સાચો ગુરુ તે છે કે જે ગુરુ-શિષ્યની એક પછી એક ચાલી આવતી પરંપરા દ્વારા ભાવિ પેઢીઓમાં જે આધ્યાત્મિક શક્તિનો પોતે સંચાર કરે છે, તેના ભંડારરૂપે સમયે સમયે અવતીર્ણ થાય છે. જેવી રીતે એક પ્રબળ જળપ્રવાહ એક નવું જ વહેણ ખોદી કાઢે છે અને જૂના વહેણને સદાને માટે છોડી દે છે, તેવી રીતે આ આત્મશક્તિનો પ્રવાહ સમયે સમયે પોતાનું વહેણ બદલે છે. આમ આપણે જોઈએ છીએ કે ધર્મના જૂના સંપ્રદાયો સમય જતાં નિષ્પ્રાણ થઈ જાય છે અને નવા સંપ્રદાયો નવા જીવનની ધગશ લઈને ઊભા થાય છે. જે મનુષ્યો ખરેખર શાણા છે તેઓ જે વિશિષ્ટ સંપ્રદાય દ્વારા જીવનનો પ્રવાહ વહેતો હોય છે, તેને શરણે જાય છે. ધર્મનાં જૂનાં સ્વરૂપો સંગ્રહસ્થાનમાં રાખેલાં એક કાળનાં વિરાટકાય પ્રાણીઓનાં હાડપિંજર જેવાં છે; યોગ્ય માનભરી દૃષ્ટિથી એમને જોવાં જોઈએ એટલું જ. પરંતુ જેમ એક સૂકો આંબો રસાળ કેરી ખાવાની માણસની લાલસાને સંતોષી ન શકે, તેમ એ જૂના ધર્મો જીવની પરમાત્મા માટેની સાચી આકાંક્ષાને સંતોષી ન શકે.
જે એક વસ્તુ આવશ્યક છે તે એ કે આપણે આપણા મિથ્યાભિમાનને—આપણામાં કાંઈ પણ આધ્યાત્મિક જ્ઞાન ભરેલું છે એ ખ્યાલને—સંપૂર્ણપણે ત્યજી દેવો જોઈએ અને આપણા ગુરુના માર્ગદર્શનને સંપૂર્ણપણે શરણે જવું જોઈએ. આપણને પૂર્ણતાએ શું પહોંચાડશે એ કેવળ ગુરુ જ જાણે છે; એ બાબતમાં આપણે સાવ આંધળા છીએ. આપણે કંઈ પણ જાણતા નથી. આ પ્રકારની દીનતા આપણાં હૃદયને આધ્યાત્મિક સત્યો માટે ખુલ્લાં કરશે. જ્યાં સુધી આપણા અંતરમાં અહંકારનો લેશ પણ અંશ હશે ત્યાં સુધી સત્ય તેમાં પ્રવેશશે નહિ. માટે સહુએ પોતાના હૃદયમાંથી આ પિશાચને નિર્મૂળ કરી નાખવો જોઈએ. આધ્યાત્મિક પ્રકાશ માટેનો એકમાત્ર રસ્તો છે સંપૂર્ણ શરણાગતિ.

