(શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના એક વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી છે. હાલમાં જ તેમણે એકસો વર્ષ પૂરાં કર્યાં. તેઓ “ભરત મહારાજ”ના નામથી પ્રખ્યાત છે. તેમના શ્રીશ્રીમાનાં વિશેનાં સંસ્મરણો શ્રીરામકૃષ્ણ આશ્રમ, દિલ્હી દ્વારા પ્રકાશિત “Sri Sarada Devi, the Great Wonder” ગ્રંથમાં આવેલ છે. તેના ભાષાંતરનો પ્રથમાંશ અમે ઑગષ્ટના અંકમાં પ્રકાશિત કર્યો હતો. બાકીનો અંશ અહીં રજૂ કરીએ છીએ. ભાષાંતરકાર – ડૉ. ચેતના માંડવિયા)

(ગતાંકથી આગળ)

ત્રણ-ચાર વર્ષો પછી માયાવતીથી હું બેલુર-મઠમાં પાછો આવ્યો. બાબુરામ મહારાજે મને પૂછ્યું, “તું શ્રીમાને મળ્યો ? તું જયરામવાટી જઈ આવ્યો ?” મેં કહ્યું, “ના, મહારાજ, હું નથી ગયો.” ગમે તેમ પણ જયરામવાટીથી હું ખૂબ ભડકતો. હું તેને મચ્છરો અને મેલેરિયાથી ભરેલ જગ્યા માનતો. એટલે મારી મેળે આવી જગ્યાએ મને જવાની ઇચ્છા જ ન થતી. એક જાત્રાળુ જેવું પ્રેમ અને શ્રદ્ધાથી ભરપૂર મારું વલણ એ માટે ક્યારેય ન હતું. હું તો ખરેખર તેને વિચિત્ર જગ્યા માનતો હતો. એટલે ક્યારેય ત્યાં જવાની ઇચ્છા થતી નહિ. જો કે મારું આ વલણ વિચિત્ર તો હતું ! તેમણે મને કહ્યું, “સારું, માયાવતી જતાં પહેલાં જયરામવાટી જા, તો કેમ ?”

“મળવા જા,” એમ કહેવું તો ખૂબ સહેલું હતં પણ, એ માટે પૈસા પણ જોઈએ ! માયાવતી પાછા જવા જેટલા જોઈએ તેટલા પૈસાથી એક પણ પૈસો મારી પાસે વધારે નહોતો. અંગત પૈસા તો મારી પાસે હતા નહિ. મેં જ્યારે તેમને આ કહ્યું, ત્યારે એ બોલ્યા, “એ માટે ચિંતા કરીશ નહિ. તેની વ્યવસ્થા થઈ જશે.” પછી મને સાંજે બોલાવીને તેમણે કહ્યું, “આવતી કાલે સવારે જ જા !”

“મહારાજ, આ શી રીતે થઈ શક્યું ?” મેં પૂછ્યું. તેમણે કહ્યં, “શ્રીરામપુરથી એક ગૃહસ્થ અને તેમની સ્ત્રી મંત્રદીક્ષા માટે જયરામવાટી જાય છે. તે લોકો હાવડા સ્ટેશને તારી રાહ જોશે. એટલે, એ લોકોની સાથે જા.”

આમ, બધું પાર ઊતર્યું, સિવાય કે એ લોકો થોડા કંજૂસ હતાં. વાસંતી પૂજાની સાતમને દિવસે તેમને મંત્રદીક્ષા મળવાની હતી અને અમે તેને આગલે દિવસે પહોંચ્યાં. મોટે ભાગે બધો ખર્ચ, જેવા કે ટિકિટની ખરીદી વગેરે – એ લોકોએ કર્યો. હું શ્રીમાને ઘેર જયરામવાટીમાં ત્રણથી ચાર દિવસ રોકાયો.

ત્યાં હું એવા બે કિશોરોને મળ્યો કે જેમને મેં ક્યારેય જોયા નહોતા : રામમય અને વરદા. એ વખતે એ નાના કિશોરો હતા. સિલહટથી આવેલા બીજા જ્ઞાન નામના એક સશક્ત યુવાનને પણ મળ્યો. તે ખૂબ મજબૂત બાંધાનો હતો, અને પહેલવાન જેવો દેખાતો હતો ! તે મને પહેલેથી ઓળખતો હતો. જેવો તેણે મને જોયો તેવો આવકાર્યો, “આવો, આવો ! શ્રીમાના દર્શન માટે આ બાજુ આવો !”

જયરામવાટીમાં આવેલા શ્રીમાના ઘરનો નકશો હું જાણતો નહોતો; અને આ કામ માટે કયો ઓરડો વાપરવામાં આવે છે તેની મને ખબર નહોતી. આથી સ્વાભાવિક રીતે જ જ્યારે જ્ઞાન મને રસોડા તરફ દોરવા લાગ્યો ત્યારે મને આશ્ચર્ય થયું. હું તેને ખીજાયો, “આ તું શું કરે છે ? રસોડા તરફ કેમ જાય છે ? શ્રીમા ક્યાં છે ? હું તેમને પ્રણામ કરવા માગું છું એ ખરું, પણ તેમનું રસોઈનું કામ પૂરું થાય ત્યાં સુધી રાહ જોઈ શકું તેમ છું.” પણ, હું તેને રોકું તે પહેલાં તો તે મને શ્રીમાની સન્મુખ લઈ ગયો, અને ત્યાં જ મેં શ્રીમાને પ્રણામ કર્યાં.

મેં તેમને પૂછ્યું, “આ શું કરી રહ્યં છો ? રોટલી શેકો છો ?” તેમણે કહ્યું, “અહીંના લોકો રોટલી ખાતાં નથી પણ જ્યારે કલકત્તાથી મારા દીકરાઓ આવે ત્યારે તેમના માટે રોટલી બનાવું છું.” એ વખતે ત્યાં ઘણાં માણસો હતાં. અને એ લોકો માટે પણ શ્રીમા રોટલી બનાવતાં હતાં. શ્રીમાએ કહ્યું, “દીકરા, હાથ મોં ધોઈ લે. હું થોડીવાર પછી આવું છું.” મેં તેમને મારા સાથીઓની દીક્ષાને લગતો એક પત્ર આપ્યો, અને સાતમની તિથિ મંત્રદીક્ષા માટે નક્કી કરવામાં આવી. અમે ત્યારે મા દુર્ગાની વાસંતીપૂજા વખતે ગયા હતા.

જયરામવાટીમાં મેં શ્રીમાને “ઉદ્‌બોધન”માં જેવાં જોયાં હતાં, તેના કરતાં સાવ જુદાં જ સ્વરૂપે જોયાં. તેમણે પડદા વગરનું સાધારણ રીતનું વસ્ત્રપરિધાન કર્યું હતું; જેથી તેઓ સાદગી અને પવિત્રતાની પ્રતિમૂર્તિ સમાં લાગતાં હતાં. એ વખતે ઘરકામને લગતાં બધાં જ કામકાજ તેઓ કરતાં હતાં. એક વહેલી સવારે મેં તેમને લંગડાતી ચાલે હાથમાં તપેલી લઈને જતાં જોયાં. કદાચ તેમના પગના સંધિવાને લઈને આવું થતું હતું. તપેલી લઈને તેઓ કોઈ પડોશીને ત્યાં જઈ રહ્યાં હતાં. હું તેમને રસ્તામાં જ મળી ગયો. “મા” મેં પૂછ્યું, “આટલી વહેલી સવારે ક્યાં જાઓ છો ?” તેમણે ઉત્તર આપ્યો, “હું રબારણને ત્યાં જાઉં છું, હમણાં હમણાં દૂધ ત્યાંથી મળે છે. કલકત્તાથી આવેલા મારા દીકરાઓને સવારમાં ચા પીવાની ટેવ છે. તેથી હું દૂધ લેવા જઈ રહી છું.” શ્રીમા પોતે જ દૂધ લેવા જાય એ ખરેખ આશ્ચર્યજનક હતું.

ઉદ્‌બોધનના ઘરમાં હાલવાચાલવાની જગ્યા ન હોવાને લીધે શ્રીમાને ફરજિયાતપણે નવોઢાની જેમ રહેવું પડતું. પણ, જયરામવાટીમાં તો તેઓ મુક્તપણે, ત્વરાથી બધું કામ પોતે જ કરતાં. જતાં જતાં તેઓ પાછાં વળ્યાં અને બોલ્યાં : “પેલા ઓરડાની ઓસરીમાં શાક સમારતી વખતે હું તારી પાસેથી માયાવતીની વાતો સાંભળીશ !” તેમના સૂવાના ઓરડાની બહાર જ શાકભાજી સમારવાનું કામ થતું. તેમણે ફરીથી કહ્યું, “તું ત્યાં આવીશ ત્યારે હું માયાવતી વિશે બધું જ તારી પાસેથી સાંભળીશ.”

આમ, તેઓ શાકભાજી સમારતાં ગયાં, અને હું માયાવતી વિશે બોલતો રહ્યો, જે ત્રણ-ચાર દિવસ હું ત્યાં રહ્યો, ત્યાં સુધી આમ જ ચાલ્યું.

તેમણે ક્યારેય ધર્મ કે આધ્યાત્મિક બાબતો અંગે કશું કહ્યું નહોતું, કે મેં પણ કશું પૂછ્યું નહોતું. પરંતુ ઘણી વખત વાતચીતની વચ્ચે પોતાની મેળે જ કહેતાં, “તમે જ્યાં પણ હો, જે પણ કામ કરતા હો, હંમેશાં શ્રીરામકૃષ્ણદેવને પકડી રાખો !” તેઓ ક્યારેય લાંબા ધર્મોપદેશ આપતા નહિ અને પોતાની અનુભૂતિઓ વિશે ક્યારેય બોલતા નહિ, મારી સાથે તો ક્યારેય નહિ.”

છેલ્લી વખત મેં એમને મહાસમાધિ પહેલાં જ્યારે તેઓ ખૂબ માંદાં હતાં ત્યારે જોયાં. તેમની દેખભાળ કરવા શ્યામદાસ કવિરાજ મહાશય ઉદ્‌બોધનમાં નિયમિતપણે આવતા. મેં શ્રીમાને વા તેમજ ઘણાં બીજા દર્દોની પીડા સહન કરતાં, એક જગ્યાએ બેઠેલાં જોયાં. સતીશ મહારાજ, વારાણસીના સત્યાનંદ સ્વામીજી અને હું તેમને પ્રણામ કરવા ગયા હતા. હું માયાવતી પાછો જઈ, માનસરોવર જવાનો હતો. મારી યાત્રા માટે મેં તેમના આશીર્વાદ માગ્યા. મારી બધી વાત સાંભળી તેઓ બોલ્યાં, “બેટા, મેં સાંભળ્યું છે કે માનસરોવરની યાત્રા ખૂબ કઠણ છે. તારે દરેક બાબતમાં ખૂબ સાવધ રહેવું પડશે. જે કંઈ કરો તેમાં હંમેશાં શ્રીઠાકુરને (શ્રીરામકૃષ્ણદેવને) પકડી રાખો.”

માનસરોવરનાં રસ્તે મને એક આશ્ચર્યજનક દર્શન થયું. સામાન્ય રીતે આવાં દર્શનો જોનારાં માણસોમાંનો હું નથી.

અલમોડા જિલ્લામાં કૈલાસ તરફ જતો રસ્તો નજીક જ હોવાથી, માયાવતીનાં રહેવાસીઓના એક જૂથે એ રસ્તે દુકાનો બાંધી હતી. તે લોકોએ મને તેમની સાથે રહેવા વારંવાર આમંત્રણ આપ્યું હતું. પણ, હું એ રસ્તે કદી ગયો ન હોવાથી એ શક્ય બન્યું નહોતું. એ વિસ્તારમાંથી પસાર થતી વખતે મેં આ લોકો વિશે પૂછપરછ કરી, તેમને શોધી કાઢ્યાં. તેમની દુકાનો હતી અને તેઓ અમને હર્ષથી સત્કારપૂર્વક તેમના ઘરે લઈ ગયા. મકાનો સુંદર હતાં અને બીજા પરિવારોનાં રહેણાંકથી સ્વતંત્ર હતાં. હું રહેતો હતો એ સ્વતંત્ર મકાન હતું. આ બધું જોઈને મને ત્યાં થોડા દિવસો રોકાણ કરવું યોગ્ય લાગ્યું. મેં તેમને પૂછ્યું કે તેમણે તરત જ સંમતિ આપી. આમ અમે ત્યાં રોકાયા.

કદાચ એ પહેલી કે બીજી રાત્રિ હતી ત્યારે મેં એક સ્વપ્ન જોયું. પછી મેં ધ્યાનપૂર્વક જોયેલું કે ત્યારે સવારના બે વાગ્યા હતા. મેં સ્વપ્નમાં શ્રીમાને જોયાં. તેમનાં ચરણ લાલચટક અળતાથી સુશોભિત હતા. અને તેમને ખૂબ સુંદર રીતે શણગારવામાં આવ્યાં હતાં; તેઓ એકદમ નવી જ સાડીમાં ખૂબ તેજસ્વી લાગતાં હતાં. અને મેં તેમને હાર પહેરાવેલો જોયો. જ્યાં તેમને લાવવામાં આવ્યાં એ જગ્યા પણ મેં જોઈ; ગંગાતીરે તેમનું હાલનું મંદિર જ્યાં આવેલું છે તે જ એ જગ્યા હતી. ઘણાં માણસોને એકઠાં થયેલાં મેં જોયાં પણ, મને એ ખબર ન પડી કે તેઓએ શ્રીમાને ઊંચક્યાં હતાં કે તેઓ તેમને વાહનમાં લાવ્યાં હતાં, એ જનસમૂહમાં મેં ત્રણ માણસોને જોયા : માખનસેન, સુરેશ મઝુમદાર અને એમાનાં ત્રીજા માણસનું નામ મને યાદ નથી. પણ ચહેરો ખૂબ સ્પષ્ટ હતો. નવાઈ હતી કે આ કે બીજું કાંઈ જ મેં બીજી વખત ન જોયું.

ઘણાં માણસો વિવિધ દર્શનો જોતાં હોય છે. મેં મારા સ્વપ્નમાં શ્રીમાને જોયાં. મેં ઊઠીને મારી ઘડિયાળમાં જોયું તો સવારના બે થયા હતા.

માનસરોવરથી પાછાં ફરતા અમે ટાકલાકોટ આવ્યા કે જે એક મોટું વ્યાપારમથક હતું. અને ત્યાંનો વેપાર મોટે ભાગે માલની સીધી અદલાબદલી થતી હતી. એટલે કે ભારતીય ચીજવસ્તુઓની એ દેશ(નેપાલ)ની વસ્તુઓ સાથે અદલા-બદલી થતી હતી. ઊન અને ઊનનાં વસ્ત્રોની હેરફેર એ મુખ્ય ધંધો હતો. ભારતીય ભાટિયા લોકો પણ પોતાની વસ્તુઓ સાથે વેપાર કરવા જતા. ભારતીય સરકાર તરફથી એક કમિશ્નર ત્યાં જઈને ભાવ નક્કી કરવા વગેરે વેપારને લગતી બાબતોનું ધ્યાન રાખતા હતા. તેના માણસો સાથે તે એક મોટા તંબૂમાં રહેતા હતા.

જતી વખતે અમે તેમને મળ્યા નહોતા પણ પાછા ફરતી વખતે એક પાશ્ચાત્ય પોષાક પહેરેલાં પંજાબી સદ્ગૃહસ્થે અમને રોકાવાનું કહ્યું. અમારા રસ્તાથી તેમનો તંબૂ થોડો દૂર હતો. અને તેમણે ત્યાં આવવાનો આગ્રહ કર્યો. તેમણે મને પ્રણામ કરીને કહ્યું, “મહારાજ, અમે તમારી રાહ જોતા હતા.” મેં નવાઈ પામી પૂછ્યું, “તમને કેવી રીતે ખબર પડી કે અમે અહીં આવી રહ્યા છીએ ?” ઉત્તરમાં તેમણે કહ્યું, “તમારી કોટની બહાર દેખાતા ગેરુઆ રંગના કપડાંના નાના ટુકડાએ નિશાની આપી !” રામકૃષ્ણ મિશનના સંન્યાસીઓ (આ રસ્તે) જઈ રહ્યા છે, એવું તેમણે સાંભળેલું પણ હતું. તેઓ ધાર્મિક માણસ હતા. એટલે અમે તેમના મહેમાન બનીએ એમ તેઓ ઇચ્છતા હતા.

તંબૂમાં પ્રવેશતાંવેંત જ અમને આરામ અને ઉષ્માનો અનુભવ થયો. સુંદર જાજમ પાથરેલી હતી. અને ત્યાં પ્રમાણમાં ગરમાવો હતો. એ પછી મેં ત્યાં એક બે સમાચારપત્રો પડેલાં જોયાં. શરૂઆતમાં તેમણે અમને તે વાંચવા ન આપ્યાં. ચા પીધા પછી તેમણે કહ્યું કે “રામકૃષ્ણ મિશન” માટે અશુભ સમાચાર છે. તેમણે અમને પંજાબનું સમાચારપત્ર જોવાનું કહ્યું. તેમાં બે બાબતના સમાચાર હતા. પહેલા એ હતા કે શ્રીમાએ તેમનો પાર્થિવ દેહ છોડી દીધો હતો, જે વિગતવાર હતા. બીજા એક વિખ્યાત નેતાના અવસાનના સમાચાર હતા.

એ સમાચારપત્રમાં વાચ્યું એના ઘણા સમય પહેલાં સતીષને મેં એ સ્વપ્નની નોંધ રાખવાનું કહેલું. જેમાં મેં શ્રીમાની મહાસમાધિ જોયેલી. અમે તિબેટમાં દાખલ થયા એ પહેલાં જ માનસરોવરને રસ્તે આ બન્યું હતું ! કોઈપણ સંજોગોમાં મેં શ્રીમા વિશે ક્યારેય સ્વપ્ન જોયું ન હતું. ફક્ત એ વખતે જ મેં ચોખ્ખું જોયું. તેમનો ચહેરો અને આંખો, અને તેમની આજુબાજુ એકઠાં થયેલાં લોકોને મેં સ્પષ્ટપણે જોયાં હતાં, મેં પહેલાં જોયો હતો એવો જ સુંદર ચહેરો હતો. પાછળથી મેં તપાસ કરી. જે દિવસે તેમણે પાર્થિવ દેહ છોડ્યો, તે જ એ દિવસ હતો જે સવારે મેં સ્વપ્ન જોયેલું.

Total Views: 385

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.