ડૉક્ટર રાધાગોવિંદ કાર પ્લેગના દરદીઓને તપાસી ઘેર આવ્યા ત્યારે બપોર ચડી ગયા હતા. ચૈત્ર માસનો ધોમ ધખતો હતો. અઢારસો નવ્વાણુંની એ સાલ. કલકત્તામાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. બાગબઝારના ગંદા વિસ્તારમાં ફરી ફરીને ડૉક્ટર લોથ થઈ ગયા હતા. ઘેર આવીને થોડી વાર આરામ કરવાની તેમને ઇચ્છા હતી. પણ આજ એમના નસીબમાં આરામ નહોતો. ઘર પાસે આવી એમણે જોયું તો બારણા પાસે જ ધુળિયાળી ખુરશી નાખીને એક યુરોપિયન સ્ત્રી બેઠી હતી. કોણ હશે? આ ઋતુમાં તો ગોરા લોકો પહાડોમાં ચાલ્યા જાય. અને એમાંયે પ્લેગનું નામ પડે ત્યારે આ બાજુ ફરકે કોણ? અને છતાં આ સ્ત્રી આકરા તાપની પરવા કર્યા વગર ડૉક્ટરને ઘરઆંગણે બેઠી હતી. તેના ચહેરા પર માતાની ચિંતા હતી અને હૃદયમાં આ ચૈત્રના બપોર કરતાં પણ બળબળતો અજંપ. ડૉક્ટરને જોતાં જ તે એમના ભણી દોડી આવી. ડોક્ટરના ઝાંખા, થાકેલા મુખ તરફ જોઈ કહ્યું:

“માફ કરજો ડોક્ટર, તમને વધુ પરેશાન નહિ કરું. મને બાગબઝારના દરદીઓની થોડી માહિતી આપશો?”

ડૉક્ટર એને ઓળખી ગયા. આ તો સિસ્ટર નિવેદિતા. રામકૃષ્ણ – વિવેકાનંદનાં શિષ્યા તરીકે જ એમની નામના નહોતી. પોતાની આગવી પ્રતિભાથી તે ઝળકતાં હતાં. આલ્બર્ટ હૉલમાં ડોક્ટરે એમનું વ્યાખ્યાન નહોતું સાંભળ્યું? ‘કાલી ધ મધર’ વિશે કોઈ હિન્દુ પણ આટલા ઊંડાણથી ન કહી શકે. તે દિવસે જ લાગ્યું હતું કે અંગ્રેજ પ્રજા વતી ઉદારતાના હાથ લંબાવીને ભારતના ભિક્ષાપાત્રમાં એ દાનનો ટુકડો આપવા નહોતાં આવ્યાં. પણ અંગ્રેજપણાના તમામ અંચળા ઉતારી ભારતનું ખોવાયેલું અક્ષયપાત્ર તે ચીંધી રહ્યાં હતાં. સિસ્ટરને જોઈને ડોક્ટરનું હદય પ્રસન્નતાથી ભરાઈ ગયું.

ડૉક્ટરે નિવેદિતાને જોઈતી માહિતી આપી. બાગબજારના સ્લમ વિસ્તારમાં કેવો રોગચાળો ફાટી નીકળ્યો છે તેનો ખ્યાલ આપ્યો. અને પ્લેગથી પીડાતા એક બાળકનું વર્ણન કરતાં ડૉક્ટરની આંખો ભીની થઈ ગઈ. મા અને બાપને પ્લેગ ભરખી ગયો. ઘરમાં બીજું કોઈ નહિ. અને અત્યારે એક ગંદાતા, અંધારિયા ઝૂંપડામાં પ્લેગનો અજગર એ કુમળા બાળકને ભરડો લઈ રહ્યો છે. વાત કરતાં કરતાં ડોક્ટર તરત સાવધ બની ગયા અને નિવેદિતાને સલાહ આપતાં કહ્યું “જુઓ, સિસ્ટર, તમે આ વિસ્તારમાં ફરો ત્યારે બરાબર સાવચેત રહેજો. તમારા સ્વયંસેવકોને પણ આરોગ્યના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું કહેજો. નહિ તો આ રોગના જંતુ તેમનો ભોગ લેશે. અને તમારે આવા તાપમાં ધક્કો ખાવાની જરૂર નથી. તમે સવાર સાંજ દરદીઓ પાસે એકાદ આંટો મારો તો બસ છે. તમને બધી માહિતી હું પહોંચાડતો જઈશ.’

નિવેદિતાએ આભાર માની રજા લીધી. ભૂલેચૂકે પણ ચેપી રોગનો કોઈ દૂત ન રહી જાય એની તકેદારી રાખી ડૉક્ટરે ખદખદતા પાણીમાં કપડાં બોળ્યાં, ઘસીભૂસીને નાહ્યા, પછી જમ્યા અને આડે પડખે પડતાં તેમને નિવેદિતાના જ વિચારો આવ્યા કર્યા: પોતાના દેશનાં સંસ્કાર-બંધનને કોઈ આમ મૂળમાંથી ઉચ્છેદી શકે? વિજેતાનો સર્વ અહંકાર દૂર કરીને કોઈ ગુલામ અને કંગાલ લોકો સાથે આવી અંતરની સગાઈ વણી શકે? આ બાઈને આવી દૃષ્ટિ ક્યાંથી મળી હશે? આવું દૈવત કેવી રીતે સાંપડ્યું હશે? કહે છે કે, બોસપાડા લેનના એક સામાન્ય મકાનમાં એ રહે છે. બ્રહ્મચારિણીના નિયમો પાળે છે. અંગે શ્રેત વસ્ત્રો, રુદ્રાક્ષની માળા અને માથે પિંગલ વાળનો જટાની જેમ બાંધેલો ઊંચો અંબોડો. ઇંગ્લેન્ડમાં તેણે કોઈ ખાસ ઉદ્દેશથી જન્મ લીધો હશે. તેની ખરી ભૂમિ તો હિમાલય લાગે છે. અંગ્રેજોથી અંજાઈ ગયેલા આ દેશના લોકોની નજર ફરી હિમાલયનાં શિખરો ભણી વાળવા એ કલકત્તાની અંધારી ગલીમાં આંટા મારે છે.

ડૉક્ટર રાધાગોવિંદ આ વિચારોમાં સાંજ પાડી દેત. પણ નિવેદિતાને મળ્યા પછી કર્તવ્યનો સાદ તેમને વધુ જોરથી સંભળાતો લાગ્યો. નમતા બપોરે તે બાગબઝારના ગંદા લત્તા તરફ ઊપડ્યા. પેલા અનાથ બાળકને ત્યાં પગ મૂકતાં જ એ અવાક્ બની ઊભા રહી ગયા. જોયું તો નિવેદિતા બાળકને ખોળામાં લઈ બેઠાં છે. ધીરે ધીરે પંખો નાખે છે. ડોક્ટર વધુ પૂછી ન શક્યા:

‘તમે? તમે અહીં?’

‘હા, તમારે ત્યાંથી સીધી હું અહીં આવી. ડોક્ટર, જુઓ જોઈએ. ટેમ્પરેચર ઓછું લાગે છે. જુઓ તો!’

ડૉક્ટરે બાળકને તપાસ્યું. તાવ ઓછો હતો. પણ પ્લેગની ગાંઠો યમરાજની ચિઠ્ઠી પકડી ઊભી હતી. નિવેદિતા પછી પોતાને ઘેર ન ગયાં. આ ભેજવાળી અને અંધારી ઝૂંપડીમાં રહેવાનું ચાલુ રાખ્યું. રાતદિવસ જાગીને બાળકની ચાકરી કરી. જ્યારે જંતુનાશક દવાથી ઝૂંપડી સાફ કરવામાં આવી ત્યારે નિસરણી મૂકીને તેમણે જાતે દીવાલો સાફ કરી. બાળક મૃત્યુના મુખમાં ધકેલાતું જતું હતું. અને નિવેદિતા માનો સકળ સ્નેહ નિતારીને ચાકરી કરતાં હતાં. છેવટે નિવેદિતાના ખોળામાં જ બાળકે પ્રાણ છોડ્યા. અનાથ બાળકની આંખો માતૃત્વનાં શીળાં કિરણો ઝીલતી ઝીલતી પોઢી ગઈ.

તેર ઓક્ટોબર, ઓગણીસસો અગિયારના રોજ નિવેદિતાએ દાર્જિલિંગમાં મૃત્યુના ખંડમાં પ્રવેશ કર્યો. તેમનું છેલ્લું વાક્ય હતું: “ક્ષણભંગુર નૌકા ડૂબે છે, પણ પ્રભાતનાં દર્શન હું જરૂર કરીશ.” આ શબ્દોનો ઉચ્ચાર થતાં જ એક સૂર્યકિરણ ખંડને અજવાળતું સરી આવ્યું હતું. નિવેદિતાને યાદ કરતાં, ભારતના તમસઘેરા ખંડમાં હિમગિરિ પરથી સરી આવતું સૂર્યકિરણ તરી રહે છે.

Total Views: 142

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.