(જાન્યુઆરી ૧૯૯૨ના અંકથી આગળ)

મને યાદ છે કે ભારત વિશેના મારા એક લેખમાં મેં રામકૃષ્ણ મિશનનો ઉલ્લેખ કરેલ અને મારા ઉપર પત્રોનો જાણે કે રાફડો ફાટ્યો. બધાંને વધારે માહિતીની અપેક્ષા હતી. મારા દેશના એક ખૂણે વસતી પંદર વર્ષની એક કન્યાએ મને લખ્યું:- “તમારા લેખમાં તમે ક્યાં પુસ્તકો વાંચવાં-વગેરે લખ્યું. પણ અહીં અમારા પુસ્તકાલયમાં તે પુસ્તકો અપ્રાપ્ય છે.” તેણે એમ પણ લખ્યું કે તેનો ઓરમાન પિતા તેને મારઝૂડ કરે છે અને માતા નશો કરે છે અને ‘ભારત સિવાય અહીં કોઈ મારું મિત્ર નથી.’ આ એક અતિ હૃદયદ્રાવક પત્ર હતો. તમે જોઈ શકો છો કે યુવા વર્ગ કેટલો રસ ધરાવે છે. પણ તેમની પાસે ઓછી તકો અને સુવિધાઓ છે.

પ્રશ્ન: રશિયાની ધર્મભાવના ‘પેરેસ્ટ્રોઈકા’એ કેવી અસર કરી છે?

શબ્દશ: પેરેસ્ટ્રોઈકાનો અર્થ પુનર્ગઠન જેવો થાય. એ કોઈ ક્રાંતિકારી ફેરફારનો પર્યાય નથી. શ્રી ગોર્બાચેવનો મૂળ ખ્યાલ તો સભાને વ્યવસ્થિત કરવાનો હતો. અને તે પણ અહીંતહીં થોડા ફેરફાર લાવીને. મને ખ્યાલ નથી કે દેશવાસીઓને એ તબક્કે ખ્યાલ પણ આવ્યો હોય કે એને લઈને દેશ એક રાજકીય પદ્ધતિમાંથી બીજી રાજકીય પદ્ધતિ અપનાવવાની હદ સુધી જાય. પણ આનો પ્રત્યાઘાત અકલ્પનીય છે. અગાઉની રાજનીતિમાં તમે જો ધાર્મિક હો તો તમે કેદમાં ધકેલાઈ જાવ કે પાર્ટી સભ્યપદ પણ ગુમાવો. મને લાગે છે કે દેશ હવે બીજે છેડે આવ્યો છે. હવે તો તમે રેડિયો કે ટી.વી. ચાલુ કરો તો એક યા બીજા ધાર્મિક કાર્યક્રમ સાંભળવા, જોવા મળે; જો કે આ જાતની ઓચિંતી અને નિષ્ઠા વગરની ધાર્મિક પ્રવૃત્તિથી કોઈનું ભલું થવાનું નથી એમ મારું માનવું છે. લોકો શા માટે અતિરેક છોડી મધ્યમ માર્ગ અપનાવતા નથી?

પ્રશ્ન: હા, એ એક દયનીય સ્થિતિ છે, કારણ કે કોઈ પણ બાબત અતિપણું કઢંગી હાલત સર્જે. રશિયામાં ક્યા-ક્યા ધર્મો અનુસરાય છે?

આમ તો, મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. વળી રોમન કેથૉલિક, પ્રોટેસ્ટન્ટ, યહૂદી અને બૌદ્ધધર્મી પણ છે. ઉઝબેકિસ્તાન, તાઝિકિસ્તાન, તુર્કસેનિસ્તાન, કઝાખાસ્તાન અને અખૂબૈત્જાન જેવા દક્ષિણના વિસ્તારો મુસ્લિમધર્મી છે. અમારા દેશમાં ધર્મને કારણે ઝઘડા નથી. અત્યારે જે ચરુ ઉકળે છે તે તો રાજકીય છે. તે પ્રાદેશિક પણ છે. કોમવાદને કારણે ત્યાં કોઈ વિસંવાદ સર્જાતો નથી.

પણ આમાંથી અનર્થ એ સરજાય છે કે લોકો ધાર્મિક અંચળા નીચે વહેમી બનતા જાય છે. મને તો લાગે છે કે રશિયા ખરા અર્થમાં ખ્રિસ્તીધર્મી પણ નથી. તેમની કેટલીક માન્યતાઓ તો ખ્રિસ્તીધર્મની શરૂઆત થયા પહેલાંની છે અને તે પણ હજાર વર્ષ પહેલાં રશિયામાં પ્રવર્તમાન હતી તે. ખ્રિસ્તી ચર્ચે તો તેનો સમાવેશ કર્યો તેટલું જ. મૂંઝવણ તો એ બાબતની છે કે કહેવાતા અનેક ખ્રિસ્તીધર્મીઓ માટે ઈશ્વર એ સ્વર્ગમાં વસનાર એક વયોવૃદ્ધ છે જે બધાંને મીઠાઈ વહેંચે છે. હજી પણ કેટલાક મધ્ય યુગની ખ્રિસ્તી ધર્મની માન્યતાઓમાં રાચે છે અને અમુક અંશે રશિયન ઑર્થોડૉક્સ ચર્ચ પણ મધ્યયુગી જ રહ્યું છે. બદલાતા સમયને અનુરૂપ કોઈ પણ ફેરફાર તેમાં થયા નથી તેથી જ ઈશ્વર વિષેના આવા તળપદા ખ્યાલ ધરાવતા લોકો, અર્વાચીન માણસો જેની કલ્પના પણ ન કરી શકે તેવા વહેમો અને પૂર્વગ્રહોથી પીડાતા હોય તે કુદરતી છે. અલબત્ત, અમારા દેશમાં પણ ઘણા સાચી ધાર્મિક ભાવનાવાળાં સ્ત્રી-પુરુષો છે જે પવિત્ર અને સંત જેવાં છે. પણ તેમનાં દર્શન તમને હંમેશ દેવળમાં થાય કે ન પણ થાય.

‘પેરેસ્ટ્રોઈકા’ ચળવળે જાણે કે એક પ્રકારનું ધાર્મિક પુનરુત્થાન આણ્યું છે. દેવળોમાં હાજરી હવે મોટામાં મોટી જોવા મળે છે. દેવળોએ જાહેર કરેલ રજાઓ ભવ્ય રીતે ઉજવાય છે. યેર્લ્સટનની હકૂમત નીચેના વિસ્તારમાં નાતાલને સાર્વજનિક રજા તરીકે જાહેર કરાઈ છે. દેવળો પણ ઉપદેશો અને સમાજ સેવાના ક્ષેત્રમાં પ્રવૃત્તિશીલ બન્યાં છે. વળી સન્ડે સ્કૂલ અને બાઈબલ સ્ટડી જેવાં જૂથો પણ રચાયાં છે. ધર્મગુરુઓ પણ સુપ્રીમ સોવિયેટમાં ચૂંટાઈ રાજકારણમાં ભાગ લે છે. અલબત્ત, આ નવા પુનરુત્થાનમાં દેખાવ પૂરતી પણ અનેક પ્રવૃત્તિઓનો અતિરેક જોવા મળે છે. રશિયનો અતિશયતામાં માનવાવાળા છે, અને એકથી બીજે છેડે જ દોડે છે. પરિણામે આજે રાજ્યના જાહેર નાસ્તિકવાદમાંથી આતુરતાપૂર્વક દેખાડાતી ધર્મભાવના લોકોમાં પ્રદર્શિત થતી જોવા મળે છે – દૃષ્ટાંત તરીકે અનેક પ્રકારના ચમત્કારો માટેની ઘેલછા જોવા મળે છે. અલબત્ત, સમગ્ર વિશ્વમાં પણ આ જોવા મળે છે. વળી, એવા પણ લોકો છે કે જેમને મૃતાત્મા સાથે વાર્તાલાપ કરવાની ઈંતેજારી હોય છે. તો વળી કેટલાકને અન્ય ગ્રહના લોકોને મળવાની ઈચ્છા હોય છે. તો કેટલાક વળી રોગને ચમત્કારથી મટાડવા માંગે છે. કેટલાક ફક્ત રોગગ્રસ્ત અંગ પર એક નજર કરીને રોગ મટાડવાનો દાવો કરે છે. અને આવું બધું રાજ્યનું ટી.વી. દર્શાવે છે! એક વખત ટી.વી. ચાલુ કર્યું તો ખુરશી પર એક માણસ બેઠો હતો અને ટી.વી. જોનાર તરફ મૂગો મૂગો ટગર ટગર જોતો હતો. અવાજ જેવું કંઈ નહીં! પણ પછી એમ લાગ્યું કે એ દેખાડવા માગતો હતો, કે મૌનમાં પણ રોગ નિવારણ શક્તિ છે. કેટલાકે તે ટેઈપ પણ કર્યું છે અને જ્યારે રોગ મટાડવો હોય ત્યારે તેનો ઉપયોગ પણ કરે છે! આનાથી વધુ બીજું શું બેહૂદું હોય? આ બધું સાવ કચરો છે એમ હું નથી કહેતો. આવી ‘શુશ્રૂષા’થી લોકોને ફાયદો થયો પણ હોય છે. પણ એ ‘શુશ્રૂષા’ કરનારને જ એ કેમ ફાયદો થયો તેની કદાચ ખબર નથી હોતી. પણ તેની ભયંકર અસર પણ રહી જાય છે. ટી. વી. પરથી દેખાડાતી આ નવી પદ્ધતિથી એક સ્ત્રીનો દાંત દુ:ખતો બંધ થયો, પણ તેના ખોળામાં સુતેલ બાળકને ઊંધી અસર થઈ. અને હવે ડૉક્ટરો પણ બાળકના રોગનું નિદાન કરી શક્તા નથી.

એક બીજો રસપ્રદ દાખલો. બહુ જ ફેલાવો ધરાવતા અને પ્રતિષ્ઠિત એવા એક વર્તમાન પત્રમાં ફોટો છપાયો હતો. એની નીચે લખવામાં આવ્યું હતું કે એક માસમાં તે કોઈ પણ રોગ મટાડી શકે છે. બીજે દિવસે તે વર્તમાન પત્રની ઑફિસ પર પત્રોનો ઢગ ખડકાયો, કારણ કે તેમાં ‘શુશ્રૂષા’ પદ્ધતિનો ઉલ્લેખ કરેલ ન હતો અને કેટલાકે તો રોગગ્રસ્ત ભાગ પર ફોટો ચોંટાડાવો કે નહીં તેમ પણ પુછાવ્યું. ઘેલછા જેવું લાગવા છતાં આવું બનેલ એ હકીક્ત છે.

પ્રશ્ન: ભારતીય ધર્મ અને તત્ત્વજ્ઞાનનાં પુસ્તકોના અભ્યાસથી આવું બધું બનતું અટકશે એમ તમે માનો છો?

હા, એમાં જરા પણ શંકા નથી. લોકોને સાચા ધર્મનો ખ્યાલ આપવો જોઈએ. ધ્યેયહીન કર્મકાંડ, અંધશ્રદ્ધા, ચમત્કારો અને બીજા ગ્રહોના લોક સંપર્કમાં ધર્મ નથી. મહદ્અંશે સ્વામી વિવેકાનંદના ધર્મ વિષેના વિચારો આ પરિસ્થિતિ સુધારી શકે. તમે જાણો છો તેમ અમે વિવેકાનંદ સોસાયટી પણ શરૂ કરી છે.

પ્રશ્ન: હા, અમે તે વિષે સાંભળ્યું છે. તેનો સવિસ્તર ખ્યાલ આપશો?

આ સોસાયટીનો હું ઉપપ્રમુખ છું. તેનું ધ્યેય અમારા દેશવાસીઓના વિવિધ વર્ગોમાં ભારતીય તત્ત્વજ્ઞાન અને સંસ્કૃતિના ખ્યાલો ફેલાવવાનું છે. રામકૃષ્ણ મિશનના એક સાધુ અમારી સંસ્થામાં જોડાવાના છે. સંસ્કૃત તેમ જ ભારતીય તત્ત્વજ્ઞાન શીખવવાના વર્ગો અમે લઈશું. કાર્યશાળાઓ અને ચર્ચાઓ યોજીશું. ભલે ધીમું પણ એકધારું કામ અમારે લેવું પડશે. એનો અર્થ એ નહીં કે લોકોને ભારતીય બનાવી દેવાના છે, પણ તેમને સનાતન વિચારો પચાવતાં શીખવવાનું છે. સ્વામીજીના વિચારો આપણા હૃદયમાં શ્રેષ્ઠ શું છે તેને પ્રગટ કરવાનું શીખવે છે. અંગત રીતે હું સ્વામી અદ્ભૂતાનંદનો પરમ ભક્ત છું. દેખીતી રીતે અસંસ્કારી અને અતિ વિનમ્ર એવા લાટુ દ્વારા તેના ગુરુ શ્રીરામકૃષ્ણદેવે સહજપણે પ્રકાશ પાથર્યો. હિંદુ પ્રણાલિકાઓમાં શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદના ઉપદેશનાં મૂળ છે, છતાં પણ તે અર્વાચીન હોવાનું લાગે. રામકૃષ્ણ મિશન હિંદુ ધર્મનું પ્રતીક છે. તેથી જ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદને કેન્દ્રમાં રાખીને અમે અમારી સંસ્કૃતિમાં ભારતીય સંસ્કૃતિનું જે કંઈ શ્રેષ્ઠતમ છે તે ભેળવવા માગીએ છીએ. અમારી આશા છે કે આના પરિણામે એકવીસમી સદીના પડકારને અમારા લોકો ઝીલી શકે તેવો સુસંસ્કૃત અને સુદૃઢ પાયો આ સંગમ નાખી શકશે.

પ્રશ્ન: વર્ગ સંચાલન અને પરિસંવાદોના આયોજન ઉપરાંત આ સોસાયટીનું બીજું શું આયોજન છે?

શ્રીરામકૃષ્ણ મિશનના સંન્યાસીની મદદથી મોટા પાયે પ્રકાશન કામ કરીશું. વિવિધ યોજનાઓ પર અત્યારે કામ ચાલે જ છે. કીવમાં, રોમાં રોલાંના શ્રીરામકૃષ્ણના જીવનનું રશિયન ભાષામાં હમણાં જ પ્રકાશન થયું છે. પાંસઠ પાનાંની આ પુસ્તકની મેં લાંબી પ્રસ્તાવના લખી છે. અમારા લોકો માટે આ શુભ શરૂઆત ગણાય. મેકિસમ ગોર્કીના એ અંગત મિત્ર હોવાથી રશિયામાં તે સારી રીતે જાણીતા છે. જો કે શ્રીરામકૃષ્ણ વિષેના આ પુસ્તક માટેની મારી કેટલીક અંગત માન્યતાઓ પણ છે. મને લાગે છે કે તેમનો અભિગમ વધારે પડતો યુરોપીય, કાવ્યમય છે અને ચોક્કસપણે અતિ ગહન નથી. પણ તેમાં એક પણ ગંભીર ભૂલ નથી એ તેનું જમા પાસું ગણાય. અગત્યની વાત એ છે કે રોમાં રોલાં પોતે યુરોપિયન હતા અને તેથી જ દરેક યુરોપીયન માટે તેમનાં અને ઈશરવુડનાં રામકૃષ્ણ વિષેનાં પુસ્તકો સારી રજૂઆત ગણાય.

સ્વામી વિવેકાનંદનાં અગત્યનાં પુસ્તકોનું પ્રકાશન અમે હાથ ધર્યું છે. એક બીજું પુસ્તક હું એવું પ્રકાશિત કરવા માગું છું જેના કેન્દ્રમાં શ્રીમા શારદાદેવી અને પશ્ચાદ્ભૂમિમાં શ્રીરામકૃષ્ણ, વિવેકાનંદ અને અન્ય ભક્તો હોય. વિશ્વ સંસ્કૃતિ જ્ઞાનકોષની ઑડિયો તૈયાર કરવાની પણ અમારી યોજના છે. આ એક મોટું કાર્ય અને તેના પરનું પ્રાસ્તાવિક કામ મેં શરૂ કરી દીધું છે.

પ્રશ્ન: છેલ્લો પ્રશ્ન. ભારત કેવું લાગ્યું?

મારા માનવા પ્રમાણે ભારત હંમેશ યુવાન જ રહ્યું છે. હંમેશ! ભારત એક અતિ પ્રાચીન દેશ છે. છતાં મારી દરેક મુલાકાતે મને તે યુવાન લાગ્યું છે, જેમાં જીવનનો ધબકાર અનુભવાયો છે. એટલું જ નહીં પણ તે નવા વિચારો પચાવી, જરૂરિયાતવાળા બીજાને પોતાની સંપત્તિ આપે છે. મારે માટે આ બાબતમાં વસ્તુલક્ષી બનવું મુશ્કેલ છે, કારણ કે મને હંમેશાં લાગ્યું છે કે મૂળભૂત રીતે હું ભારતીય જ છું. કેટલાંક વર્ષો પહેલાં જ્યારે હું દિલ્હી વિમાનઘર પર ઊતર્યો, ત્યારે મારા એક સહપ્રવાસીને મેં વિમાનમાંથી નીકળતાં નીકળતાં બોલતાં સાંભળ્યા, “ચાલો આપણે લોકો છેવટે ઘેર પહોંચ્યા.” તેમને તો ખ્યાલ પણ ન હતો કે હું તેમની પાછળ જ હતો. એટલું નહીં પણ, હું તેમને સાંભળતો હતો. તેજ દિવસથી મને તેના માટે સવિશેષ સમભાવ થયો. કારણ કે હું પણ તેમના જેમ જ અનુભવતો હતો. હા, ભારત એ મારું ઘર જ છે.

ભાષાંતરકાર: શ્રી વીરેન્દ્ર અંતાણી

(‘વેદાન્ત કેસરી’ મે, ૧૯૯૧માંથી સાભાર)

Total Views: 241

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.