(બોસ્ટન ઈવનિંગ ટ્રાન્સ્ક્રિપ્ટ, માર્ચ ૩૦, ૧૮૯૬, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૪: ૮૧-૮૬)

કેટલાંય મંડળો સમક્ષ હિંદુ સ્વામી પ્રવચન આપે છે. એ કલબને માટે એમણે ચાર પ્રવચનો આપ્યાં છે; રોજના ૪૦૦ થી ૫૦૦ શ્રોતાજનો હાજર રહેતા. આ કાર્યક્રમ ૪૪, સંત બોટોલ્ફ સ્ટ્રીટમાં આવેલા એલન જિમનેશિયમમાં હતો. બે વ્યાખ્યાનો એમણે કેમ્બ્રિજમાં શ્રીમતી ઓલી બુલને ત્યાં આપ્યાં હતાં અને હાર્વર્ડ યુનિવર્સિટીના ફિલસૂફી વિભાગના અધ્યાપકો અને સ્નાતક વિદ્યાર્થીઓ સમક્ષ એક પ્રવચન આપ્યું હતું.

ત્રણ વર્ષ પહેલાં હિંદુ ધર્મના પ્રતિનિધિ તરીકે જે વિચારે સ્વામીને અમેરિકા મોકલ્યા હતા અને એ પછીના અમેરિકામાંના અને ઈંગ્લેંડમાંના એમના સમગ્ર કાર્યનું જે પ્રેરક બળ બની રહ્યો છે અને એ વિચાર ધર્મપરિષદના પ્રણેતાઓને ખૂબ અપીલ કરે છે પણ એ જે પદ્ધતિઓ સૂચવે છે તે તેમની પોતાની છે. એમનું એક વ્યાખ્યાન ‘વૈશ્વિક ધર્મના આદર્શ’ વિશે હતું (અનેકવાર પુનરુક્તિ પામતા સ્વામીજીના આ પ્રિય વિષય પરના આ પ્રવચનની શબ્દશઃ નોંધ ઉપલબ્ધ નથી. માર્ચ ૨૬, ૧૮૯૬નું પ્રવચન. CW. ૨.૩૭૫-૯૬) પણ એને ‘સંવાદી ધર્મ’ પણ આસાનીથી કહી શકાય; જો એથી સ્વામી જેને માટે પ્રયત્નશીલ છે તે વિચારને વધારે સરસ રીતે વ્યક્ત કરી શકાતો હોય. સ્વામી સિદ્ધાંતના પ્રચારક નથી. જે વેદાંત દર્શનનો એ પ્રચાર કરે છે તેનું એક આગવું લક્ષણ છે વ્યવહારુ નિદર્શનની એની પૂરી ક્ષમતા. ધર્મના ભવ્ય સિદ્ધાંતને બીજા જીવનમાં જ ગ્રહણ કરી શકાય એ ખ્યાલ આપણને વળગેલો છે. પણ સ્વામી આપણને એ વિચારની મૂર્ખતા સમજાવે છે. સામાન્ય માનવીને આ જીવનમાં જે દીવાલ ઓળંગવી અશક્ય લાગે તેનો અસ્વીકાર કરી મનુષ્યની દિવ્યતાનો બોધ આપી સ્વામી આપણામાં બળની ભાવના પૂરે છે.

જે સામાન્ય માર્ગો વડે વૈશ્વિક ધર્મ સ્થાપી શકાય એમ એમને લાગે છે તેમને માટે પોતે કોઈ વિશેષ અધિકારનો દાવો કરતા નથી. એમના કહેવા પ્રમાણે,

“મારી પાસે પણ મારી નાનકડી યોજના છે. એ વ્યવહારુ થશે કે નહીં તે હું જાણતો નથી પણ ચર્ચા વિચારણા માટે એને હું તમારી સમક્ષ મૂકું છું. ‘નાશ ન કરો’, એ સૂત્રને માનવજાત સમજે તે હું માગું છું. મૂર્તિભંજક સુધારકો જગતનું કંઈ ભલું કરતા નથી. તમારાથી બની શકે તો તમે મદદ કરો. એ ન બની શકે તો હાથ જોડીને ઊભા રહો અને જેમ ચાલે છે તેમ ચાલવા દો. માટે કોઈ સંનિષ્ઠ હોય તો તેની શ્રદ્ધા બાબત એક શબ્દ પણ બોલો નહીં. બીજું, માનવી જ્યાં ઊભો છે ત્યાં એનો સ્વીકાર કરો અને તે ભૂમિકાથી એને વધારે આગળ લઈ જાઓ. (CW. ૩.૩૮૪)

વિશ્વની યોજના છે વિવિધતામાં એકતાની. આપણે સૌ માણસો છીએ છતાં એકમેકથી ભિન્ન છીએ. શ્રી ફલાણા તરીકે માનવજાતમાં હું તમારી સાથે એક છું. પણ તમારાથી હું ભિન્ન છું. પુરુષો તરીકે તમે સ્ત્રીઓથી જુદા છો પણ મનુષ્યો તરીકે સૌ સરખાં છે; સજીવ પ્રાણી તરીકે બધાં પશુઓ અને સર્વ જીવંત પદાર્થો સાથે તમે એકરૂપ છો પણ મનુષ્ય તરીકે ભિન્ન છો. અસ્તિત્વ માત્ર ઈશ્વર છે! ઈશ્વર એટલે આ વિશ્વની અંતિમ એકતા. આપણે સૌ એનામાં એક છીએ. આમ આપણે જોઈએ છીએ કે વૈશ્વિક ધર્મ એટલે સૌએ એક પ્રકારના સિદ્ધાંતો જ માનવાના, તો તે અશક્ય છે અને કદી થવાનું નથી. જેમ બધા ચહેરાઓ એક સરખા થવાના નથી તેમ. વળી આપણે એમ માનીએ કે આખા જગતમાં પુરાણકથાઓ એક જ હોય તો તે પણ અશક્ય છે; એ પણ બનવાનું નથી. તેમજ જાગતિક ક્રિયાકાંડ પણ સરખા હોઈ શકે નહીં. જો કદાચ એવો સમય આવે તો જગત નાશ પામશે કારણ કે જીવનનો મૂળભૂત સિદ્ધાંત જ વિવિધતા છે. આપણું રૂપ શાથી નક્કી થાય છે? ભેદથી. પૂર્ણ એકતા વિનાશ નોતરશે. (CW. ૨.૩૮૧-૮૨)

તો પછી હું ‘વૈશ્વિક ધર્મ’ કહું છું એટલે શું? એનો અર્થ હું વૈશ્વિક ફિલસૂફી, વૈશ્વિક પુરાણ કે વૈશ્વિક ક્રિયાકાંડ કરતો નથી પણ ચક્રમાં ચક્રવાળું આ જગત ચાલતું રહેવું જોઈએ. આપણે શું કરી શકીએ? આપણે એને બેરોકટોક ચાલવા દેવું જોઈએ, ઘર્ષણ ઓછું કરવું જોઈએ, જાણે કે ચક્રોને ઊંજવાં જોઈએ. શાના વડે? ભિન્નતાનો સ્વીકાર કરીને. આપણે એકતાનો સ્વીકાર કર્યો છે તેમ આપણી પ્રકૃતિથી આપણે વિવિધતા પણ સ્વીકારવી જોઈએ. સત્ય હજાર રીતે વ્યક્ત કરી શકાય અને તે દરેક રીત સાચી હોય તે આપણે શીખવું જોઈએ. જુદાં જુદાં સો દૃષ્ટિબિંદુઓથી એકની એક જ વસ્તુ જોઈ શકાય અને છતાંય તે એક જ હોય. (CW. ૨.૩૮૨-૮૩)

“સમાજમાં માનવીના અનેક ભિન્ન સ્વભાવો જોવા મળે છે. એનો વ્યવહારુ સામાન્ય નિયમ તારવવો અશક્ય થશે પણ મારા હેતુ માટે મેં તેમના ચાર ભાગ પાડ્યા છે. પહેલો કર્મયોગી, બીજો ભાવનાપ્રધાન (ભક્ત), રહસ્યવાદી અને ફિલસૂફ.

“વૈશ્વિક થવા માટે આ ચારમાંથી કોઈ એક પ્રકારના ચિત્તના સાક્ષાત્કાર દ્વારા સત્યની પ્રાપ્તિની શકયતાઓ ધર્મે સ્વીકારવી જોઈએ અને જે ધર્મ એમ કહે કે બધાં મનુષ્યોએ એક માર્ગે જ આરાધના કરવી જોઈએ—પછી ભલે એ સર્વ એમ સમર્થ હોય યા નહીં—તે ધર્મ અજ્ઞેયવાદમાં જ પરિણમે.”

કર્મયોગ પરના પોતાના પ્રવચનમાં (કદાચ માર્ચ ૨૧ મીએ અપાયેલા ‘ધ સાયન્સ ઑફ વર્ક’નું વ્યાખ્યાન. એની શબ્દશઃ નોંધ મળતી નથી.) સ્વામીએ કર્મના વિજ્ઞાનની વાત કહી. એ વ્યાખ્યાનમાં મુખ્યત્વે કર્મ પાછળના માનવીના હેતુઓનું પૃથક્કરણ કરવામાં આવ્યું અને ખાસ તો પૃથ્વી પરના સત્કર્મના સ્વર્ગમાં બદલા માટેનો હેતુ ચર્ચવામાં આવ્યો, એ બજારુ ધર્મ છે એમ સ્વામીએ જણાવ્યું. બદલાની આશા વિના કર્મને ખાતર જ કરાયેલું અને પરિણામની પરવા વિનાનું કર્મ જ શ્રેષ્ઠ કર્મ છે.

ભક્તિયોગનું વર્ણન કરતાં (કદાચ ‘ડિવોશન’ પરનું માર્ચ ૨૩નું વ્યાખ્યાન; શબ્દશઃ નોંધ નથી.) પરમાત્માના વ્યક્ત સ્વરૂપ પાછળનો તર્ક સ્વામીએ સમજાવ્યો. ભક્તિનો અને જેને પ્રીતિ કરી શકાય અને જે અસ્તિત્વ આપણી પ્રીતિનો પ્રતિભાવ આપી શકે તે ખ્યાલ વૈશ્વિક છે. એનું સૌથી નિમ્ન સ્વરૂપ ક્રિયાકાંડનું છે; ત્યાં માનવીને બધું સ્થૂળ જોઈએ છીએ અને સૂક્ષ્મ ચિંતન લગભગ અશક્ય છે. જગતના સમગ્ર ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે ચિંતનસ્વરૂપો કે પ્રતીકો દ્વારા માનવી સૂક્ષ્મને ગ્રહણ કરવાનો પ્રયાસ કરે છે; એ ધર્મનું બાહ્ય સ્વરૂપ છે. ઘંટ, સંગીત, ક્રિયાકાંડ, ગ્રંથો, પ્રતિમાઓ આ મથાળા હેઠળ આવે છે. આકાર અને શબ્દની સહાયથી જ મનુષ્ય ચિંતન કરી શકે છે. વિચારના ઉદ્‌ભવની સાથે જ મનમાં નામરૂપ જાગે છે. એટલે મનુષ્યાકૃતિ વ્યક્ત બ્રહ્મનું કે દિવ્ય સિદ્ધાંતના રૂપનું કે બીજા કોઈપણ સ્વરૂપ પ્રકારનું ચિંતન કરીએ છીએ ત્યારે આપણે એક યા બીજા રૂપનું સામાન્ય રીતે મનુષ્યથી કલ્પી શકાતા ઉચ્ચતમ માનવરૂપનું જ ચિંતન કરીએ છીએ. પરંતુ માનવનિર્બળતા તરીકે આનો સ્વીકાર કરી અને ક્રિયાકાંડો, પ્રતીકો, પુસ્તકો અને દેવળોનો પ્રમાણસર ઉપયોગ સ્વીકાર્યા પછી આપણે એ સદા યાદ રાખવું જોઈએ કે દેવળમાં (સંપ્રદાયો) જન્મવું બરાબર છે પણ એ જ દેવળ (સંપ્રદાય)માં મૃત્યુ પામવું ઘણું ખરાબ છે. આ રૂપ-પ્રતીકોની મર્યાદામાં જ માણસ મૃત્યુ પામે તો તેનો વિકાસ નથી થયો, એની ભીતર રહેલા દિવ્ય તત્ત્વનું અનાવરણ થયું નથી એમ જ માનવું રહ્યું.

સાચા પ્રેમનો વિચાર ત્રિકોણ તરીકે કરી શકાય. પ્રેમ કશી સોદાબાજી જાણતો નથી, તે એક ખૂણો. એટલે ‘પ્રભુ! મને આ આપો અને તે આપો’, એમ માણસ પ્રાર્થના કરે ત્યારે ત્યાં પ્રેમ નથી. એ કેવી રીતે હોઈ શકે? ‘હું તને મારી પ્રાર્થના આપું છું અને તું મને બદલામાં કશુંક આપ’, એ માત્ર દુકાનદારી છે. પ્રેમ કોઈ ભયને ઓળખતો નથી તે બીજો ખૂણો છે. ઈશ્વરને બદલો આપનાર કે શિક્ષા કરનાર તરીકે ઓળખવામાં આવે ત્યાં સુધી તેને માટે કશો પ્રેમ હોઈ શકે નહીં. પ્રેમ સર્વોચ્ચ આદર્શ છે એ ત્રીજો ઉપરનો કોણ છે. આદર્શને આદર્શ તરીકે જ પૂજવાની દશાએ આપણે પહોંચ્યા પછી બધી દલીલો અને શંકાઓ સદાને માટે નિર્મૂળ થઈ જાય છે. આદર્શ દૂર જઈ શકતો નથી કારણ કે એ આપણી પ્રકૃતિનો અંશ બની ગયો છે.

હાર્વર્ડ યુનિવર્સિટીમાંના (ધી વેદાંત ફિલોસોફી. (CW. ૧.૩૫૭-૬૫) જેમાં કંઈક સ્ખલન છે.)પોતાના પ્રવચનમાં વેદાંત દર્શનનો જેટલો ઇતિહાસ ઉપલબ્ધ છે તેટલો ઇતિહાસ આલેખ્યો અને વેદોને કેટલે અંશે પ્રમાણભૂત ગણવામાં આવે છે તે દર્શાવ્યું; તર્કબુદ્ધિને અપીલ કરે તેવા દર્શનના પાયારૂપ એ છે તે દર્શાવ્યું. એમણે ત્રણ વિચારણાઓની તુલના કરીઃ દ્વૈતવાદી પરમાત્માને અને એથી ભિન્ન અને નિમ્ન આત્માને મનુષ્યરૂપમાં પ્રગટ થતો સ્વીકારે છેઃ એ પરમ તત્ત્વ સદાને માટે મનુષ્યાત્માથી ભિન્ન છે. પછી એમણે વિશિષ્ટાદ્વૈતની વાત કરી. એને અનુસરનારાઓ માને છે કે પરમાત્મા છે અને પ્રકૃતિ છે પણ આત્મા અને પ્રકૃતિ કેવળ પરમાત્માના દેહનો વિકાસ છે, જેમ મનુષ્યદેહ એના આત્માનો વિકાસ છે તેમ—પોતાના સિદ્ધાંતના ટેકામાં એ લોકો કહે છે કે કાર્ય કદી કારણથી ભિન્ન હોતું નથી અને એ અન્યરૂપે કારણ જ છે અને તેથી ઈશ્વર આ જગતનું કારણ છે તેમ કાર્ય પણ છે. અદ્વૈતવાદી… કહે છે કે ઈશ્વર હોય તો એ સૃષ્ટિનું ઉપાદાન કારણ છે તેમજ કાર્યસાધક કારણ પણ છે. એ સ્રષ્ટા પણ છે અને સૃષ્ટિ પણ છે. એ આ દેખાતી સૃષ્ટિ છે પણ વાસ્તવમાં આ સૃષ્ટિનું અસ્તિત્વ જ નથી, એ માત્ર માયા છે. ભેદ નામરૂપમાં જ છે. જગતમાં એક જ આત્મા છે, બે નહીં. કારણ કે જે સ્થૂળ નથી તેને તે મર્યાદા હોઈ શકે નહીં, અનંત જ હોઈ શકે; અને અનંત બે હોઈ શકે નહીં કારણ કે એક બીજાને મર્યાદિત કરી દે. આત્મા વિશુદ્ધ છે અને ફૂલો મૂકવાથી રંગિત દેખાતા મૂળમાં સ્ફટિકના જેવું જ અનિષ્ટ-પાપ પણ છે.

રાજયોગ (વાસ્તવમાં ‘રીઆલાઈઝેશન ઑર ધ અલ્ટિમેટ ઓફ રિલીજન’ – આની શબ્દશઃ નોંધ ઉપલબ્ધ નથી.) ની, ઈશ્વરને પામવાના માનસશાસ્ત્રીય માર્ગની ચર્ચા કરતાં ભૌતિક અને આધ્યાત્મિક જગતમાં ધ્યાન દ્વારા મન વિકસી શકે તે વિચારને સ્વામીએ સમજાવ્યો. આ એક પદ્ધતિ છે અને તેના દ્વારા આપણને સઘળું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અધમથી શ્રેષ્ઠ સુધી, નાનામાં નાના જંતુથી મહાનતમ સંત સુધી સૌએ આ માર્ગનો ઉપયોગ કરવો જ જોઈએ. આકાશનાં રહસ્યો જાણવાને માટે ખગોળશાસ્ત્ર એનો ઉપયોગ કરે છે, રસાયણશાસ્ત્રી પોતાની પ્રયોગશાળામાં અને પ્રાધ્યાપક પોતાની ખુરશીમાં એનો ઉપયોગ કરે છે. આ એક જ સાદ છે, એક જ ખટખટાટ છે જે પ્રકૃતિનાં દ્વાર ખોલી નાખે છે અને પ્રકાશનાં પૂર માટે માર્ગ કરે છે. આ એક જ શક્તિ છે, એક જ ચાવી છે ધ્યાનની. આપણાં શરીરોની વર્તમાન સ્થિતિમાં આપણે એટલા બધા વિચલિત થઈએ છીએ કે મન પોતાની શક્તિઓને સેંકડો ક્ષુલ્લક બાબતોમાં વેડફી નાખે છે. દેહના શાસ્ત્રીય નિયમનથી આ કરી શકાય છે અને એનું અંતિમ પરિણામ સાક્ષાત્કાર છે. ધર્મ વાતોનો બની શકે નહીં. એ સ્પર્શી શકાય તેવો બને ત્યારે એ ધર્મ બને છે અને આપણે જેની ખૂબ વાતો કરીએ છીએ તેને માટે મથીએ નહીં ત્યાં સુધી આપણે અજ્ઞેયવાદીઓ કરતાં ચડિયાતા નથી કારણ કે એ નિષ્ઠાવાન છે અને આપણે નથી.

શનિવારે (માર્ચની ૨૮મીએ) સ્વામી ટવેન્ટિએથ સેન્ચ્યુરી કલબના અતિથિ હતા. ત્યાં ‘પ્રેકિટકલ સાઈડ ઑફ વેદાંત ફિલોસોફી’ (વેદાંતદર્શનનું વ્યવહારુ પાસું) વિશે એ બોલ્યા હતા. (વ્યાખ્યાન અને તેના પછીની ચર્ચા CW. 1.387-92 અને CW. 2.310-11) આજે બોસ્ટન છોડે છે અને થોડા દિવસો પછી ભારત જવા માટે ઈંગ્લેંડ તરફ રવાના થશે.

Total Views: 103
૧૨. કહ્યું કે વિશ્વધર્મ અશક્ય છે
૧૪. વૈશ્વિક ધર્મનો આદર્શ