(માર્ચ ૪, ૧૯૦૦)

અનુભવ એ એક જ જ્ઞાન પ્રાપ્ત કરવાનું સાધન છે. દુનિયામાં ધર્મ એ એક જ એવું વિજ્ઞાન છે કે જેમાં ચોક્કસપણું નથી, કેમ કે તે અનુભવ પર રચાયેલા વિજ્ઞાન તરીકે શીખવવામાં આવતું નથી. આમ થવું ન જોઈએ. જો કે એવા મુઠ્ઠીભર લોકો હંમેશાં હોય છે કે જેઓ અનુભવથી ધર્મ શીખવે છે. તેઓ યોગીઓ કહેવાય છે. દરેક ધર્મના યોગીઓ એક જ વાણી ઉચ્ચારે છે અને એક જ સત્ય શીખવે છે. તેઓ ધર્મનું ખરું શાસ્ત્ર રજૂ કરે છે. જેમ ગણિતશાસ્ત્ર દુનિયાના કોઈ પણ ભાગમાં એકસરખું જ હોય છે, તેમ યોગીઓ પણ સરખા જ હોય છે. તેઓ બધા એક જ તત્ત્વના બનેલા હોય છે અને સહુ સમાન પરિસ્થિતિમાં હોય છે. તેમનો અનુભવ એક સરખો હોય છે અને તે નિયમરૂપ બની જાય છે.

કોઈ પણ ધર્મસંપ્રદાયમાં અનુયાયીઓ પહેલાં ધર્મને શીખે છે અને પછી તેને અમલમાં મૂકવા લાગે છે. તેમની માન્યતાઓના પાયારૂપે તેઓ અનુભવને લેતા નથી. બીજી બાજુ યોગી તો સત્યની શોધમાં નીકળી પડે છે; પહેલાં તે તેનો અનુભવ કરે છે અને ત્યારબાદ તે પોતાનો પંથ સ્થાપે છે. ધર્મસંપ્રદાય બીજાઓનો અનુભવ સ્વીકારે છે; યોગીને પોતાનો જાતઅનુભવ હોય છે. ધર્મસંપ્રદાય બહારથી અંદર જાય છે; યોગી અંદરથી બહાર આવે છે.

જેમ રસાયણશાસ્ત્ર અને બીજાં ભૌતિક વિજ્ઞાનો જગતનાં સત્યો જોડે સંબંધ ધરાવે છે, તેમ ધર્મ એ આ આધ્યાત્મિક જગતનાં સત્યો સાથે સંબંધ રાખે છે. રસાયણશાસ્ત્ર શીખવા માટે જેમ પ્રકૃતિનું પુસ્તક વાંચવું પડે, તેમ ધર્મનું જ્ઞાન મેળવવા માટે પોતાના મન અને હૃદયરૂપી પુસ્તક વાંચવું પડે. ઋષિ ઘણીવાર ભૌતિક વિજ્ઞાનથી અજ્ઞાત હોય છે, કારણ કે તે જુદું પુસ્તક—અંતરનું પુસ્તક—વાંચે છે; બીજી બાજુ વૈજ્ઞાનિક અનેક વાર ધર્મથી અજાણ હોય છે કારણ કે તે પણ જુદું જ પુસ્તક—બાહ્ય પ્રકૃતિનું પુસ્તક—વાંચે છે.

જેમ પ્રત્યેક વિદ્યાને તેની પોતાની ચોક્કસ પદ્ધતિ હોય છે, તેમ ધર્મની વિદ્યાનું પણ એવું જ છે. તેની પદ્ધતિઓ પણ વધારે છે, કેમ કે તેણે વધારે બાબતો અંગે કાર્ય કરવાનું છે. માનવ મન બાહ્ય જગતની પેઠે એક જ પ્રકારનું નથી; જુદા જુદા સ્વભાવ માટે કાર્યપદ્ધતિ પણ ભિન્ન ભિન્ન હોવી જરૂરી છે. હર કોઈ માણસમાં કોઈક વિશેષ ઇંદ્રિયશક્તિ હોય છે; જેમ કે કોઈ સારામાં સારું જોઈ શકે તો કોઈ સારામાં સારું સાંભળી શકે; તેવી રીતે એક વિશિષ્ટ માનસિક શક્તિ પણ હોય છે. દરેકે એ દ્વારા જ પોતાના મન સુધી પહોંચવું જોઈએ. છતાં બધાંના મનમાં અમુક એકતા પ્રવર્તે છે અને એક એવી વિદ્યા છે કે જે દરેકને લાગુ પડી શકે. ધર્મનું આ વિજ્ઞાન માનવ આત્માના પૃથક્કરણ પર નિર્ભર છે; તેનો પોતાનો કોઈ પંથ નથી.

ધર્મની એક જ પદ્ધતિ બધા માટે ન ચાલે. પ્રત્યેક વ્યક્તિ માળાના મણકા જેવી છે. બીજી બધી બાબતો કરતાં આપણે પ્રત્યેક વ્યક્તિમાં રહેલું તેનું વ્યક્તિત્વ શોધી કાઢવાની ખાસ કાળજી રાખવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ કોઈ ધર્મને લઈને જન્મતી નથી; ધર્મ તેના પોતાના આત્મામાં હોય છે. જે કોઈ વિચારસરણી વ્યક્તિત્વને હણવા જાય તે લાંબે ગાળે વિનાશકારી નીવડે છે. પ્રત્યેકના જીવનમાં એક આંતરપ્રવાહ વહેતો હોય છે; આ પ્રવાહ જ ક્રમશઃ તેને ઈશ્વર સમીપ લઈ જશે. બધા ધર્મનો અંત અને લક્ષ્ય ઈશ્વરનો સાક્ષાત્કાર છે. સૌથી મહાન શિક્ષણ કેવળ ઈશ્વરને ભજવો એ છે. જો દરેક વ્યક્તિ પોતાનો આદર્શ પસંદ કરીને તેને વળગી રહે તો ધર્મના બધા મતભેદો શમી જાય.

Total Views: 140
૧૫. હિંદુ સાધુ પ્રવચન આપે છે
૧૭. ધર્મ એટલે સાક્ષાત્કાર