વિવેકાનંદ ઈન ઈંડિયન ન્યૂઝ પેપર્સ, પૃ. ૩૩૧-૩૩.

(ધ જર્નલ ઑફ ધ મહાબોધિ સોસાયટી, નવેમ્બર, ૧૮૯૬)

મદ્રાસની બ્રહ્મવાદિન્ પબ્લિશિંગ કંપનીએ પ્રકાશિત કરેલા ‘આઈડીઅલ ઑફ યુનિવર્સલ રિલીજિયન’ નામના પુસ્તકની નકલ અમને ભેટ મળી છે. સ્વામી વિવેકાનંદે અમેરિકામાં આપેલું એક વ્યાખ્યાન એ છે. એ વ્યાખ્યાન અતિ રસપ્રદ અને બોધદાયી છે. ધર્મોના ભેદ વચ્ચે સુમેળ બેસાડવાનો એ પ્રયત્ન છે. યુગના ચિહ્ન તરીકે અમે એ પુસ્તિકાને આવકારીએ છીએ કારણ કે દેખીતાં કારણોને લઈને એ સ્પષ્ટ છે કે ધાર્મિક સંવાદિતાના આ પ્રશ્ન પરત્વે લોકો જાગ્રત થતા જાય છે. એ દેશોમાં ધાર્મિક નેતાઓએ તાજેતરમાં આ ધાર્મિક ભેદને શમાવવાનો પોતાની રીતે પ્રયત્ન કર્યો છે પણ એમાં તેઓ નિષ્ફળ ગયા છે. સંપ્રદાયવાદને લગતી વિકૃત માન્યતાઓની ભૂમિકા ઉપર પોતાની જડ માન્યતાઓનો બચાવ કરવાની ઇચ્છા તેમણે રાખી હતી. ધાર્મિક સંવાદિતાના આ પ્રશ્ન અંગે સ્વામી વિવેકાનંદે દાર્શનિક અને તેની સાથે એકદમ વ્યવહારુ ઉકેલ રજૂ કર્યો છે. સદા ઝઘડતા ધર્મો વચ્ચે એમના મતે વેદાંત સાંકળ છે. બાહ્ય જગતમાં છે તેમ આંતરિક જગતમાં પણ કેન્દ્રત્યાગી અને કેન્દ્રગામી કાર્ય છે. કોઈક પદાર્થને આપણે હડસેલીએ છીએ, કોઈકને આપણે આકર્ષીએ છીએ. આજે કેટલાક પદાર્થોથી આપણે આકર્ષાઈએ છીએ, આવતીકાલે તેમને હડસેલીએ છીએ. બધી બાબતોમાં બધા સમયે એક જ નિયમ લાગુ કરી શકાય નહીં. “માનવચિંતન અને જીવનનું સર્વોચ્ચ સ્થાન ધર્મ છે અને એમાં આ બે પરિબળોનું કાર્ય ખૂબ નોંધપાત્ર રહ્યું છે.” પ્રથમતઃ એમ લાગે કે આ મહાન સંઘર્ષના ક્ષેત્રમાં અખંડ સંવાદિતાનું રાજ્ય સ્થાપી શકાય નહીં. દરેક ધર્મમાં ત્રણ ભાગ હોય છેઃ દર્શન, પુરાણકથા અને ક્રિયાકાંડ. દરેક માન્ય ધર્મમાં એ ત્રણ ભાગ હોય છે. પરંતુ સમગ્ર જગત માટે વૈશ્વિક દર્શન, વૈશ્વિક પુરાણકથાઓ અને વૈશ્વિક ક્રિયાકાંડ હોઈ શકે નહીં. તો પછી વૈશ્વિકતા કયાં છે? વૈશ્વિક રૂપનો ધર્મ હોવાની તો પછી શકયતા કેટલી? સ્વામી વિવેકાનંદે કહ્યું કેઃ “આપણે સૌ વિશ્વબંધુત્વ વિશે અને એના પ્રચાર માટે રચાતાં મંડળો વિશે સાંભળીએ છીએ. નશો કરેલા માણસોની માફક આપણે પોકારીએ છીએ કે ‘વૈશ્વિક બંધુત્વ છે, અર્થાત્ આપણે સૌ સમાન છીએ’ માટે ચાલો આપણે એક સંપ્રદાય સ્થાપીએઃ જેવા તમે સંપ્રદાય સ્થાપો છો તેવા જ તમે સમાનતાનો વિરોધ કરો છો અને આમ તેમાં વધુ કશું નથી.” (૧૮૯૬ની જાન્યુ. ૧૨મીએ અપાયેલું અમેરિકન વ્યાખ્યાન CW. 2.379-80)

મુસલમાનો વિશ્વબંધુત્વની વાતો કરે છે પણ વાસ્તત્વમાં એમની પાસેથી શું સાંપડે છે? મુસલમાન ન હોય તેવાને એ વિશ્વસંઘમાં પ્રવેશ નથી અને તેનું ગળું રહેંસી નખાય છે. અમને લાગે છે કે એમના અદ્‌ભુત પારદર્શક અને ગહન ચિંતનને અને વૈશ્વિક ધર્મની ફિલસૂફીને સમર્થ રીતે પ્રબોધતા એમના જ શબ્દોને ટાંકવા કરતાં વધારે સારું અમે કશું કરી શકીએ તેમ નથી. (CW. 2.375-96)

સમાજમાં વિભિન્ન માનવપ્રકૃતિઓ જોવા મળે છે. કેટલાક કર્મઠ લોકો કાર્યરત છે, કોઈ ઊર્મિલ છે, રહસ્યવાદી છે અને છેલ્લે તત્ત્વજ્ઞાની છે. પોતાના તત્ત્વદર્શનનું મુખ્ય તત્ત્વ રજૂ કરતાં વિવેકાનંદ જણાવે છે કે “આ ચારે દિશાઓમાં સુંદર રીતે સંતુલિત થવા માટે ધર્મનો મારો આદર્શ છે અને ભારતમાં એને યોગ કહે છે. કામ કરનાર કર્મયોગી કહેવાય છે, પ્રેમ દ્વારા એકરૂપ થવાનો માર્ગ શોધનાર ભક્તિયોગી કહેવાય છે, રહસ્યને માર્ગે જનાર રાજયોગી છે અને તત્ત્વદર્શનને માર્ગે જનાર જ્ઞાનયોગી કહેવાય છે. આ બધી પ્રકૃતિઓના લોકોને સ્થાન આપતો ધર્મ અને ભિન્ન ભિન્ન રુચિ ધરાવતા લોકોને સંતોષ આપતો ધર્મ જ વૈશ્વિક ધર્મ કહી શકાય અને એવો ધર્મ વેદાંત છે.”

ખૂબ આગ્રહપૂર્વક આ પુસ્તકની ભલામણ અમારા વાચકોને અમે કરીએ છીએ કારણ કે ધર્મવિદોનું ધ્યાન ખેંચતા ખૂબ અગત્યના પ્રશ્ન વિશે એમાં સ્પષ્ટ અને સુરેખ ચિંતન છે. પુસ્તકનું મૂલ્ય ૩ આના છે અને મદ્રાસમાં ટ્રિપ્લિકેનમાં આવેલા બ્રહ્મવાદિન્ કાર્યાલયમાં તે મળે છે.

Total Views: 114
૧૩. વૈશ્વિક ધર્મ માટે
૧૫. હિંદુ સાધુ પ્રવચન આપે છે