈશુએ ખરીદવેચાણ કરનારાઓને મંદિરમાંથી હાંકી કાઢ્યા હતા. ક્ષુદ્ર વસ્તુઓ માટે કદી પ્રાર્થના કરશો નહીં. જો તમે માત્ર શરીરસુખ માગો, તો તમારામાં અને પશુઓમાં તફાવત શો રહ્યો? તેના કરતાં તમે તો કંઈક વધુ ઉચ્ચ કક્ષાના છો, એમ માનો.

તેથી કહેવાની ભાગ્યે જ જરૂર છે કે ભક્ત થવા માટે પહેલું કામ તો એ છે કે બધી કામનાઓનો ત્યાગ કરવો. પ્રશ્ન એ છે કે સ્વર્ગ પ્રાપ્ત કરવાની કે એવી બધી કામનાઓનો આપણે કઈ રીતે ત્યાગ કરી શકીએ? મનુષ્યો શા માટે દુઃખી થાય છે? કારણ કે તેઓ ગુલામ છે, નિયમોનાં બંધનોમાં જકડાયેલા છે, પ્રકૃતિના હાથમાં પૂતળાં જેવા બની રહેલા છે અને રમકડાંની માફક આમતેમ અફળાયા કરે છે. કોઈ પણ વસ્તુ જેને તોડી પાડી શકે એવા આ શરીરની આપણે સતત કાળજી રાખ્યા કરીએ છીએ; અને તેથી આપણે નિરંતર ભયમાં જ રહ્યા કરીએ છીએ. મેં ક્યાંક વાંચ્યું છે કે હરણને રોજ સાઠથી સિત્તેર માઈલ દોડવું પડે છે, કારણ કે તે નિરંતર ભયભીત રહે છે. આપણે જાણવું ઘટે કે આપણી સ્થિતિ હરણ કરતાંય વિશેષ ખરાબ છે. હરણને થોડોક પણ આરામ મળે છે; આપણને તો તે પણ મળતો નથી. હરણને જો પૂરતું ઘાસ મળે તો તે સંતોષ પામે છે; આપણે તો જરૂરિયાતો વધાર્યા જ કરીએ છીએ. જરૂરિયાતો વધારવાની ઇચ્છા આપણામાં એક રોગ જેવી થઈ ગઈ છે. આપણે એટલા અસ્થિર અને અસ્વાભાવિક થઈ ગયા છીએ કે કોઈ પણ સ્વાભાવિક વસ્તુ આપણને સંતોષ આપી શકતી નથી. આપણે સર્વદા ક્ષુદ્ર વસ્તુને મેળવવા પાછળ લાગી ગયા છીએ. આપણને કૃત્રિમ ઉત્તેજના, કૃત્રિમ ખોરાક, કૃત્રિમ પીણાં, કૃત્રિમ વાતાવરણ અને કૃત્રિમ જીવન જોઈએ છે. વળી આપણું જીવન ભયનાં પોટલાં સિવાય બીજું શું છે? હરણને વાઘ-વરુ વગેરેનો એક જ પ્રકારનો ભય છે; મનુષ્યને તો સમગ્ર વિશ્વ તરફથી ડરવાનું રહે છે.

આમાંથી આપણે કેમ કરીને છૂટીએ તે પ્રશ્ન છે. ઉપયોગિતાવાદીઓ કહે છેઃ ‘ઈશ્વર અને ભવિષ્ય જીવનની વાત છોડો’; આપણે તે વિશે કંઈ જાણતા નથી. આપણે આ દુનિયામાં સુખી રહીએ તેટલું બસ છે. જો તેમ થઈ શકતું હોય તો તેવું કરવામાં હું પહેલો થાઉં; પણ દુનિયા આપણને તેમ કરવા દેતી નથી. જ્યાં સુધી તમે પ્રકૃતિના ગુલામ છો, ત્યાં સુધી તમે તેમ કેમ કરી શકો? તમે જેમ વધારે પ્રયત્ન કરો છો, તેમ વધારે ગૂંચવાડામાં પડો છો. સુખી થવા માટે કોણ જાણે કેટલાંય વર્ષોથી તમે યોજનાઓ ઘડો છો, પણ વરસેવરસે સ્થિતિ વધુ ખરાબ થતી જાય છે. આજથી બસો વર્ષ પહેલાં જૂના જમાનાના લોકોની જરૂરિયાતો થોડી હતી; પરંતુ માનવીનું જ્ઞાન ગણિતશ્રેણી પ્રમાણે વધતું ગયું, તો તેની જરૂરિયાત ભૂમિતિશ્રેણી પ્રમાણે વધતી ગઈ. આપણે એમ માનીએ છીએ કે મુક્તિ મળતાં આપણી કામનાઓ પરિપૂર્ણ થશે, તેથી આપણે સ્વર્ગની ઇચ્છા રાખીએ છીએ. આ તે કેવી અનંત અને છિપાય નહીં તેવી તૃષા છે! હંમેશાં કાંઈક ને કાંઈક જોઈએ જ જોઈએ! મનુષ્ય જ્યારે ભિખારી હોય છે ત્યારે તેને પૈસો જોઈએ. જ્યારે તેની પાસે પૈસો આવે ત્યારે તેને બીજું કંઈક, જેમ કે સમાજ જોઈએ; અને તે પછી વળી બીજું કંઈક જોઈતું હોય છે. તે કદી શાંત બેસી શકતો નથી. આ તૃષ્ણા આપણે કેમ કરીને છિપાવવાના છીએ? સ્વર્ગ મળવાથી તો આપણી કામનાઓ ઊલટાની વધી જવાની. કોઈ ગરીબ મનુષ્યને ધન મળે, તો તેથી તેની તૃષ્ણા છીપતી નથી; એ તો અગ્નિમાં ઘી હોમી તેની જ્વાળા વધારવાની ક્રિયા છે. સ્વર્ગ મેળવવું એટલે અતિશય સંપત્તિ મેળવવી; પછી તૃષ્ણાઓ વધતી જ જાય છે. સ્વર્ગમાં રહેતા આત્માઓ વિશે આપણે દુનિયાના ધર્મગ્રંથોમાં વાંચીએ છીએ કે તેઓ ત્યાં હંમેશ બહુ સારા નથી હોતા; અને અંતે તો આ સ્વર્ગમાં જવાની ઇચ્છા પોતે જ વધારે ભોગો માટેની ઇચ્છાનું સ્વરૂપ છે. તેનો ત્યાગ કરવો જોઈએ. સ્વર્ગે જવાનો વિચાર બહુ ક્ષુદ્ર, અતિ હીન વસ્તુ છે. હું લખપતિ થઈને લોકો પર સત્તા ચલાવીશ, તેના જેવો આ વિચાર છે. આવાં ઘણાં સ્વર્ગો છે, પણ તે દ્વારા ધર્મ અને પ્રેમના દ્વારમાં પ્રવેશવાનો અધિકાર તમને મળશે નહીં.

Total Views: 127
૩. ગુરુ
૫. મુખ્ય પ્રતીકો