સુપ્રસિદ્ધ વિદ્વાન – લેખક શ્રી યશવન્ત શુકલ-રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘World-Thinkers on Ramakrishna Vivekananda’ પુસ્તકનું ભાષાંતર કરી રહ્યા છે, જે અમે ધારાવાહિક રૂપે આપવાનો પ્રયત્ન કરીશું. તેના પ્રથમ ભાગ રૂપે જાણીતા પાશ્ચાત્ય મનીષી પ્રો. મૅક્સમૂલરનો આ લેખ રજૂ કરીએ છીએ, જે સૌ પ્રથમ ૧૮૯૬માં ‘The Nineteenth Century’માં પ્રગટ થયો હતો.

હમણાં હમણાં જે એક પ્રશ્ન વારંવાર પુછાતો રહ્યો છે તે એ છે કે, મહાત્મા કોને કહેવાય અને સંન્યાસી કોને કહેવાય? ‘મહાત્મન્’ સામાન્ય રીતે વપરાતો એક સંસ્કૃત શબ્દ છે અને એના શબ્દાર્થ પ્રમાણે મહાન જેનો આત્મા છે એવો, ઊંચી માનસિક ભૂમિકાવાળો, અભિજાત એવો એનો અર્થ થાય. જેમ આપણે ત્યાં (પશ્ચિમમાં) ઉમરાવ અથવા રેવરન્ડ (વંદ્ય) એ શબ્દો પ્રયોજીએ ત્યારે એ માનવાચક શબ્દ બને છે તેના જેવા આ શબ્દો છે. પણ એનો પારિભાષિક અર્થ પણ માન્ય થયેલો છે અને ભારતની પ્રાચીન ભાષામાં જેમને સંન્યાસી કહીએ તેમને એ લાગુ પડે છે. સંન્યાસી એટલે જેણે પોતાનું સર્વસ્થ સમર્પિત કરી દીધેલું હોય, અર્થાત્ જેણે સંસારની આસક્તિઓ છોડી દીધેલી હોય તે, “એને સંન્યાસી જાણવો.” ભગવદ્-ગીતાના પાંચમા અધ્યાયના ત્રીજા શ્લોકમાં કહેવાયું છે તેમ, ‘જે દ્વેષ કરતો નથી અને જે કામનાઓ સેવતો નથી’ તે સંન્યાસી. મનુસ્મૃતિ પ્રમાણે બ્રાહ્મણ જીવન ચાર આશ્રમો અર્થાત્ અવસ્થાઓમાં વિભક્ત થયું છે. બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને ચોથો સ્વતંત્ર સંન્યસ્તાશ્રમ. આ ચોથા આશ્રમમાં જે પ્રવેશે તે સંન્યાસી કહેવાય. એને માટે અંગ્રેજી પર્યાય સૂચવવો કઠણ છે પણ ભારતમાં તો તે ઘરઘરનો પ્રચલિત શબ્દ છે.

ભારતમાં હવે સંન્યાસીઓ રહ્યા નથી એમ કહેવાય છે અને એક અર્થમાં એ સાચું પણ છે. મનુએ જે આશ્રમ વ્યવસ્થા નિર્દેશી હતી તે કહેવાય પણ ખરેખર અસ્તિત્વમાં હોય તો પણ એ ક્યારનીય પરવારી ગઈ છે… પણ બૌદ્ધ ધર્મે સાધેલા પરિવર્તન પહેલાં અને પછી પ્રત્યેક જમાને એવા માણસો મળી આવે છે, જેમણે સઘળા સામાજિક બંધનો તોડીફોડીને ફગાવી દીધાં હતાં, જેમણે કુટુંબ અને સમાજમાંથી નિવૃત્તિ લીધી હતી, જેમણે જંગલોમાં કે ગુફાઓમાં એકલવાસ સ્વીકાર્યો હતો, સઘળા ભોગવિલાસોને જેમણે તિલાંજલિ આપી હતી, જેમણે પોતાના ખાનપાનને સારી પેઠે નિયંત્રિત કરેલ હતું, અને જેમણે એવું દેહદમન કર્યું હતું કે આપણે એનું વર્ણન વાંચીએ કે ચિત્રો કે ફોટોગ્રાફમાં એ પ્રતિબિંબિત થયેલું જોઈએ તો આપણાં રુવાંડાં ખડાં થઈ જાય. આવા માણસોને જાણે પવિત્રતાની આભા વીંટળાઈ વળી હોય એમ લોકો સ્વાભાવિક રીતે જ માનતા અને જેઓ એમનાં દર્શને જતા કે જે એમના ઉપદેશનો લાભ પામતા તેમની પાસેથી આ સંતોને પોતાને જે કંઈ થોડું જોઈતું કરતું હોય તે મળી રહેતું. આવા સંતો પૈકીના થોડાક – પણ ઝાઝા નહીં જ – વિદ્વાનો પણ હતા અને પ્રાચીન ધર્મશાસ્ત્રોનું તેઓ શિક્ષણ પણ આપતા. કેટલાક દંભી અને ઢોંગી પણ હતા અને એમણે સારાએ સંત સમાજને અપકીર્તિત કરવામાં બાકી રાખી નથી. તેમ છતાં સાચા સંન્યાસીઓ પણ થઈ ગયા છે. અને આજે પણ સાચા સંન્યાસીઓ આવી મળે છે, જેમણે ખરેખર કામનાઓનાં બંધનો તોડ્યાં છે અને પોતાના શરીરને કાબૂમાં રાખ્યું છે અને અદ્ભુત રીતે પોતાના મન ઉપર સંપૂર્ણ સ્વામિત્વ મેળવ્યું છે. આ હકીકતનો ઇન્કાર થઈ શકે તેમ જ નથી..

એમ સાધારણ રીતે માની લેવામાં આવ્યું છે કે આ સંતો, આ સંન્યાસીઓ, ઘણા વિદ્વાન અને પ્રાજ્ઞ પુરુષો હતા.. પણ આજના જમાનામાં સંન્યાસીઓમાં ઊંડી વિદ્વતાની, અરે વિદ્યા કંઠસ્થ કર્યાની કે મૌલિક વિચારની કે ઊંડી પ્રજ્ઞાની આશા રાખવી ફોગટ છે.

દાખલા તરીકે, દયાનંદ સરસ્વતી થઈ ગયા, જેમણે બ્રાહ્મણોને સંસ્કારવા યત્કિંચિત્ પ્રયત્ન કર્યો. અમુક અર્થમાં તેઓ વિદ્વાન હતા જ. ઋગ્વેદ ઉપર તેમણે સંસ્કૃતમાં ભાષ્ય પ્રગટ કર્યું હતું અને સંસ્કૃતમાં તેમની વાગ્ધારા નિબંધ રીતે પ્રસ્ફુટ થતી. એમને ઝેર આપવામાં આવેલું તે અંગે એવી વાયકા છે કે એમણે પ્રબોધેલા સુધારા બ્રાહ્મણોને માટે ભયરૂપ બની રહ્યા હતા. પણ એમનાં લખાણોમાંથી એવું કશું મળી નથી આવતું જેને મૌલિક ગણીને ટાંકી શકાય. સિવાય કે, વેદના શબ્દો અને આખા ને આખા પરિચ્છેદોનું કંઈક વિલક્ષણ એવું અર્થઘટન તેમણે કર્યું હોય.

સ્વર્ગસ્થ રામકૃષ્ણ પરમહંસ સંન્યાસીનો અત્યંત રસપ્રદ કહી શકાય એવો નમૂનો હતા. એ કેવળ મહાત્મા – ઉન્નત આત્મા નહોતા, પણ એક મૌલિક વિચારદાતા પણ હતા. ભારતીય સાહિત્ય શાણી ઉપદેશવાર્તાઓ અને સુક્તિઓથી સભર ભર્યું છે અને કેવળ એ ટાંકી બતાવવાથી પણ માણસ ઊંડું શાણપણ ધરાવે છે એવી તેની પ્રતિષ્ઠા સહેલાઈથી બંધાઈ જાય છે. પણ રામકૃષ્ણ વિશે એવું કહી શકાશે નહીં. પોતાના એકાન્તવાસમાં આ સંસાર વિશે એમણે ઊંડું ચિંતન કર્યું લાગે છે. એમણે ઘણા ગ્રંથોનું સેવન કર્યું હશે કે નહીં, તે કહેવું મુશ્કેલ છે, પણ વેદાંતના તત્ત્વજ્ઞાનનું હાર્દ તેમણે પૂરેપૂરું પચાવ્યું હતું. એમાં તલભાર શંકા નથી. એમની જે ઉપદેશવાણી પ્રગટ થઈ છે તેમાં આ તત્ત્વજ્ઞાનનો પ્રાણ ધબકે છે. વસ્તુત: વેદાંતની ધરતીના પરિપાકરૂપે જ એ વાણી સમજી શકાય એમ છે અને તોય વિસ્મયની વાત તો એ છે કે આ ભારતીય સંતની રહસ્યપૂત વાણીમાં સ્વદેશના ચિંતકોની વાણીથી સાવ જુદી એવી યુરોપી વિચારધારા, અરે કેટલીક યુરોપી છટા સુધ્ધાં, કોણ જાણે કેવી રીતે પ્રવેશેલી છે.

રામકૃષ્ણનાં ઉપદેશવચનો, જેમાંનાં થોડાંક તેમના શિષ્યોએ પોતાના સામયિક “બ્રહ્મવાદિન”માં પ્રગટ કર્યો છે, તેના ઉતારાઓમાં આ પ્રાચીન રૂપકો પહેલી જ વાર યુરોપિયન વિચારધારા સાથે ભેળવવામાં આવેલ છે અને એમના વૈયક્તિક પ્રભાવની જે વાતો આપણે સાંભળતા રહ્યા છીએ તે પરથી સમજાય છે કે એમના ઉપદેશનું શ્રવણ કરવા માટે જે મોટા સમુદાયો આવતા તેના ઉપર આ મિશ્રણ કે સમન્વયની જબરી અસર થતી. પોતાની પાછળ તેઓ શિષ્યોની ભારે મોટી સંખ્યા મૂકતા ગયા છે અને તાજેતરમાં રામકૃષ્ણનું દેહાવસાન થયું ત્યાર પછી એમણે આરંભેલું કામ આ શિષ્યો આગળ ધપાવી રહ્યા છે. આ શિષ્યો કેવળ ભારતમાં જ નહીં, પણ યુરોપમાં સુધ્ધાં ભારતના પ્રાચીન તત્ત્વજ્ઞાન વિશે સમભાવપૂર્ણ રસ પેદા કરી રહ્યા છે. જેવો રસ પ્લેટો કે કૅન્ટના તત્ત્વજ્ઞાન વિશે હોઈ શકે તેવા જ રસનું અધિકારી ભારતીય તત્ત્વજ્ઞાન પણ છે જ.

આ મહાત્માના જીવનના સંયોગો વિશે ભરોસાપાત્ર માહિતી પ્રાપ્ત કરવાનું કામ આસાન ન હતું. બહારના જગત સાથેના સંબંધોમાં છેક જ પ્રસંગરહિત કહી શકાય એવું એમનું જીવન, ચિત્તની ભીતરની સૃષ્ટિની બાબતમાં હચમચાવી મૂકે એવા પ્રસંગોથી ધમધમતું હતું.

પ્રતાપચંદ્ર મઝુમદાર, જે બ્રાહ્મસમાજના એક નેતા છે અને ઈંગ્લેડમાં ઘણા લોકોને પરિચિત છે, તેમણે મને આ મહાત્માએ કેશવચંદ્ર સેન ઉપર, પોતાની ઉપર અને કલકત્તામાં વસતા અનેક સુશિક્ષિત લોકો ઉપર જે અસાધારણ પ્રભાવ પાથર્યો હતો તેની વાત કરી છે. જે કુડીબંધ તરુણોને તેમનું ભારે ખેંચાણ હતું તેઓએ તેમના અવસાન પછી સંન્યાસ લીધો છે. ધનના અને ઈંદ્રિયોના વિલાસના આનંદો તજી દઈને તેઓ આ મહાત્માના ઉપદેશને અનુસરી રહ્યા છે. પાસેના જ મઠમાં તેઓ ભેગા રહે છે અને ક્યારેક ક્યારેક ભારતભરનાં પવિત્ર અને એકાંત સ્થાનકોમાં – હિમાલયની પહાડીઓમાં સુધ્ધાં તેઓ જઈ આવે છે. આ સાધુજનો ઉપરાંત અનેકાનેક માણસો તથા તેમનાં કુટુંબો આ મહાત્માના જીવનકાર્યને ઉમંગથી અનુસરે છે. એમ પણ જાણવા મળ્યું છે. પણ જે સૌથી રસપ્રદ વાત છે તે તો એ છે કે, કેશવચંદ્રસેનની કારકિર્દીના છેક છેલ્લા ભાગમાં જેમની સૌથી પ્રગાઢ અસર તેમના પર પડી હતી તે આ મહાત્માની પડી હતી. પોતાના જીવનના અંત ભાગે આ ઠરેલ સુધારક અચાનક એક રહસ્યવાદી અને પરમાહ્‌લાદ અનુભવતા સંતમાં ફેરવાઈ ગયા તે જોઈને તેમના અનેક મિત્રો અને પ્રશંસકોને ભારે વિસ્મય થયું હતું. પણ આ નવો ધર્મસંપ્રદાય વિશેષ કરીને ઈશ્વરના માતૃસ્વરૂપનો તેનો સિદ્ધાંત, જે પાછળના ભાગમાં ઓર વિકસ્યો તેથી કેશવચંદ્ર સેનના યુરોપિયન મિત્રોએ તેમને છેડા ફાડી આપ્યા હોય તો પણ હિન્દુ સમાજમાં તેમની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ હોવાનું સમજાય છે. તેમ છતાં બ્રહ્મસમાજના સુવિખ્યાત સંસ્થાપકની કારકિર્દી આટલી નોંધપાત્ર રીતે શી રીતે ફંટાવા પામી અને આવડું મોટું પરિવર્તન આમ અચાનક શી રીતે આવ્યું તેનાં ગૂઢ કારણો હવે આપણને સમજાવા લાગ્યાં છે. તો યે ક્યારેક ક્યારેક કોઈ કોઈ એનો ખુલાસો અતિ ઉત્તેજિત ચિત્ત ફસકી પડ્યું એ રીતે પણ આપે છે.

પણ રામકૃષ્ણ જેવી વ્યક્તિની વાત સાવ જુદી છે. આ સંસારમાં તેઓએ કશો ભાગ લીધેલો નહીં, તેમ એ સંસારી મનુષ્ય પણ હતા નહીં, જે અર્થમાં કેશવચંદ્ર સેન હતા તે અર્થમાં પણ નહીં. પહેલેથી જ તેઓ તો પ્રખર યોગસાધનાને જ વરેલા હતા; એવી યોગસાધના, જે સમાધિ અવસ્થામાં લઈ જવાને અને આહ્લાદમય ઉદ્‌ગારો વહાવવાને નિર્માયેલી છે. એ બધા ઉદ્‌ગારો આપણે પૂરા સમજી શકીએ પણ નહીં, છતાં આપણા આ મહાત્માના આ પ્રકારના
ઉદ્‌ગારોની સચ્ચાઈ વિશે તો જરા પણ શંકા કરી શકાશે જ નહીં, બહુ તો આપણે બાજુમાં ઊભા ઊભા આશ્ચર્યચકિત થઈ શકીએ, ખાસ કરીને એટલા માટે કે ભાંગેલા શરીરમાંથી અને ચિત્તની નિરતિશય તંગ હાલતમાંથી નીકળેલી વાણી સુધ્ધાં આટલી બધી સાચી, શાણી અને સુંદર શી રીતે બની હશે?

અસાધારણ મન:સ્થિતિઓના ઊંડા નિરીક્ષકોએ એમની આનંદસમાધિની અવસ્થાનાં દર્શન વારંવાર કરેલાં છે. તાત્ત્વિક રીતે જોઈએ તો આપણે નિદ્રાવશ સ્થિતિમાં બોલતા હોઈએ તેને મળતું આ કશુંક કહેવાય, પણ ફેર એટલો કે ધર્મચિન્તનથી તેમજ ભલાઈ અને પવિત્રતાના ઊર્ધ્વતમ વિચારોથી જેમનું મન છલકાઈ રહ્યું હોય તેમની બાબતમાં પરિણામ રામકૃષ્ણની બાબતમાં આવ્યું તેવું જ આવે. આ કોઈ વશીકરણની અસર હેઠળ થતો અર્થહીન બબડાટ નથી પણ સુંદર કાવ્યોચિત વાણીમાં લપેટાયેલી પ્રગાઢ પ્રજ્ઞાનો સાહજિક આવિષ્કાર છે.

એમનું ચિત્ત હીરા, મોતી, નીલમ, માણેક ભરેલા કેલીડોસ્કોપ જેવું છે અને ગમે ત્યારે એને અમસ્તું ઠગઠગાવીએ ત્યારે પણ સુષ્ઠુ સુંદર આકારોવાળી મૂલ્યવાન ચિંતનકણિકાઓ જ આપોઆપ ગોઠવાઈ જતી હોય છે. આપણા (પશ્ચિમી) કાનને તો આ વચનો અને ઉપદેશો ભારે વિચિત્ર લાગે એમાં સંશય નથી, પણ પૂર્વના કાનને અથવા ઉત્કટ ભાવાવેશથી સભર એવી પૂર્વની કવિતાથી અભિભૂત થયેલા કાનને એ જરાયે વિચિત્ર નહીં લાગે. એમના ચિત્તમાં જે કંઈ ઝબોળાય તે પવિત્ર બની જાય છે. ભારતમાં કાલીની જે રીતે લોકો પૂજા કરે છે તેના જેવું જુગુપ્સાકારક બીજું કશું નહીં હોય એમ મને લાગે છે. પણ કાલીની વ્યક્તિમત્તામાં જે કંઈ જુગુપ્સા પ્રેરનારું હશે તે રામકૃષ્ણને મન જાણે છે જ નહીં. એમને માટે તો દેવીનો માતૃઅંશ જ શેષ રહે છે. સ્ત્રીઓની શક્તિ અને પ્રભાવક્તામાં પરખાય છે તેને મળતા ઈશ્વરના માતૃસ્વરૂપને બાલસહજ, સર્વાત્મભાવથી આહ્લાદયુક્ત આત્મસમર્પણ કરનારનો હોય તેવો એમનો કાલી વિશેનો અહોભાવ છે.

સ્ત્રીનું પ્રાકૃત ભૌતિક રૂપ તો આ સંતે ક્યારનુંયે વજર્યું હતું. એમને પત્ની હતી પણ એની સાથે એમને શરીરસંબંધ ન હતો. “સ્ત્રી કામણ કરે છે અને દુનિયાને ઈશ્વર પ્રત્યેના પ્રેમ ભણી ઝૂકવા દેતી નથી” એમ રામકૃષ્ણે કહ્યું છે. નારીના કામણમાંથી છૂટવા એમણે વર્ષો સુધી અથાગ પુરુષાર્થ કર્યો હતો. આવા છુટકારા માટે એમણે હૈયું ચીરી નાખે એવી જે કાકલુદીઓ અને પ્રાર્થનાઓ કરી હતી, ક્યારેક તો નદીકાંઠાના એમના એકાંતવાસમાં મોટેથી વિલાપ કર્યો હતો તે સાંભળીને લોકો ભેગા થઈ જતા હતા અને એ રડે એમ લોકો પણ તેમની સાથે હૃદયવિદારક કલ્પાંત કરવા લાગતા હતા. લોકોના આ રીતે તેમને આશીર્વાદો મળ્યે જતા હતા અને પૂરા હૃદયથી લોકો તેમની સાધના ફળે એવી ભાવના ઉચ્ચારતા હતા અને એ સફળ થયા. એવા સફળ કે જે માતાને અર્થાત્ કાલીમાતાને એ ભજતા હતા. તેમણે તેનામાં પ્રત્યેક સ્ત્રીમાં કાલીનું સ્વરૂપ નિરખવાની – તરુણ હોય કે વૃદ્ધ પણ પ્રત્યેક વિજાતીય વ્યક્તિ જાણે તેની મા હોય તેમ તેનો આદર કરવાની દૃષ્ટિ આપી.

પોતાના એક સ્તવનમાં રામકૃષ્ણ પોકારી ઊઠે છે, “ઓ દિવ્ય માતા, મારે માણસોનું ખાનપાન નથી જોઈતું; મારે શરીરનાં સુખો પણ નથી જોઈતાં; કેવળ મારા આત્માને તારા ભણી વહેવા દે, જેમ ગંગા અને યમુનાનો શાશ્વત સંગમ થતો રહે છે તેમ. મા, હું ભક્તિહીન છું, યોગહીન છું, હું દરિદ્ર છું, મિત્રવિહોણો છું; મારે કોઈની પ્રશંસા જોઈતી નથી. કેવળ તારા ચરણકમળમાં મારા ચિત્તને સદૈવ વાસ કરવા દે.”

પણ આ સર્વમાં જે અત્યંત અસાધારણ તત્ત્વ છે તે તો એ કે રામકૃષ્ણનો ધર્મ કેવળ હિંદુ દેવદેવીઓની પૂજાઅર્ચામાં પરિસમાપ્ત થતો નહોતો કે નહોતો પરિસમાપ્ત થતો. હિંદુ રૂઢિરિવાજોના શુદ્ધિકરણમાં. સર્વશક્તિમાન અલ્લાહના ઇસ્લામના ખ્યાલને આત્મસાત કરવા દિવસોના દિવસો સુધ તેની ઉપાસનાની પ્રવિધિઓની જુદી જુદી શિસ્તમાં તેમણે મન પરોવ્યું હતું – દાઢી વધવા દીધી હતી મુસ્લિમ ખાનપાનનો પણ આશ્રય લીધો હતો અને કુરાનની આમાતોનો સતત ઉચ્ચાર કરતા રહ્યા હતા ઈસુ ખ્રિસ્ત માટે પણ તેમને નિરવધિ અને સાચુકડો પૂજ્યભાવ હતો. જિસસનું નામ શ્રવણે પડતાં એ પોતાનું મસ્તક નમાવતા. એ ઈશ્વરના પુત્ર હોવાના સિદ્ધાંતનો આદર કરતા હતા અને એક બે વાર તો ખ્રિસ્તી દેવળમાં પ્રાર્થના કરવા પણ ગયા હતાં.

ધર્મોપાસનાનો પ્રત્યેક પ્રકાર એમને માટે વ્યક્તિગત ધર્મનો એક જીવંત અને ઉત્સાહપૂર્ણ સિદ્ધાંત છે એવું એમણે જાહેર કર્યું હતું. વસ્તુત: પોતાના આચરણથી એમણે જગતના સઘળા ધર્મોનું એકીકરણ શી રીતે સિદ્ધ થઈ શકે એનું દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું. પ્રત્યેકમાં જે કંઈ સારું હોય તે જ જોવું અને જેમણે જેમણે સત્યને ખાતર, ઈશ્વર વિશેની પોતાની શ્રદ્ધાને ખાતર અને મનુષ્યો પ્રત્યેના પ્રેમને ખાતર યાતનાઓ વેઠી હોય તે સૌ પ્રત્યે નિષ્ઠાભર્યો આદરભાવ દાખવવો એ જ ધર્મોના એકીકરણની રીત હતી.

એ પોતાની પાછળ પોતાનું લખેલું મૂકી ગયા હોય એમ લાગતું નથી, પણ એમના બોલ એમના મિત્રોના કાનમાં ગૂંજી રહ્યા છે. કોઈ નવા ધર્મના સંસ્થાપક કે આરાધ્ય બનવાની એમની ખેવના ન હતી. “મેં તો એક અર્ધ ડૂબેલું દુબળુંપાતળું લાકડાનું ઢીમચું આ દુ:ખપૂર્ણ સંસારસાગરમાં વહેતું મેલ્યું છે. જો લોકો એને છોડીને જીવવા માટે મને બાઝશે તો પરિણામ એ આવશે કે એમને ઉગારવામાં મને સહાયભૂત થવા દીધા વિના તેઓ મને જ ડુબાડશે ગુરુઓથી ચેતો.”

એમનાં કેટલાંક ઉપદેશવચનો આપણા કાનને વિચિત્ર લાગે. અરે, અપમાનકારક સુધ્ધાં લાગે એની મને પાકી ખબર છે, જેમ કે ઈશ્વરની દિવ્ય માતા તરીકેની સંકલ્પના આપણને ચોંકાવે એવી છે. પણ એમ કરવા પાછળ રામકૃષ્ણનો ખરેખર શો ભાવ હતો તે નીચેનાં એમનાં વચનો ખ્યાલમાં લેવાથી સમજી શકાશે.

“ઈશ્વરનો ભક્ત ઈશ્વરને ‘મા’ કહીને સંબોધવામાં શાથી આનંદ અનુભવતો હશે? કારણ કે બાળક માની આગળ વધારે મુક્ત હોય છે અને પરિણામે બીજા કોઈના કરતાં બાળકને મા વધારે વહાલી હોય છે.”

જ્ઞાન અને ઈશ્વરપ્રીતિનાં રહસ્યોનું રામકૃષ્ણે કેવું ઊંડું નિરીક્ષણ કર્યું છે તેની ઝાંખી નીચેની ઉક્તિમાંથી થાય છે.

‘જ્ઞાન અને ઈશ્વરપ્રીતિ આખરે તો એકનાં એક જ છે. શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ પ્રેમ વચ્ચે કંઈ જ ફરક નથી.’

એમની શ્રદ્ધાનું સ્વરૂપ કેવું તો ભવ્ય હતું તેની પ્રતીતિ નીચેના ઉદ્‌ગારોથી થાય છે :

‘સાચે જ, સાચે જ, હું તમને કહી રહ્યો છું કે જે ઈશ્વરને ઝંખે છે તે ઈશ્વરને પામે છે.’

‘જેની પાસે શ્રદ્ધા છે તેની પાસે સર્વ કંઈ છે, અને જેનામાં શ્રદ્ધાનો અભાવ છે તેનામાં સઘળાનો અભાવ છે.’

‘જ્યાં સુધી બાળક જેવા સરળ ન બનીએ ત્યાં સુધી દિવ્ય પ્રકાશ લાધે નહીં. તમે જે કંઈ સાંસારિક જ્ઞાન સંચિત કર્યું હોય તેને ભૂલી જાઓ અને બાળક જેવા અજ્ઞાની બની જાઓ, એટલે તમને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થશે.’

‘આકાંક્ષી ભક્તનું બળ શેમાં રહેલું છે? એ એનાં આંસુમાં રહેલું છે. જેમ મા રડીધૂપીને માગણી કરનારા પોતાના બાળકની ઇચ્છા પૂર્ણ કરવા સંમત થઈ જાય છે તેમ ઈશ્વર પણ એના રડતા પુત્રની માગણી સંતોષવા તૈયાર હોય છે.’

‘જેમ દીવો તેલ વિના જલતો નથી તેમ માણસ ઈશ્વર વિના જીવી શકતો નથી.’

‘ઈશ્વરનો બધાં મનુષ્યોમાં વાસ છે, પણ બધાં મનુષ્યોનો ઈશ્વરમાં વાસ હોતો નથી. એ કારણે જ તેઓ દુ:ખી થાય છે.’

આ પ્રકારની ઉક્તિઓમાંથી આપણને સમજાય છે કે પ્રકૃતિમાં અને મનુષ્ય આત્મામાં દિવ્ય તત્ત્વની વાસ્તવિક ઉપસ્થિતિની પ્રતીતિ જે ઉત્કટતા અને વ્યાપકતાથી ભારતમાં થઈ હતી તેવી બીજે કશે થઈ નથી, અને જો કે ઈશ્વર પ્રત્યેના આતુર અનુરાગને અરે ના, ઈશ્વર સાથે સંપૂર્ણ તદાકાર થયાની અનુભૂતિને રામકૃષ્ણનાં વચનો દ્વારા જેવી અભિવ્યક્તિ સાંપડી છે તેના કરતાં વધારે બળવાન અને પ્રભાવક અભિવ્યક્તિ બીજે કશેથી સાંપડતી નથી તથાપિ પરમાત્મ તત્ત્વ અને મનુષ્ય સ્વભાવને વિખૂટા પાડનારા અવરોધોની પણ રામકૃષ્ણને પૂરેપૂરી ખબર હતી.

આપણે એટલું સ્મરણમાં રાખીએ કે, રામકૃષ્ણનાં વચનો દ્વારા કેવળ એમની જ વિચારધારા આપણી સમક્ષ પ્રગટ થતી નથી પરંતુ કરોડો માનવોની શ્રદ્ધા અને આશા પણ પ્રગટ થયેલ છે ત્યારે એ દેશના ભાવિ વિશે આપણને ખરેખર આશા બંધાય છે. પરમાત્મ તત્ત્વ વિશેની મનુષ્યની સભાનતા ભારતમાં પડેલી છે અને સૌમાં એ ફાળવાયેલી છે, ભલે પછી જેઓ મૂર્તિપૂજાને વરેલા છે. તેમની પણ તેમાં ભાગીદારી હોય. ઈશ્વર હાજરાહજૂર છે એવો સતત વહેતો ભાવ એ જ ખરેખર તો એવી સર્વ સામાન્ય ભૂમિકા છે જેની ઉપર સમીપના કાળમાં ભવિષ્યનું મહાન ધર્મમંદિર રચાશે અને એ મંદિરમાં હિન્દુઓ અને બિનહિન્દુઓ એક જ પરમ ચૈતન્યની આરાધનામાં હાથ મિલાવશે અને હૃદયો જોડશે, એવી આપણે આશા રાખી શકીએ. કેમ કે એ પરમ ચૈતન્ય આપણામાંના કોઈથી દૂર નથી. આપણે એનામાં જ જીવીએ છીએ. પ્રવર્તીએ છીએ અને આપણું તત્ત્વ ખીલવીએ છીએ.

Total Views: 180

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.