(શ્રીમત્ સ્વામી આદિનાથાનંદજી મહારાજ (કાલી મહારાજ) રામકૃષ્ણ મિશન વિવેકાનંદ સોસાયટી, જમશેદપુરના સેક્રેટરી છે અને હાલ શારીરિક અસ્વસ્થતાને કારણે રામકૃષ્ણ મઠ અને મિશનના મુખ્ય કેન્દ્ર, બેલુર મઠના આરોગ્ય ભવનમાં સારવાર લઈ રહ્યા છે. શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવેલ જૂજ હયાત શિષ્યોમાંના એક છે. પોષ માસમાં કેવી અણધારી રીતે તેમને મા કાલીનાં – શ્રીમા શારદાદેવીનાં – દર્શન થયાં તેનું રોચક વર્ણન અહીં મળે છે.)

શ્રીમા પાસેથી મને ઈ.સ. ૧૯૧૯ના ડિસેમ્બરમાં દીક્ષા મળી હતી અને એ પણ અનોખી રીતે.

બેલઘરીયા, રામકૃષ્ણ મિશન, કલકત્તાના વિદ્યાર્થી-ગૃહ પાસેના ‘બંગ છાત્રાવાસ’માં ત્યારે હું રહેતો હતો. હું અવારનવાર વિદ્યાર્થી ભવનની મુલાકાત લેતો. ત્યારપછી હું ત્યાં એક કર્મચારી તરીકે જોડાયો – એ સમયગાળા બાદ હું રામકૃષ્ણ મિશનના સંચાલનમાં મઠ-નિવાસી સંન્યાસી તરીકે જોડાયો હતો. વિદ્યાર્થી ભવનના ગૃહપતિ માનનીય અનાદિ મહારાજ (સ્વામી નિર્વેદાનંદજી) અમારી સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વાતચીત કરતા. દર રવિવારે હું બીજા વિદ્યાર્થીઓ સાથે બેલુર મઠ જતો. રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી મહારાજ), ઉપરને પગથિયે ગંગા તરફ મોં કરી પરસાળમાં બેઠા હોય અને ઘણી રમૂજ કરે. તેઓ અમને ‘સુરેનેર દલ’ કહીને બોલાવતા જેનો અર્થ થાય – સુરેનના સાથીઓ. પૂજ્ય અનાદિ મહારાજનું એ હુલામણું નામ હતું.

સન ૧૯૧૯ના ડિસેમ્બરમાં હું એક યુવકના ભોમિયા-વોળાવિયા તરીકે જયરામવાટી ગયો – એ જ યુવક ત્યાર પછી રામકૃષ્ણ મઠમાં વિધિવત્ જોડાઈ ગયા અને સ્વામી સાધનાનંદ તરીકે ઓળખાયા. તેઓ શ્રીમા પાસેથી દીક્ષા લેવા ઇચ્છતા હતા. સિલ્હટના એક ભક્ત પાસેથી તેઓ પરિચય-પત્ર પણ લઈ આવેલા. તેમને જયરામવાટીના માર્ગની ખબર ન હતી. એટલે હું તેમની સાથે ગયો. પરંતુ જયરામવાટી પહોંચ્યા પછી તેમણે શ્રીમાને કહ્યું કે, “અમે ગુરુમંત્ર લેવા માગીએ છીએ.” તેમણે ‘હું’ને બદલે ‘અમે’ શબ્દ વાપર્યો. હું દીક્ષા લેવા માગતો ન હતો પણ ચુપ રહ્યો. શ્રીમાના સેવકોએ પ્રથમ ઈન્કાર કર્યો કારણ કે શ્રીમા તે વખતે બિમાર હતાં- તેમને ‘કાલાજાર’નો હુમલો થયો હતો. એના થોડાક મહિનાઓ પછી તેઓએ આ નશ્વર શરીર ત્યજી દીધું. પરંતુ, અમે પૂજ્ય ઈન્દ્રદયાળ મહારાજ (સ્વામી પ્રેમેશાનંદ)ના પરિચિત હતા – એ જાણ્યા પછી શ્રીમાએ અમને બન્નેને દીક્ષા આપવાની સંમતિ આપી.

બીજા દિવસે સવારે, અમને શ્રીમાની ઉપસ્થિતિમાં મંદિરે લઈ જવામાં આવ્યા. સામાન્ય રીતે તેઓ પોતાના ચહેરા પર લાંબો ઘૂંઘટ ઢાળી રાખતાં પરંતુ દીક્ષા સંસ્કારવિધિ સમયે તેમણે ઘૂંઘટ રાખ્યો નહોતો. દીક્ષા પછી તેઓ રસોઈમાં વ્યસ્ત થઈ ગયાં. તેમની નાદુરસ્ત તબિયત હોવા છતાંય તેમણે અમારા માટે ખાસ શાક તૈયાર કર્યું. મને થયું કે આ મારી કેવી ગુરુસેવા! હું તેમને રાંધવાની તકલીફ આપી એ સેવા કરી રહ્યો છું! આખો દિવસ પરમાનંદમાં પસાર થયો.

એ પછીના દિવસે સવારે અમે જવાની તૈયારી કરી રહ્યા હતા. એ ખૂબ જ આકરો સમય હતો. વિદાયની વેદના અનિવાર્ય બની ગઈ હતી. શ્રીમાએ અમને અત્યંત વહાલી અને હૃદયસ્પર્શી વિદાય આપી. માર્ગમાં ખાવા માટે તેમણે અમને મમરા અને ગોળ આપેલા. ચાપાડાંગા થઈને બે દિવસ ૭૦ કિ.મી. ચાલતા રહી અમે કલકત્તા પહોંચ્યા. શ્રીમાની રજા લેતી વખતે મારા સાથીદારે ખૂબ જ ચપળતાથી પૂછ્યું – “મા, મંત્રનો જાપ કેટલીવાર કરવો જોઈએ?” તેમણે જવાબ આપ્યો – “દસવાર જાપ કરજો”. અમે એ સાંભળીને ખુશ થયા કે તેમણે અમારા માટે ઘણું સહેલું કરી દીધું છે. આ સાંભળીને પૂજ્ય શરત મહારાજ (સ્વામી શારદાનંદજી મહારાજ) બોલ્યા, “હા, મુક્તિ માટે એટલું પૂરતું છે. પરંતુ મનને સ્થિર કરવા માટે અને એને અંકુશમાં રાખવા માટે, વધારે જાપ જરૂરી છે.”

પૂજ્ય અનાદિ મહારાજ અમારી દીક્ષા વિષે સાંભળી ખૂબ જ રાજી થયા. મેં તેમને કહ્યું કે, પૂજ્ય રાજા મહારાજે મને સલાહ આપી હતી કે પોષ માસમાં શ્રીમાનું દર્શન કરવું! આશ્ચર્યની વાત. જ્યારે હું જયરામવાટીથી પાછો આવ્યો ત્યારે ખબર પડી કે એ પોષ માસ જ હતો અને પૂજ્ય રાજા મહારાજની ઇચ્છા મારા કોઈ પણ આયોજન વગર પૂર્ણ થઈ હતી.

શ્રી અનાદિ મહારાજે પૂછ્યું, “તમે જાણો છો કે પૂજ્ય રાજા મહારાજે તમને શા માટે શ્રીમાનું પોષમાં જ દર્શન કરવા કહ્યું? કારણ કે પોષ માસમાં મા કાલીનું દર્શન કરવાથી વિશેષ લાભ થાય છે અને શ્રીમા પોતે કાલી માં છે.’”

કોઈ પણ ઈરાદા વગર શ્રીમા પાસેથી મંત્રદીક્ષા મેળવવા માટે હું ખરેખર ખૂબ જ નસીબદાર હતો; કારણ કે ગુરુમંત્ર લીધાના બે માસની અંદર શ્રીમાને નાદુરસ્ત તબિયતના કારણે કલકત્તા ખાતે ખસેડવામાં આવ્યાં. લાગે છે કે અમને ગુરુમંત્ર આપ્યા પછી શ્રીમાએ માત્ર બીજી બે જ વ્યક્તિને ગુરુમંત્ર આપેલ. કલકત્તામાં “ઉદ્‌બોધન” ખાતે બાગબઝારમાં હું શ્રીમાનું દર્શન કરવા ગયો. પરંતુ, તેમની નાદુરસ્તીના કારણે મને તેમની પાસે જવાની પરવાનગી ન મળી. પૂજ્ય શરત મહારાજે મને સીડીની નીચેથી જ વંદન કરવા કહ્યું. થોડાક દિવસની અંદર જ મેં એક મિત્ર પાસેથી સાંભળ્યું કે, શ્રીમા પોતાનો નશ્વર દેહ છોડી ચૂક્યાં હતાં. હું કૉલેજેથી સીધો જ બેલૂરમઠ ધસી ગયો. ત્યાં તેમના દેહનો અગ્નિસંસ્કાર થવાનો હતો. ગંગા તટે અંતિમ દર્શનાર્થે મોટી ભીડ જામી હતી. અગ્નિસંસ્કાર પછી, ભક્તોની ખૂબ જ ભીડ જામી હતી. તેઓ ભસ્મ લેવા આતુર હતા. શ્રીમાના અંતિમ આશીર્વાદ માટે ઊમટી પડેલ ભક્તજનો નિરાશ થયા કારણ કે પૂજ્ય શ્રી શરત મહારાજે ભસ્મને સ્પર્શ કરવાની મનાઈ ફરમાવી દીધી. આ એક અભૂતપૂર્વ અવિસ્મરણીય અનુભવ હતો. શ્રીમા દિવ્યશક્તિમાં એકાકાર થઈ ગયાં હતાં.

અનુવાદક: શ્રી અશોક ચંચલ

Total Views: 244

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.