આજે વિદાયટાણે

કંઈ જ કહેવું નથી

ને ઘણું કહેવું છે!

કૃષ્ણએ કહેલી ગીતાના

કોઈ એક શ્લોકને ઉગાડજો તમારા શ્વાસમાં.

વૃક્ષની ડાળે બેઠેલા પંખીની

આંખ જ માત્ર

જોઈ હતી અર્જુને

બને તો લઈ આવજો અર્જુનની એ આંખ

દેશની ભાવિ પેઢી માટે

કહેવાય છે કે –

કર્ણના દ્વારેથી

કોઈ ખાલી હાથે પાછું ફર્યું નહોતું,

-તો બને તો

એ હાથ

આવતી કાલને હાથ લાગે

એવું કંઈ ઊભું કરજો.

શ્વાન વિના સ્વર્ગે ન પ્રવેશવાની

યુધિષ્ઠિરની એ વાતને

ફેરવી નાખજો વિશ્વની આઠમી અજાયબીમાં.

પાનું ફાડવાથી

હકીકત અદૃશ્ય થાય છે

તેનો લોપ થતો નથી.

અને એટલે જ..

મેરી માગ્દાલેનોને મારવા

ઉગામેલા તમારા હાથને

એ જ પથ્થરથી છૂંદજો

તમે ચીસ પાડી ઊઠશો…

જાણજો કે લોહીનો રંગ લાલ હોય છે, દોસ્તો!

અને એમાં નથી ચાલતી કોઈ ભેળસેળ

ભેળસેળનો પર્યાયવાચી શબ્દ

આ જમાનાએ ‘શુદ્ધ’ ગણ્યો છે!

અને યુદ્ધ એની સામે જ હોઈ શકે!

(જો હોય તો)

એટલે જ ક્યારેય બનાવટી કરોળિયા થઈ

કોઈનીયે ગુફાના દ્વારે

જાળાં તો ન જ ગૂંથશો….

અને આમ કરવા માટે, દોસ્તો,

છીનવી લેજો સૂર્યની પ્રખર રોશનીને

એ જ આ સમયનો તકાદો છે!

વિદાય ટાણે કંઈ જ કહેવું નથી

ને ઘણું કહેવું છે!

– જોસેફ મેકવાન

Total Views: 142

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.