(ફેબ્રુઆરી ૨૦, ૧૮૯૪ના રોજ ડેટ્રોઈટના યુનિટેરિયન ચર્ચમાં આપેલ વ્યાખ્યાનનો ‘ડેટ્રોઈટ ફ્રી પ્રેસ’માં આવેલ અહેવાલ)
અત્યાર સુધીમાં એકઠા થયેલા મોટામાં મોટા શ્રોતાગણ સમક્ષ ગઈ રાતે યુનિટેરિયન ચર્ચમાં ‘ઈશ્વર પ્રેમ’ ઉપર સ્વામી વિવેકાનંદે એક વ્યાખ્યાન આપ્યું હતું. વ્યાખ્યાતાની સમાલોચનાનું વલણ એમ દર્શાવતું હતું કે આપણને ઈશ્વરની ખરેખરી જરૂર છે માટે આપણે તેને સ્વીકારીએ છીએ એવું નથી, પરંતુ આપણા સ્વાર્થ ખાતર આપણને તેની જરૂર લાગે છે. વક્તાએ કહ્યું કે પ્રેમ સંપૂર્ણ રીતે નિઃસ્વાર્થ એવી કંઈક વસ્તુ છે; જેના ઉપર આપણો પ્રેમ ઢોળવામાં આવે તેના ગૌરવ અને પ્રશંસા સિવાય બીજો કોઈ વિચાર જ આવે નહીં. એ એક એવો ગુણ છે કે જે સામાને વંદે છે, પૂજે છે અને છતાં બદલામાં કંઈ માગતો નથી. સાચો પ્રેમ કેવળ એકમાત્ર પ્રેમની જ માગણી કરે છે.
એક ભક્ત હિંદુસ્ત્રી વિષે એમ કહેવાય છે કે પોતે જ્યારે રાજાને પરણ્યાં ત્યારે તેમણે કહ્યુંઃ ‘હું તો પહેલેથી જ પરણેલી છું.’ રાજાએ પૂછ્યુંઃ ‘કોને?’ ઉત્તર મળ્યોઃ ‘ઈશ્વરને!’ તે સંતસ્ત્રી દીનદલિતો અને પીડિતો વચ્ચે પહોંચી ગઈ અને ઈશ્વર પ્રત્યેના તીવ્ર પ્રેમનો ઉપદેશ આપવા લાગી. એના હૃદયમાં કેટલો ઉત્કટ ઈશ્વર પ્રેમ હતો તે તેમના એક ભજન પરથી સૂચિત થાય છે. ભજનમાં તેમણે ગાયું છેઃ ‘હું ધન નથી માગતી, કીર્તિ નથી માગતી, મોક્ષની પણ મને ઇચ્છા નથી; હે ભગવાન! તારી મરજી હોય તો મને સેંકડો નરકમાં ભલે નાખજે, પણ તું મારો પ્રિયતમ છે એ મારી ભાવના કાયમ રાખજે.’ આ સ્ત્રીસંતનાં થોકબંધ સુંદર ભજનો જૂની ભાષામાં લખાયેલાં છે. જ્યારે એ ભક્ત સ્ત્રીનો અંત સમીપ આવ્યો ત્યારે એક નદીકિનારે તેણે સમાધિમાં પ્રવેશ કર્યો. તેણે એક સુંદર ભજન રચ્યું છે, જેમાં તેણે ગાયું છેઃ ‘હું તો મારા પ્રિયતમને મળવા જવાની છું.’
પુરુષો ધર્મનું તાત્ત્વિક પૃથક્કરણ કરી શકે છે. સ્ત્રી સ્વભાવથી ભક્તિપ્રધાન છે; ઈશ્વરને તે પૂરા હૃદયથી ચાહે છે, કેવળ મનથી નહીં. બાઇબલનો એક સુંદરમાં સુંદર ભાગ તે સોલોમનનાં ગીતોનો છે. તેની ભાષા હિંદુ ભક્તસ્ત્રીનાં ભજનોમાં મળી આવતા પ્રેમપૂર્ણ પ્રકારને ઘણી મળતી આવે છે અને છતાં મેં સાંભળ્યું છે કે ખ્રિસ્તીઓ આ અનુપમ ગીતોને કાઢી નાખવા માગે છે. મેં એ ગીતોનું સ્પષ્ટીકરણ સાંભળ્યું છે; એમાં કહેવાય છે કે રાજા સોલોમન એક યુવાન છોકરીના પ્રેમમાં હતો અને છોકરી પોતાના રાજવી પ્રેમનો સ્વીકાર કરે તેવી તેની ઇચ્છા હતી. પરંતુ તે છોકરી એક જુવાનને ચાહતી હતી અને સોલોમન સાથે કોઈ સંબંધ રાખવા ઇચ્છતી ન હતી. આ ખુલાસો અમુક લોકો માટે પૂરતો છે, કારણ કે તેઓ ગીતોમાં મૂર્ત થયેલ અદ્ભુત ઈશ્વરપ્રેમ સમજી શકે નહીં. ભારતમાંનો ઈશ્વરપ્રેમ અન્ય સ્થળોના કહેવાતા ઈશ્વરપ્રેમ કરતાં તદ્દન જુદો છે, કારણ કે ઉષ્ણતામાનનો પારો શૂન્યથી નીચે ૪૦ અંશ સુધી ઊતરે એવા દેશમાં તમે પ્રવેશો ત્યારે એ લોકોનો સ્વભાવ બદલાય છે. જે આબોહવામાં બાઇબલના ગ્રંથ રચાયા છે, તેમાંના લોકોની આકાંક્ષાઓ પશ્ચિમના ઠંડા પ્રદેશની પ્રજાઓની આકાંક્ષાઓ કરતાં જુદી હતી. પશ્ચિમી પ્રજાઓ, એ ગીતોમાં વ્યક્ત થયેલ ઉષ્માથી ઈશ્વરને ભજવા કરતાં સર્વશક્તિમાન ધનને ભજે એવો વધુ સંભવ છે, કેમ કે એ લોકોના ઈશ્વરપ્રેમના મૂળમાં ‘હું તેમાંથી કેટલો લાભ ઉઠાવી શકું?’ એ હોય તેમ લાગે છે; ઈશ્વરની પ્રાર્થનામાં તેઓ સર્વ પ્રકારની સ્વાર્થી બાબતો માગે છે.
ખ્રિસ્તીઓ સદા એવી ઇચ્છા સેવ્યા કરે છે કે ઈશ્વર તેમને કંઈક આપે; સર્વશક્તિમાનના સિંહાસન પાસે તેઓ ભિખારીની પેઠે હાજર થાય છે. એક ભિખારીની વાત છે. એક સમ્રાટ પાસે તે દાન માગવા ગયો. તે રાહ જોતો ઊભો હતો, ત્યાં સમ્રાટનો પ્રાર્થના કરવાનો સમય થયો. સમ્રાટે પ્રાર્થનામાં ઈશ્વર પાસે માગ્યુંઃ ‘હે ઈશ્વર! મને વધુ સંપત્તિ આપ; મને વધુ સત્તા આપ; મને વધુ મોટું સામ્રાજ્ય આપ.’ એ જોઈને ભિખારીએ ચાલતી પકડી. તેને જતો જોઈને સમ્રાટે પૂછ્યુંઃ ‘ભાઈ! કશું માગ્યા વિના તું કેમ ચાલ્યો જાય છે?’ ભિખારીએ ઉત્તર આપ્યોઃ ‘કોઈ ભિખારી પાસેથી હું ભીખ માગતો નથી.’
હઝરત મહંમદ પયગંબરના હૃદયને વલોવી નાખતી ખુદા માટેની આતુરતાને સમજવાનું કેટલાક લોકોને મુશ્કેલ થઈ પડે છે; આતુરતાને લીધે તેઓ ધૂળમાં આળોટતા અને વેદનાથી બેવડ વળી જતા. ઈશ્વર માટેની આવી ઉત્કટ તાલાવેલીને અનુભવનાર પવિત્ર પુરુષને વાઈના દર્દી કહેવામાં આવ્યા છે. પોતાની જાત વિશેના ખ્યાલનો અભાવ એ ઈશ્વરપ્રેમનું આવશ્યક લક્ષણ છે. આજકાલ તો ધર્મ કેવળ મનને ગમતો શોખ અને એક રૂઢિ થઈ ગયેલ છે. લોકો ઘેટાંના ટોળાની જેમ દેવળોમાં જાય છે. તેમને ઈશ્વરની જરૂર છે માટે કંઈ તેઓ ઈશ્વરની ભક્તિ કરતા નથી. મોટા ભાગના લોકો અજાણપણે નાસ્તિક હોય છે; તેઓ પોતાની જાતને માત્ર મનાવતા હોય છે કે પોતે ચુસ્ત ભક્તો છે.

