ઈ.સ. ૧૯૦૦ ના માર્ચ માસની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદે ‘ભારતીય આદર્શો’ ઉપર સાનફ્રાન્સિસ્કોના યુનિયન સ્ક્વેરના રેડમેન્સ હોલ ખાતે ત્રણ પ્રવચનો આપેલાં અને આ પ્રવચનોની શૃંખલાનું પહેલું જ પ્રવચન સાંભળવાની તક મને મળેલી. માનસિક તેમજ શારીરિક એમ બંને રીતે મારી નાદુરસ્ત તબિયતને કારણે ઘણા જ પ્રયત્નપૂર્વક હું પ્રવચન સાંભળવા ગયેલી; અને જ્યારે તે ખંડમાં બેસી હું સ્વામીજીના આગમનની પ્રતીક્ષા કરી રહી હતી ત્યારે મારા મનમાં વિચાર પણ આવી ગયો કે ક્યાંક મેં તેમને સાંભળવા આવવાની ભૂલ તો નથી કરીને! પરંતુ થોડી વારમાં જ જેવી સ્વામીજીની ભવ્ય આકૃતિને ખંડમાં પ્રવેશતી જોઈ કે તરત જ મારી બધી જ આશંકાઓ નિર્મૂળ થઈ ગઈ. તેઓ લગભગ બે કલાક સુધી ભારતના આદર્શો વિશે બોલ્યા અને અમે એવું અનુભવ્યું કે તેઓ જાણે કે અમને તેમની પોતાની સાથે પોતાના દેશમાં લઈ ગયા; જેથી અમે તેમને તેમજ તેમણે શીખવેલાં મહાન સત્યોને થોડાં ઘણાં પણ સમજવા શક્તિમાન બનીએ. પ્રવચન બાદ સ્વામીજી સાથે મારી ઓળખાણ કરાવવામાં આવી, પરંતુ તેમની દિવ્યતાના પ્રભાવે લાગણીના અતિરેકમાં હું કંઈ જ બોલી શકી નહિ, પણ મારા મિત્રો કે જેઓ પ્રવચનની સાથે સંકળાયેલાં કામો સંકેલવામાં રોકાયેલા હતા, તેમની રાહ જોતી, સ્વામીજીને નિરખતી દૂર બેસી રહી. બીજા પ્રવચન બાદ પણ ફરી તે જ રીતે દૂર બેસી સ્વામીજીને જોઈ રહી હતી ત્યાં તેમણે ત્યાંથી જ મને ઈશારો કરી પોતાની પાસે બોલાવી. તેઓ જ્યાં ખુરશીમાં બેઠેલા ત્યાં તેમની પાસે જઈને હું ઊભી રહી. તેમણે કહ્યું: ‘બહેન, તમે જો મને ખાનગી રીતે (એકલાં) મળવા ઇચ્છતાં હો તો તમે ટર્ક-સ્ટ્રીટમાં આવેલ મારા નિવાસસ્થાને આવી શકો છો, ત્યાં કોઈપણ કિંમત ચુકવવાની હોતી નથી, પૈસાની કોઈ જ ચિંતા નથી.”

મેં તેમને કહ્યું કે “મને આપને મળવું અતિશય ગમશે.” તેઓ બોલ્યા, ‘આવતીકાલે સવારે આવજો.” અને હું તેમનો આભાર માની ઘરે ગઈ. તે રાત્રિનો મોટોભાગ મારે તેમને પૂછવાના પ્રશ્નો વિશે વિચારવામાં જ પસાર થયો. કેમકે, કેટલાય માસથી ઘણા પ્રશ્નો મને સતાવી રહ્યા હતા અને જેમની-જેમની પાસે હું ગયેલી તેમનામાંથી કોઈપણ મને તે પ્રશ્નોનાં નિરાકરણ માટે ઉપયોગી નીવડેલ નહિ. બીજી સવારે જ્યારે સ્વામીએ કહેલ સરનામા પર ગઈ તો મને કહેવામાં આવ્યું કે સ્વામીજી બહાર જતા હોવાથી કોઈને મળી શકશે નહિ. મેં કહ્યું કે મને તો તેમણે આજે જ મળવા આવવા કહેલું એટલે પછી મને ઉપર જવા દેવાની પરવાનગી આપવામાં આવતાં હું આગલા બેઠક રૂમમાં પ્રવેશી. થોડી જ વારમાં લાંબો ઓવરકોટ તેમ જ નાની ગોળ હેટમાં સજ્જ, ધીમેથી મંત્રોચ્ચારણ કરતાં-કરતાં સ્વામીજી તે ઓરડામાં પ્રવેશ્યા. ઓરડામાં સામી બાજુએ પડેલી એક ખુરશી પર તેઓ બેઠા અને તેમણે પોતાના અદ્વિતીય અવાજમાં તે મંત્રો ગાવાનું ચાલુ જ રાખ્યું પછી બોલ્યા, “હં… બહેન” હું કઈ જ બોલી શકી નહિ, પરંતુ મારી આંખમાં આંસુ આવી ગયાં અને જાણે કે આંસુનાં પૂર ઉમટી પડ્યાં હોય તેમ ખૂબ જ રડવાનું ચાલુ થઈ ગયું. સ્વામીજીએ થોડીવાર મંત્રોચ્ચાર ચાલુ રાખ્યા, પછી બોલ્યા, “આવતી કાલે આ જ સમયે ફરીથી આવજો.”

આ રીતે આ પાવનકારી સ્વામી વિવેકાનંદ સાથેની મારી આ પહેલી મુલાકાત પૂરી થઈ, અને જેવી હું તેમને છોડીને બહાર નીકળી કે તરત જ મને લાગ્યું કે તેમણે મને કંઈ જ પૂછ્યું ન હોવા છતાં મારી સમસ્યાઓનું સમાધાન થઈ ગયું છે. તેમ જ મારા પ્રશ્નોના જવાબ પણ મળી ગયા છે. અત્યારે સ્વામીજી સાથેની મારી તે મુલાકાતને ચોવીસ વર્ષોથી પણ વધુ સમય થઈ ગયો હોવાં છતાં તે મારા સ્મરણમાં, મારા જીવનની ધન્ય પળો રૂપે હજુ પણ અંક્તિ છે. તે પછી ‘ટર્કસ્ટ્રીટ’ ખાતે સ્વામીજી ધ્યાનના વર્ગો લેતા તેમાં જઈ એક માસ સુધી દરરોજ તેમને મળવાની અદ્ભુત તક મને સાંપડેલી.

વર્ગ સમાપ્ત થયા પછી પણ હું રોકાતી અને રસોઈ વગેરે કામમાં મદદ કરતી અથવા બીજા શબ્દોમાં કહીએ તો, સ્વામીજીએ પોતે જ મને તેમની સાથે રસોઈ ઘરમાં આવવા દેવાની, તેમજ રસોઈને લગતાં જુદા-જુદા પ્રકારનાં કામકાજમાં મદદ કરવાની તક આપી હતી. રસોઈ કરતાં કરતાં તેઓ મને ઉપદેશપાઠો સંભળાવતા અને વેદાંત વિશે વાતો કરતા. તેઓ ‘ગીતા’માંથી એક શ્લોકનું વારંવાર પઠન કરતા, તે હતો, અઢારમાં અધ્યાયનો એકસઠમો શ્લોક, “હે અર્જુન! ઈશ્વર બધાના હૃદયમાં નિવાસ કરે છે, અને તે પોતાની જ માયિક શક્તિથી માણસોને (આપણને બધાને) ચક્રની જેમ ઘુમાવ્યે જ રાખે છે.”

તેઓ આ શ્લોક સંસ્કૃતમાં જ ગાતા, અને વારંવાર અટકીને તેની જ વાતો કરતા. તેઓ અત્યંત અદ્ભુત હતા; તેમની પ્રતિભા બહુમુખી હતી-ક્યારેક એકદમ બાળક જેવા, ક્યારેક વળી વેદાંત કેસરી જેવા. પરંતુ મારા માટે તો હંમેશા સહૃદય અને ઉદાર પિતા જેવા હતા. તેમણે મને પોતાને ‘સ્વામીજી’ તરીકે નહિ બોલાવતાં જેવી રીતે ભારતમાં બાળકો પિતાને ‘બાબા’ કહે છે તેમ બોલાવવાનું કહેલું. એક વખત પ્રવચનબાદ સ્વામીજી સાથે વાતો કરતી-કરતી હું એક ગલીમાંથી પસાર થઈ રહી હતી ત્યાં એકદમ જ તેઓ મને ખૂબ જ મોટા લાગવા માંડ્યા. જાણે કે સામાન્ય મર્ત્ય લોકો કરતાં ઘણા જ ઊંચા! અને ગલીમાં પસાર થતા બીજા માણસો જાણે કે વેંતિયા (વામન) લાગવા માંડ્યા. અને તેમની હાજરીનો પ્રભાવ પણ એવો લાગતો હતો કે લોકો પણ તેમને પસાર થવા દેવા બાજુએ ખસી જતા હતા. એક સાંજે પ્રવચન બાદ સ્વામીજીએ અમારામાંના દસથી બાર જણાંને લઈને એક પાર્ટી ગોઠવવાનું નકકી કર્યું. કેટલાંકે આઈસ્ક્રીમ અને કેટલાંકે આઈસ્ક્રીમ-સોડા મંગાવી. સ્વામીજીને આઈસ્ક્રીમ-સોડા કરતાં આઈસ્ક્રીમ વધુ ભાવતો. પરંતુ પરિચારિકા ભૂલથી સ્વામીજી માટે આઈસ્ક્રીમ-સોડા લઈ આવી; પણ પછી પોતાની ભૂલ સમજતાં તે બદલી લાવવા ગઈ. જેવી તે ત્યાં પહોંચી કે તેનો માલિક તેને તેની ભૂલ માટે ખીજાવા માંડ્યો; સ્વામીજી તે સાંભળી જતાં જ મોટેથી બોલ્યા, “તમે બિચારી તે છોકરીને ઠપકો ન આપશો અને જો તમને તેમ જ લાગતું હોય તો પછી ભલે રહી તે આઈસ્ક્રીમ-સોડા, હું તે જ લઈ લઈશ.”

ટર્ક-સ્ટ્રીટમાં એક મહિનો રહ્યા બાદ સ્વામીજી એલેમેડા ગયા અને ત્યાં ‘હોમ ઑફ ટ્રૂથ (સત્ય-નિવાસ) માં રહેલા. તે એક ખૂબ મોટું મકાન હતું અને તેની ફરતે સુંદર બગીચો હતો. તે ઘરમાં એક મોટી અગાસી પણ હતી, જ્યાં અમારામાંના થોડાં સ્વામીજીને ઘેરીને બેસીને વાતો કરતાં. ઈસ્ટરના રવિવારની રાત્રિએ ચંદ્ર તેની પૂર્ણકળાએ હતો. એ વખતે એમણે શિકાગોનો એક પ્રસંગ વર્ણવ્યો. સ્વામીજી જ્યારે શિકાગોમાં હતા ત્યારે બૂટ પહેરવાથી તેમના પગને ઈજા થયેલી અને એક સ્ત્રી ડૉક્ટરે તે અંગૂઠાને બીજા સારા ડૉક્ટરને બતાવી આપવાની જવાબદારી લીધેલી. તે પ્રસંગ યાદ કરતાં સ્વામીજી બોલ્યા, “ઓ અંગૂઠા! ઓ મારા અંગૂઠા! તે સ્ત્રી ડૉક્ટરના વિચારમાત્રથી મારા અંગૂઠાને ઈજા થઈ આવે છે!” પછી અમારામાંના એક સ્વામીજીને ‘ત્યાગ’ વિશેકંઈક કહેવા કહ્યું. “ત્યાગ?” સ્વામીજીએ કહ્યું “બાળકો, ત્યાગ વિશે તમે શું જાણો?”

“ત્યાગ વિશે સાંભળવા માટે પણ શું અમે હજી એટલા નાના છીએ?” એમ પૂછવામાં આવતાં સ્વામીજી થોડીવાર તો મૌન રહ્યા અને પછી તેમણે ખૂબ જ જ્ઞાનપ્રદ અને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું. તેમણે શિષ્યત્ત્વ તેમ જ ગુરુ ઉપર સંપૂર્ણ શરણાગતિ વિશે કહ્યું કે જે પ્રકારનું શિક્ષણ પશ્ચિમના જગત માટે નવીન જ હતું. જ્યારે સ્વામીજી એલેમેડામાં હતા ત્યારે તેઓ રવિવારે બપોરે પોતાના માટે ભારતીય વાનગીઓ બનાવતા, અને ત્યાં ફરીથી મને સ્વામીજી સાથે રસોડામાં રહી, તેમની મદદ કરવાની તેમ જ તેમની બનાવેલી વાનગીઓ ચાખવાની તક મળતી; અને જો કે સાનફ્રાન્સિસ્કો તેમ જ એલેમેડામાં – બંન્ને જગ્યાએ સ્વામીજીના જાહેર પ્રવચનોમાં હાજર રહેવાનો લાભ મળતો હોવાં છતાં, આ તો તેમના નજીકના સંસર્ગમાં રહેવાનો એક અદ્ભુત લ્હાવો હતો જે મને ખૂબ જ આનંદ આપતો. એકવાર થોડો સમય શાંત રહ્યા બાદ સ્વામીજીએ કહ્યું, ‘બહેન, હંમેશા સહિષ્ણુ બનો, હંમેશા બે રીતે જોતાં-વિચારતાં શીખો. જ્યારે હું ઉચ્ચ ભૂમિકાએ રહું ત્યારે ‘હું તે જ તું’ (તત્ત્વમસિ) અને જ્યારે મને પેટની પીડા ઊપડે ત્યારે હું કહું, “હે મા! મારા પર દયા કરો;” આમ હંમેશાં બે રીતે જુઓ. બીજા એક પ્રસંગે એમણે કહેલું “સાક્ષીભાવે જોતાં શીખો.” જો ગલીમાં બે કૂતરા લડતા હોય અને હું બહાર જઉં તો હું પણ તે લોકોની લડાઈમાં જોડાઈ જઉં. પરંતુ જો હું મારા ઓરડામાં જ શાંતિથી બેસી રહું તો હું બારીમાંથી જ તેમની લડાઈને સાક્ષીભાવે જોઉં; તેથી આ રીતે સાક્ષી બનતાં શીખો. સ્વામીજી જ્યારે એલેમેડામાં હતા ત્યારે તેઓ ‘ટકર હોલ’ ખાતે જાહેર પ્રવચનો આપતા હતા. એ વખતે એમણે ‘માનવનું ભાગ્ય’ ઉપર એક અદ્ભુત પ્રવચન આપેલ અને તે પ્રવચન પૂરું કરતાં તેમણે પોતાનો હાથ છાતી પર મૂકીને કહેલું “હું ઈશ્વર છું” એક પ્રકારની પરમશાંતિની લહર બધા જ શ્રોતાગણ ઉપર ફરી વળી. વળી, તેમાંના ઘણા લોકોએ સ્વામીજીના આવા કથનની નિંદા પણ કરેલી.

એક વખત સ્વામીજીએ પરંપરાથી કંઈક જુદી રીતે કોઈ કાર્ય કર્યું. મને તે આઘાતજનક લાગ્યું, એટલે તેઓ બોલ્યા, “અરે બહેન! તમે હંમેશાં આ નાના બાહ્ય જગતને જ સારું જોવા ઇચ્છો છો. બાહ્યવસ્તુ કંઈ જ નથી, જે છે તે તો આંતરિક જ છે.”

અમે કેટલા ઓછા પ્રમાણમાં સ્વામીજીને સમજી શક્યા? તેઓ ખરેખર કોણ હતા તેનું અમને તો કંઈ જ જ્ઞાન નહોતું. ક્યારેક કોઈ બાબત વિશે મને કંઈક કહેતા, તો હું મારા ઘોર અજ્ઞાનને કારણે તેમની સાથે સંમત ન થતી ત્યારે પણ તેઓ હસીને કહેતા, “તમે સહમત નથી થતા?” તેમનો પ્રેમ અને સહિષ્ણુતા અદ્ભુત હતાં. સ્વામીજીની તબિયત સારી ન હોવા છતાં પણ તેમને ઘણાં બધાં પ્રવચનો આપવાં પડતાં-ઘણીવાર તેઓ કહેતા “મને હવે પ્રવચનો આપવાનું કાર્ય ગમતું નથી, જાહેર પ્રવચનો હવે મને મારી નાંખે છે. આઠ વાગ્યે મારે ‘ભક્તિ’ ઉપર બોલવાનું છે, પરંતુ તે સમયે મને તેવી કોઈ જ લાગણી પણ થતી નથી.” (તો પછી બોલું કેવી રીતે?)

એલેમેડામાં વ્યાખ્યાનો પૂરાં કરી સ્વામીજી કેમ્પ ટેઈલર ગયા અને ત્યાંથી થોડા જ સમયમાં પૂર્વમાં પોતાના દેશ ભણી જતા રહ્યા; અને પછી કેલિફોર્નિયામાં અમે ક્યારેય તેમને ફરી મળી શક્યા નહિ. છતાં પણ તેમની હાજરીથી પાવન થયેલાં અમે એવું નથી અનુભવ્યું કે તેઓ અમારાથી ઘણે દૂર જતા રહ્યા છે. તેઓ અમારા સ્મરણમાં તેમ જ તેમણે અમને આપેલા શિક્ષણમાં હંમેશા વિદ્યમાન છે. તેમણે જતાં પહેલાં મને કહેલું, “જો તું ફરીથી ક્યારેય માનસિક ચિંતામાં આવી પડીને મને યાદ કરીશ તો હું જ્યાં પણ હોઈશ ત્યાંથી તને સાંભળીશ-ભલે હજારો માઈલ દૂર હોઉં” અને ખરેખર એવું બને છે. – અત્યારે પણ તેઓ મને સાંભળે છે.

ભાષાંતર: કુ. સીમા માંડવિયા

[‘Reminiscenes of Swami Vivekananda’માંથી સાભાર]

Total Views: 264

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.