સમષ્ટિ ઉપર પ્રથમ પ્રેમ કર્યા સિવાય આપણે વ્યષ્ટિ ઉપર કેવી રીતે પ્રેમ કરી શકીએ? ઈશ્વર એ સમષ્ટિ અર્થાત્ એક અવ્યક્ત વિશ્વવ્યાપી અખંડ સ્વરૂપ છે; અને જે વિશ્વ આપણે પૃથક્ પૃથક્ રીતે જોઈએ છીએ તે વ્યષ્ટિ છે. કેવળ સમષ્ટિને ચાહવાથી જ સમગ્ર વિશ્વને ચાહવાનું શક્ય છે—આ એક સમષ્ટિમાં જ કરોડોની સંખ્યામાં નાના નાના ઘટકોનો સમાવેશ થાય છે. ભારતના દાર્શનિકો વ્યષ્ટિ આગળ જ અટકતા નથી.તેઓ તે પ્રત્યે ઊડતી નજર ફેંકે છે અને તુરત જ સમષ્ટિ સ્વરૂપ કે જે પોતાનામાં સર્વ વ્યષ્ટિઓને સમાવી દે છે એને શોધવાનું શરૂ કરે છે. ભારતીય દર્શનશાસ્ત્ર અને ધર્મની એક માત્ર શોધનો વિષય સમષ્ટિ જ છે.

જે એક વસ્તુને જાણવાથી સર્વ વસ્તુ જાણવામાં આવે છે તે સમગ્ર એકતા, એક નિરપેક્ષ સમષ્ટિ સત્તા જ જ્ઞાનીનું ધ્યેય છે. ભક્ત તે સર્વવ્યાપી નિરપેક્ષ તત્ત્વને પ્રત્યક્ષ કરવા ઇચ્છે છે કે જેની સાથે પ્રેમ કરવાથી સમસ્ત વિશ્વને પ્રેમ થાય છે. યોગી તે એક સમષ્ટિભૂત શક્તિ ઉપર અધિકાર પ્રાપ્ત કરવા ઇચ્છે છે, જેના નિયંત્રણથી આ સમગ્ર વિશ્વનું નિયંત્રણ થઈ શકે.

ભારતના સમગ્ર ઇતિહાસમાં એવું જોવા મળે છે કે વિજ્ઞાન, માનસશાસ્ત્ર, પ્રેમ કે તત્ત્વજ્ઞાન, દરેક ક્ષેત્રમાં ભારતીય મન વ્યષ્ટિની અંદર સમષ્ટિની એકમાત્ર શોધ કરવા તરફ જ પ્રેરાય છે. તેથી ભક્ત એવા નિર્ણય ઉપર આવે છે કે જો તમે એક પછી એક જુદી જુદી વ્યક્તિને પ્રેમ કર્યા કરો અને અનંત સમય સુધી તેમ કરવાનું ચાલુ રાખો, તોપણ સમગ્ર વિશ્વને ચાહવાને તમે જરા પણ સમર્થ થશો નહીં. આખરે, જ્યારે ભક્ત એવા નિર્ણયે પહોંચે છે કે પ્રેમનો સર્વ સમુચ્ચય તો પરમાત્મા છે, વિશ્વમાં સર્વ જીવોની આકાંક્ષાઓના સમુચ્ચય રૂપ તો પરમાત્મા છે, પછી તેઓ ભલે મુક્ત હોય, બદ્ધ હોય કે મુમુક્ષુ હોય; ત્યારે જ વિશ્વપ્રેમ તેના માટે શક્ય બને છે. ઈશ્વર સમષ્ટિ છે અને આ દૃશ્યમાન જગત ઈશ્વરનું પરિચ્છિન્ન તથા અભિવ્યક્ત સ્વરૂપ છે. જો આપણે આ સમષ્ટિ ઉપર પ્રેમ કરીએ, તો આપણે પ્રત્યેક વસ્તુ ઉપર પ્રેમ કરીએ છીએ. ત્યારબાદ વિશ્વપ્રેમ અને વિશ્વકલ્યાણ સ્વાભાવિક બનશે; સૌથી પ્રથમ ઈશ્વર પર પ્રેમ રાખીને જ માત્ર આપણે આ શક્તિ પ્રાપ્ત કરવાની છે; નહીં તો જગતનું કલ્યાણ સાધવું તે કોઈ મજાક નથી. ભક્ત કહે છે કે ‘પ્રત્યેક વસ્તુ ઈશ્વરની છે અને ઈશ્વર મારો પ્રિયતમ છે; હું તેના પર પ્રેમ કરું છું.’ આમ ભક્તને મન પ્રત્યેક વસ્તુ પવિત્ર બને છે, કારણ કે બધી વસ્તુઓ ઈશ્વરની છે; બધાં ઈશ્વરનાં બાળકો છે; તેનું શરીર છે, તેની અભિવ્યક્તિ છે. પછી આપણે કેવી રીતે કોઈને હાનિ કરી શકીએ? પછી કેવી રીતે આપણે કોઈના પર પ્રેમ કર્યા વગર રહી શકીએ? ઈશ્વર-પ્રેમની સાથોસાથ તેના અચૂક ફળરૂપે વિશ્વમાં પ્રત્યેક વ્યક્તિ પ્રત્યે પ્રેમ આવશે. જેમ જેમ આપણે ઈશ્વરની વધુને વધુ નજીક જઈએ, તેમ તેમ આપણે જોઈ શકીએ છીએ કે ઈશ્વરમાં જ સર્વ વસ્તુઓ વિદ્યમાન છે. જ્યારે જીવાત્મા આ પરમ પ્રેમનો આનંદ અનુભવવામાં સફળ થાય છે, ત્યારે તે પણ પ્રત્યેક વસ્તુમાં ઈશ્વરદર્શન કરવા માંડે છે. આપણું હૃદય આમ પ્રેમનું શાશ્વત ઝરણું બને છે અને જ્યારે આ પ્રેમની વધુ ઉચ્ચ અવસ્થામાં આપણે પહોંચીએ છીએ ત્યારે દુન્યવી વસ્તુઓ વચ્ચેના બધા જ ક્ષુદ્ર ભેદો સંપૂર્ણપણે વિસરાઈ જાય છે; મનુષ્ય હવે મનુષ્ય તરીકે નહીં પણ ઈશ્વર તરીકે પ્રતીત થાય છે; પશુ પશુ તરીકે નહીં પણ ઈશ્વર તરીકે દેખાય છે; વાઘ ત્યારે વાઘ નહીં પણ ઈશ્વરનું જ સ્વરૂપ બની જાય છે. આમ ભક્તિની આ પરાકાષ્ઠામાં પ્રત્યેક મનુષ્ય, પ્રત્યેક પ્રાણી, પ્રત્યેક પદાર્થ ઉપાસ્ય બને છે.

‘एवं सर्वेषु भूतेषु भक्तिरव्यभिचारिणी।

कर्तव्या पण्डितैर्ज्ञात्वा सर्वभूतमयं हरिम्।’

‘સર્વ ભૂતોમાં હરિ છે એમ જાણીને સર્વ ભૂતો પ્રત્યે અવ્યભિચારી કે એકનિષ્ઠ પ્રેમ વ્યક્ત કરવો તે જ્ઞાની પુરુષોનું કર્તવ્ય છે.’

આ પ્રકારના ઉત્કટ સર્વગ્રાહી પ્રેમના ફળ સ્વરૂપે પૂર્ણ આત્મસમર્પણની જે ભાવના જન્મે છે, તેને અપ્રાતિકૂલ્ય એટલે કે જે કંઈ ઘટના બને છે તેમાંની કોઈ આપણને પ્રતિકૂળ નથી એવી ભાવના કહેવાય છે. પછી તે પ્રેમી આત્મા દુઃખ આવતાં કહી શકે છે કે ‘દુઃખ! તું ભલે આવ્યું!’ જો આપત્તિ આવે છે તો તે કહી શકે છે કે ‘આપત્તિ! હું તારું સ્વાગત કરું છું, કારણ, તું પણ મારા પ્રિયતમ પાસેથી આવેલ છે.’ જો કોઈ સર્પ આવે છે તો તે કહે છેઃ ‘સર્પદેવ! તમે ભલે પધાર્યા.’ જો મૃત્યુ આવે તો આવો ભક્ત સસ્મિત તેનું સ્વાગત કરશેઃ ‘હું ધન્ય છું કે તે બધાં મારી પાસે આવે છે, તમે બધાં ભલે પધાર્યાં.’ ઈશ્વર પ્રત્યેના અને ઈશ્વરના જે સર્વ કોઈ છે તેમની પ્રત્યેના ગાઢ પ્રેમમાંથી ઉદ્‌ભવતી આ સંપૂર્ણ આત્મસમર્પણની અવસ્થામાં ભક્ત પોતાને લાગેવળગે ત્યાં સુધી સુખ અને દુઃખ વચ્ચેનો ભેદભાવ વીસરી જાય છે. દુઃખ અથવા આપત્તિ વિશે ફરિયાદ શી હોઈ શકે તે ભક્ત જાણતો નથી. ખરેખર, ભવ્ય અને પ્રખર દુન્યવી પરાક્રમોના ગૌરવ કરતાં પ્રેમમય પરમાત્માની ઇચ્છાને આ પ્રકારનું અવિરોધ આત્મસમર્પણ એ વધારે શ્રેષ્ઠ અને પ્રાપ્ત કરવા યોગ્ય સંપત્તિ છે.

માનવજાતિના મોટા ભાગના લોકોને મન આ શરીર જ સર્વસ્વ છે, તેમને મન શરીર જ આખો સંસાર છે; શારીરિક ભોગો જ તેમનું સર્વસ્વ છે. આ શરીરની અને શારીરિક બાબતોની પૂજાનો આ શયતાન આપણા સૌ કોઈમાં પ્રવેશેલો છે. આપણે ભલે મોટી મોટી ગગનગામી વાતો કરીએ, છતાં આપણે સૌ ગીધ જેવા છીએ; આપણું મન નીચે જમીન પર પડેલા સડેલા માંસના ટુકડા તરફ જ રહે છે. કહો કે આપણે શા માટે આપણું શરીર વાઘથી બચાવવું જોઈએ? શા માટે, ભલા, આપણે તે વાઘને આપી દેતા નથી? વાઘ તેથી રાજી થશે! સ્વાર્થત્યાગ અને ઉપાસનાથી તે બહુ ભિન્ન નથી, શું તમે એવા ભાવની અનુભૂતિ કરી શકો છો કે જેમાં અહંભાવ સમૂળગો નષ્ટ થઈ ગયો હોય? પ્રેમધર્મનું આ એક અત્યંત ઉચ્ચ શિખર છે; અને આ સંસારમાં બહુ ઓછા લોકો ત્યાં સુધી પહોંચી શક્યા છે. પરંતુ જ્યાં સુધી મનુષ્ય સ્વેચ્છાપૂર્વક સ્વાર્થત્યાગ માટે સતત તૈયારીની ઉચ્ચ કોટિએ પહોંચતો નથી, ત્યાં સુધી તે પૂર્ણ ભક્ત બની શક્તો નથી. આપણે સહુ વધુ કે ઓછા સંતોષપૂર્વક તથા લાંબા અગર ટૂંકા સમયને માટે શરીરોને ભલે ટકાવી રાખીએ, તેમ છતાં શરીરો તો જવાનાં જ છે; તે કાયમ ટકવાનાં નથી. તેથી જેમનાં શરીર બીજાઓની સેવામાં ખપી જાય તેઓ જ ધન્ય છે.

‘धनानि जीवितं चैव परार्थे प्राज्ञ उत्सृजेत्।

सन्निमित्ते वरं त्यागो विनाशे नियते सति॥’

‘ડાહ્યા માણસે સદૈવ પોતાનું ધન અને પોતાનું જીવન સુધ્ધાં બીજાઓની સેવા માટે અર્પણ કરવા તત્પર રહેવું જોઈએ. આ સંસારમાં એક વસ્તુ નિશ્ચિત છે, મૃત્યુ. એટલે આ શરીર કોઈ ખરાબ કરતાં સારે નિમિત્તે ખપી જાય તે ઘણું સારું છે.’ આપણે આપણું જીવન પચાસ કે સો વર્ષ સુધી લંબાવી શકીએ; પરંતુ તે પછી શું? મિશ્રણથી ઉત્પન્ન થતી પ્રત્યેક વસ્તુ માટે છૂટા પડવું અને મૃત્યુ નિશ્ચિત છે. એક સમય એવો અવશ્ય આવશે કે જ્યારે તે વિશ્લિષ્ટ થઈ જશે. ઈશુ, બુદ્ધ અને મહમ્મદ પયગંબર બધા જ મૃત્યુ પામ્યા છે; સંસારના સર્વ મહાન પયગંબરો અને આચાર્યો પણ મૃત્યુ પામ્યા છે.

ભક્ત કહે છેઃ ‘જ્યાં પ્રત્યેક વસ્તુ ક્ષય પામે છે એવા આ ક્ષણભંગુર જગતમાં આપણે આપણી પાસે જે સમય છે તેનો સારામાં સારો ઉપયોગ કરી લેવાનો છે અને ખરેખર જિંદગીનો સારામાં સારો ઉપયોગ બધાં પ્રાણીઓની સેવામાં તેને લગાડવાનો છે.’ સંસારમાં આ અતિશય દેહાત્મભાવને લઈને જ તમામ સ્વાર્થની ઉત્પત્તિ થાય છે; એ એક ભ્રમ છે કે આપણું શરીર એ જ આપણે છીએ અને યેનકેન પ્રકારેણ તેની સારામાં સારી રીતે સંભાળ રાખવા અને તેને રાજી રાખવા માટે આપણે પૂરેપૂરો પ્રયત્ન કરવો જોઈએ. જો તમે જાણો કે તમે તમારા શરીરથી નિશ્ચિત રીતે જુદા છો તો પછી એવું કંઈ રહેતું નથી કે જેની સામે તમારે લડવાનું કે ઝઘડવાનું હોય; સ્વાર્થપરાયણ ભાવો તમને લેશ પણ અસર કરશે નહીં. માટે ભક્ત કહે છે કે, સંસારની બધી બાબતો અંગે આપણે જાણે કે સર્વથા મૃત છીએ તેવી રીતે જ રહેવાનું છે; અને ખરેખર તે આત્મસમર્પણ છે. જે કાંઈ બનતું હોય તે ભલે બનતું. ‘તારી ઇચ્છા મુજબ થાઓ’ વાળા (બાઇબલના) વાક્યનો આ અર્થ છે—નહીં કે લડ્યા કરવું, ઝઘડ્યા કરવું અને સદૈવ વિચાર્યા કરવું કે આપણી આ બધી ક્ષતિઓ અને દુન્યવી આકાંક્ષાઓ ઈશ્વરની ઇચ્છાથી જ થાય છે. બનવાજોગ છે કે આપણા સ્વાર્થમય પ્રયત્નોમાંથી પણ ભલું થતું હોય; પણ તે તો ઈશ્વરે જોવાનું છે. પૂર્ણતાએ પહોંચેલા ભક્તનો ભાવ તો કદી પણ પોતાની જાત માટે કંઈ ઇચ્છવા કે કાર્ય કરવાનો હોવો જોઈએ નહીં. ‘હે પ્રભો! બધા તારા નામે ભવ્ય મંદિરો બાંધે છે; તારા નામે ઘણાં મોટાં દાનો કરે છે; હું તો દીન છું; મારી પાસે કંઈ સાધન નથી; એટલા માટે હું મારું આ શરીર તારાં ચરણોમાં ધરી દઉં છું. હે ભગવન્! મને છોડી દેશો નહીં.’ ભક્તના હૃદયના ઊંડાણમાંથી આવી પ્રાર્થના નીકળે છે. જેણે તે અનુભવ્યું છે, તેને મન તમામ સમૃદ્ધિ અને સત્તા કરતાં, કીર્તિ અને વિષયાનંદના સર્વ ગગનગામી વિચારો કરતાં, પોતાના પરમ પ્રિય ઇષ્ટનાં ચરણોમાં ધરાતો આ અખંડ સ્વાર્થત્યાગ, અનેકગણો વધારે ઉચ્ચ છે. ભક્તની સ્વસ્થતાભરી આત્મસમર્પણની આ શાંતિ સમગ્ર બુદ્ધિથી પર અને અમૂલ્ય છે. તેના મનની સાનુકૂળતા એક એવી અવસ્થા છે કે જેમાં સ્વાર્થ નથી અને સહજ ભાવે તેને મન કોઈપણ વસ્તુ વિરોધી નથી. ભવ્ય આત્મસમર્પણની આ સ્થિતિમાં દરેક પ્રકારની આસક્તિ સર્વાંશે વિલીન થઈ જાય છે; માત્ર જે ઈશ્વરમાં સર્વ વસ્તુઓ જીવે છે, જેમાં સંચરે છે અને જેમાં પોતાનું અસ્તિત્વ ધરાવે છે, તે ઈશ્વર પ્રત્યેનો સર્વગ્રાહી પ્રેમ જ બાકી રહે છે. ઈશ્વર ઉપરની આ આસક્તિ, વાસ્તવમાં આત્માને બંધનકર્તા નથી પરંતુ તેનાં તમામ બંધનો તદ્દન તોડી નાખે છે.

Total Views: 155
૪. પ્રેમની અભિવ્યક્તિના પ્રકારો
૬. પરા વિદ્યા અને પરા ભક્તિ એક જ છે