પ્રેમનો આ સર્વોચ્ચ આદર્શ જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે તત્ત્વજ્ઞાન દૂર ફેંકાઈ જાય છે; પછી તેની કોણ પરવા કરે? મુક્તિ, મોક્ષ, નિર્વાણ બધું દૂર ફેંકાઈ જાય છે; દૈવી પ્રેમની મસ્તીમાં મુક્તિની કોને પરવા છે?

‘न धनं न जनं न सुंदरीं कवितां वा जगदीश कामये।

मम जन्मनि जन्मनीश्वरे भवताद् भक्तिरहैतुकी त्वयि॥’

‘હે ભગવંત, મને ધન, મિત્રો, સૌંદર્ય, વિદ્યા અથવા મુક્તિની પણ સ્પૃહા નથી; વારંવાર જન્મ લેવા દે અને સદૈવ તું મારો પ્રેમાધાર બની રહે. તું સદૈવ જન્મજન્માન્તરમાં મારો પ્રેમપાત્ર બની રહે.’ ભક્ત કહે છેઃ ‘સાકર બનવાની કોને પરવા છે? હું તો સાકરનો સ્વાદ લેવા માગું છું.’ તો પછી ઈશ્વર સાથે એક થવાની અને મુક્ત બનવાની કોણ ઇચ્છા રાખશે? ભક્ત આમ કહે છેઃ ‘હું ભલે જાણું કે હું તે છું, તેમ છતાં હું મારી જાતને તેનાથી અલગ પાડીશ અને પૃથક્ બનીશ કે જેથી હું મારા પ્રિયતમનો રસાસ્વાદ માણી શકું.’ પ્રેમને ખાતર પ્રેમ તે જ ભક્તનો સર્વોચ્ચ ઉપભોગ છે. પ્રિયતમનો રસાસ્વાદ માણવા હજારો જન્મોમાં પૂર્ણપણે બંધાઈ રહેવા કોણ તૈયાર નહીં થાય? પ્રેમ સિવાય, પ્રેમના પ્રદાન અને ગ્રહણ સિવાય, બીજી કોઈ વસ્તુની કોઈ ભક્ત પરવા કરતો નથી. તેનો અપાર્થિવ પ્રેમ નદીમાં ધસી આવતાં પૂરના જેવો હોય છે, આ પ્રેમી તો વિપરીત દિશામાં જાય છે. સંસાર તેને પાગલ કહે છે. હું એક મહાપુરુષને જાણું છું કે જેમને સંસાર પાગલ કહીને બોલાવતો હતો અને તેનો જવાબ આ હતોઃ ‘મારા મિત્રો! સમસ્ત સંસાર એક પાગલખાનું છે. કેટલાક સાંસારિક પ્રેમની પાછળ પાગલ છે, કેટલાક નામ પાછળ, કેટલાક કીર્તિ, ધન, મુક્તિ કે સ્વર્ગની પાછળ પાગલ હોય છે. આ મોટા પાગલખાનામાં હું પણ પાગલ છું, પરંતુ હું ઈશ્વરની પાછળ પાગલ છું. જો તમે ધનની પાછળ પાગલ હો તો હું ઈશ્વર પાછળ પાગલ છું. જેમ તમે પાગલ છો તેમ હું પણ પાગલ છું. હું સમજું છું કે મારું પાગલપણું આખરે શ્રેષ્ઠ છે.’ સાચા ભક્તનો પ્રેમ આ જ્વલંત પાગલપણું છે, જેની આગળ બીજી બધી વસ્તુ લુપ્ત થઈ જાય છે. તેને મન સમસ્ત સંસાર પ્રેમ અને કેવળ પ્રેમથી સભર છે; પ્રેમીને સદૈવ આવી જ પ્રતીતિ થાય છે. એટલે જ્યારે મનુષ્યમાં આવો પ્રેમ જાગે છે ત્યારે તે અનંત કાળ માટે ધન્ય બને છે, અનંત કાળ માટે સુખી થાય છે. કેવળ દિવ્ય પ્રેમનું આ પાગલપણું જ આપણાં સમસ્ત સંસારવ્યાધિને સદાને માટે મિટાવી શકે છે. વાસનાઓની સાથોસાથ સ્વાર્થપરાયણતા પણ નાશ પામે છે. તે ઈશ્વરની અત્યંત સમીપ આવે છે; એના હૃદયમાં પહેલાં જે સર્વ મિથ્યા વાસનાઓ ભરી હતી તેમને તેણે દૂર ફગાવી દીધી છે.

પ્રેમધર્મમાં આપણે સૌએ દ્વૈતભાવથી શરૂ કરવું પડે છે. આપણે મન ઈશ્વર એક પૃથક્ વ્યક્તિ છે અને આપણે આપણી જાતને પણ પૃથક્ વ્યક્તિઓ તરીકે અનુભવીએ છીએ. પછી વચ્ચે પ્રેમ આવે છે અને માણસ ઈશ્વર તરફ આગળ વધવાની શરૂઆત કરે છે, ઈશ્વર પણ મનુષ્યની વધુ અને વધુ સમીપ આવે છે. મનુષ્યજીવનના તમામ વિભિન્ન સંબંધો જેવા કે પિતા, માતા, પુત્ર, મિત્ર, પ્રેમી દરેક પ્રકારના સંબંધો પ્રેમના આદર્શમાં, ઈશ્વરમાં, આરોપિત કરે છે. તેને મન ઈશ્વર આ બધા તરીકે વિદ્યમાન છે; ઉન્નતિની અંતિમ સીમાએ તો તે ત્યારે જ પહોંચે છે કે જ્યારે તે અનુભવે છે કે પૂર્ણપણે પોતાના ઉપાસ્ય દેવમાં પોતે લીન થઈ ગયો છે. આપણે સૌ પોતા પ્રત્યેના પ્રેમથી જ પ્રેમની શરૂઆત કરીએ છીએ; ત્યારે ક્ષુદ્ર અહંભાવની અનુચિત માગણીઓ પ્રેમને પણ સ્વાર્થી બનાવી દે છે. પરંતુ આખરે પ્રકાશની પૂર્ણ જ્વાલા પ્રગટે છે કે જેમાં આ ક્ષુદ્ર અહંભાવ અનંત ઈશ્વર સાથે એકાકાર થઈ જતો દેખાય છે. મનુષ્ય સ્વયં પ્રેમના આ પ્રકાશના સાંનિધ્યમાં પલટાઈ જાય છે અને અંતે તે સુંદર પ્રેરણાદાયક સત્યનો સાક્ષાત્કાર કરે છે કે પ્રેમ, પ્રેમી તથા પ્રિયતમ ત્રણે એક જ છે.

Total Views: 152
૯. પ્રેમના દૈવી આદર્શનું માનવીય ભાષામાં વર્ણન
૧. અપરાભક્તિ અને પરાભક્તિ