“જીવનમાં શાંતિ ચાહતા હો, તો કદી કોઈના દોષ જોશો નહિ, દોષ જોવા હોય તો તમારા પોતાના જોશો, કોઈ પારકું નથી, સૌ પોતાનાં છે.”

જીવનના અંતિમ કાળે- મહાસમાધિમાં- પ્રવેશ કરતા પહેલાં, શ્રી શ્રીમા શારદામણિદેવીએ પોતાના અંતેવાસીઓને આ આદેશ આપ્યો હતો. પરમહંસ શ્રીરામકૃષ્ણદેવનાં પ્રથમ આધ્યાત્મિક શિષ્યા અને જીવનસંગિની, જેમણે પતિના જીવનકાર્યમાં સતત સાથ આપ્યો, અને સમસ્ત શ્રીરામકૃષ્ણ સંઘનાં જનની બની ગયાં, તે શ્રી શ્રીમા શારદાના આધ્યાત્મિક પરમ જીવનના નિષ્કર્ષ નિચોડ સમો આ આદેશ હતો.

આ આદેશનાં વાક્યો આપણને કેટલાં સરળ લાગે છે! પણ એના આંતરિક તત્ત્વને આપણા જીવનમાં ચરિતાર્થ કરવું હોય તો તે કેટલું મુશ્કેલ કાર્ય છે!

જીવનમાં શાંતિ કોણ ન ઈચ્છે? પ્રત્યેક મનુષ્યને શાંતિ અને સુખની ઝંખના હોય છે પણ એની પ્રાપ્તિ માટે જે પ્રયત્ન જોઈએ, જે જે ગુણો જોઈએ તે કેળવવા પણ પૂરા પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. ‘કોઈના દોષ ન જુઓ તો તમને શાંતિ મળશે.’ પણ આ ગુણ કેમ કરીને કેળવાય? બીજાના દોષો તો તુરત જ નજરે પડે છે. ગુણો હોય તો તે તરફ લક્ષ ભાગ્યે જ જાય છે. પણ કોઈનો દોષ હોય તો તે આપણી નજરે તરત જ ચડી જાય. આમ કેમ? આપણે એવા જ વાતાવરણમાં ઊછરીએ છીએ કે જ્યાં બીજાના દોષો તરફ ઉદારતાની ભાવનાનો અભાવ હોય છે. રામાયણની ચોપાઈ “જો સહિ દુઃખ પરછિદ્ર દુરાવા, વંદનીય જેહિ જગ જશુ પાવા” કેટલું શીખવી જાય છે! બીજાનાં છિદ્રો દૂર કરવા જે પોતે દુઃખ સહન કરે છે તે દુનિયામાં વંદનીય ને યશને પાત્ર બને છે.

આવું જાણવા છતાં, આવા આવા ઉપદેશો સાંભળવા છતાં, મધુર કંઠે નિશદિન તુલસીદાસની આવી ચોપાઈઓનું રટણ કરવા છતાં શા માટે આપણા માનસને એવું સંકુચિત બનાવી દઈએ છીએ? સદીઓથી જે રાષ્ટ્ર ગુલામીમાં રહ્યું હોય તેની પ્રજામાં આવા દુર્ગુણો પેસી જાય એ સ્વાભાવિક છે. પરંતુ હવે સ્વતંત્ર રાષ્ટ્ર થયા બાદ આપણે ધીમે ધીમે એ દુર્ગુણને તિલાંજલિ આપીએ તો કેવું સારું! મોટા ભાગના લોકોને બીજાની નિંદા, બીજાના દોષો જોઈ તેમાં રસ લેવામાં-ખૂબ જ અનેરો આનંદ મળતો હોય છે. આ અતિશય ક્ષુલ્લક વૃત્તિ છે. સહનશીલતાનો ગુણ કેળવવો ખૂબ આવશ્યક છે અને એ બીજા માટે નહિ પણ આપણા પોતાના હિત અને ખૂબ શાંતિ, માટે અત્યંત આવશ્યક છે.

આપણે પોતે અંતર્મુખ થઈને આપણામાં રહેલા જે કોઈ દોષો હોય તેનું પૃથક્કરણ કરી એ દોષોને સદંતર દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. તો જીવનમાં આંતરિક શુદ્ધતા અને નિર્મળતા આવશે અને આપણો આંતરિક વિકાસ થશે. જીવન નિર્મળ અને ઉજ્જવલ થશે. ચારિત્ર્ય શુદ્ધ થશે અને એ રીતે પરદોષદર્શન નહિ પણ સ્વદોષદર્શન કર્યા બાદ એને દૂર કરી સદ્‌ગુણોને – આત્મસાત્ કરવાથી આપણા જીવનને પ્રતિભાવંત અને મધુર બનાવી શકીશું.

આમ તો શ્રી શ્રીમા કહે છે તેમ, આપણે સૌ એક જ પરમશક્તિનાં, એક જ પરમ પિતાનાં સંતાનો છીએ. પ્રત્યેક માનવમાં એક મહાન આત્માનો અંશ રહેલો છે તો આપણે અને બીજા એવો ભેદ રહે છે જ ક્યાં? સર્વેમાં એકાત્મભાવને નિહાળી પરસ્પર પ્રેમ અને બંધુત્વની ભાવના કેળવવી એ વિવિધતામાં એકતાની મહાન શક્તિનાં દર્શન કરવા જેવી ઉચ્ચ વાત છે.

આ મહાન ગુણ કેળવવા માટે અને આધ્યાત્મિક જીવનને માર્ગે આગળ વધવા માટે આપણે સતત જાગૃત રહી આત્મનિરીક્ષણ કરતાં રહેવું જોઈએ.

શ્રી શ્રીમાને ચરણે અનેક ભક્તોએ પોતાના જીવનનું સમર્પણ કરી જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા ઇચ્છ્યું હતું. સૌને માનો આ આદેશ હતો. એ ઉપદેશને આપણા હૃદય સુધી પહોંચવા દઈએ, તેનું ખૂબ જ ચિંતન કરીએ ને એ મુજબ આપણા જીવનનું ઘડતર કરવાની કોશિશ કરીએ તો ખરેખર એ દિવ્ય માતાનાં આ વચનામૃતો આપણા જીવનમાં અમૃતનું સિંચન કરી જીવનની શાંતિના શિખરે આપણને પહોંચાડશે. શ્રી શ્રીમા સમક્ષ આપણી હંમેશાં એ જ પ્રાર્થના રહો.

Total Views: 153

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.