(આ અધૂરો લેખ કુમારી એસ. ઈ. વાલ્ડોના કાગળપત્રોમાંથી મળી આવ્યો હતો. મથાળું અમે મૂક્યું છે. – સં.)

જગતના પ્રાચીન કે આધુનિક, મૃત કે જીવંત જે ધર્મો ચાર વિભાગ દ્વારા મારું મન શ્રેષ્ઠ રીતે ગ્રહણ કરી શકે છે તે આ પ્રમાણે છેઃ

૧. પ્રતીકવિદ્યા—મનુષ્યની ધાર્મિક બુદ્ધિને જાળવી રાખવા અને વિકસાવવા માટે વિવિધ બાહ્ય સાધનોનો ઉપયોગ.

૨. ઇતિહાસ—દરેક ધર્મે સ્વીકારેલા દૈવી કે માનવી ગુરુઓના જીવનમાં દર્શાવાયેલ પ્રકારનું ધર્મનું તત્ત્વદર્શન. આમાં પુરાણો તથા દંતકથાઓનો સમાવેશ થઈ જાય છે, કારણ કે એક જાતિને કે એક સમયને માટે જે પુરાણ હોય છે તે બીજી જાતિઓને કે બીજા સમય માટે ઇતિહાસરૂપ બને છે કે બન્યાં હતાં. માનવીય ગુરુઓના કિસ્સાઓમાં પણ, તેમના ઇતિહાસનો ઘણો ભાગ તેમની પાછળની પેઢીઓ દ્વારા પુરાણ તરીકે લેખાય છે.

૩. દર્શનશાસ્ત્ર—દરેક ધર્મના સમગ્ર ક્ષેત્રનો ખુલાસો.

૪. રહસ્યવાદ—અમુક લોકોમાં કે અમુક સંજોગોમાં બધા લોકોમાં, ઇંદ્રિય જ્ઞાન અને બુદ્ધિથી ઉચ્ચ કંઈક હોય છે એવો દાવો; ઉપરના બધા વિભાગોમાં પણ તે પ્રસરેલો છે.

જગતના બધા પ્રાચીન કે આધુનિક ધર્મો, આ સિદ્ધાંતોમાંના એક કે વધારેનો સ્વીકાર કરે છે; વધુ વિકસિત ધર્મોમાં આ ચારેય હોય છે.

વળી આ વધુ વિકસિત ધર્મોમાંથીયે કેટલાકને પોતાનો ધર્મગ્રંથ કે ધર્મગ્રંથો નહોતા. તેથી તે ધર્મો અદૃશ્ય થઈ ગયા છે; પરંતુ જેઓ ધર્મગ્રંથો પર આધારિત હતા તેઓ આજ સુધી જીવતા રહ્યા છે. એ હિસાબે આજે જગતના બધા મહાન ધર્મો ધર્મગ્રંથો પર આધારિત છે.

વૈદિક ધર્મનો આધાર વેદો (તેને હિંદુ ધર્મ કે બ્રાહ્મણ ધર્મ એવું નામ ખોટી રીતે આપવામાં આવ્યું છે.)

જરથોસ્તી (પારસીઓના) ધર્મનો આધાર ઝંદ—અવેસ્તા.

મુસાઈ ધર્મનો આધાર ‘જૂનો કરાર’ (Old Testament)

બૌદ્ધ ધર્મનો આધાર ત્રિપિટક.

ખ્રિસ્તી ધર્મનો આધાર ‘નવો કરાર’ (New Testament)

મુસ્લિમ ધર્મનો આધાર કુરાન.

ચીનમાંના તાઓ—ધર્મીઓ અને કોન્ફયુશ્યસ—ધર્મીઓના પણ ધર્મગ્રંથો છે, છતાં તેઓ ધર્મની બૌદ્ધ પદ્ધતિની સાથે એટલા બધા સેળભેળ થઈ ગયા છે કે તેમને બૌદ્ધ ધર્મની યાદીમાં જ મૂકી શકાય.

વળી, જો કે ચોક્કસ રીતે કહેવા જઈએ તો સંપૂર્ણપણે વંશીય એવો તો એકે ધર્મ નથી, છતાં એમ કહી શકાય કે આ સમૂહમાંના વૈદિક, મુસાઈ અને જરથોસ્તી ધર્મો, મૂળથી જે પ્રજાના હતા તે પ્રજામાં જ રહ્યા છે; જ્યારે બૌદ્ધ, ખ્રિસ્તી ને મુસ્લિમ ધર્મો આરંભથી જ પ્રચારક ધર્મો થયા છે.

જગતને જીતવાનો સંઘર્ષ તો બૌદ્ધો, ખ્રિસ્તીઓ અને મુસલમાનો વચ્ચે થશે અને વંશીય ધર્મોએ પણ એ સાઠમારીમાં અનિવાર્યપણે જોડાવું પડશે. આમાંના દરેકે દરેક ધર્મમાં, પછી તે વંશીય હોય કે પ્રચાર પામતા હોય, પણ તેમાં અનેક વિભાગો પડી ગયા છે, તથા પરિવર્તન પામ્યે જતા સંજોગોને અનુકૂળ થવા માટે જાણ્યેઅજાણ્યે જબ્બર ફેરફારો પણ થયા છે. આ હકીકત સ્પષ્ટ રીતે બતાવે છે કે તેમાંનો એકેય ધર્મ એકલો આખી માનવજાતિનો ધર્મ થવાને માટે યોગ્ય નથી. દરેક ધર્મ જે જાતિમાંથી તે ઉદ્‌ભવ્યો તે જાતિની કેટલીક વિશિષ્ટતાઓના પરિપાકરૂપ હોવાથી અને સાથોસાથ પોતે એ જ વિશિષ્ટતાઓની મજબૂતી અને જાળવણીના કારણરૂપ હોવાથી, એમાંનો એક પણ ધર્મ સર્વવ્યાપી માનવ સ્વભાવને માટે યોગ્ય ન થઈ શકે. એટલું નહીં પરંતુ એ દરેકમાં એક ખંડનાત્મક તત્ત્વ પણ રહેલું છે. દરેક ધર્મ માનવ સ્વભાવના અમુક અંશના વિકાસને સહાય કરે છે. પરંતુ જે જાતિમાંથી તે ઉત્પન્ન થયો તે જાતિની પાસે જે કંઈ નહોતું તે તમામના વિકાસને અવરોધે છે. આ રીતે, એક જ ધર્મ વિશ્વવ્યાપી બને એ મનુષ્યજાતિ માટે જોખમકારક અને વિનાશક નીવડે.

હવે જગતનો ઇતિહાસ બતાવે છે કે આ બે સ્વપ્નો—એક વિશ્વવ્યાપી રાજકીય સામ્રાજ્યનું અને બીજું વિશ્વવ્યાપી ધાર્મિક સામ્રાજ્યનું—ઘણા લાંબા કાળથી માનવજાત સમક્ષ ઊભાં છે, પરંતુ મહાનમાં મહાન વિજેતાઓની યોજનાઓ પણ પોતે પૃથ્વીનો થોડોક ભાગ જીતી શકે તે પહેલાં જ એ પ્રદેશના ટુકડા પડી જવાથી નિષ્ફળ ગઈ હતી; અને એ જ પ્રમાણે દરેક ધર્મ પણ હજી તો પારણામાંથી માંડ માંડ બહાર આવ્યો હોય ત્યાં તો તૂટીને વિવિધ સંપ્રદાયોમાં વહેંચાઈ જાય છે.

છતાં એ સાચું હોય એમ લાગે છે કે સામાજિક કે ધાર્મિક પણ અનંત વિવિધતાના અવકાશ સહિતની માનવજાતિની સુદૃઢતા એ પ્રકૃતિની યોજના છે; અને ઓછામાં ઓછા પ્રતિકારની દિશા એ જો કાર્યની સાચી દિશા હોય, તો મને એમ લાગે છે કે આ દરેક ધર્મનું સંપ્રદાયોમાં વિભક્ત થઈ પડવું, એ જડ સમાનતાના વલણને વ્યર્થ બનાવીને ધર્મને જાળવી રાખવાની તેમજ કાર્યમાં આગળ વધવાની દિશાનું સ્પષ્ટ સૂચન છે.

તેથી એમ લાગે છે કે સંપ્રદાયોનો વિનાશ એ ધ્યેય નથી. પરંતુ દરેક વ્યક્તિ પોતે જ પોતાનો સંપ્રદાય બની જાય ત્યાં સુધી સંપ્રદાયોએ વધ્યે જવું એ ધ્યેય છે. વળી અત્યારે અસ્તિત્વમાં છે તે બધા ધર્મો એક થઈ જઈને એક ભવ્ય તત્ત્વજ્ઞાનમાં પરિણમશે, ત્યારે એકતાની એક પાર્શ્વભૂમિ ઊભી થશે. પુરાણોમાં કે કર્મકાંડમાં એકતા કદી થવાની જ નથી, કારણ કે આપણે સૂક્ષ્મ કરતાં સ્થૂળમાં વધુ જુદા પડીએ છીએ. એક જ સિદ્ધાંતનો સ્વીકાર કરવા છતાં, મનુષ્યો પોતાના આદર્શ ગુરુની મહત્તાની બાબતમાં જુદા પડશે જ.

તેથી આ સંમિશ્રણમાંથી આખા સમુદાયના આધાર તરીકે એક દર્શન સમૂહ નીકળી આવશે અને એ ઐક્યના દૃષ્ટાંત તરીકે પોતાના ગુરુ કે પોતાના પ્રતીકને પસંદ કરવાની દરેકને છૂટ રહેશે. હજારો વર્ષોથી કુદરતી રીતે જે ચાલી રહ્યું છે તે આ સંમિશ્રણ છે; માત્ર દુઃખની વાત એ છે કે પરસ્પરના વૈરભાવને કારણે એ દબાઈ ગયું છે.

એટલા માટે વેર કરવા કરતાં, માનવજાતને વિશ્વના વિવિધ ધર્મોનું જ્ઞાન આપવા સારુ એકબીજાની પાસે ઉપદેશકો મોકલવા જોઈએ, તથા જુદી જુદી પ્રજાઓ વચ્ચે આવા બધા વિચારોના વિનિમયને ઉત્તેજન આપવું જોઈએ. પરંતુ ઈસવી સન પૂર્વે બીજા સૈકામાં ભારતના મહાન બૌદ્ધ સમ્રાટ અશોકે કર્યું હતું તેમ આપણે બીજાઓને ગાળો દીધા વિના, બીજાઓના દોષો દેખાડીને તેમાંથી કમાણી કરવાનો પ્રયાસ કર્યા વિના મદદ કરવાનો, સહાનુભૂતિ રાખવાનો અને જ્ઞાન આપવાનો આગ્રહ રાખવો જોઈએ.

જેને પદાર્થવિજ્ઞાન કહેવામાં આવે છે તેના વિરોધી તરીકે આધ્યાત્મિક વિજ્ઞાનની સામે તત્ત્વજ્ઞાનની દુનિયા આખીમાં મોટું બુમરાણ ચાલી રહ્યું છે. આધુનિક જીવન અને આધુનિક જગતને વધુ મજબૂત પાયા પર સ્થાપિત કરવા માટેની, આ આધ્યાત્મિક અને મરણોત્તર સ્થિતિની વિરુદ્ધની જેહાદ ઝડપભેર એક એવી ફેશન બનતી ચાલી છે કે તેના સકંજામાં ધર્મના ઉપદેશકો સુદ્ધાં એક પછી એક ઝપાટાબંધ આવતા જાય છે. બેશક, વિચાર વગરનાં સામાન્ય લોકોનાં ટોળાં તો તેમની ઉપલક નજરે જે રમણીય લાગે તેની પાછળ સદા પડવાનાં જ; પરંતુ સમજદાર માણસો સુદ્ધાં કૃત્રિમ તત્ત્વજ્ઞાનીપણાનો દાવો કરતા લાગે છતાં એવી અર્થહીન ફેશનોની પાછળ પડે, ત્યારે તે શોચનીય હકીકત બને છે.

વળી આપણી ઇંદ્રિયો, જ્યાં સુધી સ્વસ્થ હોય ત્યાં સુધી આપણી વધારેમાં વધારે ભરોસાપાત્ર ભોમિયા જેવી છે અને આપણે માટે જે હકીકતો અંદર એકત્રિત કરે છે તે માનવજ્ઞાનના ચણતરના ખુદ પાયા બને છે. એની કોઈ ના પાડતું નથી. પરંતુ જો તેઓ એમ કહેવા માગતા હોય કે માત્ર ઇંદ્રિયજન્ય જ્ઞાન જ બધું માનવજ્ઞાન છે અને તે સિવાય બીજું કાંઈ જ નથી, તો અમે તેની ના કહીએ છીએ. જો ભૌતિક વિજ્ઞાનોનો અર્થ એવો થતો હોય કે ઇંદ્રિયજન્ય જ્ઞાનની ઉપર જ સંપૂર્ણપણે આધારિત અને રચાયેલા જ્ઞાનની પદ્ધતિઓ અને એ સિવાય બીજું કંઈ જ નહીં, તો અમારે એમ કહેવાનું છે કે એવું વિજ્ઞાન કદી અસ્તિત્વમાં હતું જ નહીં, તેમ અસ્તિત્વમાં આવશે પણ નહીં. એમ જ એકલા ઇંદ્રિયજન્ય જ્ઞાન પર રચાયેલી જ્ઞાનની કોઈ પણ પદ્ધતિ કદી પણ વિજ્ઞાન બની શકશે જ નહીં.

બેશક, ઇંદ્રિયો જ્ઞાનનાં ઉપાદાનોને ભેળાં કરે છે અને સમાનતાઓ અને અસમાનતાઓને શોધી કાઢે છે; પણ ત્યાં જ એમનું કામ પૂરું થાય છે. પહેલ વહેલું તો હકીકતોના ભૌતિક સંગ્રહો, દેશ અને કાળ જેવા કેટલાક દાર્શનિક વિચારોથી પરિસીમિત છે. બીજું, હકીકતોનું વર્ગીકરણ કે સામાન્યીકરણ, તેમની પાછળ પાર્શ્વભૂમિ તરીકે કોઈક અમૂર્ત વિચાર સિવાય અસંભવિત છે. સામાન્યીકરણ જેમ જેમ ઉચ્ચ પ્રકારનું તેમ તેમ જેના ઉપર છૂટીછવાઈ હકીકતો ગોઠવાય છે તે અમૂર્ત પાર્શ્વભૂમિ વધુ દાર્શનિક. હવે આ વિચારો, જેવા કે જડ પદાર્થ, બળ, મન, નિયમ, કાર્ય-કારણનો નિયમ, કાળ અને દેશ એ બધા અતિશય ઉચ્ચ પ્રકારના અમૂર્ત દાર્શનિક વિચારોનાં પરિણામ છે અને આજ સુધીમાં કોઈએ કદીયે એમાંના એકેયનો ઇંદ્રિયો દ્વારા અનુભવ કર્યો નથી; બીજા શબ્દોમાં કહીએ તો એ બધા સંપૂર્ણપણે દાર્શનિક છે અને છતાં આ દાર્શનિક વિચારો વિના કોઈ પણ ભૌતિક હકીકત સમજવી શકય નથી. આ પ્રકારે અમુક ગતિને જ્યારે કોઈ પણ બળની સાથે લાગુ પાડવામાં આવે છે, ત્યારે જ તે ગતિનું જ્ઞાન થાય છે; અમુક સંવેદનોને જ્યારે કોઈક જડ પદાર્થની સાથે લાગુ પાડવામાં આવે છે ત્યારે જ તે સંવેદનોનું જ્ઞાન થાય છે; કેટલાંક પરિવર્તનોને જ્યારે કોઈક નિયમની સાથે લાગુ કરવામાં આવે છે, ત્યારે જ તે પરિવર્તનોનું જ્ઞાન થાય છે; વિચારમાં થતા ફેરફારોને જ્યારે મનની સાથે લાગુ કરવામાં આવે છે ત્યારે જ તેમનું જ્ઞાન થાય છે; કોઈક ક્રમને, તે એકલો હોય ત્યારે, કાર્યકારણના સંબંધ સાથે જોડવાથી જ તેનું જ્ઞાન થાય છે; અને જ્યારે તે ક્રમ કાળની સાથે જોડાયેલો હોય છે ત્યારે તેનું જ્ઞાન થવા માટે તેને નિયમની સાથે લાગુ કરવો પડે છે. છતાં કોઈએ પણ જડ દ્રવ્ય, બળ, નિયમ કે કાર્યકારણનો સંબંધ, કાળ, દેશ કે એમાંના એકેયને કદી પણ જોયાં નથી અગર તો તેમની કલ્પના સુદ્ધાં કરી નથી.

એમ ભારપૂર્વક કહી શકાય કે આ બધા, અમૂર્ત વિચારો તરીકે અસ્તિત્વ જ ધરાવતા નથી અને આ અમૂર્ત વિચારો જે વર્ગોના તેઓ, કહેવા પૂરતા, માત્ર ગુણો છે, તે વર્ગોથી જરાય જુદા નથી કે જુદા પાડી શકાય તેમ નથી.

અમૂર્ત વિચારો શક્ય છે કે નહીં અથવા જેમનું સામાન્યીકરણ કરવામાં આવ્યું છે એવા વર્ગો ઉપરાંત બીજું કંઈ છે કે નહીં એ સવાલને બાજુએ રાખીએ તોપણ એ તો સ્પષ્ટ છે કે આ બધા જડ દ્રવ્ય કે બળ, કાળ કે દેશ, કાર્ય-કારણ-સંબંધ નિયમ કે મન એ બધાંને અમૂર્ત અને (પોતાની મેળે) સ્વતંત્ર એકમો તરીકે માનવામાં આવ્યાં છે; અને જ્યારે તેમનો સ્વતંત્ર એકમો તરીકે વિચાર કરવામાં આવે છે ત્યારે જ ઇંદ્રિયજન્ય જ્ઞાનમાંની હકીકતોના ખુલાસાઓ તરીકે તેઓને રજૂ કરવામાં આવે છે. એટલે કે આ વિચારોની વાસ્તવિકતાથી અલગ, તેમના વિશે આપણે બે હકીકતો જોઈએ છીએ—પ્રથમ, તેઓ દાર્શનિક છે; બીજી તેઓ કેવળ દાર્શનિક વિચારો તરીકે જ ભૌતિક હકીકતોને સમજાવે છે, ઊલટી રીતે નહીં.

બાહ્ય એ આંતરને અનુરૂપ થાય છે કે આંતર એ બાહ્યને અનુરૂપ થાય છે, જડ દ્રવ્ય મનને અનુરૂપ થાય છે કે મન જડ દ્રવ્યને અનુરૂપ થાય છે, આસપાસની પરિસ્થિતિ મનને ઘડે છે કે મન સંજોગોને ઘડે છે, એ પ્રશ્ન જૂનો—ઘણો જ જૂનો છે અને છતાં આજે પણ એ જેવો પહેલાં હતો તેવો જ નવો અને પ્રબળ છે. પૂર્વાપરના કે કાર્યકારણના સંબંધના પ્રશ્નનો વિચાર કર્યા વિના, મન જડ પદાર્થનું કારણ છે કે જડ પદાર્થ મનનું કારણ છે, એ પ્રશ્નનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યા વિના, એ તો સ્પષ્ટ જ છે કે આંતર વડે બાહ્ય ઘડાયું હોય કે નહીં, પણ આપણે તેને જાણી શકીએ એટલા માટે બાહ્યે આંતરને અનુરૂપ થવાનું જ છે. ધારો કે બાહ્ય જગત આંતરજગતનું કારણ છે, તોપણ આપણે કબૂલ કરવું જ પડશે કે આપણા મનના કારણ તરીકે બાહ્ય જગત અજ્ઞાત અને અજ્ઞેય છે, કારણ કે મન માત્ર તેટલું જ યા તો બાહ્યનો તેટલો જ દૃશ્ય વિભાગ જાણી શકે કે જે પોતાની પ્રકૃતિને અનુરૂપ છે, યા તો પ્રકૃતિનું પ્રતિબિંબ છે, જે પોતાનું જ કારણ ન હોઈ શકે. હવે અસ્તિત્વના સમગ્ર સમૂહનો જે દૃશ્ય વિભાગ મન દ્વારા ગૃહીત થઈને જાણવામાં આવી ગયો છે, તે વિભાગ ચોક્કસપણે મનનું કારણ ન થઈ શકે, કારણ કે તે દૃશ્ય વિભાગનું ખુદ અસ્તિત્વ જ મનની અંદર અને મન દ્વારા જાણવામાં આવ્યું છે.

આ રીતે મન જડ દ્રવ્યમાંથી આવ્યું છે એવું અનુમાન કાઢવું અશક્ય છે, એટલું જ નહીં, તે અસંભવિત છે, કારણ કે એ તો દીવા જેવું છે કે અસ્તિત્વનો જે વિભાગ વિચાર અને ચેતનના ગુણો વિનાનો છે અને બાહ્યત્વના ગુણવાળો છે તે જડ દ્રવ્ય કહેવાય છે અને જે વિભાગ બાહ્યત્વના ગુણ વિનાનો છે અને વિચાર અને ચેતનના ગુણોવાળો છે, તે મન કહેવાય છે. હવે જડને મનમાંથી બનેલું સિદ્ધ કરવા જવું કે મનને જડમાંથી બનેલું સિદ્ધ કરવા બેસવું, એ તો જે ગુણોને આપણે દરેકમાંથી બાદ કર્યા છે તે જ ગુણો દરેકમાંથી બન્યા છે તેવું અનુમાન કરવા જેવું થાય; અને તેથી મનના કે જડ પદાર્થના કારણત્વ વિશેનો ઝઘડો, એ માત્ર શબ્દોની જાળ છે, બીજું કાંઈ જ નહીં. વળી આ બધા વાદવિવાદોમાં, એક નિયમ તરીકે ‘મન’ અને ‘જડ દ્રવ્ય’ એ શબ્દોના જુદા જુદા અર્થ આપવાનો દોષ ચાલ્યો જ આવે છે. જો ‘મન’ શબ્દ, જડ દ્રવ્યનું વિરોધી અને તેનાથી બહારનું કંઈક એવા અર્થમાં ક્યારેક વપરાય છે અને બીજે કેટલેક વખતે મન અને જડ દ્રવ્ય એ બંનેને આવરી લે તેવું કંઈક, એટલે કે જેના બાહ્ય અને આંતર એ બંને જડવાદીના પક્ષના વિભાગો છે, તેવા અર્થમાં વપરાય છે; તો વળી ‘જડ દ્રવ્ય’ (Matter) શબ્દ ક્યારેક, જેને આપણે ઇંદ્રિયો દ્વારા અનુભવીએ છીએ તેવું કંઈક બાહ્ય, એવા સીમિત અર્થમાં વપરાય છે; અને વળી પાછો, બાહ્ય અને આંતર સમગ્ર ઘટનાનું જે કારણ છે તેવું કંઈક, એવો પણ તેનો અર્થ કરવામાં આવે છે. પ્રયોગશાળાનાં તત્ત્વોમાંથી મન મેળવી શકાય છે એવો દાવો કરીને વિજ્ઞાનવાદીને જડવાદી ડરાવે છે, જ્યારે આ બધા સમય દરમિયાન તે પોતે કંઈક એવું વ્યક્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે કે જે બધાં તત્ત્વો અને અણુઓથી વધુ ઉચ્ચ છે, બાહ્ય અને આંતર બંને પ્રકારની ઘટનાઓ જેનાં પરિણામો છે અને જેને તે પોતે જડ દ્રવ્ય (Matter) એવું નામ આપે છે. બીજી બાજુએ વિજ્ઞાનવાદી, મન અને જડ દ્રવ્ય બંનેનું જે કારણ છે અને જેને તે ઘણી વાર ઈશ્વર કહે છે, એવા કંઈકની ઝાંખી કરવા છતાંય જડવાદીનાં બધાં તત્ત્વો અને અણુઓને તેના પોતાના વિચારમાંથી નીકળેલાં છે એમ સાબિત કરવા જાય છે. એટલે કે એક પક્ષ જગતનો જે બાહ્ય વિભાગ છે તેનાથી આખા જગતનો ખુલાસો કરવા માગે છે અને બીજો પક્ષ જગતના બીજા, આંતર વિભાગ દ્વારા આખા જગતનો ખુલાસો માગે છે. આ બંને પ્રયત્નો અશક્ય છે. મન અને જડ દ્રવ્ય એકબીજાનો ખુલાસો આપી શકે જ નહીં. તેનો એકમાત્ર ખુલાસો એવા કંઈકમાં શોધવાનો છે કે જે જડ દ્રવ્ય અને મન બંનેને આવરી લે.

એમ દલીલ કરી શકાય કે મન સિવાય વિચારનું અસ્તિત્વ ન હોઈ શકે, કારણ કે જો એમ ધારીએ કે એક એવો સમય હતો કે જ્યારે વિચાર જેવું કશું હતું જ નહીં, તો પછી આપણે જાણીએ છીએ તે પ્રકારે જડ પદાર્થ (Matter)નું અસ્તિત્વ ચોક્કસ ન જ હોત. બીજી બાજુએ એમ કહી શકાય કે અનુભવ સિવાય જ્ઞાન અશક્ય હોવાથી અને બાહ્ય જગત સિવાય અનુભવ અશક્ય હોવાથી, જડ દ્રવ્યના અસ્તિત્વ સિવાય આપણે જાણીએ છીએ તે પ્રકારે મનનું અસ્તિત્વ શક્ય નથી.

તેમ જ એ પણ શક્ય નથી કે બેમાંથી એકેયને આદિ હતો. જ્ઞાનનો સાર છે સામાન્યીકરણ. સમાનતાના ભંડોળ સિવાય સામાન્યીકરણ અશક્ય છે; અગાઉના અનુભવ સિવાય તુલના અશક્ય છે. આમ પૂર્વના જ્ઞાન વિના પછીનું જ્ઞાન અશક્ય છે; અને જ્ઞાન માટે વિચાર અને જડ પદાર્થની આવશ્યકતા હોવાથી, એ બંને અનાદિ છે.

વળી, જેના પર અનુભવની અલગ અલગ હકીકતો જોડાય છે તેવા કંઈક સિવાય ઇંદ્રિયજન્ય જ્ઞાનના સારરૂપ સામાન્યીકરણ અશક્ય છે. જેવી રીતે ચિત્રની પાછળ તેના આધાર માટે કેનવાસ (વસ્ત્ર) હોવું જોઈએ, તેવી રીતે બાહ્ય અનુભવોના આખા વિશ્વની પાછળ કંઈક એવું હોવું જોઈએ કે જેના પર વિશ્વનો ખ્યાલ બનવા માટે બધા બાહ્ય અનુભવો એકત્રિત થઈ શકે. જો બાહ્ય જગતના અનુભવોને માટે વિચાર યાને મન આ કેનવાસરૂપ હોય, તો મનને પોતાને એક બીજું મન જોઈએ, કારણ કે મન પોતે જુદી જુદી લાગણીઓ અને ઇચ્છાઓની એક હારમાળા છે, પણ એકમ નથી; તેથી મન પણ પોતાની પાછળ એકત્વરૂપી પાર્શ્વભૂમિ તરીકે બીજું કંઈક માગે છે. અહીં બધું પૃથક્કરણ અટકવું જ જોઈએ કારણ કે સાચી એકતા મળી આવે છે. જ્યાં સુધી એક અવિભાજ્ય એકમ સુધી પહોંચાય નહીં, ત્યાં સુધી મિશ્રણનું પૃથક્કરણ અટકી શકે નહીં. વિચાર અને જડ પદાર્થ બંનેને માટે જે હકીકત આવી એકતાને રજૂ કરે છે તે દરેક ઘટનાનો અંતિમ અવિભાજ્ય આધાર અવશ્ય હોવો જોઈએ, કારણ કે એથી આગળ કશા વધુ પૃથક્કરણની કલ્પના આપણે કરી શકીએ નહીં; તેમ જ એથી આગળ કશાય પૃથક્કરણની આવશ્યકતા પણ નથી, કારણ કે આપણા બધા બાહ્ય તેમજ આંતર અનુભવોના પૃથક્કરણનો આમાં સમાવેશ થઈ જાય છે.

ત્યારે, આટલે સુધી આપણે જોઈએ છીએ કે માનસિક અને ભૌતિક ઘટનાઓની સમગ્રતા, ઉપરાંત તે બધાંથી પર એવું કંઈક, જેના ઉપર એ બંને ખેલી રહ્યાં છે, એ આપણી તપાસનાં પરિણામો છે.

હવે આ કંઈક કે જે પર વસ્તુ છે, એ ઇંદ્રિયજન્ય અનુભવમાં નથી; તર્કની દૃષ્ટિએ એ આવશ્યક છે અને તેની અનિર્વચનીય વિદ્યમાનતાનો ભાવ આપણા બધા ઇંદ્રિયજન્ય અનુભવોમાં ઓતપ્રોત થઈ રહેલો જણાય છે. આપણે એ પણ જોઈએ છીએ કે આપણે આપણી તર્કશક્તિ અને સામાન્યીકરણના સામર્થ્યને વફાદાર રહેવાની આવશ્યકતાને કારણે આ કંઈક પ્રત્યે પરાણે ધકેલાઈએ છીએ.

એમ ભારપૂર્વક કહી શકાય કે માનસિક અને ભૌતિક ઘટનાઓના સમૂહથી પર કોઈ આવા પદાર્થ કે સત્તાની કલ્પના કરવાની કશી પણ જરૂર નથી. જે બધું આપણે જાણીએ કે જાણી શકીએ, તે ઘટનાઓની સમગ્રતા જ છે અને તેનો ખુલાસો આપવા માટે તેનાથી આગળ બીજા કશાની જરૂર નથી. ઇંદ્રિયોથી આગળનું પૃથક્કરણ જ અશક્ય છે અને જેની અંદર સર્વ કંઈ પૂર્વથી જ રહેલું છે એવા એક પદાર્થનો ખ્યાલ એ કેવળ ભ્રમ છે.

આપણે જોઈએ છીએ કે પ્રાચીનમાં પ્રાચીન સમયથી વિચારકોમાં આ બે પક્ષો પડેલા છે. એક પક્ષ એવો દાવો કરે છે કે વિચારો અને પૃથક્કરણની અમૂર્ત કલ્પના કરવાની માનવ મનની અનિવાર્ય આવશ્યકતા એ જ્ઞાનનો કુદરતી ભોમિયો છે; અને જ્યાં સુધી આપણે સર્વ ઘટનાથી પર ન થઈએ અને દેશ, કાળ અને નિમિત્તથી અતીત થઈને સર્વ દિશામાં નિર્વિશેષ એવો એક વિચાર બાંધી ન શકીએ, ત્યાં સુધી માનવમન ક્યાંય પણ અટકી શકે નહીં. હવે જો અન્ય વસ્તુઓના ખુલાસા રૂપે ટકી રહે એવા કંઈક સુધી આપણે પહોંચીએ નહીં ત્યાં સુધી પ્રથમ સ્થૂલને લઈને સૂક્ષ્મમાં, તેને એથીયે વધુ સૂક્ષ્મમાં અને એમ લય કરતાં કરતાં પગલે પગલે વિચાર અને જડ પદાર્થની સમગ્ર ઘટનાનું પૃથક્કરણ કરવાથી આ અંતિમ વિચારે પહોંચી શકાય, તો એ તો દેખીતું છે કે આ અંતિમ પરિણામની પેલી પારનું સર્વ કાંઈ તેનું પોતાનું જ ક્ષણિક રૂપાંતર છે અને તેમ હોવાથી આ અંતિમ પરિણામ એકલું જ સાચું છે અને બીજું બધુંય માત્ર તેનો આભાસ જ છે. એટલા માટે સત્ય ઇંદ્રિયોમાં નથી પરંતુ તેમની પેલે પાર છે.

બીજી બાજુએ, બીજો પક્ષ કહે છે કે આપણી ઇંદ્રિયો આપણી પાસે જે કંઈ રજૂ કરે છે, વિશ્વમાં તે જ એકમાત્ર ખરી વસ્તુ છે અને જો કે પેલે પારના કંઈકનો ખ્યાલ આપણા બધા ઇંદ્રિયજન્ય અનુભવોની સાથે તો લાગતોવળગતો હોય છે તોપણ એ તો મનની ચાલાકી છે અને તેથી તે ખોટી છે.

હવે પરિવર્તનશીલ કંઈક (વસ્તુ)નો અનુભવ, અપરિવર્તનશીલ કંઈકના અનુભવ સિવાય કદી થઈ શકે જ નહીં અને જો એમ કહેવામાં આવે કે પેલું અપરિવર્તનશીલ કંઈક કે જેના સંદર્ભમાં પરિવર્તનશીલને સમજવામાં આવે છે, તે અપરિવર્તનશીલ પોતે પણ પરિવર્તનશીલ ઘટના છે પણ માત્ર સાપેક્ષ રીતે અપરિવર્તનશીલ છે અને તેથી તેને પણ બીજા કશાકના સંદર્ભમાં સમજવાનું છે અને એમ આગળ ને આગળ ચાલ્યા કરવાનું છે, તો અમારું એમ કહેવાનું છે કે આ શ્રેણી ગમે તેટલી લાંબી હોય પરંતુ એક અપરિવર્તનશીલ (વસ્તુ) સિવાય પરિવર્તનશીલ (વસ્તુને) સમજવાની આપણી અશક્તિની હકીકત પોતે સર્વ પરિવર્તનશીલ (વસ્તુ)ની પાર્શ્વભૂમિરૂપે એક અપરિવર્તનશીલ (વસ્તુ)નું અનુમાન કરવાની ફરજ પાડે છે અને સમગ્રના એક ભાગને સાચો માનવો અને બીજાને ઇચ્છા મુજબ ખોટો માનવો એવો અધિકાર કોઈને નથી. જો કોઈ માણસ એક સિક્કાની સૂલટી બાજુ લે તો તેણે તે સિક્કાની ઊલટી બાજુ પોતાને ગમે તેટલી અણગમતી હોય તોપણ લેવી જ પડે.

વળી પ્રત્યેક ક્રિયાની સાથે માણસ પોતાનું સ્વાતંત્ર્ય જાહેર કરે છે. ઉચ્ચમાં ઉચ્ચ વિચારકથી માંડીને અજ્ઞાનીમાં અજ્ઞાની મનુષ્ય સુધીનો દરેક માણસ જાણે છે કે પોતે સ્વતંત્ર છે. વળી સાથે સાથે જરાક વિચાર કરતાં જ દરેક માણસને ખબર પડે છે કે પોતાની દરેક ક્રિયાની પાછળ હેતુઓ અને શરતો રહેલાં હોય છે; અને એ હેતુઓ અને શરતો હોય તો કાર્યકારણના નિયમ માંહેની કોઈ પણ હકીકતની પેઠે તે માણસના અમુક એક વિશિષ્ટ કાર્યનું એટલી જ ચોકસાઈથી અનુમાન તારવી શકાય.

અહીં પાછી એ જ મુશ્કેલી ઊભી રહે છે. માણસની ઇચ્છા કોઈ પણ નાનકડા રોપાના ઊગવા જેટલી જ કે એક નાના પથરાના પડવા જેટલી જ દૃઢ રીતે કાર્યકારણના નિયમથી બદ્ધ છે; અને છતાં આ બધાં બંધનની અંદર થઈને સ્વાતંત્ર્યનો અવિનાશી વિચાર ચાલુ જ રહ્યા કરે છે. અહીં પણ સમગ્રતાના પક્ષવાળાઓ બૂમ પાડી ઊઠશે કે સ્વાતંત્ર્યનો ખ્યાલ એ ભ્રમણા છે અને મનુષ્ય સંપૂર્ણ રીતે જરૂરિયાતને આધીન પ્રાણી છે.

હવે એક બાજુએ, ભ્રમણા કહીને સ્વાતંત્ર્યનો આમ ઈન્કાર કરવો એ કાંઈ ખુલાસો નથી; બીજી બાજુએ એમ શા માટે ન કહેવું કે જરૂરિયાતનો કે બંધનનો કે કાર્યકારણનો ખ્યાલ જ અજ્ઞાની માણસનો ભ્રમ છે? જે સિદ્ધાંત, પ્રથમ જેટલી હકીકતો પોતાનો તેમની સાથે મેળ બેસાડવામાં આડી આવે તેટલીને કાપી નાખે અને પછી પોતે જે હકીકતોનો ખુલાસો આપવા માગે છે તેમની સાથે પોતાનો મેળ બેસાડે, તે સિદ્ધાંત દેખીતી રીતે જ ખોટો છે. તેથી આપણે માટે બાકી રહેલો એકમાત્ર રસ્તો એ છે કે આપણે કબૂલ કરી લેવું કે પ્રથમ તો શરીર સ્વતંત્ર નથી, તેમ નથી ઇચ્છાશક્તિ સ્વતંત્ર; પરંતુ શરીર અને મન એ બંનેથી પર કંઈક એવું હોવું જોઈએ કે જે સ્વતંત્ર છે અને –

(અપૂર્ણ)

Total Views: 134
૬. ધર્મ શું છે?
૮. માનવ પોતે પોતાનો ભાગ્યવિધાતા